કાશ્મીરમાં અમરનાથ અને ક્ષીરભવાનીની યાત્રા કરીને ૧૮૯૮માં સ્વામી વિવેકાનંદ નિલાંબર મુખર્જીના ઉદ્યાનગૃહમાં આવેલા તત્કાલીન રામકૃષ્ણ મઠમાં ગયા. એ સમયનાં સંસ્મરણોને તાજાં કરીને એમના શિષ્ય શરત્‌ચંદ્ર આમ લખે છે : ‘સ્વામીજીના ખંડમાં પ્રવેશતાની સાથે જ આ શિષ્યે (શરત્‌ચંદ્રે) એમને બાહ્ય રીતે પૂર્ણ ભાવાવસ્થામાં પલાંઠીવાળીને પૂર્વદિશાભિમુખ બનીને બેઠેલા જોયા. પોતાના શિષ્યને તેમણે માત્ર આટલા શબ્દો કહ્યા: અરે, વત્સ! તું આવ્યો? અહીં બેસ. પછી શાંતિની દુનિયામાં તેઓ સરી પડ્યા. શિષ્યે એમની જમણી આંખને લાલ જોઈને પૂછ્યું: ‘આપની આંખ લાલ કેમ છે?’ સ્વામીજીએ કહ્યું: ‘એ કંઈ નથી.’ વળી શાંત બની ગયા. ત્યારબાદ ઘણા સમય સુધી સ્વામીજી પોતાના શિષ્ય સાથે કંઈ ન બોલ્યા. શિષ્યે તેમનો ચરણસ્પર્શ કરીને કહ્યું: ‘આપે અમરનાથમાં શું જોયું એ વિશે મને કંઈક કહો.’ શિષ્યની આ પ્રતિક્રિયાને લીધે સ્વામીજી પોતાની ગહનશાંતિમાંથી બહાર આવ્યા અને એમનું ધ્યાન થોડું ઘણું બાહ્યજગત પર ગયું. તેમણે કહ્યું: ‘અમરનાથનાં દર્શન પછી તમે એવું લાગે છે કે જાણે શિવજી તો મારા માથા પર ચોવીસે કલાક બેસી રહેલ છે અને તેઓ ત્યાંથી ઊતરશે નહિ.’ શિષ્ય તો આ બધું અવાક્‌, આભા બનીને સાંભળ્યું.

વળી પાછું સ્વામીજીએ કહ્યું: ‘મેં અમરનાથ અને ક્ષીરભવાનીમાં ઘણી આધ્યાત્મિક સાધના-તપ કર્યાં. અમરનાથના એ માર્ગે પહાડી ઢોળાવવાળા એ કઠિન પથને મેં કાપ્યો. યાત્રાળુઓ સામાન્ય રીતે મેં લીધેલા આ માર્ગે યાત્રા કરતા નથી. પણ મારામાં એવો દૃઢભાવ ઉદ્‌ભવ્યો કે મારે આ જ માર્ગે જવું છે; અને મેં એમ જ કર્યું. આ અત્યંત કઠિન પર્વતીય ચઢાણ-ઊતરાણની સીધી અસર મારા શરીર પર પડી. શરીરમાં જાણે કે સોય ભોંકાતી હોય એવી તો કાતિલ ઠંડી. હું કૌપીન પહેરીને મંદિરમાં પ્રવેશ્યો. મારા સમગ્ર દેહ પર ભસ્માંગલેપ કરી લીધો. પછી મને ત્યાંની કાતિલ ઠંડી કે ગરમીનો કોઈ અનુભવ ન થયો. પણ જેવો મંદિરની બહાર આવ્યો કે મારું શરીર ઠંડીથી જકડાઈ ગયું.’ આ પછી શિષ્યે તેમને અમરનાથની ગુફામાં સદૈવ જીવંત રહેતા સફેદ કબૂતર વિશે પૂછ્યું. એમ કહેવાય છે કે અમરનાથની ગુફામાંથી નીકળતી વખતે એ સફેદ કબૂતરનાં દર્શન થાય તો તેનાથી મનની ઇચ્છા ફળે છે અને યાત્રાળુની આધ્યાત્મિક ઉન્નતિમાં વૃદ્ધિ થાય છે. મારો પ્રશ્ન સાંભળીને સ્વામીજીએ કહ્યું: ‘હા, હા! મને ખબર છે! મેં ત્યાં ત્રણચાર સફેદ કબૂતર જોયાં હતાં પણ એ કબૂતર ગુફામાં રહેનારા હતાં કે આજુબાજુની પર્વતમાળામાં વસનારાં હતાં એ વિશે હું ખાતરીપૂર્વક કંઈ ન કહી શકું.’

