દક્ષિણેશ્વરની દિવ્ય અને પવિત્ર ભૂમિ શ્રીરામકૃષ્ણદેવની દિવ્યલીલાનું અને તેમની સર્વોત્કૃષ્ટ બાર વરસની આધ્યાત્મિક સાધનાઓનું ક્ષેત્ર તો છે જ. સાથે ને સાથે સાધના દ્વારા એમણે કરેલી વિવિધ અનુભૂતિઓના ફળ સ્વરૂપે પ્રગટેલી દિવ્ય અમૃતભરી વાણી દ્વારા આધ્યાત્મિક સંપદાનું સર્વકોઈને વિતરણ કાર્ય કર્યું તેનું પણ આ એક મહત્ક્ષેત્ર છે. એમની આ અમૃતવાણી સમગ્ર માનવજાતના સાર્વત્રિક કલ્યાણ માટે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના રૂપે સંગ્રહાયેલી છે. આ દીપોત્સવી અંકના મોટા ભાગના લેખો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના વિષયવસ્તુ સાથે સંલગ્ન રહ્યા છે. તેમજ આ અમૃતવાણીની નોંધ કરનારા અને પાછળથી ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના નામે ગ્રંથ રૂપે એક અમૂલ્ય વારસો આપી જનાર શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત (શ્રી ‘મ’) વિશે પણ કેટલાંક ઉદ્ધરણો, લખાણો આ લેખોમાંથી ભાવિકજનોને સાંપડશે. આપણે તો આ લેખમાં આ દિવ્યલીલાક્ષેત્ર ‘દક્ષિણેશ્વર’ કે જ્યાં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના મોટા ભાગના વાર્તાલાપની  નોંધ-ટાંચણો રૂપે સંગૃહીત કરવામાં આવી હતી તે પાવન ભૂમિની વાત કરીશું.  દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણે જે આધ્યાત્મિક શક્તિ જગાડી હતી અને નાના એવા સમૂહને તેમની આ અમૃતવાણીનો અલભ્ય લહાવો મળ્યો હતો, તેનો અમરસંદેશ સમસ્ત જગત પર પ્રસરી ગયો. કલકત્તાના શોભા બજારમાં સ્વામી વિવેકાનંદના થયેલા મહાન અભિવાદન સમારંભમાં એમણે પ્રત્યુત્તર આપતાં આ પ્રમાણે કહ્યું હતું: ‘અરે, આ વિશ્વધર્મ અને જુદા જુદા સંપ્રદાયો વચ્ચે ભ્રાતૃભાવ પેદા કરવાના વિચારો પર ચર્ચા અને વાદવિવાદ જગતના કોઈ પણ દેશમાં શરૂ થયા તે પહેલાં, ઘણા લાંબા સમય અગાઉ આ શહેરની દૃષ્ટિ સામે જ એક માનવી રહેતો હતો, જેનું જીવન સ્વયં એક વિશ્વધર્મપરિષદ હતું.’ જો કે સ્વામી વિવેકાનંદ ૧૮૯૩ની શિકાગો વિશ્વધર્મ પરિષદ દ્વારા વિશ્વમંચ પર ગર્જી ઊઠ્યા હતા, પરંતુ  સાચી ધર્મપરિષદ તો દક્ષિણેશ્વરના કાલીમંદિરના એ વિશાળ સંકુલમાં જ યોજાઈ ગઈ હતી. જુદા જુદા સંપ્રદાયના વિવિધ ધર્મોના – બ્રાહ્મોસમાજી લોકો, વૈષ્ણવો, શાક્તો, વેદાંતીઓ, ખ્રિસ્તીઓ, મુસ્લિમો અને શીખો પણ આ વૈશ્વિકતીર્થક્ષેત્રમાં ઊમટી પડ્યા હતા. એ બધાંને એવું લાગતું કે શ્રીરામકૃષ્ણ એમના પોતાના જ છે.  તેમણે એ બધાને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમના વિવિધ ધર્મોના વિવિધ પથો એકબીજાના વિરોધી નથી પરંતુ તે ‘એક જ ઈશ્વર પ્રાપ્તિ’ના લક્ષ્ય સુધી પહોંચવાના વિવિધ પથો માત્ર છે.

