સુખ કે આનંદ એટલે શું? આ સુખ અને આનંદને આપણે ક્યાં શોધવાં? સુખાનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય? આપણા મનમાં આ બધા પ્રશ્નો અવારનવાર ઊભા થાય છે. આ સંપાદકીય લેખમાં આપણે એનો ઉત્તર શોધવાનો પ્રયત્ન કરીશું. આ માટે છાંદોગ્ય ઉપનિષદમાં આવતી ભૂમા વિદ્યા વિશે વિચાર કરીશું. આ ભૂમા વિદ્યાની વાત એક વરિષ્ઠ સંત નારદ અને યુવાન સનતકુમાર, શિષ્ય અને ગુરુ વચ્ચે થયેલી પરિચર્ચાના ભાગ રૂપે આપણને મળે છે.

જેમ એક અત્યંત સંપત્તિ-સમૃદ્ધિવાન માણસ પણ પોતાનાં સંપત્તિ-સમૃદ્ધિ હોવા છતાં દુ:ખી રહે છે, નારદ પણ પોતાની પાસે વિશાળ જ્ઞાનભંડાર છતાં પણ દુ:ખી છે. તે એ જાણવા ઇચ્છે છે કે આવું કેમ થાય છે? અને પછી સનતકુમાર અને નારદ વચ્ચે પ્રશ્નોત્તરીની ઝડી વરસે છે. અને આ બધાને અંતે સનતકુમાર પૂરવાર કરે છે કે દુનિયામાં કોઈ પણ એવી ચીજવસ્તુ કે સમૃદ્ધિ નથી કે જે માણસને સુખી કરી શકે, આનંદમય બનાવી શકે. સુખ કે આનંદ તો આપણને ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે આપણે માનસિક, શારીરિક, સાંવેગિક અને આધ્યાત્મિક એવા સાર્વત્રિક સ્તરેથી થયેલી અનુભૂતિઓની સમગ્રતા અને સંપૂર્ણતા અનુભવીએ.

નારદ સનતકુમાર પાસે જાય છે અને સાચાં સુખાનંદ માટેનું જ્ઞાન મેળવવાની ઇચ્છા કરે છે ત્યારે સનતકુમારે નારદજી શું શું જાણે છે એ વિશે પૂછતાં નારદે કહ્યું: ‘મહારાજ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ મને યાદ છે. આ ઉપરાંત ઇતિહાસ, પુરાણ રૂપી પાંચમો વેદ, અને વેદોનો વેદ (વ્યાકરણ), શ્રાદ્ધકલ્પ, ગણિત, ઉત્પાત જ્ઞાન, નિધિશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, નીતિ, દેવવિદ્યા, બ્રહ્મવિદ્યા, ભૂતવિદ્યા, ક્ષત્રવિદ્યા, નક્ષત્રવિદ્યા, સર્પવિદ્યા અને દેવજન વિદ્યા – નૃત્યસંગીત વગેરે હું જાણું છું.’ (છાંદોગ્ય ઉપ.૭.૨) 

આ બધાં ક્ષેત્રોમાં પોતે પ્રવીણ હોવા છતાં પણ તેમને મનની શાંતિ, આનંદ કે સુખ ન હતાં. તેઓ સૌથી વધારે મહત્ત્વની વાત (છાંદોગ્ય ઉપ.૭.૩)માં કહે છે: 

सोऽहं भगवो मन्‍त्रविदेवास्मि नात्मविच्छ्रुतं ह्येव मे भगवद्दृशेभ्यस्तरति शोकमात्मविदिति सोऽहं भगवः शोचामि तं मा भगवाञ्छोकस्य पारं तारयत्विति तं होवाच यद्वै किञ्चैतदध्यगीष्ठा नामैवैतत् ॥

હું મંત્રવેત્તા છું પણ આત્મવેત્તા નથી. મેં આપ જેવા જ્ઞાનીઓ પાસેથી સાંભળ્યું છે કે આત્મવેત્તા શોકને પાર કરી લે છે અને હે પ્રભુ, હું શોક કરું છું; એવા મને શોકથી પાર ઉતારી દો. એટલે સનત કુમારે એમને કહ્યું – તમે આ જે કંઈ પણ જાણો છો તે નામ જ છે.

