આજે સમાજ ધીમે ધીમે વૈશ્વિક સમાજ બનતો જાય છે. વૈશ્વિક સમાજની આ વૃદ્ધિમાં માનવજીવનનું કોઈપણ ક્ષેત્ર ભાગ્યે જ શેષ રહે છે. રાજકીય ક્ષેત્રે અને કેટલેક અંશે આર્થિક, શિક્ષણ, વિજ્ઞાન, આરોગ્યના ક્ષેત્રે આવાં વૈશ્વિક સંગઠનો જેવાં કે UNO, WTO, UNESCO, WHO ઊભાં થયાં છે. આ વૈશ્વિક સમાજના નવા વિકાસવલણ સાથે વિશ્વ એક એવો વૈશ્વિકધર્મ કે એવી આધ્યાત્મિક સંસ્કૃતિ ઝંખે છે કે જે આજ સુધીના સંગઠિત ધર્મોની સંકુચિતતા અને તેની મર્યાદાઓથી પર હોય. આ વૈશ્વિકધર્મની સંકલ્પના ખરેખર સાકાર કરી શકાય ખરી? રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની સીમાઓને જેમ આપણે ભૂંસી શકતા નથી તેમ માનવની ભિન્ન ભિન્ન રુચિ, એના વિભિન્ન વલણો, એના ભિન્ન ભિન્ન આધ્યાત્મિક વારસાઓને ધ્યાનમાં લઈએ તો આવા એક વિશ્વધર્મની સ્થાપના પણ શક્ય નથી. પરંતુ વિશ્વના દરેકે દરેક ધર્મમાં એવાં ઉદાત્ત, ઉદાર અને વૈશ્વિક સનાતન તત્ત્વો ઓછાવત્તા પ્રમાણમાં રહેલાં છે. આ બધાં ઉદાત્તસત્યોને જો દરેકે દરેક ધર્મ કે સંપ્રદાય સ્વીકારીને એને વધુ પ્રાધાન્ય આપતા શીખે તો આ વૈશ્વિક ધર્મની ભાવના જરૂર સોળેકળાએ ખીલી ઊઠશે. 

ઇતિહાસ એ હકીકતની સાક્ષી પૂરે છે કે હિંદુધર્મ કે સનાતન ધર્મના પાયામાં આ વૈશ્વિક ધર્મપ્રણાલીની વિચારસરણી રહી છે. આ વિશાળ અને આર્ષદૃષ્ટિવાળા હિંદુધર્મે અતિપ્રાચીન કાળથી વિશ્વને સહિષ્ણુતા અને સર્વના સ્વીકારની વાત કરી છે અને આચરી બતાવી છે. પૃથ્વી પરની જે જે પ્રજાઓને બીજા ધર્મોની અસહિષ્ણુતા અને જુલમ-સીતમોને કારણે પોતાના દેશને છોડીને ભારત આવવાનું બન્યું છે ત્યારે તેમનો ભારતે સ્વીકાર કર્યો છે એટલું જ નહિ પરંતુ તેમને મીઠો આશ્રય આપ્યો છે. ભારતની આ સહિષ્ણુતા અને સર્વધર્મના સ્વીકારની ભાવના માટે ભારત હિંદુધર્મનું ઋણી છે અને એનું અસ્તિત્વ આજ સુધી ટકી રહ્યું છે એ માટે પણ ભારતવર્ષ આ હિંદુધર્મની ઉદાર અને ઉદાત્ત આધ્યાત્મિક સંસ્કૃતિને આભારી છે.

સેમ્યુઅલ પી. હન્ટીંગ્ટને પોતાના પુસ્તક ‘The Clash of Civilizations and Remaking of the World Order’માં ઇતિહાસોના પાના ફંફોળી ફંફોળીને, એની હકીકતો અને આંકડાંઓના આધારે લડાઈ-ઝઘડાથી પીડાતા, છિન્નભિન્ન થતા આ વિશ્વમાં સમભાવની ભાવના લાવવામાં ધર્મ કોઈ મહત્ત્વનું પ્રદાન આપી શકે કે કેમ એ વિશે નિરાશાજનક ચિત્ર રજૂ કર્યું છે. આજના સમસ્યાજનક સંદર્ભમાં આ વૈશ્વિક ભાવના પ્રાપ્ત કરવા માટે વિશ્વની જુદી જુદી ધર્મપ્રણાલીઓ કે સંપ્રદાયોને પોતાનો સહાયભર્યો ભાગ ભજવવામાં હિંદુધર્મ પોતાનું કોઈ પ્રદાન કરી શકે તેમ છે કે કેમ એની શક્યતાઓને ચકાસવાનો અમારો વિનમ્ર પ્રયાસ છે.

