આપણે જે વિશ્વને જોઈએ છીએ અને અનુભવીએ છીએ તે બદ્ધ અને મુક્ત  શક્તિઓનું પોટલું છે. આધુનિક વિજ્ઞાનની આ શોધ છે. તેણે પ્રસંગવશાત્‌ પદાર્થ અને શક્તિ વચ્ચેના તફાવતને નાબૂદ કરી દીધો છે. તદનુસાર પદાર્થ અને શક્તિની પાછળ એક મૂળભૂત શક્તિ રહેલી હોય છે. છતાં ય એક બાજુ પદાર્થ અને બીજી બાજુ મન અને જીવન વચ્ચેના સંબંધને શોધી કાઢવાથી દૂર રહ્યું હોય એમ જણાય છે. તેઓ એકબીજાથી વિરુદ્ધ દિશાનાં જણાય છે, તે છતાં શું તેઓ એક જ મૂળભૂત શક્તિનાં પ્રકટ સ્વરૂપો છે? એમ હોઈ શકે ખરું કે એક જ શક્તિ કે પદાર્થ સ્પંદનની એક કક્ષાએ ‘પદાર્થ’ કહેવાય છે, બીજી કક્ષાએ ‘મન’ કહેવાય છે, તે પછીની બીજી કક્ષાએ ‘જીવન’ કહેવાય છે? ‘આધુનિક વિજ્ઞાન અને વિજ્ઞાનીઓએ પોતાનું મોટા ભાગનું ધ્યાન સ્થૂળ રીતે પ્રકટ જગત પર કેન્દ્રિત કરેલું છે; તેઓ આ શક્યતાને સાચી તરીકે સ્વીકારવા તૈયાર પણ નહીં થાય? વેદાન્ત અને તેને લગતા અન્ય ગ્રંથો, સામાન્ય રીતે તંત્ર (દૈવી માતાના સંપ્રદાયનો બોધ કરાવતું હિન્દુ ધાર્મિક સાહિત્ય હિન્દુ ધર્મનું વિશાળ સાહિત્ય છે.) તરીકે ઓળખાતા ગ્રંથોના પાયા પર રહેલું હિન્દુ દર્શન આ જ વાત ધારણા તરીકે રજૂ કરે છે. સમસ્ત સર્જનની ગંગોત્રી અને એનું ભરણપોષણ કરનાર પરિબળ, પદાર્થ કે જીવન કે મનની કક્ષાએ, એક અને એક જ છે. એ શક્તિ છે. વેદાન્તનું બ્રહ્મ (પરમતત્ત્વ) અને તંત્રોની શક્તિ કે દેવી એ બન્ને એક જ છે. એ શક્તિ સ્થિર સ્થિતિમાં બહારથી કે અંદરથી કશી ઉત્ક્રાંતિ થઈ હોતી નથી, અને જે વિશ્વનું સર્જન થવાનું છે, તેનું બીજ પણ જાણે કે વવાયું નથી, તેને બ્રહ્મ કહેવામાં આવે છે. જ્યારે એની ઉત્ક્રાંતિ આ સૃષ્ટિરૂપે થવા માંડે છે, એને ટકાવી રાખે છે અને અંતે પોતામાં સમાવી લે છે, ત્યારે તેને શક્તિ કહેવામાં આવે છે. ગૂંચળું વળીને પડી રહેલો સાપ એ જો બ્રહ્મ હોય તો તે જ સાપ જ્યારે ગતિમાન થાય છે, ત્યારે તેને શક્તિ કહેવામાં આવે છે. જો બ્રહ્મને શબ્દ કહેવામાં આવે તો શક્તિ એ તેનો અર્થ છે. જો બ્રહ્મ અગ્નિ જેવું હોય તો શક્તિ એની દાહકતા છે. બન્નેને જુદાં પાડી શકાતાં નથી : – બેમાં એક અને એકમાં બે.

હિન્દુ પુરાણકથાશાસ્ત્ર સાહિત્યમાં અને તંત્રોમાં પણ આ શક્તિનું આલેખન સ્ત્રી દેવતા – દેવી – તરીકે કરવામાં આવ્યું છે, તેનો બીજો અડધો ભાગ પુરુષ દેવતા હોય છે. ત્રિમૂર્તિના દરેક સભ્યને પોતાની શક્તિ કે દેવી અર્ધાંગિની તરીકે છે : બ્રહ્માની સરસ્વતી; વિષ્ણુની લક્ષ્મી અને શિવની પાર્વતી. છતાંય છેલ્લા કેટલાક સૈકાઓથી જે માતૃ-સંપ્રદાયની ઉત્ક્રાંતિ થઈ છે, તેમાં મુખ્યત્વે શિવનાં અર્ધાંગિની પાર્વતી કેન્દ્રમાં રહ્યાં છે.

