લલિતા

દક્ષિણ ભારતમાં વધારે વિશાળ પ્રમાણમાં ઉપાસવામાં આવતું દેવીનું સ્વરૂપ લલિતા ત્રિપુરસુંદરી છે.

– લલિતા સહસ્રનામ અને ત્રિશતીના પાઠ, (આ દેવી લલિતાનાં એક હજાર નામો અને ત્રણસો નામો છે) – આ દેવીના પ્રતીક શ્રીચક્રની પૂજા ખૂબ લોકપ્રિય છે.

તેના પ્રભાવશાળી મંત્ર – પંચદશાક્ષરી (૧૫ અક્ષરોનો મંત્ર)માં દીક્ષિત થવું એ ગુપ્ત વિધિ છે. આ શ્રીચક્રની નિયમિત ઉપાસના સાધકને ધાર્યાં પરિણામો આપે છે એમ કહેવામાં આવે છે.

જો દુર્ગા અને કાલી શક્તિનાં સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરે છે, તો લલિતા સૌંદર્યના સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે. આથી તેના સ્વરૂપને અત્યંત સૌંદર્યપૂર્ણ અને તેની ઉપાસનાને વધારે સુરુચિપૂર્ણ (refined) આલેખવામાં આવે છે.

બ્રહ્માંડપુરાણના લલિતોપાખ્યાન અનુસાર જ્યારે ઇન્દ્ર આ દેવીનો યજ્ઞ કરી રહ્યો હતો, ત્યારે યજ્ઞવેદીમાંથી જે અત્યંત તેજસ્વી ચક્ર ઉત્પન્ન થયું હતું, તેમાંથી લલિતાદેવીનું પ્રાકટ્ય થયું હતું. એ વખતે ત્યાં એકત્ર થયેલા દેવોની પ્રાર્થનાથી (behest) વિવાહ માટે કામેશ્વર (ભગવાન શિવ) ની પસંદગી કરી. તેણે ભણ્ડાસુર દાનવનો સંહાર કર્યો અને તેના નગર શોણિતપુરનો વિનાશ કર્યો. દેવોના ઇજનેર વિશ્વકર્માએ તેના માટે શ્રીપુર નામના એક ભવ્ય નગરનું નિર્માણ મેરુ પર્વત પર કર્યું. ત્યાં આ દેવી પોતાના પતિ શિવ કામેશ્વર સાથે કાયમ માટે નિવાસ કરે છે. ખરેખર કહીએ તો આ શ્રીપુરમાં રહેતાં દેવીનું પ્રતીક શ્રીચક્ર છે.

ભણ્ડાસુર એ નિર્લજ્જ દાનવ છે અને શોણિતપુરમાં રહે છે. એ હાડમાંસનું શહેર છે. એ અહંકારનું પ્રતીક છે. આ અહં આત્મા અને દેહ વચ્ચે એક્તા કરી દે છે અને પોતાની જાતને બધી દિવ્ય શક્તિઓથી જુદી માનવા લાગે છે. પરમેશ્વરની શક્તિ અને કૃપાની દેહધારી સ્વરૂપ આ દેવી જ્યારે તેના ‘વધ’ કરે છે ત્યારે તે ખરેખર પેલા દાનવને – અહંને – તેની મર્યાદાઓમાંથી મુક્ત કરી દે છે.

સામાન્ય રીતે લલિતાનું આલેખન ઝાંખા રક્તવર્ણવાળી (ઉષા જેવી) અને અત્યંત સૌંદર્યવતી દેવી તરીકે કરવામાં આવે છે. તેના ચાર હાથોમાં તે શેરડીનું ધનુષ્ય, બાણો, અંકુશ અને પાશને ધારણ કરતી દર્શાવવામાં આવે છે. કેટલીકવાર તેના હાથમાં હીરાજડિત સુરાપાત્ર પણ દર્શાવાય છે. તેના એક પગ – સાધારણ રીતે ડાબા – ને રત્નજડિત પાદપીઠ પર ટેકવેલા દર્શાવાય છે.

