ભારતીય નારીનાં પવિત્રતા અને શક્તિની ગૌરવ ગરિમા અને તેનું ઉર્ધ્વીકરણ એ સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું. આ બધું તેઓ પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પાસેથી શીખ્યા હતા. તેમણે ગામડાનાં એક સાદાં સીધાં અભણ નારી શ્રીશારદામણિ દેવીને સર્વોચ્ચ દિવ્યાનુભૂતિના આધ્યાત્મિક સાધક રૂપે પરિવર્તિત કરી દીધાં હતાં. એમનું જગન્માતાના રૂપે ષોડશીપૂજન કરીને તેમને પોતાના શિષ્યોના આધ્યાત્મિક ગુરુ તરીકે સ્થાપ્યાં હતાં. એમણે શ્રી શ્રીમાને ભૌતિકવાદના રંગે રંગાયેલા ભારતવાસીઓમાં આધ્યાત્મિક નવજાગરણ કરવાનું કાર્ય સોંપ્યું હતું. સ્વામીજી તેમના ગુરુદેવની આ વાતને સમજી ગયા હતા. એટલે જ તેમણે કહ્યું છે : ‘તમે-તમારામાંનો કોઈ પણ – હજુ માતાજીના (શ્રીમા શારદામણિદેવીના) જીવનનું અદ્‌ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો દેશ બધા દેશોથી વધારે નબળો અને પાછળ શા માટે છે? કારણ કે અહીં શક્તિનું અપમાન થાય છે. ભારતમાં તે અદ્‌ભુત શક્તિને પુનર્જીવિત કરવા માતાજીએ જન્મ ધારણ કર્યો છે; અને તેમને કેન્દ્ર બનાવવાથી જગતમાં ગાર્ગીઓ અને મૈત્રેયીઓ ફરી એક વખત જન્મશે. વહાલા બંધુ, અત્યારે તમે થોડું સમજો છો, પણ ધીરે ધીરે તમે તે બધું જાણી શકશો.’ (સ્વા.વિ. સંચયન, પૃ.૪૨૪)

સ્વામી વિવેકાનંદે નારીજાગરણના કરેલા ભવ્યોદાત્ત આંદોલનની વાત આપણે કરીએ તો ભારતની નારીઓને બચાવવાનો અને ઊંચે ચડાવવાનો માર્ગ શો છે? ઉત્તર છે, શિક્ષણ. પણ કયા પ્રકારનું શિક્ષણ? સ્ત્રીઓનું શિક્ષણ શું છે? બધી વિદ્યાર્થિનીઓમાં, મૂર્તિમંત શક્તિ, દિવ્ય માતા ઉમાકુમારીનું પૂજન છે એમ સ્વામીજીએ કહ્યું હતું. એ માનતા હતા કે, સ્ત્રીઓમાં જે શુચિતા અને બલવત્તમ છે તેને, આ શિક્ષણ કાલક્રમે બહાર આણશે. સિસ્ટર ક્રિસ્ટીને લખ્યું છે કે, અઠવાડિયાંઓ અને મહિનાઓ સુધી ભારતની ભાવિ નારીની કલ્પનામૂર્તિના સર્જનમાં અને પુન:સર્જનમાં વિવેકાનંદ મગ્ન રહેતા. અનેક અમેરિકન સ્ત્રીઓના સ્વાતંત્ર્ય, ઊર્જા, પ્રાવીણ્ય અને, એમની વિશુદ્ધતાએ પણ સ્વામીજીને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા હતા. તેની સાથોસાથ, સીતા, સાવિત્રી, દમયંતી, અહલ્યાબાઈ અને પદ્મિનીની મૂર્તિઓ પણ એમને ખૂબ આકર્ષતી. સ્વતંત્રતા, મુક્તિ અને ઊર્જાની પાશ્ચાત્ય ભાવના અને તપ, શુચિતા અને પવિત્રતાના ભારતના આદર્શનું મિલન શક્ય ન બને? એ શકય છે એમ તેમને લાગતું હતું.

