હજારો વર્ષના આપણા આધ્યાત્મિક અનુભૂતિઓના ઇતિહાસમાં ‘હરિનામ સંકીર્તન’ કે ‘ભગવન્નામ સંકીર્તન’નું એક અનોખું મહત્ત્વ રહ્યું છે. આ હરિનામ સંકીર્તનથી ક્યારેક ભારતનું આધ્યાત્મિક આનંદબજાર ભરપૂર ભરેલું હોય છે; વળી ક્યારેક એમાં થોડીઘણી ઓટ આવતાં એ આનંદબજાર થોડું મોળું પણ પડે છે. વિદેશીઓના કે વિદેશી સંસ્કૃતિના પ્રભાવે આ આનંદબજારમાં જ્યારે જ્યારે ઓટ આવી છે ત્યારે ત્યારે કોઈ ને કોઈ અવતારીપુરુષ કે સંતપુરુષોએ હરિનામ સંકીર્તન રૂપી આનંદ બજારને વધારે પ્રભાવકારી મોજાંના રૂપે વહાવી છે. અને સામાન્ય લોકોને એના આનંદપ્રવાહમાં ડૂબાડી દીધા છે. મોગલોના પ્રભાવકારી જમાનામાં આશરે ૫૦૦ વર્ષ પહેલાં ગંગાકિનારે આવેલા બંગાળના બધા પ્રદેશોમાં ગૌરાંગ મહાપ્રભુનું હરિનામ સંકીર્તનનું પ્રેમોન્માદભર્યું એક મહાપ્રભાવક મોજું પ્રસરી ગયું હતું. હરિનામના ઉચ્ચારણથી બધાં ઘરો અને જાહેર બજારો, ચોકચૌટા ગૂંજી ઊઠ્યાં હતાં. અંગ્રેજોના શાસનકાળ દરમિયાનના પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવથી અને ૧૮૩૬ની મેકોલે શિક્ષણપદ્ધતિના અમલના પ્રારંભકાળથી આ હરિનામ સંકીર્તનના અમૃતપ્રવાહના સામે જાણે કે એક મોટો ભય ઊભો થયો. ભારતની અનન્ય અનેક આધ્યાત્મિક પરંપરાઓ સાથે સામાન્યજનપ્રિય એવી આ હરિનામ સંકીર્તનની પરંપરાને પણ કબરમાં દફનાવવાનો છેલ્લો પ્રયાસ થયો.

ઇતિહાસનું આશ્ચર્ય તો એ છે કે એ જ વર્ષે ૧૮૩૬ના ફેબ્રુઆરીમાં શ્રીરામકૃષ્ણદેવનું અવતરણ થયું. એની સાથે વૃંદાવનના સરળ ગોપબાલો સાથે નાચતા અને વેણુ વગાડતા શ્રીકૃષ્ણની જેમ, બંગાળના સામાન્ય ગ્રામ્યજનોની વચ્ચે હરિનામ ગાતા અને નૃત્ય કરતા શ્રીચૈતન્ય અને નિત્યાનંદની જેમ પોતાનાં નૃત્ય અને ગીત, સંકીર્તન વડે શ્રીરામકૃષ્ણે સામાન્યજનોમાં એક ઐતિહાસિક આધ્યાત્મિક નવજાગૃતિ લાવી દીધી. સાથે ને સાથે એ સામાન્યજનોને પણ એમણે દિવ્યકૃપાનો આનંદભર્યો સ્વાદ ચખાડ્યો.

શ્રીરામકૃષ્ણદેવ જ્યાં જ્યાં જતાં ત્યાં ત્યાં સામાન્ય જનો માટે દિવ્યભાવ લઈને જતા. રાત્રીના સમયે પણ તેમની વાતો અને સંગીત સાંભળવા કામારપુકુરના લોકો ટોળે વળતા. શિહોડમાં શ્રીરામકૃષ્ણને વચ્ચે રાખીને આખા ગામનાં લોકો તેમની સાથે નાચતાં-ગાતાં અને ફરતાં. શ્રીરામકૃષ્ણદેવના ભાણેજ હૃદયના વતન શિહોડથી થોડા માઈલ દૂર આવેલ ફૂલૂઈ શ્યામબજાર બંગાળનું એક નાનું સામાન્ય ગામડું છે. હૃદયની સાથે એકવાર તેઓ ત્યાંના નટવર ગોસ્વામીના ઘરે ગયા. તેઓ ત્યાં સાત દિવસ રોકાયા અને ભક્તિસંગીત માણ્યું.

