દક્ષિણેશ્વર શ્રીરામકૃષ્ણદેવની ‘નરલીલાભૂમિ’, દિવ્યાનંદની અનન્ય હાટ હતી. એમના પાર્થિવ જીવનનાં છેલ્લાં ૩૦ વર્ષનો એટલે કે ઈ.સ. ૧૮૫૫ થી ૧૮૮૫ સુધીનો જીવનકાળ પૃથ્વી પરની આ સ્વર્ગભૂમિ, દક્ષિણેશ્વરમાં ગાળ્યો હતો. સ્વામી વિવેકાનંદે એ દિવસો યાદ કરતાં કહ્યું હતું: ‘શ્રીઠાકુરના સાંનિધ્યમાં અમે જે અવર્ણનીય આનંદ અનુભવ્યો તે અનુભવની વાત બીજાને સમજાવવાનું શક્ય નથી. અમારી જાણ બહાર શ્રીઠાકુરે અમને કેવી રીતે કેળવ્યા અને હસતાંરમતાં અમારું આધ્યાત્મિક જીવનઘડતર કર્યું – એ હકીકત અમારી સમજબહારની વાત છે.’ આનંદ અને દિવ્યભાવના એ દિવસો વિશે સ્વામીજીના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદ કહે છે: ‘અહા! દક્ષિણેશ્વરના તે દિવસો સ્વર્ગતુલ્ય દિવસો હતા. સવારથી બપોરના એક વાગતા બધા જ ફૂલને ચૂંટવામાં અને ઉપાસનાની તૈયારી કરવામાં તેમજ ગરીબોને ખવડાવવામાં સૌ મશગૂલ હતા. તે દરમિયાન શ્રીરામકૃષ્ણ આધ્યાત્મિક વિષયોની ચર્ચા કરતા અને ભક્તો તેમને એકાગ્રતાથી, ધ્યાનથી સાંભળતા. તેમનાં હાસ્ય અને મજાક પણ ઈશ્વરસંબંધી રહેતાં… શ્રીઠાકુરના સંગે એકાદ કલાકનું કરેલું સમૂહ ભજન-કીર્તન એટલા વિપુલ આનંદથી ભરી દેતું, જાણે કે અમે કોઈ એક દિવ્યલોકમાં આવી પહોંચ્યા હોય એવું અમે અનુભવતા. પરંતુ આજે ધ્યાનમાં પણ એ પ્રકારની પરમાનંદ અવસ્થા કે તેની છાયા પણ પ્રગટ કરતું હોય તેમ લાગતું નથી. ઉપર્યુક્ત ભજન-કીર્તન પછીની આવી પરમાનંદ અવસ્થા અમારી સાથે સતત એક અઠવાડિયા સુધી રહેતી. અમે આવો દિવ્યોન્માદ અનુભવતા પરંતુ એ બધું કેમ અને શા માટે બનતું એનાથી અમે અજાણ હતા. આ અનુભૂતિને આજે કોણ માને? કોઈને ગળે આ વાત ઊતારવી એ કઠિન છે; છતાં પણ મારે કહેવું રહ્યું. સામાન્ય માનવ દુ:ખને લીધે નિર્વાણ ઝંખે છે પરંતુ દિવ્યતા સાથે ભળી જવામાં સમાયેલા આનંદને તે જાણતો નથી.’

