ભારતમાં શું કે વિદેશમાં જે જે ભૂમિ કે વિશિષ્ટ સ્થળો સ્વામી વિવેકાનંદની પદરજથી પાવન થયાં ત્યાં ત્યાં મોટે ભાગે સ્વામી વિવેકાનંદનાં મોટાં સ્મારકો કે સ્મૃતિગૃહો રચાયાં છે. 

કોલકાતાના સિમુલિયા વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદના જન્મસ્થળ – એમના પૈતૃક નિવાસ સ્થાને – હમણાં જ એક ભવ્ય સ્મારક રચાયું છે. સ્વામી વિવેકાનંદનાં બે અનન્ય નિવાસસ્થાન એટલે બેલૂર મઠ અને એમાંય ખાસ કરીને એમનો ઓરડો તેમજ એમની હયાતી દરમિયાન સ્થપાયેલ હિમાલયની પર્વતમાળામાં આવેલ માયાવતીનો અદ્વૈત આશ્રમ છે. સ્વામીજીની જાણે કે જીવંત અને પ્રત્યક્ષ ઉપસ્થિતિથી આ બંને સ્થળો આજે વિશ્વભરમાં મહાન તીર્થસ્થાન બની ગયાં છે. સ્વામી વિવેકાનંદ પરિવ્રાજક રૂપે કે ત્યાર પછી ભારતના જે જે સ્થળે રહ્યા હતા તેમાંથી મોટા ભાગનાં સ્થળો ક્રમશ: રામકૃષ્ણ વેદાંત ભાવધારાના સ્મૃતિગૃહ રૂપે ઊભરી રહ્યાં છે. ઉપર્યુક્ત સ્વામીજીના પૈતૃક નિવાસસ્થાન ઉપરાંત ચેન્નઈના કેસલ કર્નન, જે આઈસ હાઉસ તરીકે પણ ઓળખાય છે, ત્યાં પણ વિવેકાનંદ સ્મૃતિગૃહ ઊભાં થયાં છે. કન્યાકુમારીમાં આવેલું ભવ્ય સ્મારક તો સૌ કોઈ માટે જાણીતું તીર્થસ્થાન બની ગયું છે. 

ખેતડીના મહારાજાનો શાહી મહેલમાં તો ક્યારનુંય એમનું સ્મારક શરૂ થઈ ગયું છે. કર્ણાટકના બેલગામમાં પણ આવું જ સ્મારક કેન્દ્ર થોડા સમય પહેલાં શરૂ થઈ ચૂક્યું છે. વિદેશોમાં પણ આવાં ઘણાં સ્મૃતિભવનો ઊભાં થયાં છે. અમેરિકાના થાઉઝન્ડ આઈલેન્ડ પાર્ક જ્યાં સ્વામીજી પોતાના અમેરિકન શિષ્યો સાથે છ સપ્તાહ જેટલો લાંબો સમય પસાર કર્યો હતો ત્યાં રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર, ન્યૂયોર્કનું વેદાંત રિટ્રિટ વર્ષોથી ચાલે છે. કેટ્‌સકિલ માઉન્ટન્સમાં આવેલ રિજલી મેનર બંગલામાં સ્વામીજી ચાર વખત ઊતર્યા હતા. અહીં તેમને ઘણી અનુભૂતિઓ થઈ હતી. આજે એ જ સ્થળે ૮૩ એકરની વનભૂમિ પર વેદાંત રિટ્રિટ નામનું સ્મૃતિકેન્દ્ર છે. હોલીવૂડ પાસે આવેલ પાસાડેનામાં સ્વામી વિવેકાનંદ છ સપ્તાહ સુધી રહ્યા હતા અને વેદાંતનો ઉપદેશ આપ્યો હતો. આ સ્થળને આજે અમેરિકન સરકાર એક વારસા સ્મૃતિભવન તરીકે જાળવે છે. સાન્ફ્રાંસિસ્કોના કેમ્પટેઈલરમાં સ્વામીજી સાત દિવસ સુધી પશ્ચિમના વેદાંતના જિજ્ઞાસુઓને માટે એક શિબિરમાં રહ્યા હતા ત્યાં ૨૦૦૦ એકર જમીનમાં ‘ઓલેમા વેદાંત રિટ્રિટ’નામનું કેન્દ્ર સ્થપાયું છે.

