જ્યારે કોઈ અવતાર આવે છે, ત્યારે જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં સાંસ્કૃતિક જાગરણની સાથે એક નવીન સંસ્કૃતિનું નિર્માણ થાય છે. તે દિવ્યાવતારની સંજીવની શક્તિ સમગ્ર સમાજનું પરિવર્તન કરી દે છે. અને એને ઉચ્ચતર સ્તરે લાવી મૂકે છે. કલાકારો, લેખકો, કવિઓ, નાટ્યકારો, શિલ્પીઓ, અને સંગીતકારો વગેરે એ અવતારના મહાન વ્યક્તિત્વ અને એના સંદેશને કેન્દ્રમાં રાખીને એક નવો જ સાંસ્કૃતિક જુવાળ લાવી દે છે. અવતારના આકર્ષણની અનુભૂતિ કરનાર તે માંહેના આવા જ એક કલાકાર હતા શ્રી અક્ષયકુમાર સેન. એમની અનન્ય અમર કૃતિ એટલે ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ (બંગાળીમાં) એ શ્રીરામકૃષ્ણના જીવનને વર્ણવતું એક બંગાળી મહાકાવ્ય છે. ‘પૂંથી’નો અર્થ ‘પુરાણ’ અથવા ‘ગાથા’ થાય છે. આ અનુપમ કાવ્યના સર્જન માટે નિમિત્ત તરીકે શ્રીરામકૃષ્ણે અક્ષયકુમાર સેનને પસંદ કર્યા. એ આશ્ચર્યજનક જણાય છે. કારણ કે શ્રીરામકૃષ્ણ પાસે તો આ જવાબદારી સ્વીકારી લે તેવા અસંખ્ય સમર્થ શિષ્યો અને ભક્તો તો હતા જ કે જેઓ અક્ષયકુમાર કરતાં વધારે બુદ્ધિમાન અને સક્ષમ હતા. ખરી રીતે જોઈએ તો ગિરિશ ઘોષ, કે જેઓ સાહિત્યના માંધાતા ગણાતા, જેઓ બંગાળી રંગભૂમિનો પાયો નાખનાર, એના પિતા સમાન હતા. અને શ્રીરામકૃષ્ણના સ્પર્શમાત્રથી જેમના જીવનમાં ધરમૂળથી પરિવર્તન થઈ ગયું હતું, તેમને શ્રીરામકૃષ્ણ આ મહાકાર્યના નિમિત્ત તરીકે પસંદ કરી શક્યા હોત. દેશબંધુ સી.આર.દાસે એક સ્થળે નોંધ્યું છે : ‘ગિરિશ ઘોષની મેધાને હજુ બંગાળ પૂરેપૂરી સમજી શક્યું નથી. જેવી રીતે ઈંગ્લેન્ડમાં એક સદી વીતી ગઈ પછી જ લોકો શેક્સપિયરને માણવા લાગ્યા હતા, તેવી જ રીતે ગિરિશ ઘોષ પણ હવે પછીના સમયમાં વધારે વ્યાપકતાથી અને વધારે રસપૂર્વક બંગાળમાં વંચાશે. તેમની અનેક મુખી મેધા અવશ્ય જ ભારતના અન્ય ભાગોમાંથી અને અન્ય દેશોમાંથી પણ વિદ્યાર્થીઓને આકર્ષશે. કારણ કે એનાં નાટકો ઘણી રીતે વિશ્વના શ્રેષ્ઠ નાટકો કરતાં અપૂર્વ અને આશ્ચર્યકારક છે.’ તે ઉપરાંત સ્વામી વિવેકાનંદની રાહબરી નીચે કાર્યરત એવા શ્રીરામકૃષ્ણના એવા કેટલાક મહાન સંન્યાસી શિષ્યો પણ હતા જ કે જેમને શ્રીરામકૃષ્ણ આ મોટી જવાબદારી સોંપી શક્યા હોત. પણ ભગવાનની લીલા અગમ્ય છે. શાસ્ત્રો કહે છે કે मूकं करोति वाचालं पड्गुं लड्घंयते गिरिम। – ‘ભગવાનની કૃપાથી મૂંગો બોલતો થાય છે અને લંગડો પર્વત ઓળંગી જાય છે.’

