આપણે આગળના સંપાદકીય લેખોમાં ભારતના તેમજ પશ્ચિમના મર્મજ્ઞોએ છેલ્લાં ૨૦૦ થી વધુ વર્ષમાં વૈદિક સંહિતા અને વેદશાસ્ત્રોનું અર્થઘટન કરવાની વ્યાખ્યાપદ્ધતિ વિશે થયેલા અનેક પ્રયાસોની ચર્ચા કરી ગયા છીએ. જો કે પ્રારંભમાં પશ્ચિમના અને પૂર્વના વિદ્વાનોના આ અભિગમ એક બીજાના વિરોધાભાસી જણાતા હતા પરંતુ, ધીમે ધીમે પાશ્ચાત્ય અભિગમમાં પરિવર્તન આવતાં એ બંને વચ્ચે હવે થોડું સામંજસ્ય વધ્યું છે. W.D. Whitney (1827-94) અને R. Roth (1821-95)ના શબ્દોમાં કહીએ તો, ‘વેદો એ અતિપ્રાચીન ઊર્મિકાવ્યો છે’. એટલે એમણે ભારતીય પરંપરામાં સર્વોત્કૃષ્ટ અલૌકિક સત્યના દૃષ્ટા તરીકે ઓળખાતા ઋષિઓને માત્ર કવિ ગણી લીધા. મોટા ભાગના યુરોપના કે પશ્ચિમના વિદ્વાનોએ વૈદિક શાસ્ત્રોનું અધ્યયન કરવા માટે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના ચશ્મા પહેરી રાખ્યાં હતાં. એ બધાના આ પૂર્વગ્રહ રચિત અભિપ્રાય પ્રમાણે વૈદિક કાળના ઋષિઓ માત્ર પ્રાચીન માનવ હતા, તેઓ ઈશ્વરદત્ત પ્રતિભાવાળા હોવા છતાં સામાન્ય અને સરળ હતા. મેક્સમૂલર જેવા મહાન વિદ્વાનો પણ પોતાના ઉપર્યુક્ત મનોવલણથી દૂર ન રહી શક્યા.

જો કે Rudolf Otto (1889-1937) એ એવા પહેલા ધર્મજ્ઞાની અને યુરોપવાસી વિદ્વાન હતા કે જે ઉપર્યુક્ત અભિગમથી પોતાની જાતને દૂર રાખી શક્યા. રૂઢિવાદી ધર્મશ્રદ્ધાની આધારશીલાવાળી તાર્કિક ધર્મજ્ઞાનની પશ્ચિમની પ્રણાલીથી એમણે પોતાની જાતને દૂર કરી લીધી. તેઓ સૌ પ્રથમવાર તુલનાત્મક ધર્મની પ્રણાલી તરફ વળ્યા અને ધર્મમાંના પ્રત્યક્ષ અનુભૂતિના વિચારોને આદર્શોને મહત્ત્વ આપ્યું. આ પ્રત્યક્ષ અનુભૂતિમાં, ઇન્દ્રિયાતીત અનુભૂતિ તરફ અંગુલીનિર્દેશ કરવામાં આવે છે.

Carl Jung (1875-1961) એ ધાર્મિક પરિકલ્પનાઓ અને પુરાણશાસ્ત્રોમાં અનુભવેલા વૈશ્વિક પરિબળોનો અભ્યાસ કર્યો. પેઢી દર પેઢીથી ચાલી આવતા વિભિન્ન પ્રજા અને ધર્મોના અનુયાયીઓના માનસને ઘડવામાં ઉપર્યુક્ત પરિબળો કેવો અગત્યનો ભાગ ભજવે છે એ બાબતોનો પણ તેમણે અભ્યાસ કર્યો. એમણે આ પરિબળોને Archetypes એવું નામ આપ્યું. એને આધારે એમણે Collective unconscious કે ‘સાર્વલૌકિક અવ્યક્ત માનસ’ નામની નવી સંકલ્પના આપી. આ સાર્વલૌકિક અવ્યક્ત માનસ એ એક પ્રકારનો ચૈતસિક કે આધ્યાત્મિક પાયો છે જે આ ચબિરીાએીજ પરિબળોને આધાર પૂરો પાડે છે અને વ્યક્તિના અસંપ્રજ્ઞાતપણા સાથે તે કાર્ય કરે છે અને સંપ્રજ્ઞાત મન પર તેનો પ્રભાવ પાડે છે.

