પ્રભાગ : ૧

વહાલા વિદ્યાર્થીઓ, 

એક દિવસ તમારું વિશ્વવિદ્યાલયનું શિક્ષણ પૂરું થશે. પછી તમારે જવાબદારી ભર્યા વિવિધ કાર્યોનો બોજ વહન કરવો પડશે. હવે તમે વિદેશીઓના હાથની કઠપૂતળી રહ્યા નથી. તમે તો સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક છો. હવે તમારે તમારું લક્ષ્ય આ ત્રણ બાબતો પર કેન્દ્રિત કરવું જ જોઈએ : (૧) તમારું પોતાનું કલ્યાણ (૨) તમારા રાષ્ટ્રનું કલ્યાણ (૩) અને સમગ્ર માનવજાતનું કલ્યાણ. એટલા માટે જ આ નવા યુગમાં તમારા નવજીવન માટે યોગ્ય હોય તેવું શિક્ષણ નિતાંત આવશ્યક છે.

શિક્ષણ શું છે?

જેને પ્રાપ્ત કરીને પોતાના સમગ્ર જીવનકાળને પૂર્ણપણે સુખમય બનાવવું એ શિક્ષણ છે. જેના દ્વારા બાળપણના આનંદને યુવાનીમાં એને આનંદ વિહોણો ન બનાવે તેનું નામ શિક્ષણ છે; એ શિક્ષણ યુવાનીના સુખને એની પ્રૌઢાવસ્થામાં એને દુ:ખ-શોકમય બનાવતું નથી; અને એ જ રીતે પ્રૌઢાવસ્થાના સુખને એની વૃદ્ધાવસ્થામાં એને દુ:ખ-શોકમય બનાવતું નથી. સાચું શિક્ષણ એ છે કે જેના પરિણામે વ્યક્તિગત સુખ દ્વારા આખો સમાજ સુખી થાય છે. અને એક સમાજની સુખાકારી બીજા સમાજની સુખાકારી પર તરાપ મારતી નથી. દુ:ખપીડાને દૂર કરે, સુખાકારી વધારે અને એ સુખાકારીને લાંબો સમય ટકાવી રાખે એનું નામ શિક્ષણ. સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘કેળવણી એટલે માનવની અંદર પહેલેથી જ રહેલ પૂર્ણતાનું પ્રગટીકરણ.’

શિક્ષણમાં શું ન હોવું જોઈએ?

પોતાના જીવનનિર્વાહ માટે વ્યાવસાયિક શિક્ષણતાલીમ મેળવવી એ શિક્ષણનો એક નાનો અને ક્ષુલ્લક ભાગ છે. માનસિક વિકાસ માટે વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, ધર્મ, ઇતિહાસ, સંગીત, કલા, ઉદ્યોગ વગેરે વિષયોનું જ્ઞાન નિ:શંક રીતે જરૂરી છે, પણ શિક્ષણનો મુખ્ય હેતુ તો છે ચારિત્ર્યઘડતર કે સાચી માનવતાનું પ્રગટીકરણ. જો વ્યક્તિનું ચારિત્ર્ય ઉચ્ચગ્રાહી અને મહાન ન બને અને તે એક માનવ રૂપે ઉન્નત ન થાય તો બધું શિક્ષણ નિરર્થક છે. ગમે તેટલું શિક્ષણ મેળવ્યું હોય છતાં ચારિત્ર્યવિના માનવનું જીવન પોતાની જાતને માટે અને સમાજને માટે ક્યારેય કલ્યાણકારી બનતું નથી.

ગઈ શતાબ્દીઓમાં માનવની સમજણશક્તિમાં ઘણો વધારો થયો છે. પરંતુ આજે પણ માણસો પોતાનું કલ્યાણ કેવી રીતે સાધવું એ જાણતા નથી. એટલા જ માટે આજના શિક્ષણમાં સારી રીતે કેળવાયેલા લોકો પોતાની સ્વાર્થી વૃત્તિ, ટૂંકા દૃષ્ટિકોણ અને દ્વેષભાવ દ્વારા અવારનવાર પોતાનો વિનાશ નોતરે છે. આવા કહેવાતા શિક્ષિતો અને સભ્ય લોકો દેખીતી રીતે પણ આટલું સાદું સત્ય સમજવા શક્તિમાન નથી બનતા કે અસંયમિત રાષ્ટ્રવાદ બીજા વિદેશના દેશો પ્રત્યે શત્રુભાવ-દ્વેષભાવને જન્મ આપે છે; પોતાના દેશ પ્રત્યેનો અવિવેકપૂર્ણ દેશપ્રેમભાવ બીજા લોકોની સમૃદ્ધિને લૂંટવા પ્રેરે છે; સાચી ધર્મ વિભાવના વિનાનો પોતાના ધર્મ પ્રત્યેનો ઉપરછલ્લો પ્રેમભાવ-કટ્ટરવાદ બીજી પ્રજાના ધર્મો પ્રત્યે ઘૃણા ઊભી કરે છે.