૧૮૯૧-૯૩ના ભારત પરિભ્રમણ દરમિયાન ગુજરાતમાં જ્યાં જ્યાં સ્વામીજીએ પોતાનાં પાવન પગલાં કર્યાં છે તેમાંથી બે સ્થળ – ૧૯૯૪માં લીંબડીના શ્રીયશવંતસિંહજીના મહેલ ટાવરબંગલામાં અને ૧૯૯૭માં પોરબંદરના ભોજેશ્વર બંગલામાં – એમનાં સ્મૃતિમંદિરો સાથે રામકૃષ્ણ મિશનનાં બે કેન્દ્રો કાર્યરત છે. વડોદરાના ઐતિહાસિક દિલારામ બંગલામાં સ્વામીજી ઊતર્યા હતા. એ સ્થળને મેળવવા માટે છેલ્લાં ૩૦-૪૦ વર્ષથી સતત પ્રત્યનો ચાલુ હતા. ૧૧૩ વર્ષ પછી સ્વામીજીની પદરજથી પાવન થયેલ આ સ્થળે એટલે દિલારામ બંગલામાં રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાની સ્થાપના થઈ એ એક ઐતિહાસિક ઘટના છે. સૌ ભાવિકજનો, સુહૃદજનો, શુભેચ્છક મિત્રો અને ભક્તજનો માટે આ એક અત્યંત હર્ષોલ્લાસનો પ્રસંગ ગણી શકાય. 

શિકાગો ધર્મપરિષદમાં જતાં પહેલાં સ્વામી વિવેકાનંદે એક પરિવ્રાજક રૂપે સમગ્ર ભારતમાં પરિભ્રમણ કર્યું હતું. ત્રણ વર્ષના આ પરિભ્રમણકાળમાંથી મોટો ભાગ એમણે ગુજરાતમાં ગાળ્યો હતો. અમદાવાદ, લીંબડી, જુનાગઢ, દ્વારકા, સોમનાથ, જામનગર, પોરબંદર, ભૂજ, નારાયણ સરોવર, ભાવનગર, પાલીતાણા, નડિયાદ અને બીજાં સ્થળોએથી તેઓ એપ્રિલ, ૧૮૯૨માં છેલ્લે વડોદરા આવ્યા. તે પહેલાં ૧૮૯૧ના પ્રારંભમાં સ્વામીજીએ પોતાના ગુરુભાઈઓનો સંગ પૂર્ણ રૂપે ત્યજી દીધો અને પછી તેઓ દિલ્હીથી રાજસ્થાનમાં પ્રવેશ્યા હતા.

પોતાના ગુરુભાઈ સ્વામી અખંડાનંદજીને સ્વામીજીએ દિલ્હી માટેના પ્રસ્થાન વખતે કહ્યું, ‘ગુરુભાઈઓની સાથે રહેવાથી તપસ્યામાં સારા પ્રમાણમાં વિઘ્ન આવે છે. જુઓને, તમારી માંદગીને કારણે હું ટિહરી (હિમાલય)માં તપસ્યા કરી ન શક્યો. ગુરુભાઈઓની માયા કાપ્યા વિના મારાં સાધનભજન નહિ થાય. જ્યારે પણ હું વિચારું છું કે તપસ્યા કરીશ ત્યારે શ્રીઠાકુર એક ને એક બાધા ઊભી કરી દે છે. હવે હું એકલો જ નીકળીશ. જ્યાં ક્યાંય હું રહીશ ત્યાંની કોઈનેય સૂચના નહિ આપું.’ તેના ઉત્તરમાં સ્વામી અખંડાનંદજીએ કહ્યું: ‘તમે જો પાતાળમાં ચાલ્યા જાઓ તો ત્યાંથી પણ હું તમને શોધી ન કાઢું તો મારું નામ ગંગાધર નહિ.’