શેરડીનું ધનુષ્ય ખરેખર તો મનનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે મન દ્વારા જ બધો આનંદ માણી શકતા હોઈએ છીએ. આથી તેનું વર્ણન શેરડીના બનેલા તરીકે કરવામાં આવે છે. બાણો ફેંકવા માટે આ ધનુષ્ય (કે કામઠું) એ ઓજાર – સાધન છે. આ મનરૂપી સાધન દ્વારા ઇન્દ્રિયોરૂપી બાણોને વિષયો તરફ ફેંકવામાં આવે છે. આથી તેનું વર્ણન ધનુષ્ય તરીકે કરવામાં આવે છે. આ બાણો એ પંચતન્માત્રાઓ છે – આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વીનાં સૂક્ષ્મ સ્વરૂપો (subtle elements) કે તત્ત્વો આંખ અને કાન જેવી ઇન્દ્રિયો એ આ સૂક્ષ્મ તત્ત્વમાંથી ઉત્પન્ન થાય છે અને બાણોની પેઠે તેમને મન દ્વારા ઐન્દ્રિયિક વિષયો તરફ ફેંકવામાં આવે છે. આથી સૂક્ષ્મતત્ત્વોને દેવીના હાથમાં રહેલ બાણો તરીકે વર્ણવેલ છે. આ દેવી આપણાં મનને અને ઇન્દ્રિયોને સશક્ત બનાવે છે અને નિયંત્રણમાં રાખે છે. અંતર્નિહિત આ વિચાર છે.

ખરેખર તો પાશ એ રાગ (આસક્તિ) છે. એ બંધનકારક હોય છે. અંકુશ એ ક્રોધ (ગુસ્સો, અણગમો) છે અને તે ઘાયલ કરે છે. જે શક્તિ આપણા રાગને તથા અણગમાને સાકાર કરે છે, એ પણ આ દેવીની જ શક્તિ છે. જો આપણે તેને ભૂલી જઈએ તો તે આપણને રાગપાશથી બંધનમાં નાખી શકે છે અને ક્રોધાંકુશ ભોંકી શકે છે. જો આપણે તેની શરણાગતિ સ્વીકારીએ તો તે પેલાં આયુધોને પાછાં પોતાના હાથમાં વાળી લે છે અને આપણને તેની વ્યથામાંથી મુક્ત કરી દે છે.

શ્રીચક્રના વર્ણનના થોડાક શબ્દો વિના લલિતાદેવીની વાતને પૂરી ન કરી શકાય. આ શ્રીચક્રએ યંત્ર છે. એ દેવીનું સ્વરૂપ અને રીતિ છે. આ યંત્ર ખૂબ ગૂંચવાડા ભરેલી ભૌમિતિક આકૃતિ છે. તેમાં ૪૩ ત્રિકોણો હોય છે. નવ ત્રિકોણો અંદર અંદર એકબીજાને સ્પર્શતા હોય છે. એમાંથી પાંચની ટોચ નીચે હોય છે અને ચારની ઉપર. એ આઠ અને પછી સોળ કમલ-પાંખડીવાળાં એકકેન્દ્રી વર્તુળોથી ઘેરાયેલ હોય છે. આખી આકૃતિને છેડે ત્રણ લાઈનવાળો ચોરસ હોય છે. તેની દરેક બાજુ વચ્ચેથી ખૂલતી હોય છે. આખી આકૃતિના કેન્દ્રમાં બિન્દુ હોય છે.

આ બિન્દુ શિવ-શક્તિના સંયોજનનું પ્રતિનિધિત્વ કરે છે. સાથે સાથે તે પ્રથમ ધબકારનું પણ પ્રતીક બની રહે છે. આ ધબકાર ક્રમશ: ગતિશીલ બનતો જાય છે અને શિવશક્તિના ધ્રુવીકરણમાં કેન્દ્રિત થતો હોય છે. પરંતુ એ આદિ શિવશક્તિ સંયોજનમાં પણ ચાલુ રહેતો હોય છે. આ પ્રક્રિયા ફરી ફરીને સતત થયા કરે છે. પરિણામ સૃષ્ટિની જુદી જુદી કક્ષાઓમાં આવે છે. એ કક્ષાઓનું આલેખન જુદા જુદા ત્રિકોણો અને કમલની પાંખડીઓ દ્વારા કરવામાં આવે છે.