પૂર્વ અને પશ્ચિમના અને એમાં પણ ખાસ કરીને પશ્ચિમના વેદોના થયેલાં અર્થઘટનની બાબતમાં આપણે વિચાર કરીએ ત્યારે આ સાર્વલૌકિક અવ્યક્ત માનસની સંકલ્પનાને યાદ રાખીએ તો વિભિન્ન પ્રદેશની પ્રજાઓના આવાં પ્રાચીન શાસ્ત્રો વિશેનાં વિરોધાભાસી બની જતા અર્થઘટનોમાં દેખાતા મતભેદ અને તેનાં કારણોનો ખ્યાલ આપણને આવી જશે. હોલેન્ડના પૌર્વાત્ય તત્ત્વવિદ્‌ Jan Gonda (born 1905) યુરોપના રૂઢિવાદી વિદ્વાનોના વેદોના અર્થઘટનોની સાથે સૌ પ્રથમવાર અસહમત થયા. એણે તારણ કાઢ્યું કે અત્યાર સુધી યુરોપના બીજા વિદ્વાનોએ વૈદિક સંહિતાઓને માત્ર પ્રાકૃતિક કાવ્ય, લોકપ્રિય પુરાણકથા અને વાર્તાઓ તથા અતિજુનવાણી રૂઢિવાદની વાતો ગણતા હતા, તે વાત ગળે ઊતરે તેવી નથી. The Vision of Vedic Poets- (વૈદિકકાળના કવિઓનું દર્શન) – નામના એમના ગ્રંથમાં એમણે સ્વીકાર્યું છે કે વૈદિક યુગના પ્રાચીન માનવોએ સનાતન સત્યોનો પ્રત્યગ્દૃષ્ટિથી સાક્ષાત્કાર કર્યો હતો. આ પુસ્તકમાં તેઓ કહે છે યોગની શક્તિથી અંતર્દૃષ્ટિ કેળવવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. એટલે કે ‘ધી:’ – ઋતંભરાપ્રજ્ઞા જાગ્રત થાય છે કે તેનો વિકાસ થાય છે. અને એની સહાયથી વૈદિકકાળના ઋષિઓએ અલૌકિક સત્યોનો સાક્ષાત્કાર કર્યો છે.

ભારતમાં ઉપનિષદ અને બ્રાહ્મણોથી માંડીને શંકરાચાર્ય સુધી; દયાનંદ સરસ્વતીથી માંડીને અરવિંદ સુધીના મર્મજ્ઞોએ વેદોને સર્વોત્કૃષ્ટ ઉપદેશ ધારણ કરનારા ગ્રંથો તરીકે જાણ્યા છે. પ્રાચીન અને આર્ષ ભાષાથી ઢંકાયેલા હોવાને લીધે એ વેદોમાં રહેલા સત્યોને એનાં આચ્છાદનો દૂર કરીને જ એનાં સાચાં અર્થઘટનો તારવી શકાય. સાચાં અર્થઘટનોને જાણવાનો આવો વિનમ્ર પ્રયાસ કરવાને બદલે વેદોમાં સનાતન સત્યો નથી એવું કથન કરવું એ અતાર્કિક વાત છે.

ભારતના તત્ત્વવિદ્‌ નિરુક્તના સર્જક યાસ્કે પણ સ્વીકાર કર્યું છે કે વેદોમાં બધાં સત્યો એક કક્ષાના નથી. એટલે કે એ બધાં સત્યોની કક્ષા અલગ અલગ હોઈ શકે છે. એમણે આ સત્યોના ત્રણ સ્તર પાડ્યા છે. પ્રથમ છે આધ્યાત્મિક : તેમાં આત્મા, બ્રહ્મ, જેવા સનાતન સત્યો અને તેમને લગતાં તત્ત્વોનાં મૂળ સ્વરૂપોની વાત આવે છે; બીજું છે આધિભૌતિક : એમાં જીવ, પદાર્થો – તત્ત્વો અને બ્રહ્માંડના અસલ સ્વરૂપની વાત આવે છે; ત્રીજું છે આધિદૈવિક : તેમાં સ્વર્ગ જેવાં અદૃશ્ય જગત, દેવલોક ઇત્યાદિને મેળવવા વિધિવિધાનો કે પૂજાનો ઉલ્લેખ કરવામાં આવે છે.