કામારપુકુરના ગદાધરે ૧૮૫૨માં તેમના મોટા ભાઈ શ્રીરામકુમાર સાથે કલકત્તામાં પદાર્પણ કર્યું. આધ્યાત્મિકતાના નવજાગરણ માટે, પવિત્રતા અને સદ્‌વર્તનો પરથી શ્રદ્ધા ગુમાવી બેઠેલા ભૌતિક સુખોમાં આળોટતા લોકોમાં શ્રદ્ધાને પુન: જાગૃત કરવા માટે તે જ સમય દરમિયાન કલકત્તાની ઉત્તરે દક્ષિણેશ્વરમાં દિવ્યલીલાની ભૂમિ તૈયાર થઈ રહી હતી. આ મહાનસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જે દિવ્યશક્તિએ શ્રીરામકૃષ્ણને એક યંત્રસાધન બનાવ્યા હતા તે હતા ભવતારિણી શ્રી શ્રીમા કાલી, જગદંબા. જગન્માતાની ઇચ્છા દક્ષિણેશ્વરમાં એક પોતાનું મંદિર બંધાવવાની હતી. આ પાવન સ્થાને પોતાની પસંદગીની જ્ઞાન, પ્રેમ અને ત્યાગની પવિત્રમૂર્તિ વિરાજે તેમ તેઓ ઇચ્છતા હતા. અહીંથી એ મહાપુરુષ સમગ્ર માનવજાતને સૌથી વધુ ઉદાર, ઉમદા, અને પ્રગતિશીલ ધર્મનો ઉપદેશ આપશે. આ ધર્મ માનવીની મૂળભૂત દિવ્યતાને પૂરવાર કરશે અને તેની દિવ્યાનુભૂતિ સાથેની એકતાને પણ સિદ્ધ કરશે. પ્રભુએ દક્ષિણેશ્વરમાં જગદંબાનું એ દિવ્યમંદિર બનાવવા માટે રાણી રાસમણિ પર પોતાની પસંદગી ઉતારી. જગદંબાની સ્વપ્નમાં મળેલી આ દિવ્ય સૂચનાને સ્વીકારીને રાણી રાસમણિએ ગંગાના કિનારે યોગ્ય સ્થળે મંદિરના બાંધકામ માટેની જગ્યાની શોધ આરંભ કરી. દક્ષિણેશ્વરના ગામમાં ગંગાના પૂર્વકિનારે ૨૦ એકર જમીનની પસંદગી થઈ. ૧૮૪૭માં જગદંબાના આ ભવ્ય અને દિવ્ય મંદિરનું બાંધકામ શરૂ થયું. આઠઆઠ વર્ષના સતત પ્રયત્નોથી રૂ. નવ લાખના ખર્ચે આ દક્ષિણેશ્વરના કાલીમંદિરના સંકુલનું બાંધકામ પૂરું થયું. ૩૧ મે, ૧૮૫૫ને ગુરુવારે સ્નાનયાત્રાના પવિત્ર દિવસે જગન્માતાની ‘જગદીશ્વરી મહાકાલી’ના નામે પ્રાણપ્રતિષ્ઠા થઈ. શ્રીરામકૃષ્ણના મોટાભાઈ શ્રીરામકુમાર ચટ્ટોપાધ્યાયે એક વર્ષ સુધી આ કાલીમંદિરના પૂજારી તરીકેની જવાબદારી નીભાવી. એમના મૃત્યુ પછી આ બધી જવાબદારી નાના ભાઈ ગદાધર (શ્રીરામકૃષ્ણ) પર આવી પડી. શ્રીરામકૃષ્ણની પૂજા પણ વિલક્ષણ હતી. તેઓ જ્યારે પૂજામાં બેસતા ત્યારે શ્રીમા કાલીના ધ્યાનમાં એટલા બધા લીન થઈ જતા કે તેમને જરાય બાહ્યભાન રહેતું નહિ. આ વિલક્ષણ પૂજારી શ્રીરામકૃષ્ણ જાણતા હતા કે શ્રીમંદિરમાં રહેલ શ્રીમા કાલી જ એમના જીવનને ઘાટ આપી રહી છે અને તેઓ જ તેને અહીં લાવ્યાં છે; એ બધી એમની જ લીલા હતી. એટલે જ તેઓ પાછળથી ખિન્નભાવે કહેતા : ‘લોકો કહે છે કે રાણી રાસમણિએ શ્રીમા કાલીનું મંદિર બંધાવ્યું છે; પરંતુ કોઈ એમ નથી કહેતું કે એ તો પ્રભુનું કાર્ય હતું.’ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં માસ્ટર મહાશય દક્ષિણેશ્વરના કાલીમંદિર સંકુલનું ‘આનંદ નિકેતન’ના નામે વર્ણન કરે છે.

ચાંદની (મંડપ) અને દ્વાદશ શિવમંદિર

કાલીમંદિર કલકત્તાથી પાંચ માઈલ ઉત્તરે આવેલું છે. બરાબર ગંગાને કાંઠે જ. હોડીમાંથી ઊતરીને દૂર દૂર પથરાયેલાં પગથિયાંની હાર પર થઈને પૂર્વાભિમુખે ચડીને કાલીમંદિરમાં જવાય. પગથિયાંની ઉપર જ મંડપ આવેલો છે. મંડપ બાર શિવમંદિરની બરાબર વચમાં. તેમાંથી છ મંદિર તેની ઉત્તરે, બીજાં છ દક્ષિણે. ઉત્તર થી દક્ષિણ દિશાએ યોગેશ્વર, યત્નેશ્વર, જટિલેશ્વર, નકુલેશ્વર, નાકેશ્વર, નિર્જરેશ્વર, નારેશ્વર, નંદીશ્વર, નાગેશ્વર, જગદીશ્વર, જલેશ્વર, યજ્ઞેશ્વર નામનાં શિવમંદિરો આવેલાં છે. ત્યાં નિત્યપૂજા થાય છે. 

