સાડા ઓગણચાલીસ વર્ષના ધૂમકેતુ જેવો પ્રતિભાપ્રકાશ પાડતા પોતાના જીવનમાંથી છેલ્લાં દસ વર્ષ સ્વામી વિવેકાનંદે જાહેર પ્રજાકલ્યાણના કાર્યો પાછળ સમર્પિત કર્યાં હતાં. એક તોફાની વાવાઝોડાંની જેમ શિકાગોની ધર્મપરિષદમાં ૧૮૯૩માં સમગ્ર વિશ્વને હચમચાવી નાખીને એમણે પશ્ચિમમાં વેદાંતનો સંદેશ આપતાં આપતાં ચાર વર્ષ જેટલો સમયગાળો પસાર કરી દીધો. પશ્ચિમમાં વેદાંતનો સંદેશ આપીને ૧૫ જાન્યુઆરી, ૧૮૯૭ના રોજ તેઓ ભારત આવવા માટે કોલંબો આવી પહોંચ્યા. પોતાની વહાલી માતૃભૂમિ પર પોતાના હજારો હજારો દેશબાંધવોના અત્યંત ઊમળકા અને ઉષ્માભર્યા સ્વાગત સમારોહમાં સ્વામીજી કોલંબોથી પંબન ૨૬મી જાન્યુઆરી, ૧૮૯૭ના રોજ સંધ્યા સમયે પહોંચ્યા. જોગાનુજોગ ૨૬મી જાન્યુઆરી આપણો પ્રજાસત્તાકદિન છે.

ભારતીય રાષ્ટ્રપ્રેમના હાર્દ વિશે કોઈ વાસ્તવિક રીતે જાણવા માગતું હોય તો એમણે સ્વામી વિવેકાનંદનાં ‘ભારતમાં આપેલાં ભાષણો’ અવશ્ય વાંચી જવા જોઈએ. પશ્ચિમના દેશોમાં ભારતનો વિજયઘોષ કરીને ભારતની ભૂમિ પર પાછા ફરેલા સ્વામી વિવેકાનંદનું ભારતના લોકોએ અભૂતપૂર્વ અભિવાદન કર્યું. આ અભિવાદન સમારંભોમાં તેઓ કોલંબોથી કોલકાતા અને ત્યાંથી પંજાબ અને કાશ્મીર સુધીના પ્રદેશોમાં ઘૂમી વળ્યા. વિવિધ સ્થળે થયેલા અભિવાદનના પ્રત્યુત્તરરૂપે આપેલાં વ્યાખ્યાનોમાં ભારતીય રાષ્ટ્રપ્રેમના આ આદર્શોનું નિરુપણ એમણે કર્યું છે. એમનાં વ્યાખ્યાનોમાં નિરૂપિત રાષ્ટ્રપ્રેમનો આ વિશિષ્ટ આદર્શ કદાચ અત્યારના લોકપ્રિય રાષ્ટ્રવાદના વિચાર પ્રવાહથી અલગ પડતો હોય એવું લાગે. જો આપણે એમનાં આ વ્યાખ્યાનો ધ્યાનપૂર્વક વાંચી જઈએ તો આપણને જોવા મળશે કે સ્વામીજીના આ દેશપ્રેમના ભાવ અને જુસ્સો તેમના પોતાના ધર્મ અને આધ્યાત્મિકતાની વિચારસરણીના આધારે બંધાયા હતા. એમનો રાષ્ટ્રપ્રેમ કે રાષ્ટ્રવાદ એ પોતાના ભારત માટેના અને વિશ્વભર માટેના આધ્યાત્મિક સંદેશનું એક સ્વાભાવિક વિસ્તરણ હતું. આધુનિક ભારતનું ઘડતર કરવા અને આ દેશની એકતાને સજ્જડ બંધનોથી બાંધવા માટે સ્વામી વિવેકાનંદે જે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે એટલો મહત્ત્વનો ભાગ બીજા કોઈએ ભજવ્યો નથી.

