નીતિશાસ્ત્રની આધારભૂમિકા : ધર્મ

સ્વામી વિવેકાનંદ મક્કમપણે એમ માનતા હતા કે જો નૈતિક સદાચારને ધર્મથી અલગ કરી દેવામાં આવે તો તે સાધ્ય તરીકે ટકી શકતા નથી. ઉપયોગિતા કે ફાયદા નુકસાનના માપદંડ કદીયે નૈતિક મૂલ્યોની સંતોષપ્રદ પીઠિકા ન બની શકે. કોઈક આવી દલીલ કરી શકે: ‘જો બીજાને દુ:ખી કરીને પણ હું વધુ સુખી થઈ શકું તો મારે જનસમૂહની ચિંતા શા માટે કરવી?’ વળી બીજો એમ પણ કહી શકે: ‘સામાજિક હિત પણ મર્યાદિત કાળ માટે તેમજ તત્કાલીન સામાજિક પરિસ્થિતિઓ પર જ આધાર રાખે છે, એટલે એ સમાજની એ ફાયદા નુકસાનની સંકલ્પના પણ અત્યંત સંકુચિત ભાવવાળી છે.’ સ્વામી વિવેકાનંદ કહે છે : 

‘જો કોઈ નિયમ માત્ર સમાજમાંથી આવેલો હોય તો તે શાશ્વત હોઈ શકે નહીં, તેમ મનુષ્ય સ્વભાવનું સમગ્ર ક્ષેત્ર તે આવરી શકે નહીં… ધર્મ અને આધ્યાત્મિકતામાંથી આવેલ નીતિધર્મ તથા તેના નિયમોનું ક્ષેત્ર તો અનંત માનવતાના સમગ્ર ક્ષેત્રને આવરી લે છે. તેનો આરંભ થાય છે વ્યક્તિથી, પરંતુ તેના સંબંધો અનંતની સાથે છે; સાથે સાથે તે સમાજને પણ આવરી લે છે કારણ કે સમાજ એટલે આ અનેક વ્યક્તિઓના સમુહ સિવાય બીજું કંઈ નથી.’ (સ્વા. વિ. ગ્ર. મા. : ૭.૮૫-૮૬)

પરંતુ સ્વામીજીની ધર્મ વિષયક સંકલ્પના વિશાળ આધારભૂમિકાવાળી અને વૈશ્વિક હતી. એ સંકલ્પનામાં માત્ર મંદિરો, પાદરી-પૂજારીઓ, વિધિવિધાનો અને અત્યંત સંકુચિત મનોદૃષ્ટિવાળી ધર્માંધતા હતી જ નહિ. તેમણે એ વાત તરફ અંગુલીનિર્દેશ કર્યો હતો કે વિશ્વના બધા ધર્મોના પયગંબરોએ જે આધ્યાત્મિક અને નૈતિક સત્યોની અનુભૂતિ કરી હતી તે બધાં અતીન્દ્રિય હતાં; અને તે બધાં કેવળ તર્ક કે બુદ્ધિ પર આધારિત ન હતાં. બધા ધર્મો મૂર્ત કે અમૂર્ત ઈશ્વરમાં માને છે, તેઓ ઈશ્વરની ઉપસ્થિતિ કે નૈતિક આધ્યાત્મિક નિયમોમાં માને છે. સામાન્યમાં સામાન્ય માણસ પણ આ અનંત તત્ત્વને કોઈને કોઈ રીતે અનુભવવા પ્રયત્ન કરે છે. પણ અંતે તેને ખ્યાલ આવે છે કે તે આ સીમિત દેહ-મન-બુદ્ધિથી કરી શકે તેમ નથી. પછી સર્વોત્કૃષ્ટ કે ઈંદ્રિયાતીત અભ્યાસ માટે સંસારનો ત્યાગ કરે છે. સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ બધા ધર્મોએ એક જ સૂરે આ વાત કરી છે કે ત્યાગ-વૈરાગ્ય જ બધાં સનાતન મૂલ્યોની આધારશિલા છે. સ્વામીજી કહે છે :

‘જે અનંત શક્તિ દરેક મનુષ્યનો સ્વભાવ અને જન્મસિદ્ધ હક છે, તે મેળવવા માટે ધર્મ મોટામાં મોટું પ્રેરક બળ છે. ચારિત્ર્યના ઘડતર માટે, જે કંઈ સારું અને મહાન છે તે બધાંને માટે, પોતાની તથા બીજાની શાંતિને માટે, ધર્મ સૌથી મોટું પ્રેરક બળ છે અને તેથી એ દૃષ્ટિએ તેનો અભ્યાસ થવો જોઈએ.’(૭.૮૮)

સ્વામીજીના નીતિશાસ્ત્રનું પ્રેરણાસ્રોત : વેદાંત

સ્વામીજીનું નીતિશાસ્ત્ર એમણે પ્રબોધેલ વેદાંત તત્ત્વજ્ઞાનનો ફલિત સિદ્ધાંત જ છે. એ કોઈ સ્વતંત્ર સ્વકીય આદર્શ નથી. તેમણે કહ્યું છે : 

