ગયા સંપાદકીયમાં આપણે નિ:સ્વાર્થતા અને અહંત્યાગ નીતિશાસ્ત્રની આધારશિલા બને છે, એ વાતની ચર્ચા કરી ગયા છીએ. હવે આપણે બીજાં પાસાંની ચર્ચા કરીશું.

નીતિશાસ્ત્રના પાયાના પ્રશ્નો પૈકીનો એક એ છે કે સારું શું છે અને ખરાબ શું છે? સ્વામીજીના કહેવા પ્રમાણે :

‘આમ સારું અને ખરાબ બંને માત્ર વહેમો છે, તેમનું અસ્તિત્વ નથી. તફાવત કેવળ માત્રાનો છે. આ સઘળી આત્માની જ અભિવ્યક્તિ છે; તે જ બધામાં પ્રગટ થાય છે. માત્ર જ્યારે તેનું આવરણ વધારે ઘેરું થાય છે ત્યારે તેને આપણે અશુભ કહીએ છીએ. જ્યારે તે વધારે પાતળું હોય છે ત્યો તેને શુભ કહીએ છીએ. જ્યારે બધુંય આવરણ ચાલ્યું જાય ત્યારે તે સર્વોત્તમ બને છે. આમ આ જગતમાં જે કંઈ છે તેનું આ દૃષ્ટિથી મનન કરવું જોઈએ કે જેથી તે બધાને આપણે સારા તરીકે જોઈ શકીએ, કારણ કે તે જ શ્રેષ્ઠ છે. જેમ અશુભ છે તે શુભ પણ છે, અને તેનું સર્વોચ્ચ અથવા મધ્યવર્તી બિંદુ તે સત્ય છે. તે ખરાબ પણ નથી અને સારો પણ નથી; તે સર્વશ્રેષ્ઠ છે. સર્વશ્રેષ્ઠ એક જ હોઈ શકે. સારું ઘણુંય હોય છે; ખરાબ પણ ઘણુંય હોઈ શકે; પણ સર્વશ્રેષ્ઠ એક જ હોઈ શકે.’ (સ્વા. વિ. ગ્રં. : ૫.૧૩૫-૩૬)

સારા અને નરસાના સાપેક્ષ સ્વરૂપને ચાર જુદા જુદા દૃષ્ટિકોણથી જોઈ શકાય છે. એક જ વ્યક્તિની અસ્તિત્વની જુદી જુદી અવસ્થાઓમાં સારું અને નરસું – બંને સાપેક્ષ બની રહે છે.

‘આપણા બચપણમાં એવી કેટલીયે ચીજો જોઈએ છીએ કે જેને આપણે સારી માનીએ છીએ પણ તે ખરેખર ખરાબ હોય છે; અને કેટલીયે એવી ચીજો જોઈએ છીએ કે જે ખરાબ જણાય છે પણ ખરી રીતે સારી હોય છે. વિચારોનું કેવું પરિવર્તન થાય છે! વિચાર કેવો ઊંચે ને ઊંચે જાય છે! જેને આપણે એક વખત ઘણું સારું લેખતા હતા તેને હવે આપણે તેટલું સારું લેખતા નથી. (૫.૧૩૫)

મનની જે સ્થિતિમાં આપણે જગતને જેવું જોઈએ તેવું સારું કે ખરાબ લાગે. જગત પોતે સારું કે ખરાબ નથી. અગ્નિ પણ પોતે સારો કે ખરાબ નથી. જ્યારે અગ્નિથી આપણને હુંફ વળે છે ત્યારે આપણે કહીએ છીએ: ‘અગ્નિ કેવો સારો છે!’ જ્યારે તેનાથી આપણાં આંગળાં બળે ત્યારે તેનો વાંક કાઢીએ છીએ. ખરી રીતે અગ્નિ સારો નથી અને ખરાબ પણ નથી. જે રીતે આપણે તેનો ઉપયોગ કરીએ, તે પ્રમાણે સારી કે ખરાબ લાગણી થાય છે. એવું જ આ જગત વિશે છે. (૩.૬૧)

જુદા જુદા લોકોના સંદર્ભમાં એક જ વખતે સારું અને નરસું સાપેક્ષ રીતે બને છે. સ્વામીજી વ્યંગ કરતાં કહે છે કે