સ્વામીજીએ ક્ષીરભવાનીના મંદિરમાં સાંભળેલી દિવ્યવાણીની વાત કરી. જ્યારે આ શિષ્યે એવું સૂચન કરીને કહ્યું કે એ દિવ્યવાણી કદાચ આત્મલક્ષી અનુભવ પણ હોઈ શકે. કોઈ અનુભૂતિવિહોણો પોતાના વિચારોનો એ પ્રતિઘોષ પણ હોઈ શકે; એ સાંભળીને અત્યંત ગંભીરભાવે સ્વામીજીએ કહ્યું: ‘એ દિવ્યવાણી ભીતરથી જ હોય કે કોઈ બાહ્યજગતમાંથી હોય, પણ તમે જેમ અત્યારે મારા આ શબ્દો સાંભળો છો તેમ તમે તમારા જ કાને એ આકાશમાંથી સંભળાતી દિવ્યવાણીની સત્યતા પ્રત્યે તમે શંકા લાવશો ખરા?’

અમરનાથ, ક્ષીરભવાનીની યાત્રા વખતે ભગિની નિવેદિતા, શ્રીમતી ઓલે બુલ અને જોસેફાઈન મેક્લાઉડ પણ હતાં. સ્વામીજીની તબિયત બગડવાથી એમણે સ્વામી શારદાનંદજીને બોલાવ્યા અને પશ્ચિમનાં આ ત્રણેય શિષ્યાઓને સાથે લઈને ઉત્તર ભારતનાં બીજાં તીર્થસ્થાનોની યાત્રાએ જવાનું કહીને સ્વામીજી પોતે બેલૂર મઠ પરત આવ્યા.

આ સમય દરમિયાન ભગિની નિવેદિતા પણ પોતાનું કાર્ય કરવા હવે આતુર બન્યા હતાં એટલે એ બંને અમેરિકન બહેનોનો સંગાથ છોડીને તેઓ પણ વારાણસી થઈને ૧લી નવેમ્બરના રોજ કલકત્તા આવી ગયાં. ત્યારે શ્રીમા શારદાદેવી બાગબાજારની નજીક એક મકાનમાં રહેતાં હતાં. સ્વામીજીએ ભગિની નિવેદિતાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને બીજી કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી શ્રીમાના જ મકાનમાં એમના રહેવાની સુવિધા કરી આપી. એક અઠવાડિયા પછી ભગિની નિવેદિતા માટે ૧૬, બોઝપાડા લેનમાં એક મકાન મળી ગયું. અહીં તેઓ પોતે પશ્ચિમમાં જવા નીકળ્યા ત્યાં સુધી એટલે જૂન ૧૮૯૯ સુધી રહ્યા. ભગિની નિવેદિતા સાથેના પોતાના નિવાસ દરમિયાન શ્રીમતી ઓલે બુલે શ્રીમાને એક ફોટોગ્રાફ લેવા દેવા વિનંતી કરી. શ્રીમતી બુલે એમને કહ્યું: ‘મા, હું આપનો એક ફોટોગ્રાફ અમેરિકા લઈ જવા માગું છું. તેની ત્યાં હું પૂજા કરીશ.’ આવી વિનવણી પછી શ્રીમાએ ફોટો લેવાની સહમતિ આપી. ફોટોગ્રાફર ફોટો લેવા આવ્યો ત્યારે શ્રીમા આંખો મીંચી દીધી અને ભાવાવસ્થામાં આવી ગયાં. શ્રીમાનો આ પહેલો ફોટોગ્રાફ હતો. વળી પાછા જ્યારે તેઓ બાહ્યભાનમાં આવ્યાં ત્યારે એક બીજો ફોટોગ્રાફ પણ પાડ્યો. ત્યાર પછી સામે ભગિની નિવેદિતા બેઠેલાં છે એવો ત્રીજો ફોટો પણ લેવાયો.