અને વિવેકાનંદે શરૂ કરેલા આંદોલન પાછળ, માર્ગદર્શન અને પ્રેરણાશક્તિ પૂજ્ય શારદામાનાં હતાં એમ જણાતાં, સ્વામીજીની શ્રદ્ધા પ્રજવલી ઊઠી. બધી ભારતીય પારંપરિક રૂઢિઓના પાલન કરવા સાથે, સૌના આશ્ચર્ય વચ્ચે, પોતાને મળવા આવનાર ત્રણ પાશ્ચાત્ય મહિલા ભક્તોને સહજ રીતે આવકાર્યાં હતાં. જોસેફાઈન મેકલેઓડ, નિવેદિતા અને મિસિઝ ઓલે બુલ સમક્ષ પોતાના અનંત માતૃત્વનાં દ્વાર ઉઘાડી, તેમને ‘મારી દીકરીઓ’ કહી બોલાવી અને તેમને પોતાના ખંડમાં આવકારી. આ સરળ પણ મહાન માતામાં વિવેકાનંદને ભાવિ ભારતની મહાન નારીઓની ઝાંખી થઈ.

એટલા માટે શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી સ્વામી વિવેકાનંદના ગુરુભાઈઓએ સ્વામીજીના નારીજાગરણના આદર્શ અને સ્વપ્ન પ્રમાણે સૌ પ્રથમ ભારતીય નારીના આધ્યાત્મિક જાગરણનું કેન્દ્ર ઉદ્‌બોધન, કલકત્તામાં શરૂ કર્યું. આ કેન્દ્રોનું નેતૃત્વ શ્રીમા શારદાદેવીએ સંભાળ્યું. અહીં રહીને તેઓ રામકૃષ્ણ સંઘના આધ્યાત્મિક ગુરુ તરીકે જાણીતા બન્યાં. સ્વામી વિવેકાનંદના નેતૃત્વ હેઠળ નવા સ્થપાયેલા રામકૃષ્ણ સંઘના  સંન્યાસીઓ તેમજ સમાજમાંથી આધ્યાત્મિકતાની જિજ્ઞાસા અને ભૂખવાળાં ભક્ત ભાઈ-બહેનોના તેઓ ગુરુરૂપે સ્થપાયાં. શ્રીમા શારદાદેવીની આધ્યાત્મિક શક્તિ અને વ્યક્તિત્વની દિવ્યશક્તિએ તેમને પોતાના આ મહાન કાર્યને સરળ અને સ્વાભાવિક બનાવી દીધું. સાથે ને સાથે પોતાના એક ગૃહસ્થનારીના રૂપે પોતાની આસપાસ રહેલાં ભૌતિક ભાવનાવાળા ભાઈઓ, બીજા અન્ય સગાંઓ અને એમનાં સંતાનોને પણ પોતાના વ્યક્તિત્વના અનન્ય ગુણથી જાળવી લીધાં. ગૃહસ્થનારીના રૂપે એમણે કરેલી અનન્ય સેવા આધ્યાત્મિકતાના વ્યવહારુ પાસાનું ઉજ્જ્વળ અને અનન્ય ઉદાહરણ છે એના દ્વારા એમણે આધુનિક નારીઓને વ્યવહારુ આધ્યાત્મિકતાનું જીવંત શિક્ષણ પણ આપ્યું છે. ગૃહસ્થ નારીના રૂપે રહીને પણ આધુનિક નારીજગતને એમનામાં એક અનન્ય સંન્યાસિની જોવા મળે છે. આ બધાંના કેન્દ્રમાં હતું એક માતૃત્વનું પ્રેમ અને ઉષ્માભર્યું હૃદય. આવું માતૃત્વ ભારતની અને વિશ્વની નારીઓ ધારણ કરે એવી સ્વામીજીની પ્રબળ ઇચ્છા હતી. શ્રી શ્રીમા શારદામાં જોયેલા આ આદર્શ ગુણોને જીવનમાં કેળવવા માટે નારીકેળવણીની એક નવી સંકલ્પના સ્વામીજીએ આપણને આપી છે. આ માટે એમણે સ્ત્રીઓના એક મઠની યોજના પણ વિચારી હતી. આ વિશે એમના શિષ્ય શરત્‌ચંદ્ર ચક્રવર્તી સાથે થયેલ વાર્તાલાપમાં આ વાતની છણાવટ જોવા મળે છે :