ગામમાં પ્રવેશતાં પહેલાં તેમને ચૈતન્યનાં દર્શન થયાં. શ્રીરામકૃષ્ણદેવના આગમનના સમાચાર સાંભળીને આજુબાજુનાં ગામડાંની ઘણી ભજનમંડળીઓ એકઠી થવા લાગી. એ બધા દિવસરાત એમની સાથે નૃત્યભજનગાન કરવા લાગ્યા. શ્રીરામકૃષ્ણદેવ અવારનવાર સમાધિભાવમાં આવી જતા. શ્રીરામકૃષ્ણનાં ભજનગાન સાંભળીને લોકો ખાવાનું અને ઊંઘવાનુંયે ભૂલી ગયા. તેમના અદ્‌ભુત સમાધિભાવના સમાચાર માત્ર શ્યામબજારમાં નહિ પરંતુ રામજીવનપૂર, કૃષ્ણગંજ અને આજુબાજુના ગામમાં પ્રસરી ગયા. લોકોમાં એવી વાતો પણ ચાલી કે શ્રીરામકૃષ્ણ ભગવાનના પરમ ભક્ત રૂપે સમાધિભાવમાં દિવસમાં કેટલીયેવાર મરે છે અને ફરીથી જીવતા થાય છે.

એક નૃત્ય વિશેના લેખમાં શ્રીગિરિશઘોષે લખ્યું છે : ‘પ્રકાશાનંદ સરસ્વતી એક મહાન તપસ્વી સાધક હતા અને તેઓ ગૌરાંગની બહુ ગણના કરતા નહિ. કાશીમાં તેઓ સોઽહમ્‌ની સાધનામાં ગરકાવ થઈ ગયા… એક વખત એમણે પોતાની સમક્ષ ગૌરાંગ મહાપ્રભુને નૃત્ય કરતાં નિહાળ્યા. ગૌરાંગ મહાપ્રભુની નૃત્યની મુદ્રાઓમાં જાણે કે વિશાળ મોજાંઓ હોય અને હજારો ચંદ્ર એમના પર સતત પ્રહાર કરીને વળી પાછા ચાલ્યા જતા હોય એવી અનુભૂતિ એમને થઈ. આ તપસ્વી સંન્યાસીએ ઉપનિષદોનો ગહન અભ્યાસ કર્યો હતો. વાચનમનનમાં વિઘ્ન આવતાં તેમણે ઉપર નજર કરી અને વળી પાછા ઉપનિષદોના વાચનમાં લીન થઈ ગયા. આ વખતે પણ ગૌરાંગ મહાપ્રભુનું મહાનૃત્ય તો ચાલુ જ રહ્યું. અને આશ્ચર્યની વાત તો એ છે કે આ મહાનૃત્યમાં ગીતસંગીત ન હતાં, ગૌરાંગ મહાપ્રભુ સંન્યાસીના વેશે ભાવોન્માદભરી અવસ્થામાં નૃત્ય કરી રહ્યા હતા. પ્રકાશાનંદ આ બધું એકીટસે જોતા રહ્યા. એ નૃત્યલીલાના દૃશ્ય સિવાય જાણે કે બીજું બધું અદૃશ્ય થઈ ગયું. એકાએક એ નિર્ભય સંન્યાસી કોઈ ભીતરી ઉદ્રેકથી આસન પરથી બેઠા થયા અને દોડવા લાગ્યા. શ્વાસે ધમોધમ થઈ ગયા ત્યાં સુધી તેમણે ગૌરાંગ મહાપ્રભુ તરફ દોડ્યે જ રાખ્યું. અંતે ગૌરાંગ મહાપ્રભુની પાસે પહોંચીને તેમને પ્રેમાલિંગન આપીને તેઓ પણ નાચવા લાગ્યા. શ્રીરામકૃષ્ણદેવને જો અમે બધાએ ન જોયા હોત તો અમને પણ આ બાબતમાં વિશ્વાસ બેસત નહિ. ‘નદિયા જાણે કે આનંદહેલથી ધ્રૂજી ઊઠે છે, મૃદંગના તાલે શ્રીરામકૃષ્ણ નાચી રહ્યા હતા અને આખું વિશ્વ જાણે કે એ મહાભાવથી ધ્રૂજી રહ્યું હતું. માત્ર નદિયા નહિ પરંતુ સમગ્ર વિશ્વ કંપતું હતું. એ વાત નિ:સંદેહ છે કે જેમણે જેમણે આ આનંદનૃત્યગાનને એકવાર નજરે જોયું હોય તે બધા દિવ્યાનંદ પ્રત્યે દોરાઈ જવાના.’

