વેદોની જાળવણી અને તેના અર્થઘટન વિશે પશ્ચિમના વિદ્વાનોના પ્રદાન વિશે આપણે અભ્યાસ કરીએ તે પહેલાં આપણે એ વસ્તુને યાદ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ કે એમનો વેદોનો અભ્યાસ બ્રિટિશ શાસકો દ્વારા પ્રેરિત હતો અને એના પર સંસ્થાનવાદી અને પૂર્વગ્રહયુક્ત દૃષ્ટિકોણનો જબરો પ્રભાવ હતો. ભારત અંધશ્રદ્ધા અને વહેમોની ભૂમિ છે એવો પશ્ચિમના વિદ્વાનોનો મૂળ અભિગમ હતો. લોકો ભ્રામક અને પ્રાકૃત દેવતાઓની ભયંકર ક્રિયાકાંડોથી પૂજા કરે છે અને તેમની ધર્મપ્રણાલીમાં નૈતિકતાને ક્યાંય સ્થાન નથી. હિંદુઓ પાસે પણ એક ઉચ્ચકક્ષાની સંસ્કૃતિ હતી એ વાતનું સર્મથન કરનાર Sir William Jones જેવા મહાન વિદ્વાનને પણ તેમણે હસી કાઢ્યા હતા. પાશ્ચાત્ય વિદ્વાનોની આવી ભ્રામક અવધારણાનું મુખ્યકારણ એ હતું કે યુરોપથી આવેલા ખ્રિસ્તી મિશનરીઓએ એમને એવા ભયાનક અહેવાલો આપ્યા હતા. આવું કરવા પાછળ એમનો હેતુ – ભારતના અસંસ્કૃત લોકોને ક્રિશ્ચ્‌યાનીટિના-ખ્રિસ્તીપણાના જાદુઈ સ્પર્શથી સુસંસ્કૃત બનાવવાના કહેવાતા પોતાના સુકાર્ય માટે પોતપોતાના રાજ્ય કે સત્તા મંડળોમાંથી – વધુ ને વધુ ધન ખેંચવાનો હતો. જો કે સ્વામી વિવેકાનંદની પશ્ચિમના દેશોની ઐતિહાસિક વિજયયાત્રા પછી પશ્ચિમના શાણા વિદ્વાનો સમજી ગયા કે હિંદુઓને શીખવવા માટે કે બોધપાઠ આપવા માટે ખ્રિસ્તીધર્મ પાસે કંઈ નથી. પૂર્વકાળમાં ઇ.સ. ૧૮૧૮માં ડબલ્યુ. વોર્ડ નામના એક અત્યુત્સાહી મિશનરીએ પોતાના ‘A View of History Literature and Mythology of the Hindoos’ ના બે ભાગમાં આવી પૂર્વગ્રહભરી વાતો કરી હોવા છતાં તેમણે પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ હિંદુત્વ પાસે ટકી રહેવા અને પોતાની વિકાસોન્નતિનો માર્ગ કરવાની એક અદ્‌ભુત શક્તિ છે. ફ્રેંચ વિદ્વાન Abbe Dubois એ ૧૮મી સદીના અંતે કહ્યું હતું કે ખ્રિસ્તીપણાના કોઈ પણ સંપ્રદાયમાં ધર્મપરિવર્તન કરાવીને હિંદુ રાષ્ટ્રને બ્રાહ્મણત્વની મજબૂત પકડમાંથી મુક્ત કરવું કોઈ પણ રીતે શક્ય નથી. તેમણે પોતાના પુસ્તક ‘Hindu Manners, Customes and Ceremonies,’ માં (૧૮૨૫માં ફ્રેંચ ભાષામાં પ્રસિદ્ધ થયેલ મૂળગ્રંથનો અંગ્રેજી અનુવાદ ઓક્સફર્ડ દ્વારા ૧૯૦૬માં પ્રસિદ્ધ થયો હતો) પોતાના બીજા યુરોપિયન વિદ્વાન મિત્રોથી જુદા પડીને હિંદુ સમાજ વ્યવસ્થા વિશે ઘણા ઉચ્ચ અને ઉદાર અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. પછીના સમયમાં ખ્રિસ્તી મિશનરીઓએ હિંદુ સમાજના ઉચ્ચવર્ણના લોકો દ્વારા વૈદિક ધર્મથી વંચિત રખાયેલ આદિવાસી જાતિના લોકોનું ધર્મપરિવર્તન કરાવવાની ચળવળ પાછળ વધારે ધ્યાન આપ્યું. આવી શક્તિમત્તા હતી વૈદિકસંસ્કૃતિ અને ધર્મની.

