હિન્દુઓનો વર્ણધર્મ એ વૈદિક જીવનપદ્ધતિનું એક અનન્ય પાસું છે. એ આર્ય મસ્તિષ્કની વ્યાપક સંવાદિતાની ભાવનાની ખાસિયત બતાવે છે. એ વર્ણધર્મ, આજે હિંદુ સમૂહજીવનમાં ‘જ્ઞાતિપ્રથા’ના જાણીતા નવા સ્વરૂપે ઊતરી આવ્યો છે. આ જ્ઞાતિપ્રથા આજે આપણા રાષ્ટ્રના સામાજિક, આર્થિક જીવનમાં ઉત્પીડન, અસહિષ્ણુતા અને કાયમી અસમાનતાના એક હથિયાર સમી સાવ હીન બની ગઈ હોય એમ જણાય છે. દુર્ભાગ્ય એ છે કે આ જ્ઞાતિપ્રથા સિવાય ભારતીય ઇતિહાસમાં સામાજિક સંબંધોના અન્ય કોઈ પાસાએ આટલો મોટો ઊહાપોહ મચાવ્યો નથી. હજુ પણ હિંદુધર્મના આ પાસાની ખોટી સમજણ, ખોટી રજૂઆત અને ખૂબ નિંદનીયતા ચાલુ જ રહ્યાં છે. સંસ્થાનવાદના ઉદય પછી રાજકારણીઓએ, વિદ્વાનોએ અને પશ્ચિમના દેશોના તથાકથિત સર્વસમતાવાદી ભારતીય વિદ્યાવિદોએ હિંદુઓના સર્વક્ષેત્રીય શોષણના અંતિમ સાધન તરીકે એ જ્ઞાતિપ્રથાને ચીતરી દીધી. આ પશ્ચિમી લોકોએ એમના પોતાના દેશમાં ચાલતા સામાજિક ભેદભાવ અને અન્યાયની તો ઉપેક્ષા કરી હતી! એમણે ‘આર્યોના આક્રમણની’ તદ્દન અજાણ એવી થિયરી શોધી કાઢી. જેની સમાજ પર વિઘાત અસર પડી અને એના પરિણામે આપણા રાષ્ટ્રે આજે પણ સહન કરવું પડે છે. સ્વામી વિવેકાનંદ એવા પ્રથમ ભારતીય પુરુષ હતા કે જેમણે આ થિયરીને અત્યંત ઉત્કટતા નકારી કાઢી હતી. બેલ્જિયમના સુખ્યાત ઈંડોલોજિસ્ટ કોયેનરાડ એલ્સ્ટે પોતાના પુસ્તક ‘Update on the Aryan Invasion Debate’માં ભારતના સમાજ પર થયેલી વિઘાતક અસરને સાર રૂપે આ રીતે વર્ણવી છે:

‘૧૯મી સદીના મધ્યભાગ સુધી કોઈ ભારતીયે એવું ક્યારેય સાંભળ્યું ન હતું કે તેમના પૂર્વજો મધ્ય એશિયામાંથી આક્રમકો તરીકે ધસી આવેલા આર્યો હશે; એમણે અહીંની મૂળ સંસ્કૃતિનો વિનાશ કર્યો અને અહીંના મૂળ લોકોને ગુલામ બનાવ્યા. દક્ષિણભારતવાસીઓને એ સ્વપ્ને ય ખ્યાલ ન હતો કે તેઓ આ ઉપખંડના સ્વામી હતા. આર્યો દ્વારા એમને મૂળ સ્થાનેથી ધકેલી દઈને ઉત્તરભારતને એમણે આર્યાવર્ત બનાવી દીધું. દલિતો અને નીચલાવર્ગના લોકોએ પણ એવું ક્યારેય નહિ સાંભળ્યું હોય કે તેઓ જ આ ભારતના મૂળ નિવાસી હતા. એમને આર્યોએ જીતી લીધા અને જ્ઞાતિના પાંજરામાં પૂરી દીધા. અને આ વિજેતાઓએ તેમના પર પહેલેથી જ અસ્પૃશ્યતા લાદી દીધી. આ વિઘાતક વિચારવાળી ‘આર્યઆક્રમણવાદ’નું દુષ્ટ રાજકારણીઓએ રાજકીય સ્વરૂપ આપતાં આ વાદને પાઠ્ય પુસ્તકો અને અન્ય સંચાર માધ્યમો દ્વારા સર્વત્ર પ્રસરાવી દીધો. આને પરિણામે ઉચ્ચવર્ણ અને નીચવર્ણ, ઉત્તર ભારતવાસી અને દક્ષિણ ભારતવાસી, ઈંડોઆર્યન ભાષાભાષી અને દ્રવિડિયન ભાષાભાષી, અનુસૂચિત જનજાતિ-જાતિ અને સવર્ણો એવા ભેદોની દુનિયા સર્જીને સમાજને વિભાજિત કરી દે, છિન્ન ભિન્ન કરી દે, એક બીજા વર્ગો એક બીજા સામે થઈ જાય તેવું વાતાવરણ ઊભું કરી દીધું છે.’

