વેદાંત સોસાયટી, સેન્ટ લૂઈસ દ્વારા સ્વામી ચેતનાનંદજી કૃત ‘ધેય્‌ લિવ્ડ વીથ ગોડ’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

રાણી રાસમણિ

પ્રભુની લીલા ઘણીવાર રહસ્યમય હોય છે. કોલકાતાના ધનસંપત્તિ સમૃદ્ધ સુખ્યાત મહિલા રાણી રાસમણિએ લાંબા સમય માટે વારાણસીની યાત્રાનું આયોજન કર્યું હતું. બધી વ્યવસ્થા અને તૈયારીઓ થઈ ગઈ હતી, તેઓ યાત્રાએ નીકળવાની તૈયારીમાં હતાં; ત્યાં જ શ્રી જગન્માતાએ સ્વપ્નમાં દર્શન આપીને રાણી રાસમણિને આ યાત્રાએ નીકળવાને બદલે એમનું મંદિર બંધાવવા આજ્ઞા કરી. આ રીતે દક્ષિણેશ્વરનું શ્રી કાલીમંદિર અસ્તિત્વમાં આવ્યું.

એક વખત શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘રાણી રાસમણિ જગન્માતાની ૮ નાયિકાઓમાંના એક હતાં. તેઓ જગન્માતાની પૂજાનો પ્રચાર-પ્રસાર કરવા પૃથ્વી પર અવતર્યાં હતાં.’ (સ્વામી શારદાનંદ કૃત ‘શ્રીરામકૃષ્ણ – ધ ગ્રેટ માસ્ટર’ વો.૧, પૃ.૪૮૪)

ગત શતાબ્દિ (૧૯મી સદી)ના મધ્યકાળમાં આ મહા નારીએ એક એવું પ્રતિષ્ઠાન આપ્યું કે જેમાં શ્રીરામકૃષ્ણે ૩૦ વર્ષ સુધી પોતાની દિવ્યલીલા રચી. કોલકાતાથી ૪ માઈલ ઉત્તરે ગંગાના કિનારે આવેલા મંદિરના સુંદર ઉદ્યાનમાં આ સમગ્ર કથાનો પ્રારંભ થયો. ભગિની નિવેદિતાએ કહ્યું છે: ‘માનવીય દૃષ્ટિએ કહીએ તો દક્ષિણેશ્વરના મંદિર વિના શ્રીરામકૃષ્ણ ન હોત; શ્રીરામકૃષ્ણ વિના આપણને વિવેકાનંદ ન સાંપડત; અને વિવેકાનંદ વિના પશ્ચિમના જગત માટેનું આધ્યાત્મિક જીવનકાર્ય ન હોત.’ (‘ધ કંપ્લીટ વર્ક્સ ઓફ સિસ્ટર નિવેદિતા’ વો.૧, પૃ.૧૯૧)

રાણી રાસમણિનો જન્મ ૧૭૯૩ના સપ્ટેમ્બરમાં કોલકાતાની ઉત્તરે ૩૦ માઈલ દૂર ગંગાના પૂર્વ કિનારે આવેલ ‘કોણ’ નામના નાના ગામડામાં થયો હતો. એમનું નામ રાસમણિ પાડવામાં આવ્યું. પરંતુ એમનાં માતા એમને દોઢ વર્ષની ઉંમરથી ‘રાણી’ એવા ઉપનામથી બોલાવતાં. એમનાં પિતા હરેકૃષ્ણદાસ અને માતા રામપ્રિયાદાસી પવિત્ર સહજ-સરળ પણ અત્યંત ગરીબ હતાં. એમનાં પિતા ખેતીકામ કરીને તેમજ ગામમાં મકાનનાં છાપરાંનું સમારકામ કરીને કુટુંબનું ગુજરાન ચલાવતા. ગરીબ કુટુંબોનાં બાળકો સૂર્યના તાપ અને વર્ષા તેમજ ઠંડીમાં રહેતાં અને પોષણયુક્ત ખોરાકના અભાવે જીવતાં. એમણે તો જન્મથી જ ઝઝૂમવાનું હતું; બાળપણથી જ તેઓ મજૂરી કરતા. જ્યારે રાસમણિ નાનાં હતાં ત્યારે તે ખેતરે પિતા માટે ભાત લઈ જતાં; માતાને ઘરકામમાં મદદ કરતાં અને વાડામાંથી શાકભાજી લાવતાં. બીજાં ગરીબ બાળકોની જેમ તેઓ ક્યારેય કશી માગણી ન કરતાં. એમની પાસેથી ક્યારેય કોઈએ ‘હું ન કરી શકું’ એવા શબ્દો સાંભળ્યા ન હતા. એમના પોતાના વાડામાં આંબાની ડાળે પિતાએ બાંધી આપેલા દોરીના હીંચકા પર પોતાની સખીઓ સાથે હીંચકા ખાવા એ એમની સૌથી પ્રિય રમત હતી.

