નવરાત્રિ અથવા દુર્ગા મહોત્સવ આ વખતે ઓક્ટોબર માસમાં આવે છે. ભારતના મુખ્ય ધાર્મિક ઉત્સવોમાંહેનો એ એક છે. અને તે સમગ્ર દેશમાં, પૂર્વના આસામ અને બંગાળથી માંડીને પશ્ચિમમાં ઠેઠ ગુજરાત સુધી અને ઉત્તરમાં કાશ્મીરથી માંડીને દક્ષિણમાં ઠેઠ તામીલનાડુ સુધી ઉજવાય છે. જો કે આ ઉજવણી અને પૂજાની રીતો પ્રદેશે પ્રદેશે જુદી છે પણ ઈશ્વરના દિવ્ય માતૃસ્વરૂપની જે ઉત્સાહથી પૂજા કરવામાં આવે છે તે ખરેખર આખા વિશ્વમાં અનન્ય છે. જો કે આ ઉત્સવ મૂળે તો એક ભારતીય ઉત્સવ છે. છતાં એની સમાનતામાં આવે તે જાતના સમાંતર ઉત્સવો ઇજિપ્શિયનો, ચાલ્ડીયનો, એસિરિઅનો, ફિનિશિયનો, ગ્રીકો અને પ્રાચીન આરબોમાં પણ હતા. ઇજિપ્ત અને ફિનિશિયામાં ‘ઓસીરીસ’ અથવા ‘ઇસીસ’નો આઠ દિવસનો ઉત્સવ કે ઉજવણી પાનખરની શરૂઆતમાં કરવામાં આવતી. ત્યારે સૂર્ય કર્ક રાશિમાં જવાની તૈયારી કરતો હોય છે. હિબ્રુ શાસ્ત્રોમાં ‘ડેન્ડ્રોફોરી’ અથવા વૃક્ષધારક તરીકે ઓળખાતા આ પૂજકો આખા એસિરિયામાં પથરાઈ ગયા હતા. મીનરવા, વીનસ, મૂન, રહીઆ, ડાયેના વગેરે જેવી કેટલીયે દેવીઓ પૂજાતી હતી. બળદ, ઘેટાં અને બકરાંનાં બલિદાન અપાતાં. લોકો માટીના ઘડામાં અનાજ, ફળો, ફૂલો અને તાજા છોડો પણ લઈ જતા. અને એનું ઉત્સાહભેર વાવેતર થતું. ભારતમાં પણ આપણે દશેરાના ઉત્સવ પ્રસંગે ઢોલનગારાં જેવાં વાદ્યો વગાડતાં ઉપરની વસ્તુઓ લઈને જતી મહિલાઓના સરઘસો નિહાળીએ છીએ. અને એવી જ રીતે અનાજ અને છોડ વાવવા-રોપવાની પદ્ધતિ પણ જોઈએ છીએ.

આર્યોની પરંપરામાં કોઈ મૂર્તિપૂજા વિશે કશું જ ન કહેતા વેદોમાં પંચશારદીય યજ્ઞનું ગાન કરવામાં આવ્યું છે. શુક્લ યજુર્વેદ સાથે સંકળાયેલા આરણ્યકમાં અંબિકાના આવાહ્‌નના પ્રશસ્તિ મંત્રો છે. આ અંબિકા દુર્ગાનું જ બીજું નામ છે. આ દશ ભુજાળી, ત્રણ આંખોવાળી અને ભયંકર સિંહ પર સવારી કરનારી આ દુર્ગાદેવી કોણ છે? હિંદુ પુરાણોમાં એનું આદ્યાશક્તિ, સતી, દક્ષની પુત્રી અને પછી હિમવાનની પુત્રી અને કૈલાસપતિ શિવની અર્ધાંગિની જેવાં વિવિધ રૂપે વર્ણન કરવામાં આવ્યું છે. ગ્રીક પુરાણોમાં પણ સમાંતરે આ જ પ્રકારનું વર્ણન આપણને જોવા મળે છે. ત્યાં ‘જૂનો’ એ ‘જોવ’નું અર્ધાંગ છે. ઇજિપ્તનાં પુરાણોની કિંવદન્તીમાં પણ ‘ઈસી’ એ ‘ઓસીરીસ’ની પત્ની તરીકે વર્ણવાઈ છે. (આ ઓસીરીસ શબ્દ કદાચ ઈશ્વર શબ્દમાંથી નિષ્પન્ન થયો હશે.) ગમે તે ભૂમિભાગ હોય કે ગમે તે દેશ હોય પણ એ સર્વપ્રથમ આદ્યાશક્તિ છે. શાશ્વત પરમાત્માની – આદિપુરુષની સૃષ્ટિના પુરુષતત્ત્વના પ્રતીકની – એ મહિલાતત્ત્વ રૂપે અર્ધાંગિની છે. બીજો અરધો ભાગ છે, પણ અહીં એક પ્રશ્ન ઊભો થાય છે કે પ્રકૃતિના શક્તિ સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરતી આ વિભાવનાને દેવીનું ભયંકર સ્વરૂપ વર્ણવીને જ શા માટે રજૂ કરવામાં આવે છે? ઘાતક શસ્ત્રોને ધારણ કરતા અનેક હાથો અને ત્રણ આંખો શા માટે વર્ણવાયા છે? રાક્ષસોને નાશ કરવા માટે છેવટની લડાઈ લડતી માતાનું ચિત્રણ શા માટે કરાયું છે? અને પોતાનાં બાળકોને મૃદુતાભરી માવજતથી પાળતી-પોષતી પ્રેમાળ માતા તરીકે શા માટે ચીતરવામાં આવી નથી?