પશ્ચિમથી પ્રભાવિત થયેલ ભારતીય બુદ્ધિજીવીઓ, જાતિપાંતિના ભેદભાવો, અસ્પૃશ્યતા અને બીજાં સામાજિક દૂષણોને ભારતના કાયમી પછાતપણાના સ્પષ્ટ પુરાવા ગણીને સતત એની પાછળ જ પડી ગયા હતા. અને આ અધ:પતન માટે તેઓ હિંદુધર્મની ભર્ત્સના કરતા હતા. અલબત્ત, એ વાત તો સંદેહ વગરની છે જ કે સમય જતાં પ્રાચીન વર્ણાશ્રમધર્મ પતન તો પામ્યો જ હતો પરંતુ એ વર્ણાશ્રમધર્મે વિદેશી વંશીય આક્રમણો સામે ટકી રહેવામાં હિંદુ સંસ્કૃતિને સામર્થ્ય તો આપ્યું જ હતું. અને ઇતિહાસમાં અનન્ય એવા દુર્લભ સાતત્ય સાથે હજારો વર્ષ સુધી વિકાસ કરતા રહેવાનું બળ આપ્યું હતું. એટલા માટે ભારતની આ મહાન સામાજિક સંસ્થાનું અધ્યયન – ખાસ કરીને સ્વામી વિવેકાનંદની સૂઝબૂઝના પ્રકાશમાં અને એકસો વર્ષ પહેલાં તેમણે ઉચ્ચારેલા પ્રેરક શબ્દોના પ્રકાશમાં – જરૂરી છે.