હરેકૃષ્ણદાસ એક ખેડૂત હતા પણ તેઓ બંગાળી લખી-વાંચી જાણતા અને એ બધું પોતાની દીકરીને પણ શીખવ્યું. આપણા પ્રાચીન ધર્મગ્રંથોની વાર્તાઓ કહેવાની એમનામાં અદ્‌ભુત કળા હતી. ગામડાના વાર્તા-કથાકાર તરીકે શિક્ષણના પ્રચાર-પ્રસારમાં એમણે ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ગ્રામ્યજનોએ એમની આ પ્રતિભાનો ઘણો લાભ લીધો હતો. સાંજના સમયે એમના ઘરે ગ્રામ્યજનો આવતા અને રામાયણ, મહાભારત અને પુરાણમાંથી મંજુલ કર્ણપ્રિય કથા-વાર્તાનું વાચન સાંભળતા. રાણી રાસમણિ પણ આ બધી વાતો સાંભળતાં અને એમની ધારણાઓ મનને ઉચ્ચગ્રાહી બનાવતી.

રાસમણિનાં માતાપિતા ચુસ્ત વૈષ્ણવ હતાં. સાધન-ભજન કરતાં પહેલાં તેઓ કપાળે તીલક પણ તાણતાં. રાસમણિને તેમનું અનુસરણ કરવું ગમતું. અરીસાની સામે બેસીને તેઓ પણ પોતાના કપાળે આવું તીલક કરતાં. આમ એમના મનમાં ધર્મનાં જે બીજ વવાયાં તે પછીથી સઘન રૂપે વિકસ્યાં. એમનાં ઈશ્વર પ્રત્યેની પ્રેમશ્રદ્ધા સ્વયંભૂ બની ગયાં. શક્તિ, સત્યપ્રિયતા, સંનિષ્ઠા, પ્રામાણિકતા અને સંતોષ જેવા સદ્‌ગુણોથી એમનું ચારિત્ર્ય ઘડાયું.

રાણી રાસમણિ માત્ર ૭ વર્ષના હતાં ત્યારે ઊંચા તાવને લીધે એમનાં માતા રામપ્રિયાનું અવસાન થયું. નાની બાળકી માટે આ એક મોટો આઘાત હતો. ‘તારી મા તો સાજી થવા માટે ગઈ છે અને થોડા વખતમાં પાછી આવી જશે’ આમ કહીને એમનાં સગાંવહાલાં દિલાસો આપતાં. પણ ધીમે ધીમે તેને ખ્યાલ આવી ગયો કે તેની માતા મૃત્યુ પામી છે. ‘દુ:ખનું ઓસડ દહાડા’ની જેમ સમય જતાં તેમના હૃદયમાંથી આ શોકનો આઘાત દૂર થયો. (પ્રબોધચંદ્ર સાંત્રા કૃત ‘રાણી રાસમણિ’ પૃ.૪-૫)

પુત્રી ઉપરાંત હરેકૃષ્ણના ઘરમાં બે પુત્ર અને એક બહેન પણ હતાં. દુ:ખ અને ગરીબીએ એના હૃદયને ઘેરી લીધું પણ ઈશ્વર પરની શ્રદ્ધાએ એને ટકી રહેવા માટે સહાય કરી. ચાર વર્ષ પસાર થયાં અને એક બીજી સમસ્યા ટપકી પડી; રાણી રાસમણિનાં લગ્નની ગોઠવણ કરવાની ચિંતા થવા લાગી; કારણ કે એમાં ઘણા પૈસાની જરૂર પડે તેમ હતું. જો કે રાસમણિ માત્ર ૧૧ વર્ષના હતાં છતાં પણ તેઓ વયસ્ક દેખાતાં અને તેઓ સૌંદર્યવાન હતાં.

એક દિવસ ૧૮૦૪ની વસંત ઋતુમાં રાસમણિ પોતાની બીજી ગ્રામ્ય સખીઓ સાથે ગંગા સ્નાન કરવા ગયાં. હોડીમાં બેઠેલા કેટલાક લોકો દૂરથી એને જોઈ રહ્યા છે, એનો એમને ખ્યાલ ન આવ્યો. એ હોડી કોલકાતાના જાનબજારના મોટા જમીનદાર પ્રિતરામદાસના પુત્ર રાજચંદ્ર દાસની હતી. રાજચંદ્ર દાસે બે વખત લગ્ન કર્યા પણ એમની બંને પત્નીઓ અવસાન પામી હતી અને હવે તે ફરીથી લગ્ન કરવા ઇચ્છતા ન હતા. જો કે એમના પિતાની પુત્ર પુનર્લગ્ન કરે તેવી ઇચ્છા હતી કે જેથી તેનો વંશ જળવાઈ રહે. પ્રિતરામનો સૌથી પુત્ર હરચંદ્ર નિ:સંતાન બનીને વહેલો મૃત્યુ પામ્યો હતો.

