સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે હિન્દીમાં આપેલ પ્રવચનનો કુસુમબહેન પરમારે કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

જ્યાં જ્યાં ભક્તસમાગમ હોય અને હરિકીર્તન થતું હોય ત્યાં ઈશ્વરની ઉપસ્થિતિ અવશ્ય હોય. જ્યાં ભગવાનનું ગુણગાન થાય ત્યાં ભગવાનનો દિવ્યપ્રકાશ વિશેષ અનુભવાય છે. જ્યાં ઘણા બધા ભક્તો એક સાથે ભાવપૂર્વક ભજન કરતા હોય ત્યાં ભગવાનને આવવું જ પડે. ભગવાન તો ભાવનો ભૂખ્યો છે જે પ્રેમથી બોલાવે તેની પાસે જાય. નરેન્દ્રનાથ જ્યારે દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણદેવને ભજન સંભળાવતા ત્યારે ઠાકુરનું શુદ્ધ મન ભાવરાજ્યમાં વિચરતુ અને ક્યારેક તેઓ સમાધિસ્થ પણ થઈ જતા! જો આપણે ભક્તિભાવથી ભજન કરીએ તો ઠાકુર દૂર નહિ રહે. ઠાકુરને આવવું જ પડશે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જન્મોજન્મના સંસ્કારનો પડઘો આપણી અને ઈશ્વર વચ્ચે પડેલો છે. ઈશ્વર સ્મરણથી તેમના ભજનકીર્તનથી મન શુદ્ધ થાય અને ક્રમશ: આવરણ દૂર થાય છે. પડદો હટી જાય અને ઠાકુર સામે આવીને ઊભા રહે. ભક્તોને ભજનમાં ખૂબ આનંદ મળે.

જરા વિચારો કે શ્રીરામકૃષ્ણદેવ આ ધરાધામમાં શા માટે આવ્યા હતા? ભક્તોના કલ્યાણ માટે આવ્યા હતા. ઠાકુરે દેખાડ્યું કે ગમે તે રીતે અર્થાત્‌ ‘યેન કેન પ્રકારેણ’ ભગવાનની પાસે આવવું જોઈએ. સત્સંગ માટે કોઈ બોલાવે કે ન બોલાવે તો પણ જવું જોઈએ. એક વખત અધરસેનને ત્યાં શ્રીરામકૃષ્ણદેવ પધાર્યા હતા. ભક્ત સમાગમ અને સત્સંગ સભાનું આયોજન થયું હતું. અધરસેને રાખાલને રામચંદ્ર દત્તને તેમના વતી આમંત્રણ આપવાનું કહ્યું હતું. પરંતુ રાખાલ તેમને સંદેશો આપતા ભૂલી ગયા. પરિણામે રામચંદ્ર સત્સંગમાં ન જઈ શક્યા. રામચંદ્રના મનમાં ખૂબ દુ:ખ થયું. તેઓ વિચારવા લાગ્યા કે શું ભગવાન મને દૂર રાખવા ઇચ્છે છે? મને શા માટે બોલાવ્યો નહિ – મનમાં ને મનમાં ખૂબ વ્યથિત થઈ ગયા. થોડી રીસ પણ ચડી. અંતે રામચંદ્ર જ્યારે દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણને મળ્યા ત્યારે ઠાકુરે તેમને પૂછ્યું, ‘તમે અધરને ત્યાં કેમ આવ્યા નહિ?’ શ્રીરામકૃષ્ણે જ્યારે રામચંદ્રના મનની વાત જાણી ત્યારે તેમને કહ્યું કે જ્યાં હરિનામ કીર્તન થાય ત્યાં આમંત્રણ વગર જવું જોઈએ. ભજન-સત્સંગમાં તો આપણે ભગવાનના ગુણગાન સાંભળવા જઈએ છીએ. ભગવાનને પ્રસન્ન કરવા જઈએ છીએ. ભગવાનને હૃદયમાં જાગ્રત કરવા જઈએ છીએ. આવી ભાવના સાથે સત્સંગમાં જઈએ તો ભગવાનને પામવા માટે કોઈ વિશેષ સાધન-ભજન કરવાની આવશ્યકતા રહેતી નથી.