એક દિવસ શ્રીરામકૃષ્ણ પોતાના સાધનાકાળમાં શિવમંદિરમાં ગયા અને શિવમહિમ્નસ્તોત્ર ગાવા લાગ્યા. 

અસિતગિરિસમં સ્યાત્‌ કજ્જલં સિન્ધુ: પાત્રં
સુરતરુવરશાખા લેખની પત્રમુર્વી ।
લિખતિ યદિ ગૃહીત્વા સારદા સર્વકાલં
તદપિ તવ ગુણાનામીશ પારં ન યાતિ ॥૩૨॥

આ શ્લોકનું ગાન કરતી વખતે તેઓ ભાવવિભોર બની ગયા. પછી ‘અરે મહાદેવ! હું તમારા ગુણોનું ગાન કેવી રીતે કરી શકું?’ એમ મોટેથી વારંવાર બોલવા લાગ્યા. હોડીઓમાં બેઠેલા યાત્રાળુઓ આ બાર શિવમંદિર દૂરથી દેખતાં જ બોલી ઊઠે, ‘આ રાસમણિનું દેવાલય!’

પાકું પ્રાંગણ અને વિષ્ણુઘર – શ્રીરાધાકાંતનું મંદિર

મંડપ અને બાર મંદિરની પૂર્વ બાજુએ ઈંટો પાથરેલું પાકું ચોગાન. ચોગાનની વચમાં એક હારમાં બે મંદિર. ઉત્તર બાજુએ શ્રીરાધાકાન્તનું અને તેની દક્ષિણે મા કાલીનું મંદિર.

શ્રીરાધાકાંતની મૂર્તિનો એક પગ ખંડિત થતાં તેને વિદ્વાનોના મત પ્રમાણે ગંગામાં પધરાવવાની અને એને સ્થાને નવી મૂર્તિ બનાવવાની સૂચના મળતાં શ્રીરામકૃષ્ણે રાણી રાસમણિને પૂછ્યું: ‘શું કોઈ પત્નીના પતિનો પગ ભાંગી જાય તો તેણે તેને ત્યજી દેવો કે પતિની સારવારની વ્યવસ્થા કરવી?’ શ્રીરામકૃષ્ણના આ વિલક્ષણ નિર્ણયને પંડિતોએ અને રાણી રાસમણિએ માનીને શ્રીરાધાકાંતની મૂર્તિના પગનું સુવ્યવસ્થિત સમારકામ શ્રીઠાકુર પાસે જ કરાવ્યું અને પછી એ મૂર્તિના પૂજાકાર્યમાં જુના પૂજારી ક્ષેત્રનાથની જગ્યાએ શ્રીરામકૃષ્ણની ઈ.સ. ૧૮૫૭ – ૫૮માં વરણી થઈ. શ્રીરામકૃષ્ણની રાધાકાંતની પૂજાવિશે એમના ભાણેજ હૃદયે કહ્યું હતું: પૂજા કરતી વખતે એમની અનન્ય ભાવાવસ્થા અને એમના દેહની ચોતરફ દિવ્ય આભાને જોઈને બીજા બ્રાહ્મણો આશ્ચર્યપૂર્વક કહેતા: ‘જાણે કે સાક્ષાત્‌ ભગવાન વિષ્ણુ જ માનવરૂપ ધરીને પૂજા કરવા બેઠા ન હોય!’

શ્રી શ્રીભવતારિણી મા કાલી

દક્ષિણ બાજુના મંદિરમાં કાલીમાતાની કાળા આરસની સુંદર પ્રતિમા છે. માનું નામ ભવતારિણી. સફેદ અને કાળા આરસ પથ્થરથી જડેલું ભોંયતળિયું અને પગથિયાંવાળી ઊંચી વેદી છે. વેદીની ઉપર રૂપાનું સહસ્રદલ પદ્મ. તેના ઉપર શિવ શબ રૂપે પડ્યા છે. દક્ષિણ બાજુએ મસ્તક અને ઉત્તર બાજુએ પગ રાખેલા છે. શિવની મૂર્તિ શ્વેત આરસની બનાવેલી છે. તેના હૃદય પર બનારસી સાડી પહેરેલી, વિવિધ અલંકારોથી શણગારાયેલી સુંદર ત્રિનયના શ્યામા કાલીની પથ્થરની મૂર્તિ છે.

