(ગતાંકથી આગળ)

શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી કામારપુકુરમાં શ્રીમાએ કેવું તપોમય અને કષ્ટમય જીવન ગાળ્યું હતું, એ વિશે આપણે આ પહેલાંના લેખમાં જોઈ ગયા છીએ. જ્યાં પોતે ઊછર્યાં હતાં એવા પોતાના જન્મસ્થાન જયરામવાટીમાં તેઓ મુક્તપણે રહેતાં. પરંતુ અહીં કંઈ બધું સુખ-આરામ જેવું ન હતું, કારણ કે જયરામવાટીમાં પોતાના ભાઈઓનાં કુટુંબીજનોનું એમણે ધ્યાન રાખવું પડતું હતું. પોતાના પૈતૃક ઘર, જયરામવાટીમાં રહેવાનું બીજું પણ મહત્ત્વનું કારણ હતું. અહીં રહીને બધી સાંસારિક જવાબદારીઓ સાથે રહીને પણ કેવી રીતે એક પવિત્ર સાધિકાનું જીવન જીવી શકાય એ આદર્શ કે ઉદાહરણ એમણે સમગ્ર વિશ્વ સમક્ષ મૂકવાનું હતું. દૈનંદિન સાંસારિક એકરસીલાં કાર્યો કરતાં કરતાં એ બધાંને કેવી રીતે એક આધ્યાત્મિક કાર્યમાં પરિવર્તિત કરી શકાય એનું પથદર્શન એમણે અહીંના પોતાના જીવન દ્વારા કર્યું હતું. પોતાના ઘરનાં કામકાજ સવારના ૭.૦૦ થી શરૂ કરતાં અને મોડી રાતે ૧૧.૦૦ વાગ્યા સુધી એ સતત ચાલુ રહેતાં. તેઓ સ્વાવલંબી હતાં અને પોતાની વૃદ્ધાવસ્થામાં પણ કોઈના પર બોજો બનીને જીવવાનું એમને પસંદ ન હતું. એક દિવસ એક શિષ્યે એમના આ અત્યંત પરિશ્રમ અને કષ્ટમય જીવન વિશે ચેતવણી આપી ત્યારે શ્રીમાએ એના પ્રત્યુત્તર રૂપે કહ્યું: ‘બેટા, પ્રવૃત્તિશીલ રહેવું એ ઘણું સારું છે.’ થોડીવાર શાંત રહીને ફરી ઊમેરતાં કહ્યું: ‘બેટા, મારા માટે એવી પ્રાર્થના કરજે કે જેથી હું જીવું ત્યાં સુધી બીજાની સેવા કરતી રહું.’ પોતાનાં માતા શ્યામાસુંદરી દેવીના અવસાન પછી શ્રીમા પોતાનાં કુટુંબીજનોના વાલી-રક્ષક બની ગયાં. એમના ત્રણેય ભાઈઓ હંમેશાં પરસ્પર લડતા-ઝઘડતા રહેતા અને શ્રીમાનાં કાર્યમાં અને સાધનામાં ખલેલ પહોંચાડતા. ત્રણેય ભાઈઓનો ઝઘડો એટલો વધ્યો કે એ ત્રણેય અંતે જુદા થયા અને શ્રીમા પોતાના એક ભાઈ પ્રસન્નકુમારના ઘરે રહેતાં. આમ છતાં પણ બીજા બંને ભાઈઓ સાથે એમનો સંબંધ એક આપ્તજન જેવો રહ્યો. એમના ભાઈની પુત્રી માકૂ અને નલિનીદીદી એમની સાથે રહેતાં. સાસરિયાના ત્રાસને લીધે નલિનીદીદી સાસરે રહી ન શક્યાં અને પોતાનાં પ્રથમ પત્નીના