આપણને હંમેશાં એમ વિચારવાની વૃત્તિ થાય છે કે આપણી નાનકડી દુનિયા જ સર્વસ્વ છે. નીતિધર્મના આપણા સિદ્ધાંતો, આપણી ચારિત્ર્ય-દૃષ્ટિ, આપણી કર્તવ્યદૃષ્ટિ, આપણી ઉપયોગીતાની ભાવના, એ જ માત્ર ગણનાપાત્ર બાબતો છે. જ્યારે જુદા જુદા દેશોમાં આવી બાબતો વિશે સાંભળું છું ત્યારે હું ઈશુના પેલા અદ્‌ભુત વચનને સમજવા લાગું છું. ‘‘બીજાની ટીકા ન કરો. કે જેથી તેઓ પણ તમારી ટીકા ન કરે.’’જેમ જેમ આપણે વધારે જાણીએ છીએ તેમ તેમ સમજાય છે કે આપણે કેટલા અજ્ઞાની છીએ, અને માનવીનું મન કેટલું અનેકરંગી અને બહુમુખી હોય છે. જ્યારે હું જુવાન હતો ત્યારે મારા દેશભાઈઓની કઠોર તપશ્ચર્યાઓની ટીકા કરતો; છતાં, જેમ જેમ હું ઉંમરમાં વધતો જાઉં છું  તેમ તેમ હવે મને લાગે છે કે બીજાઓનો ન્યાય કરવા બેસવાનો મને કોઈ અધિકાર નથી. ઘણી વાર તો મને એવો વિચાર આવે છે કે મારો આવો મત અને ટીકા શારીરિક કષ્ટના અણગમામાંથી પેદા નથી થતાં પણ મારી કાયરતામાંથી જ પેદા થાય છે, કારણ કે હું તેમ કરી શકતો નથી કે તેમ કરવાની મારામાં હિંમત નથી.

વળી તમે જોશો કે, શક્તિ, સામર્થ્ય અને હિંમત એ બહુ વિચિત્ર બાબતો છે. જે માણસ નિર્ભયપણે તોપને મોઢે ધસી જાય છે તે જ માણસ શસ્ત્રક્રિયા કરનાર દાક્તરના ચપ્પુથી ડરે છે, જ્યારે જે માણસ કદી બંદૂકની સામે ઊભવાની હિંમત કરતો નથી તે જરૂર પડે તો શાંતિથી શસ્ત્રક્રિયા કરાવે છે. એટલે બીજા વિશે મત બાંધતાં પહેલાં કાયમ તમારે હિંમત અને મહત્તાની તમારી શરતોની સ્પષ્ટતા કરવી જોઈએ.

બીજો દાખલો લઈએ. તમે ઘણી વાર જોશો કે લોકો જ્યારે પુરુષ અને સ્ત્રી શું શું કરી શકે તે વિશે ચર્ચા કરતા હોય છે. ત્યારે હંમેશાં આવી જ ભૂલ કરતા હોય છે. તેઓ એમ ધારે છે કે પુરુષ લડી શકે છે અને અથાગ શારીરિક શ્રમ કરી શકે છે માટે તે મહાન છે; અને સ્ત્રીની શારીરિક નિર્બળતા અને લડવાની આ શક્તિની સામે તેને રજૂ કરવામાં આવે છે. આ અન્યાય છે. સ્ત્રી પણ પુરુષના જેટલી જ હિંમતવાન છે. દરેક પોતપોતાની રીતે સારાં છે. સ્ત્રીના જેટલી ધીરજ, પ્રેમ, અને સહનશીલતાથી કયો પુરુષ બાળકને ઉછેરી શકશે? એકે કાર્ય કરવાની શક્તિ કેળવી છે, બીજીએ સહન કરવાની શક્તિ વિકસાવી છે. જો સ્ત્રીમાં કાર્ય કરવાની શક્તિ નથી તો પુરુષમાં સહન કરવાની શક્તિ નથી. આખા વિશ્વમાં સંપૂર્ણ સમતુલા પ્રવર્તે છે. મને આજે ખબર નથી, પણ કોઈક દિવસ આપણે જાગીએ અને જાણીએ કે એક નાના જીવડામાં પણ  કંઈક એવો ગુણ છે કે જે આપણા મનુષ્યત્ત્વની સામે સમતુલામાં ઊભો રહી શકે. દુષ્ટમાં દુષ્ટ માણસમાં પણ કોઈક એવા સદ્‌ગુણ હોય કે જેનો મારામાં તદ્દન અભાવ હોય. એક વ્યક્તિ બીજીનાં પગરખામાં પગ ઘાલી ન શકે. એકને બીજું ખરાબ છે એમ કહેવાનો અધિકાર નથી.‘‘જો અમુક કરવામાં આવશે તો દુનિયા નાશ પામશે,’’ એવો એક જૂનો વહેમ છે; પણ એવી માન્યતા છતાં હજુ સુધી દુનિયા પ્રલયના કિનારે પહોંચી નથી. આ દેશમાં જ એમ કહેવામાં આવતું કે જો હબસીઓને મુક્ત કરવામાં આવશે તો દેશ પાયમાલ થઈ જશે. પણ એવું કંઈ બન્યું છે ખરું? એમ પણ કહેવાતું કે જો સામાન્ય લોકોને કેળવણી આપવામાં આવશે તો દુનિયા પાયમાલ થઈ જશે; પણ દુનિયા તો ઊલટી વધુ સારી બની છે.

— સ્વામી વિવેકાનંદ
(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા-સંચયન’ પૃ.૧૩૨-૩૩)

Total Views: 136

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.