ગંગાને સામે કાંઠે જમીનનો એક મોટો ટુકડો ખરીદવામાં આવશે. કુમારિકાઓ અને બ્રહ્મચર્ય પાળનારી વિધવાઓ ત્યાં રહેશે; પરિણીત સ્ત્રીભક્તોને પણ વખતોવખત ત્યાં રહેવા દેવામાં આવશે. આ મઠ સાથે પુરુષોનો કોઈ સંબંધ રહેશે નહિ. વૃદ્ધ સાધુઓ દૂર રહ્યા રહ્યા આ મઠના કામકાજનું સંચાલન કરશે. આ મઠની સાથે એક કન્યાશાળા સ્થાપવામાં આવશે; ત્યાં ધર્મશાસ્ત્રો, સાહિત્ય, સંસ્કૃત, વ્યાકરણ અને થોડું ઘણું અંગ્રેજી પણ શીખવવામાં આવશે; સીવણકામ, પાકશાસ્ત્ર, ઘરકામના આચારો, બાળઉછેર જેવા બીજા વિષયો પણ શીખવવામાં આવશે; વળી જપ, પૂજા, ધ્યાન વગેરે એ શિક્ષણનાં આવશ્યક અંગો બનશે. જે લોકો ઘર અને કુટુંબના સંબંધો છોડીને કાયમ માટે મઠમાં રહી શકશે તેમને મઠમાંથી ખાવાનું અને કપડાં આપવામાં આવશે; જેઓ તેમ નહિ કરી શકે તેમને મઠમાં દિવસની વિદ્યાર્થીનીઓ તરીકે ભણવા દેવામાં આવશે. મઠનાં મુખ્ય સંચાલિકાની પરવાનગીથી કોઈ કોઈ વખત દિવસે ભણવા આવતી વિદ્યાર્થીનીઓને પણ મઠમાં રહેવા દેવામાં આવશે, અને આવા નિવાસ વખતે મઠ તેમનું ભરણપોષણ કરશે. કુમારિકા વિદ્યાર્થિનીઓને બ્રહ્મચર્યનું શિક્ષણ આપવાનું કામ મોટી ઉંમરની બ્રહ્મચારિણીઓ સંભાળશે. મઠમાં આમ પાંચ છ વર્ષના અભ્યાસ પછી કન્યાઓના વાલીઓ તેમને પરણાવી શકશે. જો યોગ અને આધ્યાત્મિક જીવન માટે તેઓ લાયક ગણાશે અને જો તેમના વાલીઓની રજા હશે તો તેમને બ્રહ્મચર્યવ્રત લઈને મઠમાં રહેવા દેવામાં આવશે. વખત જતાં આ અપરિણીત સાધ્વીઓ મઠની શિક્ષિકાઓ અને ઉપદેશિકાઓ બનશે. ગામડાઓમાં અને શહેરોમાં તેઓ કેન્દ્રો સ્થાપશે અને સ્ત્રીશિક્ષણના ફેલાવા માટે પ્રયાસ કરશે. આવી ચારિત્ર્ય અને શ્રદ્ધાવાળી ઉપદેશિકાઓ દ્વારા દેશમાં સ્ત્રીકેળણીનો સાચો ફેલાવો થશે.’ (સ્વા.વિ. સંચયન, પૃ.૩૪૦-૪૧)