જો કે પશ્ચિમના બધા વિદ્વાનો આવા પૂર્વગ્રહવાળા ન હતા. David Kopf પોતાના પુસ્તક British Orientalism and Bengal Renaissance,(Berkely, 1969) દ્વારા ૧૮મી સદીના મધ્યભાગમાં(Orientalism) પૌર્વાત્યશાસ્ત્ર પર વિશેષ ભાર દીધો હતો અને (Indology) ઇન્ડોલોજી આ પૌર્વાત્યશાસ્ત્રની એક શાખા રૂપે વિકસાવી હતી એવું સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારત પર શાસન કરતા સહૃદયી બ્રિટિશશાસકો ભારતના ભણેલાગણેલા લોકોના મન પર એ વાત ઠસાવવા માટે આતુર હતા કે પોતાના વિસરાયેલા સાંસ્કૃતિક વારસા પર પ્રકાશ પાડીને તેમને સજાગ બનાવવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે. આના પરિણામે લખલૂટ ખર્ચથી સંસ્કૃત, પાલી, વૈદિક અને પ્રાચીન ભારતીય શાસ્ત્ર અને સાહિત્યનાં અનુવાદકાર્ય, પ્રકાશનકાર્ય અને સંકલનકાર્ય થયાં. પ્રાચીન ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ અને ધર્મના સંદેશવાળા વેદોનો પણ એમાં સમાવેશ થાય છે. આ બધું અત્યાર સુધી મૌખિક પરંપરા કે તાલપત્ર પર લિપિબદ્ધ હતું અને એ બધું સાહિત્ય સૌ કોઈને માટે સહેલાઈથી પ્રાપ્ય ન હતું. આવું કાર્ય કરીને તેઓ ભારતના ભણેલાગણેલા લોકોનું મન જીતવા માગતા હતા.

વૈદિકધર્મના અને વૈદિકધર્મશાસ્ત્રોના આધુનિક અધ્યયનનો પાયો Sir William Jones એ નાખ્યો હતો. ૧૮૦૫માં Henry Thomas Colebrooke એ પોતાનું પુસ્તક ‘On the Vedas’ લખ્યું. એ પુસ્તકમાં ભારતના પ્રાચીનતમ ગ્રંથ વેદો વિશે એક ચોક્કસ અને વિશ્વસનીય વર્ણન અંગ્રેજી ભાષામાં પાશ્ચાત્ય જગતને અપાયું હતું. Freidrich Rosen દ્વારા ‘Rig Veda’ ના પ્રકાશન દ્વારા ઈ.સ.૧૮૩૮માં વેદોના અધ્યયન અને અનુવાદના કાર્યનો શુભારંભ થયો. ફ્રેંચ પૌર્વાત્યશાસ્ત્રવિદ્‌ Eugine Burnouf એ એક વિદ્યાર્થીવૃંદ ઊભું કર્યું. આ વિદ્યાર્થીઓ પાછળથી વૈદિક સાહિત્યના પ્રખર વિદ્વાનો તરીકે ઊભર્યા. આમાંના એક વિદ્વાન Rudolph Roth એ જર્મનીમાં વૈદિકશાસ્ત્રોના અધ્યયનનો પ્રારંભ કર્યો. તેમણે પોતાનું અવિસ્મરણીય કાર્ય ૧૮૪૬માં ‘Zur Litteratur und Geschochte des Veda’ ગ્રંથ લખીને કર્યું. આ ગ્રંથ બહાર પડ્યા પછી ભારતીય પ્રાચીન વૈદિકશાસ્ત્રોના અધ્યયનની અભિરુચિ જર્મનો તેમજ અન્ય યુરોપના વિદ્વાનોમાં જાગ્રત થઈ. આવા અધ્યયનશીલ વિદ્વાનોમાંના એક હતા એફ. મેક્સમૂલર. એમણે ૧૮૪૯ થી ૧૮૭૫ના સમયગાળામાં સાયણાચાર્યના ભાષ્ય સાથે ઋગ્વેદ સંહિતા બહાર પાડી.