કેટલાક સૂચવે છે તે રીતે માતૃ – પૂજા અને માતૃસંપ્રદાય વૈદિક ધર્મ માટે બહારની વસ્તુ નથી. અદિતિની વિભાવના એ પ્રકૃતિનું માનવીકરણ છે. તેને દેવોની માતા તરીકે આલેખવામાં આવેલ છે. ઋગ્વેદનાં અમ્ભૃણી સૂક્ત અને રાત્રિસૂક્તમાં માતૃ – પૂજાનાં બીજ સ્પષ્ટ રીતે રહેલાં જોઈ શકાય છે.

સરસ્વતી

સરસ્વતી શક્તિ છે અને વિશ્વના સર્જનહાર બ્રહ્માની અર્ધાંગિની શક્તિ છે. આથી એ સમગ્ર સૃષ્ટિની જનની – માતા – સર્જકશક્તિ છે.

શબ્દશ: સરસ્વતીનો અર્થ છે ‘વહેતી.’ ઋગ્વેદમાં તે નદી અને તેની અધ્યક્ષ દેવીનું પ્રતિનિધિત્વ કરે છે. આથી તે ફળદ્રુપતા અને વિશુદ્ધિ સાથે જોડાયેલ છે. તેનું વર્ણન કરતાં કેટલાંક નામો જોઈએ તો : સારદા (સાર આપનારી) – વાગીશ્વરી (વાણીની અધિષ્ઠાત્રી દેવી) – બ્રાહ્મી (બ્રહ્માની પત્ની) – મહાવિદ્યા (સર્વોચ્ચ પરમ જ્ઞાન) વગેરે.

અહીં જોઈ શકાય છે કે પછીના પુરાણકથાશાસ્ત્રીય સાહિત્ય સરસ્વતીની જે વિભાવના વિકસાવી છે એ અહીં રજૂ થઈ છે. રૂપકાત્મક રીતે લેવામાં આવે તો ‘વહેતી’ વાણીનું પ્રતિનિધિત્વ પણ કરી શકે. સુગ્રથિત સૃષ્ટિનું જેમાંથી સર્જન થાય છે, તે સંપૂર્ણ વાણી શક્તિ અને બુદ્ધિને અગાઉથી માની લઈને ચાલે છે.

આ દેવીને બધાં જ્ઞાન- કલાઓ, વિજ્ઞાનો, હાથ-કારીગરી અને અન્ય કૌશલોનું માનવીકરણ માનવામાં આવે છે. જ્ઞાન એ અજ્ઞાનરૂપી અંધકારનું વિરોધી છે. આથી તેનું વર્ણન વિશુદ્ધ ધવલરંગવાળી તરીકે કરવામાં આવે છે. તે બધાં વિજ્ઞાનો, કલાઓ, હાથકારીગરી અને કૌશલોની અધિષ્ઠાત્રી છે, તેથી વધારે સૌંદર્યવતી અને આકર્ષક હોવી જોઈએ. તેની વેશભૂષા નિષ્કલંક સફેદ હોય છે અને તેનું આસન કમળ પર હોય છે. તેના ચાર હાથોમાં વીણા, અક્ષમાળા અને પુસ્તક હોય છે. જો કે આ વસ્તુઓ સામાન્ય રીતે જોવામાં આવે છે, તેમાં ક્વચિત્‌ કેટલાંક ફેરફારો પણ જોવામાં આવે છે. બીજી વસ્તુઓ જોવામાં આવે છે તે છે – પાશ (ફાંસલો), અંકુશ, પદ્‌મ, ત્રિશૂલ, શંખ, ચક્ર વગેરે વગેરે. કોઈ કોઈ વાર તેને પાંચ મુખ અને આઠ હાથવાળી પણ આલેખવામાં આવી છે. ત્રણ આંખો અથવા નીલ કંઠ પણ અસામાન્ય નથી. આ પ્રકારના કિસ્સામાં તેને દુર્ગા અથવા પાર્વતીનું સ્વરૂપ મહાસરસ્વતી કહેવામાં આવે છે.