તત્કાલીન ભારતની સમસ્યાઓ, વિટંબણાઓ દુવિધાઓને દૂર કરવા અને તેની જરૂરતોને પૂરી પાડવા તેમણે વેદાંતના તત્ત્વજ્ઞાનને ફરીથી પોતાની રીતે ઢાળ્યું. આ વેદાંતના આદર્શો જે ક્રાંતિકારી અને પ્રગતિશીલ અને આધુનિક વિચારસરણીવાળા લાગે છે તે બધા એક પયગંબરની અમરવાણી જેવા હતા. આજના ભારતમાં આ આદર્શોનું મહત્ત્વ અને એની ઉપયોગિતાને સાકાર કરવાનું કામ તો હજી બાકી છે. એમના વિરોધીઓ પણ આટલું સ્વીકારતા કે તેઓ રાષ્ટ્રના પુનર્ઘડતરના આદર્શો માટે એક સવોત્કૃષ્ટ અને સર્વાંગસંપૂર્ણ બુદ્ધિપ્રતિભાવાળા માનવ હતા. તેમણે વેદાંતના સિદ્ધાંતોને ગઈગુજરી સદીના રૂઢીવાદી પંડિતોની જેમ કામે લગાડ્યા ન હતા. પરંતુ તત્કાલીન યુગના લોકોની આવશ્યકતાઓ અને ભવિષ્યમાં આવનારી નવી પેઢીઓને ધ્યાનમાં રાખીને આ સિદ્ધાંતો પ્રયોજ્યા હતા. 

તેમણે એ દર્શાવી આપ્યું કે ભારતની પ્રજા પરની સદીઓની પરદેશી શાસકોની ગુલામીની મૂર્છનાએ ભારતને એટલું બધું નિર્બળ બનાવી દીધું કે તે પોતાની ભીતર રહેલી અને વારસામાં મળેલી શક્તિને -નિર્બળતાભરી કાર્પણ્યભાવની ઢાલ બનાવીને – સાવ વિસરી જ ગયા. લોકોને એમણે આપેલું આહ્‌વાન આ શબ્દોમાં રણકી ઊઠ્યું: ‘ઉપનિષદો તરફ પાછા ફરો’. ‘જે પોતાની જાતને નિર્બળ માને છે તે નિર્બળ છે; જે પોતાને સબળ માને છે તે અજેય છે.’ ‘ઊઠો! જાગો! અને ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો!’ તેઓ દૃઢપણે માનતા હતા કે ઉપનિષદોમાં પ્રબોધેલી શક્તિ કેળવીને જ નવભારતનો ઉદય થશે. ભારતવર્ષની પોતાના પ્રાચીન આધ્યાત્મિક, સાંસ્કૃતિક વારસાની સર્વોત્કૃષ્ટતા દેશના દરેક ક્ષેત્રમાં તેને પુન: શક્તિવંત બનાવશે. આ જ સવોત્કૃષ્ટતા વિદેશીઓની ગુલામીને કારણે જન્મેલી મૂર્છનાને પણ દૂર કરશે. આ આપણામાં રહેલી શ્રદ્ધાને કેન્દ્રબિંદુ બનાવીને તેની આસપાસ સમગ્ર ભારતવર્ષનું એક રાષ્ટ્રરૂપે પુનરુત્થાન કે પુનર્ઘડતર કરી શકીશું. ભારતના આધ્યાત્મિક સંદેશના એક પ્રખર દર્શક અને ઉદ્‌ગાતા રૂપે સ્વામીજીને પશ્ચિમમાં અદ્‌ભુત સફળતા મળી હતી. આ જ સફળતા ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિના નિંદકો અને ભારતને પશ્ચિમના રંગે રંગી નાખવાનાં સ્વપ્ન જોનારા માટે એક આશ્ચર્યજનક આઘાતરૂપ હતી. આ જ સફળતા એમના આદર્શોને ઉત્સાહપૂર્વક વરેલા લોકો માટે એક સર્વવિજયીશક્તિ આપનાર બની રહી. એણે ભારતીયોમાં સ્વના સ્વમાનની એક રાષ્ટ્રિયભાવના જગાડી. જે રાષ્ટ્રો અને જાતિઓ સમગ્ર વિશ્વ પર આર્થિક અને રાજકીય રીતે પ્રભુત્વ ધરાવતી હતી એ જ પ્રજાઓ અને રાષ્ટ્રો ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિની વાહ, વાહ કરે એ ભારતીયો માટે એક અચંબામાં નાખનારી ઘટના હતી.