દેવીનાં ચરણકમળમાં ઝાંઝર, હાથમાં સોનાની બંગડીઓ, ગળામાં મોતી અને સોનાની માળા, સોનાની બનાવેલી મુંડમાળા, કેડ પર નરહસ્તની માળા, શિર પર સુવર્ણ મુકુટ અને ત્રિનયનીનાં બે વિશાળ નેત્રોની વચ્ચે જ્ઞાનચક્ષુ છે. એમનાં ત્રણેય ચક્ષુઓ શ્યામ વદન પર જાણે કે સૂર્ય, ચંદ્ર અને અગ્નિની જેમ પ્રકાશી રહ્યાં છે. શ્રીમાને ચાર ભુજાઓ છે. ડાબા બે હાથમાં નરમુંડ અને તલવાર, જમણા બે હાથે વર અને અભય છે. એક દૃષ્ટિએ તેઓ ભીષણ દેખાય છે તો બીજી નજરે તેઓ પોતાના ભક્તોની કરુણામયી માતા છે. ડાબા પગથી એક ચરણ આગળ એમનો જમણો પગ શિવની છાતી પર છે, જાણે કે તેઓ આગળ ધપી ન રહ્યાં હોય! શ્રીરામકૃષ્ણની સાધનાથી આ ભવ્ય આરસપ્રતિમા જાણે કે જીવંત જાગ્રત બની ગઈ હોય એવું દીસે છે!

નટમંદિર

કાલીમંદિરની સન્મુખે અર્થાત્‌ દક્ષિણ બાજુએ સુંદર વિશાળ સભામંડપ. સભામંડપની ઉપર કાલભૈરવ, નંદી અને ભૃંગીની મૂર્તિઓ. માના મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં શ્રીઠાકુર એ કાલભૈરવને હાથ જોડીને પ્રણામ કરતા, જાણે કે તેમની આજ્ઞા લઈને મંદિરમાં પ્રવેશ કરતા ન હોય! 

  શ્રીરામકૃષ્ણદેવ  નટમંદિર વિશેનું શ્રી ‘મ’એ એક સુંદર શબ્દચિત્ર એમની ચોથી મુલાકાતના વર્ણનમાં આપ્યું છે : ‘મા કાલીના મંદિરની સામેના પ્રાર્થના ખંડમાં ઠાકુર એકલા આંટા મારી રહ્યા છે. મંદિરમાં મા કાલીની બંને બાજુએ દીવા બળી રહ્યા છે. વિશાળ પ્રાર્થના ખંડમાં એક જ બત્તી બળે છે. ઝાંખો પ્રકાશ; પ્રકાશ અને અંધકાર ભેગા મળ્યા હોય તે પ્રમાણે પ્રાર્થના ખંડમાં દેખાતું હતું… ઠાકુર એ ઝાંખા પ્રકાશમાં એકલા આંટા મારી રહ્યા છે. એકલા – નિ:સંગ! પશુરાજ સિંહ જાણે વનમાં પોતાના જ વિચારમાં મગ્ન બનીને એકલો ફરી રહ્યો છે. આત્મારામ સિંહ એકલો રહેવાનું, એકલો ફરવાનું પસંદ કરે, બેપરવા!’

આ નટમંદિરથી વહેતું દિવ્ય ભજનસંગીત સમગ્ર ઉદ્યાનમાં પ્રસરી જાય છે. પહેલાંની જેમ આજે પણ શ્રી શ્રીમાના મનોરંજન માટે નાટકો, કથાઓ અને ભજનસંગીતની મિજલસો યોજાય છે. આ જ નટમંદિરમાં ૧૮૬૧માં મળેલી બે મહત્ત્વની સભાઓનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. પંડિત વૈષ્ણવચરણ અને ગૌરી પંડિત જેવા સિદ્ધ હસ્ત પંડિતોના અધ્યક્ષ સ્થાને, વિદ્વાન બ્રાહ્મણો અને શાસ્ત્રજ્ઞોની હાજરીમાં શ્રીરામકૃષ્ણ એક અવતારપુરુષ હતા એવું મથુરબાબુએ પ્રમાણિત કર્યું હતું. 