‘જે વસ્તુ મારે માટે સારી હોય તે તમારે માટે ખરાબ હોય. હું ખાઉં તે ભોજન તમે જમો તો તમે રડવા લાગશો અને હું હસીશ.. આપણે બંને નાચી ઊઠીશું, પણ હું હર્ષથી અને તમે દુ:ખથી.’ (૮.૮૭)

બહારની સામાજિક પરિસ્થિતિમાં પણ સારું અને નરસું સાપેક્ષ સ્વરૂપનું બને છે. દાખલા તરીકે એક ખ્રિસ્તી માટે ગોમાંસ ખાવામાં તકલીફ નથી પણ તે જ કાર્ય કોઈ હિંદુ કરે તો તે પાપરૂપ બની જાય છે. એ જ રીતે રસ્તા ઉપરના કોઈ મનુષ્ય પર તમે પ્રહાર કરો, તો તે ખરાબ છે પણ લડાઈમાં એ જ મનુષ્ય વીસ માણસોને મારી નાખે તો ઊલટો એ વીર ગણાય છે. સામાન્ય રીતે સ્વામીજીના મત પ્રમાણે દરેકદરેક કાર્ય સારા-નરસાના મિશ્રણસ્વરૂપ જ છે. એટલે જ સ્વામીજી કહે છે:

અમુક કાર્ય તદ્દન શુભ છે, અને અમુક કાર્ય અશુભ છે એવી કોઈ સીમા આપણાથી બાંધી નહિ શકાય. એવું એકેય કાર્ય નથી જે એક સાથે શુભ અને અશુભ ફળ આપતું ન હોય!’ (૩.૬૬)

આપણું ત વજ્ઞાન કહે છે કે અનિષ્ટ અને ઇષ્ટ સદાને માટે એક સાથે જોડાયેલાં છે; એક જ સિક્કાની ઊલટીસૂલટી બે બાજુઓ છે. તમારે પાસે તેમાંનું એક હોય, તો બીજું પણ હોય જ.’ (૪.૯૫)

અહીં એક પ્રશ્ન થઈ શકે. નરસાપણાથી જન્મેલ વૈશ્વિક શોક અને દુ:ખનો ખુલાસો કેવી રીતે કરી શકીશું? આપણે વેદાંત વિધાયક વિચારની સાથે સંસારમાં રહેલી ખરાબી વચ્ચે કેવી રીતે સમજૂતી સાધી શકીશું?

અનિષ્ટનું અસ્તિત્વ જો પ્રથમ સાબિત થઈ શકે, તો જ હું એ પ્રશ્નનો ઉત્તર આપી શકું. પરંતુ વેદાંતી ધર્મ આ વાતનો સ્વીકાર કરતો નથી. આનંદથી નિર્ભેળ એવું શાશ્વત દુ:ખ હોય તો તે જરૂર એક વાસ્તવિક અનિષ્ટ થાય; પરંતુ ભૌતિક દુ:ખ અને શોક, જો તેમણે શાશ્વત સુખ પ્રતિ લઈ જનારું મૃદુતા અને ખાનદાનીનું ત વ ઉમેર્યું હોય તો એ અનિષ્ટ નથી; ઊલટાનું તે સૌથી વધુ કલ્યાણકારી હોય. જ્યાં સુધી આપણે કોઈ પણ બાબતનું યોગ્ય સ્થાન અનંતતાના રાજ્યમાં શોધી શકીએ નહિ ત્યાં સુધી એ વસ્તુ અનિષ્ટ છે એમ ભારપૂર્વક આપણે કહી શકીએ નહિ. (૯.૧૮૭)

આગળ પર સ્વામીજી ‘ખરાબ’ની ખોટી વિભાવનાથી સમાજને થયેલા નુકશાન ઉપર ભાર મૂકતાં કહે છે :

