ઉપનિષદોમાં માનવના વ્યક્તિત્વનાં વર્ણન માટે આપણને બીજી એક રીત સાંપડે છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રિવિધ શરીરની વાત તો આપણે અગાઉ જોઈ ગયા છીએ. માનવના વ્યક્તિત્વના પંચકોશોના વર્ગીકરણ વિશે ઉપનિષદો શું કહે છે એ વાત હવે કરીએ છીએ.

તૈત્તિરીય ઉપનિષદમાં અન્નમય કોશ, પ્રાણમય કોશ, મનોમય કોશ, વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશ એવા પાંચ કોશોની વાત કરી છે. આ પાંચેય કોશો ક્રમશ: સ્થૂળથી સૂક્ષ્મ અને વધુ સૂક્ષ્મ બનતા જાય છે. પહેલો અન્નમય કોષ સૌથી વધુ બાહ્ય અને સ્થૂળ છે. બીજો કોશ એનાથી સૂક્ષ્મ છે અને એનાથી વધુ સ્થૂળ કોશમાં તે વ્યાપી જાય છે. આ જ રીતે બધા એટલે કે પાંચેય કોશ ક્રમશ: એકબીજામાં વ્યાપી જાય છે.

તૈત્તિરીય ઉપનિષદ (૨.૨-૪)માં કહ્યું છે:

तस्माद्वा एतस्मादन्नरसमयात् । अन्योऽन्तर आत्मा प्राणमयः । तेनैष पूर्णः।

સ્થૂળશરીરને અન્નમય કોશ એટલા માટે કહે છે કે તે અન્નથી ઉદ્‌ભવે છે, જીવે છે અને એના અભાવે મરી પણ જાય છે. અન્નના સત્ત્વ કે સારથી બન્યું હોવાથી એને  ‘અન્નરસમય’ કહેવામાં આવ્યું છે. પ્રાણમય કોશ એમાં વ્યાપી જાય છે અને એનું સંચાલન પણ કરે છે.

तस्यैष एव शारीर आत्मा । यः पूर्वस्य । तस्माद्वा एतस्मात्प्राणमयात् । अन्योऽन्तर आत्मा मनोमयः । तेनैष पूर्णः।

‘આ પહેલાં કહેવામાં આવેલા પ્રાણમય પુરુષથી ભિન્ન તેના કરતાં પણ સૂક્ષ્મ હોવાને લીધે તેની ભીતર રહેનારો બીજો મનોમય આત્મા (પુરુષ) છે. તે મનોમય શરીરથી આ પ્રાણમય શરીર પૂર્ણ-વ્યાપ્ત છે.’

ભારતીય માનસ શાસ્ત્રની દૃષ્ટિએ મન બે પ્રકારનાં કાર્યો કરે છે : જ્ઞાનગ્રહણ (Cognition), નિર્ણયાત્મક ઇચ્છા – સંકલ્પ (Volition). મનોમય કોશ મનની સંકલ્પશક્તિથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની જ્ઞાનેન્દ્રિયો દ્વારા પોતાનું કાર્ય કરે છે.

तस्यैष एव शारीर आत्मा। यः पूर्वस्य। तस्माद्वा एतस्मान्मनोमयात्‌। अन्योऽन्तर आत्मा विज्ञानमयः। तेनैष पूर्णः।

‘આ પહેલાં કહેવામાં આવેલા આ મનોમયથી બીજો એનો અંતર-આત્મા વિજ્ઞાનમય છે. તેના દ્વારા આ પૂર્ણ છે.’ મનની બીજી શક્તિ જ્ઞાનગ્રહણ છે. વિજ્ઞાનમય કોશ ઉપર્યુક્ત પાંચ જ્ઞાનેન્દ્રિયોની સહાયથી જ્ઞાનગ્રહણની પ્રવૃત્તિ કરે છે, અને મનોમય અને પ્રાણમય કોશ પર પોતાનુ નિયંત્રણ રાખે છે. વિવેક ચૂડામણિમાં શંકરાચાર્યે કહ્યું છે: 

बुद्धिर्बुद्धीन्द्रियैः सार्धं सवृत्तिः कर्तृलक्षणः।
विज्ञानमयकोशः स्यात्पुंसः संसारकारणम्॥ १८५

જ્ઞાનેન્દ્રિયોની સાથે પોતાની વૃત્તિઓ સહિત જોડાયેલી બુદ્ધિ એ જ ‘વિજ્ઞાનમય કોશ’ છે. એ પોતે દરેક કામનો કર્તા છે એમ માને છે અને જીવને સંસારનું કારણ થાય છે.