સમગ્ર ભારતના લોકોએ ભાષા સંપ્રદાય કે ધર્મના ભેદોને ભૂલીને સ્વામી વિવેકાનંદમાં એક એવા સર્વમાન્ય નેતાને નિહાળ્યા કે જે એમનાં આદર્શો, અરમાનો અને શ્રદ્ધાઓને મૂર્તિમંતરૂપ આપી શકે. તેમનું ભવ્યાતિભવ્ય અભિવાદન કરવા માટે સમગ્ર ભારતની પ્રજા ઊમટી પડી. ભારતે પોતાના ઇતિહાસમાં આવી ઘટના ક્યારેય જોઈ ન હતી. આ ઉત્કટતા અને ઉત્સાહભરેલા અભિવાદનોએ એક મહાન જનઆંદોલનનું સ્વરૂપ લીધું. ભારતમાં બ્રિટિશ રાજ્યની સ્થાપના પછી રાષ્ટ્રભાવનાના જુસ્સાનું ખડભડાટ મચાવતું આ પ્રથમ આંદોલન હતું. આ આંદોલને જુદા જુદા સફળ તબક્કાઓના અંતે ૧૯૪૭માં આપણને આઝાદી અપાવી.

સ્વામીજીના રામબાણ ઇલાજ જેવા શબ્દો હતા: ‘ક્રિયાશીલ અને પ્રાણવંત ધર્મ’ અને ‘સંયુક્ત ભારત’. તેમણે ભારતમાં આપેલાં બધાં ભાષણોમાં દર્શાવ્યું કે આપણી પવિત્ર પ્રણાલીઓમાં જો કોઈ સર્વસામાન્ય તત્ત્વ હોય તો તે છે આપણો ધર્મ. આ ધર્મને મનનું મધ્યવર્તી કેન્દ્ર બનાવીને એમણે એક ભારત, સંયુક્ત ભારતની આવશ્યકતાની ઉદ્‌ઘોષણા કરી. તેમણે કહ્યું: ‘ભારતમાં રાષ્ટ્રિય ઐક્ય એટલે આ દેશમાં અત્ર, તત્ર રહેલ આધ્યાત્મિક શક્તિઓનું એકત્રીકરણ. ભારત એક રાષ્ટ્ર ત્યારે જ બનશે જ્યારે ભારતની બધી પ્રજાઓના હૃદય એક જ સૂરીલા આધ્યાત્મિક ધ્વનિથી ગુંજિત-સ્વરિત બની ઊઠે.’ આવા રાષ્ટ્રિય આદર્શ માટે રાજકારણ તો ગૌણ અને મહત્ત્વ વિનાની બાબત હતી. ભારતનું જીવન એટલે એની આધ્યાત્મિકતા. જો આ આધ્યાત્મિકતાને ફરીથી લાવી શકાય, પુનર્જીવિત કરી શકાય તો બાકીની બીજી વસ્તુઓ તો એની મેળે થઈ રહેશે.