‘શુભ અને અશુભ એ વહેમના જુદા જુદા પ્રકાર છે. તેઓ આ વિવિધ પ્રકારના દ્વૈતભ્રમમાં અને તરેહતરેહના વિચારોમાં વ્યાપી રહેલા છે; એ શબ્દો માણસોનાં હૃદયમાં ઘર કરી બેઠાં છે, સ્ત્રીપુરુષોને તેમણે ડરાવી દીધાં છે અને ભયંકર જુલમગાર તરીકે તેઓ ત્યાં પકડ જમાવી બેસીને આપણને વાઘ જેવા હિંસક બનાવે છે. જે આપણે મૂર્ખાઈભર્યા વિચારોને આપણા બાળપણથી – સારા ને નરસા બંનેને – સ્વીકારી રહ્યા છીએ, તેને પરિણામે જ આપણામાં બીજા પ્રત્યેનો સઘળો તિરસ્કાર ઉત્પન્ન થાય છે. માનવજાત વિશેની આપણી આંકણી તદ્દન ખોટી થાય છે; આ સુંદર સૃષ્ટિને આપણે નર્ક જેવી બનાવી દઈએ છીએ. જો આપણે સારા-નરસાંની ભાવનાઓને છોડી દઈએ તો તે સ્વર્ગ જેવી બને છે. (૫.૧૩૬)

કદાચ કોઈ ઉપરના વિવેચનને ખરાબ કામ કરવાનો પરવાનો સમજી બેસે એટલા માટે સ્વામીજી એ મુદ્દાને વધુ સ્પષ્ટ રીતે કહે છે:

‘વળી જ્યાં સુધી માનવ અનિષ્ટનું પડ કાપી ન નાખે ત્યાં સુધી તે ઇષ્ટના પડ સુધી પહોંચી ન શકે; અને જ્યાં સુધી અનિષ્ટ અને ઇષ્ટ બંનેનાં પડ તે પાર કરી ન જાય ત્યાં સુધી તે આત્માને પહોંચી ન શકે.’ (૭.૨૭૫)

એટલે એમ કે સારું કામ જ કરવાથી આપણે સુખી થઈ શકીએ છીએ. પણ જો એ જ સારું કામ અનાસક્તિથી કરવામાં આવે તો આ સારા-નરસાના દ્વન્દ્વથી આપણે મુક્ત થઈ શકીએ. એટલે સ્વામીજી દરેકના વ્યક્તિત્વના વિકાસ માટે કહે છે:

જગત આપણે માટે જેવું છે તેવું બનાવનાર તો આપણી માનસિક વૃત્તિ છે. આપણા જ વિચારો વસ્તુઓને સુંદર બનાવે છે, આપણા જ વિચારો વસ્તુઓને કુત્સિત બનાવે છે. સમગ્ર જગત આપણા મનમાં રહેલું છે. વસ્તુઓને યથાવત્‌ સ્વરૂપે જોતાં શીખો. આ જગતમાં બધાંની પાછળ કોઈ હેતુ રહેલો છે એમ માનતાં શીખો. જગતમાં બધું જ સારું છે, પવિત્ર છે અને સુંદર છે. જો તમને કશું કુત્સિત લાગે તો સમજજો કે તમે તેને યોગ્ય રીતે સમજી શક્યા નથી.’ (૭.૪)

નીતિનો અર્થ નિરપેક્ષ સત્તા સાથે દૃષ્ટાનો સમન્વય સાધીને તેને મજબૂત બનાવવાનો છે કે જેથી કરીને સાન્ત પ્રકૃતિ તેના ઉપર પ્રભુત્વ ધરાવતી અટકી જાય. (૭.૧૪૨)

નૈતિક જીવનમાં માર્ગદર્શક ઘટક તરીકે શક્તિ

ઉપર કહ્યા પ્રમાણે નૈતિક વિચાર સાચે જ ઘણો સૂક્ષ્મ છે. અને એની સાથે વળી વ્યવહારુ નૈતિક જીવનની આંટીઘૂંટીઓ ભળે છે! આ રીતે નૈતિક સિદ્ધાંતોની સાચી સમજણવાળો અને તે તરફ સાચું વલણ દાખવતો મનુષ્ય પણ કદાચ પોતાને દબાયેલો હોવાની પ્રબળ લાગણી અનુભવતો હોય એવું બને. અને કોઈકવાર તો એના મનની મૂંઝવણો અને (જગતના) પ્રપંચો, એને જીવનના તુમુલ સંગ્રામની વચ્ચે નિરાધાર સ્થિતિમાં મૂકી દે છે. આને વધુ સ્પષ્ટ કરવા માટે કુરુક્ષેત્રના યુદ્ધની શરૂઆતમાં મહાભારતના વીરનાયક અર્જુનનું દૃષ્ટાંત તો ખૂબ જ જાણીતું જ છે. આ વિષયમાં પણ સ્વામીજી એ એક અસાધારણ અને ધ્યાનાર્હ સમાધાન આપેલું આપણે જોઈએ છીએ. તેઓ કહે છે:

દરેકને હું આ એક જ સવાલ પૂછું છું: તમે બળવાન છો? તમને તાકાતનો અનુભવ થાય છે? કારણ કે હું જાણું છું કે એક સત્ય જ શક્તિ આપે છે. હું જાણું છું કે એકલું સત્ય જ જીવન આપે છે, અને બીજું કશું જ નહિ; માત્ર સત્ય તરફનું પ્રયાણ જ આપણને બળવાન બનાવશે. (૭.૨૦૪)

વાસ્તવિક રીતે નૈતિક અને વ્યવહારુ નીતિરીતિ સહિતના સમગ્ર જીવન-સંબંધી સ્વામીજીની યોજનામાં બધા જ નિર્ણયો અને સમાધાનોમાં શક્તિ એ કેન્દ્રસ્થાને છે. આ મુદ્દા પર સ્વામીજી એટલો બધો ભાર મૂકે છે કે આ કેન્દ્રસ્થ વિચારને તેઓ વારંવાર વાગોળ્યા કરે છે:

‘સાચનું પારખું આ છે : જે કંઈ તમને શારીરિક રીતે, બૌદ્ધિક રીતે અને આધ્યાત્મિક રીતે દુર્બળ બનાવે તેને ઝેર ગણીને છોડી દો. એવી વસ્તુમાં જરાય પ્રાણ નથી; એ સાચું હોઈ શકે જ નહિ.’ (૪.૧૦૪)

પરંતુ ‘શક્તિને’ આવા માર્ગદર્શક પરિબળ તરીકે મધ્યવર્તી ભૂમિકા જાણવા માટે સ્વામીજીને કઈ વસ્તુ પ્રેરે છે? શું એ માત્ર મનગમતી વાતો જ છે! પછી એ શું માત્ર ગણ્યાગાંઠ્યા લોકો માટેની જ વાત છે? કે પછી એ જીવનના અમુક પ્રસંગો પુરતી જ સીમિત છે? કે પછી એ જીવનની અમુક બાજુને જ લાગુ પડે છે? સ્વામીજી કહે છે: ના, એવું નથી.

જીવનમાં ઉત્તમમાં ઉત્તમ ભોમિયો છે તાકાત. બીજી બધી બાબતોની પેઠે ધર્મના ક્ષેત્રમાં પણ જે કંઈ તમને નબળા બનાવે તે બધાનો ત્યાગ જ કરો, તેની સાથે કશો સંબંધ ન રાખો. (૩.૧૦૩) સત્ય એટલે શક્તિ, સત્ય એટલે પવિત્રતા, સત્ય એટલે સર્વજ્ઞતા! સત્ય તો માણસને બળદાયક નીવડવું જોઈએ, પ્રકાશ આપનારું હોવું જોઈએ, જોમદાયક હોવું જોઈએ. (૪.૧૦૪)

આ આદેશ ઉપનિષદોના ઉપદેશ ઉપર આધારિત છે. અને એનું જ સ્વામીજીએ પુનરુચ્ચારણ કર્યું છે. એનો સ્વામીજી ભારપૂર્વક દાવો કરે છે:

માટે હું માત્ર ઉપનિષદોનો જ ઉપદેશ આપું છું. તમે જોશો તો તમને જણાશે કે મેં ઉપનિષદો સિવાય બીજા કશામાંથી આધાર આપ્યા નથી. અને ઉપનિષદોમાંથી પણ કેવળ ‘બળ’ ના જ વિચારનો ઉપદેશ આપ્યો છે. વેદો, વેદાંત અને બીજા બધાનું હાર્દ એકમાત્ર તે ‘બળ’ શબ્દમાં છે. (૧૦.૨૨૧)