અક્ષય ઈ.સ. ૧૮૫૪માં બંગાળના બાંકુરા જિલ્લામાં આવેલા માયલાપુર નામના નાનકડા ગામડામાં જન્મ્યા હતા. એમના પિતા હલધર સેન અને માતા વિધુમુખી અત્યંત ગરીબ હતા તેથી તેમને સારું શિક્ષણ આપી શક્યા નહિ. અક્ષયનો ઉછેર ગામડામાં જ થયો અને ગામઠી શાળામાં જ એમને શિક્ષણ મળ્યું. તેમના પૂર્વજીવન વિશે ઘણું ઓછું જાણવા મળે છે. ફક્ત એટલું જ જાણવા મળે છે કે તેઓ ભગવાન કૃષ્ણના ભક્ત હતા અને સ્વભાવે ખૂબ નમ્ર હતા. સમય જતાં તેઓ પરણ્યા, વિધુર થયા અને પાછા પરણ્યા હતા. તેમને બે દીકરા અને એક દીકરી હતાં. ગામડાની પોતાની ગરીબીને દૂર કરવા અક્ષય કોલકાતા આવ્યા અને જોરાસાંકોના ટાગોર કુટુંબનાં બાળકો માટે ખાનગી શિક્ષક તરીકેની નોકરી તેમણે શોધી કાઢી. હવે એવું થયું કે દેવેન્દ્રનાથ મજુમદાર નામના શ્રીરામકૃષ્ણના એક ભક્ત પણ ટાગોર એસ્ટેટની ઓફિસમાં કામ કરી રહ્યા હતા અને અક્ષયની સાથે જ એક જ છાપરામાં નીચે રહેતા હતા.

શ્રીરામકૃષ્ણને મળ્યા પહેલાંના એક વરસ અગાઉ જ શ્રીકૃષ્ણના એક નમ્ર ભક્ત તરીકે અક્ષયે પોતાના કુળગુરુ પાસેથી ઔપચારિક રીતે દીક્ષા લીધી હતી અને રાત્રિના સમયે ગંગાને કિનારે બેસી જપ અને ધ્યાનની સાધના પણ કરતા હતા. તેમણે આવી આધ્યાત્મિક સાધનાઓ કર્યા છતાં એમને ભગવાનની કશી ઝાંખી ન થઈ તેથી તેઓ નિરાશ થઈ ગયા. એક વખત જ્યારે દેવેન્દ્ર એકલા હતા ત્યારે અક્ષય તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા: ‘સાહેબ, તમે કોઈક પરમહંસ વિશે વાતો કરી રહ્યા હતા તો તેઓ ક્યાં રહે છે, તે મને બતાવશો?’ એના પ્રશ્ન તરફ કશું ધ્યાન આપ્યા વગર દેવેન્દ્રે પૂછ્યું: ‘એ તમને શો ફાયદો કરાવી શકશે?’ અક્ષયને આથી આઘાત લાગ્યો પણ એની જિજ્ઞાસા વધુ તીવ્ર બની. પછીથી એને ખબર પડી કે એ પરમહંસ તો રામકૃષ્ણદેવ હતા અને તેઓ દક્ષિણેશ્વરમાં રહેતા હતા. એ પછી છ માસ વીતી ગયા. અક્ષયનું મન તો શ્રીરામકૃષ્ણે હરી લીધું હતું. એક દિવસ એણે દેવેન્દ્રને કહ્યું: ‘સાહેબ, આપ મને કૃપા કરીને પરમહંસને મળવા માટે લઈ જશો?’ એની નિષ્ઠા અને નમ્રતા જોઈને દેવેન્દ્ર એમને લઈ જવા સંમત થયા.

સને ૧૮૮૫ના પૂર્વાર્ધમાં ઘણું કરીને એક શનિવારે મહિમાચરણ ચક્રવર્તીએ એક ઉત્સવ યોજ્યો અને પોતાના ઘરે ઉત્તર કોલકાતામાં ૧૦૦, કાશીપુર રોડ, ઉપર શ્રીરામકૃષ્ણ અને એમના ભક્તોને એમાં આમંત્રણ આપ્યું. અક્ષયે સાંભળ્યું કે દેવેન્દ્ર એ ઉત્સવમાં ભાગ લેવા માટે તૈયારી કરી રહ્યા છે એટલે અક્ષયે એમને પોતાને સાથે ત્યાં લઈ જવા વિનંતી કરી. તેઓ મહિમાને ઘરે સાંજે પાંચ વાગ્યે પહોંચ્યા. મનમોહન, સુરેન્દ્ર, શ્રી મ., વિજયકૃષ્ણ ગોસ્વામી અને બીજા ભક્તો ત્યાં હાજર હતા. દેવેન્દ્ર અને બીજાઓએ શ્રીઠાકુરની ચરણરજ લીધી. અક્ષયે પણ એમ કર્યું. અક્ષયે જોયું કે શ્રીઠાકુરે થોડું સ્મિત કરીને તેમના તરફ કૃપાદૃષ્ટિ કરી.