પ્રાચીનકાળથી સુસંસ્કૃત સમાજમાં યુવાનોના શિક્ષણ માટે વિવિધ પદ્ધતિઓ ઉપયોગમાં લેવાઈ રહી છે. પ્રાચીન ભારતમાં આવી એક કેળવણીની સંસ્થા ‘બ્રહ્મચર્યાશ્રમ’ ના નામે જાણીતી હતી અને તેમાં રહેનારા વિદ્યાર્થીઓ બ્રહ્મચારીના નામે ઓળખાતા. આજના આધુનિક સમયની લશ્કરી તાલીમ જેવી આ બ્રહ્મચર્યાશ્રમ-શિક્ષણપદ્ધતિનું શિસ્ત-વિનયના નિયમોથી નિયમન થતું હતું. પરિણામે આ સંસ્થામાં કેળવાયેલા લોકો ઉમદા ચારિત્ર્ય વિકસિત કરતા અને સમાજ એમના નિર્ણયોને માનપૂર્વક સ્વીકારતો. પ્રાચીનકાળથી આપણું ભારત ઘણા શક્તિશાળી, ક્રૂર એકચક્રી શાસકો, જંગલી જેવા અને અર્ધસંસ્કૃત પ્રજાના હાથે કચડાયું હોવા છતાં પ્રાચીનશિક્ષણપ્રણાલીને કારણે આજે પણ જીવંત અને શક્તિશાળી રહ્યું છે. સાચી કેળવણીની સહાયથી ભારતની એ પ્રાચીન ગૌરવગરિમાને ફરીથી લાવવાની જવાબદારી હવે તમારા પર છે.

જે સમાજમાં દરેક વ્યક્તિને વિકાસ માટે પૂરેપૂરી તક મળે છે તે સમાજ પ્રગતિશીલ સમાજ છે. કોઈ સમાજમાં સમાજના એકભાગને દબાવીને બીજાનો વિકાસ કરવો શક્ય નથી. દરેકેદરેકને સમાન તક આપવી જ રહી.

વિદ્યાર્થીમિત્રો, તમારા પોતાના સ્વવિકાસ માટે હંમેશાં સચેત રહો અને ભારતના બધા લોકોને સમાન રીતે ઊંચે લાવવા મથતા રહો. આ મહાપ્રતિજ્ઞા લેવાથી તમારા જીવનપર પ્રભુની કૃપા ઊતરશે.

માનવ સિવાય બધા પ્રાણીઓ શરીર અને મનના આવેગોને અનુસરે છે. શિક્ષણને કારણે માત્ર માનવ પોતાનાં શરીરમન પર સંયમ લાવી શકે છે અને પોતાની રીતે સ્વતંત્ર ભાવે વર્તનવ્યવહાર કરી શકે છે. આવી શિક્ષણપ્રણાલિ ભૂતકાળમાં ભારતમાં પ્રવર્તતી હતી. પરંતુ, બીજાં રાષ્ટ્રોના આપણા પરના લાંબા સમયના શાસનને કારણે આપણે આપણી ભારતીય સંસ્કૃતિને મહદંશે ગુમાવી દીધી છે. હવે આ આઝાદ ભારતમાં ‘જે લખી વાચી જાણે તે શાહી સુખાસનમાં વિરાજે’ એવું નહિ કહી શકીએ અને એવું ચાલશે નહિ. આજના યુગમાં માનવજીવનના સાર્વત્રિક વિકાસ સિવાય ટકી રહેવું શક્ય નથી. વિચાર અને આચારની શક્તિઓના આવિષ્કરણનાં સાધનોની ચર્ચા કરતાં પહેલાં માનવની વાસ્તવિક પ્રકૃતિને સમજવી જરૂરી છે. એક વખત એ બધું સમજી જઈએ તો આપણું કાર્ય સરળ બની જાય. એટલે હવે પછી આપણે આ વિષય પર સંક્ષેપમાં ચર્ચા કરીશું.