૩ ફેબ્રુઆરી, ૧૮૯૮, બેલૂરમાં ગંગાતીરે ‘રામકૃષ્ણ મઠ’ની પ્રતિષ્ઠા સ્થાપના કરવા જમીન ખરીદવામાં આવી. બાંધકામની દેખરેખ સ્વામી વિજ્ઞાનાનંદજીએ સંભાળી. એપ્રિલથી મઠનું બાંધકામ શરૂ થયું. શ્રીમાને ત્યાં લઈ ગયા. એમની સાથે સ્વામી યોગાનંદ, સ્વામી ધીરાનંદ, ગુલાબ મા હતાં. સંન્યાસીઓએ ભક્તિભાવે એમનાં ચરણો ધોયાં, એમને મંદિરના વરંડામાં બેસાડ્યાં. મંદિરમાં જઈને શ્રીમાએ શ્રીરામકૃષ્ણની પૂજા કરીને ભોગ ધરાવ્યો. મધ્યાહ્‌નભોજન અને વિરામ પછી ખરીદેલી ભૂમિ પર પોતાનાં પગલાં પાડવા શ્રીમાને વિનંતી કરી. શ્રીમા હોડીમાં બેસીને નવી જગ્યાએ ગયાં. શ્રીમાના આગમનના સમાચાર સાંભળીને ભગિની નિવેદિતા, મિસિસ બુલ અને મિસ મેક્લાઉડ બહાર આવ્યાં અને શ્રીમાને જમીન બતાવી. પોતાનું સ્થાયી મઠનું સ્વપ્ન સાકાર થતાં તેમણે આનંદ સાથે કહ્યું: ‘આખરે છોકરાઓને રહેવાની જગ્યા મળી. દિવસો પછી ઠાકુરે કૃપાદૃષ્ટિ કરી.’

૧૨ નવેમ્બર, ૧૮૯૮, કાલીપૂજાના આગલે દિવસે શ્રીમા પોતાના સ્ત્રીભક્તો સાથે રામકૃષ્ણ મઠની મુલાકાતે આવ્યાં. આ સ્થાન થોડા જ સમયમાં રામકૃષ્ણ સંઘનું વડું મથક બનવાનું હતું. સ્વામીજીએ પશ્ચિમના કેટલાક શિષ્યોને પણ એ સમયે બોલાવ્યા હતા. એ દિવસે નિલાંબર બાબુના બગીચામાં શ્રીકાલીપૂજાની વિશેષ વ્યવસ્થા કરી હતી. શ્રીમા પોતાની નિત્યપૂજાની છબિ લઈને વહેલી સવારે મઠમાં આવ્યાં. નવા મઠમાં જઈ પૂજા માટે એક જગ્યા પોતાના હાથે સાફ કરીને ત્યાં પ્રભુની પૂજા કરીને મધ્યાહ્‌ને નિલાંબર બાબુના મકાનમાં પાછા આવીને પ્રસાદ લીધો. સાંજે સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ, સ્વામી શારદાનંદ સાથે ભગિની નિવેદિતા શ્રીમાને બોઝપાડા લેનના પોતાના મકાનમાં લઈ ગયાં. ત્યાં નિવેદિતાની કન્યાશાળાનું શ્રીમાએ ઉદ્‌ઘાટન કર્યું. આ વખતે કે કોઈ બીજા વખતે શ્રીમા મઠની જમીન જોતાં હતાં ત્યારે એમની સાથે રહેલા સ્વામીજીએ કહ્યું: ‘મા, તમારી જગ્યામાં તમે આરામથી હરો ફરો.’ પછીથી શ્રીમાએ આ જમીન વિશે આવા ઉદ્‌ગારો કાઢ્યા હતા: ‘સાચું પૂછો તો હું હંમેશાં જોતી હતી કે ગંગાની પેલે પાર (એટલે કે અહીં) જ્યાં કેળના બગીચાઓ છે ત્યાં ઠાકુર રહે છે.’

