પશ્ચિમના દૃષ્ટિબિંદુની વિરુદ્ધમાં બેસે તેવા ઉપનિષદોમાંના ચેતનાની સંકલ્પના વિશે આપણે ગયા સંપાદકીયમાં વિગતવાર ચર્ચા કરી હતી. પશ્ચિમની ચેતનાની સંકલ્પનાને આપણે બહુ બહુ તો ઉપનિષદોના ‘પ્રાણ’ સાથે સરખાવી શકીએ.

‘પ્રાણ’ને આપણે બે રીતે નિરૂપી શકીએ : વ્યષ્ટિ રૂપે અને સમષ્ટિ રૂપે. વ્યષ્ટિ રૂપે જોઈએ તો દરેકે દરેક જીવંત પ્રાણીમાં સંજીવકતત્ત્વ રૂપે એ કામ કરે છે. અને સમષ્ટિ રૂપે જોઈએ તો ‘પ્રાણ’ એવી વૈશ્વિક મૂળગામી શક્તિ છે કે જે બ્રહ્માંડનાં જડ-ચેતન બધાં જ તત્ત્વોનાં સંકુલને એક સાથે જોડીને સમગ્ર સૃષ્ટિનું વ્યવસ્થાપન કરે છે. જો કે તે મૂળગામી શક્તિ રૂપે સર્વવ્યાપી હોવા છતાં સમગ્ર સૃષ્ટિમાં એની અભિવ્યક્તિ જડ-ચેતનમાં જુદી જુદી રીતે થાય છે. ‘પ્રાણ’ની અભિવ્યક્તિ સંજીવક તત્ત્વ રૂપે ફક્ત સજીવસૃષ્ટિઓમાં જોવા મળે છે. સજીવસૃષ્ટિમાં આ ‘પ્રાણ’ સ્થૂળતત્ત્વ નથી અને સૂક્ષ્મતત્ત્વ પણ નથી, પરંતુ એ બંનેની પેલીપારનું તત્ત્વ છે કે જે તે બંનેનું સંચાલન કરે છે. એ પોતે એક વિશિષ્ટ તત્ત્વ છે. જો કે ‘પ્રાણ’ સ્થૂળશરીરની વિભિન્ન પ્રક્રિયાઓનું સંચાલન કરે છે, પરંતુ જેમ પશ્ચિમના શરીરવિજ્ઞાનીઓ માને છે તેમ તે કોઈ ભૌતિક તત્ત્વમાંથી ઉપજતી ઊર્જા નથી, તેમજ એના પર આધારિત પણ નથી. દસ ઇન્દ્રિયો અને ચતુર્વિધ અંત:કરણથી (મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર) બનેલા સૂક્ષ્મશરીરનું એક વાહન બનીને સ્થૂળદેહનાં નાશ – મૃત્યુ પછી પણ એ પ્રાણ ટકી રહે છે. આ બધાં તત્ત્વો- સ્થૂળ અને સૂક્ષ્મ જ્યાં સુધી ‘પ્રાણ’માં ઓતપ્રોત છે ત્યાં સુધી જ તે ટકી શકે છે. આ વાત છાંદોગ્ય ઉપનિષદમાં આ શબ્દોમાં વર્ણવેલ છે :

प्राण इति होवाच सर्वाणि ह वा इमानि भूतानि
प्राणमेवाभिसंविशन्ति प्राणमभ्युज्जिहते ।१.११.५।

‘આ બધાં પ્રાણીઓ પ્રાણ સાથે દેહમાં જ પ્રવેશ કરે છે અને પ્રાણથી જ ઉત્પન્ન થાય છે, રહે છે અને પ્રાણ સાથે જ ચાલ્યા જાય છે.’

