શ્રીરામકૃષ્ણ કદી પણ કોઈની વિરુદ્ધમાં કટુ શબ્દ બોલતા નહીં. તે એવી સુંદર સહિષ્ણુતા ધરાવતા હતા કે દરેક સંપ્રદાય એમ માનતો કે તે પોતાના છે. સર્વ તરફ તે પ્રેમ રાખતા; તેને મન બધા ધર્મો સત્ય હતા. તેની પાસે દરેકને માટે સ્થાન હતું. તે મુક્ત હતા પણ પ્રેમમય રીતે મુક્ત હતા, ‘ગર્જનાભરી ‘રીતે નહિ. નરમ પ્રકૃતિ સર્જન કરે છે, ગર્જનશીલ પ્રકૃતિ ફેલાવો કરે છે. સંત પોલ પ્રકાશ ફેલાવનાર ગર્જનશીલ પ્રકૃતિના હતા.*

સંત પોલ યુગ વીતી ગયો છે. ચાલુ સમય માટે આપણે નવા દીવાઓ બનવું પડશે. એક આપમેળે સુમેળ સાધતી સંસ્થા આપણા સમયની મહાન આવશ્યક્તા છે. આપણને જ્યારે તે મળી શકશે ત્યારે તે દુનિયાનો છેવટનો ધર્મ હશે. ચક્ર તો ચાલવું જ જોઈએ; એટલે આપણે તેને મદદ કરવી જોઈએ, હરકત નહીં. ધાર્મિક વિચારના તરંગો ઊઠે છે અને શમી જાય છે; તેના ‘સર્વોચ્ચ શિખર’ ઉપર તે કાળનો ‘પયગમ્બર’ ઊભો હોય  છે. શ્રીરામકૃષ્ણ આજનો રચનાત્મક ધર્મ—નહિ કે વિનાશાત્મક—શીખવવા આવ્યા. હકીકતો જાણવા માટે તેને ફરીથી પ્રકૃતિ માતા પાસે જવું પડ્યું; તેમાંથી વૈજ્ઞાનિક ધર્મ મેળવ્યો. આ ધર્મ કદીય કહેતો નથી કે ‘માની લો;’ તે કહે છે ‘જાતે જુઓ;’ ‘હું જોઉં છું અને તમે પણ જોઈ શકો.’ તે જ સાધનોનો ઉપયોગ કરો એટલે તમને પણ તે જ દર્શન થશે. ઈશ્વર દરેકને પ્રાપ્ત થશે; સંવાદિતાએ સૌ પહોંચી શકશે. શ્રીરામકૃષ્ણદેવનો ઉપદેશ ‘હિંદુત્વનો સાર’ છે; એ તેમની પોતાની ખાસ વિશિષ્ટતા નથી; એવો દાવો તેમણે કદી કર્યો પણ નથી. તેમને કદી નામ  કે યશની પરવા નહતી.

ચાલીસ વર્ષની ઉંમરે તેમણે ઉપદેશ આપવાનો શરૂ કર્યો; પણ તેમ કરવાને તેઓ પોતે સામે જતા નહીં. જે લોકોને તેમના ઉપદેશની જરૂર હોય તેઓ તેમની પાસે આવે, તેની તેમણે રાહ જોઈ. હિંદુ રિવાજ મુજબ નાની વયમાં જ તેમનાં માતાપિતાએ એક પાંચ વર્ષની બાળકી સાથે તેમના લગ્ન કર્યાં હતાં; દૂરના ગામમાં તે પોતાના માબાપ પાસે રહેતી. જે મહાન સાધનાઓમાંથી તેનો યુવાન પતિ પસાર થતો હતો તેનો તેને ખ્યાલ પણ ન હતો. જ્યારે તે ઉંમરલાયક થઈ ત્યારે પતિ તો આધ્યાત્મિક સાધનામાં મગ્ન બની ગયેલ હતા. જે દક્ષિણેશ્વરના મંદિરમાં તેઓ રહેતા હતા ત્યાં તે પગે ચાલીને પહોંચી. અને જોતાંવેંત જ તે ઓળખી ગઈ કે પોતાનો પતિ શું છે, કારણ કે તે પોતે જ એક મહાન પવિત્ર અને શુદ્ધ આત્મા હતો. તેની ઇચ્છા તેના કાર્યમાં મદદ કરવાની હતી; તેને ગૃહસ્થ (સંસારી)ની કક્ષાએ નીચે લાવવાની તેણે કદીય ઇચ્છા ન કરી.

ભારતમાં એક મહાન અવતાર તરીકે શ્રીરામકૃષ્ણદેવ પુજાય છે. તેમનો જન્મદિવસ એક મહાન ધાર્મિક ઉત્સવ તરીકે ઊજવવામાં આવે છે.

— સ્વામી વિવેકાનંદ
(સ્વા. વિવે. ગ્રં.મા., ભાગ-૯, પૃ.૧૯-૨૧)

* ઘણાંએ કહ્યું છે કે સ્વામી વિવેકાનંદ પોતે શ્રીરામકૃષ્ણના સંત પોલ જેવા હતા.

Total Views: 189

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.