એની એક સમજૂતિ કદાચ વૈદિક ઉષાની સ્તુતિ સાથે તેની રૂપકાત્મક તુલનામાં હોય એમ લાગે છે. પુરાણો અને તંત્રોની કિંવદન્તીઓમાં આ દુર્ગોત્સવ, સ્વર્ગના એક ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા બનાવ સાથે સંકળાયેલો છે. ભારે બલશાળી અસુરો કે દાનવોના દેવલોક પરના આક્રમણથી સ્વર્ગનું રાજ્ય ભયમાં આવી પડ્યું. દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને તેમને ખૂબ ગરીબીની અવસ્થામાં ધકેલી દેવામાં આવ્યા. સૃષ્ટિ સર્જક બ્રહ્માની સત્તાની પણ તેમણે અવગણના કરી. આવા ભારે મુસીબતના સમયે દેવેશ્વર વિષ્ણુને દેવોએ મદદ કરવા માટે વિનંતી કરી. અસુરોનાં દુષ્કૃત્યોને જોઈને વિષ્ણુ એવા તો કોપાયમાન થયા કે તેમના શરીરમાંથી શક્તિના ધોધ વહેવા લાગ્યા. અને એમાંથી મહામાયાનું સ્વરૂપ આવિર્ભૂત થયું. અને એ કાળે સ્વર્ગના વિવિધ દેવોના શરીરમાંથી પણ એવા જ શક્તિના પ્રવાહો વહેવા લાગ્યા. અને તે પ્રવાહો મહામાયાના શરીરમાં પ્રવેશ કરવા લાગ્યા. આથી તેઓ અગ્નિમય પર્વત ખડો થયો હોય એવા ભવ્ય પ્રકારથી ઝળહળી ઊઠ્યાં. પછી દેવોએ મહામાયાને વિવિધ શસ્ત્રાસ્ત્રો આપ્યાં. ભયંકર ક્રોધથી મહામાયા અદ્ધર હવામાં ચડી ગયાં. પછી અસુરો કે દાનવો સાથે ભયંકર યુદ્ધ શરૂ થયું. એમાં દેવી દુર્ગાએ પોતાની અનેક પ્રકારની શક્તિઓની સહાયથી અસુરોને જીતી લીધા. અને દેવોની સત્તાનું પુન: સ્થાપન કર્યું. આ પૌરાણિક કિંવદન્તી દુર્ગોત્સવ કે દુર્ગાપૂજાના પાયામાં છે. ‘અસુરો – દાનવોના ત્રાસમાંથી દેવોને છોડાવનાર’ – એવો ‘દુર્ગા’નો અર્થ છે. દુર્ગાની ઉદ્‌ભાવનાના સંબંધમાં આવા જ પ્રકારની એક કિંવદન્તી યજુર્વેદમાં પણ મળે છે. અને ચૈત્રમાસમાં કે વસંત ઋતુમાં વસન્તોત્સવના નામથી એની પૂજાનું વિધાન પણ એમાં મળે છે. સૃષ્ટિસર્જક બ્રહ્માએ સૃષ્ટિમાં વૈવિધ્ય લાવવાની ઇચ્છાથી પોતાના સાથળમાંથી અસુરોને ઉત્પન્ન કર્યા. અને એક માટીના વાસણમાં તેમને ખાવાનું આપ્યું. અને પછી તેમણે અસુરોને જન્મ આપનાર પોતાના સ્વરૂપનો નાશ કરી નાખ્યો. એટલે એ સ્વરૂપનું અંધારી રાત્રિમાં રૂપાન્તર થઈ ગયું. બ્રહ્માએ દેવોને પણ પોતાના મુખમાંથી ઉત્પન્ન કર્યા. અને તેમને સોનાના પાત્રમાં પીવા માટે અમૃત આપ્યું. અને તેઓ ઉજ્જવળ દિવસના રૂપમાં રૂપાન્તરિત થઈ ગયા. દિવસની દેવરૂપે પૂજા થાય છે અને રાત્રિ અસુર રૂપે ગણાય છે.