આ વાતનું એક મજાના ઉદાહરણ દ્વારા પ્રશ્નોપનિષદમાં આ રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે:

सोऽभिमानादूर्ध्वमुत्क्रामत इव तस्मिन्नुत्क्रामत्यथेतरे सर्व एवोत्क्रामन्ते तस्मिंश्च प्रतिष्ठमाने सर्व एव प्रतिष्ठन्ते । तद्यथा मक्षिका मधुकरराजानमुत्क्रामन्तं सर्व एवोत्क्रमन्ते तस्मिंष्च प्रतिष्ठमाने सर्व एव प्रातिष्टन्त एवं वाङ्गनष्वक्षुः श्रोत्रं च ते प्रीताः प्राणं स्तुन्वन्ति ॥ २.४ ॥

‘કરણોમાં મુખ્ય – ઇન્દ્રિયોમાં મુખ્ય એવો પ્રાણ આઘાત પામ્યો. એટલે તેણે જાણે કે ઉપર ઊઠી જતો હોય તેવું વર્તન કર્યું. (એટલે કે શરીરને છોડી જવા જેવું વર્તન કર્યું.) જેવું એણે શરીર છોડવાનું શરૂ કર્યું કે તરત જ બીજી ઇન્દ્રિયોએ પણ એ જ રીતે એનું અનુસરણ કર્યું. અને જ્યારે વળી પાછો તે પોતાને સ્થાને સ્થિર થયો, ત્યારે બીજી ઇન્દ્રિયોએ પણ એવું જ કર્યું; જેવી રીતે મધમાખીઓની રાણી મધપૂડો છોડે છે. જો એ રાણીમાખી મધપૂડો છોડી દે તો મધમાખીઓનું આખુંય ટોળું એ મધપૂડો છોડી દે છે. અને જો એ રાણીમાખી મધપૂડામાં સ્થિર રહે તો બાકીની બધી મધમાખીઓ પણ એવું જ કરે છે. વાણી, મન, આંખો અને કાન, વગેરે કરણો – જ્ઞાનેન્દ્રિયો આ મધમાખીઓ જેવી છે. ત્યાર પછી પ્રાણ ઉપર પ્રસન્ન થઈને તે ઇન્દ્રિયો પ્રાણની પ્રશંસા કરવા લાગી.’

ઉપર્યુક્ત ઉદાહરણમાં એ વાત સ્પષ્ટ થાય છે કે સજીવ પ્રાણીઓ જ નહિ પણ તેમની અલગ અલગ ઇન્દ્રિયો પણ અલગ અલગ રીતે એ પ્રાણ પર આધારિત છે, ઉદાહરણ તરીકે કાનની પ્રાણશક્તિ જવાથી કાનથી આપણે બહેરા થઈએ છીએ અને બીજી ઇન્દ્રિયોમાં પ્રાણશક્તિ યથાવત રહેવાથી આપણે જીવીએ છીએ. 

આ વાતને વધુ સ્પષ્ટ કરતાં બૃહદારણ્યક ઉપનિષદમાં આમ કહ્યું છે :

प्राणो हि वा अङ्गानां रसः, प्राणो हि वा अङ्गानां रसः;
तस्माद्यस्मात्कस्माच्चाङ्गात्प्राण उत्क्रामति तदेव
तच्छुष्यति, एष हि वा अङ्गानां रसः ॥ १९ ॥

‘પ્રાણ એ શરીરનાં અંગોનો રસ-સારતત્ત્વ છે, સાચે જ તે તેમનું મૂળતત્ત્વ છે. એટલે જે અંગમાંથી પ્રાણ વિદાય લે તે અંગ નિષ્ક્રિય બની જાય છે, સુકાઈ જાય છે. પ્રાણ એ શરીરનાં અંગોનો રસ-સારતત્ત્વ છે.’

આપણે અગાઉ જોયું તેમ ઉપનિષદો મનુષ્યના વ્યક્તિત્વનું બે રીતે નિરૂપણ કરે છે: (૧) સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર જેવા ત્રિવિધ મનોદૈહિક સંકુલ તરીકે (૨) પંચકોષ – (અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય). આ બંને સંકલ્પના વિશે ઉપનિષદો શું કહે છે એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. 

