આપણે જ્યારે આપણી પોતાની જાતના વિચારોથી મુક્ત હોઈએ, ત્યારે આપણું શ્રેષ્ઠ કામ થાય છે. ત્યારે આપણો મહાન પ્રભાવ પડે છે. સઘળા મેધાવી મનુષ્યો આ જાણે છે. આપણે તે એકમાત્ર દિવ્ય અભિનેતા (ઈશ્વર) તરફ હૃદય ખોલી નાખીને તેને પાઠ ભજવવા દઈએ; આપણે કંઈ ન કરીએ. શ્રીકૃષ્ણ કહે છે : * ‘‘હે અર્જુન! આખા જગતમાં મારે કશું જ કર્તવ્ય નથી.’’ સંપૂર્ણપણે ઈશ્વરાધીન વૃત્તિ રાખો; સંપૂર્ણપણે ઉદાસીન રહો; ત્યારે જ તમે કંઈ પણ સાચું કાર્ય કરી શકશો. સાચાં બળોને કોઈ પણ આંખોથી દેખી શકાય નહીં; આપણે માત્ર પરિણામો જ જોઈ શકીએ. અહંતાને છોડો, તેને તજો, તેને ભૂલી જાઓ; ઈશ્વરને જ કામ કરવા દો. તે તેનું કામ છે. આપણે કંઈ કરવાનું જ નથી; માત્ર એક બાજુએ રહીને ઈશ્વરને કામ કરવા દેવાનું છે. જેટલા આપણે દૂર જઈશું, તેટલો ઈશ્વર સમીપ આવશે. નાનકડા ‘‘હું’’નો ત્યાગ કરો, અને માત્ર વિરાટ ‘‘અહમ્‌’’ને રહેવા દો.

આપણા વિચારો જેવા આપણને બનાવે છે તેવા આપણે બનીએ છીએ. માટે તમે કેવા વિચારો કરો છો તેની કાળજી રાખો. શબ્દ ગૌણ છે. વિચારો જીવે છે, તે દૂર દૂર પ્રવાસ કરે છે. આપણે જે જે વિચારો કરીએ છીએ તેના ઉપર આપણા ચારિત્ર્યનો રંગ લાગ્યો હોય છે; માટે પવિત્ર અને સંત પુરુષોએ કરેલી મશ્કરી કે આપેલી ગાળોમાં પણ તેમનો પ્રેમ અને પવિત્રતાનો અંશ હશે, અને તે તમારું ભલું કરશે. કોઈ ચીજની ઇચ્છા ન રાખો. ઈશ્વરનું ચિંતન કરો, અને કોઈ બદલાની આશા ન રાખો. જે નિષ્કામ હોય તે જ ફળ પામે છે. ભિક્ષાવૃત્તિથી રહેનારા સાધુઓ ઘેર ઘેર ધર્મ લઈ જાય છે; પણ તેઓ તો એમ જ માને છે કે તેઓ પોતે કંઈ કરતા નથી. તેઓ કોઈ માગણી કરતા નથી; તેમનું કામ અજ્ઞાત રીતે જ થયા કરે છે.

ભોગવિલાસ હજાર ફેણવાળો નાગ છે; તેને આપણે પગ તળે કચડી નાખવો જોઈએ. આપણે ત્યાગ કરીએ છીએ અને આગળ જઈએ છીએ. પણ પછી કંઈ ન મળે ત્યારે નિરાશ થઈએ છીએ; પણ તેને વળગી રહો, ‘વળગી જ રહો.’ દુનિયા એક રાક્ષસ જેવી છે. તે એક એવું રાજ્ય છે કે જ્યાં ક્ષુદ્ર અહંકાર રાજા છે; તેને હઠાવી કાઢો અને દૃઢતાપૂર્વક ખડા રહો. કામ, કાંચન અને કીર્તિનો ત્યાગ કરો અને ઈશ્વરને વળગી રહો એટલે છેવટે આપણે સંપૂર્ણ ઉદાસીનવૃત્તિની સ્થિતિએ પહોંચીશું. ઇન્દ્રિયોને સંતોષવામાં આનંદ છે, તે ખ્યાલ કેવળ જડવાદી છે; તેમાં સાચા આનંદની ચિનગારી સરખીય નથી. તેમાં જે કંઈ આનંદ છે તે માત્ર ખરા આનંદનું પ્રતિબિંબ છે.

કહેવાતા કાર્યકરો કરતાં જેઓ પોતાની જાતને ઈશ્વરને સમર્પણ કરી દે છે તેઓ દુનિયા માટે ઘણું કરે છે. પોતાની જાતને સંપૂર્ણપણે જેણે પવિત્ર બનાવી હોય તેવો એક માણસ ઉપદેશકોની આખી ટોળી કરતાં વધારે કામ કરી જાય છે. ‘પવિત્રતા અને મૌનમાંથી નીકળતા બોલ ખૂબ શક્તિશાળી હોય છે.’

નામ અને રૂપની બાબતમાં મુક્તિ કદાપિ સાચી ન હોઈ શકે; એ તો માત્ર માટી છે, જેમાંથી આપણે (ઘડાઓ) બન્યા છીએ; વળી તે મુક્ત નથી પણ સાન્ત છે, તેથી જે સાપેક્ષ હોય તેની મુક્તિ કદી સાચી ન હોય. એક ઘડો એમ કદીય ના કહી શકે કે ઘડા તરીકે ‘‘હું મુક્ત છું.’’ માત્ર જ્યારે તે આકારના બધા ખ્યાલ ગુમાવે છે ત્યારે જ તે મુક્ત બને છે. આખું વિશ્વ વિવિધતા ભરેલા માત્ર આત્મા જ છે, વૈવિધ્યથી બનેલો એક જ  સૂર છે; ક્વચિત્‌ તેમાં વિસંવાદ હોય છે, પણ પાછળથી સંવાદિતાને વધારે પૂર્ણ બનાવે છે. વિશ્વની સ્વરસંવાદિતામાં ત્રણ ભાવનાઓ અલગ પડી આવે છે : મુક્તિ, શક્તિ અને સમતા.

– સ્વામી વિવેકાનંદ
(સ્વા.વિવે.ગ્રં.મા., ભાગ-૯, પૃ.૧૧-૧૩)

Total Views: 97

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.