આમ કહીને પણ એમણે ઉપર્યુક્ત વિદ્યાઓની અવગણના ન કરી. આવી વિદ્યા જ્ઞાનપ્રાપ્તિનું પ્રથમ ચરણ છે અને નામની એટલે કે માહિતી જ્ઞાન છે. એનાથી ઉચ્ચતર વિદ્યા છે તમે જે જાણો છો તેની અભિવ્યક્તિ કરનાર વાણી. આ સાંભળીને નારદજીએ સનતકુમારને પૂછ્યું: ‘એનાથી કંઈ ઉચ્ચતર ખરું?’ એના ઉત્તરમાં સનતકુમાર કહે છે: ‘મન વાણીથી ઉત્કૃષ્ટ છે કારણ કે મનના સહયોગ વિના જ્ઞાન અને વાણી મેળવવાં મુશ્કેલ છે.’ એનાથી પણ ઉચ્ચતર વિદ્યા વિશે પૂછતાં સનતકુમારે કહ્યું: ‘દૃઢસંકલ્પશક્તિ એનાથી પણ ઉચ્ચતર છે. સંકલ્પશક્તિથી જ મન ક્રિયાશીલ બને છે. એનાથી જ વાણી ઉચ્ચારાય છે અને જ્ઞાનપ્રાપ્તિ થાય છે. આ જ ક્રમે બુદ્ધિ (ચિત્તમ્‌), એકાગ્રતા (ધ્યાનમ્‌) અને શાણપણ (વિજ્ઞાનમ્‌) ઉચ્ચતર કક્ષાએ આવે. આ બધી વાતો થઈ માનસિક સ્તરની થઈ. 

હવે દૈહિક સ્તર પર આવીએ તો બળ, અન્ન, પાણી, તેજ, આકાશ જેવાં સ્થૂળ તત્ત્વો પર ધ્યાન દેવાની વિદ્યા એટલે કે શરીરને તંદુરસ્ત અને બલિષ્ઠ કરવા પર વધારે ભાર મૂકવામાં આવે છે. છાંદોગ્ય ઉપ. ૭.૮ થી ૭.૧૨માં આ વાત વિગતવાર કરવામાં આવી છે. અન્ન દ્વારા શક્તિ મળે છે, અન્નના ઉત્પાદન માટે પાણી આવશ્યક તત્ત્વ છે; એટલે પાણીનું મહત્ત્વ એ દૃષ્ટિએ અન્ન કરતાં વિશેષ છે. પાણી વરસાદથી પ્રાપ્ત થાય છે, વરસાદ માટે અગ્નિ (તેજ)ની જરૂર છે, ઉષ્ણતાથી પાણીની વરાળ થાય છે અને વરાળનાં વાદળાં બનીને પાણી રૂપે વરસે છે; એટલે તેજ પાણી કરતાં વધારે મહત્ત્વનું છે. બળ, અન્ન, પાણી, તેજ જેવાં તત્ત્વો આકાશ તત્ત્વમાં રહેલાં છે. એટલે આકાશ ઉપર્યુક્ત તત્ત્વો કરતાં વધારે મહત્ત્વનું છે.

૭.૧૩ થી ૧૫માં ભાવરાજ્યના સ્તરે સ્મૃતિ અને આશા એ બંને પાયાનાં તત્ત્વો છે. સ્મૃતિ વિના આપણી બધી શારીરિક અવસ્થાઓ, આપણા સંબંધો, સંપર્કો અને આપણી પ્રવૃત્તિઓ નિરર્થક બની જાય. આશા સ્મૃતિ કરતાં પણ મહત્તર છે કારણ કે આખા વિશ્વનું ચક્ર આશા દ્વારા સતત ચાલતું રહે છે, આશા વિના સ્મૃતિ હોવા છતાં કાર્ય માટે કોઈ પ્રેરકબળ રહેતું નથી. એટલે પ્રવૃત્તિ અશક્ય બની જાય છે. મન, દેહ અને ભાવના સ્તરોનો વિકાસ કરવા અને તેના પર અંકુશ રાખવા માટે પ્રાણ તત્ત્વ રહેલું છે. ઉપર્યુક્ત બધાં તત્ત્વોને ચક્રના આરા કહ્યા છે અને પ્રાણને તેની ધરી ગણી છે. જેમ ચક્રના આરા ધરીના આધારે ટકી રહે છે અને ચાલતા રહે છે તેવી રીતે આપણી બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને આપણાં કર્મો, મન, દેહ વગેરે પ્રાણ પર આધારિત છે. જ્યાં સુધી પ્રાણ રહે છે ત્યાં સુધી જ વ્યક્તિ વ્યક્તિ તરીકે, તેનાં માનયશ, તેનાં સુખાનંદ વગેરે રહે છે. પણ પ્રાણ ચાલ્યા જતાં આ બધું નિરર્થક બની જાય છે અને ગમે તેવી મહાન વ્યક્તિના દેહને પણ બાળી નાખવામાં આવે છે.