સ્વામીજી ફેબ્રુઆરીથી ડિસેમ્બર, ૧૮૯૧ સુધી રાજસ્થાનનાં વિવિધ સ્થળોમાં ફર્યા હતા. સ્વામી અખંડાનંદ પણ તેમની પાછળ ફરતાં ફરતાં અંતે કચ્છના માંડવીમાં એક ભાટિયા સદ્‌ગૃહસ્થના ઘરે સ્વામીજીને મળ્યા હતા. સ્વામીજી ત્યાંથી ભૂજ ગયા. સ્વામી અખંડાનંદ તેમની પાછળ બીજે દિવસે ભૂજ પહોંચ્યા. કચ્છના મહારાજાએ એમને ઘણાં માનપાનથી રાખ્યા. ભૂજમાં થોડા દિવસ રોકાઈને બંને માંડવી આવીને પંદર દિવસ રોકાયા. ત્યાંથી સ્વામીજી પોરબંદર ગયા અને પાંચ-સાત દિવસ પછી સ્વામી અખંડાનંદ પોરબંદર આવ્યા. પોરબંદરથી સ્વામીજી ફરી પાછા જુનાગઢ ગયા અને સ્વામી અખંડાનંદ કાઠિયાવાડમાં જ રહીને સ્વામીજીને એકાકી પરિભ્રમણ કરવા મુક્ત કર્યા. અહીંથી સ્વામીજી જૈનોના પાવનતીર્થસ્થળ પાલીતાણા પહોંચ્યા. ૨૯૦ ચો.માઈલના વિસ્તારના પાલીતાણા રાજ્યના ઠાકોર સાહેબ ગોહેલવંશના રાજપૂત હતા. અહીં શત્રુંજય પર્વતની ટોચ પર જઈને તેમને અસંખ્ય મંદિરોથી શોભતા પાલીતાણા શહેરનું દૃશ્ય જોયું. અહીં તેમની ગીત-સંગીત કળાથી ઘણા લોકો આકષાર્યા હતા. પાલીતાણા એ સ્વામીજીના કાઠિયાવાડના ભ્રમણનું છેલ્લું સ્થળ હતું. પોતાની કાઠિયાવાડની યાત્રા પૂરી કરીને રામેશ્વર તરફ જવાની ઇચ્છાથી ત્યાં જવા નીકળી પડ્યા. પણ એમના નિકટના મિત્ર દીવાન શ્રીહરિદાસ વિહારીદાસ દેસાઈએ દક્ષિણભારતમાં જતાં પહેલાં પોતાના પૈતૃક ઘર નડિયાદમાં જવા વિનંતી કરી. તેઓ નડિયાદ પહોંચ્યા. અહીં સંગીતની જાણે કે મહેફીલ જામતી. એમણે વગાડેલ તાનપુરો બેલૂર મઠના સંગ્રહસ્થાનને શોભાવે છે. અહીં સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને ચિંતક મણિભાઈ નભુભાઈ દ્વિવેદી સાથે પણ એમની મુલાકાત થઈ હતી. તેઓ એક પ્રખર અદ્વૈત વેદાંતી હતા. એમનો હિંદુત્વ વિશેનો લેખ શિકાગો વિશ્વધર્મપરિષદમાં મોકલ્યો હતો. એમના ‘ઈમિટેશન ઓફ શંકર, ભગવદ્‌ગીતા, સિદ્ધાંતસાર, રાજયોગ’ જેવા ગ્રંથો અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃતભાષામાં પ્રસિદ્ધ થયા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના મોટા ગજાના કવિ અને નિબંધકાર ગણાય છે. ગુજરાતમાં અદ્વૈતવેદાંતના પ્રચાર-પ્રસારનું પાયાનું મોટું કાર્ય એમણે કર્યું છે.

જુનાગઢના દીવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈએ સ્વામીજીને તેમના નિકટના મિત્ર વડોદરાના દીવાન શ્રી મણિભાઈ જશભાઈ પર એક ભલામણપત્ર લખી આપ્યો. અહીં તેઓ તેમના નિવાસસ્થાન ‘દિલારામ બંગલા’માં ઊતર્યા હતા. મણિભાઈ એક પવિત્ર અને ચારિત્ર્યશીલ માનવી હતા. તેમણે ૧૮૮૪-૮૫માં કચ્છના દીવાન હતા ત્યારે ભારત સરકારનો દીવાન બહાદૂરનો મેડલ અને એ વખતે રૂપિયા ૭૫ હજારનું પારિતોષિક મેળવ્યું હતું. કચ્છમાં તેમણે મહેસૂલ વસુલાત, શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતાના ક્ષેત્રમાં ઘણા મોટા સુધારા કર્યા હતા.