રાજચંદ્ર રાસમણિના ગામની નજીક ત્રિવેણી સંગમમાં પોતાના મિત્રો સાથે હરવા-ફરવા તેમજ ત્રિવેણીમાં સ્નાન કરવા જતા. રાજચંદ્રના મિત્રોએ દૂરથી રાસમણિ તરફ આંગળી ચીંધીને બતાવ્યું ત્યારે તેમના સૌંદર્યથી રાજચંદ્ર ઘણા પ્રભાવિત થયા હતા. રાજચંદ્રની સહમતિથી તેના મિત્રોએ હોડીને કિનારે લાંગરી અને રાસમણિ વિશે પૂછપરછ કરી. પછી તેઓ કોલકાતા પાછા ફર્યા. પોતાના પુત્રની લગ્ન રુચિ વિશે સાંભળીને પ્રિતરામ ઘણા રાજી થયા અને લગ્નના સૂચન સાથે હરેકૃષ્ણના ઘરે તરત જ દૂતોને મોકલ્યા. હરેકૃષ્ણને તો આ ઈશ્વરના આશીર્વાદ જેવું હતું અને એણે પોતાની મંજૂરી પણ આપી દીધી. એપ્રિલ ૧૮૦૪માં રાજચંદ્રના નિવાસસ્થાને કોલકાતામાં લગ્ન સમારંભ યોજાયો.

રાસમણિના સસરા બુદ્ધિશાળી અને આપકર્મી હતા. એમનો જન્મ ૧૭૫૩માં ગરીબ પરિવારમાં થયો હતો. તે નાના હતા ત્યારે એમના પિતાનું અવસાન થયું હતું અને એમની કાકીએ એમને મોટા કર્યા હતા. કોલકાતામાં મીઠાનું વેંચાણ કરતી એક પેઢીમાં તેઓ કારકુન તરીકે જોડાયા અને પછી અત્યારના બાંગ્લાદેશ-પૂર્વ બંગાળના નાતોરમાં એક મોટી પેઢીના મેનેજર બન્યા. શાસક અંગ્રેજો સાથે વિવિધ વસ્તુઓનો વેપાર-વ્યવહાર કરતા. એને લીધે એમની અંગ્રેજો સાથે ઘણા અંગત સંબંધો બંધાયા. જ્યારે ૧૮૧૭માં પ્રિતરામનું અવસાન થયું ત્યારે રાજચંદ્રને ૬ લાખ ૫૦ હજાર રોકડ અને બીજી મોટી સ્થાવર જંગમ સંપત્તિ વારસામાં મળી. (સ્વામી ગંભીરાનંદ કૃત ‘શ્રીરામકૃષ્ણ ભક્તમાલિકા’ ભાગ-૨, પૃ.૪૨૨)

‘ધન ધનને તાણી લાવે’ એક ઉક્તિ પ્રમાણે એમ કહેવાય છે કે એક દિવસ એક હરાજીમાં શ્રીરાજચંદ્ર પચાસ હજાર રૂપિયા કમાયા. પિતાની જેમ રાજચંદ્ર ઘણા સફળ માનવ હતા. પરંતુ તેઓ હંમેશાં કોઈ પણ નિર્ણય લેતા પહેલાં પોતાનાં બુદ્ધિશાળી પત્નીની સલાહ લેતા. જો કે રાસમણિ બહુ ઓછું ભણ્યાં હતાં છતાં પણ રાજચંદ્ર એમનાં પત્નીનાં ધારણા, સામાન્ય બુદ્ધિશક્તિ, યુક્તિકુશળતા અને વિનમ્રતાની ઘણી પ્રશંસા અને કદર કરતા. સામાન્ય રીતે ધનસંપત્તિ માનવને ઘમંડી અને અભિમાની બનાવી દે છે. પરંતુ આ સાદી સીધી ગ્રામકન્યા રાસમણિ આ બધાંથી પર રહી. એમની શાંત પ્રકૃતિએ ઘરનાં બધાંનાં હૃદયને જીતી લીધાં હતાં. તેઓ પોતાના પતિની સેવા કરતાં, રસોઈઘરના અને ઘરની બીજી પ્રવૃત્તિઓમાં જાત દેખરેખ રાખતાં અને પોતાના ગ્રામ્યગૃહે જે આધ્યાત્મિક સાધન-ભજન-પૂજા કરતાં તે પણ અહીં કરી લેતાં.

પોતાની વિવિધ અને અપાર સંપત્તિનો પરિગ્રહ કરવાને બદલે રાજચંદ્ર અને રાણી રાસમણિએ એ સંપત્તિનો ઉપયોગ ઘણા સેવાકીય પ્રકલ્પોમાં કર્યો હતો. દુ:ખી, પીડિત અને ગરીબોને જોઈને એમનાં હૃદય ચિત્કાર કરી ઊઠતાં. ૧૮૨૩માં જ્યારે બંગાળના ઘણા વિસ્તારોમાં પૂરે ભયંકર વિનાશ સર્જ્યો હતો ત્યારે રાસમણિએ ઘરબારવિહોણા બનેલા લોકોને ભોજન અને આશરો આપવા છૂટે હાથે પૈસા વાપર્યા હતા. એ જ વર્ષે એમના પિતાનું અવસાન થયું. પિતાના અવસાન નિમિત્તે ગંગાના કિનારે શ્રાદ્ધવિધિ કરવાં ગયાં ત્યારે ગંગાના સ્નાનઘાટની અવદશા એમનાં ધ્યાનમાં આવી. પછી એમણે પોતાના પતિને ત્યાં નવો ઘાટ અને લોકોની આવજા માટે રસ્તો બાંધી આપવા કહ્યું. તત્કાલીન ભારતના ગર્વનર જનરલ લોર્ડ બેન્ટિકે રાજચંદ્રની આ યોજનાને મંજૂરી આપી અને આ રીતે બાબુ ઘાટ અને બાબુ રોડ (અત્યારે રાણી રાસમણિ માર્ગ)નું બાંધકામ થયું. રાજચંદ્રે એક બીજો સ્નાનઘાટ કોલકાતાના પશ્ચિમભાગમાં આહિરિતોલા ઘાટ પોતાનાં માતાની સ્મૃતિમાં બંધાવી આપ્યો. રાણી રાસમણિની વિનંતીથી નિમતલામાં શ્મશાન ગૃહ પણ બાંધી આપ્યું. આ દંપતીએ પુસ્તકાલય સુધારણા, બાલી ઘાટ કેનાલને ઓળંગવા નિ:શૂલ્ક હોડી વ્યવસ્થા કરવા રૂપિયા ૧૦,૦૦૦નું દાન આપ્યું હતું. સાથે ને સાથે કોલકાતાની ઉત્તરે ૧૪ માઈલ દૂર આવેલા તાલપુકુર ગામમાં પીવાના પાણીની અછતને દૂર કરવા એક મોટું તળાવ પણ ગળાવી દીધું હતું. (પ્રબોધચંદ્ર સાંત્રા કૃત ‘રાણી રાસમણિ’ પૃ.૧૯-૨૧)