એ વખતનાં સંસ્મરણોને તાજાં કરીને શ્રીમાના સેવક છોકરા આશુતોષ મિત્રે લખ્યું છે: ‘આજે શ્યામા પૂજા (કાલી પૂજા)નો દિવસ છે. બેલુડ મઠમાં ઓચ્છવનું વાતાવરણ છે. સૌ વહેલી સવારથી ઊઠ્યાં છે. સૌનાં મુખ આનંદથી છલકે છે. સ્વામી બ્રહ્માનંદજી મહારાજના સૂચનથી મઠને દરવાજે અને શ્રીરામકૃષ્ણ મંદિરના પ્રવેશદ્વાર પાસે શુકનનાં કુંડાં અને કેળના સ્તંભો ગોઠવવામાં આવ્યાં છે. ભંડાર સંભાળવામાં અને પૂજાની ગોઠવણમાં બ્ર.નંદલાલ વ્યસ્ત છે. આજે મઠમાં શરત મહારાજ દેખભાળ કરે છે અને મઠના પ્રાંગણની, મંદિરની, રસોડાની અને ભંડારની સફાઈ પર જાતે નજર રાખે છે. સ્વામીજી આજે મઠમાં છે. દરેક વ્યક્તિ પોતાની ફરજમાં વ્યસ્ત છે.

કાલીપૂજાને પ્રસંગે અમારાં શ્રી દિવ્ય મા શારદા પોતે મઠમાં પધારવાનાં છે. એટલે તો મઠવાસીઓનો આનંદ સમાતો નથી. માને લાવતી નાવ મઠ પાસે લાંગરી. રોજની માફક એમની સાથેનાં બધાં લોકો મઠમાં આવ્યાં હતાં. વધારામાં સ્વામી ત્રિગુણાતીતાનંદ પણ હતા. ધીમે ધીમે શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક મ., કિશોરીબાબુ અને બીજાઓ મઠમાં આવી પહોંચ્યાં. નાવમાંથી ઊતરી માએ સૌના પ્રણામ સ્વીકાર્યા. હાથ પગ ધોઈને એ મંદિરમાં ગયાં અને આત્મારામના કળશની પૂજામાં બેઠાં. (આ પૂજાઘર શ્રીનિલાંબર મુખર્જીના ઉદ્યાનગૃહમાં આવેલા તત્કાલીન મઠમાં હોવાની સંભાવના છે.) સફેદ આરસની વેદીમાંનું ખાનગી દ્વાર આજ ખોલવામાં આવ્યું. એની પાછળની જગ્યામાં અવશેષ મંજૂષા રાખવામાં આવે છે. એ મંજૂષા શ્રીમા જાતે લઈ આવ્યાં ને પછી અનન્ય ભાવથી પૂજામાં બેઠાં. માનાં નયનોમાંથી પ્રેમ ભક્તિનાં અશ્રુ ઝરવા લાગ્યાં. એમનો હાથ કંપવા લાગ્યો, એ મંજૂષાને છાતીએ અડાડીને મા ક્યાંય સુધી બેઠાં રહ્યાં.