મૃત્યુ પછી પ્રસન્ન કુમારે લગ્ન કરતાં અપરમાના ત્રાસને લીધે તેઓ શ્રીમા પાસે રહેવાં ગયાં. માકૂની દશા પણ આવી જ હતી, એટલે એ પણ માને આશરે રહેવા લાગ્યાં. એમના નાના ભાઈ અભયની પુત્રી રાધારાણી પણ શ્રીમા સાથે રહેતાં. તેઓ ગાંડા જેવાં હતાં અને સાસરે લગભગ જતાં જ નહિ. એમના ભાઈ કાલીકુમારનો પુત્ર ભૂદેવ પણ શ્રીમા સાથે રહેતો. આને લીધે શ્રીમા જ્યારે જ્યારે જયરામવાટીથી બહાર બીજે સ્થળે જતાં ત્યારે એમનાં આ બધાં પરિવારજનોને સાથે લઈને જવું પડતું. ધીમે ધીમે શ્રીમાનાં પરિવારજનો અને ભક્તજનોના આગમનની સંખ્યા વધતી ગઈ. આ બધાં વ્યવસ્થિત રહી શકે એટલે સ્વામી સારદાનંદ (શરત્‌ મહારાજે) થોડું ધન એકઠું કરીને એક નવું મકાન શ્રીમા માટે બંધાવી આપ્યું. અહીં મે, ૧૯૧૬થી શ્રીમા રહેવા લાગ્યાં. શ્રીમા આ બધાં રોજિંદા કાર્યો અને પરિવારજનોની રોજિંદી સમસ્યાઓનો સામનો સતત કરતાં રહેતાં, પણ પોતાનામાં રહેલ અપ્રતીમ સહિષ્ણુતા અને તિતિક્ષાને લીધે પોતાના તપોમય જીવનના યજ્ઞકાર્યની સાથે આ કાર્યો પણ ચાલતાં રહ્યાં. તિતિક્ષા એ કોઈ નિર્બળતાની નિશાની નથી પરંતુ એ આંતરિક બળનું મોટું પ્રતીક છે. આવા તિતિક્ષામય જીવન દ્વારા મા સર્વ કોઈને આ અમૂલ્ય સંદેશ આપે છે : ધરતી જેમ પોતાના પર પર્વતો, નદીઓ, જંગલો, પ્રાણીઓ, પશુઓ, માનવો વગેરેના ભારને હજારો હજારો વર્ષથી સહન કરે છે તેવી જ રીતે આપણે પણ સહન કરતાં શીખવું જોઈએ. આ સહિષ્ણુતાનો અર્થ એવો નથી કે ગમે તે પરિસ્થિતિમાં આપણે ચૂપ જ રહેવું જોઈએ. સમય, કાળ અને પરિસ્થિતિ પ્રમાણે વ્યક્તિએ કેવી રીતે સારું અનુકૂલન સાધવું એ જ સાચી તિતિક્ષાનું લક્ષણ છે અને તેનું આગવું પાસું છે. ભાગેડુ વૃત્તિવાળા, મિથ્યાભિમાનીઓ અને નિંદકો હંમેશાં ગણગણાટ કરતા રહીને પોતાની નિર્બળતા અને નિષ્ફળતાના દોષનો ટોપલો બીજાના માથે નાખવાનો પ્રયાસ કરે છે, પોતાની જાતને ક્યાંય સમાવી શકતા નથી અને અનુકૂલન પણ સાધી શકતા નથી. આનો અર્થ એ થયો કે પોતાના મિથ્યાભિમાનને સંયમમાં રાખીને, નિરભિમાની બનીને બીજા સૌ કોઈ સાથે હળીમળીને સુમેળથી રહેવું અને સાચું સમાધાન અને અનુકૂલન કેળવવું એ જ સાચી તિતિક્ષા છે.

