(ગતાંકથી આગળ)

સ્વામી વિવેકાનંદે બધામાં એ જ ઈશ્વર રહેલો છે. એમ માનીને, દુ:ખી નારાયણ, દરિદ્રનારાયણની સેવા માટે રાહત કાર્યો શરૂ કરાવ્યાં. સ્વામી શારદાનંદજીએ રાહત કાર્યો માટે જઈ રહેલા ચાર બ્રહ્મચારી સાધુઓને પૂછ્યું : ‘તમે રાહત કાર્ય માટે જઈ રહ્યા છો, ત્યાં એ લોકોને તમે શું આપશો?’ ત્યારે તેમણે કહ્યું : ‘મહારાજ, અમે તેમને અનાજ, વસ્ત્રો, ચીજવસ્તુઓ આપશું.’ ત્યારે તેમણે કહ્યું: એ તો બેલુરમઠમાંથી તમને જે મળ્યું છે, એ તમે આપશો. બીજું શું આપશો?’ ‘બીજું તો અમે શું આપી શકીએ?’ તેમણે કહ્યું. ત્યારે શારદાનંદજીએ એમને કહ્યું; તમે એમને પ્રેમ આપજો. જે કંઈ ચીજવસ્તુઓ આપો તે પ્રેમની ચાસણીમાં ડૂબાડીને આપજો. તો જ તમારો કર્મયોગ સાચો બનશે. સ્વામી વિવેકાનંદ આ ભાવનાનો પ્રસાર કરવા આવ્યા હતા. શિવજ્ઞાને જીવસેવાનો જે મંત્ર શ્રીરામકૃષ્ણદેવે એમને આપ્યો હતો.

સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા ગયા ત્યારે આખા દેશે વિરોધ કર્યો હતો કે સમુદ્ર ઓળંગીને ગયા એટલે સંન્યાસી નથી રહ્યા તો એ શું હવે ધર્મનો પ્રચાર કરવાના હતા? આજે પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે જે સાધુ-સંન્યાસી વિદેશ જાય છે, તેનું બહુમાન થાય છે. કેટલીવાર વિદેશ જઈ આવ્યા તેનાથી તેની મહત્તા અંકાય છે. 

સ્વામી વિવેકાનંદે જ્યારે બનારસમાં સેવા કાર્ય શરૂ કરાવ્યું. ત્યારે રામકૃષ્ણ મિશનના સાધુઓને બધા ભંગી સાધુ કહીને તિરસ્કાર કરતા. આજે દાન લેતી કોઈપણ સંસ્થામાં ઓછાવત્તા પ્રમાણમાં સેવા કાર્યો થતાં જ હોય છે. એ પરથી સંસ્થાની મહત્તા અંકાય છે. આ પરિવર્તન માટે જ શ્રીરામકૃષ્ણદેવ આવ્યા હતા.

મુંબઈ આશ્રમમાં ઘણાં લોકો આવીને કહેતા કે ‘મહારાજ, શહેરમાં ફરીએ છીએ તો શરીરમાં જલન થાય છે, પણ અહીં આવીએ તો શીતળતા અનુભવાય છે. કેટલી શાંતિ મળે છે અહીં! એમ થાય છે કે અહીં જ રહી જઈએ.’ એનું કારણ એ છે કે બધા લોકોની એવી ભાવના હોય છે કે અહીં શાંતિ છે, પવિત્રતા છે, અહીં ભગવાનની હાજરી છે, એટલે એ સ્થળ વધુ પવિત્ર બને છે, જો આ જ ભાવના ઘરમાં અને ઓફિસમાં હોય તો ઘર અને ઓફિસ પણ મંદિર જેવાં જ પવિત્ર અને શીતળ બની જાય! આ ભાવના કેળવવાની છે.