રાણી રાસમણિની કોઠી

ચોગાનની ડેલીમાંથી ઉત્તરમુખે બહાર નીકળીને જોઈએ, તો સામે જ બે મજલાવાળો બંગલો દેખાય. મંદિરે આવતાં ત્યારે રાણી રાસમણિ, તેમના જમાઈ મથુરબાબુ વગેરે આ બંગલામાં રહેતાં. ૧૮૪૭માં દક્ષિણેશ્વરના મંદિર સંકુલ માટે જમીન ખરીદી ત્યારે એક કોઠી ત્યાં હતી. તેમની હયાતીમાં પરમહંસદેવ આ બંગલાના મકાનમાં નીચેના પશ્ચિમ બાજુના ઓરડામાં રહેતા. એમાંથી બકુલતલાને ઘાટે જઈ શકાય અને સારી રીતે ગંગાદર્શન થાય. ૧૮૬૩માં એમનાં માતા ચંદ્રામણિદેવી અને ૧૮૬૫માં તેમનો ભત્રીજો અક્ષય તેમની સાથે રહેવા માટે અહીં આવ્યાં હતાં. શ્રી ‘મ’ ૭૦ વર્ષ સુધી જીવ્યા હતા અને જીવનના છેલ્લા દિવસોમાં પણ તેઓ ભક્તો સાથે દક્ષિણેશ્વરના બગીચામાં જતા તેમજ શ્રીરામકૃષ્ણની દિવ્યલીલા સાથે સંકળાયેલા ત્યાંના દરેક સ્થળને પવિત્રતીર્થ ગણીને નમન કરતા. એ વખતે તેઓ કોઠીમાં જવાનું ક્યારેય ચૂકતા નહિ. પરસાળમાંથી શ્રીરામકૃષ્ણના ઓરડામાં પ્રવેશીને પ્રણામ કરીને તેઓ કહેતા: ‘અહીં આ કોઠીમાં શ્રીઠાકુર ૧૮૫૫ થી ૧૮૭૧ એમ ૧૬ વર્ષ સુધી રહ્યા હતા. આ ઓરડામાં તેમણે કેટકેટલાં જપધ્યાન અને દર્શનાભૂતિઓ કરેલાં! ૧૮૭૧ થી ૧૮૮૫ સુધી હાલ જે ‘શ્રીરામકૃષ્ણનો ઓરડો’ કહેવાય છે તેમાં તેઓ રહેતા.’ પોતાનાં સાધનાજીવનનાં આ બાર ફળદાયી વર્ષોમાં તેમણે જુદા જુદા ધર્મપથોની સાધનાને અંતે તેમનો પોતાનો ગુરુભાવ પ્રગટ થવા માટે તૈયાર હતો. એ સમયે શ્રી જગદંબાએ તેમને જણાવ્યું કે પવિત્ર આત્માઓવાળા કેટલાક શિષ્યો તેમનું બાકીનું કાર્ય પાર પાડવા માટે અહીં આવશે. ૭ સપ્ટેમ્બર, ૧૮૮૩ના રોજ શ્રીઠાકુરે પોતાના ભક્તોને ઉદ્દેશીને કહ્યું હતું કે મને ફરીથી આવા શિષ્યો મળવાની વાત જગદંબાએ કરી એટલે હું કોઠીના છાપરા ઉપર ચડી મોટા અવાજે અને ઝંખનાભર્યા હૃદયે કહેતો : ‘અરે! તમે બધા ક્યાં છો? તમે અહીં આવો; હું તમને જોવા આતુર છું.’

ઠાકુર શ્રીરામકૃષ્ણનો ઓરડો

ચોગાનની બરાબર વાયવ્ય ખૂણે, એટલે કે બાર શિવમંદિરની બરાબર ઉત્તરમાં શ્રીરામકૃષ્ણનો ઓરડો, ઓરડાની બરાબર પશ્ચિમ બાજુએ એક અર્ધગોળાકાર ઓસરી, એ ઓસરીમાંથી શ્રીરામકૃષ્ણ પશ્ચિમાભિમુખ થઈને ગંગાદર્શન કરતા. ઓસરીની પછી રસ્તો. તેની પશ્ચિમે ફૂલવાડી, તે પછી પુસ્તો. તેની પછી પવિત્ર સલિલા, સર્વતીર્થમય, કલકલ – નિનાદિની ગંગા…

અહીં ઘણી રસપ્રદ ઘટનાઓ, ભજનકીર્તન, આધ્યાત્મિક ઉપદેશ અને હૃદયસ્પર્શી વાર્તાલાપો અવિરત ચાલતાં રહેતાં અને ત્યાં દિવ્યાનંદનું એક અનન્ય વાતાવરણ સર્જાઈ જતું. તેઓ દિવ્યપ્રકાશ અને દિવ્યાનંદને ઉજાગર કરતા અને તેમની ભાવસમાધિઓ ભાવુકજનોને મુગ્ધ કરી દેતી. ૨૫ મે, ૧૮૭૩ની ફલહારિણી કાલીપૂજાના પાવનકારી દિવસે આ જ ઓરડામાં શ્રીઠાકુરે શ્રીમા શારદાદેવીની ષોડશીપૂજા કરી હતી.

એમના આ ઓરડાની દિવાલ પર સરસ્વતી, ગૌરાંગ, નિતાઈ, ધ્રુવ, પ્રહ્‌લાદ, શ્રીમા કાલી, શ્રી રાજરાજેશ્વરી અને ડૂબતા પિટરને બચાવતા ઈશુ ખ્રિસ્ત વગેરેની છબિઓ હતી. વહેલી સવારે તેઓ પ્રભુનામગાન કરતા અને આ બધી છબિઓને પ્રણામ કરીને મા ગંગાને પ્રણામ કરવા જતા. આ ઓરડા વિશે વાત કરતાં શ્રીઠાકુરે એક દિવસ કહ્યું હતું : ‘અહીં કેટલું બધું પ્રભુના નામનું ગુણગાન થતું રહ્યું! એટલે જ અહીંનું વાતાવરણ પવિત્ર અને શક્તિસભર બન્યું છે.’ હજુ પણ ઘણા લોકો અહીંના આ આધ્યાત્મિક અને પવિત્ર વાતાવરણમાં ધ્યાન ધરીને શ્રીઠાકુરની ‘શું તમે જોતા નથી કે મેં જે કાંઈ કહ્યું છે એ બધું અહીં થઈ રહ્યું છે? જેમણે નિષ્ઠાપૂર્વક ધ્યાનજપ કર્યાં હશે તેઓ અહીં આવવાના જ છે.’ આ ઉક્તિને સાચી સિદ્ધ કરે છે.