વિશ્વના ઇતિહાસના પોતાના સઘન અધ્યયનના આધારે એમણે આપેલો બીજો સિદ્ધાંત રાષ્ટ્રોના અસ્તિત્વ વિશેનો હતો. એમણે એ પણ દર્શાવ્યું કે આટલાં બધાં આક્રમણો, કુદરતી અને માનવીય આપત્તિઓ કે જેને લીધે આ રાષ્ટ્રને રાષ્ટ્ર તરીકે નષ્ટ થવાનો ભયંકર ભય હતો છતાંય આ ભારતવર્ષ આજે પણ જીવંત છે. એ કેવી રીતે બન્યું? તેઓ માનતા હતા કે માનવજાતનો ઇતિહાસ કહે છે કે પોતપોતાનાને ફાળે આવેલા ક્ષેત્રમાં માનવજાતના વિકાસ માટે દરેક રાષ્ટ્રે પોતાનું પ્રદાન કરવું પડ્યું છે. જો કોઈ રાષ્ટ્ર આ વિકાસ કાર્યના પોતાના પ્રદાનમાં અટકી પડે કે પોતાને ભાગે આવેલા ક્ષેત્રના પ્રદાનમાં પોતાની રીતે પરિવર્તન કરે તો એ રાષ્ટ્ર નાશ પામે છે. પ્રકૃતિ એનો વિનાશ કરે છે અને પોતાને ભાગે આવેલ કાર્યને પૂર્ણ કરવા માટે વધુ શક્તિશાળી અને યુવાન જાતિઓને માટે માર્ગ ખૂલ્લો કરે છે. ભારતની સમાંતરે ઊભી થયેલી ઇજિપ્ત, બેબિલોન, પર્શિયા, ગ્રીસ અને રોમન જેવી સંસ્કૃતિઓ આ ધરતી પરથી અદૃશ્ય થઈ ગઈ. એમણે વિકસિત કરેલી સંસ્કૃતિ અને ધર્મો પર બીજા લોકો અને જાતિઓએ કબજો જમાવ્યો. સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ આનું મૂળ કારણ એ હતું કે આ રાષ્ટ્રોએ પોતાનો રાષ્ટ્રિય હેતુ કે આદર્શ છોડી દીધો. એમના રાજકીય, સામાજિક અને લશ્કરી તાકાત જેવા વિભિન્ન રાષ્ટ્રિય આદર્શો હતા. અત્યંત પ્રાણવાન અને જીવંત રાષ્ટ્રજીવનના ટૂંકા સમયગાળા પછી ગમે તે કારણે તેમણે પોતાના રાષ્ટ્રને, પ્રજાને મહાન બનાવનાર મુખ્ય આદર્શ પરની પકડ ગુમાવી દીધી; પરિણામે આ રાષ્ટ્રો કાળની ગર્તામાં વિલીન થઈ ગયા અને એના કરતાં વધુ શક્તિશાળી પ્રજાએ આ રાષ્ટ્રોનો વિનાશ કર્યો.