શ્રીરામકૃષ્ણદેવે બીજું એ શીખવાડ્યું કે કોઈ પ્રત્યે ઘૃણા ન કરો. આપણા શાસ્ત્રોમાં પણ આ લખ્યું છે, પરંતુ આપણે શાસ્ત્રો વાંચીએ છીએ, પણ જીવનમાં ઉતારતા નથી. સ્વામીજીએ ‘વ્યાવહારિક વેદાંત’ આપ્યું છે કે રોજિંદા જીવનમાં આપણે શાસ્ત્રોના સત્યોને જીવવાના છે. મહાભારતમાં કૌશિક બ્રાહ્મણની વાત આવે છે. તપ કરીને સિદ્ધિ મેળવી ધ્યાન કરતો હતો. માથા ઉપર બગલી ચરકી. તેને ગુસ્સો આવ્યો. બગલીને ભસ્મ કરી નાંખી. પછી ભિક્ષા લેવા ગયો. નગરમાં એક ઘરે ભિક્ષા માગી. ઘરની ગૃહિણીએ થોડીવાર રાહ જોવા કહ્યું. વધારે વાર લાગતાં તે ગુસ્સે થવા લાગ્યો. ત્યારે ગૃહિણીએ કહ્યું : ‘મહારાજ, શાંત થાઓ. હું વનની બગલી નથી કે તમે મને ભસ્મ કરી નાંખો.’ આ સાંભળી તે આશ્ચર્ય પામ્યો. આ જ્ઞાન તેને કેવી રીતે થયું તે પૂછતાં તે ગૃહિણીએ કહ્યું, પતિ અને સાસુ સસરાની સેવા કરતાં કરતાં હું આ પામી છું.’ તમારે જ્ઞાન જોઈતું હોય તો ધર્મવ્યાધ કસાઈ પાસે જાઓ.’ એ બ્રાહ્મણને પછી કસાઈ પાસેથી જ્ઞાન મળે છે. આપણા શાસ્ત્રમાં આવા અસંખ્ય ઉદાહરણો વ્યવહારુ વેદાંતને ચરિતાર્થ કરતાં જોવા મળે છે. પણ આપણે વાંચીએ છીએ અને પુસ્તકને પછી બંધ કરીને મૂકી દઈએ છીએ. પણ જો આપણે એને જીવનમાં ઉતારીએ તો વાતાવરણને જરૂર બદલી શકીએ છીએ.

આદ્ય શંકરાચાર્યના જીવનનો એક પ્રસંગ છે. શંકરાચાર્યજી વિશ્વનાથ બાબાની પૂજા કરવા જઈ રહ્યા હતા. તે સમયે એક ચંડાળ કુતરો લઈને આવતો હતો. તેનો સ્પર્શ થઈ જાય છે ત્યારે શંકરાચાર્યે તેને કહ્યું, ‘તારો સ્પર્શ થતાં હું અપવિત્ર થઈ ગયો. હવે બાબાના દર્શને અપવિત્ર શરીરથી નહીં જઈ શકું. મારે ફરીથી સ્નાન કરવું પડશે.’ ત્યારે ચંડાળે કહ્યું; ‘કોણે કોને અપવિત્ર કર્યા? આત્મા તો સદા શુદ્ધ અને પવિત્ર છે, તેને કોણ અપવિત્ર કરી શકે?’ આ એક જ વાક્યથી શંકરાચાર્ય જાગી ગયા. એમને જ્ઞાન થઈ ગયું! પછી તેમણે સામે જોયું તો ત્યાં કોઈ નહોતું! જાણે વિશ્વનાથ બાબા પોતે જ તેમના અધૂરા જ્ઞાનને પૂર્ણ કરી ગયા!

શ્રીરામકૃષ્ણદેવના ગુરુ તોતાપુરીના જીવનમાં પણ આવું જ બન્યું હતું. એક દિવસ તેઓ શ્રીરામકૃષ્ણ સાથે જ્ઞાન ચર્ચા કરી રહ્યા હતા. બાજુમાં ધૂણી ધખતી હતી. એવામાં ત્યાંના માળીએ – હોકો સળગાવવા માટે ધૂણીમાંથી અંગારા લીધા. તોતાપુરી ચીપિયો પછાડતા ઊભા થઈને તેને મારવા દોડ્યા. તેના ઉપર ખૂબ ગુસ્સે થવા લાગ્યા. એ જોઈને શ્રીરામકૃષ્ણ હસવા લાગ્યા. તોતાપુરીએ એમને હસવાનું કારણ પૂછતાં તેમણે કહ્યું. તમે જ કહો છો કે બધું જ બ્રહ્મ છે. તો માળીનો આત્મા પણ બ્રહ્મ છે એનાથી કેવી રીતે તમારી ધૂણી અપવિત્ર થાય? વળી તમે જીવનભર તપશ્ચર્યા કરી પણ ક્રોધરૂપી ચાંડાળ તો તમારી અંદર હજુ ય રહેલો છે.’ શ્રીરામકૃષ્ણના વાક્યોથી તોતાપુરી જાગી ગયા અને એમણે કહ્યું : ‘આજથી ક્રોધનો ત્યાગ હવે પછી કદી ક્રોધ મારા ઉપર કબજો નહીં જમાવી શકે.’ આમ અસંખ્ય ઉદાહરણો શાસ્ત્રો, મહાપુરુષોના જીવનમાંથી આપણને મળે છે, જેના દ્વારા જીવનપરિવર્તન થઈ શકે છે.

પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. સ્નાન, પાઠ, પૂજા, કર્મકાંડને લોકો ધર્મ માને છે. રોજ ગંગાસ્નાન કરીને મંદિરે દર્શન કરે છે, પણ સાથે સાથે પડોશીઓની સાથે રોજ ઝગડા પણ કરે છે. લાલાજીની પૂજા કરે, ભોગ ધરાવે પણ માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી આપે છે. પોતાની જાતને ધાર્મિક કહેવડાવતા લોકો ખરેખર સાચો ધર્મ શું છે, એ જ સમજતા નથી. ૧૦૦ માંથી ૧૦ ટકા લોકો પણ ધર્મની સાચી પરિભાષા સમજે છે કે કેમ તેમાં સંદેહ છે. શ્રીરામકૃષ્ણદેવ ધર્મની સાચી પરિભાષા સમજાવવા, સાચા ધર્મની પુન: પ્રતિષ્ઠા કરવા માટે જગતમાં આવ્યા હતા.

શ્રીરામકૃષ્ણદેવના આગમન પહેલાં બંગાળમાં રાજા રામમોહનરાયથી પુન: જાગરણની શરૂઆત થઈ હતી. મહારાષ્ટ્રમાં પણ અનેક સંતો તુકારામ, નામદેવ, ગોરા કુંભાર, જ્ઞાનેશ્વર વગેરે દ્વારા આધ્યાત્મિક જાગરણની શરૂઆત થઈ ચૂકી હતી. અવતાર અને મહાપુરુષોમાં તફાવત એ છે કે મહાપુરુષો વાતાવરણને પવિત્ર બનાવે છે. વાતાવરણ તૈયાર કરે છે, અને અવતારના આગમનથી આધ્યાત્મિકતાનો જુવાળ એટલો પ્રચંડ બની જાય છે કે જેમાં પાપી, તાપી, પીડિત, દુષ્ટો બધાંનો ઉદ્ધાર સહજ પણે જ થઈ જાય છે. એ જ રીતે સામાન્ય મનુષ્યો અને મહાપુરુષો વચ્ચે પણ તફાવત પડે છે. સામાન્ય મનુષ્યો પોતાનાં કર્મફળ ભોગવવા માટે શરીર ધારણ કરી પૃથ્વી ઉપર આવે છે, અને દશ પંદર જન્મો સુધી એ ફળો ભોગવ્યા કરે છે. જ્યારે ઈશ્વર કોટિ મહાપુરુષો લોકકલ્યાણ માટે આવે છે અને તેઓ પોતાની ઇચ્છાથી દેહ ધારણ કરે છે. જ્યારે અવતાર પોતાના કાર્યો માટે પૃથ્વી ઉપર આવે છે, ત્યારે તેમના કાર્યને દૃઢ કરવા, એમની વિચારધારાનો પ્રસાર કરવા માટે મહાપુરુષો એમના પાર્ષદરૂપે સાથે આવે છે. અને અવતારના કાર્યોને વેગ આપે છે.

ગિરીશચંદ્ર ઘોષનું જીવન જુઓ. તેમણે જ કહ્યું હતું, દુનિયામાં કોઈ પાપ એવું નહીં હોય જે મેં નહીં કર્યું હોય! જે જમીન પર હું બેસું તેની દસ ફૂટ નીચે સુધીની જમીન અપવિત્ર બની જાય. આવા પાપી-શરાબી ગિરીશને રામકૃષ્ણદેવે સંત બનાવી દીધા! એક સ્ત્રીએ એક દિવસ આવીને ઠાકુરને કહ્યું. ‘મહારાજ, ધ્યાનમાં મન નથી લાગતું.’ ત્યારે ઠાકુરે પૂછ્યું : ‘તારું મન કેમાં લાગે છે?’

‘મારો એક નાનો ભત્રીજો બાળકૃષ્ણ જેવો છે, એમાં મારું મન વારંવાર જાય છે!’ ‘બસ તો પછી એ ભત્રીજામાં તું બાળકૃષ્ણના રૂપને જો પછી તે બાળકૃષ્ણ બની જશે.’અને એ પ્રમાણે કરતાં એ સ્ત્રીનું મન કૃષ્ણમય બની ગયું. ઠાકુરે કહ્યું છે, ‘મોડ ફિરિયે દાવ – તમે દિશા બદલી નાંખો.ભગવાન તરફ મનની દિશા વાળી દો. એટલે બધું બદલાઈ જશે.