માની સમાધિની વાત મઠમાં વીજળીવેગે પ્રસરી. પરિણામે મઠવાસીઓ ખૂબ આનંદ સાથે મંદિર નીચેના ઝાડ પાસે ભેગા થયા અને ખોલમંજીરા સાથે ગાવા નાચવા લાગ્યા. તેઓ ગાતા નાચતા ગોળ ગોળ ફરતા હતા. ખોલમંજીરાના અવાજ ઘૂમી રહ્યા હતા. સૌ એમાં જોડાયા. કોઈ બાકી રહ્યું ન હતું. ભાવાવેશે તેઓ ગાતા હતા : 

‘આજ તાત રમે અમ સંગમાં રે ને માત લેશે ઉછંગે રે,
ચાલો બોલો સૌ ‘જય હો માતની રે’,
તાત તો આ જગને વિસ્મર્યા રે
ને માત આજ પાગલી દિવ્યતાના ઉમંગમાં રે,
જુઓ જુઓ ને માત કેવી લાલ હિંગળાંક રે!
નાચો! નાચો! તમે આવો ને સૌ નાચતા રે!
આખરે આપણને મા સાંપડી રે,
આપણે એનાં કૃપાવંત બાળ રે.’

સ્વામીજી ત્યાર સુધી એમના ઓરડામાં હતા. કેફ ચડાવે તેવું સંગીત સાંભળીને એ જાતને રોકી ન શક્યા. નીચે આવી એ પણ નાચગાનમાં જોડાયા. સ્વામીજીને પોતાના વૃંદમાં જોઈ બધા મઠવાસીઓમાં દિવ્ય ઉન્માદ આવ્યો. દિવ્યભાવના કેફમાં આવી જઈ સૌ ધ્રુવપદ ફરી ફરી ગાવા લાગ્યા : ‘આજે તાત રમે અમ સંગ રે ને માત લેશે ઉછંગે રે.’ ‘ગાઓ, ગાઓ’ બોલી સ્વામીજીએ સૌને પ્રેર્યા. પછી નૃત્ય કરનારાઓને સ્વામીજીએ નૃત્યની ચાલ અને એનાં પગલાં શીખવ્યાં પછી એ પોતે ખોલ વગાડીને ગાવા અને નાચવા મંડ્યા. કેવું અદ્‌ભુત એ દૃશ્ય! આ દિવ્ય નૃત્યને નિહાળનાર સૌ ધન્ય હતા. એ નૃત્ય લાંબો સમય ચાલ્યું અને અંતે ખોલ પરની થાપીઓ સાથે એ અટક્યું. ગીત પણ થંભી ગયું પણ ‘આજે તાત રમે અમ સંગ રે ને માત લેશે ઉછંગે રે.’ એ ધ્રુવપદ ક્યાંય સુધી ગવાયું. દોઢ કલાકની પૂજા પછી શ્રીમાએ પોતાનું વસ્ત્ર ગરદન ફરતે વીંટયું, ભોંય પર માથું અડાડ્યું અને ધ્રૂજતે હાથે અવશેષોની મંજૂષાને આરસની વેદીની અંદરના ગુપ્ત સ્થાનમાં રાખી અને એને તાળું માર્યું.’

શ્રીમાના શિષ્ય લાવણ્યકુમાર ચક્રવર્તીએ લખ્યું છે : પોતાની ઉચ્ચ જ્ઞાતિના અભિમાને, કુલાભિમાને કે ઉચ્ચતર સંસ્કૃતિના અભિમાને, ઠાકુરના કેટલાક ભક્તોને બ્રાહ્મણેતર વિશ્નાથ દત્તના પુત્ર સ્વામીજી પ્રત્યે હલકી દૃષ્ટિથી જોતા કર્યા. શ્રીરામકૃષ્ણ અને શ્રીમા શારદાદેવી એ બે બ્રાહ્મણોની સાથે પૂજાવા માટે સ્વામીજી યોગ્ય છે એ વિશે ઘણાને શંકા હતી. એટલે પૂર્વ બંગાળના ભક્તોની એક મંડળી ઠાકુરની અને માની છબિઓની સાથે એ જ વેદી પર સ્વામીજીની છબિ મૂકવા દેતા નહીં. આ જાણી માએ આકરા શબ્દોમાં કહ્યું : ‘નરેનની પૂજા ન થતી હોય ત્યાંની પૂજા ઠાકુર સ્વીકારતા નથી.’ સ્વામી પ્રેમાનંદ, સ્વામી શારદાનંદ અને બીજાઓને મુખેથી અમે આ સાંભળ્યું છે.