તેના કોઈ વિશિષ્ટ વાહનનો અલગ રીતે નિર્દેશ કરવામાં આવતો નથી. પણ તેના પતિ બ્રહ્માના વાહન હંસને તેની સાથે પણ સામાન્ય રીતે સાંકળી લેવામાં આવે છે. લોકપ્રિય પુરાણકથા સાહિત્યમાં અને ચિત્રોમાં તેની સવારી મોર પર હોય એવું દર્શાવવામાં આવે છે.

તેનાં પ્રતીકો જોઈએ તો : સર્જનહાર બ્રહ્માની પત્ની હોવાને લીધે તેમની શક્તિ અને બુદ્ધિમત્તાનું એ પ્રતિનિધિત્વ કરે છે. આ બન્ને ગુણો વિના તો વ્યવસ્થિત સર્જન અસંભવ હોય છે. આ બુદ્ધિશક્તિ વિશાળ અને તદ્દન વિશુદ્ધ છે એમ દર્શાવવા માટે તેનું ચિત્ર સફેદ અને આંજી નાખે તેવું હોય છે.

તેના ચાર હાથ દર્શાવે છે કે તેની શક્તિ નિર્વિઘ્ને સર્વ દિશાઓમાં કામ કરે છે અથવા તે સર્વવ્યાપક છે.

તે જ્ઞાનની દેવી છે, તેથી સમુચિત રીતે જ તેના ડાબા હાથમાં પુસ્તક પકડેલું દર્શાવવામાં આવે છે. આ પુસ્તક બિનસાંપ્રદાયિક વિજ્ઞાનોના બધા વિસ્તારોનું પ્રતિનિધિ છે. ઉચ્ચ લાગણીઓ, ભાવનાઓ અને ઊર્મિઓનો સંસ્પર્શ પામ્યા વિનાના હૃદય વિના માત્ર બૌદ્ધિક ભણતર શુષ્ક બની જાય છે. તેથી તેને વીણાવાદન કરતી દર્શાવવામાં આવે છે. લલિત કલાઓની કેવળણીની જરૂર દર્શાવવા માટે આ પ્રતીક છે. પછી તેના જમણા હાથમાં અક્ષમાલા બતાવવામાં આવે છે. બધાં આધ્યાત્મિક વિજ્ઞાનો અથવા તપ, ધ્યાન અને જપ સહિત યોગનું આ પ્રતીક છે. તેના ડાબા હાથમાં પુસ્તક હોય છે અને જમણા હાથમાં માળા હોય છે. દેખીતી રીતે તેનો અર્થ એ સમજવાનો છે કે તે આધ્યાત્મિક વિજ્ઞાનો અને બિનસાંપ્રદાયિક વિજ્ઞાનોનો બોધ કરાવી રહી છે. આમાં વિજ્ઞાનોનો પ્રથમ પ્રકાર વધુ મહત્ત્વનો છે.

મયૂર અને તેનાં સુંદર પીછાં દ્વારા આભા સાથે રહેલા જગતનો અર્થ સમજવાનો છે. જગતનાં આકર્ષણો આધ્યાત્મિક સાધકને ગેરમાર્ગે દોરી જાય એ સંભવિત છે, તેથી મોર એ અવિદ્યા (કે અજ્ઞાનનું) પ્રતીક બની રહે છે. બીજે પક્ષે હંસને નીરક્ષીરનો વિવેક કરનાર વિશિષ્ટ શક્તિ તરીકે માનવામાં આવે છે. આથી તે વિવેક (શાણપણ, સાચું-ખોટું પારખવાની શક્તિ – અર્થાત્‌ વિદ્યા (જ્ઞાનનું) પ્રતીક બની રહે છે. એ સાચું છે કે વિદ્યા અથવા પરાવિદ્યા (આધ્યાત્મિક જ્ઞાન) જ મોક્ષ આપી શકે, પરંતુ તે છતાંયે બિનસાંપ્રદાયિક જ્ઞાનની સૂચક અવિદ્યા- વિજ્ઞાનો અને દુન્વયી કલાઓની ઉપેક્ષા ન થવી જોઈએ. ઈશાવાસ્ય ઉપનિષદ (૧૧) કહે છે, તે રીતે આપણે બિનસાંપ્રદાયિક વિજ્ઞાનો દ્વારા આપણી ભૂખ અને તરસ સંતોષીને પછી જ આધ્યાત્મિક વિજ્ઞાનો દ્વારા અમરતા મેળવી શકીએ છીએ. 