શ્રીરામકૃષ્ણદેવ સામાન્ય રીતે પોતાની સુવાની મોટી પથારીની સામે લાકડાના નાના ખાટલા પર પલાંઠીવાળીને બેસતા. એમના વિશાળ ઓરડામાં આ જ એમનું રાચરચિલું હતું. એમની આસપાસ ધોળેલી ચાર દીવાલો આમ તો સાવ કોરી હતી સિવાય કે એના પર શ્રી ચૈતન્ય અને નિત્યાનંદ, શ્રીમા કાલી, પીટરને દરિયામાંથી બચાવતા ઈસુ ખ્રિસ્ત, જેવા દિવ્યાવતારોનાં રંગીન ચિત્રો હતાં. અહીં દરરોજ ધૂપદીપ થતાં. લાકડાના આ વિશાળ દરવાજાવાળા અને ઊંચી છતવાળા આ ઓરડાની પરસાળમાંથી કોઈ પણ વ્યક્તિ સહજ રીતે મંદિરના સુંદર મજાના ઉપવનને અને સામે જ વહેતા ગંગાના મહાપ્રવાહને નિહાળી શકતી. જાસ્મિન અને ગુલાબની મીઠી સુગંધ સાથે વહેતી લેરખીઓ અને નાનાં નાનાં પક્ષીઓના અવિરત ચાલતા કિલ્લોલ અહીં સતત વહેતાં રહેતાં. આખો દિવસ ખુલ્લા રહેતા બારણામાંથી ચકલાં મુક્તપણે આવજા કરતાં રહેતાં. આખો દિવસ અને અવારનવાર મોડી રાત સુધી પ્રશાંતગંભીર ભાવે બેઠેલા શ્રીરામકૃષ્ણદેવની આસપાસ લોકોનો પ્રવાહ વહેતો રહેતો. તેઓ પોતાના સાદાસીધા ખાટલા પર એક રાજા જેમ પોતાના સિંહાસન પર બીરાજે તેમ બીરાજતા. પણ તેઓ તો એક નિર્મળ નિર્દોષ બાળરાજા જેવા ભક્તોના રાજા હતા. આ દિવ્યપ્રેમ દરબારને માસ્ટરમહાશયે – શ્રીમહેન્દ્રનાથ ગુપ્તે ‘આનંદ નિકેતન’ કહ્યો છે. પરંતુ આ મહાસમ્રાટ તો અહંકારશૂન્ય અને લેશમાત્ર સ્વની ભાવના વિનાના હતા. સૌ પ્રથમ વખત આવનાર કોઈ સામાન્ય મુલાકાતીને એમનાં રીતભાત અને બાહ્યદેખાવને લીધે તેઓશ્રી કેટલાય સુખ્યાત લોકોના આદરણીય ગુરુ હતા એવો ખ્યાલ એમને ભાગ્યે જ આવતો. કમરે એક વસ્ત્ર વીંટાળીને પોતાના ખાટલા પર બેસીને વેધક છતાં પ્રેમાળ, તેજસ્વી અને આનંદપૂર્ણ નયને સૌ ભક્તો સાથે વાર્તાલાપ કરતા. કેટલીક વાર પોતાના ભીતરના ઊંડાણમાં અંતરાત્માને નિહાળતા અને સાથે ને સાથે તેમની સામે બેઠેલાં ભક્તજનોને જોતા અર્ધમિચ્યા નયને તેઓ બેસતા. બાહ્ય દેખાવ અને હાવભાવ-રીતભાતથી શ્રીરામકૃષ્ણદેવ એક સાદગીની પ્રતિમૂર્તિ સમા હતા. પોતાના ખાટલાની આસપાસ બેઠેલા ભાવિકજનો પ્રતિ એમનામાંથી વહેતા મહાન દિવ્યશક્તિના પ્રવાહથી તેઓ જાણે કે અજ્ઞાત હોય એવું લાગતું. નિર્દોષ, નિર્મળ બાળકના ઉલ્લાસ સમી એમની પ્રેરક, અંત:સ્ફૂરિતવાણી સ્વયંભૂ વહેતા શુદ્ધ પાણીના ઝરણાની જેમ સહજસરળતાથી દિવ્યાનંદના ભાવ સાથે વહેતી રહેતી. તેઓ થોડું તોતડાતું બોલતા પણ એ બોલી પણ જાણે સંગીતમય ધ્વની જેવી મીઠી લાગતી. એમાં એમની અટલ ઊંડી શ્રદ્ધા પ્રગટતી અને સાંભળનારાઓ પર એક અમીટ છાપ પાડી જતી. તેઓ પારદર્શક નિખાલસતાથી વાતો કરતા ક્યારેક તેઓ સ્પષ્ટવક્તા બનીને કઠોર વાતો પણ કરતા, પરંતુ એમની વાણી ક્યારેય કોઈના હૃદય-આત્માને આઘાત