રાજચંદ્ર પોતાની પ્રામાણિકતા તેમજ ઉદારતા માટે સુખ્યાત હતા. પોતાના સાળાની વિનંતીથી તેમણે એક વખત એક અંગ્રેજ વેપારીને ૧ લાખ રૂપિયા ઉછીના આપવાનું વચન આપ્યું હતું. એ રાત્રીએ એમને જાણવા મળ્યું કે એ કંપનીએ તો દેવાળું કાઢ્યું છે અને પેલા વેપારીએ લંડન પાછા ચાલ્યા જવું પડશે. પરંતુ સવારના પહોરમાં જ્યારે પેલો વેપારી તેમની પાસે પૈસા માગવા આવ્યો ત્યારે રાજચંદ્રે એને આપ્યા પણ ખરા. જ્યારે પોતે એ વેપારીની નાદારી વિશે જાણતા હોવા છતાં પણ એમણે પૈસા આપવાનો ઇન્કાર કેમ ન કર્યો એમ કોઈકે પૂછતાં તેમણે કહ્યું: ‘ભાઈ, કોઈને ‘હા’ કીધા પછી હું ‘ના’ કહેવાનું શીખ્યો નથી.’

પોતાની ઉદારતા, પ્રામાણિકતા, નીતિમત્તા અને માનવસેવા કલ્યાણની પ્રવૃત્તિઓને રાજચંદ્રનું ૧૮૩૩માં બ્રિટિશ સરકારે ‘રાજબહાદૂર’ની પદવી આપીને સન્માન કર્યું હતું. એમના જમાનામાં ખરેખર તેઓ કોલકાતાના પ્રબુદ્ધજનોમાંના એક હતા. એમના અંગત મિત્રોમાં કુમાર દ્વારકાનાથ ટાગોર (રવીન્દ્રનાથ ટાગોરના દાદા), અક્રૂર દત્ત, કાલીપ્રસન્ન સિંહા, સર રાધાકાન્ત દેવ, લોર્ડ ઓકલેન્ડ (ભારતના ગવર્નર જનરલ), જોન બેબ્બ અને ઈસ્ટ ઈંડિયા કંપનીના ઘણા અગ્રણી સભ્યોનો સમાવેશ થાય છે.

રાસમણિ અને રાજચંદ્રને પદ્મમણિ, કુમારી, કરુણામયી, જગદંબા નામે ચાર પુત્રીઓ હતી. પશ્ચિમની સંસ્કૃતિવાળા લોકો સાથે રહેવા છતાં પણ તેમણે પોતાની પુત્રીઓને ભારતની પ્રણાલીગત રીતભાતોમાં કેળવી હતી.

૧૮૨૧માં રાજચંદ્રે કોલકાતાના જાનબજારમાં પોતાના કુટુંબીજનો માટે ૨૫ લાખ રૂપિયાના ખર્ચે એક નવું ભવન બંધાવ્યું હતું. એમાં ૩૦૦ ઓરડા સાથે સાત વિભાગો હતા. આ મકાનનું બાંધકામ પૂર્ણ થતાં ૮ વર્ષ વીતી ગયાં હતાં. આ રાજમહેલ ‘રાણી રાસમણિ કુઠી’ના નામે જાણીતી છે. પહેલો વિભાગ પોતાના કુળદેવતા ભગવાન રઘુનાથ (શ્રીરામચંદ્ર)ને સમર્પિત કર્યો હતો. ઉનાળાની ગરમીના એક દિવસે રાજચંદ્ર બપોર પછી આરામ કરતા હતા. એ વખતે હૃષ્ટપુષ્ટ શરીરવાળો અને જટાધારી એક સંન્યાસી એમને મળવા આવ્યો. દરવાનોએ પહેલાં તો એને અવગણવાનો પ્રયત્ન કર્યો, અંતે એ સાધુએ આ મહેલના માલિકને મળવા અંદર જવા દેવા વિનંતી કરી. કોઈ સાધુ તેમને મળવા આવ્યો છે તેમ શ્રીરાજચંદ્રને કહેવામાં આવ્યું ત્યારે તેઓ દીવાનખાનામાં આવી ગયા. સાધુએ એમને ભગવાન રઘુનાથની મૂર્તિ ભેટ આપી અને કહ્યું: ‘પ્રભુની સેવા કરજો. તેનાથી તમારું કલ્યાણ થશે. હું દૂરના તીર્થસ્થાને યાત્રાએ જાઉં છું અને પાછો આવીશ કે નહિ એની મને ખબર નથી.’ આ ભેટના બદલામાં રાજચંદ્રે કંઈક આપવા કહ્યું ત્યારે સંન્યાસીએ હાસ્ય સાથે કહ્યું: ‘હું ભીખારી સાધુ નથી.’ પછી એ તરત જ ત્યાંથી ચાલ્યા ગયા. રાજચંદ્રે રઘુનાથની મૂર્તિને મંદિરમાં મોટા પૂજાઉત્સવ સાથે સ્થાપી. (પ્રબોધચંદ્ર સાંત્રા કૃત ‘રાણી રાસમણિ’ પૃ.૩૧)

