સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજના હિંદી પ્રવચનનો જ્યોતિબહેન થાનકીએ કરેલ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. – સં.

પરમાત્માએ માનવજાતિને અભય વરદાન આપ્યું છે કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અધર્મનો ભાર વધી જશે, આસુરિક શક્તિઓનો પ્રભાવ વધી જશે, ધર્મ અને સંસ્કૃતિ ઉપર ખતરો ઊભો થશે, ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરીશ. ભગવદ્‌ગીતામાં એમણે ચતુર્થ અધ્યાયમાં શ્લોક ૭-૮માં આ વચન આપ્યું છે :

યદા યદા હી ધર્મસ્ય
ગ્લાનિર્ભવતિ ભારત ।
અભ્યુત્થાનમર્ધમસ્ય
તદાઽઽત્માનં સૃજામ્યહમ્‌ ॥
પરિત્રાણાય સાધૂનાં
વિનાશાય ચ દુષ્કૃતામ્‌ ।
ધર્મસંસ્થાપનાર્થાય
સંભવામિ યુગે યુગે ॥

પૃથ્વી ઉપર ભગવાન અવતાર વારંવાર ધારણ કરે છે. પરંતુ જે ભાવની જરૂર હોય તે ભાવ લઈને આવે છે. અને એ જ ભાવનો તેઓ પ્રચાર કરે છે. જેમ કે ઈસુ ખ્ર્રિસ્ત એમનો એક ભાવ હતો. પરશુરામનો વીર ભાવ હતો. ચૈતન્ય મહાપ્રભુ ભક્તિનો અવતાર હતા. તેમણે ભક્તિનો પ્રચાર કર્યો, નામનો પ્રચાર કર્યો. ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ હતા. તો ભગવાન શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ હતા. દરેક અવતારમાં ભાવ જુદો જુદો જ જોવા મળે છે. રામકૃષ્ણ અવતારમાં પાપીનો, તાપીનો ઉદ્ધાર કરવાનો ભાવ રહેલો છે.

ભગવાને જ્યારે જ્યારે અવતાર ધારણ કર્યા છે, ત્યારે ત્યારે રાક્ષસો, દુષ્ટોનો સંહાર કરી ધર્મની સ્થાપના કરી આની પ્રતીતિ કરાવી આપી છે. દુષ્ટ રાક્ષસ હિરણ્યકશ્યપનો નાશ કરવા અને પોતાના પ્રિય ભક્ત બાલ પ્રહલાદને ઉગારવા એમણે નૃસિંહ અવતાર ધારણ કર્યો. રાક્ષસને હણવા માટે અર્ધપશુ અને અર્ધમનુષ્ય બન્યા. જ્યારે રાક્ષસોનું જોર ખૂબ વધી ગયું હતું અને ઋષિઓ ભયમાં આવી ગયા હતા ત્યારે ભગવાન રામ રૂપે આવ્યા અને બાળપણથી જ તાડકાવધથી માંડીને દંડકારણ્યના સઘળા રાક્ષસોનો સંહાર અને રાવણના સંહાર સુધી તેમણે અધર્મનું આચરણ કરનારા સઘળા રાક્ષસોનો વિનાશ કરી રામરાજ્યની સ્થાપના કરી. તો ભગવાન શ્રીકૃષ્ણનું તો સમગ્ર જીવન તેમના શૈશવથી જ પૂતનાના નાશથી માંડીને જરાસંધ, શિશુપાલ જેવા રાક્ષસોનો વિનાશ અને મહાભારત દ્વારા કુરુક્ષેત્રમાં સઘળા અધર્મીઓનો વિનાશ કરાવીને ધર્મરાજ્યની સ્થાપના માટે જ હતું. આ રીતે અગાઉના અવતારો દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે પૃથ્વી પર આવ્યા હતા. હવે ભગવાન શ્રીરામકૃષ્ણ રૂપે અવતાર ધારણ કરી પૃથ્વી ઉપર આવ્યા ત્યારે પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી. સ્થૂલકાયવાળા રાક્ષસોના સંહાર માટે નહિ પણ સૂક્ષ્મરૂપવાળા રાક્ષસોથી ધર્મ અને સંસ્કૃતિ ઉપર ભયાનક ખતરો ઊભો થયો હતો, એના રક્ષણ માટે ભગવાનને બંગાળમાં, જ્યાં પશ્ચિમી સંસ્કૃતિનો અને અંગ્રેજોના શાસનનો પ્રભાવ વિશેષ હતો ત્યાં જન્મ ધારણ કર્યો.