પહોંચાડતી ન હતી. સામાન્ય રીતે થોડી ઔપચારિક વાતચીત પછી તેઓ પ્રભુ વિશે, ભક્તિભાવ વિશે જ વાતને વાળી દેતા; એમાં બીજી કોઈ ભૌતિક કે સાંસારિક વાતોને અવકાશ ન રહેતો. કોઈ પણ અજાણ્યા માણસમાં ઘડીભરમાં જ એમના પ્રત્યે એક શ્રદ્ધા જામી જતી અને શ્રીરામકૃષ્ણની આધ્યાત્મિક અનુભૂતિની અને અંત:પ્રેરણાની વાણીને સાંભળીને તે મંત્રમુગ્ધ બની જતો. આ બધું તેઓ સહજ સરળભાવે, નિરભિમાનવૃત્તિથી કહેતા. એક દિવ્ય શીશુભાવે તેઓ કહેતા: ‘માએ મને આ બધું બતાવ્યું છે.. માએ જ મને આ બધું કહ્યું છે.. અને મારાં માએ જ આ બધું રહસ્ય મારી સામે ખુલ્લું કરી દીધું છે.’ ક્યારેક ક્યારેક તેઓ સુમધુર કંઠે ભક્તિભાવભીનાં ભજનકીર્તન ગાતા. ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’માં શ્રી અક્ષયકુમાર સેને આ વિશે સુંદર વર્ણન આ શબ્દોમાં આપ્યું છે :

‘સુણતા શ્રીમુખેથી અમૃતભર્યું ગીત;
ભાવ અને રસભર્યું ભજન-સંગીત.
પ્રભુનાં ભજનો હતાં મહાશક્તિવાહી;
પાષાણહૃદય સુણી દ્રવે ક્ષણમાંહી.
શ્રીમુખેથી મોહક સંગીત જ્યાહાં ફૂટે;
સુણતાં હૃદયવીણા ઝણઝણી ઊઠે.
મનોહર ગીતસ્વર, એવી તો માધુરી;
શ્રીકંઠે છુપાઈ જાણે મોહન બાંસુરી.’

આવા વાર્તાલાપો અને ભજનકીર્તનની વચ્ચે વચ્ચે તેઓ ક્યારેક સ્વાભાવિક રીતે જ અન્યમનસ્ક અવસ્થામાં સરી પડતા. માસ્ટર મહાશયે આ અવસ્થાને માછલી ગલમાં પકડાઈ જાય અને ગલને ખેંચે ત્યારે માછીમાર સાવધ બનીને તે પોતાની દોરીને બરાબર પકડી રાખે છે અને કોઈની સાથે બોલતો ચાલતો પણ નથી; માત્ર માછલી અને જાળ સિવાય કંઈ જોતો નથી – એ અવસ્થા સાથે સરખાવી છે. યોગની ભાષામાં આ અવસ્થાને ભાવસમાધિ કહેવાય છે. વચ્ચે વચ્ચે જ તેઓ ક્યારેક અંતરદર્શનની કોઈ અણદીઠી દુનિયામાં ચાલ્યા જતા અને જગન્માતા સાથે વાતચીત કરતા. આ અવસ્થામાં એમને માટે જગન્માતા સત્યસ્વરૂપ, વાસ્તવિક અને પોતાનાં આગવાં બની જતાં. અને જગન્માતા તેમની સામે મૂર્તિમંતરૂપે દર્શન દેતાં અને શ્રીઠાકુર પોતાની આસપાસના લોકો અને દુનિયાને ભૂલી જતા. આ બધું જોઈને મોટાભાગના લોકો આશ્ચર્યચકિત બની જતા અને તેમના પ્રત્યે એક અદ્‌ભુત માનની દૃષ્ટિએ જોતા. નરેનની જેમ પ્રથમ વખત જોનાર કેટલાક તો દયાભાવથી તેમને એક ભ્રમણામાં રાચતા માણસ ગણતા, પરંતુ આ બધાને વહેલીમોડી પણ એ પ્રતીતિ થતી કે એમનાં આંતરદર્શન અને ભાવાવસ્થા એ વાસ્તવિક અને સત્યરૂપ હતાં. શ્રીરામકૃષ્ણ વિશે આપણે એટલું કહી શકીએ એમના દરેક આચરણ, દર્શન અને અનુભૂતિમાં વિચાર અને વાણી, વાણી અને વર્તન, ઝંખના અને અનુભૂતિનું અદ્‌ભુત તાદાત્મ્ય હતું. તેમના જ શબ્દોમાં કહીએ તો ‘ભાવેર ઘરે ચોરી’ – ‘ભાવના ઘરમાં ચોરી’ જેવું તેમના જીવનમાં કંઈ નહોતું.