સામાન્ય રીતે સાધકો તિતિક્ષાનો અર્થ પોતાના દેહને અત્યંત કષ્ટપીડા આપીને, ઉપવાસાદિ વ્રતોનું ચુસ્તપણે પાલન કરીને, કઠોર તપોમય જીવન જીવવું એવો કરે છે. આ એક અભાવાત્મક દૃષ્ટિકોણ છે. તિતિક્ષાનો ભાવાત્મક દૃષ્ટિકોણ આવો છે : માનસિક અને આધ્યાત્મિક શક્તિ કેળવીને જીવનનાં બધાં પડકાર કરતાં પ્રશ્નો, સમસ્યાઓ, મુશ્કેલીઓ અને આપત્તિઓનો સામનો હિંમત અને નીડરતાથી કરવો જોઈએ. શ્રીશંકરાચાર્યે વિવેકચૂડામણિના એક શ્લોકમાં આમ કહ્યું છે :

સહનં સર્વદુ:ખાનાં અપ્રિતિકારપૂર્વકમ્‌ ।
ચિંતાવિલાપરહિતં સા તિતિક્ષા નિગદ્યતે ॥

‘સમસ્ત દુ:ખોને અપ્રતિકારપૂર્વક વેઠવાં – ફક્ત એટલું જ નહિ પણ એ વિશેનો મનમાં પણ લેશમાત્ર ચિંતા વિલાપ કર્યા વિના સહન કરવું એટલે તિતિક્ષા.’