સંત એકનાથજીના જીવનનો એક પ્રસંગ પણ પ્રેરણાદાયી છે. એક વખત એકનાથજી પોતાના ગામના લોકોની સાથે રામેશ્વર ગંગાજલનો અભિષેક કરવા જઈ રહ્યા હતા. અભિષેક માટે જે ગંગાજલ લઈ જવામાં આવે તેને ક્યાંય ભૂમિસ્પર્શ કરાવાય નહીં. આથી બધા ખભે કાવડમાં ગંગાજલ લઈ જતા.રસ્તામાં એક ગધેડો પાણીની તરસથી તરફડતો હતો. એકનાથજીએ પોતાની પાસેનું ગંગાજળ એ ગધેડાને પીવડાવી દીધું. સાથીદારોએ ઠપકો આપતાં કહ્યું. છેક ગંગોત્રીથી લાવેલું ગંગાજળ તમે એક ગધેડાને પીવડાવી દીધું? હવે રામેશ્વરનો અભિષેક શેનાથી કરશો? ત્યારે એકનાથજીએ કહ્યું: પાપ કર્યું કે પુણ્ય એની મને ખબર નથી પણ મારી સામે રામેશ્વર પાણી વગર તરફડતા હતા, એટલે મેં તેમને પાણી પીવડાવી દીધું! બસ આ ભાવના કે ઈશ્વર પ્રત્યેકમાં છે, એની અત્યંત જરૂર છે.

ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાંની વાત છે. બનારસમાં વિશ્વનાથજીનું બીજું મંદિર બનાવવામાં આવી રહ્યું હતું, ત્યારે કોઈએ પૂછ્યું, એક મંદિર તો છે, તો બીજું કેમ બનાવો છો? તો જવાબ મળ્યો એ મંદિર તો અપવિત્ર થઈ ગયું. તેમાં તો બધા – અપવિત્ર લોકો પણ જાય છે. જ્યારે આ મંદિરમાં તો માત્ર બ્રાહ્મણો જ જશે! માત્ર પવિત્ર લોકો જ મંદિરમાં જઈ શકે તો એ મંદિર કેવું? એ ભગવાન કેવા? આપણે તો એવા ભગવાન જોઈએ છે, જે અપવિત્ર, ગંદા, પાપી, તાપી, સર્વને પોતાની પ્રેમાળ ગોદમાં બેસાડીને તેને પવિત્ર, શુદ્ધ અને સ્વચ્છ કરી દે. શું પોતાનું બાળક ગંદુ હોય તો માતા તેને ગોદમાં લેતી નથી? તે તો તેને વહાલથી તેડીને સાફસુફ કરીને સ્વચ્છ બનાવી દે છે તો ભગવાન પણ એવું જ કરે છે. ભગવાન અપવિત્રને પવિત્ર કરે છે. પોતાનાથી ક્યારેય દૂર કરતા નથી. આ ભાવના મહત્વની છે.

શ્રીરામકૃષ્ણ દેવ એક દૃષ્ટાંત કથા કહેતા કે ભગવાન શિવજીએ કહ્યું હતું કે ગંગામાં જે બધા સ્નાન કરશે તેઓ પવિત્ર બની જશે. તેમના પાપ દૂર થઈ જશે. તો પછી પાર્વતીએ પૂછ્યું ‘શું બધા ખરેખર પાપ મુક્ત થઈ જશે તો તો કેવું સારું!’ ત્યારે શિવજીએ કહ્યું; ‘ના બધા મુક્ત નહીં થાય.’ ‘એ કેવી રીતે?’ પાર્વતીએ પૂછ્યું, ત્યારે શિવજીએ કહ્યું. તમે મારી સાથે ચાલો. હું તમને એ બતાવું છું. તમારે મારી સાથે હું કહું તેમ કરવું પડશે. શિવજીએ કુષ્ટરોગીનું સ્વરૂપ ધારણ કર્યું. પાર્વતીજી એ રોગીના પત્નીનું સ્વરૂપ ધારણ કરી ત્યાં રસ્તામાં રોગીને લઈને બેઠાં. સ્નાન કરીને આવતા લોકો કહેવા લાગ્યા કે, ‘આને રસ્તામાંથી હટાવ.’ ત્યારે પાર્વતીએ કહ્યું, ‘આપ બધા ગંગાસ્નાન કરીને આવો છો. પાપમુક્ત છો. જે સંપૂર્ણ પાપમુક્ત બની ગયો હોય, અને પૂર્ણ પવિત્ર હોય, તે જો આને સ્પર્શ કરે તો તેનો રોગ દૂર થઈ જશે. અને જો અપવિત્ર એનો સ્પર્શ કરશે તો આ રોગ એવા મનુષ્યના શરીરમાં પ્રવેશી જશે.’ આથી બધા દૂર ભાગવા લાગ્યા. ગંગાસ્નાન કરીને આવ્યા હતા, છતાં કોઈ પાપમુક્ત નહોતું. એક શુદ્ર એવો આવ્યો કે જેણે ગંગાસ્નાન કર્યું હતું અને તેની એવી દૃઢ ભાવના હતી કે મારાં સઘળાં પાપ ગંગાસ્નાનથી ધોવાઈ ગયાં છે, અને હું સંપૂર્ણ મુક્ત છું. આવી દૃઢ ભાવનાથી એણે સ્પર્શ કર્યો! કુષ્ટરોગીનો રોગ દૂર થઈ ગયો! અને તેને પછી શિવજીના દર્શન થયાં. આવી ભાવના જ મહત્વની છે. ભાવનાથી જ સઘળું પ્રાપ્ત થઈ શકે છે.