માનવજાતના સમગ્ર ઇતિહાસપટ પર આપણે નજર નાખીએ તો આપણને જણાશે કે વિશ્વના જુદા જુદા ધર્મોના ઋષિઓ અને વિવેકી મહાપુરુષોએ જ્ઞાનની એવી પ્રણાલીઓ શોધીને પ્રસ્થાપિત કરી છે કે જે સંકુચિતભાવના અને માન્યતાઓથી પર રહીને વૈશ્વિક સત્યોનું સ્પષ્ટ ઉચ્ચારણ કરે છે. પણ પોતાનાં અનુભૂત સત્યોનો વિકાસ કરવા કે એમને સુસમૃદ્ધ બનાવવા માટે ભારત જેવું સુભગ વાતાવરણ એમને ન સાંપડ્યું. એટલે જ ફ્રાંસના મહાન ઇતિહાસકાર જુલેસ મિશેલેટ કહે છે કે ભારતવર્ષ પ્રજાઓ અને ધર્મોની જન્મભૂમિ છે અને એ વિશ્વની હિરણ્યગર્ભા ભૂમિ છે.

હિંદુધર્મમાં દીર્ઘકાળથી સતત ઉત્ક્રાંતિઓ થતી રહી અને આ સતત ચાલતી પ્રક્રિયા દ્વારા વિશ્વના બીજા મુખ્ય ધર્મો પર પ્રભાવક અસર પાડી છે. સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ તેનું મૂળ કારણ આ છે: ‘હિંદુધર્મ એ માત્ર અમુક સિદ્ધાંતો કે વાદોને માનવાની ખેંચાખેંચીમાં સમાયેલો નથી. હિંદુધર્મ એટલે સાક્ષાત્કાર. ઈશ્વરને માનવો એટલું જ નહિ પણ તેની સાથે એકાકાર થવું. એટલે માત્ર રૂઢિગત માન્યતાઓમાં માનવાને બદલે ‘હોવું’ અને ‘થવું’- આત્મસાક્ષાત્કાર સાધવાનો હિંદુધર્મ સતતપણે પ્રયાસ કરે છે.’ સત્તા અને સુખાસન, ધન અને કીર્તિની પાછળ મંડી રહેલી પાગલ દુનિયા સામે હિંદુધર્મે આદર્શરૂપે પ્રસ્થાપિત કરેલ ‘આત્મતત્ત્વનો, સત્યનો સાક્ષાત્કાર’ કરવાના આદર્શને ઉત્કટતા સાથે વળગી રહેવાની આ વાત હિંદુ ધર્મનું આગવું અને નોખી ભાત પાડતું લક્ષણ છે. આ આદર્શને કારણે હિંદુ ધર્મ બીજા સંકુચિત સાંપ્રદાયિક ઝનૂનવાદનાં આક્રમણો સામે આજ સુધી ટકી રહ્યો છે. એટલું જ નહીં પણ એ સંપ્રદાયો અને એવા ધર્મોને એના પોતાના મૂળ રૂપ સાથે પોતાનામાં ઓગાળી દીધા કે ભેળવી દીધા છે. એ બધાને પોતાની ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં વધુ સમૃદ્ધ પણ બનાવ્યા છે. એટલે જ સ્વામી વિવેકાનંદ કહ છે : ‘દુનિયાને આપવા જેવું આપણી પાસે હજી કંઈક છે. ભારતમાં અસ્તિત્વનું સાચું કારણ આ જ છે. યાદ રાખજો કે સેંકડો વરસો સુધી અત્યાચારો સહન કરવા છતાં – લગભગ હજાર વરસ સુધી પરદેશી હકુમત અને પરદેશીઓના જુલમોનો ભોગ બની રહેવા છતાં, આ પ્રજા ટકી રહી છે, હજી સુધી અસ્તિત્વ ધરાવી રહી છે; તેનું કારણ એ છે કે એ હજી સુધી ઈશ્વરને વળગી રહી છે, ધર્મ અને આધ્યાત્મિકતાના ભંડારને પકડી રહી છે.’ (સ્વા.વિ.ગ્રં.મા. ભાગ-૪, પૃ. ૩૯)