શ્રીરામકૃષ્ણના ઓરડાની પૂર્વ બાજુએ એક લાંબી ઓસરી છે. ઓસરીનો એક ભાગ ચોગાનની બાજુએ એટલે કે દક્ષિણાભિમુખ છે. આ ઓસરીમાં પરમહંસદેવ મોટે ભાગે ભક્તો સાથે બેસતા અને ઈશ્વર સંબંધી વાતો અથવા સંકીર્તન કરતા. આ પૂર્વ બાજુની ઓસરીનો બીજો અર્ધો ભાગ ઉત્તરાભિમુખ છે. આ ઓસરીમાં ભક્તો તેમનો જન્મોત્સવ ઊજવતા, તેમની સાથે બેસીને સંકીર્તન કરતા, અને એક સાથે બેસીને પ્રસાદ લેતા. એ જ ઓસરીમાં શ્રીયુત કેશવચંદ્ર સેને શિષ્યો સહિત આવીને તેમની સાથે કેટલોય વાર્તાલાપ કર્યો હતો, અને આનંદ કરતાં કરતાં મમરા, ટોપરું, પૂરી, મીઠાઈ વગેરે એક સાથે બેસીને જમ્યા હતા. એ જ ઓસરીમાં નરેન્દ્રને જોઈને શ્રીરામકૃષ્ણ સમાધિમાં સરી પડ્યા હતા.

નોબતખાનું, બકુલતલા અને પંચવટી

શ્રીઠાકુરના ઓરડાની બરાબર ઉત્તરે એક ચોરસ ઓસરી, તેની ઉત્તરે બગીચાનો રસ્તો, તેની ઉત્તરમાં ફૂલવાડી, તેની પછી જ નોબતખાનું. તેની નીચેની ઓરડીમાં શ્રીઠાકુરનાં વૃદ્ધ માતા અક્ષયકુમારના મૃત્યુ પછી ૧૮૬૯-૧૮૭૧ના સમયગાળા દરમિયાન રહેવા આવ્યાં હતાં. 

પછીથી શ્રી શ્રીમા રહેતાં. ૫૦ ચો.ફૂટના આ નાના ઓરડામાં શયનગૃહ, ભંડાર, રસોડું વગેરે હતાં. શ્રીમા શારદાદેવી આ નાના ઓરડામાં રહીને પણ શ્રીરામકૃષ્ણની અને શ્રી ચંદ્રામણિદેવીની સેવાચાકરી કરતાં. આ ઓરડો અત્યારે ‘માયેર ઘર’  શ્રી શ્રીમાનો ઓરડો એ નામે જાણીતો છે અને અહીં દરરોજ સેવાપૂજા થાય છે.

નોબતખાનાની આગળ જતાં જ બકુલતલા અને બકુલતલાનો ઘાટ. અહીં એ તરફના લત્તાનાં બૈરાંઓ સ્નાન કરતાં. આ ઘાટે શ્રીરામકૃષ્ણનાં વૃદ્ધ માતુશ્રીએ ઈ.સ. ૧૮૭૭માં દેહ છોડેલો.

 બકુલતલાની સહેજ ઉત્તરે પંચવટી. આ પંચવટીમાં શ્રીરામકૃષ્ણે ઘણી સાધના કરી હતી. અને તે પછી ભક્તોની સાથે તેઓ અહીં અવારનવાર ફરતા. કયારેક કયારેક મોડી રાતે ઊઠીને ત્યાં જતા. પંચવટીમાં વૃક્ષો – વડ, પીપળો, લીમડો, આમળી અને બીલી – શ્રીઠાકુરે પોતાની દેખરેખ નીચે વવરાવેલાં હતાં. વૃન્દાવનથી પાછા આવ્યા ત્યારે ત્યાં વૃન્દાવનની રજ પથરાવેલી. એ પંચવટીના બરાબર પૂર્વભાગમાં એક કુટિર બનાવડાવીને શ્રીરામકૃષ્ણે ત્યાં ઘણાં ઈશ્વરચિંતન અને તપશ્ચર્યા કર્યાં હતાં.