વર્ણધર્મનો વિકાસ

જે ભૂમિભાગમાંથી સરસ્વતી, સિંધુ, દૃશદ્વતી અને બીજી ઉત્તરભારતની ઋગ્વેદમાં બતાવેલી મોટી નદીઓ વહીને સાગરને મળતી હતી, તે પ્રદેશમાં વૈદિકકાળમાં આર્યોની વહેલામાં વહેલી જાણીતી એવી સામાજિક પદ્ધતિની વિકાસ થયો હતો. ઋગ્વેદનું અને બીજી સંહિતાઓનું ઐતિહાસિક વિશ્લેષણ, એ સત્યને સિદ્ધ કરે છે કે હિમાલય અને વિંધ્યાચલની વચ્ચેનો, લોકોમાં ‘આર્યાવર્ત’ તરીકે જાણીતો બનેલો સમગ્ર પ્રદેશ વિવિધવંશી માનવજૂથોની વસતી ધરાવતો હતો. એમની સભ્યતા અને સંસ્કૃતિ પણ વિવિધ હતી. અને કેટલીક વખત એ જૂથો એક બીજા સાથે લડતાં-ઝઘડતાં પણ ખરાં. આપણે જોઈએ – જાણીએ છીએ કે ભારત કેવી રીતે એક પછી એક એમ અનેક વંશના લોકોના આક્રમણનો ભોગ બન્યું હતું. એ આક્રમણોએ ભારતમાં પોતાનું રક્ત, પોતાની ભાષા, પોતાની રીતભાતો, પોતાના ધર્મોના અંશો દાખલ કરી દીધા હતા. અને છેવટના પરિણામ રૂપે એમાંથી – વિવિધવંશી માનવજૂથોમાંથી એક અંતર્મુખી જીવનદૃષ્ટિવાળો અને આધ્યાત્મિક શક્તિબીજવાળો એક વંશ ઊભો થયો. ઉમદા નૈતિક શક્તિ અને ઊંડાણવાળી આધ્યાત્મિક સૂઝથી બક્ષાયેલ આ નવો વંશ પોતાને ‘આર્ય’ તરીકે ઓળખાવવા લાગ્યો. સભ્યતાની દૃષ્ટિએ અન્ય નિમ્ન કોટિનાં માનવજૂથોને પોતાના ‘આર્ય’ જૂથમાં સ્વીકારવા માટે એ ખચકાટ અનુભવતો હોઈને એણે પોતાને અલગ તારવ્યો. ગમે તે રીતે પણ આર્યોએ પોતાના વ્યવહાર માટે સંરક્ષણ માટે અને પોતાની આધ્યાત્મિક સંસ્કૃતિના ચારે બાજુ ફેલાવા માટે ‘વર્ણાશ્રમ’ના નામે જાણીતી બનેલી પોતાની આગવી સામાજિક વ્યવસ્થાપદ્ધતિ ઊભી કરી. વર્ણ વ્યવસ્થાની અનન્ય પદ્ધતિ દ્વારા આખાયે ભારતનું ધીરે ધીરે આર્યકરણ કરવાની ભારે મોટી જવાબદારી તેમણે પોતાને શિરે લીધી અને બીજાની પ્રગતિને અવરોધક ન બને એ રીતે પોતાની અંદરની શ્રેષ્ઠતાનો વિકાસ કરવાની દરેક વંશીય જૂથને અનુમતિ આપી. આને ‘સ્વધર્મ’ એવું નામ અપાયું. આ રીતે માનવજૂથોની અસંખ્ય વિવિધતાઓ જળવાઈ રહી. બીજાં રાષ્ટ્રો પણ આવી વંશીય અથડામણોમાંથી પસાર તો થયાં છે. છતાં તેમણે પોતાની આ સમસ્યાને કાં તો નબળા વંશીયો જૂથનો નાશ કરીને અથવા તો તેને દાસ બનાવીને ઉકેલી છે. પણ આર્યોએ આ વંશીય સમસ્યાને પોતાની અનોખી રીતે ઉકેલી છે. સ્વામી વિવેકાનંદ કહે છે: 

‘યુરોપના લોકોનો હેતુ પોતે જીવે એ સારું બીજા બધાંનું નિકંદન કાઢી નાખવું એવો છે. આર્ય પ્રજાનો હેતુ સૌને પોતાની ભૂમિકાએ – અરે, પોતાનાથીયે વધારે ઊંચી ભૂમિકાએ ચડાવવા, એ છે. યુરોપીય સંસ્કૃતિનું સાધન છે શસ્ત્ર, આર્યોની સંસ્કૃતિનું સાધન છે વર્ણવ્યવસ્થા. આ વર્ણવ્યવસ્થા સંસ્કારી થવાનું એક સોપાન છે; એ દ્વારા માણસ પોતાની વિદ્યા, બુદ્ધિ અને સંસ્કારિતા મુજબ ઊંચો ને ઊંચો ચડતો જાય છે. યુરોપમાં સર્વત્ર સબળનો વિજય છે, નિર્બળનું નિકંદન છે; ભારતભૂમિમાં દરેક સામાજિક નિયમ નબળાનો રક્ષક છે.’ (સ્વા.વિ.ગ્રં.મા., ભા.૬, પૃ.૩૩૮)