સ્થૂળ જગત જેમ પાંચ તત્ત્વોથી બનેલું છે એ જ પાંચ તત્ત્વોથી બનેલું આ સ્થૂળ શરીર ઇન્દ્રિયગમ્ય છે. પરંતુ આ જ પાંચ તત્ત્વોના અપંચીકૃત રૂપોથી બનેલું જીવોનું સૂક્ષ્મશરીર ઇન્દ્રિયગોચર નથી, આપણે એને સ્થૂળ ઇન્દ્રિયોથી જાણી શકતા નથી. આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી – આ પાંચ સૂક્ષ્મતત્ત્વો ‘પંચીકરણ’ની પ્રક્રિયા દ્વારા ઉપર્યુક્ત નામે ઓળખાતાં પાંચ સ્થૂળતત્ત્વોને ઉપજાવે છે. આનાથી આ સ્થૂળ જગતની સંરચના થઈ છે. સૂક્ષ્મશરીરનાં ૧૭ મૂળતત્ત્વો છે. શ્રીશંકરાચાર્યે ‘આત્મબોધ’માં સૂક્ષ્મશરીરનું વર્ણન કરતાં આમ કહ્યું છે :

पंचप्राणमनोबुद्धिदशेन्द्रियसमन्वितम् ।
अपंचीकृतभूतोत्थं सूक्ष्माङ्गं भोगसाधनम् ॥ १३॥

‘પોતાનાં કર્મફળના પરિપાક રૂપે જીવને બાહ્યજગત સાથે વ્યવહાર કરવાના સાધનરૂપે રહેલ સૂક્ષ્મશરીર પાંચ પ્રાણ, દસ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ પંચીકરણ પૂર્વેના સૂક્ષ્મતત્ત્વોથી બનેલું છે.’

ઉપર્યુક્ત પંચપ્રાણ એક જ વિશિષ્ટ તત્ત્વ મુખ્યપ્રાણના જુદી જુદી પાંચ કાર્યક્ષમતાવાળા તત્ત્વો છે. એમની જુદી જુદી ક્રિયાઓને ધ્યાનમાં રાખીને તેનું પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન એવા પાંચ તત્ત્વોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ફેફસા અને હૃદયને સંચાલિત કરનારું ‘પ્રાણ’ સંજીવકતત્ત્વ છે. તેની ગતિ નીચેથી ઉપર તરફ, મુખ અને નાસિકા તરફ હોય છે. તેને વિશિષ્ટ સંજીવકતત્ત્વ કે મુખ્યપ્રાણ કહેવાય છે. આ પ્રાણ કાર્યરત રહેવાથી જ બીજા બધા પ્રાણો કાર્યરત રહે છે. ‘અપાન’ હૃદયથી નાભિ તરફ કાર્યરત રહે છે અને મળોત્સર્ગ જેવાં ઉત્સર્ગકાર્યો કરે છે. ‘સમાન’ મુખ્યત્વે ઉદરમાં કાર્યરત રહે છે, તે આપણું ચયાપચયનું કાર્ય કરે છે. ‘વ્યાન’ સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે અને તે ચેતાતંત્ર – જ્ઞાનતંતુઓને કાર્યરત કરે છે. એક ધરી કે કેન્દ્રરૂપે ‘વ્યાન’ એ ‘પ્રાણ’ અને ‘અપાન’નું નિયમન કરે છે. ‘વ્યાન’ દ્વારા વાણી કે શાબ્દિક અભિવ્યક્તિ થાય છે. વજન ઊંચકવું કે ઠેકડો મારીને કૂદી જવા જેવા અત્યંત પરિશ્રમભરેલાં કાર્યો પણ એના દ્વારા થાય છે. ‘ઉદાન’ નીચે પગના તળિયાથી માંડીને ઉપર તરફ મસ્તક સુધી પોતાનું કાર્ય કરે છે. ઊઠવું, ઊભા રહેવું, શારીરિક વિકાસ, જેવાં કાર્યોમાં ‘ઉદાન’ મહત્ત્વનો ભાગ ભજવે છે. ‘ઉદાન’ દ્વારા જ આત્મા શરીરમાંથી બહાર નીકળે છે. શરીરનું ઉષ્ણતામાન તે જાળવે છે અને જ્યારે તે દેહને છોડે છે ત્યારે શરીરનું ઉષ્ણતામાન શૂન્ય થઈ જાય છે અને દેહ ઠંડોગાર બનીને મરી જાય છે. પ્રાણ, અપાન, અને સમાન કેટલીક સ્વયંસ્ફૂરિત રીતે ચાલતાં જ્ઞાનતંત્રથી નિયંત્રિત કાર્યો કરે છે. ફેફસાંની શ્વાસોચ્છ્‌વાસની ક્રિયા, હૃદયની રુધિરાભિસરણની ક્રિયા, જુદી જુદી રસવાહિનીઓમાંથી રસ ઝરવાની ક્રિયા, મોંમાં નાખેલા કોળિયાને ચયાપચયની પ્રક્રિયા સુધી લઈ જવાની અને નકામા પદાર્થોના ઉત્સર્ગનું કાર્ય, વગેરે જેવાં કાર્યો પ્રાણ, અપાન, અને સમાન કરે છે. ‘વ્યાન’ અને ‘ઉદાન’ આપણાં મગજ અને કરોડરજ્જુની પ્રક્રિયાઓનું સંચાલન કરે છે. જો કે આ પંચપ્રાણ તે સ્થૂળશરીરનું સંચાલન કરે છે પણ વાસ્તવિક રીતે તેઓ સૂક્ષ્મશરીરનાં અભિન્ન અંગ છે.