હિંદુધર્મનું મહત્ત્વનું અને વિશ્વપ્રસિદ્ધ બીજું લક્ષણ આ છે : વિવિધ ધર્મોનાં વિચારો, સત્યો અને આદર્શોને પોતાનામાં ઓગાળી દેવાની અને એ દ્વારા કોઈનીયે ઘૃણા કે તિરસ્કાર કર્યા વિના સર્વના સ્વીકારની અનન્ય અને અનંતશક્તિ. આ અનન્ય શક્તિને કારણે વિશ્વના તે બીજા ધર્મોથી અલગ તરી આવે છે અને એ અદ્વિતીય લક્ષણને કારણે હિંદુધર્મને વૈશ્વિક ધર્મનું સ્વરૂપ સાંપડ્યું છે. શ્રીમોનિયર વિલીયમ્સ નામના એક ઈન્ડોલોજિસ્ટે કહ્યું છે: ‘માનવરૂપની અનંત વિવિધતાઓ અને માનવ વલણનો અસીમ સ્વીકાર કરવામાં હિંદુધર્મની શક્તિ રહેલી છે. આ ધર્મ પાસે જ્ઞાનીઓને અનુકૂળ આવે તેવું ઉચ્ચ આધ્યાત્મિક અને ભાવાત્મક પાસું છે, સામાન્ય સંસારી માનવી માટે એની પાસે ધર્મનું વ્યવહારુ પાસું પણ છે. તેનું ઉપાસનાનું અને વિધિવિધાનોનું પાસું કવિપ્રકૃતિના માનવીને જચી જાય તેવું છે. તેનું મૌન અને ચિંતન-મનનનું પાસું શાંતિના અને એકાંતવાસના ચાહક માનવને પોતાની આગવી રીતે સ્પર્શી જાય છે. વેદકાળથી માંડીને આજ સુધીમાં હિંદુધર્મે બધા ધર્મોમાંથી સત્‌તત્ત્વોને સ્વીકાર્યાં છે. આ સત્‌તત્ત્વોના સ્વીકારના નીચોડ સમા બધાનાં મનને જચે એવાં ધર્મરૂપો આપ્યાં છે. આ ધર્મ સર્વ પ્રત્યે સહિષ્ણુતાનો ભાવ રાખનાર, બધાંને અનુમોદન આપનાર, સર્વગ્રાહી અને સર્વવ્યાપ્ત ધર્મ છે.’

હિંદુધર્મની એક અનોખી સંકલ્પના એટલે ઈષ્ટદેવતાનો સ્વીકાર. આના દ્વારા દરેક માનવને પોતાના મનના ભાવને અનુકૂળ ઈષ્ટતત્ત્વની પૂજા કરવાની પસંદગી મળે છે. આને લીધે હિંદુધર્મના વિવિધ દેવદેવીઓ ઉપરાંત દરેક માનવને પોતપોતાના તર્કભાવ પ્રમાણેના બીજા ધર્મોના ઈષ્ટદેવને ભજવાપૂજવાની પસંદગી પણ સાંપડે છે. ઈષ્ટદેવ વિશેની આ વૈશ્વિક વિભાવનાનું ઉદ્‌ગમસ્થાન વેદોમાં કહેવાયેલા સત્ય ‘एकं सत् विप्रा बहुधा वदन्ति’માં રહેલું છે. પૌરાણિકકાળના ‘અવતારતત્ત્વ’ની પરિકલ્પનાને કારણે આ વિભાવના વધુ દૃઢીભૂત બની છે. ઐતિહાસિક દૃષ્ટિએ સનાતન હિંદુધર્મે વૈશ્વિકીકરણની અદ્‌ભુતશક્તિ બતાવી છે. વિશ્વમાંથી ગમે તે કારણે ભારતમાં આવેલ ધર્મ વિભાવનાઓને પોતાના અસીમ સીમા વિસ્તારમાં સમાવી દીધી છે. સાથે ને સાથે આ વિભાવનાને એણે વિશ્વના દરેકેદરેક દેશમાં ફેલાવી દીધી છે. આ વિશે આપણે હવે વિગતવાર વાત કરીશું.