સ્વામીજીના કહેવા પ્રમાણે જેવી રીતે ‘આર્ય’ શબ્દે વંશગત સમસ્યાનું સમાધાન શોધ્યું, તેવી જ રીતે ત્યારે હસ્તી ધરાવતી વિવિધ ભાષાઓની વચ્ચે વૈદિક સમાજે ભાષાકીય સમાધાન શોધ્યું હતું. બીજી બધી ભાષાઓ જે ભાષાની જ અભિવ્યક્તિરૂપ ગણી શકાય એવી એક મહાન અને પવિત્ર ભાષા તેમણે શોધી, અને તે સંસ્કૃત ભાષમાં તેમને મળી. ઋષિમુનિઓએ ઉદ્‌ઘાટિત કરેલાં અત્યંત ઊંચાં સત્યો સંસ્કૃત ભાષાના માધ્યમ દ્વારા ઘોષિત થયાં. એને ‘દેવભાષા’ કહેવામાં આવી. ભગિની નિવેદિતાએ પોતાના ‘Noblesse oblige: A study of Indian caste’ નામના મનનીય લેખમાં એ હકીકત પર પ્રકાશ ફેંક્યો છે કે વૈદિક સમાજના નિર્માતાઓએ બ્રાહ્મણત્વના આદર્શને શ્રેષ્ઠ સામાજિક ઉદ્દેશ્ય તરીકે સ્થાપિત કર્યો છે. અને આધ્યાત્મિક તેમજ ભૌતિક બંને મહાન સત્યોને ધારણ કરતા સંસ્કૃત સાહિત્યના વંશાનુગત પ્રાચીન ખજાનાના સહજ રખેવાળો તરીકે બ્રાહ્મણોને માનવામાં આવ્યા હતા. સ્વામીજી કહે છે:

‘આપણો આદર્શ છે આધ્યાત્મિક સંસ્કૃતિભર્યો ત્યાગમૂર્તિ બ્રાહ્મણ. હું બ્રાહ્મણ-આદર્શ કહું છું એનો અર્થ શો? એનો અર્થ એ કે આદર્શ ‘બ્રાહ્મણત્વ’માં સંસારીપણાનો સંપૂર્ણ અભાવ હોય અને સત્ય જ્ઞાન વિપુલ પ્રમાણમાં ભર્યું હોય.. આ જ છે હિન્દુ જાતિનો આદર્શ.’ (સ્વા.વિ.ગ્રં.મા.,ભા.૪, પૃ.૮૧)

જો કે આ મહાન આદર્શ પુરોહિતવર્ગની આપખુદી અને શોષણવૃત્તિને લીધે નિમ્નગામી તો અવારનવાર થતો જ રહ્યો છે, છતાં પણ નિયમિત સમયને અંતરે મહાન આધ્યાત્મિક વિભૂતિઓ ઉત્પન્ન થતી રહી છે. અને એમણે સમાજમાં બ્રાહ્મણત્વનો એ ઉમદા આદર્શ પુન: સ્થાપિત કર્યા કર્યો છે. શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાના ભાષ્યની ભૂમિકામાં આચાર્યશંકરે કહ્યું છે: ‘બ્રાહ્મણત્વસ્ય હિ રક્ષણેન રક્ષિત: સ્યાદ્‌ વૈદિકો ધર્મ:, તદધીનત્વાદ્‌ વર્ણાશ્રમ ભેદાનામ્‌’ જ્યારે બ્રાહ્મણત્વને જાળવી રાખવામાં આવે ત્યારે જ વૈદિક ધર્મ સુરક્ષિત રહે છે કારણ કે વર્ણાશ્રમાચાર અથવા જ્ઞાતિઓની વિભિન્નતા અને જીવનનાં સ્તરો એના ઉપર જ આધાર રાખે છે. સ્વામી વિવેકાનંદ પણ વાસ્તવિક રીતે આવો જ અભિપ્રાય ધરાવે છે, જ્યારે તેઓ કહે છે: 

‘બ્રાહ્મણત્વ એ વિવિધકક્ષાની પ્રગતિ, સંસ્કૃતિ તેમજ સર્વપ્રકારની સામાજિક તેમજ રાજકીય સમસ્યાઓનો ઉકેલ છે.’ (સ્વા.વિ.ગ્રં.મા.,ભા.૫, પૃ.૨૪૨)