યુરોપના – પશ્ચિમના વિદ્વાનોને સંસ્કૃતભાષા અને વૈદિકશાસ્ત્રોના અધ્યયનની ઓચિંતાની ઈંતેજારી શા માટે વધી ગઈ? આની પાછળ પણ રસપ્રદ વાત છે. ૧૮મી સદીના પૂર્વાર્ધમાં બ્રિટિશ ઇતિહાસકારોએ આર્યવાદની સંકલ્પના, એક કલ્પિત પુરાવૃત્તકથાના રૂપે વિકસાવી. આ કલ્પિત પુરાવૃત્તકથાની સંકલ્પના દ્વારા તેમને એક વિશેષ હેતુ પાર પાડવો હતો. એ હેતુ હતો આર્યો એ પોતાની એક કલ્પિત મૂળભૂમિ છોડીને ભારતના મૂળ વાસીઓ-આદિવાસીઓને અને અન્ય અવિકસિતજાતિના લોકો પર આક્રમણ કરી તેમના પર વિજય મેળવીને તેમને સુસંસ્કૃત કરવાનો પ્રયાસ કર્યો. આ જ સંકલ્પનાને ધ્યાનમાં રાખીને, એને જ સાથે રાખીને આ નવા ધોળિયા આર્યબંધુઓ, અંગ્રેજોએ ભારતના ઉચ્ચવર્ણના લોકોને – આર્યોને સાથે રાખીને નિમ્નવર્ણના, ભારતના મૂળવાસીઓ અને આદિવાસીઓને સુસંસ્કૃત કરવાનું અધૂરું મહાકાર્ય પૂર્ણ કરવાનું છે. આ રીતે આર્યો અનાર્યોના અને જાતિ-જાતિના ભેદભાવ પાડીને ભારતનું વિભાજન કરવામાં તેઓ સફળ થયા. આ નીતિ એમના રાજકીય હેતુ ‘ભાગલા પાડો અને રાજ કરો’ને બરાબર બંધ બેસતી થઈ પડી. જાતિ અને સંસ્કૃતિની ચડિયાતાપણાની ભાવનાવાળી આર્યવાદની આ નવી તરંગી સંકલ્પનાએ યુરોપના અનેક રાષ્ટ્રોને ઘેલછા લગાડી દીધી. Franz Bopp એ આપેલી (Science of Comparitive Philology) તુલનાત્મક ભાષાવિજ્ઞાનના આધારે આ નવા આર્યવાદની તરંગી સંકલ્પના ઊભી થઈ હતી. ૧૮૧૬થી માંડીને ૧૮૩૨ સુધીમાં તેમણે સંસ્કૃત, ગ્રીક, લેટિન, ગોથિક, સેલ્ટિક અને ઈરાની ભાષાઓના તુલનાત્મક ભાષાવિજ્ઞાનના આધારે ગહન અભ્યાસકૃતિઓ બહાર પાડી. આ જ ભાષાઓને આ પહેલા Sir William Jones જેવા વિદ્વાનોએ ‘Indo-Euro-pean’ કે ‘Aryan’ ભાષાઓ એવું વર્ગીકરણ કર્યું હતું. Wilhem von Humboldt એ ૧૮૨૧માં Schlegel ને લખેલા એક પત્રમાં લખ્યું હતું: ‘સંસ્કૃત ભાષાનું શક્ય તેટલું ઊંડાણભર્યું અધ્યયન કર્યા વિના તુલનાત્મક ભાષાવિજ્ઞાન કે એને સુસંગત ઇતિહાસ વિશે જાણવું અશક્ય જેવું છે.’ આને કારણે યુરોપના વિદ્વાનોને સંસ્કૃત ભાષાના અધ્યયન કરવાની એક રટણા લાગી. પરંતુ વૈદિક સાહિત્યનો ઊંડાણથી અભ્યાસ કરવા જતા એમણે સ્પષ્ટપણે જણાયું કે આ અતિપ્રાચીન હિંદુસાહિત્ય છે. અને એ વૈદિકકાળનું સંસ્કૃત હતું જે પાણિનિએ આપેલા વ્યાકરણસૂત્રો પછી સુવ્યવસ્થિત થયેલ શિષ્ટ સંસ્કૃત કરતાં જુદું અને અસરળ હતું.