અહીંના પોતાના રોકાણ દરમિયાન સ્વામીજીએ દીવાનજી સાથે રાજ્યની કેળવણી વિશે ચર્ચા કરી હતી.  તેમણે અહીંનું સમૃદ્ધ પુસ્તકાલય જોયું. લક્ષ્મીવિલાસ મહેલમાં આવેલાં રાજા રવિ વર્માનાં ચિત્રો પણ જોયાં હતાં. ત્યાર પછી દીવાન શ્રી હરિદાસ બિહારીદાસ દેસાઈને ૨૬ એપ્રિલ, ૧૮૯૨ના રોજ એમણે લખેલા પત્રમાંથી મળતા પ્રમાણ પ્રમાણે તેઓ ૨૬ એપ્રિલ, ૧૮૯૨ના રોજ વડોદરાથી મુંબઈ જવા રવાના થયા. તે પત્ર નીચે પ્રમાણે છે: 

વડોદરા,
૨૬ એપ્રિલ, ૧૮૯૨

પ્રિય દીવાન સાહેબ,

અહીં પણ આપનો કૃપાપત્ર મળવાથી ઘણો આનંદ થયો. નડિયાદ સ્ટેશનેથી આપના ઘરે પહોંચતાં મને જરાય મુશ્કેલી પડી ન હતી. અને આપના ભાઈઓ, જેવા જોઈએ તેવા, આપના જ ભાઈઓ છે. આપના કુટુંબ પર પ્રભુના શ્રેષ્ઠ આશીર્વાદ વરસો. મારી આખી યાત્રામાં ભાગ્યે જ મેં આવું પ્રભાવશાળી કુટુંબ જોયું છે. આપના મિત્ર શ્રી મણિભાઈ જશભાઈએ મારા માટે બધી સગવડ કરેલી પણ તેમનો મેળાપ મને ફક્ત બે જ વખત થયેલો – એક વખત એક મિનિટ માટે અને બીજી વખત વધુમાં વધુ દસ મિનિટ માટે, કે જ્યારે તેઓ અહીંની શિક્ષણ પદ્ધતિની વાત કરતા હતા. બેશક, મેં પુસ્તકાલય જોયું તેમજ રવિ વર્માનાં ચિત્રો પણ જોયાં… આજે સાંજના હું મુંબઈ તરફ રવાના થઉં છું. અહીંના દીવાનજીએ દર્શાવેલ સદ્‌ભાવ માટે તેમનો (અગર આપનો) આભારી છું. વધારે મુંબઈથી..

આપનો સ્નેહાંકિત,
વિવેકાનંદ

તા.ક. નડિયાદમાં હું શ્રી મણિલાલ નભુભાઈને મળેલો. તે ઘણા વિદ્વાન અને ધાર્મિક માણસ છે; તેમની સોબતમાં મને ખૂબ મજા આવી.

આપણને જરૂર લાગે કે ઉપરના પત્રમાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથે સ્વામીજીની મુલાકાતનો કોઈ ઉલ્લેખ નથી. સ્વામીજીએ ત્રિવેન્દ્રમમાં રાજકુમાર માર્તંડ વર્માને કહ્યું હતું કે એમણે જે જે રાજવીઓ સાથે મુલાકાત લીધી હતી તેમાંથી વડોદરાના મહારાજશ્રી સયાજીરાવ ગાયકવાડનાં ક્ષમતા, સ્વદેશાભિમાન, શક્તિમત્તા અને દુરંદેશીએ એમના પર ઘેરી અસર કરી છે.વડોદરાના મહારાણીથી પણ તેઓ પ્રભાવિત થયા હતા એટલે જ એમણે ૧૭-૨-૧૯૦૧ના રોજ બેલૂર મઠમાંથી કુમારી મેક્લાઉડને આમ લખ્યું હતું: ‘હું આશા રાખું છું કે તમે વડોદરા જશો અને મહારાણીને મળશો.’ જો કે વડોદરા રાજ્યના રેકર્ડ પ્રમાણે સ્વામીજી વડોદરા આવ્યા ત્યારે મહારાજા ગાયકવાડ વડોદરામાં ન હતા. તેઓ નજીકમાં આવેલ લોનાવલી નામના સ્થળે ગયા હતા. એવી પૂરી શક્યતા છે કે જ્યારે મહારાજાશ્રી પૂના કે મહાબળેશ્વરમાં હતા ત્યારે સ્વામીજી તેમને મળ્યા હશે. પશ્ચિમમાંથી પાછા ફર્યા પછી સ્વામીજી વડોદરાની મુલાકાતે જવા અને મહારાજા સયાજીરાવ ગાયકવાડને મળવા ઇચ્છતા હતા પણ એમની એ ઇચ્છા પૂર્ણ ન થઈ. 