‘એન્સાઈક્લોપેડિયા ઓફ રિલિજિયન એન્ડ એથિક્સ’માં ડબલ્યુ.ક્રૂક કહે છે: ‘સનાતન હિંદુધર્મમાંથી સમાજસુધારક ભાવઆંદોલન રૂપે ઉદ્‌ભવેલ શીખ, જૈન, બૌદ્ધધર્મ તેમજ પોતાનું સ્વરક્ષણ ઝંખતી યહૂદી, સીરિયન-ક્રિશ્ચન અને ઝોરોસ્ટ્રીયન પ્રજાઓ કોઈ પણ જાતની આડખીલી કે રુકાવટ વિના આ દેશમાં સ્થાયી થઈ છે. અગિયારમી સદીમાં ઈસ્લામ એક લશ્કરી તાકાતના આક્રમક રૂપે આવ્યો ત્યાર પહેલાં ૩૦૦ વર્ષ સુધી ભારતમાં મુસ્લિમો શાંતિથી રહ્યા હતા.’ ખલીફા ઉમરને કહેવામાં આવ્યું કે, ‘ભારતની નદીઓ મોતી જેવી છે, તેના પવર્તો મણિ માણેકની ખાણ સમા છે અને એના વૃક્ષો સદૈવ સુગંધ વહાવતા રહે છે.’ આ પ્રલોભન હોવા છતાં પણ તેમણે ભારત પર આક્રમણ કરવાનો વિરોધ કર્યો. તેનું મૂળ કારણ આ હતું કે તેઓ ભારતને મુક્ત વિચારની ભૂમિ અને મનપસંદ ધર્મમાં શ્રદ્ધા ધરાવવાની ભૂમિ ગણતા હતા. અહીં મુસ્લિમો અને અન્યધર્મના લોકો પણ પોતપોતાની શ્રદ્ધા અને ધર્મને મુક્તપણે અનુસરી શકતા હતા. (હિંદુ-મુસ્લિમ કલ્ચરલ એકોર્ડ – લે. સૈયદ મહમ્મદ) સનાતન હિંદુધર્મસંપ્રદાયોની અસીમ વિવિધતા અને ધર્મજ્ઞ અને તત્ત્વજ્ઞોએ ભોગવેલી ધર્મવિષયની અપૂર્વ સ્વતંત્રતાને પરિણામે એક વૈશ્વિક સિદ્ધાંતનો ઉદ્‌ભવ થયો. આ સિદ્ધાંત હતો, મુક્તિના માર્ગની પસંદગી એ વ્યક્તિગતરુચિની વાત છે.

હિંદુધર્મ એ માત્ર ભારતીય વિસ્તાર પ્રદેશ પૂરતો સીમિત ધર્મ છે એવી એક ભ્રમણા અવારનવાર જોવા મળે છે. વાસ્તવિક રીતે ઇતિહાસ એની સાક્ષી પૂરે છે કે સનાતન હિંદુધર્મ વિશ્વના મોટા ભાગના દેશોમાં જીવાયો છે. એમાંથી મેળવેલા સંદેશ-ઉપદેશો દ્વારા વિભિન્ન ધર્મ કે પ્રજાઓનો અનેક સ્થળે વિકાસ થયો છે. હિંદુધર્મ કોઈ પણ વિશેષ ભૌગોલિક વિસ્તાર કે પ્રજા પૂરતો સીમિત રહ્યો નથી. આ ધર્મ તો વિશ્વના બધા માનવબંધુઓ માટે પ્રાસંગિક રહ્યો છે. તે કાળની મર્યાદામાં બંધાઈ રહ્યો નથી. તેણે તો સતત અને સ્વાભાવિક રીતે વિકાસશીલ રહીને પ્રાપ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ભાવાત્મક તત્ત્વોને  પોતાનામાં સમાવી લીધાં છે.