નૈતિકપૂર્ણની સિદ્ધિ માટેના ઉપાયો

ઉચ્ચ આદર્શવાદિતા હોવા છતાં સ્વામીજી કેવળ નીતિશાસ્ત્રના જ ત વજ્ઞ કે નીતિના જ ઉપદેશક ન હતા. તેઓ તો સમગ્ર માનવજાતના નૈતિક અને આધ્યાત્મિક કલ્યાણ સાથે સંબંધ ધરાવતી પરમોચ્ચ પદ્ધતિના પુરસ્કર્તા હતા. એટલા માટે તેમને હંમેશાં એવું લાગ્યા કરતું:

નિરપવાદપણે બધાં જ નીતિશાસ્ત્રોમાં એક મોટી ખામી એ છે કે મનુષ્ય જેના વડે પાપ કરતાં અટકે તેવા ઉપાયો વિશે શીખવવામાં આવતું નથી. બધાં નીતિશાસ્ત્રો એમ શીખવે છે કે ‘ચોરી કરશો નહિ!’ ઘણી સારી વાત છે. પરંતુ માણસ ચોરી કરે છે. શા માટે? કારણ કે ચોરી, લૂંટફાટ અને બીજાં બધાં ખોટાં કર્મો સામાન્યપણે સાહજિક થઈ ગયાં છે. રીઢા લૂંટારા, ચોર, મિથ્યાવાદી, અન્યાયી, સ્ત્રી કે પુરુષ, પોતાની ઇચ્છા ન હોવા છતાં તેવાં હોય છે. (૭.૭૬)

આ સમસ્યાને વિગતવાર વર્ણવ્યા પછી સ્વામીજી ચાર યોગોના રૂપમાં, પોતાના ધાર્મિક અનુશાસનના માળખામાં રહીને સુચારુ નૈતિક ચારિત્ર્ય કેળવવાના વ્યવહારુ ઉપાયો દર્શાવે છે. આ ચાર યોગોમાંનો પ્રત્યેક યોગ એવી સુવ્યવસ્થિત રીતે યોજાયેલો છે કે જે બૌદ્ધિક પ્રાણીનું નૈતિક માનવમાં રૂપાંતર કરી શકે અને ત્યાર પછી એનામાં દિવ્યતા બહાર લાવી શકે. આપણે હવે સ્વામીજીના મતાનુસાર નૈતિક પૂર્ણતાની પદ્ધતિની પાછળ રહેલા સિદ્ધાંતોનું ટૂંકમાં પુનરાવલોકન કરીએ. બૌદ્ધિક માનવોને સ્વામીજી આગ્રહપૂર્વક શીખ આપે છે:

તમારી પોતાની જાતને, સહુ કોઈને, પોતાના સત્ય સ્વરૂપનો ઉપદેશ આપો; સૂઈ રહેલા આત્માને જગાડો અને જુઓ કે એ કેવો જાગી ઊઠે છે. જ્યારે આ સુષુપ્ત આત્મા જાગીને સ્વમાનપૂર્વક ક્રિયાશીલ થઈ જશે ત્યારે શક્તિ આવશે, કીર્તિ આવશે, ભલાઈ આવશે, પવિત્રતા આવશે, અને જે કંઈ ઉત્તમ છે તે બધી બાબતો આવી મળશે. (૪.૭૮)

વળી આગળ ભારપૂર્વક કહે છે:

એકમાત્ર આવશ્યક વસ્તુ છે શક્તિ… ભણેલાઓ તરફથી અભણ ઉપર ગુજારાતા અત્યાચાર સામેનું એક ઔષધ છે શક્તિ; એક પ્રકારના પાપીઓ તરફથી બીજા પ્રકારના પાપીઓ પર ગુજારાતા અત્યાચાર સામે પેલા પાપીઓ પાસે જે ઔષધ હોવું જોઈએ તે છે શક્તિ; ને આ અદ્વૈતના વિચાર સિવાય બીજું કોઈ જ આવી શક્તિ આપતું નથી. (૭.૨૦૪-૦૫)