પંચવટીની અંદર એક જુનું વડનું ઝાડ હતું. તેની સાથે જ એક પીપળાનું ઝાડ હતું. બેય મળીને જાણે કે એક થઈ ગયાં હતાં. જુનું ઝાડ ઘણાં વર્ષોનું હોવાથી તેમાં કેટલીય બખોલો પડી હતી. તેમાં જાત જાતનાં પક્ષીઓ અને બીજાં કેટલાંય જીવજંતુઓ રહેતા. વૃક્ષને ઈંટોની બનાવેલી પગથિયાંવાળી, ગોળાકાર વેદીથી સુશોભિત બનાવ્યું હતું. આ વેદીને વાયવ્ય ભાગે બેસીને શ્રીરામકૃષ્ણે ઘણી સાધનાઓ કરી હતી; અને વાછરડાને માટે જેમ ગાય વ્યાકુળ બને તેમ આતુરતાથી તેઓ ભગવાનનું સ્મરણ કરતા હતા. ૧૮૬૪માં એવું વાવાઝોડું આવ્યું કે એ સાધનાના આસનસ્થળે વૃક્ષની એક ડાળી પડતાં ત્યાં જ કાળક્રમે નવું વૃક્ષ ઊગી નીકળ્યું. એક વખત શ્રી ‘મ’ શ્રીરામકૃષ્ણ સાથે પંચવટીમાં ગયા ત્યારે તેમણે એ જ સ્થળને બતાવીને કહ્યું હતું: ‘આ સ્થળે જ મને કેટકેટલાં દિવ્યદર્શન થયાં. ત્યાં જઈને સાષ્ટાંગ પ્રણામ કરજે.’ પછીથી શ્રી ‘મ’એ કહ્યું હતું : ‘આ પવિત્ર વટવૃક્ષની નીચે બેસીને ભગવાન શ્રીરામકૃષ્ણ દિવસોના દિવસો સુધી કાલી માતાની આતુરતાપૂર્વક ઝંખના કરીને એક બાળક જેમ માતા માટે રડે તેમ વિલાપ કરતા રહ્યા હતા. કેવી દિવ્યલીલા! એવું લાગે છે કે આ સિદ્ધાસને બેસવા હજુ સુધી કોઈ જન્મ્યું નથી. આ તૂટેલી ડાળી અને તેમાંથી ઊગી નીકળેલા વૃક્ષરૂપે પ્રકૃતિએ આ સિદ્ધાસનનું રક્ષણ કર્યું છે એ શું એની પાછળનું કારણ હશે ખરું?’

પોતાની સાધનાના ૧૨ વર્ષ દરમિયાન તેઓ મંદિરની કે પોતાના ઓરડાની દિવાલો વચ્ચે પુરાઈ રહ્યા ન હતા પરંતુ આજુબાજુ આવેલા નદીકિનારા, ઘાટ અને તળાવો, પંચવટી અને સરુની ઘટાઓ, ઉદ્યાનો, આડેધડ ઉગેલાં ઉપવનો, મંદિરની પવિત્રભૂમિમાં આવેલા વિવિધ સ્થળો પણ એમની ઉપસ્થિતિથી જાણે દિવ્યાનંદથી જીવંત બની ગયાં હતાં. ઈશ્વરનાં જુદાં જુદાં સ્વરૂપોનાં દર્શન, એમના દિવ્યસમાધિભાવ અને બીજી આધ્યાત્મિક અનુભૂતિઓ દ્વારા એમના દિવ્યચક્ષુએ વિરાટના, સર્વવ્યાપી પ્રભુનાં દર્શન કર્યાં હતાં. આ દિવ્યલીલા ભૂમિ પર એમણે સર્વમાં રહેલા વિભુને ખૂલી આંખે નિહાળ્યા હતા. એમના શબ્દોમાં કહીએ તો: ‘પ્રભુ સ્ત્રીપુરુષ, પ્રાણીઓ, વૃક્ષો, વેલીઓ, સૂર્યચંદ્ર, પૃથ્વી, જળ, વગેરેના અંતરાત્મા છે.’

હંસપુકુર, પુષ્પોદ્યાન

પંચવટીની પૂર્વ બાજુએ એક તળાવ છે, તેનું નામ હંસપુકુર. વહેલી સવારમાં પૂર્વ દિશામાં અરુણોદય થતો હોય તેવામાં જ મંગળા આરતીનો સુમધુર શબ્દ થવા લાગે અને શરણાઈનાં પ્રભાતી રાગરાગિણી શરૂ થાય. ત્યારથી જ મા કાલીના બગીચામાં ફૂલ ઉતારવાનું શરૂ થતું. ગંગાતીરે પંચવટીની સામે બીલીનું ઝાડ અને સુગંધી ચંપો હતાં. મલ્લિકા, માધવી અને ચંપાનાં ફૂલ શ્રીરામકૃષ્ણને બહુ ગમતાં. માધવી લતા શ્રીવૃંદાવનથી લાવીને તેમણે પોતે જ રોપી હતી. પરમહંસદેવના ઓરડાની બાજુએ એક બે ગુલમોરનાં વૃક્ષ હતાં અને આજુબાજુ મોગરો, જૂઈ, ગંધરાજ, ગુલાબ, માલતી, જાસુદ, ધોળી કરેણ, લાલ કરેણ, તે ઉપરાંત પંચમુખી જાસુદ, ચીનાઈ જાસુદ પણ હતાં. શ્રીરામકૃષ્ણ પણ કોઈ કોઈ વખત ફૂલ ચૂંટતા. એક દિવસ પંચવટીની સામે બીલીના ઝાડ પરથી બીલીપત્ર ચૂંટતા હતા ત્યારે ઝાડની થોડીક છાલ ઊખડી ગઈ. આથી તેમને લાગ્યું કે સર્વભૂતમાં વ્યાપી રહેલા પરમાત્માને કોણ જાણે કેટલુંય કષ્ટ થયું હશે! એ દિવસથી શ્રીરામકૃષ્ણ કદી બીલીપત્ર તોડી શકયા નહિ. બીજે એક દિવસે શ્રીરામકૃષ્ણ ફૂલ ચૂંટવા માટે ફરતા હતા, એટલામાં કોઈએ જાણે કે એકાએક દેખાડી દીધું કે ખીલી રહેલાં ફૂલ સહિતનું એક એક વૃક્ષ જાણે કે ફૂલનો એક એક ગજરો છે. અને આ જગતરૂપી વિરાટ શિવમૂર્તિની ઉપર તે શોભી રહ્યાં છે, જાણે કે અહર્નિશ તેમની જ પૂજા થઈ રહી છે. તે દિવસથી પછી શ્રીરામકૃષ્ણથી ફૂલ ચૂંટવાનું બન્યું નહિ.