પછી એ એક ખૂણામાં બેસીને શ્રીઠાકુર સામે એકીટસે જોવા લાગ્યા. શ્રીઠાકુરની મોહિની અને તેમની વાતચીતમાં એ એટલા બધા ડૂબી ગયા કે એમને આસપાસના વાતાવરણનું કે પોતાના શરીર સુદ્ધાંનું પણ ભાન રહ્યું નહિ. તેઓ જાણે કે આનંદના સાગરમાં વહી રહ્યા હોય, એવી તેમને અનુભૂતિ થઈ. થોડા વખત પછી ભક્તોએ વરંડામાં કીર્તન શરૂ કર્યું. શ્રીઠાકુરે જેવો ઢોલક અને કરતાલનો અવાજ સાંભળ્યો કે તરત જ ઉતાવળે આવીને તેઓ કીર્તનમંડળી સાથે ભળી ગયા અને ગાવા તથા નાચવા લાગ્યા. કોઈકવાર તેઓ સમાધિમાં ચાલ્યા જતા અને પૂતળાંની પેઠે હલનચલન વગરના થઈ જતા તો વળી બીજે કોઈક વખતે અર્ધ સભાનાવસ્થામાં તેઓ ધીરે ધીરે તાલબદ્ધ નાચતા. શ્રીઠાકુરે ત્યાં એવું તો સંવેદ્ય આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરી દીધું કે અક્ષયને જાણે એ પોતે સ્વર્ગમાં હોય એવો અનુભવ થયો બ્રાહ્મોસમાજના નેતા વિજયકૃષ્ણ ગોસ્વામી શ્રીરામકૃષ્ણની પાછળ નૃત્ય કરી રહ્યા હતા. તેમણે એકાએક શ્રીરામકૃષ્ણ તરફ આંગળી ચીંધીને ઉદ્‌ગારો કાઢ્યા : ‘આ રહ્યા આપણા કૃષ્ણ!’ આ શબ્દો અક્ષય માટે એક ચમત્કારરૂપ નીવડ્યા. અને એને એ સત્યનો અપરોક્ષ અનુભવ થઈ ગયો કે જેને માટે તેણે યુવાવસ્થાથી જ ઝંખના સેવ્યા કરી હતી તે શ્રીકૃષ્ણ રામકૃષ્ણથી કોઈ જુદા નથી. શ્રીઠાકુર તેમને સાચા પ્રેમાવતાર તરીકે દેખાયા. કીર્તન નવ વાગ્યે પૂરું થયું અક્ષયે પોતાના મનમાં વિચાર્યું : ‘શ્રીઠાકુરે પોતાનું દિવ્ય સ્વરૂપ પોતાના નજીકના ભક્તો આગળ ખુલ્લું કરી દીધું છે. એમની ભક્તિ અને એમની કૃપા વગર તો કોઈ એમને સમજી શકે નહિ.’

જ્યારે ઉત્સવ પૂરો થયો ત્યારે શ્રીઠાકુર દક્ષિણેશ્વર જવા રવાના થયા. અક્ષય રામચંદ્રની સાથે દેવેન્દ્રની ગાડીમાં બેઠા. રામ શ્રીઠાકુરના એક ગૃહસ્થ ભક્ત હતા તે સાંજે શ્રીઠાકુર વિશે ઘણી અદ્‌ભુત વાતો તેમણે અક્ષયને કરી હતી, તેથી તે તેમના મિત્ર બની ગયા હતા. આમ, જ્યારે રામ પોતાના રહેઠાણના સીમુલિયા સ્ટ્રીટમાં ગાડીમાંથી ઊતર્યા, ત્યારે અક્ષય પણ તેની સાથે ત્યાં જ ઊતરી ગયા. ત્યાં રામને ઘરે તેમણે શ્રીરામકૃષ્ણ વિશે ઘણી બધી વાતો સાંભળી છેવટે સવારના બે વાગ્યે તેઓ પોતાને ઘરે પહોંચ્યા. શ્રીઠાકુર સાથેના પ્રથમ મિલન પછી ફરીથી તેઓ શ્રીઠાકુરના મિલન માટે ઝંખવા લાગ્યા. એમનું મન પૂર્ણ રીતે શ્રીઠાકુરના વિચારમાં જ ગરકાવ થઈ રહ્યું. બેએક દિવસ પછી અક્ષયને પોતાના મિત્ર સાથે દક્ષિણેશ્વર જવાનો મોકો મળી ગયો. આ વખતે શ્રીરામકૃષ્ણે અક્ષયને તેમના જીવન વિશે ઘણી વાતો પૂછી. તે બ્રાહ્મો હતા કે નહિ, તે પણ પૂછી લીધું.