‘મારો વિચાર એમ બતાવવાનો છેકે નીતિમત્તા અને નિ:સ્વાર્થતાનો સર્વોચ્ચ આદર્શ, સર્વોચ્ચ આધ્યાત્મિક વિચારની સાથે સાથે જ રહે છે, અને નીતિશાસ્ત્ર અને નીતિમત્તાએ પહોંચવા માટે તમારે તમારા વિચારને નીચે ઉતારવાની જરૂર નથી, પરંતુ બીજી બાજુએ નીતિશાસ્ત્ર અને ચારિત્ર્યના સાચા આધારે પહોંચવા માટે તમારી પાસે ઉચ્ચમાં ઉચ્ચ દાર્શનિક અને વૈજ્ઞાનિક વિચારો હોવા જોઈએ.’ (૭.૩૩૬)

પૂર્વ અને પશ્ચિમની આધ્યાત્મિક પ્રણાલીઓના મૂળ વિચારોમાં વેદાંતનું સારભૂત તત્ત્વ રહેલું છે. એ રીતે બધા ધર્મો માટે વેદાંતનાં તત્ત્વો જ તર્કસંગત બની જાય છે. સ્વામી વિવેકાનંદ આ વિશે કહે છે:

‘સમગ્ર ધર્મનો સમાવેશ વેદાંતમાં, અર્થાત્‌ વેદાંત ફિલસૂફીની દ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને અદ્વૈત એ ત્રણ ભૂમિકાઓમાં થઈ જાય છે; એક ભૂમિકા બીજીની પાછળ આવે છે. મનુષ્યના આધ્યાત્મિક વિકાસની આ ત્રણ ભૂમિકાઓ છે. એ દરેક ભૂમિકા આવશ્યક છે. ધર્મનો આવશ્યક સાર આમાં આવી જાય છે. ભારતવર્ષમાં રહેલી જાતિઓના અનેકવિધ રિવાજો અને પંથોને વેદાંત લાગુ પાડતાં જે સ્વરૂપ થયું તે હિંદુ ધર્મ છે. યુરોપમાં વસતા ભિન્ન ભિન્ન જાતિસમૂહોના વિચારોને પ્રથમ ભૂમિકા, અર્થાત્‌ દ્વૈત લાગુ પડતાં જે બન્યો તે મુસલમાન ધર્મ, અદ્વૈત ભૂમિકાને તેના યોગદર્શનના સ્વરૂપમાં લાગુ પડતાં જે બન્યો તે બૌદ્ધ ધર્મ; વગેરે.’ (૧૧.૨૬૫-૬૬)

એટલે જ એમનું વેદાંતતત્ત્વોનું નિરૂપણ બધા સંપ્રદાયો, નાના ધર્મપંથો, પ્રજાઓ, રાષ્ટ્રોને અનુસરવા માટે આધ્યાત્મિકતાનું વૈશ્વિક તત્ત્વદર્શન બની રહે છે, એટલું જ નહિ પણ એ બધાંના નીતિશાસ્ત્રો માટે પણ એટલું જ વ્યવહારુ છે. જો કે સ્વામીજીએ વેદાંતને નવીન રૂપ આપ્યું છે. વેદાંતના તાત્ત્વિક અર્થઘટનો કે ચર્ચાઓથી મુક્ત રહીને એમણે પોતાની આગવી દૃષ્ટિએ વેદાંતનું પુન: અર્થઘટન કર્યું છે. આ વિશેના એમના પ્રદાન માટે એમણે પોતે આવા ઉદ્‌ગારો કાઢ્યા છે: 

‘હિંદુ વિચારોને અંગ્રેજીમાં ઉતારવા અને શુષ્ક તત્ત્વજ્ઞાન, અટપટાં પુરાણો અને વિલક્ષણ તથા વિસ્મયજનક માનસશાસ્ત્ર ઉપર આધારિત એવો સહેલો, સરળ, લોકપ્રિય છતાં પ્રખરમાં પ્રખર બુદ્ધિમાનોને પણ સંતુષ્ટ કરી શકે એવો ધર્મ રજૂ કરવો – આ કાર્યને તો જેઓએ આ વિષયમાં પ્રયત્ન કર્યો હોય તેઓ જ સમજી શકે. ગહન અદ્વૈત રોજબરોજના જીવનમાં જીવન્ત કાવ્યમય બનવું જોઈએ; અત્યંત અટપટાં પુરાણોમાંથી નક્કર નૈતિક સ્વરૂપો ઊપજવાં જોઈએ; અને ચમત્કૃતિપૂર્ણ યોગવિદ્યામાંથી વધુમાં વધુ વૈજ્ઞાનિક અને વ્યાવહારિક મનોવિજ્ઞાન નીકળવું જોઈએ; વળી એ બધું એવા સ્વરૂપમાં રજૂ થવું ઘટે કે જેથી એક બાળક પણ એને સમજી શકે. આ છે મારું જીવનકાર્ય.’ (૧૧.૨૮૭-૮૮)

સ્વામીજીના નીતિશાસ્ત્રની આધારભૂમિકા રચતા વેદાંતના સિદ્ધાંતો કયા છે? વેદાંતના એ બે સિદ્ધાંતો છે : (૧) ‘બધા માનવોમાં રહેલ મૂળભૂત દિવ્યતા’ (૨) ‘સર્વ અસ્તિત્વની મૂળભૂત એકતા’. આ બે મૂળ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને સ્વામીજીના બધા નૈતિક આદર્શો અને વિચારો ઉદ્‌ભવતા રહ્યા છે. આ વિશે સ્વામીજી કહે છે :