પ્રાત: કાળની દેવી ઉષા ઋગ્વેદમાં બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એનું આ રીતે વર્ણન કરવામાં આવ્યું છે : ‘એ દરેક ઘરમાં જાય છે, માણસના રહેઠાણનો એ વિચાર કરે છે, એને નાના-મોટાનો કોઈ ભેદ નથી, તે સમૃદ્ધિ આપે છે, તે સદા સર્વદા એક સમાન, નિત્ય અને દિવ્ય છે, તે કદી વૃદ્ધ થતી નથી, તે યુવાવસ્થામાં રહેલી દેવી છે, તે તમસ્‌ અથવા દસ્યુઓનો ઉચ્છેદ કરવા માટે દેવોમાંથી ઉત્પન્ન થઈ છે, પોતાના પ્રકાશથી તે સર્વ વાયુમંડળને ભરી દે છે, તે આકાશમાં ફેલાય છે.’ વગેરે.

ઋગ્વેદમાંની પ્રાત:કાળની દેવી આ ઉષા અને પુરાણકાળની દુર્ગાદેવીની સરખામણી ઘણી રસપ્રદ છે: જેવી રીતે પ્રાત:કાળની ઉષાદેવી દરેક ઘરની મુલાકાત લેવામાં ગરીબ-તવંગરનો કોઈ ભેદભાવ રાખતી નથી, તેવી રીતે પુરાણકાળની દુર્ગાદેવીની પૂજાઅર્ચના ગમે તે જાતિપાંતિના લોકો પણ કરી શકે છે.

પ્રાત:કાળની ઉષા ક્યારેય વૃદ્ધ થતી નથી, તેવી જ રીતે સદાયે નવયુવાવસ્થામાં રહેલી પૌરાણિક દુર્ગાદેવી પણ એવી જ રહે છે. દુર્ગાના દશ હાથો, પ્રાત: કાલીન ઉષાના આગમનથી પ્રકાશિત થતી ગાઢ અંધકારમાં રહેલ દશે દિશાઓ અને ખૂણાઓનાં પ્રતિનિધિત્વનું સૂચન કરી જાય છે. વળી, જેવી રીતે પ્રાત: કાલીન ઉષા રાત્રિના અંધકારનો નાશ કરે છે, તેવી રીતે દુર્ગાએ અસુરોનો નાશ કર્યો છે. ઋગ્વેદ ઉષાને આ રીતે વર્ણવે છે :

इयं या निच्यर्किणी रूपा रोहिण्या कृता ।
चित्रेव प्रत्यदर्श्यायत्यऽन्तर् दशसु बाहुषु ॥

(ઋક્‌ : ૮/૧૦૧/૧૩)

‘તે આ (ઉષા), જે પોતાના કિરણોને ચારે બાજુ ફેલાવે છે, જે રક્તવર્ણથી સાવૃત્ત છે, પોતાના દશ બાહુથી સુસજ્જ એવી તે અદ્‌ભુત રીતે આગળ ધસી રહી છે.’