સામાન્ય રીતે શ્રીઠાકુર અક્ષયને આઘાત થતો હોવા છતાં પોતાનો ચરણસ્પર્શ એને કરવા દેતા નહિ. એવે વખતે તેઓ કહેતા : ‘પહેલાં તમારું મન શુદ્ધ થવા દો, પછી એમ કરજો.’ આમ છતાં પણ ત્રણ મુલાકાતો પછી અક્ષયને ખાતરી થઈ ગઈ કે જો કોઈ એને કૃષ્ણદર્શન કરાવી શકે એવા હોય તો તે કેવળ શ્રીરામકૃષ્ણ જ છે. ત્યાર પછી તેમને એવી અનુભૂતિ થઈ કે શ્રીરામકૃષ્ણ અને શ્રીકૃષ્ણ બન્ને એક અને અભિન્ન છે. તેમણે પોતાના ‘શ્રીરામકૃષ્ણ મહિમા’માં લખ્યું છે કે, ‘મેં શ્રીરામકૃષ્ણ સાથે નથી તો કોઈ વાતચીત કરી કે નથી તો એમને મેં કોઈ પ્રશ્નો પૂછ્યા પણ મેં એ જાણ્યું છે કે જે કોઈ પોતાની છાતી ઉપર શ્રીરામકૃષ્ણના હાથનો સ્પર્શ પામે છે, તે બહારનું સાનભાન ગુમાવી બેસે છે અને એવી અવસ્થામાં કૃષ્ણદર્શન કરે છે. આવી જ આશા સેવતો હું તેમની સતત મુલાકાત લેવા લાગ્યો. એટલું જ નહિ પણ હું તેમને જ્યારે જ્યારે જોતો ત્યારે ત્યારે મને મનમાં એવું થતું કે જાણે હું કોઈ જુદો જ માણસ છું! મને એવો વિચાર આવતો કે કૃપા કરીને ઠાકુર મારી છાતી ઉપર હાથ અડાડે તો કેવું સારું? પણ ઘણા દિવસો વીત્યા છતાં શ્રીઠાકુરે મારી એ ઇચ્છા પૂરી ન કરી. હું ઘણી મોટી આશા સાથે તેમની પાસે જતો પણ નિરાશા અને આંસુભરી આંખે ઘર તરફ પાછો ફરતો.

મારા આખા જીવનમાં તેમની સાથે મેં બે વાર જ વાત કરી છે. એકવાર તેમને એકલા જોઈને મેં પૂછ્યું કે ‘ઠાકુર, હું તો અંધ (અજ્ઞાની) છું.’ ત્યારે ઠાકુરે જવાબ આપ્યો : ‘પણ ભગવાન તો છે!’ (શ્રીરામકૃષ્ણના કહેવાનો ભાવાર્થ એ હતો કે ‘તમે ભલે અંધ રહ્યા પણ તમને જોવા માટે ભગવાન પાસે તો આંખો છે.’) આ રીતે શ્રીઠાકુરે મારી સાથે વર્તન કર્યું. આવું વર્તન તેમણે કોઈ બીજા આગળ કર્યું હોત તો તે ક્યારેય ત્યાં પાછો ન આવ્યો હોત! કેટલાય ભક્તોએ તેમનો ચરણસ્પર્શ કર્યોં છે પણ જ્યારે હું ચરણસ્પર્શ કરવાનો પ્રયત્ન કરું ત્યારે તેઓ પોતાનાં ચરણો પાછા લઈ લેતા અને કેટલીક વાર તો ‘ઠીક છે ઠીક છે’ એમ કહીને ખૂબ પાછળ ખસેડી લેતા. શ્રીઠાકુર આધ્યાત્મિક બાબતો ઉપર રહસ્યમય વાતો કર્યા કરતા. તેઓ શું કહેવા માગે છે તે કંઈ હું સમજતો નહિ એટલે હું એક ખૂણામાં શાંતિથી બેસી રહીને તેમની સામે જોયા કરતો.’