૧૮૩૬માં એક દિવસે રાજચંદ્ર પોતાની ઘોડાગાડીમાં જઈ રહ્યા હતા. એકાએક મગજની નસ ફાટી જવાથી પોતાની બેઠક પર જ બેભાન થઈ ગયા. ઘોડાગાડીનો ચાલક ઝડપથી ઘરે પહોંચ્યો અને રાજચંદ્રને એમના ખંડમાં લઈ જવામાં આવ્યા. કોલકાતાના સર્વશ્રેષ્ઠ દાક્તરોને બોલાવવામાં આવ્યા, પણ બધું વ્યર્થ ગયું. રાજચંદ્ર ૯મી જૂન, ૧૮૩૬ના રોજ ૫૩ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા.

રાસમણિને ઘેરો વિષાદ થયો. કહેવાય છે કે ત્રણ દિવસ સુધી તેઓ અન્નપાણી લીધા વિના જમીન પર સૂતા રહ્યા. પછી મૃત પતિની પાછળની શાસ્ત્રનિર્દિષ્ટ શ્રાદ્ધાદિક ક્રિયા પૂરી કરી. તદુપરાંત એમણે પોતાના વજનની ભારોભાર ચાંદીના સિક્કા જોખ્યા અને આવા ૬૦૧૭ સિક્કા બ્રાહ્મણોમાં વહેંચી દીધા. તેમણે ગરીબોને ભોજન અને ભેટસોગાદ આપ્યાં. શ્રાદ્ધાદિક કર્મની સમાપ્તિના સમયે જેમણે પોતાના પતિને રઘુનાથની મૂર્તિ આપી હતી તે સાધુ આવ્યા. રાણી રાસમણિએ તે સાધુને ઘણી કીમતી વસ્તુઓ અર્પણ કરી, પણ તેઓ થોડું મરક્યા અને માત્ર બે વસ્તુઓ – એક નાનો પાણીનો ઘડો અને ધાબળો – સ્વીકારી. જ્યારે રાણી રાસમણિએ આ સાધુની અનાસક્તિ અને નિર્મોહ-નિર્લોભ વૃત્તિ જોઈ ત્યારે તેમની આંખમાંથી આંસું સરવાં લાગ્યાં. સાધુ શ્રી રઘુનાથને પોતાની અંજલિ અર્પવા ઇચ્છતા હતા એટલે રાણી રાસમણિ એમને મંદિરમાં લઈ ગયાં. પછી સાધુએ રાણી રાસમણિને આશીર્વાદ આપ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. પાછળથી રઘુનાથની આ મૂર્તિ મંદિરમાંથી ચોરાઈ ગઈ હતી. (પ્રબોધચંદ્ર સાંત્રા કૃત ‘રાણી રાસમણિ’ પૃ.૨૮-૩૨)

હવે રાણી રાસમણિ પોતાની વિશાળ સ્થાવર-જંગમ મિલકતની સારસંભાળ પોતાના ત્રણેય જમાઈની મદદથી લેવા લાગ્યાં. પરંતુ તેઓ મોટે ભાગે સૌથી નાના જમાઈ મથુરનાથ બાબુ પર વધુ આધાર રાખતાં. મથુરબાબુ બુદ્ધિશાળી, યુક્તિકુશળ અને અંગ્રેજી ભાષાના સારા જાણકાર હતા. એમની બીજી પુત્રી કરુણાનાં લગ્ન મથુરબાબુ સાથે થયાં હતાં, પણ તેણી ૧૮૩૩માં મૃત્યુ પામી. પછી રાસમણિએ પોતાની ચોથી પુત્રી જગદંબા સાથે મથુરબાબુને લગ્ન કરવા કહ્યું. 

એક દિવસ કુમાર દ્વારકાનાથ ટાગોર રાણી રાસમણિ પાસે આવ્યા અને કહ્યું: ‘જો તમે કોઈ કાર્યકુશળ વ્યવસ્થાપકને તમારી આ વિશાળ સંપત્તિની દેખરેખ રાખવા માટે રોકો તો તમારા માટે ઘણું સારું રહેશે.’