આ શ્રીચક્રનો ઉપયોગ યંત્રસ્વરૂપે (દ્વિ-પરિમાણીય કોતરેલા ચિત્ર તરીકે) અથવા મેરુ સ્વરૂપમાં ત્રિપરિમાણીય ઉપસાવેલ ચિત્ર તરીકે કાયમી ઉપાસના માટે કરી શકાય છે.

(હિન્દુ દેવમંડળના લગભગ દરેક દેવનાં અભિવ્યક્ત થવાનાં કે પ્રકટ થવાનાં ત્રણ સ્વરૂપો હોય છે : (૧) મૂર્તિ – ત્રિપરિમાણીય સ્વરૂપ, જેનું શિલ્પ કરી શકાય (૨) યંત્ર – દ્વિપરિમાણીય અથવા ભૌમિતિક આકૃતિ જે ચિત્રિત કરી શકાય અને (૩) મંત્ર – નાદસ્વરૂપ અથવા વિચારસ્વરૂપ – જેનું ધ્યાન ધરતી વખતે બોલી શકાય.)

મૂર્તિનું વર્ણન ઉચિત ધ્યાન-શ્લોક (આ શ્લોકમાં ધ્યાનની શરૂઆતમાં દેવના સ્વરૂપનું મનમાં આવાહન કરવામાં આવે છે) દ્વારા શરૂઆતમાં કરવામાં આવે છે. એનું વિગતવાર વર્ણન મૂર્તિશાસ્ત્રના ગ્રંથોમાં મળી આવે છે.

યંત્ર અને મંત્રનાં વર્ણન તાંત્રિક ગ્રંથોમાં મળી આવે છે. જ્યારે આ મંત્ર સક્ષમ ગુરુ પાસેથી પ્રાપ્ત કરવામાં આવે છે અને તેનો ઉત્કટ શ્રદ્ધા અને ભક્તિથી જપ કરવામાં આવે છે ત્યારે તે દેવના સ્વરૂપને વ્યક્ત કરવાની ક્ષમતા ધરાવે છે.

આ પ્રક્રિયાથી આકાશમાં અનુરૂપ સ્પંદનો ઉત્પન્ન થાય છે. આ આકાશ સર્વવ્યાપક છે; તેમાં સાધકનાં મન અને શરીરનો પણ સમાવેશ થઈ જાય છે.

યંત્ર એ દેવનો ભૌમિતિક નિવાસ છે. જ્યારે તેનું યોગ્ય રીતે (ટપકાં, સીધી લીટી, ત્રિકોણ, વર્તુળ અથવા વૃત્તખંડ વગેરેનો ઉપયોગ કરીને) ચિત્ર બનાવવામાં આવે છે અને વિધિપૂર્વક સ્થાપના કરવામાં આવે છે, ત્યારે તેમાં જાણે કે શક્તિ સંચાર થાય છે અને જે દેવનું ધ્યાન ધરવામાં આવ્યું હોય તે દેવને તેમાં ધારણ કરવામાં આવે છે. જો કે આ શ્રીચક્ર બીજાં યંત્રોની તુલનામાં વધારે લોકપ્રિય છે, તે છતાં બીજા અસંખ્ય યંત્રો કે ચક્રો પણ પરંપરામાં મળી આવે છે. 

પાર્વતીનાં અન્ય સ્વરૂપો

ઉપર નિર્દેશ કરવામાં આવ્યો છે, તે રીતે દેવી અથવા શક્તિ (- પાર્વતી)નાં ગૌણ અને મુખ્ય સ્વરૂપો એટલાં અસંખ્ય છે કે આવા નાના પુસ્તકમાં તેમનું વર્ણન કરવું શક્ય નથી. અત્યાર સુધી જે ત્રણ મુખ્ય સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે, તે ઉપરાંત અન્ય વધારે જાણીતાં સ્વરૂપો છે, તેમનું ખૂબ સંક્ષેપમાં હવે વર્ણન કરવામાં આવશે.