વૈદિકકાળ દરમિયાન બ્રાહ્મણસિવાય બીજા ઉમદા લોકો – ક્ષત્રિયો હતા. તેમનું મુખ્ય કર્તવ્ય બહારના શત્રુઓથી સમાજનું રક્ષણ કરવાનું અને વૈદિક વિધિઓની રખેવાળી કરવાનું હતું. જ્યારે સમાજ વધારે સંગઠિત અને વધારે વિવિધતાભર્યો બન્યો ત્યારે તેમણે સમાજની અંદરનો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું પણ શરૂ કર્યું. વૈદિક રાજાઓ બ્રાહ્મણોની સલાહનું અનુકરણ કરતા. બ્રાહ્મણો સામાન્ય રીતે ક્ષત્રિયોની રાજકાજની બાબતોમાં દખલગીરી કરતા નહિ. અને ફક્ત આધ્યાત્મિક માર્ગદર્શન જ આપતા. આ રીતે આ બંને વર્ણોનો સંવાદી સંબંધ જ વૈદિક સમાજનો પાયો હતો. આ બે સિવાયના અન્ય લોકોને સામાન્ય રીતે ‘વિશ’ કહેવામાં આવતા. આ શબ્દ ઉપરથી જ પછીની ‘વૈશ્ય’ કે વેપારીની જ્ઞાતિ ઉત્પન્ન થઈને વિકાસ પામી. આ બધા વર્ણોએ ખેડૂતો, વેપારીઓ સહિત સામાન્ય રીતે સમગ્ર પ્રજાને પોતાનામાં આવરી લીધી. હવે જ્યારે વૈદિક આધ્યાત્મિક સભ્યતાની બહારના લોકોને આવરી લેવાનો સમય આવી લાગ્યો, ત્યારે એક ચોથો વર્ણ-શૂદ્રનો વર્ણ- ઊભો થયો. અને એને પણ મુખ્યધારામાં સમાવી લેવામાં આવ્યો. તેઓ – શૂદ્રો સામાન્ય રીતે શારીરિક શ્રમ કરનારા હતા અને જેમ જેમ સમાજ પ્રગતિ કરતો ગયો, તેમ તેમ વધારે ને વધારે વ્યવસાયો અસ્તિત્વમાં આવવા લાગ્યા અને શૂદ્રો સામાજિક જીવનની યોજનામાં એક મહત્ત્વનું પરિબળ બની ગયા.

જ્ઞાતિપ્રથાનું ઉગમ અને એનું અધ:પતન

બ્રાહ્મણત્વના ઉદ્દેશ્યવાળી આ વર્ણવ્યવસ્થાએ બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રોને તેમના પોતપોતાના સ્વભાવ અને ક્ષમતા પ્રમાણે કર્તવ્યો અને જવાબદારીઓ નક્કી કરી દીધી. દરેક વર્ણ પોતાના સ્થાને મહાન જ છે. અને પોતાનાં કર્તવ્યોને યોગ્ય રીતે બજાવવા અથવા સ્વધર્મનું પાલન કરવાની બાબતને આધ્યાત્મિક ઓજસ્‌ તરફના સુનિશ્ચિત માર્ગ તરીકે લેખવામાં આવતી. માનવજીવનનો ઉદ્દેશ એટલે કે મોક્ષ કે પૂર્ણત્વની પ્રાપ્તિ બધા વર્ણોની-જ્ઞાતિઓની આંખો આગળ વધુ મોટી દેખાતી હતી. અને લોકો પોતાના સામાજિક હક્કો અને વિશેષાધિકારો કરતાં વધારે પોતાના વર્ણ-જ્ઞાતિ માટે ફાળવેલી ફરજોના પાલન દ્વારા આત્મશુદ્ધિ માટે મથામણ-સંઘર્ષ કરતા રહેતા. ગમે તેમ, સમય જતાં વિવિધ વંશોના અને વિવિધ વર્ણોના સંમિશ્રણને લીધે તેમજ વિવિધ સભ્યતાઓના સંઘર્ષને લીધે એ આખીયે પદ્ધતિનું અધ:પતન થઈ ગયું. સમાજ પરના વર્ચસ્વ અને માનમોભા માટે બ્રાહ્મણો અને ક્ષત્રિયો એકબીજા સાથે લડવા લાગ્યા. અને દુનિયાદારીના લાભ માટે પોતાની સત્તાનો અને હોદ્દાનો ઉપયોગ કરવા લાગ્યા. પોતાની ફરજો બજાવવાને બદલે અને સમાજની સેવા કરવાને બદલે તેઓ પોતાના સ્વાર્થી હેતુઓ અને નીચલી જ્ઞાતિઓને દબાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એથી સ્વાભાવિક રીતે જ જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચેનો સંઘર્ષ ઊભો થયો અને એ બાકી રહેલા બે વર્ણો (જ્ઞાતિઓ) સુધી પણ ફેલાઈ ગયો. જુદી જુદી જ્ઞાતિઓ પોતાના હક્કો અને વિશેષાધિકારો ઉપર ભાર મૂકવા લાગી અને જ્ઞાતિપ્રથા ઉત્તરોત્તર ચુસ્ત અને વંશાનુગત સ્વરૂપની બનતી ચાલી. ક્ષત્રિયોના સંપૂર્ણ આપખુદ સત્તા સામે કે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે તે વખતે પણ અવશ્ય સમય સમય પર ભેદભાવના પાયા ઉપર સમાજનું પુનર્નિર્માણ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ હકીકત બિનક્ષત્રિયવર્ગના ઘણા શાસકોના ઉદયથી છતી થાય છે. દા.ત. નન્દો, મોર્યો, કલિંગો, અને ગુપ્તો – એવા ક્ષત્રિયેત્તર જ્ઞાતિના શાસકો હતા. પશ્ચિમની ભૌતિક અને ઉપભોગપ્રધાન સંસ્કૃતિના જબરા વહેણે હક્કહિસ્સાના પ્રભુત્વવાળી નાગરિકતાની સભાનતા લોકોમાં લાવી મૂકી. આ નાગરિક સભાનતાએ ધીરે ધીરે ‘સ્વધર્મ’ની ભારતીય વિભાવનાનું એટલે કે ઠેઠ પ્રાચીનકાળથી ભારતને પ્રેરણા આપતાં શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણેની મનુષ્યની ફરજપાલનની વિભાવનાનું સ્થાન આંચકી લીધું અને પરિસ્થિતિ વણસી ગઈ. સાચા જાતિધર્મ કે સ્વધર્મના વિનિપાત સાથે ભારત અવનતિ પામ્યું. સ્વામી વિવેકાનંદ કહે છે:

‘વેદમાં જે કહેલો છે એ વૈદિક ધર્મ અને વૈદિક સમાજના જે પાયારૂપ છે, તે સાચો અને ખરો રસ્તો છે. જાતિધર્મ એટલે કે પોતાની જાતિ અનુસારનું કર્તવ્ય, તથા સ્વધર્મ એટલે કે માણસની પોતાની શક્તિ અને સ્થિતિ અનુસારની ફરજો… હવે આ જાતિધર્મ એટલે કે આ સ્વધર્મ, એ સર્વદેશોના સમાજોના કલ્યાણનો માર્ગ છે, અંતિમ મુક્તિની સીડી છે. આ જાતિધર્મની, આ સ્વધર્મની પડતીની સાથે જ આપણા દેશની પડતી થઈ. પરંતુ આજના જમાનામાં કહેવાતા ઉચ્ચવર્ણો સામાન્ય રીતે જેને જાતિધર્મ કે સ્વધર્મ સમજે છે, એ તો એક નવું જ પાપ છે, અને એનાથી તો આપણે બચવાનું જ છે. એ લોકો એમ ધારે છે કે પોતે આ જાતિધર્મ વિશે બધુંય જાણે છે, પણ ખરું જોતાં તેમણે કાંઈ જ ભાન નથી. પોતાના ગામડાના રિવાજોને વેદમાં કહેલા સનાતન ધર્મો સમજીને, અને બધા ખાસ હક્કોને પોતે બથાવી પાડીને તેઓ પોતાના સર્વનાશને માર્ગે જ જઈ રહ્યા છે!.. જો જાતિધર્મ ખરેખરી ને સાચી રીતે જળવાય તો પ્રજા કદી નીચી જાય જ નહિ. જો આ સાચું હોય, તોપછી શા કારણે આપણું પતન થયું? આપણે પડ્યા છીએ એ જ જાતિધર્મના મૂળ સાથે અપડલાં થયાંની ચોક્કસ નિશાની છે… હવે સાચો જાતિધર્મ પાછો લાવવાનો પ્રયત્ન કરો તો દેશને એ સાચેસાચ વરદાનરૂપ થઈ પડશે.’ (સ્વા.વિ.ગ્રં.મા.,ભા.૬, પૃ.૨૭૮-૭૯)