સામાન્ય માણસ માટે તો અવતારી પુરુષનાં આચરણ અને કાર્યો સમજવાં ઘણાં કઠિન છે. તે કઠોર વર્તન દ્વારા ભક્તોનાં કર્મોનો નાશ કરી શકે છે અથવા તો એવી ઉપેક્ષા બતાવીને એના અહંકારના ચૂરેચૂરા ઉડાડી શકે છે. જો ભક્ત આવી અગ્નિ પરીક્ષાઓને સહન કરી શકે તો એ કંઈક પામી શકે. અક્ષયે આંસુઓથી અને પ્રાર્થનાઓથી પોતાના મનની મલિનતા ધોઈ નાખવાનો પ્રયત્ન કર્યો અને ધીરે ધીરે ઠાકુરના મૌન આશીર્વાદનો તેઓ અનુભવ કરવા લાગ્યા પાછળથી તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું : ‘શ્રીરામકૃષ્ણે મને જે કંઈ બતાવ્યું હતું અને સમજાવ્યું હતું તે મને એવી દૃઢ પ્રતીતિ તરફ દોરી ગયું કે તે પોતે જ ઈશ્વર છે, તે અવતાર છે, વિશ્વના સ્વામી અને સર્વશક્તિમાન છે જે રામ, જે કૃષ્ણ, જે કાલી છે તે બધું તેઓ જ છે તે જ સચ્ચિદાનંદ! તેઓ મનબુદ્ધિથી પર છે અને છતાં વિશુદ્ધ મન અને બુદ્ધિથી જ તે જાણી શકાય છે.’

પોતાના એ કસોટીકાળ દરમિયાન અક્ષય ભય અને વિષાદ અવસ્થામાં રહેતા. તેઓ ઠાકુરથી ડરતા ને છતાં એવું અનુભવતા કે તેઓ જાણે તેમના પિતા છે. તેઓ રસપૂર્વક શ્રીરામકૃષ્ણ તરફ આકૃષ્ટ હતા છતાં એ પોતાના પ્રેમની અભિવ્યક્તિ કેમ કરવી, તે જાણતા ન હતા. એક પ્રસંગે અક્ષયે દેવેન્દ્રને વિનંતી કરી કે તે ઠાકુરને તેને (અક્ષયને) આશીર્વાદ આપવાનું કહે. દેવેન્દ્ર દક્ષિણેશ્વર ગયા અને ઠાકુરને અક્ષયની વિનંતીની વાત કરી. શ્રીરામકૃષ્ણે કહ્યું : ‘હું શું કહું ભલા? તમે જ એને કંઈક સલાહ આપો.’ એટલે દેવેન્દ્રે જ અક્ષયને હરિનું (કૃષ્ણનું) નામસ્મરણ કરવાની સલાહ આપી. અક્ષયે એ સલાહ માની અને જપ અને ઝંખનાની સાધના શરૂ કરી દીધી.