સાકાર, નિરાકાર, વૈષ્ણવો, શાક્તો, શૈવો, ખ્રિસ્તીઓ, બ્રાહ્મોસમાજી, શીખ, મુક્ત વિચારકો અને તાર્કિકો જેવા ભાતભાતના આધ્યાત્મિક દૃષ્ટિકોણ ધરાવતા દરેક ક્ષેત્રના લોકો એમની પાસે આવતા. જો આપણે આમાંના કોઈને પૂછીએ કે તેઓ અહીં શ્રી ઠાકુર પાસે શા માટે ગયા હતા તો જેટલી કક્ષાના-ક્ષેત્રના મુલાકાતીઓ ગયા હતા તેટલા ભિન્ન ભિન્ન ઉત્તર આપણને મળત. પરંતુ ‘મધમાખીઓ મધ-અમૃત માટે આવી હતી’ એ એનું મૂળ કારણ હતું. શ્રીઠાકુરના શબ્દોમાં કહીએ તો : ‘જ્યારે કમળ ખીલે ત્યારે મધમાખીઓ આપોઆપ આવે છે. અહીં આવનારાઓનો ઉદ્દેશ્ય ગમે તે હોય પણ શ્રીઠાકુરને બારણેથી કોઈ ખાલી હાથે પાછો ફર્યો નથી. તેઓ બધા શ્રીઠાકુરની આનંદહાટમાંથી એકાદો કણ તો જરૂર લેતા ગયા છે. અહીં તો કંઈ વેપલો માંડ્યો ન હતો પણ આ હાટેથી બધાને માટે અમૃતનું વિતરણ થઈ રહ્યું હતું. શ્રી શ્રીમાએ એકવાર કહ્યું હતું: ‘શું તેઓ માત્ર રસગુલ્લા ખાવા જ અવતર્યા હતા?’ તેમની પાસે જે કોઈ આવતા તે બધાને માટે તેઓ મધુરતાનું મૂર્ત સ્વરૂપ હતા. તેઓ શ્રીઠાકુરની આસપાસ સતત વહેતા આનંદ અને મુક્તિની અનુભૂતિ કરતા હતા. તેઓ તો બધાના સુહૃદ જ હતા અને બદલાની આશા-અપેક્ષા રાખ્યા વિના બધાનું ભલું કરતા હતા. જો કે તેઓ અપ્રતીમ અને રહસ્યમય માનવ હતા પરંતુ જીવંત અને સ્નેહ નીતરતી અનુભૂતિની વાસ્તવિકતા હતા. એમની નરલીલામાં સહભાગી બનવાનું સદ્‌ભાગ્ય મેળવનારનું આપણે જુદા જુદા જૂથમાં વર્ગીકરણ કરી શકીએ.