(अविद्या ते मृत्युं तीर्त्वा विद्ययाऽमृतमश्नुतै ॥) 

આ સત્યનો બોધ કરાવવા માટે જ મા સરસ્વતીએ મયૂર અને હંસ – એમ બે વાહનો સ્વીકાર્યાં છે.

લક્ષ્મી

જગતમાં જ્ઞાનવિજ્ઞાનની દેવી સરસ્વતી કરતાં સમૃદ્ધિની દેવી લક્ષ્મીની ઉપાસના વધારે કરવામાં આવે છે, તેનાં કારણો દેખીતાં છે. તે વિષ્ણુની શક્તિ અને પત્ની હોવાને લીધે તેને ભરણપોષણ કરનાર વિપુલતા અને ધનની દેવી તરીકે આલેખવામાં આવે છે. ભરણપોષણ માટે આ બન્નેની સરખી જરૂર રહે છે.

વેદોમાં ‘શ્રી’ અથવા ‘લક્ષ્મી’ તરીકે આલેખાયેલ આ દેવી સંપત્તિ અને ભાગ્ય, શક્તિ અને સૌંદર્યની દેવી છે. જો કે એવું માનવાના કારણને અવકાશ છે કે ‘શ્રી’ અને ‘લક્ષ્મી’ બે જુદી જુદી દેવીઓ છે, છતાં પણ તેમના વર્ણનો એટલાં બધાં સરખાં છે, કે આપણને એવા નિર્ણય પર આવવું પડે છે કે તેઓ એક જ દેવતાનું પ્રતિનિધિત્વ કરે છે. કેટલાક વિદ્વાનો માને છે કે ‘શ્રી’ એ પ્રાક્‌ – વૈદિક દેવતા હતી અને તેનો સંબંધ ફળદ્રુપતા, પાણી અને કૃષિ સાથે હતો. પછીથી તેનું સંયોજન (કે એકીકરણ) વેદની સૌંદર્યની દેવી લક્ષ્મી સાથે કરી દેવામાં આવ્યું હતું.

પુરાણોના મતાનુસાર તેના પ્રથમ અવતારમાં તે ભૃગુઋષિ અને તેમની પત્ની ખ્યાતિની પુત્રી હતી. પછીથી જ્યારે ક્ષીરસાગરનું મંથન કરવામાં આવ્યું ત્યારે તેમાંથી એનો પ્રાદુર્ભાવ થયો હતો. તે વિષ્ણુની પત્ની હોવાથી જ્યારે જ્યારે વિષ્ણુ અવતાર લે છે, ત્યારે ત્યારે આ દેવી પણ અવતરે છે. જ્યારે વિષ્ણુના અવતારો વામન, પરશુરામ, રામ અને કૃષ્ણ તરીકે થયા છે, ત્યારે તે દેવી પદ્‌મા (અથવા કમલા), ધરણી, સીતા અને રુકિમણી તરીકે અવતરી છે. જેમ શબ્દ અને તેના અર્થને, અથવા જ્ઞાન અને બુદ્ધિને, અથવા સત્કાર્ય અને ધાર્મિકતાને એકબીજાથી અલગ પાડી શકાતાં નથી, તેવી જ રીતે આ દેવીને વિષ્ણુથી અલગ પાડી શકાતી નથી. પુરુષત્વને લગતી બધી બાબતોનું પ્રતિનિધિત્વ દેવ (વિષ્ણુ) કરે છે અને સ્ત્રીત્વને લગતી બધી બાબતોનું પ્રતિનિધિત્વ આ દેવી (લક્ષ્મી) કરે છે.

સામાન્ય રીતે લક્ષ્મીને મોહક રીતે સૌંદર્યવતી, કમલ પર ઊભેલી અને બન્ને હાથોમાં કમલ ધારણ કરતી હોય તે રીતે આલેખવામાં આવે છે. કદાચ આને લીધે જ તેનાં નામ પદ્‌મા અથવા કમલા પાડવામાં આવ્યાં છે. શણગાર તરીકે કમળનો હાર ધારણ કરતી પણ દર્શાવવામાં આવે છે. ઘણીવાર તેની બન્ને બાજુએથી હાથીઓ તેના પર ઘડામાંથી પાણીનો અભિષેક કરતા હોય અને અપ્સરાઓ એ ઘડા આપતી હોય એવી રજૂ કરવામાં આવે છે. તેના રંગનું વર્ણન જુદું જુદું મળી આવે છે જેમ કે શ્યામ, ગુલાબી, સોનેરી-પીળો અથવા સફેદ. જ્યારે તે વિષ્ણુ સાથે હોય છે ત્યારે તેને બે હાથવાળી જ રજૂ કરવામાં આવી છે. જ્યારે મંદિરમાં તેની પૂજા કરવામાં આવતી હોય છે – જો કે લક્ષ્મીનાં અલગ મંદિરો બહુ જ દુર્લભ છે – ત્યારે તેને પદ્‌મના આસન પર બેઠેલી અને પદ્મ, શંખ અમૃતકલશ તથા બિલ્વફલ ધારણ કરતા ચાર હાથવાળી દર્શાવવામા આવે છે. કેટલીકવાર બિલ્વફલને બદલે બીજી જાતનું ફળ મહાલિંગ – નારંગી -દર્શાવવામાં આવે છે. જ્યારે તેને અષ્ટભુજાવાળી દર્શાવવામાં આવે છે ત્યારે ધનુષ્ય અને બાણ, ગદા અને ચક્રનો ઉમેરો કરવામાં આવે છે. ખરું કહીએ તો આ દુર્ગાનું સ્વરૂપ મહાલક્ષ્મી છે.