अनुव्रजच्चित्प्रतिबिम्ब-शक्तिर्विज्ञानसंज्ञः प्रकृतेर्विकारः।
ज्ञानक्रियावानहमित्यजस्रं देहेन्द्रियादिष्वभिमन्यते भृशम्॥१८६॥

એ ‘વિજ્ઞાનમય કોશ’માં ચેતનની પ્રતિબિંબશક્તિ રહેલી જણાય છે; માયાનું જ એ કાર્ય છે તથા ‘હું જ્ઞાનવાળો અને ક્રિયાવાળો છું’ એમ દેહ તથા ઇન્દ્રિયો વગેરે પર તે ઘણું જ અભિમાન કરે છે.

તૈતિરીય ઉપનિષદ આનંદમય કોશ વિશે આમ કહે છે :

तस्यैष एव शारीर आत्मा । यः पूर्वस्य । तस्माद्वा एतस्माद्विज्ञानमयात् । अन्योऽन्तर आत्माऽऽनन्दमयः । तेनैष पूर्णः । (२.५)

‘તે આ વિજ્ઞાનમય જીવાત્માથી ભિન્ન એની અંદર રહેનારો આત્મા આનંદમય પરમાત્મા છે. તેનાથી વિજ્ઞાનમય પૂર્ણપણે વ્યાપ્ત છે.’

વિવેક ચૂડામણિમાં શંકરાચાર્યે આમ કહ્યું છે: 

आनन्द-प्रतिबिम्ब-चुम्बित-तनुर्वृत्तिस्तमो-जृम्भिता
स्यादानन्दमयः प्रियादि-गुणकः स्वेष्टार्थ-लाभोदयः।
पुण्यस्यानुभवे विभाति कृतिनामानन्दरूपः स्वयं
भूत्वा नन्दति यत्र साधु तनुभृन्मात्रः प्रयत्नं विना॥२०७॥

(અજ્ઞાનથી ઢંકાયેલા) આ આનંદરૂપ આત્માનું જેમાં પ્રતિબિંબ પડે છે, એવી તમોગુણવાળી વૃત્તિ એ જ ‘આનંદમય કોશ’ છે. એ પ્રિય, આનંદ અને અતિઆનંદ એવા ત્રણ ગુણવાળો છે. જ્યારે પોતાની પ્રિય વસ્તુ મળી આવે ત્યારે એ પ્રગટે છે. પોતાનાં પુણ્યકર્મનો અનુભવ થાય છે ત્યારે પુણ્યશાળી માણસોને પોતાની મેળે જ એ ‘આનંદમય કોશ’ જણાય છે. જેમાં પ્રાણીમાત્ર પોતે આનંદરૂપ થઈ પ્રયત્નવગર જ અતિ આનંદી બને છે.

શંકરાચાર્ય આગળ કહે છે :

आनन्दमय-कोशस्य सुषुप्तौ स्फूर्तिरुत्कटा।
स्वप्नजागरयोरीषदिष्ट-सन्दर्शनादिना॥२०८॥

‘આનંદમય કોશ’નો ઉત્કટ પ્રકાશ તો સુષુપ્તિ વખતે જ હોય છે, છતાં જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં પણ પોતાને પ્રિયવસ્તુ મળતા એનો કાંઈક પ્રકાશ થાય છે.

આત્મા સાથેની એની ભિન્નતા વિશે શંકરાચાર્ય આગળ કહે છે :

नैवायमानन्दमयः परात्मा सोपाधिकत्वात्प्रकृतेर्विकारात्।
कार्यत्वहेतोः सुकृतक्रियाया विकार-सङ्घात-समाहितत्वात्॥२०९॥

એ ‘આનંદમય કોશ’ પણ સર્વશ્રેષ્ઠ આત્મા નથી; કારણ કે એ ઉપાધિવાળો, માયાથી ઉપજેલો, શુભકર્મોનાં ફળરૂપ અને આ દેહને આશરે રહેલો છે.

સ્થૂળશરીર એટલે અન્નમય કોશ; સૂક્ષ્મશરીર એટલે પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય કોશ અને કારણશરીર એટલે આનંદમય કોશ. આ ત્રિવિધ શરીર અને પંચકોશથી ભિન્ન રહેલા પૂર્ણ અને શુદ્ધ આત્માને એ બધાથી જુદો તારવીને એનો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે શંકરાચાર્ય કહે છે :

योऽयमात्मा स्वयञ्ज्योतिः पञ्चकोश-विलक्षणः।
अवस्था-त्रय-साक्षी सन्निर्विकारो निरञ्जनः।
सदानन्दः स विज्ञेयः स्वात्मत्वेन विपश्चिता॥२११॥

જે આ સ્વયંપ્રકાશ, ‘અન્નમય’ વગેરે પાંચેય કોશોથી જુદો અને જાગૃતિ વગેરે ત્રણેય અવસ્થાનો જોનાર છતાં વિકાર વગરનો, નિર્લેપ અને નિત્ય આનંદરૂપ છે એને જ વિદ્વાનોએ પોતાનો શુદ્ધ આત્મા સમજવો.