‘મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી શકાય: માનવજાતને તેનામાં રહેલી દિવ્યતાનો અને જીવનની દરેક પ્રવૃત્તિમાં તેને કેવી રીતે વ્યક્ત કરવી, તેનો ઉપદેશ આપવો… માનવસ્વભાવમાં જે કંઈ મજબૂત, સારું અને શક્તિશાળી છે તે એ દિવ્ય ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલું છે; અને જોકે ઘણામાં એ સુષુપ્ત છે તો પણ એના અસલ સ્વરૂપે માણસ માણસમાં કશો જ ભેદ નથી, સહુ એકસમાન ચૈતન્યરૂપ છે. જાણે કે પાછળ એક અફાટ મહાસાગર રહેલો છે, તમે અને હું એ અફાટ સાગરમાંથી ઊઠતાં અસંખ્ય મોજાં સમા છીએ, અને આપણામાંની પ્રત્યેક વ્યક્તિ એ અનંતને બહાર પ્રગટ કરવા બને તેટલું મથી રહી છે. તેથી અંતર્ગત રીતે, આપણામાંના પ્રત્યેકની પાછળ એ અનંત સત્‌-ચિત્‌ અને આનંદનો સાગર આપણા જન્મસિદ્ધ હક તરીકે, આપણા સાચા સ્વભાવ રૂપે રહેલ છે; અને આપણી વચ્ચેનો ભેદ, એ દિવ્યતાને પ્રકટ કરવાની આપણી શક્તિ ઓછી વધુ હોવાથી, પડે છે… તમારે કાયમ એ યાદ રાખવાનું છે કે વેદાંતનો એક માત્ર મધ્યવર્તી આદર્શ આ એકતા છે… જે છે તે માત્ર એક જ જગત, એક જ અસ્તિત્વ. સર્વ કંઈ તે એક છે; ભેદ છે માત્રામાં, નહીં કે જાતિમાં.’ (૧૨.૫૯; ૩.૩૧૬; ૭.૨૮૪)

હવે આપણે ઉપર્યુક્ત બંને તત્ત્વોના સુચિતાર્થ કે વ્યવહારુપણા વિશે વિચારીશું.

(૧) બધા માનવોમાં રહેલ મૂળભૂત દિવ્યતા

બધા માનવોમાં રહેલ મૂળભૂત દિવ્યતાની ફિલસૂફી સ્વામીજીની દૃષ્ટિએ કોઈ તાત્ત્વિક ધારણા કે સંકલ્પના ન હતી. એમને મન તો દરેક માનવીના જીવનમાં આ તત્ત્વની વિપુલ પ્રમાણમાં વ્યવહારુ ઉપયોગીતા રહેલી છે. ભીતર રહેલી સર્વશક્તિ, શુદ્ધિ અને પૂર્ણતા એટલે આત્મા. માનવીના જીવનમાં એનું પ્રગટીકરણ એટલે એની ક્રમિક ઉત્ક્રાંતિ. આ ઉત્ક્રાંતિ માનવીનાં દેહમનની છે નહિ કે અનંત, અનશ્વર આત્માની. સ્વામીજી આ અનન્ય ઉત્ક્રાંતિની વાત સમજાવતાં એક મજાનું ઉદાહરણ આપે છે: ‘એક વિશાળ સરોવરનું પાણી એક દરવાજા દ્વારા રોકવામાં આવે છે. પછી એના દરવાજા ખોલવામાં આવે કે એ દરવાજાને પહોળા કરવામાં આવે તો તેમાંથી વધુ ને વધુ પાણીનો પ્રવાહ વહેવા માંડે છે. આવી જ રીતે વધુ ને વધુ ઉચ્ચતર દેહમન ઉત્ક્રાંતિ પામે છે અને એની સાથે આત્માની અનંત શક્તિ, શુદ્ધિ અને પૂર્ણતા વધુ ને વધુ પ્રબળ રીતે પ્રગટી ઊઠે છે. દેહમનની બધી જ અવસ્થાઓને કોરાણે મૂકીને અંતર્નિહિત આત્માની શક્તિ અને ક્ષમતાઓનો સ્વીકાર, એ જ સ્વામીજીની દૃષ્ટિએ આત્મતત્ત્વનું ખરું વ્યવહારુપણું છે. સ્વામી વિવેકાનંદ આ વાતને સ્પષ્ટ કરતાં કહે છે :

‘આપણામાંના દરેકની પાછળ, દરેક પ્રાણીની પાછળ પાશ્વભૂમિ તરીકે અનંત શક્તિ, અનંત સામર્થ્ય, અનંત પવિત્રતા, અનંત સત્તા, અનંત આનંદનું સરોવર રહેલું છે; માત્ર આ દરવાજા જેવા આપણા દેહો, આપણને, આપણા સત્ય સ્વરૂપને પૂર્ણપણે પ્રગટાવતાં અટકાવી રહ્યા છે… દરેક જીવમાં – આપણા પગ તળે સરકતા ક્ષુદ્રમાં ક્ષુદ્ર જંતુથી માંડીને ઉચ્ચમાં ઉચ્ચ અને પવિત્રમાં પવિત્ર સંતપુરુષો સુધી સહુ કોઈમાં – આ અનંત શક્તિ, અનંત પવિત્રતા, અનંત સર્વ કંઈ સમાયેલું છે. ફરક માત્ર તેની આવિષ્કારની માત્રામાં રહેલો છે. જંતુમાં એ શક્તિના અતિ અલ્પ અંશનો એથીયે વધારે આવિષ્કાર થયો છે, તમારામાં વધારે અને બીજા દેવ-માનવોમાં એથીયે વધારે થયો છે. જે કંઈ ફરક છે તે એટલો જ છે, પણ અનંત શક્તિ તો ત્યાં રહેલી છે જ… આપણી શક્તિ આપણી અંદર જ છે, આપણી મુક્તિ આપણી અંદર જ રહેલી છે. એ એક જ મહાન ભાવના ખ્યાલમાં રાખવાની છે… તમારે એમાં શ્રદ્ધા રાખવાની છે. શક્યતા સૌમાં રહેલી છે, હલકામાં હલકા માણસમાં પણ બુદ્ધના જેટલી જ શક્યતા રહેલી છે, એટલી શ્રદ્ધા રાખો. આ જ આત્માનો સિદ્ધાંત છે.’ (૪.૨૬૨-૨૬૪)