સ્વામીજીને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે આ વેદાંતનું ત વજ્ઞાન શું વ્યવહારુ છે ખરું? ત્યારે તેઓ દૃઢતાપૂર્વક જવાબ આપે છે:

એ બની શકે તેમ છે; અને એ એક જ વસ્તુ આ દુનિયામાં આચરવા યોગ્ય છે. અમે કહીએ છીએ કે તમારામાંનો દરેકેદરેક જન્મથી જ વેદાંતી છે. તમારા જીવનની દરેક ક્ષણે તમે દરેક વસ્તુ સાથેની તમારી એકતાની ઘોષણા કરી રહ્યા છો. જે જે વખતે તમારું હૃદય વિશ્વ તરફ જઈ રહ્યું હોય છે તે તે વખતે તમે સાચા વેદાંતી બનો છો, માત્ર તમે તે જાણતા નથી. તમે નીતિમાન છો, છતાં તેનું કારણ તમે જાણતા નથી; વેદાંત જ એક માત્ર એવી ફિલસૂફી છે કે જેણે પૃથક્કરણ કરીને સમજપૂર્વક નીતિમાન થતાં શીખવ્યું છે. (૯.૧૮૧-૮૨)

એકતાના આ વેદાંતી ઉપદેશની આગળ ધર્મ અને દુનિયાદારીની જિંદગી વચ્ચેના કાલ્પનિક ભેદો ભૂંસાઈ જાય છે. આ આદર્શ તો જીવનાં બધાં જ ક્ષેત્રોને આવરી લેતો હોવો જોઈએ અને આપણા બધા જ વિચારોમાં પરોવાઈ જવો જોઈએ. અને આપણામાં બધાં જ કાર્યોમાં એની અભિવ્યક્તિ થવી જોઈએ. વેદાંત આગ્રહપૂર્વક કહે છે કે આપણા દરેક વિચારમાં અને કાર્યમાં વસ્તુની વિધાયક બાજુ ઉપર જ ભાર મુકાવો જોઈએ. દરેકને એ શીખવે છે કે કોઈએ કેવળ કોઈની સત્તા કે શુચિતા ઉપર જ શ્રદ્ધા ન રાખવી જોઈએ. પણ કોઈની નબળાઈ તરફ અત્યંત સહાનુભૂતિ રાખવી જોઈએ. કારણ કે બધા મનુષ્યો એક જ લક્ષ્ય તરફ જઈ રહ્યા છે. સ્વામીજી દર્શાવે છે કે જ્ઞાનીએ સૌ પહેલાં તો એ કરવાનું છે કે એ કોઈ ખરાબી કે પાપ ઉપર ધ્યાન ન આપે. કોઈ એક યા બીજાને પાપી કહેવો અને પાપીપણાના વિચારનો પનારો એ બધી વસ્તુઓને કેવળ ધૂળધાણી જ કરી મૂકે છે. ભૂલોમાંથી તો પાર ઊતરવું જોઈએ. ભૂલો દૂર કરવી જોઈએ એને માટે ખાલી દિલગીરી વ્યક્ત કરવાથી કશું ન વળે! મનુષ્યોને એવું સમજાવવું જોઈએ કે તેમના અજ્ઞાન માટે તેઓ પોતે જ જવાબદાર છે. એટલા જ માટે સ્વામીજી કહે છે કે આપણી આંખો ઉપર પાટા બાંધનાર આપણે પોતે જ છીએ અને પછી રોવા બેસીએ છીએ કે બધે અંધારું છે. જેટલે અંશે આપણે પોતાના હાથે પાટા દૂર કરીશું એટલે અંશે અજવાળું થશે. કારણ કે મનુષ્યનો આત્મા તો સ્વયં પ્રકાશિત છે. વ્યવહારુ વેદાંત ઉપરના પોતાના પ્રવચનમાં સ્વામીજી કહે છે કે વેદાંતના આ પરમસત્યોને વ્યવહારુ બનાવવાં જોઈએ, સરળ બનાવવાં જોઈએ; (કારણ કે પરમોચ્ચ સત્યો તો સદાયે સરલ જ હોય છે). કે જેથી તે માનવસમાજના દરેકેદરેક છિદ્રાણુને ભેદી શકે. અને ઉચ્ચતમ બૌદ્ધિક મનુષ્યથી માંડીને સામાન્યમાં સામાન્ય મનુષ્ય-પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના મનની એકીસાથે એક સમયે જ વિરાસત બની શકે. તેઓ દરેકને પોતાની ભીતર રહેલી દિવ્યતાને પ્રગટ કરવાનું આ નીચેના પ્રેરણાદાયી શબ્દોમાં આહ્‌વાન આપે છે :