શ્રીઅક્ષયકુમાર સેન પૂંથીમાં કહે છે કે એકવાર ગૌરાંગ અવતારની લીલાની વાત કરતાં શ્રીઠાકુરે ભાવોન્માદ અવસ્થામાં ભક્ત દેવેન્દ્રને પૂછ્યું: ‘ગંગાના કિનારે આવેલા સુંદર મજાના પાણિહાટીમાં તમે ક્યારેય ગયા છો? દરવર્ષે ત્યાં પૌઆનો ઉત્સવ ઉજવાય છે. ત્યાં અસંખ્ય માનવીઓ ભેગા મળે છે. એક પછી એક લોક સમુદાય આવતો રહે છે. હરિનામ, કીર્તનભજન, નામસ્મરણ ચાલતા રહે છે. કેવો મધુર આનંદ આપતો ધ્વનિ ત્યાં ગૂંજી ઊઠે છે! જો તમે ત્યાં ન ગયા હો તો ચાલો આપણે ત્યાં જઈએ.’ તરત જ પોતાના શિષ્ય રામદત્તને એમણે પાણિહાટી જવા માટે હોડીની વ્યવસ્થા કરવાનું કહ્યું.

કલકત્તાથી ઉત્તરે પંદર કિ.મિ.ના અંતરે પાણિહાટી આવેલું છે. ચૈતન્ય મહાપ્રભુ સાથે નિકટ રહેલા લીલાસહચર રાઘવ પંડિતનું આ ગામ છે. શ્રીચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ આ પાણિહાટી ગામમાં રહ્યા હતા અને હરિનામ સંકીર્તન હેલીથી આ ગામની ભૂમિને પાવનભૂમિ બનાવી હતી. અહીં ચીડામહોત્સવના પ્રસંગે સેંકડો વર્ષથી હરિનામસંકીર્તનનો પ્રવાહ લાખો માણસો દ્વારા વહેતો રહ્યો છે. બ્રિટિશશાસનકાળ દરમિયાન આ પ્રવાહમાં થોડી ઓટ આવી હતી પણ શ્રીરામકૃષ્ણદેવના અવતરણ પછી અને એમની પાણિહાટીની અનેક મુલાકાતો પછી આ હરિનામસંકીર્તનનો પ્રવાહ હતો એના કરતાં પણ વધુ વૃદ્ધિ પામ્યો છે.

લગભગ દરવર્ષે આ મહોત્સવમાં શ્રીઠાકુર જતા અને એવી એક મુલાકાતની લોકો પર પડેલી પ્રભાવક અસરની વાત કરતાં શ્રીરામચંદ્ર દત્ત લખે છે: ‘અમને ઘણા સંકીર્તન અને ભાવોન્માદભર્યા ભક્તજનો, ઘણા વિદ્વાન, અસંખ્ય નિષ્ણાત સંગીતકારો, તેમજ સંગીત-નૃત્ય રજૂ કરનારા કલાકારોને નિહાળવાના અનેક પ્રસંગો સાંપડ્યા છે. પરંતુ શ્રીરામકૃષ્ણદેવે કરેલા એ સંગીત-નૃત્યની તુલના ચૈતન્ય મહાપ્રભુની નૃત્ય-સંગીતલીલા સિવાય બીજા કોઈની સાથે કરી ન શકાય. જેમણે એમને ભગવાનના ગુણગાન કરતાં સાંભળ્યા હોય તેઓ જ એને સમજી શકે. ઠાકુરના આ સંકીર્તનને સાંભળીને હરિભક્તો દિવ્યપ્રેમ અને ભાવોન્માદની લાગણીથી ભરપૂર ભરાઈ જતા. નવાઈની વાત તો એ છે કે આવા ભાવોન્માદથી પર રહેલા, પ્રભુમાં ન માનનારા પ્રેમભક્તિભાવવિહોણા ખાલી મનમગજવાળાં કે પથ્થર દિલવાળાં, પશ્ચિમની રીતભાતનું અનુકરણ કરનારા અને સામાન્ય જનો સાથે શેરીએ કે જાહેરમાં નાચવાને અસભ્ય કે અસંસ્કૃત ગણનારા પ્રેમભક્તિના ઉદ્રેકોની અભિવ્યક્તિને ઘેલછા જેવી ગણાનારા લોકો પણ આ સંકીર્તનના ભાવોન્માદથી તણાઈ જઈને દિવ્યપ્રેમભાવથી નાચે છે અને ગાય છે.’  