પ્રથમ તો એમના આધ્યાત્મિક ગુરુઓ જેવા કે ભૈરવી બ્રાહ્મણી, જટાધારી, તોતાપુરી વગેરે. બીજા તેમના ભાવિ સંન્યાસીશિષ્યો જેવા કે રાખાલ, નરેન, યોગિન, બાબુરામ, તારક, હરિપ્રસન્ન, શશી, શરત્‌, સુબોધ, કાલી, લાટુ, ગંગાધર, સારદાપ્રસન્ન વગેરે ત્રીજા ગૃહસ્થ ભક્તો જેવા કે રામચંદ્ર દત્ત, મનમોહન મિત્ર, બલરામ બોઝ, મહેન્દ્રનાથ ગુપ્ત વગેરે. ચોથા સ્ત્રી સાધકો જેવાં કે રાણી રાસમણિ, અઘોરમણિ (ગોપાલની મા), યોગીન્દ્ર મોહિની, ગૌરદાસી, લક્ષ્મીદેવી વગેરે. પાંચમાં સમાજના અગ્રણીઓ જેવા કે દેવેન્દ્રનાથ ટાગોર, કેશવચંદ્ર સેન, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, બંકિમચંદ્ર ચેટર્જી, મહેન્દ્રલાલ સરકાર, દયાનંદ સરસ્વતી. છઠ્ઠા વિભાગમાં ગિરીશ ઘોષ, સુરેન મિત્ર, કાલીપદ ઘોષ, નટી વિનોદિની જેવી તત્કાલીન સમાજમાં તિરસ્કૃત ગણાતી વ્યક્તિઓ. સાતમા વિભાગમાં અકસ્માતે આવી મળેલા પ્રભુદયાળ મિશ્ર, હરિહર સન્યાલ, વગરે.

ઉપર્યુક્ત ગમે તે જૂથનાં સ્ત્રીપુરુષોનો અહીં આવવાનો હેતુ તેઓ અગાઉથી પોતાની અંતરદૃષ્ટિથી પારખી જતા અને પોતાની વિરલ દૃષ્ટિથી આવનાર વ્યક્તિની પ્રકૃતિને ઓળખીને સુયોગ્ય રીતે તેમની સાથે સંબંધ રાખતા અને યોગ્ય સલાહસૂચન આપીને તેમના આધ્યાત્મિક જીવનનું ઘડતર કરતા. તેઓ એક અદ્‌ભુત રંગારા જેવા હતા કે જેઓ પોતાના ગ્રાહકોની માગ પ્રમાણે કપડાંને યોગ્ય રંગમાં અને જુદા જુદા રંગમાં રંગી દેતા. પરંતુ શ્રીઠાકુરના રંગકામના મૂળરંગ પ્રેમ અને દિવ્યાનંદ હતા અને આવનાર વ્યક્તિના હેતુની દરકાર કર્યા વિના આ બંનેનું વિતરણ કરતા રહેતા. કલકત્તાના તનાવભર્યા વાતાવરણમાંથી આવતા આ આતુર શરણાર્થીઓને દક્ષિણેશ્વરના આ આનંદ નિકેતનમાં હૃદયનાં હુંફ-શાંતિ અને ઉત્સવભર્યુ વાતાવરણ તેમને મળી રહેતું. અહીં વાતચીત થતી ભજનકીર્તન-ગીતગાન, નૃત્ય નિત્ય થતાં રહેતાં. આનંદ, નિર્ભેળ-નિર્મળ આનંદ આવાં બધાં મિલનોનું ચિહ્‌ન હતું. આ નિર્મળ, પવિત્ર બનાવતો અને ઉન્નત જીવનના પથે દોરી જતો આનંદ અવર્ણનીય આનંદ હતો અને એ દુન્યવી ભૌતિકસુખાનંદથી જેમ દરિયાના પાણી કરતાં અમૃત જુદું હોય છે તેમ એક અલગ આનંદ હતો. આધ્યાત્મિક આનંદનું આ દિવ્યામૃત આપણી બધી તરસને છીપાવી દે છે. જ્યારે પેલું દરિયાનું પાણી તો આપણી સામાન્ય વિષયેન્દ્રિયના સુખોને સંતોષે છે એવું લાગે છે પરંતુ વાસ્તવિક રીતે તો આ રીતે એ તરસને છીપાવવા જતાં એ વધુ ને વધુ વધતી જાય છે એમ, શ્રીઠાકુર રૂપકાત્મક રીતે કહેતા.