આ ખૂબ પ્રતીકાત્મક ચિત્રની પાછળ એની જે સમજૂતી રહેલી છે, તેને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો જ્યારે તેને શ્યામવર્ણની દર્શાવવામાં આવે છે, ત્યારે એમ દર્શાવવામાં આવે છે કે તે વિષ્ણુની પત્ની છે. વિષ્ણુ શ્યામ રંગના દેવ છે. જો તેને સોનેરી -પીળા વર્ણની દર્શાવવામાં આવે છે ત્યારે એવું સૂચન છે કે તે બધી સંપત્તિની ગંગોત્રી છે. જો સફેદ વર્ણ હોય તો તે પ્રકૃતિ (નિસર્ગ)ના શુદ્ધતમ સ્વરૂપનું સૂચન કરે છે. તેમાંથી વિશ્વનો વિકાસ થયો છે. ગુલાબીવર્ણ વધારે સામાન્ય છે. તે બધાં પ્રાણીઓ માટેની તેની કરુણાનું દ્યોતક છે; કેમકે તે જગન્માતા છે.

તેના ચાર હાથો તેની ચાર પુરુષાર્થો માનવજીવનનાં લક્ષ્યો બક્ષવાની શક્તિનું સૂચન કરે છે – ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.

ખીલવાના અલગ અલગ તબક્કામાં રહેલાં કમળો લોક અને પ્રાણીઓની ઉત્ક્રાન્તિના વિવિધ તબક્કાનું સૂચન કરે છે.

આપણા શ્રમના ફળનું સૂચક તેના હાથમાં રહેલું ફળ છે. આપણે ગમે તેટલી મહેનત કરીએ પણ જ્યાં સુધી માની પૂરતી કૃપા ફળ બક્ષવાની બાબતમાં ન થાય ત્યાં સુધી કશું જ ફળદાયી નીવડતું નથી. જો તેના હાથમાં શ્રીફળ રહેલું હોય તો તેની કાચલી (કોપરું) ગર્ભ અને પાણી- નો અર્થ એ થાય છે કે તે દેવીમાંથી સૃષ્ટિની ત્રણ કક્ષાઓ – સ્થૂળ, સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ – ઉદ્‌ભવેલી છે. જો તે ફળ દાડમ કે નારંગી હોય તો તે એવું સૂચન કરે છે કે તેણે ઉત્પન્ન કરેલ લોક તેના નિયંત્રણ હેઠળ છે અને તે પોતે તે બધાથી પર છે. જો તે ફલ બિલ્વફળ હોય (તે પ્રસંગવશાત્‌ બહુ સ્વાદિષ્ટ કે આકર્ષક હોતું નથી પરંતુ સ્વાસ્થ્ય માટે બહુ સારું છે) તો તે આધ્યાત્મિક જીવનના સર્વોચ્ચ પુરુષાર્થ મોક્ષનું સૂચન કરે છે.

અમૃતકલશ એ જ વસ્તુ સૂચવે છે કે તે દેવી જ આપણને અમૃતત્વનો આનંદ આપી શકે છે.

કેટલાંક ગ્રંથોમાં લક્ષ્મીનું વાહન ઘૂવડ છે, એમ દર્શાવવામાં આવે છે. આ સાવ વિચિત્ર લાગે છે કે જેનો દેખાવ જ કદરૂપો હોય અને જેનું દર્શન જ અમંગલ માનવામાં આવતું હોય તેવું વિરૂપ પક્ષી સમૃદ્ધિ અને સૌંદર્યની દેવીનું  વાહન હોઈ શકે? પરંતુ એક વખત જો તેનું પ્રતીકાત્મક રહસ્ય ખુલ્લું થઈ જાય તો આપણે એ બિચારા પક્ષીનું અને કરુણાપૂર્ણ દેવીનું સાચું મૂલ્યાંકન કરી શકીશું.