૧ જાન્યુઆરી, ૧૮૮૬ ને દિવસે શ્રીરામકૃષ્ણ કલ્પતરુ બની ગયા અને કેટલાય ભક્તોને આશીર્વાદ આપતાં બોલ્યા : ‘ચૈતન્ય થાઓ.’ સમય કાશીપુર ઉદ્યાનમાં સાંજને વખતે ઠાકુરને લટાર મારવાનો હતો. જેવા શ્રીઠાકુર ઉદ્યાનમાં પ્રવેશ્યા કે તરત જ બધા ભક્તો તેમની પાછળ ચાલવા લાગ્યા. અક્ષય એ વખતે કેટલાક લોકો સાથે એક ઝાડની નમેલી ડાળી નીચે બેઠા હતા. તેમણે શ્રીઠાકુરને જોયા કે તરત જ શ્રીરામકૃષ્ણ જ્યાં ઊભા હતા ત્યાં દોડી ગયા. ત્યાં તેમણે જોયું કે પોતાના ભક્તોની વચ્ચે શ્રીઠાકુર સમાધિમાં મગ્ન છે! અક્ષયે ચંપક વૃક્ષનાં બે પુષ્પો ચૂંટ્યાં અને ઠાકુરને ચરણે ધર્યાં. થોડા વખત પછી શ્રીઠાકુર અર્ધસભાનવસ્થામાં આવ્યા અને તેમણે વારાફરતી બધા ભક્તોને સ્પર્શ કર્યો. શ્રીઠાકુરના આ કાર્યે ભક્તોમાં લાગણીની ભારે ભરતી અને ઉત્તેજના લાવી દીધી. કેટલાકને પોતાના ઈષ્ટદેવનાં દર્શન થયાં, કેટલાકને કુંડલિનીની જાગ્રતિ થયાનો અનુભવ થયો, કેટલાકને અકથ્ય આનંદની અનુભૂતિ થઈ, કેટલાક વળી ભાવાવેશમાં આવીને હસવા લાગ્યા, રડવા લાગ્યા અને બૂમો પાડવા લાગ્યા. અક્ષય તો દૂરથી જ આ બધો તમાશો નિહાળી રહ્યા હતા. એટલામાં એકાએક જ શ્રીઠાકુરની નજર અક્ષય પર પડી. અને એમણે ‘એય’ એમ કહીને અક્ષયને પાસે બોલાવ્યા. અક્ષય તો ઠાકુર પાસે દોડ્યા. અને ઠાકુરે પોતાના હાથનો એની છાતી પર સ્પર્શ કર્યો. અને તેમના કાનમાં મંત્ર ગણગણ્યા અને તરત જ શ્રીઠાકુરના આશીર્વાદનું ફળ અક્ષયે અનુભવ્યું. પોતામાં ઉછળતા આનંદના ઊભરાને તેઓ પોતામાં સમાવી શક્યા નહિ. લાગણીના જુવાળની સામે ટકવાનું તેમને માટે મુશ્કેલ થઈ ગયું અને તેઓ જમીન પર પડી ગયા; તેમનાં અંગો ઠુંઠવાઈ ગયાં અને તેઓ બેડોળ બની ગયા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.

સને ૧૮૮૬ની ૧૫મી ઓગસ્ટે શ્રીરામકૃષ્ણની શારીરિક સ્થિતિ નાજુક બની ગઈ. સ્વામી વિવેકાનંદે અક્ષયને ઠાકુરને પંખો નાખવા માટે રોકયા. જ્યારે સાંજ પડી, ત્યારે શ્રીઠાકુરે થોડી મકાઈની ખીર ખાવાની કોશિશ કરી. પણ એ ગળે ન ઊતરી. થાકીને તેઓ પાછા પથારીમાં પડ્યા અને સમાધિમાં ચાલ્યા ગયા. શશી (પછીથી સ્વામી રામકૃષ્ણાનંદ) બૂમ પાડી ઊઠ્યા અને એમણે અક્ષયને શ્રીઠાકુરના બે નજીકના શિષ્યો – ગિરીશ અને રામને બોલાવી લાવવા કહ્યું. અક્ષય એકદમ કોલકાતા દોડી ગયા અને ઠાકુરની નાજુક તબિયત વિષે તેમણે તે બન્નેને વાકેફ કર્યા. અને તરત જ તેઓ કાશીપુર પાછા ફર્યા.

પોતાની એ સમાધિ પછી શ્રીઠાકુર ખૂબ જ ભૂખ્યા થયા અને એમણે ખાવાનું માગ્યું. આ વખતે તેઓ કશી જ તકલીફ વગર ખીરનો આખો કટોરો ખાઈ ગયા ભક્તોને એથી ઘણી રાહત મળી. પછી સ્પષ્ટ અવાજે શ્રીઠાકુરે ‘કાલી, કાલી, કાલી’ – એવું ત્રણવાર ઉચ્ચારણ કર્યું અને ધીરે ધીરે પથારી ઉપર લંબાવી દીધું. થોડા વખત પછી તેઓ પાછા સમાધિ મગ્ન થઈ ગયા. તેમની આંખો નાક પર સ્થિર થઈ હતી. તેમનો ચહેરો મંદસ્મિતથી છવાયેલો હતો; આ રીતે ૧૬ ઓગસ્ટ ૧૮૮૬ના રોજ, ૧.૦૧ વાગ્યે શ્રીરામકૃષ્ણે મહાસમાધિમાં પ્રવેશ કર્યો.

(ક્રમશ:)

Total Views: 66

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.