આ રીતે આકાશમાં ફેલાયેલી આ વૈદિક પ્રાત:કાલીન ઉષાનો વિચાર, પુરાણો અને તંત્રોમાં પહોળાં-ફાડેલાં અને ભયંકર મોઢાંવાળી દુર્ગાદેવી રૂપે રૂપાંતરિત થયો છે. જેવી રીતે સંધ્યાકાળે ઉષા (સૂર્ય) પોતાનો ચહેરો સંતાડીને સાગરજળમાં ડૂબી જાય છે, તેવી રીતે દુર્ગાની મૂર્તિનું પણ જળમાં જ વિસર્જન કરવામાં આવે છે કે જેથી તે ફરી વખત ઉષા રૂપે આવી શકે. પુરાણોએ અને તંત્રોએ પણ દુર્ગાના બીજા સ્વરૂપનો વિકાસ કાલીના સ્વરૂપે કર્યો. એ દુર્ગાની બીજી બાજુ છે. ઓજસ્વિની દુર્ગાનું સૌંદર્ય ગહનતમ થઈ ચળકતા અંધકારનું રૂપ લઈને શ્યામા – કાલીના સ્વરૂપમાં પ્રતિનિધિત્વ કરી રહ્યું છે એમ કહેવામાં આવે છે. જેવી રીતે દુર્ગા વિષ્ણુરૂપમાંથી ઉત્પન્ન થઈ અને અગ્નિમય પર્વત ખડો હોય એમ યુદ્ધ કરતી કરતી સ્વર્ગમાં પહોંચી ગઈ એમ કહેવાય છે, તેવી જ રીતે સવારનાં સૂર્યકિરણો પણ પર્વત શિખરોને રોજ ચૂમે છે. અને તેમને અગ્નિવર્ણથી રંગી નાખે છે. અને જાણે પર્વત ઉપર કોઈ પ્રકાશપુંજ ખડો હોય એવો દેખાવ કરે છે. પ્રાત:કાલીન ઉષા વૃક્ષોનું દર્શન કરાવે છે અને વૃક્ષોનાં પાંદડાંઓના છિદ્રોમાંથી ડોકિયું કરે છે તેવી જ રીતે દુર્ગા પણ વૃક્ષોમાં જ પૂજાય છે. જેવી રીતે ઉષાનાં સૂર્યકિરણો પર્વતોની ગુફાઓના અંધકારમય પડને ભેદી નાખે છે, તેવી જ રીતે પ્રતીકાત્મક રૂપે અંધારી ગુફા જેવાં અસુરોનાં હૃદયોને દુર્ગાનું ભાલું ભેદી નાખે છે. જેવી રીતે દુર્ગા એક પગથી સિંહ ઉપર જેને ‘હરિ’ એટલે કે દિવસનો દેવ પણ કહેવામાં આવે છે – તેના ઉપર – અને બીજા પગથી અસુર ઉપર એટલે કે રાત્રિના દેવ-અંધકાર ઉપર ઊભી છે. એવી રીતે ઉષાદેવી પણ બન્ને ઉપર ઊભી છે. કારણ કે એ પહેલાંની અંધારી રાત્રિ અને ભવિષ્યના મધ્યાહ્‌નની વચ્ચેનો સમય છે. પ્રાત:કાલીન ઉષાદેવીએ રાત્રિના અંધકારરૂપી દાનવને જીતી લીધો છે અને પ્રકાશનું શાસન સ્થાપ્યું છે. એટલે દુર્ગાદેવી ‘વિજયા’ એટલે કે વિજય અપાવનાર દેવી તરીકે જાણીતાં થયાં છે. દુર્ગા તામ્રવર્ણા છે કારણ કે ઉષાદેવીનો વર્ણ પણ લાલ જ છે. આમ, વૈદિક ઉષા અને પૌરાણિક અને તાંત્રિક દુર્ગાની રસપ્રદ સરખામણી, ભારતના ધાર્મિક ઇતિહાસમાં ઈશ્વરની વિભાવનાનો વિકાસ કેવી રીતે થયો એનો ખ્યાલ આપે છે. ઈશ્વરની આ વિવિધ શક્તિઓનું બ્યાન કાલિદાસે પોતાના ‘અભિજ્ઞાનશાકુન્તલમ્‌’ નામના વિખ્યાત નાટકના પ્રારંભના શ્લોકમાં સુંદર રીતે આપ્યું છે :

या सृष्टि: स्रष्टुराद्या, वहति विधिहुतं या हविर्या च होत्री ।
ये द्वे कालं विधत: श्रुतिविषयगुणा या स्थिता व्याप्य विश्वम् ।
यामाहु: सर्वबीजप्रकृतिरिति यथा प्राणिना प्राणवन्त: ।
प्रत्यक्षाभि: प्रपन्नस्तनुभिरवतु विस्ताभिरष्टाभि रीश: ॥

‘જે શક્તિ સૃષ્ટિની પ્રારંભની છે તે (પાણી), જે શક્તિ વિધિપૂર્વક હોમેલા હવ્યને અભિપ્સિત દેવ પાસે લઈ જાય છે તે (અગ્નિ), જે શક્તિ હોમ કરી રહી છે તે (આત્મશક્તિ), જે બે શક્તિઓ કાળને નિર્મે છે તે (સૂર્યશક્તિ અને ચંદ્રશક્તિ – ઉષા અને રાત્રિ), જે શક્તિ કાનના વિષય રૂપ બનેલ ગુણવાળી છે તેમજ સમગ્ર જગતને વ્યાપીને રહી છે તે (આકાશ), વળી જે શક્તિને બધાં ધાન્યોની ઉત્પાદક કહેવામાં આવે છે તે (પૃથ્વી) અને જે શક્તિથી બધાં પ્રાણીઓ જીવી રહ્યાં છે તે શક્તિ – એમ પરમેશ્વરની આ પ્રત્યક્ષ દેખાતી આઠ પ્રકારની મૂર્ત શક્તિઓ વડે ઈશ્વર સૌનું રક્ષણ કરે છે.

Total Views: 129

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.