એક મહાન ઉપદેશકના જીવનનું શ્રેષ્ઠ ભાષ્ય તેનું પોતાનું જીવન જ છે, ‘લોંકડીને રહેવાને દર હોય છે; પક્ષીઓને માળા હોય છે; પણ માનવના પુત્રને માથું મૂકવાનું ક્યાંય સ્થળ નથી.’ ક્રાઈસ્ટ કહે છે તેમ આ એક જ મોક્ષનો માર્ગ છે; તેઓ બીજો કોઈ માર્ગ બતાવતા નથી. ભારે હૈયે આપણે કબૂલ કરીએ કે આપણે તે કરી શકતા નથી. ‘હું’ અને ‘મારા’માં આપણને હજીયે મમતા છે. આપણને સંપત્તિ, દોલત, ધન વગેરે જોઈએ છે. ધિક્કાર છે આપણને! માનવજાતના એ મહાન ગુરુને આપણે શરમમાં ન મૂકતાં આપણી નિર્બળતા કબૂલી લઈએ. તેને કુટુંબનાં કોઈ બંધન નહોતાં. પણ શું તમે એમ ધારો છો કે તે પુરુષને કશી દેહબુદ્ધિ હતી? તમે એમ ધારો છો કે પ્રકાશનો આ પુંજ, આ પ્રભુ, આ અતિમાનવ પૃથ્વી ઉપર પશુઓની સાથે પશુ બનવા આવેલો? અને છતાં લોકો તેને મુખે અનેક પ્રકારના ઉપદેશો અપાવે છે. તેને મન લિંગભેદ નહોતો; તે આત્મા હતો. માનવજાતના કલ્યાણ માટે માત્ર શરીરને ચલાવતો તે એક આત્મા સિવાય બીજું કંઈ જ નહોતો. શરીર સાથે તેને એટલો જ સંબંધ હતો. આત્મામાં લિંગ નથી, અશરીરી આત્માને પશુ સાથે કંઈ સંબંધ નથી, શરીર સાથે કંઈ જ સંબંધ નથી. આદર્શ આપણાથી અતિ દૂર હોય પણ તેની ચિંતા ન કરશો; તેને વળગી રહો. આપણે કબૂલી લઈએ કે તે આપણો આદર્શ છે, પણ હજી આપણે તેની સમીપ પહોંચી શકીએ તેમ નથી.

પોતે આત્મા છે એ સિવાય જીવનમાં તેને બીજો કોઈ વિચાર કે બીજી કાંઈ પ્રવૃત્તિ નહોતી. તેઓ અશરીરી, મુક્ત, સ્વતંત્ર ચૈતન્ય હતા. એટલું જ નહિ, પરંતુ તેમણે પોતાની અલૌકિક દૃષ્ટિથી જોયું હતું કે દરેક પુરુષ અને સ્ત્રી, પછી તે યહૂદી હો કે અન્ય કોઈ હો, ગરીબ હો કે તવંગર હો, સંત હો કે પાપી હો, તોપણ તે પોતાના જેવા અમર આત્માનાં મૂર્ત સ્વરૂપો છે. તેથી તેમના જીવનમાં જે એક કાર્યનું દર્શન થાય છે, તે એ છે કે તેઓ દરેકને પોતાનો આધ્યાત્મિક સ્વરૂપને અનુભવવાનો આદેશ આપતા. તમે અધમ છો, ગરીબ છો, તેવા વહેમી સ્વપ્નોનો ત્યાગ કરો; એમ ન ધારો કે તમે ગુલામ હો તેમ તમને કોઈ ચગદી નાખે છે અને ત્રાસ આપે છે; તમારી અંદર એક એવું તત્ત્વ છે કે જેના ઉપર કદીય જુલમ થઈ શકતો નથી, જેને ચગદી શકાતું નથી, કોઈ દિવસ પણ હેરાન કરી શકાતું નથી, કદાપિ હણી શકાતું નથી. તમે સહુ ઈશ્વરના પુત્રો છો, અમર આત્મા છો. તેણે પોકારીને કહ્યું છે: ‘જાણજો કે સ્વર્ગનું સામ્રાજ્ય તમારામાં જ છે.’ ‘હું અને મારા પિતા એક છીએ.’ તમે જાગ્રત થાઓ અને એમ કહેવાની હિંમત દાખવો કે ‘હું ઈશ્વરનો પુત્ર છું’ એટલું જ નહિ પણ મારા હૃદયના ઊંડામાં ઊંડા ભાગમાંથી હું શોધી કાઢીશ કે, ‘હું અને મારા પિતા એક જ છીએ.’ નાઝરેથના જિસસે આમ જ કહ્યું હતું. તે આ દુનિયાની કે દુન્યવી જીવનની વાત નથી કરતા; તેમને તેની સાથે કોઈ લેવા દેવા નથી. માત્ર આટલો જ સંબંધ છે કે દુનિયા જેવી છે તેવી તેને સ્વીકારવી, આગળ ધપાવવી અને જ્યાં સુધી સમગ્ર જગત ઈશ્વરના તેજસ્વી પ્રકાશને ન પામે, જ્યાં સુધી સહુ કોઈ પોતાના આત્મસ્વરૂપને ન ઓળખે, જ્યાં સુધી મૃત્યુનો પરાજય ન થાય અને દુ:ખનો વિનાશ ન થાય ત્યાં સુધી તેને આગળ ધપાવ્યે જવી.

— સ્વામી વિવેકાનંદ
(સ્વા.વિ.ગ્રં.મા., ભાગ – ૬, પૃ. ૫૯-૬૦)

Total Views: 108

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.