ભારતીય માનસ શાસ્ત્રની દૃષ્ટિએ મન બે પ્રકારનાં કાર્યો કરે છે : જ્ઞાનગ્રહણ (Cognition), નિર્ણયાત્મક ઇચ્છા – સંકલ્પ (Volition). પશ્ચિમના મનોવૈજ્ઞાનિકો મનનું એક ત્રીજું કાર્ય  ભાવ-લાગણી (Emotion)ને પણ ઉમેરે છે. ભારતના માનસ શાસ્ત્રે આ કાર્યને જ્ઞાનગ્રહણ વિભાગમાં સમાવી લીધું છે.

જ્ઞાનગ્રહણ (Cognition)થી બૌદ્ધિક તર્કની શક્તિ ખીલે છે. એ નિયંત્રિત અને શિસ્તબદ્ધ રીતે વિચારવાની કળા કે શક્તિ છે. આને કારણે માણસની સમજણશક્તિમાં વધારો થાય છે અને સુયોગ્ય રીતે નિર્ણય લઈ શકે છે અને વિવેકબુદ્ધિ પણ કેળવે છે. એને લીધે વાસ્તવિક – અવાસ્તવિક, સાચું – ખોટું, શ્રેય – પ્રેય અને નિત્ય અને અનિત્ય વચ્ચેનો ભેદ સ્પષ્ટપણે સમજી શકે છે.

નિર્ણયાત્મક ઇચ્છા-સંકલ્પ (Volition) નિર્ણયશક્તિ સાથે સંકળાયેલી છે. તમારો નિર્ણય સાચો હોય કે ખોટો હોય પણ જ્યારે તમે આ શક્તિનો ઉપયોગ કરો છો ત્યારે તમે એક નિર્ણય પર આવો છો અને મક્કમતાથી એ નિર્ણયને વળગી રહીને ચાલો છો. નિર્ણય ત્રણ પ્રકારના હોય છે : અનુસરણ કરવું, અનુસરણ ન કરવું, અને બીજું કંઈ કરવું.

ભાવ-લાગણી (Emotion) : લાગણી કે ભાવને અનુભવવાની ક્ષમતા બે વિભાગમાં વહેંચી શકાય છે: રાગ અને દ્વેષ.

રાગ આપણને પદાર્થો તરફ આકર્ષવાની ક્ષમતા આપે છે.  રાગથી કરુણા, દયા, ઉદારતા, પ્રેમ જેવી સારી લાગણીઓ કે સદ્‌ભાવ નીપજે છે. જે ભાવ કે લાગણી આપણને કોઈ પણ પદાર્થ કે માણસોથી દૂર ધકેલે છે કે ખેંચી જાય છે તેને દ્વેષ કહે છે. ક્રોધ, ઇર્ષ્યા, ભય, વગેરે જેવા દુર્ભાવો દ્વેષને કારણે જન્મે છે.

નિર્ણયાત્મક ઇચ્છા-સંકલ્પ (Volition) અને ભાવ-લાગણી (Emotion)નું બુદ્ધિ દ્વારા નિયમન-નિયંત્રણ થવું જોઈએ. શ્વેતાશ્વતર ઉપનિષદમાં બુદ્ધિ માટે સુંદર પ્રાર્થના છે:

 य एकोऽवर्णो बहुधा शक्तियोगाद्वर्णाननेकान्निहितार्थो दधाति।
वि चैति चान्ते विश्वमादौ स देवः स नो बुद्ध्या शुभया संयुनक्तु॥

સૃષ્ટિના આરંભમાં જે એક અને નિર્વિશેષ બનીને પણ પોતાની શક્તિ દ્વારા કોઈ પ્રયોજક વિના જ અનેક પ્રકારના અનેક વર્ણ (વિશેષ રૂપ) ધારણ કરે છે તથા અંતે જેમાં વિશ્વ લીન થઈ જાય છે તે પ્રકાશ સ્વરૂપ પરમાત્મા અમને શુદ્ધબુદ્ધિયુક્ત કરે.