સ્વામીજી માનતા હતા કે માનવની ભીતરનું મૂળ સ્વરૂપ આત્મા પરની શ્રદ્ધા એ જ બધી શક્તિઓ અને ભલાઈનું મૂળ સ્રોત છે અને એ જ નિર્ભયતા ઊભી કરે છે. પોતાના મૂળ સ્વરૂપના અજ્ઞાનને લીધે ઊભી થયેલ આવી શ્રદ્ધાનો અભાવ જ બધા પ્રકારનાં ભય, અનિષ્ટ અને દુ:ખકષ્ટનું મૂળ છે. સ્વામીજીની દૃષ્ટિએ માનવની દિવ્યતાનો વેદાંતિક સિદ્ધાંત એ બધા હિંદુ સંપ્રદાયોનું સામાન્ય કેન્દ્રબિંદુ છે. બધા ધર્મસંપ્રદાય માને છે કે આત્માનું મૂળભૂત સ્વરૂપ અનંત સચ્ચિદાનંદ છે. માત્ર દ્વૈતવાદીઓ માને છે કે આ બધી શક્તિઓ બંધનમાં સંકુચિત થઈ જાય છે કે જકડાઈ જાય છે અને અદ્વૈતવાદીઓ માને છે કે અજ્ઞાનતાએ જીવાત્માને પોતાની દિવ્યતા કે અનંત સચ્ચિદાનંદ સ્વરૂપને ભુલાવી દીધું છે. જો કે સ્વામીજી માનતા હતા કે બધા ધર્મોની પુરાણકથાઓમાં સુગુપ્તરૂપે ક્યાંક ને ક્યાંક માનવની આ મૂળભૂત દિવ્યતા છે જ. આ વિશે સ્વામીજી કહે છે :

‘મને જે એક જ વિચાર સ્પષ્ટ દેખાય છે, અને જે દરેક દેશ તેમજ દરેક ધર્મમાં વહેમોના ઢગલામાંથી ઝળહળતો બહાર આવે છે, તે એ છે કે માનવ દિવ્ય છે, માનવની પ્રકૃતિ દિવ્યતા છે.’ (૭.૧૯૭)

આ રીતે આપણે સ્વામીજીના આત્માના દિવ્ય સ્વરૂપના એમના સંદેશના હાર્દરૂપ સુખ્યાત સૂત્રાત્મક વાક્યની વાત કરીએ :

‘પ્રત્યેક આત્મા અપ્રગટરૂપે પરમાત્મા છે. ધ્યેય છે બાહ્ય તેમજ આંતરપ્રકૃતિ પર કાબૂ મેળવીને અંદર રહેલા આ પરમાત્મભાવને પ્રગટ કરવો. એ તમે કર્મ દ્વારા, કે ઉપાસના દ્વારા, કે યોગ દ્વારા, તત્ત્વજ્ઞાન દ્વારા કરો – એક દ્વારા કે એકથી વધારે દ્વારા કે આ બધાં દ્વારા કરો – અને મુક્ત થાઓ. ધર્મનું સમગ્ર તત્ત્વ આ છે. સિદ્ધાંતો, કે સાંપ્રદાયિક માન્યતાઓ, કે કર્મકાંડ, કે શાસ્ત્ર ગ્રંથો, કે મંદિરો, કે મૂર્તિઓ, એ બધાં ગૌણ વિગતો માત્ર છે.’ (૩.૨૧૧)

આત્માના દિવ્ય સ્વરૂપની સ્વામીજીની સંકલ્પના આપણને એમના બીજા એક તત્ત્વ તરફ દોરી જાય છે એ છે ‘મુક્તિ’. એમના મત પ્રમાણે એ જ ‘મુક્તિ’ બધાં નીતિશાસ્ત્રનું લક્ષ્ય છે અને સાધ્ય પણ એ જ છે. તેઓ કહે છે :

‘નીતિમત્તા એ માણસનું ધ્યેય નથી પરંતુ સાધન છે, કે જેના દ્વારા આ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરાય છે. વેદાંત કહે છે કે આ દિવ્યતાનો સાક્ષાત્કાર કરવાનો યોગ એક માર્ગ છે. વેદાંત કહે છે કે અંદરની મુક્તિનો સાક્ષાત્કાર કરવાથી આ થઈ શકે છે, અને એની પાસે સર્વ કંઈ નમી જશે; નીતિમત્તા અને સદાચાર વગેરે બધાં પોતપોતાનાં યોગ્ય સ્થાનોમાં પોતાની મેળે ગોઠવાઈ જશે.’ (૯.૧૩૭)

(૨) નીતિશાસ્ત્રનું લક્ષ્ય – ‘મુક્તિ’

સ્વામીજીએ નિર્દેશ કર્યો છે કે પ્રકૃતિનાં બંધનો અને ઉપાધિઓમાંથી મુક્ત થવા મથવું એ જ જડ અને ચેતન બંનેનું સૌથી અગત્યનું લક્ષણ છે. તેઓ કહે છે : 