છાંદોગ્ય ઉપનિષદના શ્લોક ૭.૧૬ થી ૨૨માં માનવ વિકાસના એક બીજા ઉચ્ચ સ્તર એટલે કે આધ્યાત્મિકતાની વાત કરવામાં આવી છે. સનતકુમાર નારદજીને કહે છે કે જેમની વાણી સત્યથી પરિપૂર્ણ છે તે શ્રદ્ધેય છે. એટલે સત્યને સમજવું જોઈએ. નારદજીએ સત્ય શું છે એમ પૂછતાં સનતકુમાર કહે છે કે સત્યને સમજવા માટે વિજ્ઞાન એટલે કે આધ્યાત્મિક જાગૃતિની જરૂર છે. આ આધ્યાત્મિક જાગૃતિ મનન દ્વારા આવે છે, મનન માટે શ્રદ્ધા અનિવાર્ય છે, શ્રદ્ધાની જનની સંનિષ્ઠા છે, સંનિષ્ઠા કૃતિ (કર્મ) દ્વારા ઉદ્‌ભવે છે. આપણે આપણા રોજીંદા જીવનમાં જોઈએ છીએ કે સુખી માણસ હંમેશાં કર્મનિષ્ઠ હોય છે. એટલે કૃતિને સુખ પ્રેરે છે. પછી નારદજી સનતકુમારને એક અગત્યનો પ્રશ્ન પૂછે છે: सुखं भगवो विजिज्ञास इति – હું સુખ વિશે વિશેષ રૂપે જાણવા માગું છું.’ આના પ્રત્યુત્તરમાં એક સુખ્યાત સુવાક્ય રૂપે સનતકુમાર આમ કહે છે : यो वै भूमा तत्सुखं नाल्पे सुखमस्ति भूमैव सुखं भूमा त्वेव विजिज्ञासितव्य इति भूमानं भगवो विजिज्ञास इति ॥

‘વાસ્તવિક રીતે જે ભૂમા છે તે જ સુખ છે, અલ્પમાં સુખ નથી. સુખ ભૂમા જ છે. એટલે ભૂમાની જ વિશેષ રૂપે જિજ્ઞાસા કરવી જોઈએ.’ આ સાંભળીને નારદજીએ કહ્યું: ‘હું ભૂમા વિશે વિશેષ રૂપે જાણવા માગું છું.’

પછી સનતકુમારે નારદજીને ભૂમાની વ્યાખ્યા કરતાં કહ્યું: यत्र नान्यत्पश्यति नान्यच्छृणोति नान्यद्विजानाति स भूमाथ यत्रान्यत्पश्यत्यन्यच्छृणोत्यन्यद्विजानाति तदल्पं यो वै भूमा तदमृतमथ यदल्पं तन्मर्त्यꣳ स भगवः कस्मिन्प्रतिष्ठित इति स्वे महिम्नि यदि वा न महिम्नीति ॥७.२४॥

‘જ્યાં બીજું કંઈ જોતા નથી, અને બીજું વધુ કંઈ સાંભળતા નથી અને જાણતા નથી તે ભૂમા છે. પરંતુ જ્યાં કંઈક વધુ જુએ છે, સાંભળે છે અને જાણે છે તે અલ્પ છે. જે ભૂમા છે એ અમર છે અને જે અલ્પ છે તે મર્ત્ય છે.’ આ સાંભળીને નારદજીએ પૂછ્યું: ‘આ ભૂમા શેમાં રહેલું છે?’ સનતકુમારે એના જવાબમાં કહ્યું: ‘સ્વમહિમામાં.’

ભૂમા શબ્દની એક નવી સંકલ્પના છે, એનો અર્થ કરવો સરળ નથી. એનો અર્થ કંઈક આવો છે: પ્રમાણ અને ગુણવત્તામાં પૂર્ણતા, અખંડતા. આવી પૂર્ણ અને અખંડ સત્તા જ સાચું સુખ આપી શકે. અલ્પ દ્વારા સાચું સુખ ન મળી શકે. શંકરાચાર્ય આની ટીકા કરતાં કહે છે કે અલ્પ કે સાન્ત વસ્તુની પ્રાપ્તિ પછી એનાથી વધુ મેળવવાની તૃષ્ણા જાગે છે અને આ તૃષ્ણા જ દુ:ખનું મૂળ છે. એટલે ભૂમા – અનંતની પ્રાપ્તિ એ જ સાચું સુખ છે. એને પ્રાપ્ત કર્યા પછી બીજું કંઈ મેળવવાની તૃષ્ણા બાકી રહેતી નથી. 

