શ્રી અક્ષયકુમાર સેને લખેલ ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથિ’ પાંચ ભાગોમાં વહેંચાયેલો છે અને એમાં ૯૧ પ્રકરણો છે; દરેક પ્રકરણ શ્રીરામકૃષ્ણ, શ્રી શ્રીમા અથવા બંનેની પ્રાર્થનાની નાનકડી કડીથી શરૂ થાય છે. એ ગ્રંથમાંથી ‘ગુરુમાતાવંદના’નો શ્રી કેશવલાલ શાસ્ત્રીએ કરેલ ગુજરાતી સમશ્લોકી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

જય જય રામકૃષ્ણ વાંછા-કલ્પતરુ,
જય જય ભગવાન જગતના ગુરુ;
જય જય રામકૃષ્ણતણા ભક્તગણ;
યાચું રજ ચોંટેલી એ સહુને ચરણ.
જય જય શ્રીશ્રીમાતા જગતજનની;
ગુણમયી ગુણાતીત બ્રહ્મ સનાતની.
અખંડા અરૂપા તમે, તમે નિરુપમા;
પુરુષ પ્રકૃતિ તમે, તમે મા પ્રધાના!
સૃષ્ટિનો અંકુર તમે, સકળનું મૂળ;
તમે મા ચોવીસ તત્ત્વ, તમે સૂક્ષ્મ સ્થૂળ.
તમારી ઇચ્છાથી સૃષ્ટિ, સ્થિતિ ને પાલન;
ફરી રાખો ખોળામાં ને કરો છો નિધન.
રમતની લીલા આખી સૃષ્ટિ છે તમારી;
લીલામય, લીલાપરા, લીલાસ્વરૂપિણી.
એક તમે અદ્વિતીય પોતાની જ માયા;
ધરિયાં અનેક રૂપ જગ તણી લીલા.
પોતાની અખંડતાને કરી ખંડખંડ;
ઘડિયાં અગણ્ય ‘અહં’, રચવા બ્રહ્માંડ.
ગુપ્તભાવે દિવ્યલીલા કરો છો જનની;
તમારી માયાથી જીવો કરે ‘અહંમયી’.
મા! તમારી નરલીલા લીલાશ્રેષ્ઠ વળી;
અયોધ્યામાં સીતારૂપે જનકનંદિની.
રામમય પ્રાણભાવ પ્રાણનો આરામ;
મન પ્રાણ ધ્યાન જ્ઞાન દુર્વાદલ શ્યામ.
આખોય જનમ દુ:ખ સહિયું છે પ્રાણે;
જનમ દુ:ખિની સીતા પુરાણ વ્યાખ્યાને.
વૃંદાવને રાધારૂપે કૃષ્ણમાં ઉન્મત્ત;
શુદ્ધ સત્ત્વે દેહ મહાભાવમાં જ રત.
ઉમારૂપે હિમાલયે નગેન્દ્રનંદિની;
કર્યો છે કૈલાસે વાસ, થઈને ઈશાની.
જગતજનની રૂપે હાલમાં લીલામય;
પૂર્ણ અંતરમાંહી સ્નેહ કરુણાય.
‘મા-પ્રણવ’ મહામંત્ર કરી ઉચ્ચારણ;
પદતલે નત શિરે સ્પરશે ચરણ.
વણજાણ્યે મળે એને ભક્તિ નિરમળ;
કોટિ કોટિ જનમની સાધનાનું ફળ.
મા! તમારી માયા દૂર કરો પકડીને;
અભયપદને જોઉં નયન ભરીને.
કરું ચિત્રલીલાપટ ખૂબ મનીષાય;
માયા ન પ્રમાદ કરે પથમાં જરાય.
તમે પદપ્રદર્શિકા તમે જ જનની;
ઉદય પામો હૃદયે કંઠે વસો દેવી.
હૃદયનાં તાળાં ખોલો તમે મારાં માય;
જેથી વાયુ ભક્તિ તણો પ્રવેશે એ માંય.
પાંચ વરસનાં તમે બ્રાહ્મણની બાલા;
માયિક બાલિકા જેમ કરો ધૂળે ખેલા.
મનુષ્યના જેવાં રૂપ રચના તમારાં;
માયાવિમોહિત નથી કાર્ય કો છાયા.
જે છો તમે તે જ છો મા, વિચારું શા કાજ?
અભય ચરણ જાગો! મમ હૈયાંમાં જ.
માતા છો ને મા જ રહો એવું નિવેદન;
શ્રીપ્રભુના લીલારસે કરજો મગન.
એક મર્મભેદી દુ:ખ ખૂબ રહે પ્રાણે;
આવું દુ:ખ શાને મને, માતા વિદ્યમાને?
સ્મરીને દુ:ખની કથા ફાટી જાય છાતી;
સિંહબાળ છતાં કેમ શિયાળની લાતી?
કહો માતા તમે સહુ દુ:ખ શાને ભારી?
વિશ્વેશ્વર પ્રભુદેવ તમે વિશ્વેશ્વરી.
