પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કાંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવન બીજું શું છે? માટે સર્વ પ્રકારનો પ્રેમ એ જ જીવન છે. જીવનનો એક જ નિયમ છે. સર્વ પ્રકારનું સ્વાર્થીપણું એ જ મૃત્યુ છે. વળી આ નિયમ આ લોકમાં કે પરલોકમાં બધે સાચો છે. અન્યનું ભલું કરવું એ જ જીવન છે, અને તેમ ન કરવું તે મૃત્યુ છે. જે નેવું ટકા માનવરૂપી પશુઓને તમે જુઓ છો તે મરેલાં છે, પ્રેતો છે, કારણ કે ઓ મારા શિષ્યો! પ્રેમ કરનાર સિવાય કોઈ જીવંત નથી. મારાં બાળકો! અન્ય માટે લાગણી રાખતાં શીખો; ગરીબ, અજ્ઞાની અને કચડાયેલાં માટે લાગણી રાખો; એટલી હદ સુધી લાગણી રાખો કે તમારું હૃદય બંધ પડી જાય, મગજ ઘૂમ્યા કરે  અને તમને લાગે કે તમે પાગલ થઈ જશો; અને પછી ઈશ્વરને ચરણે હૃદયની વ્યથા ધરી દો. ત્યાર પછી આવશે શક્તિ, સહાય અને અદમ્ય ઉત્સાહ! છેલ્લાં દસ વર્ષ દરમિયાન પુરુષાર્થ, પુરુષાર્થ એ જ મારો મુદ્રાલેખ હતો. હજુ પણ હું કહું છું કે પુરુષાર્થ કરો! જ્યારે સર્વત્ર અંધકર હતો ત્યારે હું કહેતો કે પુરુષાર્થ કરો; આજે જ્યારે પ્રકાશ આવતો લાગે છે ત્યારે પણ હું કહું છું કે પુરુષાર્થ કરો! મારા શિષ્યો! ડરો નહીં. પેલા અનંત તારામંડિત આકાશનાં ઘુમ્મટ તરફ એ જાણે કે કચડી નાખશે એવી ભયભીત દૃષ્ટિથી જુઓ મા. જરા થોભો; થોડા જ વખતમાં એ આખું તમારા પગ તળે આવી જશે. થોભો; પૈસાથી કંઈ વળતું નથી, નામથી પણ નહીં, યશથી  પણ નહીં, વિદ્યાથી પણ નહીં, માત્ર પ્રેમથી લાભ થાય છે; માત્ર ચારિત્ર્ય જ મુશ્કેલીઓની વજ્ર જેવી દીવાલો તોડીને તેમાંથી માર્ગ કાઢે છે… આપણે ભૌતિક સંસ્કૃતિ વિરુદ્ધ મૂર્ખાઈભરી વાતો કરીએ છીએ, કેમ કે દ્રાક્ષ ખાટી છે. આ બધી મૂર્ખાઈભરી બડાઈની વાતો છતાં પણ સમગ્ર ભારતમાં માત્ર એક લાખ જેટલાં સ્ત્રીપુરુષો સાચી આધ્યાત્મિક વૃત્તિવાળાં છે. હવે માત્ર આટલા જ લોકોના આધ્યાત્મિક વિકાસને ખાતર શું ત્રીસ કરોડને જંગલીપણા અને ભૂખમરામાં ડુબાડવાં? શા માટે કોઈએ ભૂખે મરવું જોઈએ? મુસલમાનોએ હિંદુઓ પર વિજય મેળવ્યો તે  શી રીતે શક્ય બન્યું? તેનું કારણ હતું ભૌતિક બાબતમાં હિંદુઓનું અજ્ઞાન. મુસલમાનોએ જ તેમને દરજીએ સીવેલાં કપડાં પહેરતાં શીખવ્યું. હું ઇચ્છું છું કે શેરીની ધૂળ ખોરાકમાં ભળી ન જાય તેવી રીતે સ્વચ્છતાથી ભોજન કરવાનું પણ હિંદુઓ મુસલમાનો પાસેથી શીખ્યા હોત. ગરીબોને કામ આપવા માટે ભૌતિક સંસ્કૃતિ, અરે ભોગવિલાસ સુધ્ધાં જરૂરી છે. ‘રોટી! રોટી!’ જે ઈશ્વર આપણને અહીં રોટી આપી શકતો નથી તે સ્વર્ગમાં શાશ્વત સુખ આપશે તેમ હું માનતો નથી. છટ, ભારતને ઉન્નત બનાવવું છે, ગરીબોને રોટલો પહોંચાડવો છે, શિક્ષણનો વિસ્તાર કરવો છે… મહાન યોજના એ છે કે મધ્યહિંદમાં એક વસાહત શરૂ કરવી, કે જ્યાં તમે તમારા વિચારોને સ્વતંત્રપણે અનુસરી શકો; પછી થોડોક ઉત્સાહ બધાને ઉત્સાહિત બનાવશે. દરમિયાન એક મધ્યવર્તી સંસ્થા ઊભી કરો અને સમગ્ર ભારતમાં તેની શાખાઓ સ્થાપતા જાઓ. હમણાં માત્ર ધાર્મિક ભૂમિકા ઉપર શરૂ કરો; બળજબરીપૂર્વકના કોઈ સામાજિક સુધારાનો ઉપદેશ અત્યારે ન કરો. માત્ર મૂર્ખાઈભર્યા વહેમોને ટેકો ન આપો. શંકરાચાર્ય, રામાનુજ અને ચૈતન્ય જેવા પ્રાચીન આચાર્યોએ દોરી આપેલી સહુ માટે મોક્ષ અને સમતાની પ્રાચીન ભૂમિકા ઉપર સમાજનું પુનરુત્થાન કરવા પ્રયાસ કરો…ઉત્સાહ રાખો અને સૌમાં પ્રેમ પ્રેરો. કામ, બસ કામ કરો! નેતા હોવા છતાં સૌના સેવક બનો. નિ:સ્વાર્થ બનો. એક મિત્ર ખાનગીમાં બીજા ઉપર આક્ષેપ કરે તે કદી ન સાંભળો. અખૂટ ધીરજ રાખો; અંતે તમને વિજય મળવાનો જ છે… સાવચેત રહેજો! જે કંઈ અસત્ય છે તેનાથી સાવધાન રહેજો. સત્યને વળગી રહેજો, તો આપણે સફળ થઈશું; ભલેને ધીરે ધીરે પણ સફળતા  જરૂર આવશે. જાણે કે હું ન હોઉં તેવી રીતે કામ કરો. જાણે કે તમારા ઉપર જ બધા કામની જવાબદારી છે તેવી રીતે કામ કર્યા રાખો. પચાસ સૈકાંઓ તમારા તરફ મીટ માંડી રહ્યા છે. ભારતનું ભવિષ્ય તમારે હાથ છે. કામ કરો.

— સ્વામી વિવેકાનંદ
(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા-સંચયન’ પૃ.૨૯૬-૯૮)

Total Views: 162

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.