પાંચ પ્રાણ પછી સૂક્ષ્મશરીરની દસ ઇન્દ્રિયો વિશે આપણે વિચારીશું. સ્થૂળશરીરમાં રહેલ દસ ઇન્દ્રિયો ઉપનિષદમાં વર્ણવ્યા પ્રમાણે સાચી ઇન્દ્રિયો નથી. સૂક્ષ્મ શરીર સાથે સંલગ્ન સાચી ઇન્દ્રિયોના આદેશ પ્રમાણે યંત્રોની જેમ આ સ્થૂળશરીરની ઇન્દ્રિયો બાહ્ય જગત સાથે વ્યવહાર કરે છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો : કાન, ચામડી, આંખ, જીભ અને નાક તેમની શ્રવણ, સ્પર્શ, દૃષ્ટિ, સ્વાદ, ઘ્રાણ (સુંઘવું), જેવી શક્તિઓ જે તે સૂક્ષ્મશરીરની સાચી ઇન્દ્રિયો પાસેથી મેળવે છે અને પોતપોતાનું કાર્ય કરે છે. આ પ્રમાણે સ્થૂળદેહની પાંચ કર્મેન્દ્રિયો : જીભ, હાથ, પગ અને બે મળોત્સર્ગના અવયવો તેમની વાણી, લેવું અને દેવું, ચાલવું, મળોત્સર્ગ અને પ્રજોત્પત્તિ જેવી શક્તિઓ સૂક્ષ્મશરીરમાં રહેલ મૂળ જે તે ઇન્દ્રિયો પાસેથી મેળવે છે. અંત:કરણના બે તદ્દન જુદાં પાસાં છે : મનસ્‌ અને બુદ્ધિ. વિચાર અને વિવેક, નિર્ધાર અને સંકલ્પ, નિર્ણય જેવાં કાર્યો એમનાં દ્વારા થાય છે. આમ આપણા સૂક્ષ્મશરીરને ૧૭ મૂળતત્ત્વો છે.

સૂક્ષ્મતત્ત્વનું બનેલું હોવાને કારણે આ સૂક્ષ્મશરીર અત્યંત ઉચ્ચકક્ષાનું, પ્રબળ અને શાશ્વત છે.

બ્રહ્મસૂત્ર (૪.૨.૧૦) કહે છે : नोपमर्देनात:। ‘આ સૂક્ષ્મશરીર સ્થૂળશરીર નાશ પામે તો પણ મરતું નથી.’

જો કે જીવનો પાર્થિવદેહ પોતાના કર્મ પ્રમાણે જન્મ જન્માંતરે બદલતો રહે છે, પરંતુ સૂક્ષ્મશરીર તો એમ ને એમ રહે છે. જ્યાં સુધી જીવન રહે ત્યાં સુધી પ્રાણ દ્વારા ઉદ્‌ભવેલ શરીરની ઉષ્મા દેહમાં જળવાઈ રહે છે. 