ભારત પાસે એક રાષ્ટ્રિય આદર્શ છે અને તે છે ધર્મ કે આધ્યાત્મિકતા. સૈકાઓ સુધીના પોતાના રાષ્ટ્રિય ઇતિહાસમાં ભારત પર અનેક આક્રમણો અને પરદેશી શાસનની ગુલામી હોવા છતાં આ મહાન ભૂમિએ સમયાંતરે મહાન આધ્યાત્મિક વિભૂતિઓ વિશ્વને આપી છે. આ આધ્યાત્મિક વિભૂતિઓના તેજ પ્રકાશના વર્તુળોથી રચાયેલાં ભાવ-આંદોલનોનાં મોજાંઓએ વિશ્વભરના રાષ્ટ્રોમાં આધ્યાત્મિક જ્ઞાન અને પ્રકાશથી પરિપ્લાવિત કરી દીધાં છે. બ્રિટિશ સામ્રાજ્યના પ્રારંભકાળમાં જ્યારે સમગ્ર ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને ભૌતિકવાદી પશ્ચિમના હાથે સાવ ભૂંસી નાખવાનો ભય ઊભો થયો ત્યારે તેનો જાણે કે પ્રતિકાર કરવા માટે શ્રીરામકૃષ્ણ નામે એક મહાન આધ્યાત્મિક વિભૂતિનો આવિર્ભાવ થયો. વિદેશીઓની, ખાસ કરીને પશ્ચિમની સર્વવ્યાપી અસર અને ભારતની આર્થિક રીતે ગરીબી કે પછાતપણું હોવા છતાં આ રાષ્ટ્રે પોતાની ખાસ વિશિષ્ટતાને એટલે કે આધ્યામિકતાને મક્કમતાથી એક પ્રબળ પ્રજા તરીકે પકડી રાખી જેને કારણે આપણું રાષ્ટ્ર આજે પણ સબળ રાષ્ટ્ર રૂપે જીવંત છે. માનવજીવનના આદર્શરૂપ, સનાતનધર્મના કેન્દ્રબિંદુ સમા આધ્યાત્મિક આદર્શને જો ભારતીયો ત્યજી દેશે તો સ્વામીજીએ આપેલી ચેતવણી પ્રમાણે ભારતનું અસ્તિત્વ જ કાળની કેડીમાંથી ભૂંસાઈ જશે. આધ્યાત્મિક આદર્શોને આટલું મહત્ત્વ આપવા પાછળ સ્વામીજીનો આશય એ ન હતો કે ગરીબી નિર્મૂલન અને ભૌતિક સમૃદ્ધિને આપણા રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં ઓછા મહત્ત્વનું સ્થાન છે. શ્રીરામકૃષ્ણ કહેતા હતા: ‘ભૂખ્યે પેટે ધર્મ ન પળાય.’ તેમ સ્વામીજીની દૃષ્ટિએ લોકોની આધ્યાત્મિક ઉન્નતિમાં સામાજિક, આર્થિક ઉન્નતિ પણ સમાયેલી હતી. પરંતુ અહીં એક વાત યાદ રાખવી જોઈએ કે ભારતમાં આધ્યાત્મિક મૂલ્યો પરમલક્ષ્ય છે અને આ ઉચ્ચતમ ધ્યેય પ્રાપ્તિ માટે ભૌતિક સમૃદ્ધિ વગેરે એક સાધન તરીકે ઉપયુક્ત છે, એ પશ્ચિમના ભોગવાદની જેમ જીવનનું અંતિમલક્ષ્ય કે પરમલક્ષ્ય ન હોઈ શકે.

પ્રબળ અને સ્વાવલંબી રાષ્ટ્ર બનાવવા, આપણી સામાજિક – આર્થિક પરિસ્થિતિને સુધારવા માટે ભારતની પ્રજાએ વિજ્ઞાન, ટેક્નોલોજી, વ્યવસ્થાપન, રાજકારણ, જેવાં પશ્ચિમના દેશોમાં વિકસેલા ક્ષેત્રોમાંથી ઘણું ઘણું શીખવું પડશે એમ સ્વામીજીએ ભારપૂર્વક કહ્યું છે. સાથે ને સાથે તેઓ એ દર્શાવવાનું પણ ભૂલ્યા નહિ કે ધર્મના નામે ચાલતાં ધતીંગ જેવા લોકાચારો, વહેમો, સંકુચિત જ્ઞાતિવાદ, અસ્પૃશ્યતા અને રસોડામાં પૂરાયેલા ધર્મને સમૂળ ફેંકી દેવા પડશે. આ બધાંને આપણા સનાતન ધર્મ સાથે કે આપણા પ્રાચીન આધ્યાત્મિક વારસા સાથે કોઈ ન્હાવા-નીચોવાનો સંબંધ નથી.