‘આપણી આસપાસ જે કંઈ આપણે જોઈએ છીએ તે સર્વ અણુથી માંડીને માનવ સુધીનાં, જીવનહીન-ચેતનાહીન જડ પદાર્થથી માંડીને પૃથ્વી પરની ઊંચામાં ઊંચી સૃષ્ટિ માનવ આત્મા સુધીનાં, સર્વે મુક્તિ માટે મથે છે. હકીકતે જોઈએ તો આ સમગ્ર વિશ્વ આ સ્વાધીનતા માટેના સંઘર્ષનું પરિણામ છે.’ (૩.૮૭)

આ આદર્શ કે વિચાર માનવની ભીતર જ રહેલો છે અને એને નકારી ન શકાય. સ્વામી વિવેકાનંદ વધુમાં કહે છે: 

‘મનુષ્ય અગાઉથી જ મુક્ત છે, પણ તેણે તે શોધી કાઢવાનું છે. મુક્તિ તેની પાસે છે જ, પરંતુ ક્ષણે ક્ષણે તે તેને ભૂલી જાય છે. દરેકનું સમગ્ર જીવન જાણ્યે કે અજાણ્યે પણ એની શોધ કરવી એ જ છે. પરંતુ ઋષિ અને અજ્ઞાની માણસમાં તફાવત એ છે કે ઋષિ સમજપૂર્વક એ શોધ કરે છે, જ્યારે અજ્ઞાની સમજ વગર કરે છે.’ (૯.૧૪૨-૪૩)

અનિષ્ટનું મૂળ કારણ તો અજ્ઞાની માનવ એને ભીતર શોધવાને બદલે પોતાની બહાર શોધતો રહે છે. એટલે જ સ્વામીજી કહે છે :

‘આ વૃત્તિથી પ્રેરાઈને જ સંતપુરુષ પ્રાર્થના કરે છે અને લૂંટારા લૂંટ કરે છે. આપણે અંગીકાર કરેલી કાર્ય પદ્ધતિ યોગ્ય ન હોય તો તે અશુભ કહેવાય. જ્યારે તેની ક્રિયા યોગ્ય અને ઉચ્ચ હોય ત્યારે તે શુભ કહેવાય છે.’ (૩.૮૭)

તેઓ આગળ કહે છે :

‘સ્વાધીનતા ભણીનો સંઘર્ષ તમામ ધર્મોમાં જોવા મળે છે. માણસ જડ દેહ જ છે, એ વિચારને છોડવો એ નીતિ અને નિ:સ્વાર્થવૃત્તિનો પાયો છે.’ (૩.૮૮)

સ્વામીજીના મત પ્રમાણે આ મુક્તિ માટેની મથામણ આ વિશ્વમાં બધાંનો એક પ્રકારનો પ્રાથમિક સંવેગ છે અને માનવમાં તો વિશેષ કરીને એનાથી કદીયે અલગ કરી ન શકાય એવું લક્ષણ છે. દરેકે દરેક માનવમાં પોતાના સીમિત વ્યક્તિત્વમાંથી બહાર ઊઠીને અસીમ મુક્તિના સાગરમાં ઓગળી જવું એ એનું વિશિષ્ટ વલણ છે. નીતિના ક્ષેત્રમાં આ મુક્તિના વલણનું પ્રતિબિંબ એટલે જ ‘નૈતિકતા’. નિમ્ન કક્ષાએ પણ માનવના દરેક કાર્ય દ્વારા આ ‘મુક્તિ’ તરફની દોડ આપણને જોવા મળે છે, અલબત્ત એ દિશાવિહોણી હોય છે. જ્યારે કોઈપણ માનવ સત્તા અને સંપત્તિને ઝંખે છે ત્યારે તે પોતાની નિર્બળતા અને નિર્ધનતાનાં બંધનમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરે છે. કોઈ વિષયસુખને ઝંખે છે કારણ કે તે પોતાનાં દુ:ખ-વિષાદ અને અસંતોષથી છૂટવા માગે છે. પણ જ્યારે એને એવું સમજાય છે કે આ મુક્તિનો વ્યાપ તો સીમિત છે અને આનાથી પણ વધારે ઉચ્ચત્તર મુક્તિની ઝંખના સેવી શકાય, ત્યારે તે બુદ્ધિ, કલા અને સૌંદર્યમાં રુચિ ધરાવતો બને છે. પણ જ્યારે એને આ નિમ્નકક્ષાની મુક્તિની નિરર્થક્તા સમજાય છે ત્યારે તે નૈતિક મુક્તિને ઝંખતો બને છે. નૈતિક મુક્તિની ઝંખના ને સાધના એને સર્વોચ્ચ આધ્યાત્મિક મુક્તિ તરફ દોરી જાય છે. સ્વામીજીની દૃષ્ટિએ માનવની આધ્યાત્મિક મુક્તિ જ એ નીતિશાસ્ત્રનું ચરમ લક્ષ્ય છે. એટલે જ સ્વામીજી કહે છે : 

‘વધુમાં વધુ સ્વાતંત્ર્ય એ મોટામાં મોટું શુભ છે… પવિત્ર થવું એ મુક્તિનો ટૂંકામાં ટૂંકો માર્ગ છે.’ (૯.૧૦૬,૨૨૫)