પૂર્વ બંગાળની બીજી એક મંડળી ઠાકુર, મા અને સ્વામીજીની છબિઓને એક જ વેદી પર રાખી પૂજા કરતી હતી. એક દહાડો એ લોકો માને મળવા ઉદ્‌બોધન આવ્યા. આ પગલું યોગ્ય હોવા વિશે અને મા એને યોગ્ય ગણશે એ વિશે કેટલાકને શંકા હતી. ખૂબ સંકોચ સાથે મા સમક્ષ એમણે એ પ્રગટ કરી. તરત જ માનું મુખ ગંભીર બની ગયું. એ સૌ ગભરાઈ ગયા અને એમને લાગ્યું કે એક જ વેદી પર સ્વામીજીની પૂજા માને પસંદ નથી. તરત જ અતિ ગંભીરતાપૂર્વક મા બોલ્યાં : ‘ઠાકુર આજે જીવંત હોત તો આ ચલાવી લેત?’ ભક્તો ભયથી કંપવા લાગ્યા. માએ આગળ ચલાવ્યું : ‘ઠાકુર આજે જીવંત હોત તો શું એ સ્વામીજીને એ જ વેદીએ બેસવા દેત? એમણે તો નરેનને પોતાના ખોળામાં બેસાડ્યો હોત! નરેન તો ઠાકુરના મસ્તકનો મુકુટમણિ છે.’ ઊંડી શ્રદ્ધાથી પછી ભક્તોની આંખોમાંથી આનંદાશ્રુ વહેવા લાગ્યાં. પછી વધુ બોલ બોલવાની જરૂર ન રહી.

બેલુડ મઠમાં મઠ આરંભાયો તેની પૂર્વે નીલાંબર મુખર્જીના મકાનમાં શ્રીમા રહેતાં હતાં ત્યાંના ઉપવનગૃહમાં સુશીલ મહારાજે (પ્રકાશાનંદે) એક દહાડો માને પૂછ્યું, ‘આપે ઠાકુરને ગંગામાં લીન થતા જોયા હતા ને?’ માએ ઉત્તર આપ્યો : ‘હા, બેટા, એ પૂનમની રાત હતી. ચંદ્ર ઊગી ગયો હતો. હું ગંગાના ઘાટને પગથિયે બેઠી હતી. અચાનક મારી પાછળથી મેં ઠાકુરને આવતા, ઝડપથી ઘાટનાં પગથિયાં ઊતરતા અને ગંગામાં ઓગળી જતા જોયા હતા. ભયથી મારી રુંવાટી ઊભી થઈ ગઈ. ઊભી થઈ, આશ્ચર્યચક્તિ બની હું ગંગા સામે જોવા લાગી. અચાનક ક્યાંકથી નરેન ગંગા પર આવી ગયો અને પોતાને બેઉ હાથે એ ગંગાજળ ઉડાડવા લાગ્યો. તારી ભલી થાય! હું ચમકીને જોવા લાગી કે અસંખ્ય લોકો ફૂટી નીકળ્યા અને ત્યાં આવીને એ ગંગાજળ ઝીલવા લાગ્યા અને સંસારનાં બંધનોથી મુક્ત થવા લાગ્યા. એ દર્શન પછી કેટલાક દિવસો સુધી હું ગંગામાં પગ મૂકી ન શકી.’ સુશીલ મહારાજે કહ્યું : ‘આજે એ બની રહ્યું છે.’

Total Views: 79

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.