આવી માતા વિદ્યમાન એ શ્રદ્ધાને બળે;
અતિ તુચ્છ દેખું સપ્ત સ્વર્ગ ને પાતાળે.
ચરણ યુગલ જ્યારે હૃદયમાં આણું;
બ્રહ્મા વિષ્ણુ મહેશને કાંઈ નવ ગણું.
થયે તવ આજ્ઞા માતા પૃથ્વીને ઉપાડું;
ઉત્તરનો હિમાલય દક્ષિણે બેસાડું.
ભૂતલે બેઠો હું ધરું ગગનનો ચંદ્ર;
વાયુ સુત સાથે કરી શકું યુદ્ધ દ્વંદ્વ.
કૃષ્ણાર્જુન તણો રથ ખોટકાવી નાખું;
ઉંધું ચિત્તું કરી નાખું બ્રહ્માંડ આ આખું.
આ બાજુ કરુણામયી, બીજે જો નિહાળું;
પાષાણથી કઠોર છે અંતર તમારું!
આત્મ પર નહીં ભેદ અનોખી છે કથા;
પોતે જ કપાવા દીઓ સંતાનનાં માથાં.
નથી યાદ જનનિ શું ગણેશ કહાણી;
લોકો કહે માથું તેનું કાપનારો શનિ.
શનિની તાકાત શી તે આવે સ્કંદ પાસે;
તમારી સંમતિ વિના કેમ માથું કાપે.
મા તમે જો મારો કોણ જન કરે ત્રાણ;
તમે જો મારો તો કોના બચી શકે પ્રાણ.
જેહ કાળે હતો દક્ષ પિતાજી આપનો;
તેની સાથે કર્યો વરતાવ શી છાપનો.
ભૂતડાં બોલાવી માથું કાપી નાખ્યું ભોંયે;
માતાનું શું થશે એ તો ખ્યાલ કર્યો ન્હોયે.
કાપ્યું માથું તોય નવ સંતોષ આપને;
લોકો હસે, ચોડ્યું માથું અજનું ગર્દને.
ભક્તો ઉપર દયા, એય ખૂબ જાણી;
યાદ કરી જુઓ તમે લંકાની કહાણી.
રાવણે જીવનભર પૂજા કરી હતી;
તેથી કોઈ રહીયું ન વંશે દેવા બત્તિ.
આ વેળાએ અવતાર ગુપ્ત; અનુમાનું;
તેથી આપો આટલું જ મને સહવાનું.
જપે તપે યોગી જેને પામે નવ ધ્યાને;
એ જ તમે માતા થઈ રહ્યાં વિદ્યમાને.
સામે જ આવ્યાં છો તેથી બધું દુ:ખ કહું;
માનું બાળ થઈ શાને જરા પણ સહું.
જોઉં છું કે ત્યાગી જને આતિશે ખેંચાણ;
ગૃહસ્થી અમસ્થા જાણે પરના સંતાન.
તમે જ કર્યા છે ગૃહી નાખી માયા બેડી;
ફેરાવો ઘાણીના બેલ પેઠે દયા છોડી.
દોડી દોડી મરીં નહિ પેટે ખાવા ભાત;
અધુરામાં પૂરા માથે કઠોર આઘાત.
કેવા મા વિચાર તવ કળી ન શકાય;
એક બાળ ગોદે, એક ધૂળમાં રોળાય.
માવતર માટે આવું સારું ન કહેવાય;
આવી રીતે વરતે ક્યા દેશ તણી માય.
માતાની આ રીત નહિ, કેટલું સહું;
મુખર્જીના ખેતમાંથી વાઢ્યા ક્યારે ઘઉં?
ઇચ્છામયી માતા તમે જગત પાલિકા;
નમો નમો શ્યામા સૂતા બ્રાહ્મણ બાલિકા.
કરું નિવેદન એક ચરણ યુગલે;
દુ:ખ ભલે પડે પણ ચિત્ત ન બદલે.
ફર્યાદે માતાની પાસે, યદિ મારે માય;
પાસે ઉભી રડે બાળ બીજે નવ જાય.
તેમ રે’વાની માગ તવ પાસે કરું;
મા મા કહી તમ પાસે રડતો હું ફરું.
શી સરસ નરલીલા જાઉં બલીહારી;
હૃદયે ઉદય જ્યાહાં ગતિ નહીં મારી.
સાધ્યાયીત છતાં નહીં પ્રાણ મમ માને;
સતત પ્રમત્ત મન લીલા આંદોલને.
માની સાથે હૃદયમાં જાગો હે ઠાકુર;
પથમાંહી વિઘ્નો બધા તમે કરો દૂર.
શ્રીપ્રભુની લીલાકથા મધુર કથન;
પરમ આનંદે સુણો એક ચિત્તે મન.

Total Views: 65

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.