આપણે જોયું છે કે ભક્તિમાર્ગી અનેક સંતો-ભક્તો કેવળ ભજન અને સત્સંગથી ભવસાગર તરી ગયા હતા. ઈશ્વરના સાક્ષાત્‌ દર્શન પામ્યા હતા. સૌરાષ્ટ્રમાં નરસિંહ મહેતા વિ., મારવાડમાં મીરાંબાઈ, મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનેશ્વર, ગોરા કુંભાર, સ્વામી સમર્થ, બંગાળમાં કમલાકાંત, રામપ્રસાદ વગેરે મહાપુરુષો લોકો પાસે જતા અને ભજનકીર્તન કરતા. તેઓ ઈશ્વરના ભજન-કીર્તન દ્વારા ઈશ્વરને પામ્યા તેમજ લોકોનું પણ કલ્યાણ થયું. આ મહાપુરુષોએ શાસ્ત્રોનો સાર ગ્રહણ કર્યો હતો. શ્રીરામકૃષ્ણદેવ પણ કહેતા કે શાસ્ત્રનો મર્મ જાણવો જોઈએ પરંતુ ભક્તિમાર્ગથી ઈશ્વરને જલ્દી પામી શકાય. શ્રીરામકૃષ્ણદેવ કહેતા – ‘કળિયુગમાં નારદીય ભક્તિનું વિશેષ મહત્ત્વ છે. ઈશ્વરના નામનું ગુણગાન કરો અને વ્યાકુળ થઈને પ્રાર્થના કરો. ‘હે ઈશ્વર, મને જ્ઞાન આપો, ભક્તિ આપો. મને દર્શન આપો.’ વળી ઠાકુર ક્યારેક હળવી મજાક કરતા કહેતા – કળિયુગમાં શાસ્ત્રના વિધિ-વિધાન માટે સમય ક્યાં છે? આજકાલ તાવમાં દેશી ઓસડિયા લ્યો તો દરદીના રામ રમી જાય. દેશી દવા ચાલે નહિ. આજકાલ તો ફિવર મીક્સચર- વિલાયતી દવા ચાલે. અર્થાત્‌ ઝડપી યુગમાં ઈશ્વરને પામવાનો ઝડપી ઉપાય હરિકીર્તન છે.

હરિકીર્તન ‘ઈન્સ્ટન્ટ નેકટર રેસીપી’ છે છતાંય તેનો આસ્વાદ કર્યા પહેલાં તો માણસને ચાખવાનું પણ મન ન થાય. ઈશ્વરનું ઐશ્વર્ય જોઈને જ માણસ મંત્રમુગ્ધ બને. ઈશ્વરને નિહાળવાનું મન થાય નહિ. કારણ જીવ માત્ર ભોગ તરફ દોડે, યોગ તરફ ગતિ થાય નહિ. આ સંસાર ઘોર દુ:ખનું કારણ છતાંય જીવ બેફામ રીતે દોડે અને અપાર દુ:ખ અને અશાંતિ મેળવે. શ્રીરામકૃષ્ણ કહે છે કે સંસારી જીવની ગતિ નથી. ઊંટ બોરડીના કાંટા-ઝાખરા ખાય મોંમાંથી દડ દડ લોહી વહ્યું જાય તોય બિચારુ – પામર જીવ કાંટા ખાધે રાખે! સંસાર જાણે કે વિશાલાક્ષીનો વમળ, નાવ એકવાર એ વમળમાં સપડાય તો પછી બચે નહિ. સંસારની ભૂલભૂલામણીમાં એકવાર પેઠા એટલે પછી નીકળવું મુશ્કેલ. ચૈતન્ય મહાપ્રભુ પરમપ્રેમી – કરુણાવતાર હતા. આવા જીવને આકર્ષવા માટે શ્રીચૈતન્ય અને નિત્યાનંદ એ બે ભાઈઓએ મસલત કરીને એક યુક્તિ કરેલી કે ‘માગુર માછલીનો ઝોલ (રસાદાર શાક), જુવાન સ્ત્રીનો કોલ (ખોળો), હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. અર્થાત્‌ જે હરિ બોલ, હરિ બોલ, બોલે તેને એ બે ચીજો મળે. આ બે વસ્તુની લાલચે કેટલાય લોકો ‘હરિ બોલ હરિ બોલ’ બોલવા આવતા. પણ થોડા સમયમાં જ હરિનામરૂપી અમૃતનો જરાક સ્વાદ લાગતાં જ તેઓ સમજી જતા કે માગુર માછલીનો ઝોલ એ બીજું કાંઈ નહિ પણ હરિ પ્રેમે જે આંસુ ઝરે તે; અને જુવાન સ્ત્રી એટલે પૃથ્વી. જુવાન સ્ત્રીનો ખોળો એટલે હરિ પ્રેમમાં ધૂળમાં ઓળોટવું તે!’