શ્રીરામકૃષ્ણદેવ ધર્મની સ્થાપના માટે આવ્યા હતા. તે સમયે આપણા દેશની કેવી સ્થિતિ હતી? પહેલાં મોગલોનું રાજ્ય હતું,પછી અંગ્રેજોનું રાજ્ય આવ્યું. આવી રીતે આઠસો વર્ષ સુધી ભારત પર વિદેશીઓનું શાસન રહ્યું.એથી ભારતના લોકોની ધર્મ પ્રત્યેની આસ્થા લુપ્ત થઈ ગઈ. એમાં પણ પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવને લઈને લોકોને હિંદુ ધર્મના મહાન ગ્રંથો વેદ-ઉપનિષદ ગીતા વગેરેમાં શ્રદ્ધા ન રહી. એટલું જ નહીં પણ લોકોને ધર્મ પ્રત્યે શ્રદ્ધા ન રહેતાં, પોતાની જાત પ્રત્યે પણ શ્રદ્ધા ગુમાવી દીધી હતી. જેમને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તેઓ ક્યારેય ધાર્મિક બની શક્તા નથી. એટલે જ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે જો તમને તેત્રીસ કરોડ દેવતાઓમાં શ્રદ્ધા હોય પણ જો તમને તમારામાં શ્રદ્ધા ન હોય તો તમારા માટે મુક્તિ નથી.’ … આથી આધ્યાત્મિક જીવન માટે સર્વપ્રથમ જરૂર છે, પોતાનામાં શ્રદ્ધા હોવાની.

એ સમયે ૧૮૩૬માં મેકોલેએ પોતાની શિક્ષણ પદ્ધતિ ભારતમાં અમલમાં મૂકી. એની પાછળ એનો હેતુ એ હતો કે ભારતના યુવાનો અંગ્રેજી શિક્ષણ લઈને ભલે દેહથી ભારતીય રહે, પણ મનથી રહેણીકરણીથી પૂરા અંગ્રેજ બની જાય અને અંગ્રેજોને વફાદાર બની જાય એટલે તેમને શાસન કરવું સરળ બની રહે. ભારત ઉપર હંમેશ માટે તેમનું પ્રભુત્વ બની રહે. બંગાળમાં આ શિક્ષણની શરૂઆત કરવામાં આવી, પરંતુ ભગવાનને એ મંજૂર ન હતું. ૧૮૩૬માં એ શિક્ષણ પદ્ધતિ ઘડાઈ અને ૧૮૩૬માં શ્રીરામકૃષ્ણદેવે જન્મ ધારણ કર્યો.

બીજું, એ સમયે ધર્મો, સંપ્રદાયો વચ્ચે ભારે ઝઘડા અને વૈમનસ્ય પ્રવર્તતાં હતાં. પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ યુવાન માનસ ઉપર એટલો પ્રચંડ હતો કે યુવાનો નાસ્તિક બનવા લાગ્યા હતા. બ્રાહ્મોસમાજની સ્થાપનાથી મૂર્તિપૂજાનો વિરોધ ઉગ્ર બન્યો હતો. તંત્રવાદની પકડ, ચમત્કારો, વહેમો, ખોટી સિદ્ધિઓની લાલચ, આ બધામાં સાચો ધર્મ અટવાઈ ગયો હતો. એ પરિસ્થિતિમાં સર્વધર્મ એક જ સત્ય તરફ લઈ જાય છે, એ સત્યનું સ્થાપન કરવા માટે, મનુષ્ય જન્મનો ઉદ્દેશ ચમત્કારો કે સિદ્ધિઓ નહિ, પણ પરમાત્માની પ્રાપ્તિ એ જ એક માત્ર છે, એનું પ્રસ્થાપન કરવા માટે ભગવાન શ્રીરામકૃષ્ણ રૂપે આવ્યા.

