* તમે પોતાના આત્માનું ચિંતન નિરંતર કેવી રીતે કરશો? વેદો તમને કહે છે: તમે એકાંતમાં જાઓ, ઈંદ્રિયોને સંયમિત કરો અને અશુભ વિચાર-રહિત બનીને માત્ર આત્માનું જ ચિંતન કરો. એ રીતે ચિંતન કરીને તમારે પોતાની જાતને સંસારના સર્વવ્યાપી આત્મામાં વિલીન કરી દેવી જોઈએ. ત્યારે જ તમને પરમાનંદની પ્રાપ્તિ થશે.

* એવું વિચારો કે તમે પરબ્રહ્મ છો. તમારે કશામાંય આસક્તિ નથી, તમે સર્વજ્ઞ અને શુદ્ધ છો. સદૈવ આવો અનુભવ કરો અને પરમાત્માની સાથે પોતાનું એકત્વ સ્થાપો. તેમ જ તમે સ્વયં પોતાના અંતરતમના આનંદને મેળવો. તમારું બહારના જગતમાં શું છે એ જાણવાની ચિંતા ન કરો. તમે ક્ષુબ્ધ તરંગો વિનાના સાગરની જેમ સ્થિર અને સ્વતંત્ર બની જશો.

* જે યોગી માત્ર આત્મતત્ત્વનું ચિંતન કરતાં કરતાં પોતાના દિવસો પસાર કરે છે તેને પ્રારબ્ધ પૂરું થતાં સુધી જીવિત રહેવું પડે છે; ત્યારબાદ તે મારામાં-પરમાત્મામાં લીન થઈ જાય છે.

* પ્રિય લક્ષ્મણ, હું તને એ પરમ ગૂઢ તત્ત્વ પરમાત્મા વિશે કહું છું જેને જાણી લેવાથી સંસારનો ભ્રમ તત્કાળ વિલીન થઈ જાય છે. પહેલાં હું તને માયા વિશે કહીશ. ત્યારપછી હું તને જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયાને વિસ્તારપૂર્વક સમજાવીશ. પછી હું તને વિજ્ઞાન વિશે કહીશ અને ત્યાર બાદ હું પરમાત્મા વિશે વાત કરીશ. એને જાણી લેવાથી વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી.

આત્મા

* આત્મા સર્વવ્યાપી, અનંત, સચ્ચિદાનંદ અને ચિરંતન છે. એમાં બુદ્ધિના ગુણ નથી.

* એમાં પરિવર્તન કે અન્ય ષડ્‌ભાવવિકાર થતા નથી. આત્માના જ સ્વપ્રકાશથી સંપૂર્ણ વિશ્વ પ્રકાશિત થાય છે. એ અદ્વિતીય છે. એ જ્ઞાન અને વિવેકનાં લક્ષણોથી યુક્ત છે. એ રાગાતીત છે. એ અદૃષ્ટ પરમ વિભુ છે. એ આત્માને અંતર્દૃષ્ટિથી જાણી શકાય છે.

* જ્યારે વ્યક્તિ ગુરુ કે ગ્રંથોના ઉપદેશ દ્વારા જીવાત્મા અને પરમાત્માના એકત્વની અનુભૂતિ કરે છે ત્યારે તત્કાલ અજ્ઞાનનાં સ્રોત, કારણ અને કાર્યની સાથે તે પરમાત્મામાં વિલીન થઈ જાય છે. આ અવસ્થાને મોક્ષ કહે છે. આત્મા ચિરમુક્ત છે.

* આ દેહને સંસાર વૃક્ષનું મૂળ કહેવામાં આવ્યું છે. આ શરીરના જ માધ્યમથી આત્મા પુત્રો અને બીજાં સંબંધીઓના સંપર્કમાં આવે છે. જો શરીરની સત્તા ન હોય તો અસંગ આત્મા માટે પુત્રો અને સંબંધીઓ પ્રત્યે કોઈ સંબંધ જ કેવી રીતે હોઈ શકે?

* શું તમે એ જાણો છો કે કેવી રીતે આત્મા સુખ અને દુ:ખથી પ્રભાવિત થતો દેખાય છે? જે રીતે આગમાં તપેલું લોઢું સ્વયં અગ્નિ જેવું જ લાગે છે તેવી જ રીતે બુદ્ધિમાં પ્રતિબિંબિત આત્માને જોઈને આપણે એવો અનુભવ કરવા લાગીએ છીએ કે એ-આત્મા ઉલ્લાસ અને વિષાદથી પ્રભાવિત થાય છે. વાસ્તવિક રીતે તો આત્મા નિર્વિકાર છે.

* જ્યારે તમે એ વાસ્તવિક રૂપે સમજી જાઓ છો કે તમારું વાસ્તવિક સ્વરૂપ આત્મા નિર્ગુણ અને નિર્લિપ્ત છે ત્યારે તમે પોતે જડ અને અનિત્ય દેહને તેનાથી અભિન્ન માનવાનું છોડી દેશો; એટલે આત્માના સાચા સ્વરૂપની શોધના કરો.

* જો તમે નિરંતર આત્માનું ચિંતન કરશો તો તમારું મન પવિત્ર બની જશે અને તમારું અજ્ઞાન તમારા વિગત સંસ્કારો સાથે નાશ પામશે. જેમ ઔષધિ લેવાથી તમારો રોગ પૂર્ણપણે જાય તેમ તેમનું નિર્મૂલન થાય છે. જ્યારે મન શુદ્ધ થાય ત્યારે તમને વિશુદ્ધ આનંદની પ્રાપ્તિ થશે.

Total Views: 107

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.