અન્નપૂર્ણા

‘અન્ન આપનાર તથા પોતાની પાસે ધરાવનાર.’ જ્યારે શિવ ભિક્ષુક તરીકે ભટકતા હતા, ત્યારે તેમને અન્ન આપ્યું ત્યારથી પાર્વતીનું આ નામ પ્રચલિત થયું છે. આ દેવીને રત્નના પાત્રમાંથી ખોરાક પીરસતી દર્શાવવામાં આવે છે. તેની ભક્તિથી એક પ્રકારની હૈયાધારણ મળી જાય છે કે ઘરમાં કદી ખોરાકની તંગી નહીં પડે. કાશીમાં આવેલું આ દેવીનું મંદિર ખૂબ જાણીતું છે.

અપરાજિતા

‘જેને કોઈ હરાવી શકતું નથી તે.’ ખરેખર કહીએ તો દુર્ગાનાં નામોમાંનું આ એક નામ છે. ચંડીપાઠના ‘नमस्तस्यै नमस्तस्यै’ – એ જાણીતા શ્લોકોને ‘અપરાજિતા સ્તોત્ર’ કહેવામાં આવે છે.

બાલા

‘બાલિકા’ આ દેવીને લલિતાની પુત્રી માનવામાં આવે છે અને તેની ઉંમર હમેશાં નવ વરસની જ માનવામાં આવે છે. આ દેવીએ ભણ્ડાસુરના ત્રીસ પુત્રોનો સંહાર કર્યો હતો એમ કહેવાય છે.

ભદ્રકાલી

મહાકાલીનાં કેટલાંક સ્વરૂપોમાંનું આ એક છે. જ્યારે દક્ષે શિવનું અપમાન કર્યું અને વીરભદ્ર સાથે યુદ્ધ કર્યું ત્યારે ઉમાના ક્રોધમાંથી આ દેવી દક્ષના યજ્ઞનો નાશ કરવા માટે પ્રકટ થયાં હતાં.

ભૂતમાતા

‘ભૂતપ્રેતોની માતા’ તે અશ્વત્થ (પીપળા)ના વૃક્ષ નીચે રહે છે અને તેની સેવામાં દાનવ, ભૂતપ્રેતો અને યક્ષો રહે છે.

ચામુણ્ડા

કાલી અને આ દેવી એક જ છે. શુમ્ભ અને નિશુમ્ભ સાથેના યુદ્ધમાં તેણે ચંડ અને મુંડનો સંહાર કર્યો, ત્યારથી તેને આ નામ આપવામાં આવ્યું છે. કેટલીકવાર તેનો સમાવેશ સપ્તમાતૃકાઓમાં કરવામાં આવે છે.

ગાયત્રી, સાવિત્રી અને સરસ્વતી

દરરોજ જેનો ત્રણ વખત જપ કરવામાં આવે છે, તે ગાયત્રી મંત્રની અધિષ્ઠાત્રી આ ત્રણ દેવીઓ છે. સવારની પ્રાર્થના ગાયત્રીની આ અધિષ્ઠાત્રી દેવી છે, તેનું શાસન ઋગ્વેદ અને ગાર્હપત્ય અગ્નિ પર છે. તેને ચાર મુખ, ચાર કે દશ હાથ છે એમ માનવામાં આવે છે. તે હંસ પર સવારી કરે છે.

સાવિત્રી મધ્યાહ્‌નની પ્રાર્થનાની અધિષ્ઠાત્રી દેવી છે. યજુર્વેદ તથા દક્ષિણ અગ્નિ પર તેનું શાસન છે. તેનાં ચાર મુખ, બાર આંખો, ચાર હાથ છે એવું આલેખન મળી આવે છે. તે આખલા પર સવારી કરે છે.

સરસ્વતી સાંધ્ય પ્રાર્થનાની અધિષ્ઠાત્રી દેવી છે સામવેદ અને આહવનીય અગ્નિ પર તેનું શાસન છે. તેને એક મુખ અને ચાર હાથ હોય છે. તે ગરુડ પર સવારી કરે છે.

