પ્રાચીનકાળના ઋષિમુનિઓ, તપોધનો, અવતારપુરુષો કે પયગંબરોનાં ચિત્રો માત્ર ચિત્રકારોની કલ્પના સાથેના તૈલચિત્રો કે એમના વિશેના ગ્રંથોમાંના લખાણના આધારે દોરેલી તસવીરોમાં જ પ્રાપ્ત થાય છે. સાધનાના પથે અવિરતપણે ચાલેલા અને આધ્યાત્મિક અનુભૂતિ દ્વારા ઈશ્વરના સગુણ રૂપનો સાક્ષાત્કાર કરનાર સંતોનાં, ઋષિઓનાં વર્ણનો પરથી શિલ્પકારો અને ચિત્રકારોએ પોતાની કળાદેવીની આજ્ઞા પ્રમાણે પોતપોતાના કલ્પનાના રંગમાં પીંછી બોળીને દોરેલાં શિલ્પકૃતિઓએ, ચિત્રોએ કે તસવીરોએ બને તેટલાં તટસ્થ અને વાસ્તવિક ચિત્રો આપવાનો પ્રયાસ કર્યો છે. આ અવતારપુરુષો કે પ્રાજ્ઞપુરુષો વાસ્તવિક રીતે કેવા હતા એના વિશેનો સંશય નિ:શેષ દૂર થતો નથી. પણ આપણા સદ્‌ભાગ્યે ૧૯મી સદીમાં ફોટોગ્રાફીની શોધ થતાં આ તસવીરોની દુનિયામાં એક ક્રાંતિ આવી. શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા શારદાદેવી અને એમના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્યોની ફોટોગ્રાફી કળાની છબિઓ પ્રાપ્ત છે. આ સૌ પ્રથમ અવતારપુરુષો છે જેમની વાસ્તવિક તસવીરો આપને અત્યારે પણ સાક્ષાત્‌ જોવા મળે છે. આ મહાપુરુષો આજે પણ જાણે કે આ તસવીરો દ્વારા આપણી સમક્ષ જીવંત બનીને ઊભરી રહ્યા છે. તેઓ કહેતાં: ‘આ તસવીરો કેવળ પ્રતીકો માત્ર નથી પરંતુ તે બધી છબિઓ જીવંત અને આધ્યાત્મિક રીતે ચૈતન્યમય છે.’ શ્રીમા શારદાદેવી એક સરસ મજાનું ઉદાહરણ આપીને કહેતાં: ‘જેમ આપણો દેહ અને તેની છાયા એકરૂપ લાગે છે તેવી જ રીતે આ તસવીરો પણ અધ્યાત્મ પુરુષની પોતાની છાયા જેવી છે, તેની દિવ્યતાની એ જીવંત અભિવ્યક્તિ પણ છે. આધ્યાત્મિક જીવનની ઝંખના કરતા લોકો માટે આવા ઈશ્વરી મહાપુરુષની તસવીર એમના ધ્યાનમાં આશીર્વાદ રૂપ અને અસરકારક સાધન બની રહે છે. જ્યારે કોઈ પણ સાધક આવા અવતારી આધ્યાત્મિક પુરુષના ચિત્રને નિહાળે છે ત્યારે માનવસ્વરૂપમાં રહેલ દિવ્યતાને જ તે પ્રત્યક્ષ જુએ છે.

સ્વામી વિવેકાનંદ એક વિશ્વભરના આધ્યાત્મિક ઝંખના સેવતા લોકોના ઉપદેશક તરીકે સાવ આગવી પ્રતિભા ધરાવતા હતા. સદ્‌ભાગ્યે પૂર્વ અને પશ્ચિમના ઘણા લોકોએ આ અનોખી પ્રતિભાને ઓળખી લીધી. મહાન સંન્યાસી સ્વામીજીની તસવીરો પોતાને હાથે પાડનાર કે બીજા પાસે પડાવનાર કેટલાક ભાવિક ભક્તજનો ખરેખર દૂરદૃષ્ટિવાળા અને શાણપણવાળા હતા. એમણે સ્વામીજીની લીધેલી આ તસવીરો માટે આપણે એમના ઋણી રહીશું. એ સિવાય આપણને એ પણ વિશ્વાસ ન પડત કે આવી દિવ્ય વિભૂતિ આ મર્ત્યલોકમાં અવતરી હતી અને આપણા સૌની વચ્ચે જીવી હતી. પૌર્વાત્ય અને પાશ્ચિમાત્ય પોશાકમાં સજ્જ થયેલા સ્વામીજીની કુલ મળીને ૯૪ તસવીરો ઉપલબ્ધ છે. એમાં ૫૭ તસવીરો પશ્ચિમની, ૩૪ ભારતની અને ૩ કોલંબોની તસવીરોનો સમાવેશ થાય છે. આપણું એ સદ્‌ભાગ્ય છે કે ભાવિકજનોએ ભક્તિભાવપૂર્વક લીધેલા આ છબિઓ આપણને પ્રાપ્ય છે. આ પૈકી ૩૦ જેટલી અત્યંત મહત્ત્વની તસવીરોનો એક ક્રમિક ઇતિહાસ આ લેખમાં તેમજ હવે પછીના લેખમાં જોવાનો પ્રયત્ન કરીશું.