બીજા વિષયો સાથે સ્ત્રીઓએ હિંમત અને શૌર્યની ભાવના કેળવવી જોઈએ. આજના યુગમાં સ્વરક્ષણ કેમ કરવું એ પણ શીખવું તેમને માટે જરૂરી છે; – ઝાંસીની રાણી કેવી ભવ્ય હતી! આ પ્રમાણે સંઘમિત્રા, લીલા, અહલ્યાબાઈ, મીરાંબાઈની પરંપરા જાળવી રાખે એવી નિર્ભય, મહાન સતીઓને ભારતવર્ષની ઊણપો દૂર કરવાના કાર્યમાં આપણે લઈ શકીશું. પવિત્ર અને નીડર હોવાથી, તેમજ પ્રભુનાં ચરણારવિંદનો સ્પર્શ કરવાથી જે બળ પ્રાપ્ત થાય છે તે વડે શક્તિશાળી બનવાથી, આવી સ્ત્રીઓ નરરત્નોને જન્મ આપવાની યોગ્યતા ધરાવશે. યથા સમયે તેઓ આદર્શ ગૃહિણી થાય એવી રીતે તેમને તૈયાર કરવા તરફ પણ આપણે ધ્યાન આપવું પડશે. જે જે ગુણ આ સાધ્વી સ્ત્રીઓમાં વિશેષ રૂપે જોવામાં આવશે, તે બધાંમાં, તેમનાં સંતાનો તો તેમનાથી પણ વધારે આગળ જશે. સુસંસ્કૃત અને પવિત્ર માતાઓનાં મંદિરોમાં જ મહાપુરુષો અવતરે છે. જો સ્ત્રીઓની સ્થિતિ સુધારવામાં આવશે તો તેઓનાં સંતાનો ભવ્ય કર્મો વડે સ્વદેશનું ગૌરવ વધારશે; અને ત્યારે જ સંસ્કાર, જ્ઞાન, શક્તિ, ભક્તિભાવ એ બધું દેશમાં ઉદય પામશે. (કેળવણી, પૃ.૫૦)

ભગિની નિવેદિતા સાથેના વાર્તાલાપમાં સ્વામીજીએ વ્યક્ત કર્યું હતું કે પ્રાચીન ભારતનાં જપધ્યાનથી ઉદ્‌ભવેલી આધ્યાત્મિક શક્તિ વિહોણી હોય એવી કોઈ ભાવિ હિંદુ નારીની તેઓ કલ્પના કરી શકતા નથી. નારીઓએ આધુનિક વિજ્ઞાન વગેરે શીખવું પડશે, પરંતુ પ્રાચીન આધ્યાત્મિકતાના ભોગે એ બધું કરવાનું નથી. એ કેળવણી એવી હશે કે જે દરેકેદરેક નારીને ભાવિસમયમાં ભૂતકાળની બધી ભવ્યનારીઓની ભવ્યતાને ધારણ કરવા સમર્થ બનાવી શકે. નારીમુક્તિની કે નારીનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય, ‘સ્ત્રીત્વનું પ્રતીક છે’ એમ સ્વામીજી માનતા હતા.

પણ વિવેકાનંદ બરાબર સમજતા હતા કે, સંપૂર્ણ મુક્તિ એટલે શારીરિક, માનિસક, સામાજિક અને આધ્યાત્મિક મુક્તિ. દેહની જૈવિક માગોથી મુક્તિની ભાવના નહીં ખીલવે, મનની હજારો તૃષ્ણાઓમાંથી એ મુક્તિ નહીં ઝંખે અને, ભીતરના સત્ત્વરૂપ દિવ્યનો અવિરોધ ભાવ એ નહીં અનુભવે ત્યાં સુધી, તેને માટે મુક્તિ નથી. વિવેકાનંદ  માનતા હતા કે, આ નવીન આદર્શોને અનુસરીને, ‘અતિપુરુષ’ અને ‘અતિનારી’ની જાતિ અસ્તિત્વમાં આવશે. અને એમના શિષ્યો જાણતા હતા કે, એક દહાડે એ સ્વપ્ન સાચું પડશે. સિસ્ટર ક્રિસ્ટીને લખ્યું છે: ‘અમારામાંથી કેટલાંક માનીએ છીએ કે, સ્ત્રી કેળવણીને લગતા સ્વામી વિવેકાનંદના વિચારોનો સાચો અમલ થશે તો, જગતના ઈતિહાસમાં અજોડ એવી નારી અસ્તિત્વમાં આવશે. પ્રાચીન ગ્રીસની નારી શારીરિક દૃષ્ટિએ પૂર્ણ હતી એમ, બૌદ્ધિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ આ નારી એની પૂરક બનશે. છટાદાર, પ્રેમાળ, મૃદુ, ખૂબ સહિષ્ણુ, હૃદયની અને બુદ્ધિની વિશાળ પણ, આધ્યાત્મિકતામાં સૌથી મહાન એવી નારી એ હશે.’