મુક્તિને જ નીતિશાસ્ત્રનું ચરમ લક્ષ્ય બનાવીને સ્વામીજીએ ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ, જાતિના બંધનોથી પર વૈશ્વિક રીતે સ્વીકાર્ય નૈતિક આદર્શ આપ્યો છે. તેઓ કહે છે : 

‘સર્વ પ્રકૃતિનું લક્ષ્ય સ્વાધીનતા છે, અને આ સ્વાધીનતા સંપૂર્ણ નિ:સ્વાર્થવૃત્તિ વડે જ મેળવી શકાય. હરેક વિચાર, શબ્દ અથવા કાર્ય જે નિ:સ્વાર્થ હોય તે આપણને લક્ષ્ય ભણી લઈ જાય છે, અને તેથી એને નૈતિક કહેવામાં આવે છે. તમને માલૂમ પડશે કે આ વ્યાખ્યા બધા ધર્મો અને બધાં નીતિશાસ્ત્રોને લાગુ પડે છે.’ (૩.૮૮)

આ નિ:સ્વાર્થતા કે ત્યાગ જ નૈતિક જીવનની ખરી આધારશિલા રચે છે. આ વિશે ચર્ચા કરતાં પહેલાં પૂર્વે ઉલ્લેખેલા ‘સર્વ અસ્તિત્વની મૂળભૂત એકતા’ના વેદાંત સિદ્ધાંત ઉપર આપણે એક નજર નાખીએ.

(૩) ‘સર્વ અસ્તિત્વની મૂળભૂત એકતા’

સ્વામીજીની દૃષ્ટિએ ઉપનિષદોમાંથી આવતો મુખ્ય સંદેશ છે, ‘સર્વ અસ્તિત્વની મૂળભૂત એકતા’ અથવા વૈશ્વિક સુગઠિતતા કે ઓતપ્રોતતા. આ મૂળતત્ત્વોની વાત સ્વામીજીના શબ્દોમાં કરીએ તો : 

‘સમગ્ર બ્રહ્માંડમાં માત્ર એક જ સત્‌ વિદ્યમાન છે. તે એક સત્‌ જ્યારે ઈંદ્રિયો દ્વારા જોઈએ છીએ ત્યારે જગત, ભૌતિક જગત તરીકે ઓળખાય છે; જ્યારે મન દ્વારા તે જોવાય છે ત્યારે તે વિચાર અને ભાવ-જગત તરીકે ઓળખાય છે; અને જ્યારે તે જેવું છે તેવું જોવાય છે ત્યારે તે એક અનંત સત્તારૂપ જણાય છે… એમ નથી કે એકમાં ત્રણ પૃથક્‌ પૃથક વસ્તુઓ : શરીર, મન અને આત્મા છે, જો કે સમજાવતી વખતે તે સાનુકૂળ રીત હતી; પરંતુ સર્વ કંઈ આત્મા છે અને તે એક સત્તા જ કેટલીકવાર શરીર, કેટલીકવાર મન અને કેટલીકવાર આત્મા તરીકે દૃષ્ટિ અનુસાર જુદાં જુદાં દેખાય છે.’ (૫.૧૯૭)

સ્વામીજીએ આગળ દર્શાવ્યું છે કે, આ વૈશ્વિક ઓતપ્રોતતાનો સિદ્ધાંત આધુનિક વૈજ્ઞાનિક અન્વેષણોથી વધારે પ્રમાણિત થયો છે. જો કે પશ્ચિમના વૈજ્ઞાનિકોએ તો કેવળ ભૌતિક એક્તાને જ પ્રમાણિત કરી છે. એમના મતે જીવાત્મા અનંત ભૌતિક સાગરનું એક મોજું માત્ર છે. પરંતુ ભારતના મનોવૈજ્ઞાનિકોએ વર્ષો પહેલાં આ માનસિક સ્તરના ઐક્યને પણ સાબિત કર્યું છે. એનાથી એક પગલું આગળ વધીને વેદાંત કહે છે કે, એક જ આત્મા બધામાં ઓતપ્રોત છે. આત્માની આ અનંત એક્તા બધા નીતિનિયમોની શાશ્વત સ્વીકૃતિ છે અને એને વૈશ્વિક આધાર પણ છે. સ્વામીજી કહે છે : 

‘બુદ્ધિવાદી પશ્ચિમ, પોતાની સમગ્ર ફિલસૂફી અને નીતિશાસ્ત્રના અસ્તિત્વનું તર્કશુદ્ધ કારણ શોધી કાઢવા સારુ કૃતનિશ્ચયી છે; અને તમે બધા એ બરાબર જાણો છો કે કોઈ વ્યક્તિવિશેષના આદેશ માત્રથી નીતિશાસ્ત્ર રચી શકાતું નથી પછી એ વ્યક્તિ ગમે તેટલી મહાન અને દિવ્ય વિભૂતિવાળી હોય. નીતિશાસ્ત્રના પ્રમાણનો આવો ખુલાસો વિશ્વના મહાન વિચારકોને હવે જરાય અસર નથી કરતો; નીતિનાં અને સદાચારનાં શાસ્ત્રો બંધનકારક ગણાય તે સારુ મનુષ્યકૃત પ્રમાણ કરતાં એ લોકો કંઈક વિશેષ માગે છે; નીતિનિયમોના પ્રમાણ માટે એ લોકો સત્યના કોઈક સનાતન સિદ્ધાંતની માગણી કરે છે. અને તમારામાં, મારામાં અને સહુ કોઈમાં ઓતપ્રોત થઈ રહેલી સનાતન સત્તા સિવાય, સર્વ સ્વરૂપ આત્મા સિવાય, બીજે ક્યાંથી એ સનાતન પ્રમાણ સાંપડવાનું છે? બધી નીતિમત્તાનું સનાતન પ્રમાણ છે આત્માની અનંત એકતા, કે તમે અને હું માત્ર ભાઈઓ છીએ, એટલું જ નહીં, પરંતુ મુક્તિ માટેની માનવીની મથામણને વાચા આપનારા એકેએક સાહિત્યે એ ઉપદેશ્યું છે કે તમે ને હું વાસ્તવિક રીતે એક જ છીએ. ભારતીય તત્ત્વદર્શનનો આ આદેશ છે. સમગ્ર નીતિમત્તા અને આધ્યાત્મિકતાનો બુદ્ધિગમ્ય ખુલાસો આ એકતામાં છે.’ (૪.૭૪-૭૫)