બ્રહ્મસૂત્ર (૪.૨.૧૧) કહે છે:अस्यैव चोपचत्तेरेष ऊष्मा ‘તે ઉષ્મા સૂક્ષ્મશરીરની છે નહિ કે પાર્થિવદેહની.’

નિર્વિકલ્પસમાધિમાં બધાં શારીરિક કાર્યો અને માનસિક પ્રક્રિયાઓ થંભી જાય છે ત્યારે પણ દેહની ‘ઉદાન’ દ્વારા ઉદ્‌ભવેલ ઉષ્મા જીવંતપણાની એકમાત્ર નિશાની રૂપે રહી જાય છે. આધુનિક યુગમાં શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં આ બાબત આપણને અવારનવાર જોવા મળે છે. પ્રશ્નોપનિષદ કહે છે :

तेजो ह वा उदानस्तस्मादुपशान्ततेजाः ।
पुनर्भवमिन्द्रियैर्मनसि सम्पध्यमानैः ॥ ९ ॥

‘અગ્નિ એ ઉદાન છે. જ્યારે માણસ મરી જાય છે ત્યારે તેના શરીરમાંથી ઉષ્મા ચાલી જાય છે, અને એની બધી ઇન્દ્રિયો મનમાં ભળી જાય છે – લીન થઈ જાય છે. અને તે બીજા જન્મ માટે તૈયાર થઈ જાય છે.’ તે અંતસમય સુધી કાર્ય કરતો રહે છે. તે વિદાય લેતા જીવાત્માનું પણ ધ્યાન રાખે છે અને જ્યારે તે પાર્થિવદેહને છોડી દે છે ત્યારે દેહની ઉષ્મા પણ ચાલી જાય છે. આ સૂક્ષ્મશરીર એની સાથે સંલગ્ન ઇન્દ્રિયો અને મન દ્વારા વિકસાવેલા સૂક્ષ્મસંસ્કારોનું ભંડારઘર છે. સારાં ભલાં વલણો, ક્ષમતાઓ જે માણસની લાગણી, ઇચ્છાઓ, વાસનાઓ અને કર્મો વગેરે પર આધારિત રહે છે અને એ બધાં સૂક્ષ્મશરીરમાં એક સંસ્કાર રૂપે સંગ્રહાય જાય છે. સૂક્ષ્મશરીરમાં સંગ્રહાયેલા આ બધા સંસ્કારો મૃત્યુ પછીની જીવની યાત્રા અને તેના નવા જન્મને નક્કી કરે છે. પૂર્વજન્મસંચિત સૂક્ષ્મદેહે સંગ્રહેલ સૂક્ષ્મશક્તિઓ દ્વારા નવું મનોદૈહિકસંકુલ ઘડાય છે. એટલા માટે જ કેટલીક વ્યક્તિઓ સંગીતમય કંઠ, ચિત્ર, શિલ્પ, સાહિત્ય, ગાણિતિક-વૈજ્ઞાનિક ક્ષમતા, અને વિશેષ કરીને આધ્યાત્મિક જ્ઞાન જેવી અમુક ઇન્દ્રિયો અને મનની વિશિષ્ટ શક્તિઓ લઈને જન્મે છે. આવી વ્યક્તિઓએ પોતાના પૂર્વ જન્મોમાં આવી બધી શક્તિઓ કેળવી લીધી હોય છે અને મૃત્યુ પછી પણ તે એને ગુમાવતો નથી અને એને આગળ અને આગળ લઈ જાય છે અને વિકસાવે છે.

હવે પછીના અંકમાં આપણે આ ત્રિવિધ દેહના ‘સ્થૂળ’ અને ‘સૂક્ષ્મ’ રૂપ પછી ‘કારણશરીર’ની ઉપનિષદોની સંકલ્પના વિશે ચર્ચા કરીશું.

Total Views: 171

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.