ભારતીય પ્રણાલીમાં વેદાંત આધ્યાત્મિકને જ પ્રાધાન્ય આપે છે અને એને સાચું ગણે છે. જ્યારે પૂર્વમીમાંસા આધિદૈવિક સ્તરને વાસ્તવિક ગણે છે અને મૃત્યુ પછીના જીવન તથા સ્વર્ગ વગેરેનો સ્વીકાર કરે છે. ન્યાય વૈશેષિકા શાખા આધિભૌતિક સ્તરને મૂળરૂપ તરીકે સ્વીકારે છે. સ્વામી વિવેકાનંદ ‘હિંદુધર્મ અને શ્રીરામકૃષ્ણ’નામના પોતાના લેખમાં કહે છે:

‘સત્ય બે પ્રકારનું છે : ૧. માણસની પાંચ સામાન્ય ઇન્દ્રિયો તથા તે ઉપર આધારિત તર્કવડે જાણી શકાય તે. અને ૨. યોગની સૂક્ષ્મ અતીન્દ્રિય શક્તિવડે જાણી શકાય તે. પહેલી રીતે મેળવેલા જ્ઞાનને વિજ્ઞાન કહે છે; બીજા પ્રકારે મેળવેલા જ્ઞાનને વેદ કહે છે.’

(સ્વા.વિવે.ગ્રં.મા., ભાગ.૮, પૃ.૧૦૭)

આપણે હંમેશાં એ યાદ રાખવું જોઈએ કે પશ્ચિમના બધા વિદ્વાનો કે જેમણે ભારતમાં વેદોનાં અર્થઘટનનું કાર્ય કર્યું છે તેમને ઘણા ભારતીય પંડિતો અને વિદ્વાનોએ સહાય કરી છે. એ બધા ભારતીય પંડિતોએ પોતાનાં નામ છુપાવીને માત્ર સત્કાર્ય પ્રત્યેના પ્રેમને ખાતર આવું કાર્ય કર્યું છે. ભારતના બીજા ઘણા વિદ્વાનોએ વૈદિક સંહિતાનો અભ્યાસ બીજાં અનેક કારણોને ધ્યાનમાં રાખીને કર્યો છે. આ બધા વિદ્વાનોએ પશ્ચિમની શૈલી કે વિદ્વત્તાનું અનુસરણ કર્યું નથી. પરિણામે પશ્ચિમના વિદ્વાનોએ એમને ધ્યાનમાં લીધા નથી. આ બધા ભારતીય વિદ્વાનોની દૃષ્ટિએ વૈદિક સંહિતાનો અભ્યાસ એ કોઈ વિદ્યાકીય વાદવિવાદ કે તાત્ત્વિક અભ્યાસ ન હતો, એમને મન એ અભ્યાસને ખાતર અભ્યાસ એવું પણ ન હતું; એમને માટે તો એક સામાજિક ધર્મભાવના અને નૈતિક પુનરુત્થાન માટેનું અગત્યનું સાધન હતું. મહાન આર્યોના વારસા રૂપે મળેલ વૈદિક સંહિતાએ પરદેશી શાસનને કારણે જન્મેલી લઘુતાગ્રંથિમાંથી લોકોને બહાર કાઢવા ઘણા વિદ્વાનો પૂરા પાડ્યા છે.