પ્રભાગ : ૨

માણસના હાથ અને પગ ટેબલ કે ખુરશીના ચાર પાયા જેવા છે. ચાર પગવાળા પ્રાણીને જુઓ. માણસ પોતાના હલનચલનનું કાર્ય પોતાના બે પગથી કરી શકે છે. આગળના બે પગ જો હાથમાં ફેરવી નખાય તો તે કેટલું બધું કાર્ય કરી શકે તે ખરેખર આશ્ચર્ય છે. અને પક્ષીઓ પણ પોતાના બે હાથ – પોતાની બે પાંખથી નીલગગનમાં વિમાનની જેમ કેવું મજેથી ઊડી શકે છે! હાથપગ છોડતાં બધાં પ્રાણીઓનાં શરીર એક માથું બીજું ધડ એમ બે વિભાગમાં વહેંચાયેલ છે. માથું એ માલિકનું ઘર છે અને ધડ એ તેનું કારખાનું છે. માલિક પોતાના મુખ્ય નિરીક્ષક બુદ્ધિ સાથે તે ઘરમાં રહે છે. તેનો મુખ્ય મદદનીશ, મન બુદ્ધિ સાથે રહે છે. મનને પોતાના દસ સેવકો – પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો – છે.

આ કારખાનાના મુખ્ય ઇજનેર – પ્રાણ દિવસરાત અવિરતપણે અને અમાપશક્તિથી કાર્યરત રહે છે. તે માલિકના ઘર – માથું અને કારખાનાં – ધડનાં બધાં પ્રકારના ઘડતર કાર્યમાટે સમગ્ર શરીર પર પૂરેપૂરો અંકુશ ધરાવે છે. ફેફસાંનું સંચાલન કરીને પ્રાણ શરીરની અંદરથી દુષિત હવા બહાર કાઢે છે અને બહારની તાજી હવાને અંદર લાવે છે. જેવો કોળિયો મોંમાં મુકાય છે કે તરત પ્રાણ વિવિધ પ્રકારનાં રસાયણોનો ઉપયોગ કરે છે અને પોતાની અદ્‌ભુત શક્તિથી એ કોળિયાના ખોરાકને નખશીખ સુધીના શરીરના જુદા જુદા અવયવો માટે પોષક આહારમાં ફેરવી નાખે છે. તેણે સમગ્ર શરીરના ઘડતર, જાળવણી અને સુધારણાના કાર્યમાં સતતપણે પ્રવૃત્ત રહેવું પડે છે. જેમ એક સુથારને લાકડાનો એક ટૂકડો મળી જતાં તેમાંથી સુંદર મજાનું રાચરચીલું બનાવી શકે છે તેમ આ શરીરને પોષક આહાર મળે છે ત્યારે મજબૂત અને સુંદર શરીર બંધાય છે. મુખ્ય નિરીક્ષક – બુદ્ધિ એક જગ્યાએ બેસી રહે છે અને પોતાના મુખ્ય મદદગાર મનને તેનાં જુદાં જુદાં ફરજધર્મોમાં રોકી રાખે છે. આ મનની ત્રણ જવાબદારીઓ છે : તેનું પ્રથમ કાર્ય તો શરીરના નખશીખ સુધીના બધાં ભાગોમાં ફરવાનું અને માહિતી ભેગી કરવાનું છે; પોતાના પાંચ સેવકો – જ્ઞાનેન્દ્રિયોની મદદથી બહારના વિશ્વનું નિરીક્ષણ કરવાનું અને બધી માહિતી એકઠી કરવાનું કાર્ય એ તેનું બીજું કાર્ય છે; તેનું ત્રીજું કાર્ય પાંચ કર્મેન્દ્રિયોને બુદ્ધિના માર્ગદર્શન પ્રમાણે કાર્યમાં રત રાખવાનું છે.

જો જાસૂસો પાડોશના રાજ્યોની પરિસ્થિતિ વિશે પૂરેપૂરી વિશ્વસનીય માહિતી પૂરી ન પાડી શકે તો રાજા પોતાના રાજ્યના કલ્યાણની બરાબર વ્યવસ્થા કરી શકતો નથી. બરાબર આ જ રીતે બુદ્ધિના મદદનીશ – મનને શરીરની બહાર અને અંદરની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાની વધારે ને વધારે સારી તક મળવી જોઈએ જેથી તે પોતાની નિરીક્ષણશક્તિના કાર્યમાં વધારે કુશળ બની શકે; અને એને પરિણામે બુદ્ધિ આત્મસુધારણા વધુ સારી રીતે કરવાની ગોઠવણ કરી શકે. એટલા માટે મનને બલિષ્ઠ, ચપળચકોર અને પાણીદાર બનાવવું જોઈએ જેથી બુદ્ધિને અનુભવ મળી રહે અને પોતાને પોતાના સ્વકલ્યાણમાં રત રાખી શકે.

(ક્રમશ:)

Total Views: 141

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.