૧૮૮૬માં સ્વામીજીની ૨૩ વર્ષની ઉંમરે કલકત્તામાં લીધેલી તસવીર એ એમની પ્રાપ્ય ત્રણ સૌ પ્રથમ તસવીરોમાંની તસવીર ગણાય છે. એમની મહાસમાધિ પછી એમના નાના ભાઈ ભૂપેન્દ્રનાથ દત્તને કોઈએ પૂછ્યું, ‘સ્વામીજીની આ પહેલાની કોઈ તસવીરો ખરી કે નહિ?’ તેમના પ્રત્યુત્તરમાં તેમણે આમ કહ્યું: ‘તમે એ વાત જાણો છો ખરા કે અમારા પૈતૃક ઘરની (સ્વામીજીના જન્મસ્થાન) બ્રિટિશ સરકારની પોલિસે સર તપાસ કરી, એ ઘરને ફંફોળ્યું હતું અને બધું વેરવિખેર કરીને બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું જેથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં સાથ આપનાર વ્યક્તિ તરીકે કંઈક પુરાવો ગોતીને એમને જેલ ભેગા પણ કરી શકાય. ઘરમાંથી મળેલી એક નાની ચબરખીથી માંડીને કે દિવાલ પર લટકતી તસવીરો વગેરેમાંથી જે કંઈ મળ્યું તે લઈ જઈને તેમાંથી મારી કે મારા મોટાભાઈ (સ્વામીજી)ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિવીરો સાથેના સંબંધો શોધવાનો સઘન પ્રયાસ પણ તેમણે કર્યો હતો.’

અહીં આપેલી પહેલી તસવીર ૧૮૮૬ના વર્ષમાં પાડેલી સ્વામીજીની તસવીરોમાંથી ઉપલબ્ધ પાંચ તસવીરોમાંની એક છે. એ સમય દરમિયાન સ્વામીજી વિશેનું ઉત્તમ વર્ણન એમના ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવની વાણીમાં કહીએ તો ‘જુઓ, આ રહ્યો નરેન! જુઓ! જુઓ તો ખરા! કેવી અદ્‌ભુત અંતર્દૃષ્ટિની શક્તિ છે એની પાસે! દેદીપ્યમાન જ્ઞાનનો જાણે કે એક અસીમ અને તટવિહિન સાગર ન હોય! મહામાયા જાણે કે એમનાથી દસ ફૂટ દૂર રહે છે! એ મહામાયાએ આપેલ તેજોજ્વલ પ્રતિભાને લીધે તેઓ પણ તેમની સાવ સમીપ જતાં ખચકાય છે!’

હવે પછીનો ફોટો ૧૮૯૧માં જયપુરમાં લીધેલો છે એમ માનવામાં આવે છે. આ તસવીર ‘પરિવ્રાજક સંન્યાસી સ્વામી વિવેકાનંદ’ની તસવીરના નામે સુખ્યાત છે. એમની જીવનકથામાં આવું વર્ણન આવે છે. ‘જયપુરમાં એક શિષ્યે (૧૮૯૧માં રાજપુતાનામાં જેમને મંત્રદીક્ષા આપી હતી એવા લાલા ગોવિંદ સહાય) સ્વામીજીને ફોટોગ્રાફ પડાવવા ઊભા રહેવા કહ્યું. પોતાની ઇચ્છાની વિરુદ્ધ સ્વામીજી આ માટે અંતે સહમત થયા. એક પરિવ્રાજક સંન્યાસી રૂપે તેમની આ સર્વપ્રથમ લીધેલી તસવીર છે.’