અંગ્રેજોના ભારતમાં આગમનની સાથે જ પશ્ચિમની સંસ્કૃતિની આંજી દેતી બાહ્ય પ્રતિભાએ ભારતના યુવાનોના એક વર્ગને આંજી દીધો. આવા યુવાનો માનતા હતા કે કહેવાતા હિંદુધર્મ કે વૈદિકકાળની જીવનપ્રણાલીનું અનુસરણ કરીને કંઈ પ્રાપ્ત કરી શકાય એવું નથી. પરિણામે પશ્ચિમની જીવનપદ્ધતિને અપનાવી લેવાની અને ખ્રિસ્તીધર્મને પણ અપનાવી લેવાની એક આંધળી દોટ શરૂ થઈ. કટોકટીની આ પળે રાજા રામમોહન રાયે ‘બ્રાહ્મોસભા’ની સ્થાપના કરી. એમણે ખ્રિસ્તીધર્મમાં ભારતની વૈદિકધર્મપ્રણાલી પાસે ન હોય એવું કંઈ નવું આપવાની ક્ષમતા નથી એવું પુરવાર કર્યું. રાજા રામમોહન રાયે ભારપૂર્વક કહ્યું કે હાલનાં વહેમો, અંધશ્રદ્ધા, વગેરે અડચણરૂપ અને હાનિકર્તા છે અને એને આપણા સનાતન હિંદુધર્મમાંથી દૂર કરવાની આવશ્યકતા છે. એટલે ખ્રિસ્તીધર્મને આંધળી દોટ મૂકીને સ્વીકારવાની કોઈ આવશ્યકતા નથી. ભારતીયોને પવિત્ર અને પૂર્ણ ધર્મની પ્રાપ્તિ વેદ સંહિતાના પવિત્ર ગ્રંથોમાંથી સાંપડી રહેશે. પણ એ માટે એ બધાં વૈદિકસાહિત્યને સમજવાની શક્તિ એમણે કેળવવી પડશે. રાજા રામમોહન રાયે વેદ (ઉપનિષદો)ના ઉત્તમ અંશોનો અંગ્રેજી અનુવાદ ૧૮૧૬ થી ૧૮૧૯ના વર્ષો દરમિયાન વિશ્વ સમક્ષ મૂક્યો હતો.

જ્યારે દેવેન્દ્રનાથ ટાગોર બ્રાહ્મોસમાજના નેતા બન્યા ત્યારે ૧૮૪૫માં ખ્રિસ્તીધર્મના અનુયાયીઓ સાથેના એક વાદવિવાદને લીધે એમણે વેદોને તેના આધારભૂત ધર્મગ્રંથ તરીકે જાહેર કર્યા. બ્રાહ્મોસમાજના કેટલાક બુદ્ધિવાદી સભ્યોનો વિરોધ થતાં વૈદિક સંહિતા અને ઉપનિષદોમાંથી એકેશ્વરવાદનું નિરૂપણ કરતા અંશોનું કાળજીપૂર્વક ચયન કરીને તેનું સંકલન દેવેન્દ્રનાથ ટાગોરે પોતે જ કર્યું અને આ સંકલન બ્રાહ્મોસમાજની ચળવળની આધારશીલા બની.

અત્યાર સુધી આપણા દેશના પંડિતો તેમજ પશ્ચિમના વિદ્વાનોએ વેદોની જે વ્યાખ્યા કરી છે કે એનાં અર્થઘટનો આપ્યાં છે એની પાછળ એક પાંડિત્યપૂર્ણ વિદ્વાનોનો અભિગમ રહેલો છે. પરંતુ, વેદોને સમજવા માટે આ તર્કપૂર્ણ અભિગમ પૂરતો નથી. આપણે આગળ જોયું તેમ યાસ્કે પણ તેમના ગ્રંથ ‘નિરુક્ત’(૧/૨૦)માં કહ્યું છે કે અતિપ્રાચીન કાળમાં ઋષિઓએ પોતાની તપાસ્યાના બળથી ધર્મનો (વૈદિકજ્ઞાનનો) સાક્ષાત્કાર કર્યો હતો – ‘साक्षात्कृतधर्माण ऋषयो बभूवु: ।’ પછી તેઓ કહે છે : ‘ते अवरेभ्य: असाक्षात्कृतधर्मेभ्य: उपदेहेन’ – ‘તેઓ એ વૈદિક જ્ઞાનનો સાક્ષાત્કાર કરીને ઉપદેશના માધ્યમથી મંત્રોનો સંગ્રહ બીજાઓ માટે વારસારૂપે આપી ગયા.’ આ ઋષિઓ મંત્રદૃષ્ટા હોવાને કારણે સ્વત: સિદ્ધ હતા, પણ તેમના પછી જે ઋષિઓ આવ્યા તેમણે પહેલાં મંત્રોનું શ્રવણ કર્યું અને પછી તેમને દર્શન થયાં. આ વૈદિક જ્ઞાનના રક્ષણાર્થે તેઓ ચિંતાતુર બન્યા. પ્રાચીન કાળથી પોતાને વારસારૂપે મળેલા આ અમૂલ્ય વેદો તેમજ વેદાર્થ માણસો ભૂલી ન જાય તે માટે આપણા ઋષિઓ સતત જાગ્રત હતા. જ્યારે જ્યારે લોકો વેદનો સાચો અર્થ ભૂલી જતા ત્યારે ત્યારે કાલાનુક્રમે આપણા દેશમાં આવા ઋષિ-અવતારો થતા રહ્યા છે. આ અવતારપુરુષોએ આ બધાં સત્યોની પોતાના જીવનમાં પ્રત્યક્ષ અનુભૂતિ કરીને, એ બધાંને પોતાના જીવનમાં ઉતારીને તેની પ્રમાણભૂતતા સિદ્ધ કરી છે.