પોતાના જીવનના સંધ્યાકાળે શ્રીઠાકુર કહેતા: ‘પ્રભુ, માનવ બનીને અવતાર રૂપે આ ધરતી પર પોતાના સહચરો સાથે અવતરે છે અને આ સહચરો પણ એ અવતાર પુરુષ સાથે આ ધરતીને છોડે છે. જેમ એક જલસાની સંગીત ટુકડી નાચતીગાતી ઓચિંતાની આવે છે, નાચે છે, ગાય છે અને જેમ આવી હતી તેમ ઓચિંતાની વિદાય થઈ જાય છે. તેઓ આવે છે, લીલા કરે છે, આ પાર્થિવજગતની વિદાય લે છે પણ સામાન્ય માનવી એને ઓળખી શકતો નથી.’ આ વખતે શ્રીરામકૃષ્ણ એક પ્રેમાવતાર રૂપે અવતર્યા હતા. દરરોજ નિયમિત રીતે પ્રાર્થના – સાધના કરતા લોકો કહે છે કે તેમને આનંદની અનુભૂતિ થતી નથી. પ્રાર્થના-સાધના સાથે તેમણે પ્રભુના સ્વરૂપનું ધ્યાન ધરવું, તેમના ગુણગાન કરવા અને એમની દિવ્યલીલાનું ચિંતન-મનન કરવું એ એમની સમસ્યાનો ઉકેલ છે. શ્રીરામકૃષ્ણ કથામૃત, શ્રીરામકૃષ્ણ પૂંથી, એમના શિષ્યોએ લખેલ સંસ્મરણો અને સૌથી વધારે શ્રદ્ધેય ગ્રંથ શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ જેવા ગ્રંથો ઉપર્યુક્ત હેતુ માટે વિપુલમાત્રામાં સામગ્રી પૂરી પાડશે. જો આપણે આપણી ભીતર પ્રભુનું અસ્તિત્વ અનુભવવા ઇચ્છતા હોઈએ અને તે દ્વારા દિવ્યાનંદ પ્રાપ્ત કરવા માગતા હોઈએ તો આપણે અવતારપુરુષોની નરલીલાનું ચિંતન-મનન કરવું જોઈએ. આંખો મીંચીને ધ્યાન ધરતાં આપણે માનસ પટલ પર આ દિવ્યાનુભૂતિના પ્રસંગો અને આધ્યાત્મિક જીવનના દિવ્યાનંદ અને એની અમીવૃષ્ટિ પામી શકીએ છીએ. આ બધું આટલી બધી શ્રદ્ધેયતાથી ઉપર્યુક્ત પુસ્તકોમાં નોંધાયું છે. એ ‘લીલાચિંતન’ના નામે ઓળખાય છે. શ્રીઠાકુર એમના શિષ્યોને કહેતા : ‘ઈશ્વરલાભ પછી આ સંસારમાં રહો તો આ સંસારનાં દુ:ખદર્દ તમને સ્પર્શશે નહિ. અને આ સંસાર ‘મજારકુટી’-આનંદકુટિર બની જશે. શ્રીઠાકુર આવા જ એક ‘મજારમાનુષ’-આનંદપુરુષ હતા. આ દિવ્યાનંદ-હાટ, દક્ષિણેશ્વરમાં જ્યારે નિત્ય આનંદોત્સવ થતો અને એમાં જે લોકો આ દિવ્યલીલામાં સહભાગી બન્યા તેમનાં જીવન ધન્ય બની ગયાં.

Total Views: 156

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.