આ તસવીર વિશેનો બીજો સંદર્ભ સ્વામી વિવેકાનંદ: એ ફર્ગોટન ચેપ્ટર ઓફ હિઝ લાઈફમાં પણ જોવા મળે છે. આ પુસ્તકના લેખક વેણીશંકર શર્મા આ તસવીર વિશે આમ કહે છે : ‘તદુપરાંત બહુ ઓછા લોકો જાણે છે કે જે સાફો સ્વામીજી હંમેશાં પહેરતાં તે ખેતડીના મહારાજા અજીતસિંહના સૂચનથી પહેરવાનું શરૂ કર્યું. બંગાળી હોવાને નાતે સ્વામી વિવેકાનંદ પાઘળી કે સાફો પહેરતા નહિ. એમની જયપુરમાં પ્રથમ લેવાયેલી તસવીરો ૧૮૯૧માં અલવરના મિત્રોની વિનંતીથી લેવામાં આવી હતી. ખેતડીના મહારાજા અજીતસિંહને મળ્યા પહેલાંના સમયની એમની તસવીરોમાં આ સાફો કે પાઘડી જોવા મળતા નથી. ખેતડીના મહારાજાને મળ્યા પછી જ આપણે એમને તસવીરોમાં વિશિષ્ટ રીતે સાફો પહેરેલા જોઈએ છીએ. મહારાજાએ પાઘડી પહેરવાનું સૂચન રાજસ્થાની રેતીની લૂથી બચવા માટે કર્યું હતું અને એ પહેરવાની પણ કળા પણ એમણે જ સ્વામીજીને શીખવી હતી. હવે પછીની તસવીર બેલગામમાં લીધેલી છે. 

૧૮૯૨માં પોતાના નિવાસ દરમિયાન સ્વામીજી હરિપદ મિત્રાના યજમાન હતા. એમણે પોતાના સ્વામીજી વિશેના સંસ્મરણો વિશે આમ કહ્યું: ‘જ્યારે મને કહેવામાં આવ્યું કે તમને મળવા આવેલા આ વિદ્વાન બંગાળી સંન્યાસી છે ત્યારે મેં દાઢી-મૂછ વિનાનો ચહેરો અને વિદ્યુતની જેમ ચમકતી આંખોવાળી એક ગંભીર પ્રશાંત દેહાકૃતિ જોઈ. તેમના દેહ પર ભગવું વસ્ત્ર હતું. પગમાં મહારાષ્ટ્રિયન (કોલાપુરી) ચપ્પલ પહેર્યાં હતાં. માથા પર ભગવા રંગનો સાફો હતો. એ દેહાકૃતિ એટલી પ્રભાવક હતી કે આજે પણ એ મારી સ્મૃતિમાં હૂબહૂ જળવાઈ રહી છે.’

હરિપદ મિત્રાએ પોતાને અને પોતનાં પત્નીને શિષ્ય રૂપે સ્વીકારવા રાજી કર્યાં. પોતાનાં સંસ્મરણોને વાગોળતાં તેઓ આ પ્રમાણે લખે છે : ‘મને સ્વામીજીની તસવીર લેવાની ઘણી ઇચ્છા હતી. પણ તેઓ રાજી થાય એમ ન હતા. મેં મારો આગ્રહ ચાલુ રાખ્યો અને ઘણી લાંબી મથામણ પછી તેમણે ફોટો લેવાની અનુમતિ આપી. અને એ પ્રમાણે ૨૮ ઓક્ટોબર ૧૮૯૨ પહેલાંના કોઈ દિવસે બેલગામમાં આ તસવીર લેવામાં આવી હતી. આ પહેલાંના પ્રસંગે એક બીજા સદ્‌ગૃહસ્થે તસવીર લેવાની હૃદયપૂર્વકની ઇચ્છા વ્યક્ત કરવા છતાં પણ સ્વામીજી તસવીર માટે તૈયાર ન થયા. એ સદ્‌ગૃહસ્થની વિનંતીથી મારે એની બે નકલ મોકલવી પડી.’ બીજા એક સ્રોતમાં આવું વર્ણન આવે છે: ‘લાકડાની ફૂલદાનીનું સ્ટેન્ડ એક ખૂણામાં જોઈ શકાય છે જેને આજે પણ સ્ટૂડિયોમાં જાળવી રાખવામાં આવ્યું છે. આ સ્ટૂડિયોનું નામ ‘એસ. મહાદેવ એન્ડ સન’ હતું. અને એ ફોટો તસવીરકાર ગોવિંદ શ્રીનિવાસ વેલિંગે લીધી હતી. આ સ્ટૂડિયોનું કામકાજ ૧૯૭૦માં બંધ થયું છતાં આજે પણ આ સ્ટૂડિયો અસ્તિત્વમાં છે.’