સ્વામી વિવેકાનંદે બતાવ્યું હતું કે એક ઓરડામાં બાળક રમી રહ્યું છે, અને એક ચોર ત્યાં આવે છે. બાળક તો ચોરને પણ મહાપુરુષ માને છે. કેમકે એના મનમાં ચોરભાવ છે જ નહીં. કોઈ વ્યક્તિના મનમાં શંકા હોય તો તે મહાપુરુષને પણ ચોર જ માને છે. કોઈ મનુષ્યની અંદર જો સતત બ્રહ્મભાવ જ રહેતો હોય તો તે ચોરને પણ ભગવાન માને છે. જેમકે પવહારી બાબાને ત્યાં ચોરી કરવા આવનાર ચોરને પણ તેમણે ભગવાન રૂપ માનીને, તે એક વાસણ ઓછું લઈ ગયો હતો તો તે આપવા તેઓ પાછળ દોડ્યા હતા. તે મુખ્ય વાત છે ભાવપરિવર્તનની. ભગવાન સર્વત્ર છે, સર્વમાં રહેલા છે. હિંદુ, મુસલમાન, શીખ, ખ્ર્રિસ્તી, બ્રાહ્મણ, ચાંડાલ સર્વ કોઈમાં ભગવાન રહેલા છે. આ ભાવના દૃઢ કરવા આ પ્રમાણે જીવન જીવતાં શીખવાડવા શ્રીરામકૃષ્ણદેવ આવ્યા હતા.

શ્રીરામકૃષ્ણદેવને સર્વ પ્રથમ કોણે ઓળખ્યા? 

બ્રાહ્મણે? જમીનદારે? નહીં શ્રીરામકૃષ્ણને સહુથી પ્રથમ ઓળખનાર હતો ભંગી! રસિક મહેતર. જેને સમાજ અસ્પૃશ્ય ગણે છે. એણે શ્રીરામકૃષ્ણદેવને ઈશ્વર રૂપે જોયા. બાકી મોટાભાગના લોકો તો તેમને પાગલ બ્રાહ્મણ કહેતા હતા. ભગવાનની પ્રાપ્તિ માટે ઉચ્ચજાતિની કોઈ આવશ્યકતા નથી. બસ માત્ર ભાવ પરિવર્તન કરવાની જ આવશ્યકતા છે. કર્મને સેવા-પૂજા રૂપે કરવાનું, પ્રત્યેકમાં ભગવાન રહેલા છે, એ ભાવ રાખી દરેક સાથે વ્યવહાર કરવાનો, તો એમ કરતાં કરતાં આ ભાવ દૃઢ થતાં પછી પ્રત્યેકમાં રહેલા ઈશ્વરનાં દર્શન થશે અને જીવન સાર્થક થશે.

આ રીતે સમગ્ર વિશ્વમાં સર્વધર્મોના સમન્વય માટે ભારતીય સંસ્કૃતિ અને ધર્મના સત્યોના દર્શનની મહાનતા સ્થાપવા માટે ભોગવાદના રાક્ષસને ડામવા માટે અને નારી જાતિના પુનરુત્થાન માટે શ્રીરામકૃષ્ણ રૂપે ભગવાન પૃથ્વી પર આવ્યા અને પ્રત્યેક મનુષ્યને માટે ઈશ્વરપ્રાપ્તિનો સરળમાં સરળ માર્ગ તેમણે બતાવી આપ્યો.

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.