ત્રીજું એ કે ભોગવાદનો સૂક્ષ્મ રાક્ષસ મનુષ્યના મનુષ્યત્વને હણી રહ્યો હતો. ભોગવાદની ચૂડમાં સમગ્ર માનવજાત સપડાઈ ગઈ હતી. તેના પરિણામે મનુષ્ય આંધળો બનીને બાહ્ય સુખોપભોગ અને સંપત્તિની લાલસામાં દોટ મૂકી રહ્યો હતો. પોતાના હૃદયમાં અનંત સુખ, અનંત શાંતિ રહેલાં છે, એ મહાન સત્ય અંધકારમાં ધરબાઈ ગયું હતું. એ સત્યને પુન: પ્રતિષ્ઠિત કરવા અને ભોગવાદના રાક્ષસને હણવા માટે ભગવાન શ્રીરામકૃષ્ણ રૂપે પૃથ્વી પર આવ્યા અને પોતાની જીવન સાધના દ્વારા તેમણે સમગ્ર માનવજાતને અનંત સુખ, શાંતિનો માર્ગ કંડારી આપ્યો.

ચોથું, એ સમયે સમગ્ર ભારતવર્ષમાં સ્ત્રીઓની પરિસ્થિતિ અત્યંત કરુણ હતી. સ્ત્રીઓનું સમાજમાં કોઈ સ્થાન ન હતું. સ્ત્રીઓના ઉદ્ધાર માટે, સ્ત્રીઓને નવજીવન બક્ષવા માટે, નારી જાતિના કલ્યાણ માટે શ્રીરામકૃષ્ણદેવ પૃથ્વી ઉપર આવ્યા. તેમણે પોતાના જીવન દ્વારા સ્ત્રીની મહાનતાનો આદર્શ પ્રતિષ્ઠિત કરી આપ્યો. પોતાના સહધર્મચારિણી શ્રીમા શારદાદેવીની જગદંબા સ્વરૂપે ષોડશી પૂજા કરી, એમનામાં જગન્માતા આદ્યાશક્તિનો આવિર્ભાવ કર્યો અને એમને સમગ્ર દુ:ખી, પીડિત, સંતપ્ત એવા મનુષ્યોના કલ્યાણ માટે કાર્ય કરવાની જવાબદારી સોંપી. ત્યારથી ભારતમાં નારી જાગરણનો નવો યુગ શરૂ થયો.

પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ હેઠળ પશ્ચિમનું બધું શ્રેષ્ઠ અને અપનાવવા યોગ્ય અને ભારતનું બધું કનિષ્ઠ અને ઘૃણાજનક, આવી માન્યતા ધરાવનાર યુવા માનસની સમક્ષ પોતાના જીવનની પ્રયોગશાળા દ્વારા સિદ્ધ કરેલા હિંદુધર્મના મહાન સત્યોને પ્રગટ કરીને એમનામાં હિંદુધર્મની મહાનતા પ્રત્યે ભાવ જાગ્રત કર્યો. એમાં પ્રખર બુદ્ધિમાન, પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનથી રંગાયેલા યુવાન નરેન્દ્રને અને તેના જેવા બીજા બુદ્ધિમાન યુવાનોને પોતાના અંતરના પ્રેમથી, સત્યનિષ્ઠ જીવનના ઉદાહરણથી, પોતાના અનુભૂત જ્ઞાનના સહજ, સરળ ઉપદેશથી એવા ઘડ્યા કે તેઓ બધાએ એમના લીલાસંવરણ પછી હિંદુધર્મ અને ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર બનીને સમગ્ર દેશવિદેશમાં વેદ-વેદાંતના સત્યોને પુન: પ્રતિષ્ઠિત કરી સમગ્ર ભારત વર્ષની મહાનતાનો સર્વને પરિચય કરાવ્યો.