 ૧૮૮૧માં મહારાજાશ્રી સયાજીરાવ ગાયકવાડે વડોદરા રાજ્યની ધુરા સંભાળી. એમની પ્રવૃત્તિઓના બે મુખ્ય પાસાં છે: એક તો સૌથી અગત્યના રાજ્યના ઉત્તમ શાસક, બીજું ભારત પ્રત્યેની દેશદાઝવાળા માનવ. એક સુશાસક તરીકેના તેમના આદર્શો અને ભારતીય તરીકેની ફરજ ભાવના સાથેની એમની દેશદાઝની સંકલ્પના આ બેમાંથી કોને વધુ પ્રશંસવી એ પ્રશ્ન છે. આ બંને આદર્શોમાં એમણે તત્કાલીન ભારતીય શાસકોમાં સૌથી મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેઓ એક આદર્શવાદી અને વ્યવહારુ રાજનીતિજ્ઞ પુરુષ હતા. એક વખત એમને ખાતરી થાય કે તેઓ સાચું અને સારું કાર્ય કરી રહ્યા છે તે વખતે એમની હિંમત દાદ માગી લે તેવી હતી. લોર્ડ ચેમ્સફર્ડે કહ્યું છે: ‘પ્રગતિના કે ઉન્નતિના નવા પથને પ્રમાણવામાં અને એને અમલમાં મૂકવાની બાબતમાં વડોદરા રાજ્યે જે કર્યું છે તેના નિરીક્ષણ પરથી એટલો ખ્યાલ આવે છે કે બ્રિટિશ ઇન્ડિયામાંથી આપણે ઘણું ઘણું શીખવાનું છે.’ મહારાજા સયાજીરાવ ગાયકવાડ એવા પ્રથમ રાજવી હતા કે જેમણે ભારતભરમાં સર્વપ્રથમ પોતાના રાજ્યમાં ફરજિયાત અને નિ:શુલ્ક કેળવણી પ્રથાનો પ્રારંભ કર્યો હતો. એમનું હિંમતભર્યું પગલું લોકોને જચી ગયું. એ પગલું એમની સંકલ્પનાવાળું હતું અને એ વખતે અત્યંત આવશ્યક પણ હતું. તેમણે આ વિશે આવા ઉદ્‌ગારો કાઢ્યા હતા: ‘મારી ભાવિ પ્રજાના સારા ભાવિ માટે મારી મહત્ત્વકાંક્ષાઓ અને ઇચ્છાઓની પરિપૂર્તિ એટલે આ ફરજિયાત અને નિ:શુલ્ક કેળવણી.’ વડોદરા રાજ્યના શિક્ષણ વિભાગનાં અનેક કલ્યાણકારી કાર્યો અને પ્રવૃત્તિઓ વિશે ઘણું ઘણું લખી શકાય. પોતાના ગરીબ તેમજ અમીર પ્રજાજનોની સાર્વત્રિક સુધારણા માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરેલા યોગ્ય પ્રયત્નોનું જીવંત ઉદાહરણ એટલે પોતાના રાજ્યમાં એમણે સાધેલી શૈક્ષણિક સિદ્ધિનો ભવ્ય રેકોર્ડ. એમના મતે શિક્ષણનું મોટું લક્ષ્ય લોકોને ‘સ્વાવલંબન’ તરફ વાળવાનું છે. એમણે નોંધ્યું છે કે લોકોની નિષ્ક્રિયતા અને અસહાયપણાથી તેમને ઘણો આઘાત લાગ્યો હતો. એમની દૃષ્ટિએ ઔપચારિક સૂચનાઓથી અને ઉદાહરણો દ્વારા અપાતું શિક્ષણ સ્વાવલંબી બનવામાં ઘણું સહાયક નીવડે છે. જો ભારતીય યુવાનો પોતાના જીવનમાં પૂર્ણ ઉન્નતિ સાધવા ઇચ્છતા હોય તો એમણે સરકારી નોકરીઓ મેળવવા પૂરતી પોતાની જાતને સીમિત ન બનાવવી જોઈએ પરંતુ એને બદલે એક પુરુષાતનને છાજે અને સ્વાવલંબન તરફ વાળે તેવા નવા કામધંધાની શોધમાં રહેવાની સલાહ આપી હતી. માત્ર સામાજિક પરિસ્થિતિઓમાં પ્રગતિ કરવી એવી એમની શિક્ષણ પ્રત્યેની દૃષ્ટિ ન હતી પરંતુ એની સાથે ઔદ્યોગિક, વ્યાપારિક અને આર્થિક પ્રગતિ થાય એ એમનું શિક્ષણ પ્રત્યેનું મુખ્ય દૃષ્ટિબિંદુ હતું. લોકોના આદર્શ કે ધ્યેયને ઉચ્ચગ્રાહી બનાવે તેવી રીતે તેમણે પોતાની શિક્ષણનીતિને ઢાળી હતી. સ્વામી વિવેકાનંદના કેળવણી વિશેના વિચારો તેમજ ભારતના લોકોને ઉન્નત બનાવવા અને સ્વાવલંબનને પથે વાળવા માટેના આદર્શો પણ આવા જ હતા.

