અક્ષયકુમાર સેને પૂંથીમાં શ્રીઠાકુરની રઘુવીર શ્રીરામની સાધના વિશે વર્ણન કરતાં કહ્યું છે :

હવે રામ-સાધનામાં મન કર્યું સ્થિર;
રાતદિન ચિંતે, હશે કયાંહાં રઘુવીર.
રામ ધ્યાન, રામ જ્ઞાન, રામ રત્નરાશિ;
દુર્વાદલ શ્યામ રામ સારુ જ પ્રયાસી.

આપણે જાણીએ છીએ કે શ્રીરામકૃષ્ણદેવના પિતા ખુદીરામ રઘુવીરના પૂજક હતા અને એમના કુટુંબના બધા સભ્યોના નામ સાથે ‘રામ’ શબ્દ જોડાયેલો રહેતો, જેમ કે ખુદીરામ, હૃદયરામ, રામકુમાર વગેરે. શ્રીરામકૃષ્ણના જન્મનાં થોડાં વર્ષો પહેલાં પિતા ખુદીરામ એક બીજે ગામ જતા હતા ત્યારે રસ્તામાં એક વૃક્ષ નીચે સૂતા હતા. સ્વપ્નમાં એમણે પોતાના ઈષ્ટદેવ શ્રીરઘુવીરને બાળ સ્વરૂપે અને દુર્વાદલ જેવા શ્યામ રૂપે જોયા. એક ચોક્કસ સ્થળ તરફ આંગળી ચીંધીને તેણે કહ્યું કે હું અહીં ઘણાં વર્ષોથી અપૂજ પડ્યો છું. તું મને તારા ઘરે લઈ જા અને મારી સેવાપૂજા કર. ખુદીરામે ઊઠીને જોયું તો એ જ જગ્યા પર એક શાલીગ્રામ અને તેની રક્ષા કરતો સાપ પણ જોયો. સાપ ચાલ્યો ગયો અને ખુદીરામે આનંદ સાથે ‘જય રઘુવીર’ કહીને એ મૂર્તિ પોતાને ઘરે લઈ ગયા અને તેની નિત્ય સેવાપૂજા કરવા લાગ્યા. ૧૮૩૫માં પિતૃતર્પણવિધિ માટે તેઓ ગયાધામ ગયા ત્યારે ત્યાં સ્વપ્નમાં જોયેલી રઘુવીર જેવી જ દુર્વાદલ શ્યામ ગદાધર વિષ્ણુની મૂર્તિ જોઈ. એ જ ગદાધર વિષ્ણુ એમના ઘરે શ્રીરામકૃષ્ણ રૂપે અવતર્યા હતા.

શ્રીરામકૃષ્ણની રઘુવીર શ્રીરામની સર્વોચ્ચ સાધનાનું વર્ણન પૂંથીમાં શ્રીઅક્ષયકુમાર સેને આ રીતે કર્યું છે :

રામ સારુ પ્રભુ દેવ ચિંતાથી અસ્થિર;
આરામ વિરામ નહિ, માત્ર રઘુવીર.
કેમ મળે એ જ ચિંતા કરે હર ક્ષણ;
આરંભ કરીયો હવે સાધનાનો પણ.

કાલીમંદિરની ઉત્તરમાં આવેલા વટવૃક્ષ તળે શ્રીરામકૃષ્ણનાં જપધ્યાન શરૂ થયાં. હાસ્ય, સખ્ય જેવા વિવિધભાવે એમની સાધના મંડાણી. પોતાને હનુમાન સમજીને એમણે દાસ્યભાવની સાધના પણ આરંભી દીધી. આ સાધના દરમિયાન તેઓ એક વાનરની જેમ પોતાના ધોતિયાંનું પૂંછડું બનાવીને માત્ર ફલાહાર અને ગંગાજળ પાન કરતા. શ્રીરઘુવીર રામનાં દર્શન માટે બે કરજોડીને સતત પ્રાર્થના, કાલાવાલા કરતા અને દર્શન ન થતાં સુધી તેઓ હૃદયની અજબની આરતનો અનુભવ કરતા. અક્ષય સેન ભરતભાવની સાધના વિશે કહે છે :

