શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ છે. જ્યારે ઈશ્વરની ‘માતા’ તરીકે, સ્નેહમૂર્તિ તરીકે ઉપાસના કરવામાં આવે છે ત્યારે હિંદુઓ તેને ‘દક્ષિણ માર્ગ’કહે છે; તે ‘આધ્યાત્મિકતા’ તરફ લઈ જાય છે, ભૌતિક સમૃદ્ધિ તરફ કદી જ નહીં. જ્યારે ઈશ્વરના ભયંકર સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે ત્યારે તે ‘વામમાર્ગ’ કહેવાય છે; તેનાથી સામાન્યત: ભૌતિક સમૃદ્ધિ ખૂબ પ્રાપ્ત થાય છે, પણ આધ્યાત્મિકતા ભાગ્યે જ મળે છે; અને અંતે તે અનાચારને માર્ગે દોરી જાય છે, તથા જે જાતિ તેનું આચરણ કરે છે તેને આખરે વિનાશને માર્ગે લઈ જાય છે.

માતા એ શક્તિનું પ્રથમ-પ્રાગટય છે, અને પિતા કરતાં વધુ ઉચ્ચ ભાવના મનાય છે. બાળક પોતાની માતાની બાબતમાં માને છે તેમ ‘માતા’ના નામની સાથે જ શક્તિનો, દિવ્ય શક્તિનો અને સર્વશક્તિત્વનો ખ્યાલ પેદા થાય છે. દિવ્ય માતા આપણામાં સુષુપ્ત રીતે રહેલી કુ્ંડલિની (ગૂંચળું વળીને રહેલી શક્તિ,) છે; તેની ઉપાસના કર્યા સિવાય આપણે આપણા સ્વરૂપને ઓળખી શકીએ નહિ. સર્વશક્તિમતી, કરુણામયી, સર્વવ્યાપી, વગેરે બધા દિવ્ય માના ગુણો છે. વિશ્વમાં રહેલી સમગ્ર શક્તિનો તે કુલ સરવાળો છે. વિશ્વમાં શક્તિની દરેક અભિવ્યક્તિ ‘મા’ છે. તે જીવન છે, તે બુદ્ધિ છે, તે પ્રેમ છે;  તે વિશ્વમાં છે, છતાં તેનાથી અલગ છે. તે એક વ્યક્તિ છે, અને જેમ શ્રીરામકૃષ્ણે તેને જોઈ હતી અને જાણી હતી તેમ, તેને જોઈ શકાય અને જાણી શકાય છે. માની ભાવના મનમાં દૃઢ થયા પછી આપણે બધું જ કરી શકીએ; પ્રાર્થનાનો તે તરત ઉત્તર આપે છે.

તે આપણને ગમે તે રૂપમાં, ગમે તે પળે ‘પોતાનાં દર્શન’ આપી શકે છે. દિવ્ય માને રૂપ અને નામ હોય, અગર રૂપ વિના પણ નામ હોય; અને જેમ જેમ આપણે તેની આ વિવિધ સ્વરૂપે ઉપાસના કરીએ તેમ તેમ આપણે નામરૂપ રહિત શુદ્ધ સત્‌ વસ્તુ તરફ ઊંચે ચડી શકીએ.

શરીરરચના માંહેના સર્વ કોશોનો કુલ સરવાળો એ એક વ્યક્તિ. તે પ્રમાણે પ્રત્યેક જીવાત્મા એક કોશ જેવો છે, અને તેનો સરવાળો તે ઈશ્વર છે અને તેનાથી પર છે નિર્વિશેષ. સાગરની તરંગરહિત અવસ્થા એ નિર્વિશેષ બ્રહ્મ; તે જ સાગર તરંગમય બને ત્યારે કહેવાય દિવ્યમાતા. માતા જ દેશ, કાળ અને નિમિત્ત છે. ઈશ્વર માતા છે, અને તેની અવસ્થા છે; સગુણ અને નિર્ગુણ. સગુણરૂપે તે ઈશ્વર, જીવ અને જગત છે; નિર્ગુણરૂપે તે અજ્ઞાત અને અજ્ઞેય છે. નિર્ગુણમાંથી અસ્તિત્વના ત્રિકોણ સમા ઈશ્વર, જીવ અને જગતરૂપી ત્રિમૂર્તિ નીકળી. આ છે વિશિષ્ટાદ્વૈતવાદ.

જગન્માતાનું એક બિંદુ હતું કૃષ્ણ; બીજું એક બિંદુ બુદ્ધ હતું, અન્ય એક ઈશુ હતું. આપણી ભૌતિક માતામાં રહેલી જગન્માતાના માત્ર એક પ્રકાશઅંશની ભક્તિ પણ ગૌરવ પ્રાપ્ત કરાવે છે. જો તમારે પ્રેમ અને જ્ઞાન મેળવવું હોય તો જગદંબાની ભક્તિ કરો.

– સ્વામી વિવેકાનંદ

Total Views: 86

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.