આમાંથી એક બીજો પ્રશ્ન ઊભો થાય છે : અલ્પની પ્રાપ્તિ પછી થોડું ઘણું સુખ તો માણસને મળે છે ખરું, એ મેળવ્યા પછી એને પ્રાપ્તિનો આનંદ પણ મળે છે ખરો, પછી ભલે એ ક્ષણિક હોય! એનો અર્થ એ થયો કે આ અલ્પમાં પણ ભૂમાનો અંશ કે આભાસ રહેલો છે. એનો અર્થ એ થયો કે આ ભૂમા સર્વત્ર રહેલો છે, એ અલ્પ હોય કે મોટું હોય. ઉપનિષદ આ વાતને એક ગણુ, બે ગણું, પાંચ ગણું, સાત ગણું, નવ ગણું, વગેરે ગાણિતિક આંકડા દ્વારા આ ભૂમાને સમજાવે છે. તેનું તાત્પર્ય એ છે કે માણસે નાના મોટા સૌમાં આ ભૂમાને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેટલી વધુ માત્રામાં આ ભૂમાને આપણી આજુબાજુનાં વસ્તુ, પદાર્થ, સજીવ, નિર્જીવ સર્વમાં નિહાળી શકીએ અને તેના મહિમાને જાણીને તેને સન્માનીએ તેટલી જ માત્રામાં આપણને આનંદ મળે છે. 

આ ભૂમાને સર્વત્ર અને અલ્પમાં પણ કેવી રીતે જોવું એની વાત ઉપનિષદોમાં સમુદ્રની ઉપમા દ્વારા સરસ રીતે સમજાવી છે : આ ભૂમા-બ્રહ્મ સમુદ્ર જેવો કોઈ પદાર્થ નથી, પરંતુ એની ઉપમા દ્વારા એને સમજવું સરળ પડે છે. આપણે દરિયા કિનારે બેસીને સમુદ્રમાં ઊઠતા તરંગોને નિહાળીએ તો જોઈશું કે એક પછી એક ભિન્ન ભિન્ન કદમાત્રાના, આકારના અને વિસ્તારના તરંગો આવે, સમગ્ર કિનારા સુધી વ્યાપી જાય અને પાછા સમુદ્રમાં વિલીન થઈ જાય. હવે આપણે એને કલ્પનાનો રંગ ચડાવીએ તો આ મોજાંમાંથી પ્રત્યેક મોજું એમ માનતું હશે કે હું આ કદમાત્રા, આકાર અને વિસ્તારનો છું; હું મોટો છું; તું નાનો છો; વગેરે જેવું લાગે. પરંતુ જેવાં મોજાં સાગરમાં સમાઈ જવાની કે વિલીન થઈ જવાની તૈયારીમાં હોય ત્યારે તેનામાં એક ભય ઊભો થાય કે હું તો કેટલો નાનો છું, હું હવે આમાં ગાયબ થઈ જવાનો છું. થોડા સમય પૂરતું એને એમ લાગ્યું કે હું કેટલું મોટું છું. એનો ગર્વ પણ એને થયો. પણ આખરે આ ગર્વ કે મહાનતા ક્ષણિક હતાં. અંતે તો એને વિશાળ મહાસાગરના જળમાં વિલીન થઈ જવું પડ્યું. એનું એને એક મોટું દુ:ખ છે. હવે જો એ જ મોજું એમ માને કે આ નાનું મોટું મિથ્યા છે, આ કદવિસ્તાર મિથ્યા છે અને હું તો આ વિશાળ સાગરનો એક અંશમાત્ર છું, તો મહાસાગરમાં વિલીન થતી વખતે એના મનમાં જરાય રંજ ન થાય. જો આપણે અલ્પમાં પણ, સર્વ પદાર્થોમાં પણ ભૂમાને નિહાળીએ તો દુ:ખ રહે નહિ અને આપણને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય.

આપણાં કુટુંબી સ્વજનો દુ:ખી થાય તો આપણે પણ દુ:ખી થઈએ છીએ. કારણ કે એને આપણું એક અંગ ગણીએ છીએ, આપણો એક અંશ ગણીએ છીએ. એટલે એનું દુ:ખ આપણું દુ:ખ બની જાય છે. પણ રસ્તે રખડતાં ગરીબ માણસને જોઈને આપણે દુ:ખ ન પણ અનુભવીએ કારણ કે એ આપણા સ્વજનના વર્તુળમાં નથી, આપણું અંગ નથી, આપણો અંશ નથી. એટલે આ વર્તુળમાં વધુને વધુ માનવ, પ્રાણીઓ કે કીટાદિનો સમાવેશ કરતા જઈએ તેમ તેમ એ સ્વજનોનું વર્તુળ મોટું થાય અને એને લીધે આપણે ઘણે સ્થળે ભૂમાને નિહાળીએ છીએ અને એના દુ:ખે દુ:ખી પણ થઈએ છીએ અને સુખે સુખી પણ થઈએ છીએ. આ ભૂમાનું વર્તુળ, એકતાનું વર્તુળ જેટલું વિશાળ તેટલું વધુ સુખ.