સાધુસંગ કરવાથી માણસના મનનો મેલ ધોવાઈ જાય છે. સત્સંગનો મહિમા અપરંપાર છે. પારસમણિના સ્પર્શથી જેમ લોઢું કાંચન બની જાય છે તેમ સત્સંગના સ્પર્શ માત્રથી માણસનું મન શુદ્ધ થાય છે, શાંત બને છે અને ઈશ્વર અનુરાગી બને છે. તેના મનમાં ઈશ્વર માટે પરમ પ્રેમ જાગે છે. સત્સંગ કરતાં કરતાં માણસનું મન ઝડપથી ઈશ્વરના પ્રેમે રંગાય છે અને ‘ઈશ્વરને પામવા માટે તેના પ્રાણ આકુલ વ્યાકુળ થાય છે.

ઈશ્વર પ્રતિના શુદ્ધ પ્રેમ થકી તેની આંખમાં જ્ઞાનની રોશની પ્રકટે છે. કારણ, સત્સંગથી માણસની વિવેકબુદ્ધિ સતત જાગ્રત થાય છે. તે સત્‌-અસત્‌નો વિચાર કરે છે. ઈશ્વરની શાશ્વતતાનું અને સંસારની ક્ષણભંગુરતાનું તેને ભાન થાય છે. ભક્ત નરસિંહ મહેતા અને કૃષ્ણપ્રેમી મીરાં જેવું મન નિર્મળ, શાંત અને એકનિષ્ઠ બને છે. ત્યારે જ્યાં જ્યાં હરિનામ સંભળાય ત્યાં તેના પગ દોડી જાય છે અને હરિ કીર્તનના પરમ આસ્વાદમાં અમૃતનો ઓડકાર પામે છે.

આપણા દેશમાં ઘણા અવતારી પુરુષો વારંવાર જન્મગ્રહણ કરે છે. અવતાર હંમેશાં કોઈ વિશેષ ધ્યેય લઈને આવે છે. ભક્તોના કલ્યાણ માટે આવે છે. રામવતાર અને કૃષ્ણાવતારમાં રાક્ષસોનો સંહાર કર્યો અને શરણાગતોની રક્ષા કરી. બુદ્ધ, ચૈતન્ય અને રામકૃષ્ણ અવતારમાં કોઈ રાક્ષસનો વધ કર્યો નથી ઊલ્ટું તેઓ તો પ્રેમાવતાર હતા. અસીમ કરુણા સિંધુ હતા. રામકૃષ્ણ અવતારમાં પ્રભુએ આધુનિક માનવના મનમાં રહેલ શંકારૂપી રાક્ષસનો વધ કર્યો અને ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરાવ્યો. ઈશ્વર કોઈ ઊંચે આકાશમાં બિરાજમાન નથી પરંતુ આપણી અંદર આત્મા સ્વરૂપે બિરાજમાન છે. વ્યાકુળ હૃદયે પોકારીએ તો ખુલ્લી આંખે ઈશ્વરના દર્શન થઈ શકે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા- ‘માનવજીવનનો ઉદ્દેશ ઈશ્વર પર પ્રેમ થવો. ઈશ્વરને ચાહો – ઈશ્વર પર ભક્તિ જ સાર વસ્તુ. ભજનાનંદ જ બ્રહ્માનંદ છે. એ આનંદ પ્રેમની સુરા છે.’

શ્રીરામકૃષ્ણદેવ ભક્તો સાથે હરિનામ કીર્તનમાં મસ્ત બનીને ગાતા, નાચતા અને પ્રેમ સુરાપાનથી દિવ્યઆનંદમાં ગરકાવ થઈ જતા. યાદ રાખજો ભગવાને વચન આપતા કહ્યું છે : 

‘નાહં વસામિ વૈકુંઠે યોગિનામ્‌ હૃદયે ન ચ
સદ્‌ભક્તા યત્ર ગાયન્તિ તત્ર તિષ્ઠતિ નારદ’

સદ્‌ભક્ત બનીને ઈશ્વરના ગુણગાન કરીએ જેથી કરીને સદા સર્વદા ઈશ્વર આપણી પાસે રહે છે! પ

Total Views: 43

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.