શ્રીમાના જીવનમાં તિતિક્ષાના આ બધા સદ્‌ગુણો સહજ હતા. એને માટે એમને ક્યાંય કૃત્રિમ પ્રયાસ કરવા પડ્યા ન હતા. શ્રીરામકૃષ્ણ જ્યારે કાશીપુરમાં હતા ત્યારે એક દિવસ તેમણે પોતાના ભત્રીજા રામલાલને બોલાવીને કહ્યું: ‘તારાં કાકી (શ્રી શ્રીમા) કામારપુકુરમાં જ રહે એ તું જોજે.’ રામલાલે અચકાતાં અચકાતાં જવાબ આપ્યો: ‘એમની જ્યાં ઇચ્છા હશે ત્યાં તેઓ રહેશે.’ એના કહેવાનો ગૂઢાર્થ સમજીને શ્રીઠાકુરે ઠપકો આપતાં કહ્યું: ‘આ શું કહે છે? તું પુરુષ શા માટે થયો છે?’ રામલાલે શ્રીમાનાં ભરણપોષણ માટે કોઈ જવાબદારી તો ન લીધી પણ ઊલટાની વધારે મુશ્કેલી ઊભી કરી. દક્ષિણેશ્વરના મુખ્ય વ્યવસ્થાપક મથુરબાબુના પુત્ર ત્રૈલોક્યનાથ વિશ્વાસે માતાજીનાં ભરણપોષણ માટે દર મહિને ૭ રૂપિયા આપવાનું નક્કી કર્યું. શ્રીમાની ગેરહાજરીમાં રામલાલે કાલીમંદિરના ખજાનચીના કાને એવી વાત ભરી દીધી કે શ્રીમાને તો ભક્તજનો પાસેથી પૂરતા પૈસા મળતા રહે છે અને એ નિ:સંતાન વિધવાને એનાથી વધારે પૈસાની જરૂર નથી. આ રકમ મળવાની બંધ થતાં શ્રીમાને કામારપુકુરમાં પોતાનો નિર્વાહ કરવો દુષ્કર બની ગયો હતો. જ્યારે નરેન્દ્રનાથને આ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે એમણે વિનંતીપૂર્વક એ સહાય ચાલુ રહે એવો પ્રયાસ કર્યો પણ એમાંય એમને સફળતા ન મળી. આ ખબર માતાજીને મળ્યા ત્યારે જરાય અધીર-અસ્થિર થયા વિના તેમણે કહ્યું: ‘આ સહાય બંધ કરી તો ભલે કરી, શ્રીઠાકુર પોતે ચાલ્યા ગયા અને હવે એ રૂપિયા લઈને મારે શું કરવું?’ શ્રીઠાકુરે લક્ષ્મીદીદીને શ્રીમા સાથે કામારપુકુરમાં રહેવાનું કહ્યું હતું પરંતુ લક્ષ્મીદીદી તો કોલકાતામાં પોતાના ભાઈને ઘરે રહેવાં ચાલ્યાં ગયાં અને શ્રીમા કામારપુકુરમાં એકલાં રહેવાં લાગ્યાં. એકટાણાં, ઉપવાસ, શારીરિક શ્રમ, સ્વેચ્છાએ અપનાવેલી ગરીબી વગેરેના ચૂસ્ત પાલન દ્વારા શ્રીમા શ્રીઠાકુરની ઇચ્છાનું અક્ષરશ: પાલન કરી રહ્યાં હતાં. શારીરિક અને માનસિક સહિષ્ણુતાને પણ સીમા હોય છે. જ્યાં વાતાવરણની બધી પ્રતિકૂળતા હોય ત્યાં કોઈ પણ સાધક પોતાનું આત્મસન્માન જાળવીને રહી શકે નહિ. કુટુંબોમાં ચાલતા ક્લેશો અને ગામનું આધ્યાત્મિક અને નૈતિક વાતાવરણ પણ શ્રીમા માટે અસહ્ય હતું. આને લીધે જ એમણે જયરામવાટી જવાનું નક્કી કર્યું અને તેઓ ત્યાં ગયાં. છતાંય ભક્તોની ટીકા બંધ ન થઈ. તમે કામારપુકુરનો ત્યાગ કેમ કર્યો એમ અવાર-નવાર તેઓ પૂછતાં રહેતાં. એક ભક્તે તો કટાક્ષથી આમ પૂછી પણ નાખ્યું: ‘મા, તમે તો શ્રીરામકૃષ્ણના ગામ કામારપુકુરમાં જતાં જ નથી, એમ કેમ? કોલકાતાથી સીધા પીયર (જયરામવાટી) જ ઊતરો છો, શું આપના પૂર્વજોની આવી પ્રથા છે?’ આ સાંભળીને અવિચલ મને શ્રીમાએ હસતાં હસતાં જવાબ આપતાં કહ્યું: ‘ના બેટા, એમનું ઘર હું કેમ ભૂલી શકું? તેઓ હવે સદેહે નથી એટલે એમના વિના કામારપુકુર જવાથી મને દુ:ખ થાય છે, એટલે જતી નથી.’ પણ મૂળ કારણ તો સગાઓનું શત્રુતાભર્યું વલણ હતું, જે એમના માટે અસહ્ય બની ગયું હતું. આ બધું તેઓ સહન કરતાં જ રહ્યાં. કોઈના વિશે ટીકાટિપ્પણ કરવી કે એમની નિંદા કરવી એ એમના સ્વભાવમાં ન હતું.