પોતાના પતિના મિત્રની સાથે પ્રયત્ક્ષ વાત કરતાં રાસમણિ શરમાતાં. એટલે તેઓ પડદાની પાછળ બેઠાં અને મથુરબાબુ દ્વારા પોતાનો જવાબ પાઠવ્યો. તેમણે કહ્યું: ‘હા, તમારી વાત સાચી છે. પણ આવો વફાદાર માણસ મેળવવો એ ઘણું દુષ્કર છે.’ દ્વારકાનાથે કહ્યું: ‘જો તમે ઇચ્છો તો હું તમારો વ્યવસ્થાપક બનું.’ રાસમણિએ કહ્યું: ‘એ વધારે સારું રહેશે, પણ અત્યારે તો મારી પાસે કેટલી રોકડ રકમ અને સ્થાવર મિલકત છે અને કેટલા પૈસા લોન રૂપે અપાયાં છે એ વિશે હું કશું જાણતી નથી. મને એટલી ખબર છે કે મારા પતિએ ૨ લાખ રૂપિયા તમને ઊછીના આપ્યા છે એ પૈસા જો તમે મને અત્યારે પાછા આપી દો તો તે રકમ મને ઘણી સહાયરૂપ થશે.’

આ સાંભળીને દ્વારકાનાથે કહ્યું: ‘હા, હું થોડા વખતમાં આ પૈસા પાછા આપી દઈશ. આવતી કાલે જ તમને એ વિશે જાણ કરીશ.’ બીજે દિવસે કુમાર દ્વારકાનાથે રાસમણિને કહ્યું: ‘અત્યારે મારી પાસે કોઈ રોકડ રકમ નથી, પરંતુ આપની રકમના બદલામાં હું મારી જમીન તમને આપીશ.’ આ સાંભળીને રાણી રાસમણિએ પૂછ્યું: ‘એ જમીનમાંથી વાર્ષિક આવક કેટલી થાય છે?’ દ્વારકાનાથે જવાબ આપ્યો: ‘૩૬ હજાર રૂપિયાની ઉપજ આવે છે. પણ એની કીમત ૨ લાખ રૂપિયાથી પણ વધુ છે.’

રાણી રાસમણિએ એ જમીનનો સ્વીકાર કર્યો અને જ્યારે હસ્તાંતરણ પૂરું થયું ત્યારે દ્વારકાનાથને કહ્યું: ‘હું તો વિધવા છું અને મારી મિલકત પણ કંઈ મોટી નથી. એટલે આપના જેવા મોટા માણસને મારા મેનેજર થવા વિનંતી કરવી એ મને જરા અવિનય જેવું લાગે છે. મારા જમાઈઓ મારી મિલકતના વારસદાર છે અને એ લોકો જ વ્યવસ્થા કરશે.’ પછી દ્વારકાનાથને સમજાયું કે રાણી રાસમણિ યુક્તિકુશળ, ઉચ્ચબુદ્ધિશાળી અને દૂરદૃષ્ટિવાળાં સ્ત્રી છે. (પ્રબોધચંદ્ર સાંત્રા કૃત ‘રાણી રાસમણિ’ પૃ.૩૪-૩૫)

આટલી વિશાળ અને મોટી સ્થાવર-જંગમ સંપત્તિના રખેવાળ અને માલિક તરીકેની પોતાની જવાબદારી હોવા છતાં પણ રાસમણિ હંમેશાં અનાસક્તિભાવે રહ્યાં. હિંદુઓના રીતિરિવાજ પ્રમાણે વિધવા પુનર્લગ્ન કરતી નથી. વિધવા નિર્મળ અને અપરિગ્રહ વૃત્તિવાળું સાધ્વી જેવું જીવન જીવે છે. રાણી રાસમણિ પણ આ પ્રાચીન પ્રણાલીનું અનુસરણ કરતાં. વહેલી સવારે તેઓ ઊઠી જતાં અને મંદિરમાં મંત્રજાપ કરતાં. સવારે ૯ વાગ્યે તેઓ પોતાના કાર્યાલયમાં બેસતાં અને દસ્તાવેજો પર સહીસિક્કા કરતાં; અધિકારીઓની નિમણૂક કરતાં, હિસાબ-કિતાબ તપાસી જોતાં અને મથુરબાબુ સાથે વિવિધ સમસ્યાઓ તેમજ યોજનાની ચર્ચા પણ કરી લેતાં. બપોરે ભગવાનને ધરેલા નૈવેદ્યમાંથી ભોજન પ્રસાદ લેતાં અને પછી આરામ કરતાં. બપોર પછી કાર્યાલયના કામકાજનું નિરીક્ષણ કરીને પછી સાંધ્યપ્રાર્થના સેવામાં જોડાતાં. વિદ્વાન બ્રાહ્મણોને આમંત્રણ આપીને એમની શાસ્ત્ર પરની ચર્ચા સાંભળવાનો એમને ઘણો શોખ હતો.