સ્વામી વિવેકાનંદ કહે છે : ‘વેદોના અથવા સનાતન ધર્મના તથા બ્રહ્મતત્ત્વના અથવા તો ધર્મસંસ્થાપન-કાર્યના સંરક્ષણ માટે વારંવાર માનવદેહ ધરીને ઈશ્વર અવતાર લે છે, એ સિદ્ધાંત પુરાણો વગેરેમાં સારી રીતે પ્રસ્થાપિત છે.’ (સ્વા.વિ.ગ્રં.મા.- ૮ : ૧૦૯)

બૃહદારણ્યક ઉપનિષદમાં વેદો અને વેદાંગોની ઉત્પત્તિ વિશે આમ કહ્યું છે :

स यथार्द्रैंधाग्नेरभ्याहितात्पृथग्धूमा विनिश्चरन्ति, एवं वा अरेऽस्य महतो भूतस्य निःश्वसितमेतद्यदृग्वेदो यजुर्वेदः सामवेदोऽथर्वाङ्गिरस इतिहास: पुराणं विद्या उपनिषदः श्लोकाः सूत्राण्यनुव्याख्यानानि व्याख्यानानि; अस्यैवैतानि निःश्वसितानि ॥

 ‘જેવી રીતે જેનું ઈંધણ ભીનું છે એવા ઈંધણમાંથી પ્રગટેલા અગ્નિમાંથી અલગ અલગ ધુમાડા અને ચિનગારી વગેરે નીકળે છે. એવી રીતે હે મૈત્રેયિ! ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વાઙિ્ગરસ (અથર્વવેદ), ઇતિહાસ, પુરાણ, વિદ્યા, ઉપનિષદ, શ્લોક, સૂત્ર, મંત્રવિવરણ અને અર્થવાદ છે. તે બધા પરમાત્માના જ નિ:શ્વાસ છે.’ (૨.૪.૧૦)

સ્વામી વિવેકાનંદ આ જ વાત જુદા શબ્દોમાં રજૂ કરીને શ્રીરામકૃષ્ણદેવના અવતરણ વિશે આ ઉદ્‌ગારો કાઢે છે : ‘જગત્કર્તાના સૃષ્ટિ, સ્થિતિ અને લયના કાર્યમાં સાધન તરીકે સદાય અસ્તિત્વમાં રહેલાં વૈદિક સત્યો સાંસારિક સર્વ સંસ્કારોથી રહિત હોવાથી શુદ્ધ એવા ઋષિઓનાં અંતરમાં કેવી રીતે આપોઆપ પ્રગટ થાય છે એ બતાવવા માટે, અને શાસ્ત્રોનાં સત્યોનું આવું પ્રમાણ અને આવી પ્રતિષ્ઠા ધર્મના પુનરુત્થાન, પુન:પ્રતિષ્ઠા અને પ્રસરણમાં સહાયક નીવડે એ કારણસર ઈશ્વર જો કે પોતે સાક્ષાત્‌ મૂર્તિમંત વેદસ્વરૂપ હોવા છતાં પોતાના આ નવા અવતારમાં વિદ્યાનાં સર્વ બાહ્ય રૂપોનો પરિત્યાગ કરીને રહ્યા.’ (સ્વા.વિ.ગ્રં.મા.- ૮ : ૧૦૯)

નિરક્ષર હોવા છતાં શ્રીરામકૃષ્ણદેવે પોતાની અનન્ય જીવનસાધના અને અનુભૂતિઓ દ્વારા વેદોની પ્રમાણભૂતતા પૂરવાર કરી. સ્વામી વિવેકાનંદ તેમજ અન્ય શિષ્યોને તેમના જીવન અને સંદેશનું અર્થઘટન અને તાત્પર્ય જગત સમક્ષ મૂકવા પ્રેરી ગયા.

Total Views: 116

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.