સ્વામીજીની દૃષ્ટિએ નૈતિક પૂર્ણતાએ ક્રમિક અહંત્યાગની પ્રક્રિયાથી પહોંચી શકાય છે. આવો જિજ્ઞાસુ સૌ પ્રથમ તો પોતાના અહંભાવવાળી આશાઓ અને ઇચ્છાઓને પોતાના કુટુંબ, સગાં, મિત્રો માટે ત્યજી દે છે; પછીના તબક્કે એ બધું પોતાના દેશ કે દેશબંધુઓ માટે ત્યજી દે છે; આવી રીતે આગળ ધપતાં ધપતાં તે માત્ર સમગ્ર માનવ સમાજ જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ અને તેના બધાં અસ્તિત્વો માટે ત્યજી દે છે. આવા વૈશ્વિક પ્રેમની પ્રગટીકરણ જાણ્યે અજાણ્યે ‘સર્વ અસ્તિત્વની મૂળભૂત એકતા’ સાધવાના પ્રેમનું પરિણામ છે. સ્વામીજી કહે છે:

‘આપણાં જીવનનું પ્રત્યેક કાર્ય-વધુમાં વધુ ભૌતિક, સ્થૂલમાં સ્થૂલ તેમજ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સર્વોચ્ચ, સૌથી વધુ આધ્યાત્મિક-દરેકેદરેક કાર્ય એકસરખી રીતે આ એકત્વની પ્રાપ્તિ રૂપ એક જ આદર્શ તરફ જઈ રહ્યું છે. માણસ પ્રથમ એકલો હોય છે; પછી તે લગ્ન કરે છે. ઉપલક દૃષ્ટિએ આ કાર્ય સ્વાર્થી જણાય; પણ તેની પ્રેરણા – તેનું પ્રેરકબળ આ એકત્વપ્રાપ્તિની ઇચ્છા જ છે. તેને બાળકો થાય છે, મિત્રો મળે છે, તે દેશને ચાહે છે, જગતને ચાહે છે અને આમ આખા વિશ્વને ચાહવામાં તેની પરિસમાપ્તિ થાય છે.’ (૮.૪૮)

હવે આપણે વેદાંતના ઉપર્યુક્ત સિદ્ધાંત ‘સર્વ અસ્તિત્વની મૂળભૂત એકતા’માંથી ફલિત સિદ્ધાંતની, એટલે કે નિ:સ્વાર્થતા અને અહંત્યાગ જે નૈતિક જીવનની આધારશિલા છે, એની ચર્ચા કરીશું. 

(૪) નિ:સ્વાર્થતા અને અહંત્યાગ નીતિશાસ્ત્રની આધારશિલા

આપણે આગળ જોયું તેમ સ્વામીજી દૃઢપણે માનતા કે ઉપયોગિતાવાદવાળી કે પશ્ચિમના નીતિશાસ્ત્રના હેડોનિસ્ટીક-સુખવાદના સિદ્ધાંતો નૈતિક જીવનને ક્યારેય મજબૂત પીઠિકા આપી શક્યા નથી. સ્વામી વિવેકાનંદ કહે છે : 

‘નીતિધર્મના નિયમો એવો આદેશ આપે છે કે જ્યારે માણસ અનંત આનંદ મેળવવા ઈંદ્રિયો દ્વારા પ્રયત્ન કરે છે, ત્યારે વ્યક્તિત્વના જે વ્યર્થ વિચારોને પોતે વળગી રહે છે તેમનો તેણે ત્યાગ કરવો પડશે. તમારે બીજાને આગળ કરવા પડશે, અને તમારી જાતને છેલ્લે મૂકવી પડશે. ઈંદ્રિયો કહે છે: ‘અમે પ્રથમ.’ નીતિધર્મ કહે છે: ‘મારો વારો સૌથી છેલ્લો.’ આમ નીતિધર્મના બધા જ નિયમો આ ત્યાગની ભાવના ઉપર રચાયેલા છે; નીતિધર્મનો આદર્શ છે ભૌતિક કક્ષાએ વ્યક્તિત્વનો વિનાશ, તેનો વિસ્તાર નહીં. એ અનંત તત્ત્વ કદી પણ ભૌતિક ભૂમિકા ઉપર વ્યક્ત થશે નહીં… તેથી માણસે એ અનંતનો વધુ ગાઢ આવિર્ભાવ શોધવા માટે ભૌતિક ભૂમિકાને છોડી દઈને બીજી ભૂમિકાએ ચઢવું પડશે. આમ જુદા જુદા ઘણા નીતિધર્મના નિયમો ઘડવામાં આવે છે, પણ બધાનો મધ્યવર્તી વિચાર તો એક જ છે: અહંનો સદાને માટે નાશ. અહંનો સંપૂર્ણ લોપ તે જ નીતિધર્મનો આદર્શ છે.’ (૭.૮૪-૮૫)

