શ્રીરામકૃષ્ણનું જીવન તો એક અસાધારણ પ્રકાશ સમાન હતું. એના તેજ દ્વારા હિંદુધર્મના સમસ્ત ક્ષેત્રને સાચી રીતે સમજવા મનુષ્ય સમર્થ બને છે. એ તો શાસ્ત્રોમાં બોધેલા તમામ સૈદ્ધાંતિક જ્ઞાનના દૃષ્ટાંતરૂપ હતા. ઋષિઓ અને અવતારી પુરુષો જે ખરેખર શીખવવા ઇચ્છતા હતા તે શ્રીરામકૃષ્ણે પોતાના જીવનમાં પ્રત્યક્ષ કરી બતાવ્યું. ગ્રંથો માત્ર સિદ્ધાંતો હતા, શ્રીરામકૃષ્ણ તેમનો સાક્ષાત્કાર હતા. એ પુરુષે પોતાની એકાવન વર્ષની જિંદગીમાં રાષ્ટ્રના આધ્યાત્મિક જીવનનાં પાંચહજાર વર્ષ જીવી બતાવ્યાં અને એ રીતે ભાવિ પ્રજા માટે એક મૂર્ત આદર્શની કોટિએ પહોંચી ગયા. ‘અવસ્થા’ એટલે ભૂમિકાના એમના સિદ્ધાંત દ્વારા જ વેદોની વ્યાખ્યા થઈ શકે અને શાસ્ત્રોનો સમન્વય સાધી શકાય. એ ‘અવસ્થા’નો સિદ્ધાંત એ છે કે આપણે અન્ય સિદ્ધાંતો પ્રત્યે સહિષ્ણુતા રાખવી એટલું જ નહિ, પણ એમનો સ્પષ્ટ સ્વીકાર કરવો જોઈએ. અને સત્ય એ જ સર્વ ધર્મોનો પાયો છે. આમ આ દૃષ્ટિને લક્ષમાં રાખીને એક અત્યંત પ્રભાવશીલ અને સુંદર જીવનચરિત્ર લખી શકાય. વારુ, યોગ્ય વખતે સઘળું થઈ રહેશે…

દુનિયા સિદ્ધાંતની પરવા બહુ નથી કરતી; તે વ્યક્તિ પ્રત્યે વધારે જુએ છે. લોકો પોતાને ગમતી વ્યક્તિનાં વચનો, પછી તે ગમે તેવાં નકામાં હોય, પણ ધીરજથી સાંભળશે; તેમને ન ગમતી વ્યક્તિને તેઓ સાંભળશે નહિ. આનો વિચાર કરજો અને તમારો વ્યવહાર તે પ્રમાણે સુધારજો. બધું સારું થઈ જશે. જો તમારે સત્તા જોઈતી હોય તો પહેલાં સેવક બનો. ખરું રહસ્ય આ છે. તમારા શબ્દો કડવા હશે તો પણ તમારો પ્રેમ અસર કરશે. ગમે તેવી ભાષામાં હશે છતાં પ્રેમને માણસ સ્વાભાવિક રીતે જ અનુભવશે.

મારા વહાલા ભાઈ, શ્રીરામકૃષ્ણ પરમહંસ ઈશ્વરના અવતાર હતા તે વિશે મને લેશમાત્ર શંકા નથી; પણ તે જેનો ઉપદેશ આપતા તે લોકો પોતે જ શોધી કાઢે તેમ થવું જોઈએ, આ વસ્તુઓ તેમના ઉપર ઠોકી બેસાડાય નહિ; મારો વિરોધ માત્ર એટલો જ છે.

લોકો પોતાનો અભિપ્રાય ભલે વ્યક્ત કરે; આપણે શા માટે વિરોધ કરવો? શ્રીરામકૃષ્ણના જીવનનો પ્રથમ અભ્યાસ કર્યા સિવાય વેદ, વેદાંત, ભગવદ્‌ગીતા અને બીજાં પુરાણોનું રહસ્ય કદી સમજાશે નહિ. તેમનું જીવન ભારતીય ધર્મ વિચારના સમગ્ર સમૂહ ઉપર ફેંકેલા અનંત શક્તિવાળા પ્રચંડ પ્રકાશ જેવું છે. તેમનું જીવન વેદો અને તેમના લક્ષ્ય ઉપર એક ભાષ્યરૂપ હતું. તેઓ એક જ જિંદગીમાં ભારતના રાષ્ટ્રિય ધાર્મિક જીવનનો સમગ્ર યુગ જીવી ગયા.

શ્રીરામકૃષ્ણ છેલ્લા અને સૌથી વિશેષ પૂર્ણ છે – જ્ઞાન, પ્રેમ, ત્યાગ, વિશાળતા અને માનવસેવાની મહેચ્છાના એકત્રિત કરેલા મૂર્તિસ્વરૂપ છે. તો પછી એમની સરખામણી કરી શકાય તેવો કોઈ છે જ ક્યાં? જે તેને સમજી શકે નહિ તેનો જન્મ વૃથા છે! મારું મોટામાં મોટું સદ્‌ભાગ્ય એ છે કે હું જન્મે જન્મે તેમનો દાસ છું. તેમનો એક શબ્દ મારે મન વેદ અને વેદાંત કરતાંય વધારે કિંમતી છે. તસ્ય દાસદાસદાસોહમ્‌ તેમના ‘દાસોના દાસનોય હું દાસ છું’. પણ સંકુચિત ધર્માંધતા તેમના સિદ્ધાંતોની વિરુદ્ધ છે, અને તેથી હું આકળો થાઉં છું. તેમનું નામ વિસ્મૃતિની ગર્તમાં ભલે ડૂબી જાય, અને તેમનો ઉપદેશ ભલે ફળીભૂત ન થાય! શા માટે? શું તે કીર્તિના દાસ હતા? ઈશુ ખ્રિસ્તને કેટલાક માછીમારો અને અજ્ઞાની મનુષ્યો જ ઈશ્વર કહેતા, પણ ભણેલા માણસોએ તો તેમને મારી નાખ્યા. બુદ્ધ પણ પોતાના જીવનમાં તો કેટલાક વેપારીઓ અને ભરવાડોનું જ માન પામ્યા હતા. પણ શ્રીરામકૃષ્ણને તો તેમના જીવન દરમિયાન જ – ઓગણીસમી સદીના આખરભાગમાં – વિદ્યાપીઠના મહાન બુદ્ધિશાળી માનવીઓ ઈશ્વરના અવતાર તરીકે માનતા હતા.

– સ્વામી વિવેકાનંદ
(સ્વા.વિવે.ગ્રંથમાળા-સંચયન : પૃ.૪૨૧, ૪૨૩)

Total Views: 92

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.