ઝાઉતલા, બેલતલા

પંચવટીથી જરા વધારે દૂર લોખંડના તારની વાડ છે. એ વાડની પેલી પાર ઝાઉતલા છે. હારબંધ ચાર ઝાઉનાં ઝાડ. ઝાઉતલાથી પૂર્વ બાજુએ જરાક જઈએ એટલે બેલતલા આવેલ છે. અહીં પણ શ્રીરામકૃષ્ણે કેટલીયે કઠિન સાધનાઓ કરી હતી.

આનંદ-નિકેતન

કાલીમંદિર આનંદ-નિકેતન બન્યું હતું. શ્રીરાધાકાન્ત, શ્રીભવતારિણી અને મહાદેવની નિત્યપૂજા, ભોગ ધરાવવો અને અતિથિસેવા થતાં. એક બાજુ દૂર સુધીનું ભાગીરથી-દર્શન. વળી જાત જાતનાં સુંદર, સુવાસિત, ફૂલોવાળો મનોહર બગીચો. તેમાં એક ચેતન પુરુષ અહર્નિશ ઈશ્વર પ્રેમમાં મસ્ત રહેતા! ત્યાં આનંદમયીનો નિત્ય ઉત્સવ! એક વાર પ્રભાતમાં મંગળા – આરતીને વખતે ને ત્યાર પછી નવ વાગ્યે પૂજાનો આરંભ થાય ત્યારે, ત્યાર પછી બપોરે ભોગ આરતી, પછી દેવી દેવતાઓ આરામ કરવા જાય ત્યારે નોબતખાનામાંથી રાગરાગિણી હંમેશાં વાગ્યા કરતાં. વળી પાછી ચાર વાગે નોબત વાગે; ત્યારે દેવતાઓ આરામ લઈને ઊઠતા અને મુખ ધોતા. વળી ફરીથી સંધ્યા આરતીને સમયે, અને છેવટે રાત્રે નવ વાગ્યે, જ્યારે દેવતાઓને રાત્રીનો ભોગ ધરાવ્યા પછી શયન અપાય તે વેળા છેલ્લી નોબત વાગતી. 

આ છે દક્ષિણેશ્વરની દિવ્યલીલાભૂમિનું એક શબ્દચિત્ર. સ્વામીજીએ પોતાના અંતિમ દિવસોમાં લખેલા એક પત્રમાં દક્ષિણેશ્વરની સ્મૃતિઓ વિશે ભાવમય શબ્દોમાં લખ્યું છે : ‘દક્ષિણેશ્વરના વટવૃક્ષની નીચે શ્રીરામકૃષ્ણની એ અદ્‌ભુત અમૃતવાણીને સાંભળતો એક બાળક માત્ર છું. આ જ મારું સાચું સ્વરૂપ છે. મારાં કાર્યો, પ્રવૃત્તિઓ, જગતનું કલ્યાણ કરવું વગેરે મારે મન ગૌણ છે. હજુએ હું ફરી ફરીને એમનો એ અવાજ સાંભળું છું, મારા અંતરાત્માને ઉજાગર કરનારો એ જ અવાજ! મારાં બંધનો તૂટી રહ્યાં છે, મોહમાયા છૂટી રહી છે, કર્મો નિરસ ભાસે છે. હવે તો ફક્ત ગુરુદેવનો એ આહ્‌વાન આપતો અવાજ સંભળાય છે. હે ઠાકુર! હું આવું છું, હું આવું છું!’

શ્રી ‘મ’ના શબ્દોમાં કહીએ તો : દક્ષિણેશ્વરનું એકેએક રજકણ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના પાવનકારી શ્રીચરણકમળના સ્પર્શથી પવિત્ર, જીવંત અને પ્રાણપૂર્ણ બની ગયું છે. અહીંનાં વૃક્ષો, વેલીઓ, દેવર્ષિઓ અને ભક્તો બધા જ ભગવાનની દિવ્યલીલાના અમૃતપાનનાં સાક્ષી છે. તે બધાં આ યુગાવતારની લીલાને નજરે જોનાર સદ્‌ભાગી આત્માઓ છે.

Total Views: 116

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.