તમારું ચારિત્ર્ય ઘડો; તમારો પ્રકાશસ્વરૂપ જ્યોતિર્મય, સદા પવિત્ર, સાચો સ્વભાવ પ્રગટ કરો, અને જેને જુઓ તેનામાં તે જગાવો. હું તો ઇચ્છું કે આપણે દરેકેદરેક એવી સ્થિતિએ પહોંચીએ કે દુષ્ટમાં દુષ્ટ માનવીઓમાં પણ તેની અંદર રહેલા સત્ય આત્માને જોઈ શકીએ, તથા તેમનો તિરસ્કાર કરવાને બદલે કહીએ કે ‘ઓ જ્યોતિર્મય આત્મન્‌! ઊઠ, તું સદા પવિત્ર છો; તું જન્મરહિત અને મૃત્યુરહિત છો, સર્વશક્તિમાન છો; તારું સાચું સ્વરૂપ પ્રગટ કર. આ નાનાં નજીવાં સ્વરૂપો તને શોભતાં નથી.’ અદ્વૈતવાદ શીખવે છે તે ઉચ્ચમાં ઉચ્ચ પ્રાર્થના આ છે. (૭.૩૩૭-૩૮)

પોતાના ‘કર્મયોગ’માં સ્વામીજી કહે છે કે જો મનુષ્ય સારા વિચારો કરે અને સત્કાર્યો કરે, તો આ બધાંના સંસ્કારોનો સરવાળો સારો થશે; અને તેઓ …. એને સારાં કામ કરવાનું દબાણ કરશે. એ પોતે.. તો પણ .. જો આવી વાત હોય, તો મનુષ્યનું સચ્ચારિત્ર્ય સ્થાપિત થયેલું જાણવું. પણ એ બધું અમલી કેમ બનાવી શકાય? એનો જવાબ સ્વામીજી આપે છે :

શુભ વિચારના આવા સતત પરાવર્તથી મનની સપાટી પર તરવરતી શુભ અસરોના આવા સતત પરાવર્તથી, શુભ કરવાની વૃત્તિ પ્રબળ બને છે અને પરિણામે ઈંદ્રિયોને અંકુશમાં રાખવાનું શક્ય બને છે. આ રીતે જ ચારિત્ર્ય ઘડાય છે, અને ત્યારે જ માનવ સત્યને પામે છે. આવો માણસ હંમેશાં સલામત છે, એ કશું અશુભ કરી જ ન શકે. તમે ગમે તેવી સોબતમાં એને મૂકો, કશો ભય નથી. આ શુભ વૃત્તિથીયે વિશેષ ઊંચી એક ભૂમિકા છે; તે ભૂમિકા મુક્તિ મેળવવાની અભિલાષા વિશેની છે. (૩.૪૪)

આ ચારિત્ર્યનિર્માણ, વ્યવહારુ નૈતિકતાનું ક્ષેત્ર છે. અને આ સચ્ચારિત્ર્યની પણ પેલીપાર ઉચ્ચતમ અવસ્થાએ પહોંચવું એ મોક્ષ છે. એ જ સાચા ધર્મનું ક્ષેત્ર છે.