પછીથી ભરતભાવ ઉગીયો અંતરે;
કાષ્ટની પાદુકા રાખી પાટની ઉપરે.
ચંદન લગાવી ફૂલે પૂજે દિનરાત;
છાતી ભીંજી જાય એવો થાય અશ્રુપાત.
મુખે ‘રામ, કયાંહાં રામ, શ્રીરામ, હે રામ;
કયારે થશે દર્શનથી હૈયું ઠરી ઠામ!’’
રામરૂપ ધ્યાન, મુખે રામનામધ્વનિ;
એક જ સરખાં જાય દિવસયામિની.

અંતે શ્રીમા કાલીનું શરણ સાધીને કરેલી પ્રાર્થના વિશે અક્ષયકુમાર સેન કહે છે :

આવેશે પ્રવેશે પ્રભુ શ્યામાના મંદરે;
કર જોડી માતાજીને પ્રાર્થનાઓ કરે.
‘‘સિદ્ધિદાત્રી શ્યામા મારી વિનતિને લીઓ;
જીવન-જીવન મમ રઘુવીર દીઓ.’’

૧૮૬૧માં શ્રીરામકૃષ્ણની દક્ષિણેશ્વરમાં વિવિધ સાધનાઓ ચાલી રહી હતી ત્યારે ભૈરવી બ્રાહ્મણી ત્યાં આવ્યાં. પોતાના પંચવટીમાં નૈવેદ્ય રાંધીને પોતાના ગળામાં નિત્ય રહેતા રઘુવીર શાલીગ્રામને એ નૈવેદ્ય ધર્યું અને ધ્યાનમાં બેસી ગયા. એ વખતે એમને શ્રીરઘુવીરનાં દર્શન થયાં અને ઊંડી સમાધિમાં સરી પડ્યાં. તેમની આંખો ખૂલી અને જોયું તો રઘુવીરને અર્પણ કરેલું નૈવેદ્ય શ્રીરામકૃષ્ણ આરોગતા હતા. પોતાની લાંબા કાળની સાધનાના ફળ રૂપે તેમને રઘુવીરના દર્શન શ્રીરામકૃષ્ણમાં થયાં અને ત્યારથી તેમણે શાલીગ્રામની મૂર્તિને ગંગામાં પધરાવી દીધી.

શ્રીઠાકુરની રામસાધના વિશે અક્ષયકુમાર સેન આમ લખે છે :

રામ, રામ, અવિરામ બોલતા વદને;
ચંચળ તપનો સહ ભમે ઊંચે મને.
રામ નામે કંઠરોધ આંખે ઝરે જળ;
રામ વિરહનું દુ:ખ હૃદયે પ્રબળ.
રામભક્તો નિકટમાં રહે જેહ જ્યાંહાં;
સમય પ્રમાણે જાય સરવેને ત્યાંહાં.

શ્રીરામકૃષ્ણ કૃષ્ણકિશોર ચેટર્જી નામના રામભક્ત બ્રાહ્મણને ત્યાં નિયમિત જતા. શ્રીકૃષ્ણ કિશોર અને એમનાં ભક્તિમતી પત્ની શ્રીરામકૃષ્ણની રામ-નારાયણ રૂપે સેવા કરતાં. જ્યારે જ્યારે એમના પતિ શ્રીરામકૃષ્ણને એક સામાન્ય માનવ ગણીને એમની સાથે વર્તતા કે બોલતા ત્યારે ગૃહિણી જે શબ્દો ઉચ્ચારતાં એને અક્ષયકુમાર સેન આ રીતે વર્ણવે છે : 

બ્રાહ્મણી તરત કહે, ‘હવે ચૂપ રો’ ને;
ભૂલકણા કેવા છો, બોલો છો શું આ, કોને?
ઓળખી શકયા ન હજી કોણ છે આ જન;
નર રૂપે આવ્યા છે એ રામ-નારાયણ.’