મહારાજા પોતાના દીવાનો કે બીજા અધિકારીઓની પસંદગી બહુ કુનેહથી કરતા, તેઓ ઘણો પ્રવાસ કરતા અને વિદેશી કેળવણીની ગુણવત્તાની પ્રશંસા પણ કરતા. એમની સ્વામીજી સાથે મુલાકાત થઈ ત્યાર પછી ૮ મહિના બાદ ૧૮૯૨ના ડિસેમ્બરમાં મહારાજા લંડન ગયા હતા. આ પ્રસંગે મહારાજા અને મહારાણીનું મહારાણી વિક્ટોરિયાએ વિંડસરમાં ભવ્ય સ્વાગત કર્યું હતું. આઈ.સી.એસ.ની પરીક્ષામાં ૧૧મા ક્રમે રહીને સફળ થનાર શ્રી અરવિંદ ઘોષ (મહર્ષિ અરવિંદ)ને ઘોડે સવારીની પરીક્ષામાં નિષ્ફળ જતાં તેમને નોકરીમાં લેવામાં ન આવ્યા, એ હકીકત સાંભળીને મહારાજાએ એમને તરત જ બરોડા સિવિલ સર્વિસમાં રાખી લીધા. પાછળથી શ્રી અરવિંદ અને એમના ભાઈ બારિન ક્રાંતિકારીઓની રાષ્ટ્રિય ચળવળમાં જોડાયા. બ્રિટિશ સરકાર મહારાજાને શંકાની નજરે જોતી હતી. એમાં આને લીધે વધારો થયો. મહારાજાને આ સ્વાતંત્ર્યવીરો પ્રત્યે સહાનુભૂતિ રાખનાર વ્યક્તિ તરીકે લોકો ગણતા. તેઓ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સહાય ન આપતા. પોતાના શાણપણથી તેઓ આ સૂડી વચ્ચે સોપારી જેવી અવસ્થામાંથી સલામત માર્ગ શોધી કાઢતા. આ જ શાણપણથી એમણે રાષ્ટ્રિય ભાવનાના રંગે રંગાયેલા અને નિવૃત્ત આઈ.સી.એસ. અધિકારી શ્રી રમેશચંદ્ર દત્તને દીવાન તરીકે નિમ્યા. સ્વામી વિવેકાનંદની મહાસમાધિ પછી ૨૦ ઓક્ટોબર ૧૯૦૨ના રોજ ભગિની નિવેદિતા મહારાષ્ટ્રના નાગપુર, વર્ધા અને અમરાવતીમાં પોતાનાં પ્રેરક વ્યાખ્યાનો આપીને વડોદરાના મહારાજાને મળ્યા હતાં અને ઘણી ચર્ચા કરી હતી. તેઓ અહીં અરવિંદ ઘોષને પણ મળ્યા હતા. વડોદરામાં એમણે ત્રણ દિવસ સુધી વિવિધ સ્થળે વ્યાખ્યાનો આપ્યાં હતાં.

મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના આદર્શ પ્રમાણે તૈયાર કરેલ અને સાહિત્ય, કલા-સંસ્કૃતિની ભૂમિ વડોદરા નગરી રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ મેળવીને વધુ ધન્ય બની છે. અહીંથી વહેનારું રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાનું અમીઝરણું સૌ કોઈના જીવનને સાચાં આનંદ અને શાંતિ અર્પશે અને એમના જીવનને સાર્થક બનાવશે એમાં શંકા નથી.

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.