એટલે જ સ્વામીજીએ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે જેમ પશ્ચિમની નીતિશાસ્ત્રના કેટલાક સંપ્રદાય માને છે તેમ વ્યક્તિવાદ જ નૈતિકતા માટે આવશ્યક છે અને ભૌતિક સુખોનો ઉચ્છેદ નૈતિક શૂન્યાવકાશ નોતરશે, એવું વિચારવું એ ભ્રમ છે. આનાથી તદ્દન ઊલટું સત્ય તો એ છે, અને વિશ્વનો ઇતિહાસ સ્પષ્ટપણે એનો નિર્દેશ કરે છે કે આ વિશ્વમાં જેમણે પોતાના વ્યક્તિગત સુખ માટે ક્યારેય જરાય વિચાર્યું નથી, એવા લોકો માનવ પ્રજાના સૌથી શ્રેષ્ઠ ક્ષેમકલ્યાણ કરનારા બની રહ્યા છે.

સ્વામીજીએ સમાંતર રેખાએ ચાલતાં બે પરિબળોને ઓળખી બતાવ્યાં છે. એમાંનું એક કહે છે ‘હું’ અને બીજું કહે છે ‘હું નહીં’. આ ‘હું’ એટલે ‘પ્રવૃત્તિ’ અને ‘હું નહીં’ એટલે ‘નિવૃત્તિ’. પ્રવૃત્તિ એટલે ‘ના તરફ ઢળવું’ (અભિમુખ થવું). એનો અર્થ એ છે કે જે બધી વસ્તુઓ ‘અહં’ને અને ‘મમતા’ને પોષતી હોય, જેવી કે સમૃદ્ધિ, સત્તા, નામ, યશ વગેરે બધી વસ્તુઓ અહંકેન્દ્રિત છે. આવી રીતે ‘પ્રવૃત્તિ’ ઉપર્યુક્ત વસ્તુઓને ગમે ત્યાંથી ભેગી કરીને એનો સંગ્રહ કરવાના સ્વાભાવિક વલણવાળી હોય છે. હવે જ્યારે ‘નિવૃત્તિ’ની વાત કરીએ ત્યારે તે આ બધી વસ્તુઓથી દૂર જનારી, વિમુખ રહેનારી હોય છે. જ્યારે આ નિવૃત્તિ આવે છે ત્યારે જ ખરી રીતે નીતિનો અને ધર્મનો ઉદય થાય છે. આ ‘નિવૃત્તિ’ નૈતિકતા અને ધર્મનું પાયાસ્વરૂપ છે અને એની પૂર્ણતા એટલે જ ‘અહંનો ત્યાગ’. ‘અહંનો ત્યાગ’ એટલે શરીર, મન અને સર્વસ્વ સુધ્ધાનો ત્યાગ કરવાની તત્પરતા. અન્ય માટે ‘પ્રવૃત્તિ’ ઉપર અથવા ‘વ્યક્તિત્વ’ ઉપર ભાર મૂકવો એ મનુષ્યને હરિફાઈ, ક્રૂરતા અને અનૈતિકતા તરફ ધકેલે છે. જ્યારે ‘અહંનો ત્યાગ’ અથવા ‘નિવૃત્તિ’ અને ‘ઐક્યભાવ’ની સ્થાપના એ નૈતિકતાનું, વૈશ્વિક પ્રેમનું શાંતિનું સ્થાપન કરે છે. આ રીતે ‘નિવૃત્તિ’ આપણને આપણું સાચું ‘વ્યક્તિત્વ’ આપવામાં મદદગાર થાય છે. આપણું સાચું સ્વરૂપ અમરતા, પૂર્ણતા, વિશુદ્ધતા અને અનંતતા છે. આમ હોવાથી આ સિમિત વ્યક્તિત્વનો ત્યાગ કરવાથી આપણે અવિભાજ્ય જ છીએ. એનો અર્થ જ ‘અહંનો ત્યાગ’. સ્વામીજી ‘દિવ્યવાણી’ નામના પોતાના વાર્તાલાપમાં કહે છે :

‘જીવ (વ્યક્તિરૂપ આત્મા)ને કોઈ સાચું વ્યક્તિત્વ નથી… આ ભમ્રાત્મક વ્યક્તિત્વને જાળવી રાખવાના બધા પ્રયાસો ખરેખર દુર્ગુણો જ છે; તે વ્યક્તિત્વનો નાશ કરવાના બધા પ્રયાસો સદ્‌ગુણો છે. વિશ્વમાંની દરેક વસ્તુ આ વ્યક્તિત્વને સમજણપૂર્વક કે સમજણ વિના તોડી નાખવાનો પ્રયાસ કરી રહી છે. સઘળો નીતિધર્મ ભિન્નત્વ કે મિથ્યા વ્યક્તિત્વનો નાશ કરવા માટે જ રચાયેલો છે, કારણ કે સઘળાં પાપનું તે કારણ છે.’ (૯.૫૨)

હવે પછીના સંપાદકીયમાં સ્વામીજીએ પોતાના સંદેશમાં પ્રબોધેલ જીવનમૂલ્યો ઉપરનાં અન્ય પાસાં વિશે વિગતવાર ચર્ચા કરીશું.

(ક્રમશ:)

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.