સમગ્ર ઇતિહાસકાળ દરમિયાન સનાતનહિંદુધર્મે ત્રણ મુખ્ય પ્રવાહોમાં પ્રસરવાનો અને પોતાના વૈશ્વિક રૂપને ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આનો પ્રથમ પ્રવાહ અતિપ્રાચીનકાળથી શરૂ થયો હતો. આ પ્રવાહ કેવી રીતે શરૂ થયો અને ફેલાયો તે વિશે સ્પષ્ટપણે કહેવું થોડું કઠિન છે. ભારતના પૂર્વના વિસ્તારોથી માંડીને દૂર પશ્ચિમના આયર્લેન્ડ સુધીના વિસ્તારોમાં ઈન્ડોયુરોપિયન ભાષાઓ બોલતા લોકોમાં જોવા મળેલ સમાનભાષા-સંસ્કૃતિ અને ધર્મ એનું સ્પષ્ટ પ્રમાણ આપે છે. આ વિસ્તારમાં યુરોપ જેમાં ગ્રીક, જર્મન, કેલ્ટ અને સ્લાવ; એનેટોલિયા કે આધુનિક તુર્કી, મીત્તાની કાળનું સિરિયા, કાસાઈટ કાળનું ઈરાક, આર્મેનિયા, પર્શિયા, અફઘાનિસ્તાન, મધ્ય એશિયા, પશ્ચિમ ચીન અને સમગ્ર ભારતના પ્રદેશોનો સમાવેશ થાય છે. હિંદુધર્મ જેવાં રીતિરિવાજો કે રૂઢિઓ ઈજિપ્ત, સુમેરિયા, બેબીલોન, ચીન અને મેસો-અમેરિકન પ્રાચીન સંસ્કૃતિઓમાં પણ આપણને જોવા મળે છે. આ બધી પ્રજાઓમાં અગ્નિપૂજા, સૂર્યપૂજા અને ત્રિવર્ણવાળી સામાજિક વ્યવસ્થા (પુરોહિત કે બ્રાહ્મણ, ક્ષત્રિય, સામાન્ય જન) જોવા મળે છે. સનાતનધર્મના પ્રથમ પ્રવાહકાળ કે જે વૈદિક સંસ્કૃતિને નામે ઓળખાય છે તે ઈ.સ. પૂર્વે ૭૦૦૦ વર્ષથી માંડીને  ઈ.સ. પૂર્વે ૫૦૦ વર્ષ સુધી વિકસતો રહ્યો એવું અનુમાન કરવામાં આવે છે.

બીજા તબક્કામાં સનાતન ધર્મમાંથી આજના હિંદુધર્મ, બૌદ્ધધર્મ અને જૈનધર્મ જેવા એના અંગાંગો ઉદ્‌ભવ્યા. આને લીધે વિવિધ પ્રકારનાં ફિલસૂફીઓ, પૌરાણિકપ્રણાલીઓ, આધ્યાત્મિક અને સંન્યાસી સંપ્રદાયોનો ઉદ્‌ભવ થયો. આ પ્રવાહના ભાવઆંદોલનની દિશા મુખ્યત્વે પૂર્વ તરફની રહી. આને પરિણામે બૌદ્ધ ધર્મ તિબેટ, ચીન, કોરિયા, જાપાન સુધી પ્રસર્યો. હિંધુધર્મ અને બૌદ્ધધર્મ બંનેએ સંયુક્ત રીતે બર્મા, થાઈલેન્ડ, ઈંડોચાઈના, ઈંડોનેશિયા અને પોલિનેશિયામાં પોતપોતાનો પ્રસાર કર્યો. આ તરફ પર્શિયા અને યુરોપ પણ ભારતના સનાતન ધર્મના ગૂઢતત્ત્વ, સત્યના સાક્ષાત્કાર માટેની તીવ્ર ઝંખનાના રંગે રંગાયું. આ બીજા પ્રવાહને આપણે હિંદુ-બૌદ્ધ સંસ્કૃતિનો સર્વોત્કૃષ્ટ યુગનું નામ દઈ શકાય. આ પ્રવાહ સમગ્ર એશિયામાં વ્યાપી ગયો હતો. ઈ.સ.પૂર્વે ૫૦૦માં આ પ્રવાહનો પ્રારંભ થયેલો ગણાય છે અને ભારતમાં ઈસ્લામના આક્રમણ સાથે એટલે કે ઈ.સ. ૭૦૦ની આસપાસ તે ર્જીણ થવા માંડ્યો.

