એ મહાત્મા કે જેની વિવિધ રૂપોમાં ઉપાસના થાય છે, જે પુરુષો તેમ જ સ્ત્રીઓનો લાડીલો આદર્શ છે, જે નાનાં બાળકોનો તેમ જ પ્રૌઢોનો આદર્શ છે… એતે ચાંશકલા: પુંસ: કૃષ્ણસ્તુ ભગવાન્સ્વયમ્‌ । ‘બીજા અવતારો તો ઈશ્વરના અંશ કે કળારૂપ હતા; આ કૃષ્ણ તો સ્વયં પરમેશ્વર પોતે જ છે.’’ અને તેમના ચરિત્રની અનેકવિધતા જોઈને આશ્ચર્યચકિત થયા પછી લાગે છે કે તેમને આવાં વિશેષણો લગાડવામાં આવે એ જરાય નવાઈભર્યું નથી. એ શ્રીકૃષ્ણ એકી સાથે અદ્‌ભુતમાં અદ્‌ભુત સંન્યાસી હતા, તેમ જ અદ્‌ભુતમાં અદ્‌ભુત ગૃહસ્થાશ્રમી હતા; એમનામાં અતિ અદ્‌ભુત પ્રમાણમાં રજસ્‌ એટલે શક્તિ હતી અને સાથે જ તેઓ અતિ અદ્‌ભુત ત્યાગમય જીવન જીવતા હતા. જ્યાં સુધી તમે ગીતાનો અભ્યાસ ન કરો ત્યાં સુધી કૃષ્ણને સમજી શકશો નહીં, કારણ કે તે પોતે પોતાના ઉપદેશની મૂર્તિસમા હતા… ગીતાના ઉપદેશક કૃષ્ણ પોતાનાં સમગ્ર જીવનમાં એ દિવ્ય ગીતની પ્રત્યક્ષ મૂર્તિરૂપ થઈને જીવ્યા હતા. અનાસક્તિના એ મહાન આદર્શ હતા. એ પોતાના રાજસિંહાસનનો ત્યાગ કરે છે અને પછી એની કદી પરવા પણ કરતા નથી. ભારતનો એ નેતા, જેના એક શબ્દના ઉચ્ચાર સાથે રાજાઓ પોતાનાં રાજસિંહાસનો પરથી ઊથલી પડતા, એ પોતે કદી પણ રાજા થવાની ઇચ્છા ધરાવતો નથી. એ તો સદાય એનો એ જ, ગોપીઓની સાથે ખેલતો કૃષ્ણ છે. ઓહ! સમજવા માટે કઠિનમાં કઠિન, સંપૂર્ણ ચારિત્ર્યશીલ અને પવિત્ર થવા સિવાય સમજવાનો પ્રયત્ન કરવાને પણ અયોગ્ય. શો અદ્‌ભુતમાં અદ્‌ભુત એમનો જીવનક્રમ! પ્રેમમાં મસ્ત થયા વિના, પ્રેમનો પ્યાલો પૂરેપૂરો પીધા વિના, કોઈથીયે કળી ન શકાય એવો, વૃંદાવનની એ સુંદર લીલાના રમણીય રૂપકમાં વર્ણવાયેલ અતિ આશ્ચર્યકારક, શો એ પ્રેમનો વિસ્તાર! જે પ્રેમ કશું પણ માગતો નથી, જે પ્રેમ સ્વર્ગની પરવા કરતો નથી, જે પ્રેમ ઈહલોકમાં કશાની પરવા કરતો નથી તેમ જે પરલોકનીય પરવા નથી કરતો, એવા આદર્શ પ્રેમને – ગોપીઓના પ્રેમની વેદનાને કોણ સમજી શકે? અને મારા મિત્રો! અહીં આ ગોપીઓના પ્રેમ દ્વારા સગુણ અને નિર્ગુણ ઈશ્વરના ઝઘડાનો એકમાત્ર ઉકેલ મળી આવે છે. સગુણ ઈશ્વર માનવ જીવનનું કઈ રીતે સર્વોચ્ચ શિખર છે તે આપણે જાણીએ છીએ. આપણે જાણીએ છીએ કે વિશ્વમાં ઓતપ્રોત આ સર્વ કાંઈ જેના એક આવિર્ભાવ માત્ર છે, એવા એક નિર્વિશેષ નિર્ગુણ ઈશ્વરને માનવો એ દાર્શનિક દૃષ્ટિએ યોગ્ય છે; એ સાથે જ આપણો જીવ કંઈક ગ્રહણ કરી શકાય એવાને માટે, જેને આપણે પકડવા ઇચ્છીએ છીએ એવા કંઈકને માટે, જેને ચરણે આપણે આપણી જાત સમર્પિત કરી દઈ શકીએ એવા કંઈકને સારુ જાણે તે તલસી રહ્યો હોય છે. આથી સગુણ ઈશ્વર, માનવ સ્વભાવની સર્વોચ્ચ કલ્પના છે. વનવાસમાં દ્રૌપદી યુધિષ્ઠિરની સાથે ચર્ચી રહી હતી: ‘‘જો ઈશ્વર સર્વશક્તિમાન, દયામય અને સગુણ હોય તો અહીં આ પૃથ્વી પરનું જીવન નરક જેવું શા માટે છે? આવું દુ:ખમય જગત એણે આ માટે સર્જ્યું છે? એવો ઈશ્વર પક્ષપાતી હોવો જોઈએ. એ પ્રશ્નનો કશો જ ખુલાસો નથી; અને જે એકમાત્ર ખુલાસો મળી આવે છે તે ગોપીઓના પ્રેમ વિશે તમે જે વાંચો છો તે છે… કૃષ્ણ આ સૃષ્ટિના કર્તા છે એ જાણવાની તેઓ પરવા ન કરતી;..જે એક જ વસ્તુ તેઓ સમજતી હતી તે એ કે કૃષ્ણ અનંત પ્રેમરૂપ છે. બસ, એટલું જ! ગોપીઓ કૃષ્ણને કેવળ વૃંદાવનવિહારી કૃષ્ણ તરીકે જ ઓળખતી. લોકોનો નેતા અને રાજાઓનો રાજા એવો એ, ગોપીઓની પાસે સદાને માટે ગોવાળિયો જ હતો. ‘‘હું ધન નથી ચાહતો, કીર્તિ નથી ઇચ્છતો, નથી વિદ્યાની વાંછના રાખતો. ભલે મારે વારંવાર જન્મ લેવો પડે, પણ પ્રભો! તું એટલું આપ કે મારો તારામાં પ્રેમ રહે, અને તેય પ્રેમની ખાતર પ્રેમ.’’ ધર્મના ઇતિહાસમાં એક જબરું સીમાચિહ્‌ન અહીં છે : પ્રેમની ખાતર પ્રેમ, કર્મની ખાતર કર્મ, ફરજની ખાતર ફરજ ! એ આદર્શ ભારતની ભુમિ પર અવતારશ્રેષ્ઠ શ્રીકૃષ્ણના મુખમાંથી પહેલી વાર અને માનવજાતના ઇતિહાસમાં પણ પહેલી જ વાર બહાર પડ્યો. 

— સ્વામી વિવેકાનંદ

Total Views: 113

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.