૧૮૮૫માં પાણિહાટીનો આ મહોત્સવ ગુરુવાર ૨૫ જૂને યોજાયો હતો. રામચંદ્ર દત્ત બીજા ૨૫ ભક્તજનો સાથે શ્રીઠાકુરને આ મહોત્સવમાં લઈ જવા માટે બે હોડી કરીને સવારે દક્ષિણેશ્વર આવ્યા. શ્રીરામકૃષ્ણ માટે એક અલગ હોડીને વ્યવસ્થા કરવામાં આવી હતી. સવારે દસ વાગ્યે આ મંડળી પાણિહાટી જવા માટે નીકળી પડી. શ્રીઠાકુરની પાણિહાટીની આ અંતિમ મુલાકાત હતી. શ્રીઠાકુરમાં જે દિવ્યાનંદભર્યો ભાવોન્મદ જોવા મળ્યો તેમજ એમણે જે નૃત્યલીલા કરી હતી અને એનાથી જે આધ્યાત્મિક આનંદનું વાતાવરણ સજાર્યુ એવું વાતાવરણ આ પહેલાં અહીં ક્યારેય કદાચ નહિ સજાર્યું હોય. ગળાના કેન્સરના દર્દથી પીડાતા હોવા છતાં અહીં આ સંકીર્તન-આનંદ મહોત્સવમાં જવા પાછળ એમનો એક બીજો ઉદ્દેશ પણ હતો. તત્કાલીન અંગ્રેજી ભણેલા યુવાન શિષ્યોને તેઓ બતાવવા માગતા હતા કે ભલે અભણ, ગમાર હોય છતાં એ બધાં સામાન્ય જનો ભગવન્નામનું સંકીર્તન કરતાં કરતાં કેવો દિવ્ય આનંદ અનુભવે છે. એમણે પોતાના શિષ્યોને કહ્યું હતું કે ચાલો, આપણે હરિસંકીર્તનના ભાવમેળામાં જઈએ. હરિના નામે આનંદમેળો ભરાય છે. તમે આવો આનંદમેળો ક્યારેય નહિ જોયો હોય.  

પાણિહાટીમાં હોડીઓ પહોંચતાં શ્રીઠાકુર ભક્તજનો સાથે શ્રીમણિસેનના ઘરે ગયા. ચા વિશ્રામ પછી શ્રીઠાકુર ભક્તો સાથે શ્રીરાધાકૃષ્ણના મંદિરમાં દર્શન કરવા ગયા. એવામાં ત્યાં એક કીર્તનમંડળી આવી પહોંચી. હાથમાં ગોમુખી સાથે માળાજપ કરતાં કરતાં અને બીજા હાથની બાજુએ પોતાના ઉપરણાના એક છેડે સિક્કા બાંધીને એક જટાધારી વૈષ્ણવ પણ આ કીર્તનમંડળી સાથે આવ્યો. તેણે હવામાં હાથ વીંજતાં વીંજતાં જાણે કે ભાવસમાધિમાં આવી ગયો હોય એવું નાટક કરતાં કરતાં નાચવા લાગ્યો. એમને જોઈને શ્રીરામકૃષ્ણે પોતાની નજીક ઉભેલા શિષ્યોને કહ્યું: ‘જુઓ તો ખરા! કેવો દંભ!’ બીજી જ પળે બધું ફેરવાઈ ગયું. કીર્તનમંડળીની વચ્ચે શ્રીરામકૃષ્ણે કૂદકો માર્યો અને તેઓ સમાધિભાવમાં આવી ગયા. ગળાનું દુ:ખદર્દ પણ વીસરાઈ ગયું. અર્ધસમાધિભાવમાં તેઓ નરસિંહની શક્તિથી નૃત્ય કરી રહ્યા હતા. વળી પાછા સ્થિરધીર, કોઈ પણ જાતના બાહ્યભાન વિનાની ભાવાવસ્થામાં આવી જતા. આ ભાવાવસ્થાનું લીલાનૃત્ય નિહાળીને ત્યાં ઊભેલા ભક્તજનો આશ્ચર્યમાં ગરકાવ થયા.