સ્વામીજીએ સેવેલી રાષ્ટ્રિયતાની ભાવનાને અનુસરવા માટે આજનું ભારત કેટલા અંશે સફળ થયું છે એ જોવું જાણવું પણ આવશ્યક છે. ભ્રષ્ટાચાર, સગાંવાદ જેવાં દેશને પીડતા દૂષણો હોવા છતાં ભારતે આર્થિક અને સામાજિક ક્ષેત્રમાં સંતોષજનક પ્રગતિ સાધી છે. શાસકો, વહીવટી અધિકારીઓએ અને અસંખ્ય સેવાભાવી સંસ્થાઓએ ભારતમાંથી ગરીબી, નિરક્ષરતા નિવારણ અને જીવનધોરણ સુધારણાના ક્ષેત્રમાં પોતાનાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નોથી સારું કાર્ય કર્યું છે. આપણે અનાજ-ઉત્પાદન, અવકાશવિજ્ઞાન, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી જેવા અનેકક્ષેત્રોમાં કેટલાય વિકસતાં રાષ્ટ્રો કરતાં મહત્તર સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે અને આજે આપણું રાષ્ટ્ર વિશ્વમાં એક સબળ આર્થિક અને ઔદ્યોગિકરાષ્ટ્ર રૂપે ઊભરી રહ્યું છે. સાથે ને સાથે રાજકારણના મુખ્ય સિદ્ધાંત તરીકે ‘બિનસાંપ્રદાયિકતા’ રાખીને પછી હાસ્યાસ્પદ બની જાય તેટલી હદે એ આદર્શનું ખોટું અર્થઘટન કરીને તેનો દુરુપયોગ કર્યો છે. આને પરિણામે આપણી આધારશીલારૂપ બનેલ આધ્યાત્મિકતાના આદર્શનું વિલોપન કરવાની ભયંકર પળે આપણે પહોંચી ગયા છીએ. આ જ આદર્શે આપણા રાષ્ટ્રના દીર્ઘકાળના ઇતિહાસની કટોકટોની પળોમાં પણ એમને જીવંત અને સબળ બનાવીને ટકાવી રાખ્યું છે. ભારતમાં જેટલા પ્રમાણમાં ઉપર્યુક્ત છેતરામણા બિનસાંપ્રદાયિકવાદનો રાજકીય દુરુપયોગ થયો તેટલા જ પ્રમાણમાં ભ્રષ્ટાચાર, છેતરપીંડી, અનૈતિકતાનું પ્રમાણ વધ્યું છે. ધર્મના માધ્યમ સિવાય આધ્યાત્મિક મૂલ્યોનો સંદેશ ન આપી શકાય તેમજ એનું સંરક્ષણ-સંવર્ધન પણ શક્ય ન બને એ વાત નિ:શંક છે.