આદર્શ કેળવણી દ્વારા નારીની સર્વોચ્ચ ઉન્નતિ થશે તેમ તેઓ દૃઢપણે માનતા હતા. પોતાના શિષ્યોને એમણે એકવાર કહ્યું હતું: ‘પુરુષ બ્રહ્મવેત્તા બની શકે તો સ્ત્રી શા માટે નહીં? એટલે હું કહેતો હતો કે, એક સ્ત્રી બ્રહ્મવાદિની બનશે તો, એના વ્યક્તિત્વની પ્રભાથી, હજારો સ્ત્રીઓને પ્રેરણા લઈ જાગ્રત થશે, સત્યને પામશે અને પરિણામે, દેશનું તથા સમાજનું મોટું હિત સધાશે.’ 

વિવેકાનંદના શબ્દો આજે સાચા પડયા છે. શારદાદેવીને પગલે ચાલીને, જગતભરમાંથી સેંકડો સ્ત્રીઓ જગતને ઉગારવા માટે આગળ આવી છે; એ સૌએ પોતાનો શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને વિશેષ તો, આધ્યાત્મિક વિકાસ સાધ્યો છે; એમની એ મુક્તિ પ્રાચીન છે તેટલી જ અર્વાચીન છે; પૂજય શારદા માની શુચિતા સાથે ઝાંસીની રાણીની કે જોન ઓફ આર્કની વીરતાનું, માતાના હૃદયનું તથા વીરના સંકલ્પનું સુભગ મિશ્રણ છે. આધ્યાત્મિક નેતૃત્વ પૂરું પાડનારી આવી મહિલાઓનું, માતાઓનું, સ્વપ્ન સ્વામીજીએ સેવ્યું હતું. સ્વામીજીએ નિવેદિતાને કહ્યું હતું કે, પાંચસો સાધુઓની, સહાયથી, પોતાના વિચારો વડે પોતે ભારતને પચાસ વર્ષમાં જીતી શકે તો, પાંચસો સાધ્વીઓની સહાયથી એ કાર્ય પોતે થોડાં અઠવાડિયામાં જ કરી શકે. 

માતૃત્વની ઉપાસના અને વેદાંતને જીવનમાં જીવી બતાવવાની વાત કરતાં ૧૮૯૫માં સહસ્રદ્વીપ ઉદ્યાનમાં સ્વામી વિવેકાનંદ બોલ્યા હતા : ‘વર્તમાન સમયમાં ઈશ્વરની ઉપાસના ‘મા’ તરીકે, અનંત શક્તિ તરીકે થવી જોઈએ. એનાથી શુચિતા પેદા થશે અને, અહીં અમેરિકામાં વિરાટ શક્તિ જાગશે. વેદાંતી બની આપણે આ મહાવિચાર જીવી બતાવવાનો છે. જનસમુદાયને એ મળવો જ જોઈએ અને એ અહીં અમેરિકામાં કરી શકાય….નવા ચક્રમાં લોકો વેદાંત જીવતા દેખાવા જોઈએ અને, મહિલાઓ દ્વારા જ આ આવવું જોઈએ.’ જે. જે. બેકોફેને લખ્યું છે : ‘મનુષ્યજાતની, ખાસ કરીને પુરુષોની, કેળવણી માટે માતૃપ્રધાનતા આવશ્યક છે. પુરુષના આદિમ બળને અંકુશમાં રાખી એને શુભ માર્ગે વાળવાનું છે.’ આ રીતે સ્વામીજીનું નારીજાગરણનું સ્વપ્ન સાકાર થતું જણાય છે.

Total Views: 99

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.