ભારતના નીચલાવર્ગના ઉપેક્ષિત લોકો – ખેડૂતો, વણકરો વગેરે – જેમને પરદેશી લોકોએ જીતી લીધા છે અને જેમનો પોતાના જ જાતભાઈઓ તુચ્છકાર કરે છે, તે લોકો જ અનાદિકાળથી મૂંગા મૂંગા કામ કર્યે જાય છે પણ તેમની મહેનતનું ફળ તેમને મળતું નથી! … હે ભારતના શ્રમજીવીઓ! તમારી મૂંગી સતત મહેનતને પરિણામે બેબિલોન, ઈરાન, એલેક્ઝાંડ્રિયા, ગ્રીસ, રોમ, વેનિસ, જીનિવા, બગદાદ, સમરકંથ, સ્પેન, પોર્ટુગલ, ફ્રાંસ, ડેનમાર્ક, હોલેન્ડ, ઈંગ્લેન્ડ; બધાંએ વારાફરથી સત્તા અને સમૃદ્ધિ મેળવ્યાં છે. અને તમે? તમારો વિચાર સરખો ય કરવાની કોને પડી છે. વહાલા સ્વામીજી (સ્વામી ત્રિગુણાતીતાનંદ)! તમારા પૂર્વજોએ તત્ત્વજ્ઞાનનાં થોડાં પુસ્તકો લખ્યાં, બારેક જેટલાં મહાકાવ્યો રચ્યાં અથવા સંખ્યાબંધ મંદિરો બાંધ્યાં – બસ તેટલાથી જ તમે ગર્વથી ગગન ગજાવો છો! પણ માનવજાતિની જે પ્રગતિ અત્યાર સુધી જેમનાં લોહી રેડાવાથી સધાઈ છે, તેમનો યશ ગાવાની કોને પડી છે? આધ્યાત્મિકતા, સંગ્રામ, સાહિત્ય વગેરે ક્ષેત્રોમાં આગેવાનો બધાની નજરે મોટા દેખાયા છે, બધાના પૂજ્ય બન્યા છે, પણ જેમને કોઈ જોતું નથી, જેમને માટે પ્રોત્સાહનનો એક શબ્દ પણ કોઈ કાઢતું નથી, ઊલટું જેમના પ્રત્યે સૌ ઉપેક્ષા દાખવે છે તે શ્રમજીવીઓ આવા સંજોગોમાં રહેતા હોવા છતાં તેમનામાં કેવી અસીમ ધીરજ, અખૂટ પ્રેમ અને નિર્ભય વ્યાવહારિકપણું છે! આપણા ગરીબો મૂંગા મૂંગા પોતાનું કામ કર્યે જાય છે. શું આમાં પણ વીરતા નથી? જ્યારે કોઈ મહાન કાર્ય કરવાનું માથે આવે છે ત્યારે તો ઘણાય લોકો શૂરવીર બની જાય છે. હજારો માણસો પ્રશંસા કરતા હો ત્યારે તો કાયર પણ સહેલાઈથી પોતાની જિંદગી આપી દે છે અને ઘોર સ્વાર્થી માણસ પણ નિ:સ્વાર્થી બને છે. પરંતુ બધાથી અજાણ રહીને નાનાં નાનાં કાર્યોમાં પણ તેવી જ નિ:સ્વાર્થભાવના અને કર્તવ્યનિષ્ઠા બતાવનાર જ ધન્યવાદને પાત્ર છે. ભારતના સદા કચડાયેલા શ્રમજીવીઓ! તમે તેવા અબોલ છો, તમને અમારાં વંદન હો! …

ભારતમાં ગરીબો, નીચલા થરના લોકો તેમજ પતિતોને મિત્રો કે મદદ મળતાં નથી; ગમે તેટલો પ્રયત્ન કરે તોપણ તેઓ ઊંચે ચડી શકતાં નથી. તેઓ દિનપ્રતિદિન નીચે ને નીચે ઊતરતા જાય છે; ક્રૂર સમાજે વરસાવેલા ફટકા તેમને લાગે છે, પણ એ ક્યાંથી આવે છે તેની તેમને ખબર નથી. પોતે મનુષ્યો છે એ હકીકત પણ તેઓ ભૂલી ગયા છે! …. આપણા દેશમાં જો કોઈ હલકી જાતિમાં જન્મ્યો તો તેનું આવી જ બન્યું, પછી એની ઊંચે આવવાની કોઈ આશા જ રહેતી નથી. આનું કારણ શું? આ કેવો જનમ કહેવાય? .. અમે ગરીબ છીએ એવો આર્તનાદ ભારતમાં સંભળાય છે, પણ લાખો ગરીબોનાં દુ:ખો અને યાતનાઓ માટે કેટલા લોકો હૃદયપૂર્વક રડે છે? શું આપણે મનુષ્યો છીએ? ગરીબોની આજીવિકા તથા તેમની ઉન્નતિ માટે આપણે શું કરીએ છીએ? આપણે તેમનો સ્પર્શ કરતા નથી, તેમના સંસર્ગથી દૂર રહીએ છીએ. શું આપણે મનુષ્યો છીએ? પેલા હજારો બ્રાહ્મણો, ભારતની ગરીબ કચડાયેલી જનતા માટે શું કરી રહ્યા છે? એમના હોઠ ઉપર તો માત્ર ‘અડશો નહિ’, ‘અડશો નહિ’ એ જ સૂત્ર રમી રહ્યું છે! 

(સ્વા.વિ.ગ્રં.મા. ભાગ-૮, પૃ.૧૬૩-૬૪; ભાગ-૧૧, પૃ.૨૦૧, ૨૧૩)

Total Views: 107

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.