સ્વામીજી મક્કમપણે માનતા હતા કે પ્રબળ ભારતનું પુનર્નિમાણ કરવા આ સનાતન હિંદુધર્મે નિર્ભય અને વીર્યવાન બનવું પડશે. ભગિની નિવેદિતાને એક મુલાકાત આપતી વખતે થયેલ વાતચીત પ્રમાણે તેમનો ઉદ્દેશ સનાતન હિંદુધર્મને શક્તિશાળી અને આક્રમક બનાવવાનો હતો. સનાતન હિંદુધર્મ સુસંગઠિત એકતા માટે જાગ્રત હોય, ગતિશીલ અને પ્રાણવાન હોય એમ તેઓ ઇચ્છતા હતા. તેઓ દૃઢપણે માનતા હતા કે આવા સનાતનધર્મે પોતાના પ્રચાર માટે વિશ્વભરમાં ધર્મપ્રચારકો મોકલવા સક્ષમ બનવું પડશે. એણે નવાં ઉદાત્તતત્ત્વોને સ્વીકારીને તેને પોતાનામાં સમાવવાનો પ્રયત્ન પણ કરવો પડશે. સાથે ને સાથે અજ્ઞાનતા, ગરીબાઈ કે બીજા કોઈ અનિવાર્ય કારણોસર જે ભારતવાસીઓને ધર્મપરિવર્તન કરવાની ફરજ પડી હતી તેમને પોતાના મૂળ પથ પર પાછા લાવવાની અને પોતાનામાં એમને સ્વમાનભરી રીતે સમાવી લેવાનું સુકાર્ય પણ કરવું પડશે. જો સનાતન હિંદુધર્મ ભારતવાસીઓનું જીવનબળ બને અને એ એનો રાષ્ટ્રપ્રાણ બને એમ જો આપણે ઇચ્છતા હોઈએ તો એણે પોતાના સંકીર્ણતાના પાંજરામાંથી મુક્ત બનીને પૂર્વ અને પશ્ચિમના શ્રેષ્ઠ અને સૌથી વધુ ઉદાત્ત આદર્શોનો સમન્વય પણ કરવો પડશે. આવા આદર્શોને રાષ્ટ્રજીવનના આચરણમાં મૂકવા પડશે અને પોતાના ચડિયાતા ચારિત્ર્યબળથી પોતાની સંસ્કૃતિનું આરોપણ આજના આધુનિક પ્રગતિશીલતા પર કરવું જોઈએ. આજના પશ્ચિમને જેની સૌથી વધારે આવશ્યકતા છે એવા ભારતના દિવ્ય આધ્યાત્મિક સંદેશને આપવા માટે ભારતને સક્ષમ બનાવવા સ્વામીજી ઇચ્છતા હતા. આ માટે તેઓ ભારતની ઐતિહાસિક આધ્યાત્મિક ચેતનાને પુન: જાગૃત કરીને સમગ્ર વિશ્વને આ ચેતનાથી પરિપ્લાવિત કરી દેવા માગતા હતા અને આ હતો એમનો રાષ્ટ્રવાદ. પશ્ચિમમાં ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક આદર્શોનો પ્રચાર-પ્રસાર કરવો એ ભારતના રાષ્ટ્રિય પુનર્જાગરણની પોતાની યોજનાના એક ભાગ રૂપ હતો.

સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ સાચો રાષ્ટ્રવાદી કે રાષ્ટ્રપ્રેમી ભારતીયજન આવો હોવો જોઈએ: પોતાના દેશની પ્રાચીન ગૌરવગરિમાને ઓળખતો હોય, તેના સંસ્કૃતિ, સૌંદર્યો, ઐક્ય, ભીતર રહેલી સુષુપ્તશક્તિઓ અને તેની વાસ્તવિકતાઓને જાણતો હોય. જે કરોડો ભારતવાસીઓ સાથે ઐક્ય અનુભવીને તેમને ઉપયોગી થવા અને તેમને તેમનું કલ્યાણ કરવા તત્પર રહેનારો સાચો ભારતવાસી છે. આ ભારતવાસી એ બધાં જનસાધારણ લોકોનાં દુ:ખ, સુખ, પીડા, અરમાનોને પોતાનાં દુ:ખ, સુખ, પીડા, અરમાનો ગણતો હોય. ભારતમાં જન્મ લીધાનો જેને ગર્વ હોય, પોતાના પ્રાચીન ગૌરવગરિમાવાળા ઇતિહાસનો ગર્વ હોય, પોતાના વર્તમાન અને ભાવિમાં દૃઢશ્રદ્ધા ધરાવતો હોય, સત્ય અને ધર્મ માટે જે સાહસી અને હિંમતવાન હોય, જેમને મન ભારત એ જ પોતાનો ઈષ્ટદેવ હોય અને જેમના હૃદયના ધબકારમાં શાશ્વત ભારત, અમરભારતનો ધ્વનિ ગુંજતો હોય એ જ સાચો દેશપ્રેમી છે, રાષ્ટ્રપ્રેમી છે, રાષ્ટ્રવાદી છે.

Total Views: 125

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.