આધુનિક યુગમાં જ્ઞાતિપ્રથાની સમસ્યાનું સમાધાન

જાતિ પ્રથાના સૂચિતાર્થો અને અસર એ આજના આધુનિક ભારતમાં એક સદી પહેલાં હતાં તેના કરતાં જુદાં છે. કોઈ પણ વ્યક્તિ કોઈ વિશેષ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિનો છે એનો આજના ભારતમાં કયો સૂચિતાર્થ છે? આજનાં સાંસ્કૃતિક ભિન્નતા અને વૈશ્વિક સમાજની વૃદ્ધિના સંદર્ભમાં આ પ્રશ્નનો પ્રતિભાવ ચોક્કસપણે મૂંઝવનારો અને પરિવર્તનશીલતાવાળો છે. જાતિ કે જ્ઞાતિની સભાનતાએ આપણા લોકોના મનમાં એવાં ઊંડા મૂળિયાં નાખી દીધાં છે કે ભલે ઘણાં ક્ષેત્રોમાં અને ઘણી બાબતોમાં અને એમાંય ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જ્ઞાતિનું મહત્ત્વ ઘટતું જાય છે, છતાં પણ બીજાં કેટલાંય ક્ષેત્રો અને બાબતોમાં ભારતીય સમાજમાં જ્ઞાતિ કે જાતિ એક અનિવાર્ય ભાગ બની ગયો છે. આજે પણ જ્ઞાતિ લગ્નોમાં પોતાનો પ્રભાવ પાડે છે; જન્મ અને મૃત્યુનાં વિધિવિધાનોમાં પણ એનું ઘણું મહત્ત્વ રહે છે; રાષ્ટ્રના સામાજિક આર્થિક જીવનના અગત્યના પાસા, વ્યવસાયમાં પણ જ્ઞાતિનું મહત્ત્વ ઘણું મોટું છે. આઝાદી પછી આપણા દેશના રાજકારણ પર પણ તેનો અત્યંત વધતો રહેતો પ્રભાવ રહ્યો છે. સ્વાર્થભાવનાવાળા અને સંકુચિત મનના રાજકારણીઓ અને સમાજના અગ્રણીઓએ આ જ્ઞાતિપ્રથાનો એટલી બધી હાસ્યાસ્પદ અને શરમજનક રીતે શોષણખોરીભર્યો દુરુપયોગ કર્યો છે કે જેને કારણે સમાજના લોકોમાં તનાવ, સંઘર્ષણ, એકબીજા પ્રત્યેની ધિક્કારવૃત્તિ અને આપણા સમાજમાં એક શૂન્યાવકાશ સર્જાય તેવું વાતાવરણ ઊભું થયું છે. વધુમાં સદીઓ સુધી વિશેષ અધિકાર ધરાવતા, કહેવાતા ઉચ્ચવર્ણોની શોષણલીલાએ અધિકાર વિહોણા લોકોને પોતાના ઝૂંટવાઈ ગયેલા હક્કોની માગણી કરતા કરી દીધા છે. આ ભયનો અંદાજ કરીને સ્વામી વિવેકાનંદે પોતાના સમકાલીન દેશબાંધવોને અને તેમાંય ખાસ કરીને ઉચ્ચવર્ણના લોકોને ચેતવણી આપતા કહ્યું હતું: 

‘ખેડૂત, મોચી, ભંગી અને ભારતના બીજા હલકા વર્ગના ગણાતા લોકોમાં તમારા કરતાં કામ કરવાની શક્તિ અને આત્મવિશ્વાસ વધારે છે. યુગો થયા તેઓ મૂંગાં મૂંગાં કામ કરે છે અને દેશની સમૃદ્ધિમાં બધી રીતે વધારો કરે છે.. જીવનસંઘર્ષમાં ગળાડૂબ રહેવાથી તેમને જ્ઞાનનો વિકાસ કરવાની તક મળી નથી. માનવબુદ્ધિથી ચલાવાતાં યંત્રોની માફક તેમણે લાંબા કાળ સુધી એકધારું કામ કર્યું છે, જ્યારે તેમના પરિશ્રમના ફળનો મોટો ભાગ ચાલાક શિક્ષિત લોકોએ લીધો છે.. પણ હવે કાળ બદલાયો છે. નીચલા વર્ગના માણસો આ હકીકત પરત્વે ધીરે ધીરે સજાગ બની રહ્યા છે, તેમણે સંયુક્ત મોરચો ઊભો કરવા માંડ્યો છે, અને પોતાના વાજબી હક્કો હાંસલ કરવા કૃતનિશ્ચયી બન્યા છે… ગમે તેટલો પ્રયાસ કર્યા છતાં ઉચ્ચ વર્ગના લોકો હવે નીચલા વર્ગને લાંબો વખત દબાવી શકશે નહિ. હવે તો નીચલા વર્ગના લોકોને તેમના યોગ્ય હક્કો મેળવવામાં સહાય કરવામાં જ ઉચ્ચ વર્ગના લોકોનું કલ્યાણ રહેલું છે.’ (સ્વા.વિ.ગ્રં.મા.,ભા.૧૧, પૃ.૮-૯)