અહીં આપેલ સ્વામીજીનો આ ફોટોગ્રાફ ત્રાવણકોરના રાજકુમાર માર્તંડ વર્માએ ડિસેમ્બર ૧૮૯૨માં લીધો હતો. એમના શિક્ષક કે. સુંદરમ્‌ અય્યરે પોતાના સંસ્મરણોમાં આમ નોંધ્યું છે : ‘સ્વામીજીનાં આકર્ષક દેહાકૃતિ અને વિલક્ષણતાઓને જોઈને એમના સંપર્કમાં આવતા બીજા વ્યક્તિઓની જેમ રાજકુમાર પણ એમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. પોતે એક કુશળ તસવીરકાર હોવાને નાતે એમણે સ્વામીજીને બેસવા માટે કહ્યું અને એમને સુંદરમજાની તસવીર પાડી લીધી. અને એમાંથી એણે સુંદર મજાની આકર્ષક છબિ ઉપસાવી. મદ્રાસ મ્યુઝિયમમાં ત્યાર પછી યોજાયેલા ‘ફાઈન આર્ટસ્‌’ પ્રદર્શનમાં એ છબિ પ્રદર્શન માટે મોકલાવી.’ એ સમય દરમિયાન સુંદરમ્‌ અય્યરના પુત્ર કે. એસ. રામશાસ્ત્રીએ સ્વામીજીના આ અગ્નિમંત્રો એમના સંસ્મરણમાં ટાંક્યા છે: ‘બધાં પ્રાણીઓમાંથી માત્ર માનવને જ કોઈ પણ વસ્તુ ક્યાંથી, કેવી રીતે, શા માટે આવે છે અને એના ગંતવ્ય સ્થાન માટે જાણવાની તેના હૃદયના ઊંડાણમાં તીવ્ર ઝંખના હોય છે. આ ચાર ચાવીરૂપ શબ્દો હંમેશાં યાદ રાખજો. એ શબ્દો છે: ‘અભય, અહિંસા, અસંગ અને આનંદ.’ આ ચાર શબ્દો સમગ્ર શાસ્ત્રગ્રંથોનો સાર છે. એને હંમેશાં યાદ રાખજો.’

પછીની તસવીર ૧૮૯૨માં લગભગ બેલગામમાં લીધી હતી તેવું મનાય છે. તે પછીની તસવીર ૧૮૯૩માં હૈદરાબાદમાં લેવામાં આવી હતી એમ મનાય છે. પરંતુ આ માહિતી થોડી શંકાસ્પદ છે. નિરીક્ષણ-પરીક્ષણ કરતાં એમ લાગે છે કે આ બંને તસવીરો એક જ દિવસે લેવામાં આવી હતી. એનું સ્થળ ભલે ગમે તે હોય. પહેલી તસવીર બેલગામમાં લેવાયેલ ન હતી. એના ઘણાં કારણો છે સ્વામીજીના શિષ્ય હરિપદ મિત્રાને ત્યાં બેલગામમાં સ્વામીજી ૯ દિવસ રહ્યા હતા. ૧૯ થી ૨૭ ઓક્ટોબર, ૧૮૯૨. એમણે ખુરશી પર બેઠેલ સ્વામીજીની તસવીર લેવડાવી હતી. આનું વર્ણન આગળ આવી ગયેલ છે. ત્યારે એમણે તસવીર લેવા માટે માંડ માંડ અનુમતી આપી હતી એટલે તેઓ બીજી કે ત્રીજી તસવીર બેલગામમાં પાડવા લેવાની અનુમતી આપે એ શંકાસ્પદ છે.