શ્રીરામકૃષ્ણની ઉચ્ચસાધનાઓના દિવસોની એક વિશિષ્ટતા હતી કે તેઓ જ્યારે જે જે સાધના કરતા તે તે ભાવના સંન્યાસીઓ કે સાધકો એમની પાસે આવી ચડતા. ૧૮૬૪માં રામાવત સાધુ જટાધારી દક્ષિણેશ્વરની મુલાકાતે આવ્યા. તેઓ રામલાલાની ધાતુની મૂર્તિની વાત્સલ્યભાવે પૂજા કરતા. એ મૂર્તિ જીવંત બનીને સમયે સમયે બાળ રૂપે એમની સાથે રમતી પણ ખરી. રામલાલાનાં શ્રીરામરૂપે દર્શન થતાં જટાધારી ઊંડી ભાવસમાધિમાં સરી પડતા. શ્રીરામકૃષ્ણને એમના પ્રત્યે ઘણો આદરભાવ હતો અને એમની પાસેથી રામની મંત્રદીક્ષા પણ લઈને ગુરુ રૂપે સ્વીકાર્યા હતા. રામલાલાની સેવાપૂજામાં શ્રીઠાકુર પણ અત્યંત મગ્ન બની ગયા અને રામલાલા જીવંત બની જતા એમની સાથે પિતૃસહજભાવે લાલનપાલન, રમતગમત કરવા લાગ્યા. આ વાતનું વર્ણન અક્ષયકુમાર સેનના શબ્દોમાં જોઈએ:

દીક્ષા ગુરુ આપે એ જ મૂર્તિ પ્રભુકરે;
આજ સુધી રાખી જેને નયનગોચરે.
આનંદની સીમા નહિ રામલાલા મળ્યે;
પ્રભુજીનાં નેત્રોમાંહે જળ ઝળઝળે.
વાત્સલ્યસંચાર થયો રામલાલા પ્રતિ;
લાલન પાલન કરે સંભાળથી અતિ.
ખીર ને મલાઈ બનાવી નિજ હાથે;
ધરે રોજ પ્રભુદેવ માખણની સાથે.

હવે આ રામલાલા શ્રીરામકૃષ્ણનું બાળસંતાન બની ગયા હતા અને પહેલાંની જેમ જટાધારી પાસે જવાનું ઓછું થવા લાગ્યું. શ્રીરામકૃષ્ણના સત્સંગથી જટાધારીમાં નિરાસક્ત ભાવનો પ્રભુપ્રેમ જાગ્યો અને હવે તેઓ રામલાલાને અહીં છોડીને પણ જઈ શકે તેમ હતા. એમણે સાકાર ભાવવાળા દ્વૈતભાવમાંથી ઉન્નત બનીને અદ્વૈતભાવની અનુભૂતિ કરી અને સર્વસ્થળે શ્રીરામને જોવા લાગ્યા. જટાધારીનો આ પ્રેમભાવ ગોપીઓના પ્રેમભાવ જેવો નિષ્કામ અને નિર્મળ હતો. 

ખુદીરામ, ભૈરવી બ્રાહ્મણી અને જટાધારીમાં એક સામાન્ય તત્ત્વ હતું: શ્રીરઘુવીરની વાત્સલ્યભાવે ભક્તિ. તેમણે શ્રીરામના સ્થૂળ સ્વરૂપની પૂજાથી શરૂઆત કરી અને ઉચ્ચ અનુભૂતિની અવસ્થા સુધી પહોંચ્યાં. આ ત્રણેય સૌ પ્રથમ તો શ્રીરામકૃષ્ણના જીવનમાં એક ગુરુ રૂપે આવ્યાં હતાં. અને શ્રીરામકૃષ્ણમાં જ પોતાના ઈષ્ટદેવ શ્રીરઘુવીર રામનાં દર્શન કરીને શ્રીરામકૃષ્ણ પાસેથી જ વધુ સિદ્ધિ પ્રાપ્ત કરીને સાકારમાંથી નિરાકારની ઉચ્ચ અવસ્થાને પામ્યાં હતાં.

Total Views: 93

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.