સંસ્કૃત ભાષામાં ઘૂવડને માટે ‘ઉલૂક’ શબ્દ છે. દેવોના રાજા ઇન્દ્ર માટે વપરાતાં જુદાં જુદાં નામોમાંનું એક ઉલૂક પણ છે. આથી લોકો જેની કામના આખી જિંદગી સુધી કર્યા કરે છે, તે ધન, સત્તા અને કીર્તિના મૂર્તિમાન સ્વરૂપ એવા ઇન્દ્ર- દેવોના રાજા – સિવાય આ સમૃદ્ધિ અને સૌંદર્યની દેવીને બીજું કોઈ વધારે સારું વાહન સવારી કરવા માટે મળી શક્યું હોત? સાથે સાથે આધ્યાત્મિક સમૃદ્ધિને બદલે દુનિયવી સમૃદ્ધિની ખોજ કરતા રહેતા સાધકોને ચેતવણી પણ મળી જાય છે; કેમકે આ દેવીનું વર્ણન કરતાં ઇન્દ્રની કીર્તિને પણ આ કદરૂપા અને અંશત: અંધ પક્ષીની સાથે સરખાવવામાં આવી છે.

શ્રીમદ્‌ ભાગવત (૨.૬૯)માં આપવામાં આવેલા સુંદર વર્ણન પરથી આપણે ઉલૂકને સ્થિતપ્રજ્ઞ – સ્થિરબુદ્ધિવાળા – માણસ સાથે ઉદારતાપૂર્વક – સરખાવી શકીએ. તો પછી આપણે એ પ્રતીકનો અર્થ એવી રીતે ઘટાવી શકીએ કે માતા લક્ષ્મી આધ્યાત્મિક શાણપણની અધિષ્ઠાત્રી દેવી છે. આપણે એટલી ઉદારતા ન દાખવવી હોય તો તેની પાસેથી આપણે બીજી રીતે પણ એક પાઠ શીખી શકીએ એમ છીએ. જેમ કે ‘જ્ઞાનના સૂર્યના પ્રકાશની સામે તમારી આંખો બંધ ન કરી દો.’ માનવજાતિ માટે લાગણી હોવાથી કરુણાળુ માતાએ અજ્ઞાનના મૂર્તિમાન રૂપને પોતાના નિયંત્રણ હેઠળ રાખ્યું છે.

સમુદ્રમંથન

ક્ષીરસમુદ્ર મંથનની વાર્તા રસ પડે એવી અને બોધદાયક પણ છે. ગર્વને લીધે દુર્વાસા ઋષિનું અપમાન કરવાને લીધે દેવરાજ ઇન્દ્રે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું અને દાનવો ધણીરણી થઈ બેઠા. ભગવાન વિષ્ણુએ તેને સલાહ આપી કે દાનવો સાથે બરાબરી કરવા માટે તમે ક્ષીરસાગરનું મંથન કરો. એમાં તેમની (- દાનવોની) જ સહાય લો. તેમાંથી તમને અમૃત ઉપલબ્ધ થશે. એ અમૃતનું પાન કરવાથી દેવો પોતાનું સામ્રારાજ્ય પરત મેળવી શકશે અને અમર બની જશે. ભગવાનની સલાહ અનુસાર દેવો અને દાનવોએ સાગરનું મંથન શરૂ કર્યું. તેને માટે તેમણે મંદર પર્વતની રવાઈ બનાવી અને વાસુકિ નાગનું નેતરું (- દોરડું) બનાવ્યું. એ રવાઈ ઊંડી ઊતરી ન જાય એ માટે ભગવાન વિષ્ણુએ વિરાટ કાચબાનું સ્વરૂપ ધારણ કર્યું. અને દેવો તથા દાનવોનું સંયુક્ત સાહસ શરૂ થયું.