૧૮૩૮માં રાણી રાસમણિને ભગવાન જગન્નાથની રથયાત્રાનો મહોત્સવ ઉજવવાની ઇચ્છા થઈ અને એમણે એ માટે ચાંદીનો રથ બનાવવા મથુરબાબુને કહ્યું. આ રથોત્સવમાં જગન્નાથ પ્રભુની મૂર્તિ રથમાં રાખવામાં આવે છે અને ભક્તો એ રથને ખેંચે છે. મથુરબાબુએ સૂચન કર્યું કે સુખ્યાત હેમિલ્ટન નામની સોના-ચાંદીની અંગ્રેજ કંપની રથ બનાવે છે. પરંતુ રાણી રાસમણિએ એમનું આ સૂચન માન્ય ન રાખ્યું. તેમણે મથુરબાબુને સલાહ આપી કે સ્થાનિક ચાંદીકામના કારીગરો પાસે એ રથ બનાવવો જેથી એમનાં કળા-કૌશલ્યને અને પ્રતિભાને જાણવા ઓળખવાની તક મળી રહે. જ્યારે મહોત્સવનો આરંભ થયો ત્યારે શોભાયાત્રામાં હજારો લોકો જોડાયા અને કોલકાતાની શેરીઓમાં લોકો રથને ખેંચીને લઈ ગયા. રાસમણિના જમાઈ પણ ખુલ્લે પગે આ શોભાયાત્રામાં જોડાયા. રાણી રાસમણિએ એ વખતે કોલકાતાના વિદેશી વિશિષ્ટ મહેમાનો માટે એક મિજબાનીનું આયોજન કર્યું હતું. આ મિજબાની માણીને એમણે કહ્યું: ‘અરે, આવો ભવ્ય અને અસામાન્ય મહોત્સવ અમે અમારી નજરે ક્યારેય જોયો નથી.’ (પ્રબોધચંદ્ર સાંત્રા કૃત ‘રાણી રાસમણિ’ પૃ.૩૮-૪૧)

હિંદુઓમાં આવી કહેણી છે: ‘બાર મહિનામાં તેર તહેવાર.’ તહેવારો અને ઉત્સવો વિના જીવન શુષ્ક બની જાય. રાણી રાસમણિ પ્રભુમય જીવન જીવતાં એટલે એમનું ઘર એ પ્રભુનું મંદિર હતું અને આવા ધાર્મિક ઉત્સવોના દૃષ્યો જોવાં મળતાં. દર વર્ષે રાણી રાસમણિ પચાસ થી સાઠ હજાર રૂપિયા ખર્ચીને દુર્ગાપૂજા મહોત્સવ ઉજવતાં. આ પ્રસંગે તેઓ જરૂરતમંદ લોકોને ભોજન અને ભેટસોગાદ પણ આપતાં. આના દ્વારા તેમની પ્રભુ પ્રત્યેની પ્રેમભક્તિ અને ગરીબો પ્રત્યેના પ્રેમનું દર્શન થતું. આ ઉપરાંત બીજા મહોત્સવો જેવા કે જન્માષ્ટમી, લક્ષ્મીપૂજા, જગદ્ધાત્રીપૂજા, કાર્તિકપૂજા, સરસ્વતીપૂજા, વસંતીપૂજા, દોલયાત્રા અને એવા બીજા અનેક ઉત્સવો એક પછી એક ઉજવાતા.

આવા પ્રસંગે ગરીબોને અન્નવસ્ત્ર અપાતાં; ધર્માનુષ્ઠાન કરનારા બ્રાહ્મણોને દાનદક્ષિણા અપાતાં તેમજ ગવૈયા અને સંગીરકારોને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવતા. તદુપરાંત વેઈટલિફ્‌ટર્સને વજન ઊંચકવાનાં અને મલ્લને કુસ્તીદાવનાં પરાક્રમો કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવતું અને વિજેતાઓને કીમતી ભેટસોગાદો રાણી રાસમણિ દ્વારા મળતી.