સામાન્ય માણસો ધર્મના ગૂઢ રહસ્યને સમજી શકતા નથી. તો ધર્મ શું છે? આપણે જોઈએ છીએ કે દિવસમાં ત્રણ વખત સ્નાન કરો, મંદિરે જાઓ. મંદિરમાં માથું નમાવો. ભગવાનને ફળ ફૂલ ધરો. શું આટલો જ ધર્મ છે? ભગવાનની ભક્તિ આમાં જ સમાઈ જાય છે? ના ધર્મ આટલો સીમિત નથી. એ ખૂબ વિશાળ છે. મંદિરમાં જવું એ ધર્મનું પ્રથમ પગથિયું છે. પણ પછી પહેલે જ પગથિયે અટકી જવું એ બરાબર નથી. મંદિરમાં જવું એ આધ્યાત્મિક જીવનમાં જન્મ થવા બરાબર છે. પણ બાળક જન્મે છે, પછી હંમેશાં એવડું ને એવડું જ રહેતું નથી તેના શરીરનો, મનનો સતત વિકાસ થાય છે. તેના હૃદયનો લાગણીઓનો વિકાસ થાય છે. એ જ રીતે મંદિરમાં જવું એ જન્મ છે, તે સમયે ભગવાન મૂર્તિમાં જ સીમિત છે. પણ પછી સતત આધ્યાત્મિક વિકાસ થવો જોઈએ પછી મૂર્તિમાં જ ભગવાન નથી પણ ભગવાન સર્વ મનુષ્યોમાં, સર્વ જીવોમાં રહેલા છે. એ દર્શન થવું જોઈએ. સ્વામીજીએ બતાવ્યું છે કે પ્રત્યેક જીવના હૃદયમાં બ્રહ્મ રહેલા છે. એ અનુભૂતિ એ અંતિમ લક્ષ્ય છે. પણ પ્રત્યેક મનુષ્ય મારા ભાઈબહેન છે. એટલું તો પ્રારંભમાં જરૂર વિચારી શકીએ. નહિ તો આધ્યાત્મિક જીવનમાં પિતાની આંગળી પકડીને મંદિરે જતો બાળક બાળક જ રહી જવાનો. ભલે તેની શારીરિક ઉંમર ૮૦ વર્ષની હોય, આધ્યાત્મિક ઉંમર ચાર-પાંચ વર્ષના બાળક જેટલી જ ગણાય.

શ્રીરામકૃષ્ણદેવે મોડ ફિરિયે દાવની જે વાત કરી એ દ્વારા આધ્યાત્મિક વિકાસ ખૂબ ઝડપી બને છે. ઘરમાં જે કંઈ કામ કરવાનું હોય, તેને પૂજા માનીને કરવું. રસોઈ બનાવવાની હોય તો ઈશ્વરના પ્રસાદ માટે બધાનાં હૃદયમાં રહેલા ઈશ્વરને પ્રસાદ ધરવા માટે બનાવવાની છે આ ભાવનાથી જો કરવામાં આવે તો રસોઈ પણ પૂજા બની જાય છે એ કાર્યમાં અનેરો આનંદ આવે છે.

બીજું કર્મ કુશળતાથી કરવાં જોઈએ. ‘યોગ: કર્મસુ કૌશલમ્‌ । કર્મ પાછળની ભાવના બદલવાની છે. ભલે સરકારની નોકરી કરવાની હોય પણ એ દ્વારા હું દેશની સેવા કરું છું એ ભાવના હશે તો કામ ઉત્તમ બનશે. જે કંઈ પૈસા મળે તે ભોગ માટે નહીં, પત્ની, પુત્ર માતા પિતાની સેવા માટે નહીં, પણ ભગવાનની પૂજા માટે, એ બધાંની અંદર રહેલા નારાયણની સેવા પૂજા માટે વાપરવાના છે આ ભાવના હશે તો ઘરમાં કદી ઝઘડા નહીં થાય, પણ આનંદ હશે. ભાવના બદલાતાં એ પૈસાથી જે કંઈ ચીજ વસ્તુઓ આવે છે, એ પ્રસાદ બની જાય છે, એ શુદ્ધ બની જાય છે. એથી મન પણ શુદ્ધ બને છે. ઈશ્વરની સેવા પૂજાનો ભાવ વધુ દૃઢ બનવા લાગે છે.

(ક્રમશ:)

Total Views: 47

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.