આપણી જ્ઞાતિપ્રથા સાથે સંબંધિત બધાં દુ:ખદર્દોનો રામબાણ ઈલાજ કેળવણી છે. પરંતુ માત્ર ભૌતિક સુખસગવડો આપતું સામાન્ય શિક્ષણ પૂરતું નથી. જ્ઞાતિપ્રથા એ માત્ર કોઈ સામાજિક આર્થિક પદ્ધતિ નથી. આ પ્રથાની સર્વોત્તમ ઉપયોગીતા એ હકીકતમાં રહેલી છે કે તે સર્વોચ્ચ કલ્યાણ એટલે કે આધ્યાત્મિક કલ્યાણવાળી ઉન્નતિ તરફ દોરી જાય છે અને આવું ભારતમાં યુગો સુધી વિચારાતું રહ્યું છે. સ્વામીજી કહે છે:

‘આપણો (જ્ઞાતિનો) આદર્શ આવો છે: એનો હેતુ છે સમસ્ત માનવસમાજને સહાનુભૂતિપૂર્વક અને ધીરે ધીરે ઊંચે લઈ જઈને, પેલા અહિંસક, શાંત, સ્થિર, પ્રભુપરાયણ, પવિત્ર અને ધ્યાનપરાયણ આધ્યાત્મિક માનવના મહાન આદર્શે પહોંચાડવાનો. એ આદર્શમાં ઈશ્વર છે.’ (સ્વા.વિ.ગ્રં.મા.,ભા.૪, પૃ.૮૨)

આપણા પ્રાચીન સ્મૃતિકારોએ વર્ણવ્યવસ્થાની એવી વિચારણા કરી કે જે દ્વારા લોકોની આધ્યાત્મિક ઉન્નતિ થાય. તેમાં સામાજિક, આર્થિક અને રાજકીય પ્રવૃત્તિઓનું એવી સરસ રીતે નિયમન થતું કે જ્ઞાતિનો કોઈ પણ માનવ પોતે પશુતાની કક્ષામાંથી માનવતાની કક્ષામાં અને અંતે દિવ્યતાની કક્ષા સુધી પહોંચી શકતો. અસંખ્ય પેટા જ્ઞાતિઓની એકતાને સર્વપ્રથમ પ્રોત્સાહન આપીને, એને એના મૂળવર્ણમાં ભેળવી દઈને આપણી વર્ણવ્યવસ્થાને સ્વામીજી પુન:સ્થાપિત કરવા ઇચ્છતા હતા. વર્ણવર્ણ વચ્ચે વિશેષાધિકારોને કારણે જન્મેલા ભેદોને મિટાવીને કહેવાતા ચાંડાલ સુધીના સૌ કોઈ ધર્મ, અર્થ, કામ, મોક્ષ પ્રાપ્ત કરી શકે. બધી જ્ઞાતિઓને કોઈ પણ જાતના ભેદભાવ વિના આર્યશાસ્ત્રોના અધિકારો પાછા આપીને આ કાર્ય થઈ શકે. સાથે ને સાથે એ બધાને માટે નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોવાળી કેળવણીને આજના સામાન્ય શિક્ષણ સાથે જોડી દેવી અનિવાર્ય છે. સ્વામીજી એ વાત ચોક્કસપણે જાણતા હતા કે સૌથી વધુ ભવ્યોદાત્ત ભારતીય વર્ણવ્યવસ્થાના સાચા ફલીકરણે આપણા રાષ્ટ્ર માટે આશ્ચર્યજનક કાર્ય કર્યું છે અને એ જ વર્ણવ્યવસ્થાનો સદુપયોગ કરીને ભારતની પ્રજા પોતાના ઉચ્ચતમ ધ્યેયને પ્રાપ્ત કરી શકશે.

Total Views: 147

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.