મંથનને પરિણામે સૌથી પહેલાં હાલાહલ નીકળ્યું. એ તો જીવલેણ વિષ હતું. મંગલકારી શિવે તેનું પાન કર્યું અને લોકોને વિનાશ પામતા અટકાવ્યા. પછી ક્રમશ: 

– કામધેનુ (બધી ઇચ્છાઓ પૂરી કરતી ગાય),

– ઉચ્ચે:શ્રવા (સફેદ ઘોડો), 

– ઐરાવત (એ નામનો હાથી),

– કૌસ્તુભમણિ (અજોડ રત્ન), –

– કલ્પવૃક્ષ (સર્વ ઇચ્છાઓ પૂરી કરનારું વૃક્ષ)

– લક્ષ્મી (સમૃદ્ધિની દેવી)

– સુરા અથવા વારુણી (દારૂની દેવી)

– ધન્વન્તરિ (દેવોના વૈદ્ય) પ્રકટ થયાં. ધન્વન્તરિના હાથમાં અમૃતનો કુંભ હતો. એમાંથી ઋષિઓ કામધેનુ ગાયને લઈ ગયા. (દાનવરાજ) બલીની નજર ઉચ્ચે:શ્રવા અશ્વ પર ઠરી, (દેવરાજ) ઇન્દ્રે ઐરાવત હાથી લઈ લીધો અને કલ્પવૃક્ષને સ્વર્ગના ઉદ્યાનમાં લઈ ગયા. વિષ્ણુએ કૌસ્તુભમણિ પહેરવા માટે પસંદ કરી લીધો અને લક્ષ્મીએ પોતાના નિવાસ તરીકે વિષ્ણુની છાતી પસંદ કરી લીધી. દાનવોએ સુરાનો સ્વીકાર ન કર્યો અને વિચિત્ર લાગે તે રીતે દેવોએ તેને અપનાવી લીધી. મૂળ સમજૂતી એવી હતી કે આ મંથનથી અમૃત નીકળે તે બન્ને પક્ષોએ (દેવોએ તથા દાનવોએ) સરખે ભાગે વહેંચી લેવું. પરંતુ દાનવો બળજબરીથી અમૃતનો કુંભ ધન્વન્તરિના હાથમાંથી ખૂંચવી ગયા અને એના પર પોતાનો જ દાવો આગળ કર્યો. સ્વાર્થ અને લોભને લીધે અસંમતિ, અસંતોષ અને સંઘર્ષને જન્મ આપ્યો. તેઓ અંદરઅંદર ઝઘડવા લાગ્યા.

આ તક ઝડપી લઈને વિષ્ણુ ભગવાને એક મોહક સ્ત્રી મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું. અમૃતનો કુંભ પોતાના હાથમાં લઈ લીધો અને ચાલાકી કરીને તેનું વિતરણ માત્ર દેવોમાં જ થાય એવી કરામત કરી. પછી જે અનિવાર્ય હતું, તે થયું. આ રીતે ઉપલબ્ધ થયેલા નવા જોશથી દેવો દાનવો પર તૂટી પડ્યા, તેમને પરાજિત કરી દીધા અને ગુમાવેલું સામ્રારાજ્ય પાછું મેળવી લીધું.

આ પુરાણકથામાં આપણા માટે મોટો બોધ રહેલો છે. મોટામાં મોટી સંખ્યાના લોકોનું શ્રેષ્ઠ કલ્યાણ સાધવા માટે સમાજના સમજુ લોકોએ સામાન્ય માણસોને કલહ શાન્ત પાડી દેવા – નાના નાના મતભેદો દૂર કરી દેવા અને કલ્યાણ સાધવા માટે સંયુક્ત પ્રયાસ કરવા – એકબીજાના સહકારથી શરૂ કરવા જોઈએ. આ કામ વિશાળ છે, તેથી એને સાધવાનો પ્રયાસ પણ એટલો જ વિપુલ માત્રામાં યોજવો જોઈએ. આવાં સંયુક્ત સાહસોનાં શરૂઆતનાં પરિણામો કદાચ સારાં અને બધાને ગમે તેવાં ન આવે. વ્યક્તિત્વોના સંઘર્ષને લીધે સ્વાર્થોના ઝઘડાને લીધે પ્રથમ હાલાહલ દેખાય છે અને પછી અમૃત! અને આ તો સંયુક્ત સાહસોમાં કુદરતી રીતે બનવાનું જ છે. આ જીવલેણ વિષ મંથન સાથે સંકળાયેલા બધા પક્ષોનો વિનાશ શરૂ કરી દે છે. તે જોવા બેસતું નથી કે કોણ સાચું છે અને કોણ ખોટું છે! આથી જરૂરિયાતના તકાદા નીચે સમગ્ર સમાજે એક થઈને નેતાઓને અનુરોધ કરવો જોઈએ કે તેઓ આમાંથી બચાવી લે. જેને નેતા એવું સાચી રીતે નામ આપી શકાય તેમ હોય તેવો કોઈક નેતા પરમ કલ્યાણકારી શિવની પેઠે સેવાભાવે અને સ્વેચ્છાએ આ વિષનું શમન કરવા માટે આગળ આવશે અને પોતાની જાતને હોડમાં મૂકીને સમાજને અવશ્યંભાવી વિનાશમાંથી બચાવી લેશે.