હિંદુધર્મની આધ્યાત્મિક સંસ્કૃતિના વૈશ્વિકીકરણનો ત્રીજો પ્રવાહ આજે વહી રહ્યો છે. સનાતન હિંદુધર્મનો આ પ્રવાહ આધુનિક યુગનું સૌથી વધારે મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક ભાવ-આંદોલન છે. વેદાંત પર આધારિત ધ્યાનકેન્દ્રિત આધ્યાત્મિક સંસ્કૃતિ એનો એક ભાગ છે. સનાતન ધર્મના સૌથી છેલ્લા મહાન પ્રતિનિધિઓમાંના એક શ્રીરામકૃષ્ણ અને તેમના શિષ્ય સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ હિંદુધર્મનું મૂળ સનાતન તત્ત્વ માનવમાં રહેલી દિવ્યતા છે. આ ત્રીજા ભાવપ્રવાહનો પ્રારંભ સ્વામી વિવેકાનંદની ૧૮૯૩ના વર્ષની પશ્ચિમની ઐતિહાસિક યાત્રાથી થાય છે. સ્વામી વિવેકાનંદે પશ્ચિમના દેશોમાં પ્રબોધેલા વૈદાંતિક હિંદુધર્મના સંદેશે તત્કાલીન પશ્ચિમના મહાન વિચારકો પર પ્રભાવક અસર કરી છે. જો કે આ પહેલાં પણ ગોઈથે, શોપનહોઅર, ઈમર્સન, થોરો, જેવા વિદ્વાન ચિંતકો પર ગીતા અને ઉપનિષદના સંદેશે ઘણી મોટી અસર કરી હતી. વિશ્વના વિવિધ દેશોના મુખ્ય મુખ્ય શહેરોમાં આજે આપણને વિવિધ પ્રકારના યોગકેન્દ્રો, વેદાંતકેન્દ્રો, બૌદ્ધધર્મ પર આધારિત કેન્દ્રો જોવાં મળે છે. આ સિવાય કેનેડા, યુ.એસ.એ., કેરેબિયન ટાપુઓ, દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને યુરોપના ઘણા દેશોમાં મોટી સંખ્યામાં હિંદુઓ જઈને વસવા માંડ્યા છે. આ ત્રીજો પ્રવાહ આવતી ઘણી સદીઓ સુધી ટકી રહેશે એ વાત નિ:શંક છે. આ પ્રવાહ પોતાની મૂક પણ પ્રબળ અસરતળે સમગ્ર વિશ્વમાં એક વૈશ્વિક અધ્યાત્મપ્રણાલી ઊભી કરવામાં સહાયક બનશે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો: ‘જેમ ઉષ:કાળની ઝાકળ ધીમે અદૃષ્ટ રીતે નીરવપણે પડતી હોવા છતાં અતિ જબરદસ્ત પરિણામ લાવે છે, તેમ જ વિચારના વિશ્વ પર આ શાંત, ધૈર્યવાન, સર્વસહિષ્ણુ આધ્યાત્મિક પ્રજાનું કાર્ય ધીમે ધીમે અને નીરવપણે થયા જ કર્યું છે.’ (સ્વા.વિ.ગ્રં.મા. ભાગ-૪, પૃ. ૭)

બાહ્ય રીતે પોતાના મનપસંદ ધર્મનો અંચળો ધરનાર ભારતના મનીષીઓનો કોઈ પણ આધ્યાત્મિક અભિગમ સનાતન હિંદુધર્મને પ્રતિબિંબિત કરે છે. ભારતની વિવિધ ધમપ્રણાલીઓએ સનાતન ધર્મની આ વૈશ્વિક ભાવનાને અમુક ચોક્કસ તબક્કે પ્રતિબિંબિત કરી છે. ભારતના ખ્રિસ્તીઓ અને મુસ્લિમો અને એમાં ય ખાસ કરીને સૂફીસંતોએ પોતાના ઈશ્વરની ઝંખનાના ગૂઢતત્ત્વમાં આ સનાતનધર્મને પ્રતિબિંબિત કર્યો છે. ભારતની પાવનભૂમિ પર ઉછરેલી આ બધી પ્રજાએ બીજા દેશોમાં રહેલા પોતાના ધર્મબંધુઓ કરતાં પરમ સત્ય અને પરમની પ્રાપ્તિ માટેની શોધનામાં વધારે ખુલ્લાદિલની ભાવના વ્યક્ત કરી છે, રાખી પણ છે. આનું મુખ્ય કારણ એ છે કે સનાતન હિંદુધર્મ બીજા કોઈ પણ ધર્મના અનુયાયીને સાચી આધ્યાત્મિકતાના મૂળસ્રોત સાથે જોડી શકે છે; પછી ભલે એ ધર્માનુયાયી ગમે તે ધર્મ સાથે પોતાનો નાતો જોડી રાખતો હોય. એ મૂળસ્રોત છે : દરેક માનવીમાં રહેલ દિવ્યતાની પૂજા.

Total Views: 138

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.