કોઈ પણ માણસમાં આ બુદ્ધિ અને તર્કશક્તિનો વિકાસ થયો હોય પણ પોતાની જુની ટેવો કે જુનાં વલણોને કારણે તે એનો ઉપયોગ કરી શકતો નથી અને તેને કાર્યમાં લાવી શકતો નથી. માણસના ભાવ-લાગણી વગેરે પણ આ કાર્યમાં વિઘ્નરૂપ થઈ શકે. અને એ માણસની ઇચ્છાશક્તિ પણ આ ભાવ-લાગણીઓને નિયંત્રિત રાખવામાં અક્ષમ નીવડે છે. એટલે માણસ પૂરતા પ્રમાણમાં બુદ્ધિમાન અને ધીરતાવાળો હોવો જોઈએ. આને કારણે એનાં ભાવ-લાગણી અને ઇચ્છાશક્તિ પર સંયમનિયમ રહે છે.

માણસે પોતાની ઇચ્છાશક્તિને પ્રબળ બનાવવા ઘણા પ્રયત્નો કરવા જોઈએ. આને લીધે તે પોતાનાં ભાવ-લાગણી પર સરળસહજ નિયંત્રણ કેળવી શકે છે. પોતાનો શારરિક, માનસિક, આધ્યાત્મિક વિકાસ કરવા માટે સ્વેચ્છાએ સ્વીકારેલી શિસ્તબદ્ધ રીત કે પદ્ધતિ ઇચ્છાશક્તિને પ્રબળ બનાવે છે. ઉદાહરણ તરીકે કોઈ અસંબંધ બડબડાટ કરનારો માણસ સ્વેચ્છાએ મનથી એવો નિર્ણય કરે કે સપ્તાહમાં એક વાર તે મૌન પાળશે. તો આવા પ્રયાસથી એ વ્યક્તિમાં એવી ટેવ પડશે અને એ ટેવના સારા અભ્યાસથી એ વ્યક્તિમાં એવી ઇચ્છાશક્તિ જન્મશે કે જેનાથી તે નકામો બડબડાટ બંધ કરશે.

વેદાંત કહે છે તે પ્રમાણે સૌ પ્રથમ તો ભાવ-લાગણીઓ પર આપણે નિયંત્રણ કેળવવું પડે, પછી જ ઇચ્છાશક્તિના વિકાસની વાત કરી શકાય. બાળક પોતાની બુદ્ધિશક્તિ કે તર્કશક્તિનો વિકાસ કરે તે પહેલાં તેની ભાવ-લાગણી સહજ રીતે વિકસતી રહે છે. પુખ્તતા એટલે ભાવ-લાગણી પર બુદ્ધિશક્તિ કે વિવેકબુદ્ધિનું નિયમન થવું. ઘણા મોટા માણસોમાં આવી પુખ્તતા ઘણી વખત જોવા મળતી નથી કારણ કે, એમના બાળપણમાં એમની ભાવ-લાગણીને નિયમનમાં લાવવાના કોઈ ઉપાય કોઈએ કર્યા નથી કે એ બાળકને માટે એવું વાતાવરણ ઊભું નથી કર્યું. એટલે આવું બાળક પુખ્ત વયનું બને ત્યાં સુધીમાં લાગણીના ખેલમાં રમતું રમકડું બની જાય છે અને પોતાને જે ગમે તે કરે છે અને કોઈ પણ જાતના બાધબંધન વિના પોતાની જ્ઞાનેન્દ્રિયોને મોકળો માર્ગ આપી દે છે. અને એનું પરિણામ તો આપણે સૌ જાણીએ છીએ.

જ્યાં સુધી બાળક પોતાની લાગણીઓ પર નિયમન કેળવવાનું જાતે ન શીખી લે ત્યાં સુધી તેને પોતાની ભાવ-લાગણીઓ પર અંકુશ રાખવા માટે આપણે સહાયક બનવું જોઈએ એટલે કે એને એવી પ્રવૃત્તિઓ આપવી કે જેના દ્વારા પ્રેમ, ઉદારતા, કરુણા, સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, વગેરે જેવી સદ્‌વૃત્તિઓનો વિકાસ થાય અને દુર્વૃત્તિઓ પર સ્વમેળે નિયમન કરતાં શીખે.

સ્વામી વિવેકાનંદ કહે છે તેમ ભાવ-લાગણીઓ આપણા માનવજીવનમાં ઘણી આવશ્યક છે. આપણામાં લાગણી હોવી જોઈએ. તેઓ કહે છે : ‘આપણે તો હૃદય અને મનનો સાથે વિકાસ કરવાની જરૂર છે. હૃદય અલબત્ત ઘણું મહત્ત્વનું છે, મહાન છે, હૃદય દ્વારા જ આપણે જીવનમાં મહાન પ્રેરણાના સ્રોત મળે છે.’

Total Views: 174

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.