એક વખત આ સંઘર્ષોનું નિરાકરણ આવી જાય અને વધારેમાં વધારે પુરુષાર્થ કરવામાં આવે તો અભ્યુદય (ઐહિક કલ્યાણ અને સમૃદ્ધિ)ની દ્યોતક લક્ષ્મી અને નિ:શ્રેયસ (નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિ મોક્ષ તરફ લઈ જતી)નું દ્યોતક અમૃત ચોક્કસપણે આ સંયુક્ત સાહસના આકાશમાંથી બહાર આવશે જ. વળી, સમજૂતીથી વિરુદ્ધ જઈને, જો સમાજની સ્વાર્થી અને યુદ્ધ માટે લાલાયિત મંડળીઓ સંયુક્ત મહેનતનાં બધાં જ ફળો હડપ કરી જવાનો પ્રયત્ન કરે તો કાયદાનો નિર્માતા અને મૂર્તિમાન ન્યાયરૂપ ભગવાન તેમની કોશિશોને નિરર્થક બનાવી દેશે. સત્‌તત્ત્વ દુષ્ટ તત્ત્વને પરાભૂત કરશે જ, કરશે.

આ વાર્તાનું અર્થઘટન આત્મિક કક્ષાએ પણ કરી શકાય. જે કોઈ માણસ જીવનની ચડતી પડતીઓથી થાકી ગયો હોય અને શાન્તિ તથા આનંદની ખોજ કરતો હોય તેણે એને સર્વોચ્ચ આધ્યાત્મિક બોધમાં શોધવી જોઈએ. અમૃત આ જ બોધનું દ્યોતક છે. આ સિદ્ધિ હાંસલ કરવા માટે તનતોડ પ્રયત્ન કરવો પડશે. સાધારણ રીતે ઇન્દ્રિયો મનને નિમ્ન કક્ષાએ ખેંચી જતી હોય છે અને અંધાધૂંધી,  સંઘર્ષો અને હૈયાબળતરાને ઉત્પન્ન કરતી હોય છે. તેમને આ દિશામાં વાળવી જોઈએ. દેવોએ દાનવો માટે આ જ કર્યું હતું. આધ્યાત્મિક જીવન એ લાંબી મથામણ છે. ધ્યાન એ મનનું મંથન જ છે. આથી આ પ્રક્રિયા થાય ત્યારે મનની બખોલોમાં ભરાઈ રહેલી વાસનાઓ અને પૂર્વગ્રહોરૂપી જીવલેણ ઝેરને જ બહાર કાઢશે. આ વાસનાઓ અને પૂર્વગ્રહો જ સાધનાની પ્રત્યેક પ્રક્રિયાને તોડીફોડી નાખતાં હોય છે. ઊંડી અને હૃદયપૂર્વક ભગવાન શિવને કરવામાં આવેલી પ્રાર્થના એનું ઊર્ધ્વીકરણ કરીને વિષમ પરિસ્થિતિમાંથી બચાવી લેશે. બુદ્ધે માર ઉપર અથવા ઈસુએ સેતાન પર મેળવેલા વિજયને આ જ પ્રકાશમાં સમજી શકાય. એક વખત દુષ્ટ તત્ત્વોનું અસ્તિત્વ મટી જાય, પછી આધ્યાત્મિક સાધક ધીમે ધીમે સિદ્ધિઓ રૂપે પોતાની સાધનાનાં ફળો મેળવવા માંડશે. આ સિદ્ધિઓ માનસિક પણ હોય અને તેના સિવાયની પણ હોઈ શકે. કામધેનુ અને કલ્પવૃક્ષને આવી સિદ્ધિના અર્થમાં જ લઈ શકાય. જ્યારે તેને સર્વવ્યાપક વૈશ્વિક શક્તિ લક્ષ્મીનું દર્શન થશે ત્યારે તેની સાધના સફળ થશે અને અમૃત આનંદરૂપે પરિણમશે.

(ક્રમશ:)

Total Views: 120

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.