વિવેકાનંદ : એ બાયોગ્રાફિ ઈન પિકચર્સમાં કહેવાયું છે કે આ સ્વામીજીનો મદ્રાસમાં લીધેલો પ્રથમ ફોટોગ્રાફ છે. ૧૮૯૨ અને ૧૮૯૩ના પ્રારંભ કાળમાં સ્વામીજીના ભારત પરિભ્રમણ સમયે મળેલા ભાવિકોએ આપેલી માહિતી સાથે આ ફોટોગ્રાફના સ્થળ-કાળનો મેળ ખાય છે. જ્યારે સ્વામીજી સર્વપ્રથમ બેલગામમાં આવ્યા ત્યારે તેઓ શ્રીમાન જી. એસ. ભાટેના પિતાને ઘરે રહ્યા હતા. તેમણે સ્વામીજીના સંસ્મરણોમાં આમ કહ્યું છે: ‘દેખાવમાં તેઓ વધુ આકર્ષક હતા અને સામાન્ય માનવ કરતા પ્રથમ દૃષ્ટિએ તેઓ અલગ તરી આવતા હતા… સંન્યાસીના વસ્ત્રોના જેવા ભગવા વસ્ત્રો તેઓ પહેરતા છતાં પણ તેઓ સંન્યાસી ભ્રાતાઓ કરતાં જુદી રીતે એ ભગવા ધારણ કરતા હતા. તેઓ ગંજીનો ઉપયોગ કરતા. તેઓ દંડને બદલે ચાલી શકાય તેવી લાંબી લાકડી હાથમાં રાખતા. એમના થેલામાં કમંડળ, ભગવદ્‌ ગીતા અને એકાદ બે ગ્રંથો રહેતા.’ બાલગંગાધર ટીલકે આ સંસ્મરણોને વાગોળતા કહ્યું છે: ‘સ્વામીજી સમાજના લોકો સાથે બહુ હળતા મળતા નહીં. તેઓ સાવ અકિંચન હતા. એમની પાસે માત્ર મૃગચર્મ, એકાદ બે વસ્ત્રો અને કમંડળ સિવાય બીજું કાંઈ ન હતું.

હવે પછીની તસવીર જે સમયે લેવામાં આવી હતી તે સમયે સ્વામીજીની સુંદર દેહયષ્ટિનું રસપ્રદ માહિતીપૂર્ણ વર્ણન સ્વામીજીના નિકટના મિત્ર, મદ્રાસના ડી.આર. બાલાજીરાવના સૌથી નાના પુત્ર ડી.બી. રઘુનાથરાવ દ્વારા મળે છે. બાલાજીએ તેના પુત્રને કહ્યું: ‘સુંદર દેખાવ, હંમેશાં હસતો ચહેરો અને કદાવર દેહયષ્ટિવાળા સ્વામીજીનું વ્યક્તિત્વ ઘણું પ્રભાવક હતું. તેનો અવાજ સુંદર, ઘંટડીના મધુર રણકાર જેવો હતો.’ રઘુનાથરાવ આગળ આમ લખે છે: ‘મારા પિતાને વિવિધ રીતે સાફો બાંધવાનો શોખ હતો. એમણે આવું સાફાનું કાપડ સ્વામીજીને ભેટ આપ્યું. આ સુપ્રસિદ્ધ થયેલ લોકપ્રિય ફોટોગ્રાફમાં એ પાઘડી એમના મસ્તકને શોભાવે છે. આ તસવીરમાં એમના દેહ પર ખેસ પણ દેખાય છે. આ ખેસ ખેતડીના મહારાજાએ એમને આપી હતી.’

સ્વામીજી સામાન્ય રીતે કોઈની સાથે અણછાજતું બોલતા નહીં કે અણગમતો શબ્દપ્રયોગ ન કરતાં. સાથેને સાથે જ્યારે અત્યંત આવશ્યક હોય ત્યારે ટીકા કરતાં પણ અચકાતા નહીં. આવા એક પ્રસંગે, એક પશ્ચિમના રંગે રંગાયેલા હિંદુ સજ્જને વૈદિક ઋષિઓના ‘નિરર્થક બકવાસ જેવા ઉપદેશ’ એવું એમની વાણીને ઉતારી પાડતું કથન કર્યું એટલે સ્વામીજી વજ્રાઘાતની જેમ એમના પર તૂટી પડ્યા અને સખત શબ્દોમાં ઝાટકણી કાઢતાં આ પ્રમાણે કહ્યું હતું : ‘તમારા આ આદરણીય પૂર્વજોને આવી રીતે ઉતારી પાડવાની હિંમત કેવી રીતે કરી શકો છો! અધકચરા જ્ઞાનથી તમારું ભેજું બગડી ગયું છે. તમે ઋષિઓના એ જ્ઞાન-વિજ્ઞાનને ચકાસી જોયા છે ખરાં? અરે, તમે વેદો વાંચ્યા છે ખરાં? ઋષિઓએ આ એક પડકાર ફેંક્યો છે. જો તમે તેનો વિરોધ કરવાની હિંમત કરી શકતા હો તો, એને માટે તત્પર બનો અને એમના ઉપદેશોને પરખી જુઓ.’

આ હતું સ્વામીજી પશ્ચિમના દેશોમાં ગયા તે પહેલાંના ભારતમાં લીધેલા કેટલાક ફોટોગ્રાફસનું વર્ણન. 

હવે પછીના આપણા સંપાદકીયમાં સ્વામીની પશ્ચિમમાં લીધેલી લાક્ષણિક તસવીરો વિષેના ઇતિહાસનું વર્ણન કરીશું.

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.