શ્રીમાના કૌટુંબિક જીવન પર વિચાર કરીએ તો સંસારી લોકોને ઘણું ઘણું શીખવા મળે છે. એ જ્ઞાનનું ચિંતન-મનન કરવાથી જીવનના લક્ષ્ય તરફ કેવી રીતે સાચી પ્રગતિ કરીને આગળ વધવું તે માટેની પ્રેરણા પણ એમાંથી મળે છે. ઉદ્વેગ, ક્લેશ અને અસંતોષપૂર્ણ સાંસારિક-સામાજિક સમસ્યાઓમાં પૂરેપૂરા અટવાયેલા હોવા છતાં સર્વદા સર્વક્ષેત્રમાં શ્રીમાનો વ્યવહાર દિવ્યજ્યોતિથી પ્રકાશિત થતો જોઈ શકાય છે. પુરુષો કરતાં કૌટુંબિક ઉપાધિઓની વચ્ચે રહેતી સ્ત્રીઓને માટે માતાજીનું જીવન વધારે દાખલારૂપ છે. જયરામવાટીમાં માતાજી કેવા પ્રતિકૂળ વાતાવરણમાં રહેતાં હતાં તેનો સહેજ ખ્યાલ મેળવવા માટે મામાઓની (શ્રીમાના ભાઈઓની) વર્તણૂંક ઉપરથી આપણને ખ્યાલ  આવશે. શ્રીમા જ્યારે કામારપુકુર કે કોલકાતા રહેતાં હતાં ત્યારે પત્ર લખીને તેઓ તેમને આર્થિક સહાય માટે અથવા કૌટુંબિક ક્લેશો વિશે લખતા. કોઈએ જ્યારે કહ્યું:  ‘મા, પ્રભુને પ્રાર્થના કરો કે એમને ખૂબ પૈસા મળે, ખૂબ ભોગ કરી લે જેથી તેમની ભોગનિવૃત્તિ થાય.’ ત્યારે માએ જવાબ આપ્યો: ‘ભોગ કરવાની ઇચ્છા શું કદી પૂરી થાય, સંસારી લોકોની ઇચ્છાનો કોઈ અંત છે ખરો? એ લોકો તો ફક્ત પૈસા પૈસા જ કરે છે; ફક્ત ‘પૈસા આપો, પૈસા આપો’ એમ કહે છે; કોઈ દિવસ ભૂલથી પણ જ્ઞાન કે ભક્તિ માગતા નથી.’  શક્તિસંપન્ન છતાં પણ અવિચારી ભાઈઓ ઉપરાંત શ્રીમાએ નાદાન અને લાચાર ભત્રીજીઓનો ભાર પણ વેંઢારવો પડતો. વધુમાં તો પોતાના નાના ભાઈ અભયની વિધવા પત્ની જેને ભક્તો પગલીમામી તરીકે જાણતા તે સુરબાલાનું ગાંડપણ પણ ક્યારેક એટલું બધું વધી જતું કે માતાજી બોલી ઊઠતાં: ‘કદાચ મેં શંકરની પૂજા કાંટાવાળાં બિલ્વપત્રથી કરી હશે, એટલે જ એ કંટક રૂપે મારા જીવનમાં આવી પડી છે.’

પણ એમનાં દુ:ખકષ્ટનો હજુ અંત નજીક ન હતો. એમનાં માતા શ્યામાસુંદરીદેવી પાસે તેઓ થોડા પ્રેમ-સ્નેહની અપેક્ષા રાખી શકતા તેઓ પણ થોડા સમયમાં જયરામવાટીમાં મૃત્યુ પામ્યાં. ક્રમશ: પિતા, પતિ, મામા અને છેલ્લે માતા એક પછી એક બધાં એમને છોડીને ચાલ્યાં ગયાં. શ્રીમાના શિષ્યસેવક સ્વામી યોગાનંદ પર તેઓ પૂર્ણપણે આધારિત રહેતાં. એમનું મૃત્યુ પણ અકાળે થતાં એમના પર દુ:ખનાં વાદળ છવાઈ ગયાં. 

આટલાં બધાં દુ:ખનાં વાદળ સતત છવાતાં ગયાં પણ શ્રીમા તો સ્થિર, ધીર અને શાંત મન રાખીને જ રહ્યાં. આપણે એમ કહી શકીએ કે જે લોકો જગતમાં આદર્શ સ્થાપવા માટે જન્મ લે છે તેમનું હૃદય એટલું કુમળું હોય છે કે બીજાને દુ:ખે તેઓ દુ:ખી થાય છે છતાં જગતનું કર્તવ્ય પાલન કરવાનું તેમનું મનોબળ પણ અત્યંત દૃઢ હોય છે. વિપરિત સંજોગોમાં પણ તેઓ પોતાનું લક્ષ્ય કે ધ્યેય છોડતાં નથી. ભલે શ્રીમા થોડા સમયગાળા માટે એક દુ:ખ વિષાદના વહેણમાં આવી ગયાં પણ એમાં તેઓ કાયમને માટે તણાઈ કે ડૂબી ન ગયાં. માતાજીના કૌટુંબિક જીવન તરફ આપણે જોઈએ તો એમાં અનાસક્તિનાં દર્શન થશે. કામ કરતાં કરતાં જાણે કે સાધારણ માણસની જેમ તેઓ દુ:ખશોકથી જર્જરિત લાગે પણ એમના આચરણમાં માયાનું બંધન જોવા ન મળે. એ બધામાં એમનું નિર્લિપ્તભાવવાળું સ્વરૂપ જ આપણને જોવા મળે.