જ્યાં સુધી ભક્તિયોગને લાગેવળગે છે ત્યાં સુધી સ્વામીજી સ્પષ્ટ રીતે સકામ ભક્તિ અને નિષ્કામ-સાચી ભક્તિ વચ્ચે ભેદ પાડે છે. તેમનો અભિપ્રાય એવો છે કે કામનાની પૂર્તિ માટે આ ભક્તિનો ઉપયોગ ન જ કરવો જોઈએ. કારણ કે ભક્તિ પોતે જ બધી સાંસારિક કામનાઓ ઉપરની લગામ સ્વરૂપની છે. સ્વામીજી વળી કહે છે:

ભક્તિનો મહાન ગુણ એ છે કે તે મનને શુદ્ધ કરે છે; અને પરમેશ્વર પ્રત્યેની દૃઢ ભક્તિ જ મનને શુદ્ધ કરવા માટે પૂરતી છે. (૪.૨૨૦)

ખરી રીતે, ઈશ્વરભક્તિ દ્વારા નૈતિક પૂર્ણતાને કાર્યાન્વિત કરવાની સ્વામીજીની આ પદ્ધતિ, માનવની ભાવનાઓના ઊર્ધ્વીકરણ પણ આધારિત, ખૂબ પાયાની મનોવૈજ્ઞાનિક સૂઝ છે. સ્વામીજી એને નીચેના શબ્દોમાં ખૂબ સુંદર રીતે સમજાવે છે:

પ્રકૃતિમાં આપણે સર્વત્ર પ્રેમ દેખીએ છીએ. સમાજમાં જે કંઈ શુભ, ભવ્ય અને ઉચ્ચ છે તે આ પ્રેમનું પરિણામ છે; સમાજમાં જે અત્યંત અશુભ છે, બલ્કે પૈશાચિક છે તે પણ પ્રેમની જ ભાવનાનું, પરંતુ વિકૃત પરિણામ છે. પતિ અને પત્ની વચ્ચેના શુદ્ધ દાંપત્ય પ્રેમની, તેમજ હલકામાં હલકા પાશવી વાસનાનાં સ્વરૂપોને જે પ્રકારનો પ્રેમ સંતોષે છે તેની જનક આ એક જ ઊર્મિ છે. ઊર્મિ એક જ છે, પરંતુ ભિન્ન ભિન્ન અવસ્થામાં તેની અભિવ્યક્તિ ભિન્ન ભિન્ન રીતે થાય છે. પ્રેમની આ એક જ ઊર્મિ શુભ સ્વરૂપે મનુષ્યને પોતાનું સર્વસ્વ ગરીબોને આપવા અને તેમનું ભલું કરવા પ્રેરે છે, જ્યારે અશુભ સ્વરૂપે અન્ય મનુષ્યોને પોતાનાં જ બંધુઓનાં ગળાં કાપવા અને તેમનું સર્વસ્વ લૂંટી લેવા પ્રેરે છે. પ્રથમ શ્રેણીનો મનુષ્ય જેટલો અન્યને ચાહે છે તેટલો જ બીજી શ્રેણીનો મનુષ્ય પોતાની જાતને ચાહે છે… ભક્તિયોગ ઉચ્ચકોટિના પ્રેમનું વિજ્ઞાન છે. પ્રેમને ધ્યેય તરફ કેવી રીતે વાળવો તે ભક્તિયોગ આપણને બતાવે છે; તેને કેવી રીતે કાબૂમાં રાખવો, તેનું કેવી રીતે નિયંત્રણ કરવું, તેનો કેવી રીતે સદુપયોગ કરવો, એક નવા ધ્યેય તરફ તેને કેવી રીતે વાળવો તથા તેમાંથી, જાણે કે સર્વોચ્ચ અને સૌથી ભવ્ય પરિણામ શી રીતે મેળવવાં, અર્થાત્‌ ઉચ્ચ આધ્યાત્મિક આનંદ તરફ આપણને લઈ જવામાં તેનો કેવી રીતે ઉપયોગ કરવો એ બધું ભક્તિયોગ શીખવે છે. ભક્તિયોગ એમ કહેતો નથી કે ‘છોડી દો’; તે કેવળ એટલું જ કહે છે કે ‘ચાહો; પણ ઊંચામાં ઊંચી વસ્તુને ચાહો.’ અને જેનું પ્રેમપાત્ર સર્વોચ્ચ હોય છે તેની નજરમાંથી સ્વાભાવિકપણે જ પ્રત્યેક હલકી વસ્તુ સરી પડે છે. (૫.૪૧)

આપણે જેની ચર્ચા કરી છે તે પાસાની અધૂરી ચર્ચા અને બીજાં અન્ય પાસાંની વાત હવે પછીના સંપાદકીયમાં કરીશું.

(ક્રમશ:)

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.