શ્રીરામકૃષ્ણની આ ભાવોન્માદભરી અવસ્થામાં કરેલા નૃત્યનું વર્ણન કરતાં સ્વામી સારદાનંદ કહે છે : ‘દિવ્યોન્માદ અવસ્થામાં નૃત્ય કરતી વખતે તેઓ સંગીતના તાલે, ક્યારેક આગે કદમ ધરતા તો વળી ક્યારેક એકાદ કદમ પાછળ હઠતા હતા. તેઓ જાણે કે આનંદસાગરમાં તરતી માછલી જેવા લાગતા હતા… દિવ્યાનુભવના સઘન આનંદથી છલકાતા આગળ પાછળ કદમ ભરતો તેમનો દેહ જોઈને કોઈને ગંભીર આશ્ચર્ય થતું કે શું એમનો દેહ કોઈ નક્કર પોલાદી ભૌતિક પદાર્થથી તો નથી બન્યો ને! (આ ભાવલીલાને જોઈને) કોઈને એમ પણ લાગતું કે આનંદ સાગરમાં પર્વત સમાં મોજાઓ ઊછળી રહ્યાં છે અને તેની સામે આવતું સર્વ કંઈ એમાં તણાઈ જાય છે. વળી પાછા એ જ પળે જળની સાથે જળ બનીને એમાં જ સમાઈ જતાં એ દિવ્યાનંદના તરંગો લોકોની નજરબહાર ચાલ્યા જતા.’ શ્રીઠાકુરે ભગવા રંગનું ચળકતું રેશમી વસ્ત્ર ધારણ કર્યું હતું અને સમાધિભાવમાં નૃત્ય કરતી વખતે જાણે કે ‘અગ્નિની જ્વાળાઓથી ઘેરાયેલા હોય’ એવું લાગતું હતું. જાણે કે ચૈતન્ય મહાપ્રભુ આવાં ભગવાં વસ્ત્રોમાં ફરીથી આવ્યા હોય એવું લાગતું હતું. 

આ પાણિહાટીના મહોત્સવનું વર્ણન કરતાં શ્રીઅક્ષયકુમાર સેન આ પ્રમાણે કહે છે :

આંકવા આનંદચિત્ર, અદ્‌ભુત અને વિચિત્ર
સામર્થ્ય નહિ મારી અંદરે.
આનંદના સિંધુ રાય, ઉઠાવી લીલાનો વાય,
છલોછલ કાંઠા ભરપૂર;
બહુવિધ રંગે ભંગે, તરંગો ઉછાળી સંગે,
આનંદથી જાણે ગાંડાતૂર.
ભક્તજનો તેમાં જઈ, પડે અંગ નાખી દઈ,
લહરીઓ પર રઢીયાળા;
સરોવર કેરાં જળે, બહુ રીતે હલે ચલે,
જેવી રીતે રાજહંસમાળા.
જલમય કલેવર, જેવી રીતે સરોવર,
શ્રીપ્રભુસાગર આ જગાએ;
અહા તેની શી માધુરી, આનંદનું નશાવારિ,
સુધા કટુ તેની તુલનાએ.

‘આ આનંદનું શબ્દોમાં વર્ણન કરવું મારા માટે અશક્ય છે. જાણે કે કોઈ ઉછળતા મહાસાગરનાં મોજાં નાચતાં હોય તેમ આ દિવ્યલીલાનૃત્ય આનંદની હેલીથી ભરી દે છે. આ દિવ્યાનંદમાં ભક્તજનો રાજહંસના જૂથની જેમ તરી રહ્યા છે. આ દિવ્યાનંદની તુલના સુધા સાથે પણ ન થઈ શકે.’

૧૯મી શતાબ્દિમાં શ્રી ચૈતન્ય અને નિત્યાનંદ ફરીથી જાણે કે શ્રીરામકૃષ્ણના રૂપે અવતર્યા. બે દાયકા સુધી તેમણે પાણિહાટીના આ ગૌડીય વૈષ્ણવોના પુણ્યાનંદ મહોત્સવમાં ભાગ લીધો અને ગૌરાંગ પ્રભુના એ પ્રેમભક્તિના ધર્મને ફરીથી નવજીવન આપ્યું. શ્રીરામકૃષ્ણદેવ આપણી બધી પવિત્ર અને પ્રાચીન પ્રણાલીઓ અને સાધનાઓનું મૂર્તિમંત રૂપ હતા. બધા ધર્મસંપ્રદાયોની સાધનાપ્રણાલીઓ એક પછી એક પોતાના જીવનમાં પુનર્જિવિત કરીને, ધર્મસંપ્રદાય, જ્ઞાતિજાતિ, ઊંચનીચ, ગરીબતવંગરના ભેદભાવને ભૂંસીને આ દિવ્ય આનંદનું નિર્વ્યાજ વિતરણ કર્યું હતું. 

સંદર્ભો

૧. ગિરિશચંદ્ર ઘોષ : ઠાકુર શ્રીરામકૃષ્ણ ઓ સ્વામી વિવેકાનંદ, પૃ.૧૦૮-૦૯
૨. રામચંદ્ર દત્ત, શ્રી શ્રીરામકૃષ્ણ પરમહંદેવેર જીવનવૃત્તાંત, પૃ.૬૮-૬૯
૩. શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર, પૃ.૮૨૨
૪. શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર, પૃ.૮૨૪-૨૫

Total Views: 99

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.