પશ્ચિમના વિદ્વાનોની સામે વૈદિક શાસ્ત્રગ્રંથોના અનુવાદ અને તેનાં અર્થઘટન કે વ્યાખ્યા વિશે અનેક જાતની સમસ્યાઓ હતી. જો કે વૈદિક શાસ્ત્રોમાં જળવાયેલા સત્વતત્ત્વની સમૃદ્ધિ, તેની કાવ્યાત્મક શૈલી તેમજ તેમના વિચારોની સર્વવ્યાપકતાને જોઈને પશ્ચિમના વિદ્વાનો મુગ્ધ બની ગયા હતા. પરંતુ સાચી ભારતીય પરંપરામાં આ બધા શાસ્ત્રગ્રંથોને ઊંડાણપૂર્વક સમજવાના પ્રયાસોમાં તેઓ ભારતીય શાસ્ત્રજ્ઞોની બરાબરી કરી ન શક્યા, એટલે કે તેઓ એનાથી ઊણા ઊતર્યા. W.D. Whitney (૧૮૨૭-૯૪) એ તેમના ગ્રંથ ‘On the History of the Vedic Texts’ માં વૈદિક સંહિતાઓ વિશે કહ્યું છે: ‘આ બધાં શાસ્ત્રો ઘણાં પ્રાચીન અને જાળવી રાખવા યોગ્ય હતાં; પણ તે બધા ઉત્ક્રાંતિમાં નીચલા સ્તરેથી વિકસતા માનવીના વિચારો હતા. એ બધાંને હજારો વર્ષોથી વિશ્વના કોઈપણ રાષ્ટ્રે જાળવણી ન કરી હોય એવી જાળવણી આર્યપ્રજાએ કરી છે. R. Roth (૧૮૨૧-૯૫)એ વૈદિક સંહિતાઓમાં ધર્મમય કાવ્યરચના તરીકે નીહાળી. તેમણે કહ્યું હતું: ‘વેદો એ અતિપ્રાચીન ઊર્મિકાવ્યો છે.’ આમ કહીને એમણે ભારતીય પરંપરામાં વૈદિકકાળના સર્વોત્કૃષ્ટ અલૌકિક સત્યના દૃષ્ટા તરીકે ઓળખાતા ઋષિઓને વર્ડઝ્‌વર્થ કે શેલ્લી જેવા ઊર્મિ કવિઓની કક્ષામાં મૂકી દીધા. આનું એક કારણ એ પણ હોઈ શકે કે યુરોપના ખ્રિસ્તીધર્મને વરેલા વિદ્વાનો આ દિવ્યાનુભૂતિને અને તેની દિવ્યવાણીને બાઈબલની દિવ્યવાણીની પરંપરાના જેવી ગણવા કે બીજી કોઈ સંસ્કૃતિમાં પણ આવી દિવ્યવાણી હોઈ શકે એ સ્વીકારવા તૈયાર ન હતા. કેટલાક બુદ્ધિવાદીઓએ તો એને આર્ષવાણી ગણવા સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. આમ, વૈદિકકાળના ઋષિઓની અનુભૂતિપૂર્ણ વાણીને એક ઉત્ક્રાંતિના નીચલા સ્તરે રહીને વિસકતા માનવીના ઉદ્‌ગારો ગણાવી દીધા. Whitney ના શબ્દોમાં આ વૈદિક ઋષિઓ ઉચ્ચ પ્રતિભાવાન હોવા છતાં એક ગામડિયા જેવું માનસ ધરાવનારા હતા અને એમનો ધર્મ પણ એવો જ હતો. તેઓ કહેતા : ‘આ વૈદિકધર્મ ઉત્ક્રાંતિના નીચલા સ્તરે રહીને વિસકતા માનવીનો ધર્મ હતો. એ ધર્મ કંઈ ઉપરથી થયેલી દિવ્ય પ્રેરણાનું વહન કરતી દિવ્યવાણી ન હતી. આ ધર્મ તો હતો પ્રકૃતિપૂજકનો ધર્મ. આ જગતનાં બધાં સર્જનોની પાછળ રહીને તેનું સંચાલન અને નિયંત્રણ કરતી શક્તિપૂજાનો ધર્મ.’ એ પછીના કાળના બીજા પાશ્ચાત્ય વિદ્વાનો પણ એમ માનવા પ્રેરાયા કે વેદો એ કોઈ દિવ્ય પ્રેરણાના ગ્રંથો ન હતા. પરંતુ, ઉત્ક્રાંતિના નીચલા સ્તરે રહીને વિસકતા માનવીની પ્રકૃતિપૂજાના ઉદ્‌ગારો માત્ર હતા. મહાન ફ્રેંચ વિદ્વાન Louis Renou (૧૮૯૬-૧૯૭૩)એ એમનાં બે પુસ્તકો ‘Vedic India’ (Calcutta, 1957) અને ‘The destiny of Veda in India’ માં દર્શાવ્યું છે કે ભારતમાં વેદો પ્રત્યે એક મોટો અહોભાવ અને પૂજ્યભાવ હતો પણ ભાગ્યે જ લોકોએ તેમને અક્ષરશ: સ્વીકાર્યા હતા કે એમના ભાવને ગ્રહણ કર્યો હતો. જ્યારે વેદોને ઉપરછલ્લી રીતે, પલ્લવદર્શી પાંડિત્યથી સમજવામાં આવ્યા હોય ત્યારે જ આવું અત્યંત ઊતરતી અને અણઘડ દૃષ્ટિબિંદુ જન્મે.

