ભારતનાં બધાં અનિષ્ટોનું મૂળ ત્યાંના ગરીબોની સ્થિતિમાં છે. પશ્ચિમમાં ગરીબો શયતાનો છે; તેને મુકાબલે આપણે ત્યાંના ગરીબો દેવતાઓ જેવા છે. તેથી આપણા ગરીબોને ઊંચા લાવવાનું કામ વધારે સરળ છે. આપણા નીચલા વર્ગને માટે એક જ સેવા કરવાની છે: ગરીબોને કેળવણી આપવાની અને તેમના ગુમાવેલા વ્યક્તિત્વને પાછું વિકસાવવાની. આપણા લોકો અને રાજાઓ સમક્ષ આ એક જ મહાન કાર્ય છે. આજ સુધી તે દિશામાં કંઈ જ કરાયું નથી. બ્રાહ્મણોની સત્તા અને પરદેશી આક્રમણે સૈકાંઓ સુધી તેમને ચગદી રાખ્યા છે; પરિણામે ભારતના ગરીબ લોકો પોતે જીવતા જાગતા મનુષ્યો છે એ હકીકત જ ભૂલી ગયા છે. તેમને નવા વિચારો આપવાની અને દુનિયામાં ચોપાસ શું ચાલી રહ્યું છે તેના તરફ તેમની આંખો ઉઘાડવાની જરૂર છે. એમ થશે તો પછી તેઓ પોતાનો ઉદ્ધાર પોતે જ સાધી લેશે. દરેક પ્રજાએ, દરેક પુરુષે અને દરેક સ્ત્રીએ પોતાનો ઉદ્ધાર પોતે જાતે જ કરવો જોઈએ. તેમને વિચાર કરતા બનાવો. તેમને એટલી જ સહાયની જરૂર છે; બાકીનું, પરિણામરૂપે આપોઆપ બહાર આવશે જ. આપણું કાર્ય રસાયણોને એકઠાં મેળવવાનું છે; સ્ફટિકો તેમાંથી કુદરતના નિયમ પ્રમાણે સ્વયં બંધાશે. આપણી ફરજ તેમના મગજમાં વિચારો મૂકવાની છે; બાકી બધું તેઓ કરશે. ભારતમાં આ કરવાની જરૂર છે. ઘણા લાંબા વખતથી મારા મનમાં ઘોળાઈ રહ્યો છે તે આ વિચાર છે. તેનો અમલ હું ભારતમાં કરી ન શક્યો. અને મારું આ દેશમાં આવવાનું કારણ પણ એ જ છે. ગરીબોને કેળવણી આપવામાં જે મોટી મુશ્કેલી છે તે આ છે. માનો કે આપ નામદાર દરેક ગામમાં મફત શાળા ખોલો, તો પણ તેથી કંઈ લાભ થવાનો નથી. આપણા ભારતમાં એટલી બધી ગરીબાઈ છે કે એ બિચારા છોકરાઓ નિશાળમાં ભણવા જવાને બદલે ખેતરના કામમાં પોતાના બાપને મદદ કરવા જશે, અગર બીજી રીતે આજીવિકા મેળવવાનો પ્રયાસ કરશે. હવે જો પર્વત મહમદ પાસે ન આવે તો મહમદે પર્વત પાસે જવું જોઈએ. જો ગરીબ છોકરો વિદ્યા મેળવવા ન આવી શકે તો વિદ્યાને તેની પાસે પહોંચાડવી જોઈએ. આપણે દેશમાં હજારો એકનિષ્ઠ ત્યાગી સંન્યાસીઓ છે; તેઓ ગામેગામ ધર્મોપદેશ આપતા ફરે છે. તે પૈકીના કેટલાકોને જો આવી વ્યાવહારિક બાબતોના શિક્ષકો તરીકે પણ ગોઠવવામાં આવે તો તેઓ સ્થળે સ્થળે અને ઘેર ઘેર માત્ર ધર્મોપદેશ જ નહીં પરંતુ શિક્ષણ સુધ્ધાં આપતા ફરશે. માનો કે તેમના પૈકી બેત્રણ જણ સાંજના ભાગમાં કોઈ ગામડામાં કેમેરા, પૃથ્વીનો ગોળો, કેટલાક નકશા વગેરે ચીજો સાથે લઈને જાય તો અભણ લોકોને તેઓ ખગોળ અને ભૂગોળનું ઘણું જ્ઞાન આપી શકે. જિંદગીભર પુસ્તકો વાંચવાથી આ ગામડિયાઓને જે જ્ઞાન માંડ મળી શકે, તેના કરતાં સો ગણું વધારે જ્ઞાન તે સાધુઓ જુદી જુદી પ્રજાઓની વાતો કહીને તેમને આપી શકશે. આ કાર્ય માટે એક સંસ્થાની જરૂર છે; આનો અર્થ એ કે પૈસાની પણ જરૂર છે. આ યોજના અમલમાં મૂકવા માટે ભારતમાં માણસોની તાણ નથી; પણ અફસોસની વાત એ છે કે તેમની પાસે પૈસા નથી. ચક્રને ગતિમાન કરવું મુશ્કેલ છે, પણ એક વાર ચાલતું થયા પછી તે વધારે ને વધારે ઝડપથી ચાલવા લાગે છે. દેશમાં આને માટે મદદ માગ્યા છતાં ધનાઢ્ય લોકો પાસેથી કંઈ પ્રોત્સાહન ન મળવાથી આપ નામદારની મદદથી હું આ દેશમાં આવ્યો. ભારતના ગરીબ લોકો જીવે કે મરે તેની અમેરિકનોને કશી જ પડી નથી; અને જો આપણા દેશના લોકો જ પોતાના સ્વાર્થ સિવાય બીજું કંઈ જોતા નથી, તો અહીંના લોકો શા માટે તેમની પરવા કરે?

ઉદાર રાજવી! આ જીવન ટૂંકું છે અને તેના તુચ્છ મોજશોખો ક્ષણિક છે જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના તો જીવતા કરતાં વધુ મરેલા છે. આપ નામદાર જેવા ભારતના ઉચ્ચ ઊદારચરિત રાજપુત્ર ભારતને પગભર કરવા માટે ઘણું કરી શકે; અને પાછળ એવી કીર્તિ મૂકી જાય કે જેને ભાવિ પ્રજા પ્રેમથી પૂજે.

– સ્વામી વિવેકાનંદ
(ભાગ. ૫, પૃ.૨૮૮-૨૮૯)

Total Views: 80

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.