પોતાના સાહસ-હિંમત અને સામાન્ય જન માટેના પ્રેમભાવ અને જાહેર પ્રતિભાવ માટે રાણી રાસમણિનું ઘણું ઊંચું માનસ્થાન હતું. એક વખત દુર્ગાપૂજાના દિવસે પોતાના પૂજારી બ્રાહ્મણો ભજનસંગીતવાજાં સાથે ચોક્કસ વિધિવિધાન કરવા ગંગા કિનારે શોભાયાત્રામાં નીકળ્યા. એ વખતે વહેલી સવાર હતી અને એક અંગ્રેજની ઊંઘમાં એનાથી ખલેલ પહોંચી. પેલા અંગ્રેજે સંગીતવાજાં બંધ કરવાનું કહ્યું પણ કોઈએ એના તરફ ધ્યાન ન દીધું. પછી એ અંગ્રેજે પોલીસ ફરિયાદ કરી અને તાત્કાલિક કાર્ય અમલ કરવા તાકીદ કરી. પરંતુ રાણી રાસમણિએ તો વધુ સંગીત ટુકડીઓ બીજે દિવસે મૂકી અને આ વિરોધની જરાય દરકાર કર્યા વગર ઘણા આનંદ ઉત્સાહ સાથે આ પૂજાવિધિ પૂર્ણ કરી. પરિણામે રાણી રાસમણિની વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલ્યો અને એ કેસમાં તેઓ હારી ગયાં અને પચાસ રૂપિયા દંડ પણ થયો. સરકારે આવી ધાર્મિક બાબતની વિરુદ્ધમાં કાર્ય કર્યું છે એનાથી રાણી રાસમણિ ખૂબ ગુસ્સે થયાં. તેમણે દંડ તો ભરી દીધો પણ એ જ સમયે બાબુ રોડના બંને છેડે, જાનબજારથી બાબુ ઘાટ સુધી આડશ મૂકવાનો હુકમ કર્યો. જેથી વાહન ત્યાંથી પસાર ન થઈ શકે. સરકારે આનો વિરોધ કર્યો એટલે રાણી રાસમણિએ પત્ર દ્વારા જવાબ પાઠવ્યો: ‘રસ્તો મારો છે. એ રસ્તા પરથી પસાર થવાનું વળતર મેળવ્યા સિવાય હું કોઈનેય એના પરથી પસાર થવા નહિ દઉં.’ રાણી રાસમણિના આ પડકારની વિરુદ્ધમાં સરકાર કંઈ કરી શકે એમ ન હતી, કારણ કે કાયદાકીય રીતે બાબુ રોડના માલિક તેઓ જ હતા. થોડા જ વખતમાં આ સમાચાર આખા શહેરમાં પ્રસરી ગયા અને લોકોએ આ નિડર અને બહાદૂર સ્ત્રી માટે આવી કાવ્યપંક્તિઓ રચી: ‘જ્યારે રાણીના અશ્વો અને ગાડી શેરીઓમાં દોડે, ત્યારે કોઈ પણ, અરે! અંગ્રેજ કંપની પણ એની આડે આવી ન શકે.’ અંતે બ્રિટિશ સરકારે એમણે ભરેલા દંડની રકમ પાછી આપી અને સામાન્ય લોકો માટે એ રસ્તો ખૂલો કરવા વિનંતી પણ કરી. પછી જ રાણી રાસમણિએ એ આડશો દૂર કરી. (પ્રબોધચંદ્ર સાંત્રા કૃત ‘રાણી રાસમણિ’ પૃ.૪૨-૪૪)

ગરીબ અને પીડિત લોકોને સહાય કરવા રાણી રાસમણિ હંમેશાં તત્પર રહેતાં. એક વખત સરકારે ગંગાના પાણીમાંથી માછલીઓ પકડીને પોતાનું માંડમાંડ ગુજરાન ચલાવતા માછીમારો પર કર લાદ્યો. માછીમારોએ અગ્રગણ્ય લોકોને સહાય કરવા વિનંતી કરી. પણ કોઈ એમને બચાવવા આગળ ન આવ્યું. અંતે તેઓ રાણી રાસમણિ પાસે ગયા અને તેણે કંઈક કરવાનું કહ્યું. સરકારને દસ હજાર રૂપિયા ભરીને એમણે ઘુસુરીથી મેટિયાબ્રુઝ સુધીના ગંગાનીરમાં માછલી પકડવાનો ભાડાપટ્ટા પર હક્ક મેળવ્યો. પછી તેમણે માછીમારોને ગંગાના એ વિસ્તાર પર નદીના એક કિનારેથી બીજા કિનારા સુધી વાંસના થાંભલા ખોડીને આડશ ઊભી કરવા અને પછી તેમને એક પાઈ કર ભર્યા વિના માછલી પકડવા કહ્યું. (‘શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર’ એ ગ્રંથ પ્રમાણે આ આડશ સાંકળની હતી.) પરિણામે બધો વાહન વ્યવહાર અટકી ગયો અને વ્યાપારી હોડીઓ પોતપોતાના બંદરે પહોંચી ન શકી. આ આડશ દૂર કરવાના આદેશ સાથે ‘કારણ દર્શાવો’નો હુકમ સરકાર તરફથી આવ્યો. રાણી રાસમણિએ જવાબમાં કહ્યું કે મોટા વહાણો માછલીઓને બીવડાવી દે છે અને એને લીધે માછલીઓ અહીંતહીં ભાગી જાય છે. સાથે ને સાથે એ માછલીઓ માટે પોતાનાં ઈંડાં મૂકવાનું મુશ્કેલ બની જાય છે. આ ગરીબ માછીમારો એને લીધે સારા પ્રમાણમાં માછલીઓ પકડી શકતા નથી. એમની આવકનું આ એક માત્ર સ્રોત છે. વધારામાં એમણે કહ્યું કે આ માછીમારોને રક્ષણ મળી રહે તે હેતુથી સરકારશ્રીને એણે ઘણી મોટી રકમ ભરપાઈ કરી છે; તેમજ પોતાની માલિકીના વિસ્તારમાં આવી આડશો ઊભી કરવી એ એમનો કાયદાકીય અધિકાર છે. અંતે બ્રિટિશ સરકારે રાણી રાસમણિના એ જમીનના ભાડાપટ્ટાના પૈસા પાછા આપીને અને માછીમારોનો કર દૂર કરીને આ ઝઘડાની પતાવટ કરી. (પ્રબોધચંદ્ર સાંત્રા કૃત ‘રાણી રાસમણિ’ પૃ.૫૮-૫૯)

Total Views: 42

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.