Rudolf Roth જેવા વિદ્વાને કહ્યું હતું કે ઋગ્વેદની રચના બાદ ૨૫૦૦ વર્ષ પછી સાયણાચાર્યે રચેલું તેમના પરનું ભાષ્યને આધારરૂપ કે આધારભૂત ગણી ન શકાય. વેદનું સાચું અર્થઘટન કરવામાં ઉપયોગી થતું તુલનાત્મક ભાષાવિજ્ઞાન જેવી પદ્ધતિઓનો આશ્રય જેટલો શ્રદ્ધેય છે તેટલું શ્રદ્ધેય આ ભાષ્ય નથી. ૧૮૫૦ થી ૧૮૬૦ સુધીના દાયકામાં H.H. Wilson એ સંપૂર્ણ ઋગ્વેદ સંહિતાનું અંગ્રેજી ભાષાંતર ૬ ગ્રંથોમાં બહાર પાડ્યું. આ અનુવાદ સાયણાચાર્યના ભાષ્યના આધારે થયો હતો. કેટલાકનો અભિપ્રાય એવો પણ હતો કે સાયણાચાર્યે ઋગ્વેદ સંહિતાનું શબ્દશ: ભાષ્ય આપ્યું છે. જો સાયણાચાર્ય યુગોથી અસ્તિત્વમાં રહેલી ભાષ્ય પરંપરાથી પૂરેપૂરા અવગત ન હોત તો તેમનાથી આ કાર્ય શક્ય ન બન્યું હોત. એમના ભાષ્યમાં એમની પહેલાંના કાળમાં થઈ ગયેલા ઘણા ભાષ્યકારોના નામોલ્લેખ પણ જોવા મળે છે. દુર્ભાગ્ય એ છે કે સાયણાચાર્ય પહેલાંના ભાષ્યકારોની નહિવત્‌ કૃતિઓ ઉપલબ્ધ છે અને પરિણામે સાયણાચાર્ય વિના કોઈ પણ ભાષાંતરકારને ચાલે એમ નથી. Roth ના શિષ્ય Al-fred ludwing ઋગ્વેદનું ૧૮૭૬થી ૧૮૮૮ના વર્ષો દરમિયાન ૬ ગ્રંથોમાં જર્મનભાષામાં ભાષાંતર કર્યું. આ ભાષાંતર ઉપર એમણે પોતાની ટીકા પણ ઊમેરી છે જો કે મોટા ભાગની જગ્યાએ વ્યાખ્યા કે સ્પષ્ટીકરણ સાયણાચાર્યના ભાષ્યના આધારે જ કર્યું છે. વિદ્વાનોની એક આ નવી પેઢીએ વેદોમાં રહેલ પુરાણ કથાઓની અને ઈંડોયુરોપિયન લોકોની પુરાણ કથાઓ સાથે તુલના કરીને વેદોનું નવું અને સત્યપ્રમાણવાળું અર્થઘટન આપવાનું શરૂ કરી દીધું છે. આ નવીન વ્યાખ્યા પદ્ધતિ Adalbert, Kuhn એ શરૂ કરેલી, અને પછીથી M. Max Muller, Macdonell, Schroeder, Muir, Bloomfield વગેરેએ તેનું અનુસરણ કર્યું હતું. પરંતુ Geldner અને Pischel આ મત સાથે સહમત ન થયા. એમની દૃષ્ટિએ ઋગ્વેદ મુખ્યત્વે ભારતીયશાસ્ત્ર છે તેથી તેની આવી તુલના ન કરી શકાય. આપણે પશ્ચિમના પૌર્વાત્યશાસ્ત્રોના વિદ્વાનો અને ભારતના આધુનિક પૌર્વાત્યશાસ્ત્રોના નિષ્ણાતોએ વેદોની વ્યાખ્યા પદ્ધતિ વિશે કરેલા પ્રયાસો અને પ્રદાન વિશે હવે પછીના અંકમાં ચર્ચા કરીશું.

Total Views: 130

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.