ઇન્દ્રાણી

‘ઇન્દ્ર જેવી આંખોવાળી.’ ખાસ કરીને ઇન્દ્ર તથા અપ્સરાઓ દ્વારા પૂજવામાં આવતી દેવીનું આ સ્વરૂપ છે. તેને ભવ્ય રીતે શણગારવામાં આવે છે. તે વજ્રાયુદ્ધ ધારણ કરે છે. જો તેને સ્તોત્રો દ્વારા પ્રસન્ન કરવામાં આવે તો તે અસાધ્ય રોગોને પણ દૂર કરી દે છે.

જગદ્ઘાત્રી

‘જગતનું ભરણપોષણ કરતી દેવી.’ બંગાળમાં સામાન્ય રીતે વધારે મળી આવતું દેવીનું આ બીજું સ્વરૂપ છે. તેના ચાર હાથ હોય છે. શંખ, ચક્ર, ધનુષ્ય અને બાણ ધારણ કરે છે અને તેનું વાહન સિંહ છે.

કામેશ્વરી

‘કામનાઓની અધિષ્ઠાત્રી દેવી.’ ભગવાન શંકરે કામવાસનાના દેવ કામનો સંહાર કર્યો, તેથી તેમને કામેશ્વર કહેવામાં આવે છે – કામવાસના અથવા તૃષ્ણાના અધિષ્ઠાતા – કાબૂમાં રાખનાર દેવ. આ દેવી તેમની પત્ની હોવાથી, તેને કામેશ્વરી કહેવામાં આવે છે. ખરેખર તો લલિતાનાં નામોમાંનું આ એક છે. આપણે તેની પાસે જે કામના પ્રકટ કરીએ, તેને તે પૂરી પાડે છે.

કાત્યાયની

એક વખત આ દેવીનો જન્મ કત નામના એક ઋષિની પુત્રી તરીકે થયેલો, તેથી તેને કાત્યાયની કહેવામાં આવે છે. હિન્દુ ત્રિમૂર્તિની શક્તિઓનો આ દેવી સરવાળો છે. મહિષાસુરમર્દિની તરીકે દુર્ગાનું જે આલેખન મળી આવે છે, તેની સાથે આ દેવીનું વર્ણન ખૂબ મળતું આવે છે.

મનોન્મની

‘જે દેવી મનને યોગની સર્વોચ્ચ સ્થિતિ સુધી ઊંચે લઈ જાય છે ને બ્રહ્મરંધ્રની જરાક નીચે મસ્તકમાં જેનું માનસ કેન્દ્ર સ્થિત થયેલું છે તે શક્તિ.’ તેનો વર્ણ ભૂરો અથવા શ્યામ દર્શાવવામાં આવે છે. તેના મુકુટમાં માનવખોપરી અને ખડ્‌ગ હોય છે. જ્યારે આ દેવીને પ્રાર્થના કરવામાં આવે છે, ત્યારે તે સાધકોને સમૃદ્ધિ બક્ષે છે અને તેના શત્રુઓમાં ભય પ્રેરે છે.

રાજરાજેશ્વરી

‘રાજાઓના રાજા પર જેનું શાસન ચાલે છે તે.’ આ દેવી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર તથા (સમૃદ્ધિના દેવ) કુબેર પર વર્ચસ્વ ધરાવે છે. આમાંના દરેકને રાજાઓના રાજા કહેવામાં આવે છે. તે લલિતાનું સ્વરૂપ છે.

શિવદૂતી

શુમ્ભ-નિશુમ્ભ સામેના યુદ્ધમાં એકવાર આ દેવીએ પોતાના પતિ શંકરને સંદેશવાહક (દૂત) તરીકે તેમની પાસે મોકલ્યા હતા. આથી તે શિવદૂતી તરીકે ખ્યાતિ પામેલ છે. જેના દૂત સ્વયં શિવ બનેલા છે, તે દેવી. મૂર્તિવિધાનમાં કવચિત્‌ તેને કાલી તરીકે અને કવચિત્‌ દુર્ગા તરીકે દર્શાવાય છે.

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.