ઉપનિષદો કહે છે: પોતાના વ્યક્તિત્વના આ વર્તુળને વધારે ને વધારે વિસ્તૃત કરીને વિકસવાની માણસની મનોવૃત્તિ છે. આ મનોવૃત્તિ જ માણસને વધુ ઉચ્ચ અને ઉચ્ચગ્રાહી ઉન્નતિ કરાવીને પોતાનો સાચો મહિમા ભૂમામાં રહેલો છે એની પ્રતીતિ કરાવે છે. આ ભૂમાના અલ્પાંશ જેવા ભૌતિક પદાર્થોમાં કે જગતમાં જો સંતુષ્ટ રહીએ તો આપણે આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકવાના નથી અને ભૂમાને ઓળખી શકવાના નથી. ભલે આપણે મોટા વૈજ્ઞાનિક, ઇજનેર, ડોક્ટર, રાજકારણી, વ્યાપારી, બનીએ તો પણ આપણી બધી સમસ્યાઓનું નિરાકરણ આપણે નહિ કરી શકીએ, આપણને નિર્ભયતા, સાચું સુખ કે શાશ્વત શાંતિ પણ ન મળે. 

સમુદ્રો અને તેના તરંગોનું રૂપક આપણને આ વસ્તુ સમજવા માટે ઘણું સહાયક બને તેમ છે. આપણા બધા અનુભવો ક્ષણિક છે અને આ તરંગો જેવા છે. તે નાના મોટા છે, સારાંનરસાં, સુખી દુ:ખી છે, આવે છે અને જાય છે, સાગર રૂપી ભૂમામાં બધા અવરોધોની વચ્ચે, બધી મુશ્કેલીઓ અને સમસ્યાઓની વચ્ચે સમાઈ જાય છે. આપણા સૌના દૈનંદિન જીવનમાં આ ભૂમાના સાગરને આપણે એક અંશ રૂપે કે ખંડ રૂપે કે તરંગ રૂપે જોઈએ છીએ. એમાં ભિન્નતા અને ભેદભાવ જોતા રહીએ છીએ, એનાથી આપણા મનમાં સંઘર્ષ કે દ્વન્દ્વ ઊભા થાય છે. પરંતુ આ પ્રતીકનો ઉપયોગ સમજીને વિચારીએ કે આ અલ્પતરંગ ભૂમાના મહાસાગરનો અંશ છે, ખંડ છે અને એમાં જ એ વિલીન થવાનો છે; તો આપણાં દુ:ખ, ભય, સંશય દૂર થઈ જશે, અને આપણે અનંત મહાસાગરને, ભૂમાને, બ્રહ્મને ઓળખી શકીશું, એના મહિમાને જાણી શકીશું અને એ દ્વારા સ્વમહિમાની પણ આપણને સાચી ઓળખાણ મળી રહેશે.

अथात आत्मादेश एवात्मैवाधस्तादात्मोपरिष्टादात्मा पश्चादात्मा पुरस्तादात्मा दक्षिणत आत्मोत्तरत आत्मैवेदꣳ सर्वमिति स वा एष एवं पश्यन्नेवं मन्वान एवं विजानन्नात्मरतिरात्मक्रीड आत्ममिथुन आत्मानन्दः स स्वराड्भवति तस्य सर्वेषु लोकेषु कामचारो भवति अथ येऽन्यथातो विदुरन्यराजानस्ते क्षय्यलोका भवन्ति तेषाꣳ सर्वेषु लोकेष्वकामचारो भवति ॥२५.२॥

આત્મરૂપથી જ ભૂમાનો આદેશ આપી શકાય. આત્મા નીચે, ઉપર, પાછળ, આગળ, ડાબી, જમણી બધી બાજુએ છે. આત્મા જ બધું છે. આવું મનન કરનારા, જાણનારા અને જોનારા આત્મરતિ, આત્મક્રીડ, આત્મમિથુન અને આત્માનંદ બને છે. એટલે કે સાચાં સુખાનંદની ગુરુચાવી ભૂમા પાસે છે.

Total Views: 237

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.