ભાઈ કાલી અને વરદાએ પોતાની જગ્યાની આડે વાડ કરી લીધી એથી આવવા-જવામાં અડચણ થતાં એમની વચ્ચે જીભાજોડી અને પછી જપાજપી થઈ ગઈ. આ બધું જોઈને શ્રીમા અત્યંત ગુસ્સે થઈ ગયાં પણ એક પળવારમાં એમનો ગુસ્સો દૂર થઈ ગયો અને સંસારના રંગમંચ પર સ્વાર્થભર્યા સંઘર્ષોની પાછળ જે એક શાશ્વત શાંતિ રહેલી છે તે જ જાણે કે એમની સામે ઊભી થઈ. અને તેઓ હસતાં હસતાં કહેવા લાગ્યાં: ‘મહામાયાની કેવી માયા! અનંત પૃથ્વી પડી છે. આ બધું પણ અહીં જ પડ્યું રહેશે. આ ક્ષુદ્ર જીવ આટલું પણ સમજી શકતો નથી!’ આટલું કહીને તેઓ ફરી પાછા ખડખડાટ હસવા લાગ્યાં.

પોતાના સગાંવહાલાંની આવશ્યકતાઓ પૂરી પાડવી અને તેમની સુખસમૃદ્ધિમાં વધારો કરવો એ ગૃહસ્થીઓનું પ્રથમ મહત્ત્વનું અને મુખ્ય કર્તવ્ય છે. કોઈ તટસ્થભાવે જુએ તો એમાં સ્વાર્થની પણ ગંધ આવે. બ્રહ્મમાં પ્રતિષ્ઠિત રહેલો માણસ આ બધું જાણે છે છતાં નિર્બળ મનના માનવીની ટીકા કરતો નથી, ઊલટું જીવનસંગ્રામમાં ઝઝૂમતા આવા ગૃહસ્થીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવે છે. તેનો અભાવાત્મક ભાવ દૂર કરવા મથે છે. શ્રીમાના જીવનમાં આવી અનેક ઘટનાઓ આપણને જોવા મળે છે.

ગોરપદાના કામ માટે શ્રીમાના ભાઈ પ્રસન્ન કોલકાતા ગયા. તેમણે કહ્યું: ‘બેન, તમે અહીં ને મારે કોલકાતા જવું પડે છે. અને (બીજો ભાઈ) કાલી દેશમાં જ પોતાના કુટુંબ સાથે રહી, જમીન લઈને મજા કરે છે. આ ઘરડી ઉંમરે મારે જ બાર ભટકવું પડે છે.’ આ સાંભળીને કાલી બોલ્યો: ‘મોટી બહેન પાસેથી પૈસા મેળવવા આવો કકળાટ કરે છે?’ પ્રસન્ને કહ્યું: ‘તું માને કે ન માને હું મોટીબહેન પછી ને તું મારા પછી. તું બહેનને ક્યાં ઓળખે છે, તું તો એના પૈસાને ઓળખે છે.’ આ સાંભળીને માએ હસીને કહ્યું: ‘મારા ભાઈઓ તો ખરેખર રત્નો જ છે! ગયે જન્મે એમણે તપ કરીને કમળપૂજા કરી હશે એટલે જ હું એમના જીવનમાં આવી છું.’

(ક્રમશ:)

Total Views: 80

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.