પાઠક : જીવ પ્રત્યે ભગવાનની આટલી બધી દયા છે, તો પછી લોકો રોગ, દુ:ખ, દરિદ્રતાથી આટલા બધા પીડાઈ રહ્યા છે, તેમને કેમ મુક્ત કરી દેતા નથી?

ભક્ત : જો તમે તમારા જ હાથોથી બંધને તોડી નાંખો અને પછી નહેરનું પાણી તમારા ઘરમાં ઘૂસે તો એમાં ભગવાનનો શું દોષ? દરેક કર્મને તેનું ફળ હોય છે અને કર્તાને તે ભોગવવું જ પડે છે, તેમાં તો તમે માનો છો ને? એમણે જે કામ કરવા માટે મનાઈ કરેલી છે, એ કામ તો તમે કરો છો. તેઓ કહે છે, આગમાં હાથ ન નાંખો અને તમે આગમાં હાથ નાંખો છો, તો પછી એ બળે નહીં તો શું થાય? તેઓ સારું અને ખરાબ બંને સારી રીતે બતાવી દે છે. તમે તમારી પોતાની ઇચ્છાથી સારા તરફ જતા નથી અને ખરાબનો સંગ કરી રહ્યા છો, તો પછી તમારે દુ:ખ, દર્દ ને દરિદ્રતા એ બધું ભોગવવું જ પડશે. તમે જે કોઈનો પણ સંગ કરશો, તેની પાસેથી તમને એ જ મળશે, જે એની પાસે હશે. સાપ પાસે જશો તો ઝેર મળશે અને ગાય પાસે જશો તો દૂધ મળશે. કામિની-કાંચન એ તો અવિદ્યા-રુપિણીનું મૂર્તિમંત સ્વરૂપ છે. તમે હંમેશા એનું જ ચિંતન કરતા એની સાથે જ રહો છો તો પછી દુ:ખ, દર્દ, શોક સંતાપ સિવાય બીજું મેળવવાની આશા તમે કેવી રીતે રાખી શકો? જો તમે સમગ્ર દુ:ખોનો નાશ કરનારી કામધેનુ રૂપ જગન્માતાનું ચિંતન કરો અને તેની સાથે રહો તો ચોક્કસ તમને શાંતિરૂપી ખીર મળશે.

એક વાત કહું છું – સાંભળો – ‘વેદ-વેદાંત, તંત્ર-મંત્ર, ગીતા-પુરાણ વગેરે જે શાસ્ત્રોનો મહાન ભંડાર છે. તે શું છે, તે તમે જાણો છો? આ બધી ભગવાનની વાણી છે. એમના શ્રીમુખે ઉચ્ચારાયેલાં વચનો છે. આ સઘળાં શાસ્ત્રોમાં એમણે ફક્ત એક જ વાત કહી છે અને તે એ કે, ‘હે જીવ, તું જેનાથી સુખી થાય તે કર; હું એનાથી જ પ્રસન્ન થઈશ.’

ભગવાન પોતાના શ્રીમુખે આ વાત કહે છે, પરંતુ તેમણે પોતાના સૃષ્ટિ સર્જનમાં એક ઉપાય તો રાખેલો જ છે કે જ્યારે જીવ પોતાનાં સુખ અને માંગલ્ય માટે કાર્ય કરવા જાય છે ત્યારે જુએ છે કે ભગવાનની આરાધના, તપશ્ચર્યા, સાધનાના માર્ગ સિવાય બીજા કોઈ કર્મમાર્ગમાં સાચાં સુખ ને માંગલ્યની આશા નથી. આ જગતમાં ભગવાનને છોડીને બીજા કશાયમાં સુખ શાંતિની આશા નથી.

પરંતુ આ દુર્ભાગી જીવ એવો ભ્રમિત, આંધળો ને બહેરો છે કે તે ખોટા ચળકાટવાળા કામ-કાંચનને છોડીને સાચા પ્રકાશવાળા, વિશુદ્ધ સુવર્ણ સમા ભગવાન તરફ જતો નથી. એ ન તો એમનું રૂપ જોશે કે ન તો એમની વાતો સાંભળશે. જીવ સ્વચ્છંદી બની જતા કરુણામય ભગવાન પોતે તેને નિયંત્રિત કરવા મનુષ્ય રૂપ ધારણ કરીને આવે છે. ત્યારે પણ શું તે આંખો ખોલીને જુએ છે ખરો? કરુણાથી પરિપૂર્ણ ભગવાન મનુષ્યોની આવી સ્થિતિથી વિચલિત થઈ જાય છે અને એટલે તેઓ તેમને રસ્તો બતાવવા દ્વારે દ્વારે ઘૂમી વળે છે. ત્યારે ય જીવ ભગવાનને આમ કરતા જોઈને શું કરે છે તે તમે જાણો છો? તે ભગવાનને પાગલ ગણીને તેમની વાતોને ઉડાવી દે છે. ભાઈ, જીવ તો એમની વાતોની ઠેકડી ઉડાડે છે. જાણી લો કે એનું નામ જ જીવ અને એ જ જીવની બુદ્ધિ. આ બાજુ આ જ બુદ્ધિથી તે આકાશમાં ઊડી રહ્યો છે. એક ક્ષણમાં જ એક દેશમાંથી બીજા દેશમાં સંદેશો મોકલાવી રહ્યો છે. મહાશક્તિશાળી પંચમહાભૂતને જાણે ખરીદીને ગુલામની જેમ તેને હુકમ આપી રહ્યો છે. શરીરમાં નવાં અંગોનું પ્રત્યારોપણ કરી રહ્યો છે, અને બીજાં હજારો અદ્‌ભુત કાર્યો કરી રહ્યો છે. તેની બુદ્ધિના પ્રહારથી સમગ્ર પૃથ્વી થર થર કાંપી રહી છે. પરંતુ જ્યારે ભગવાનની વાત આવે છે, ત્યારે આ બુદ્ધિ બહેર મારી જાય છે. તેલીના છોકરાને હળ ચલાવતાં કે પાક લણતાં જુઓ તો જાણે સાક્ષાત્‌ ભીમ જેવો લાગે. પણ ક, ખ, ગ, શીખવાડો તો ત્યાં એની બુદ્ધિ ચાલતી નથી. અને થોડી ઘણી ચાલેને તોય હોરમિલર કંપનીના ગધેડા જેવા અડિયલ મજૂર જેવી. મરી જાય પણ એક પગલું ય આગળ ન ચાલે તેવી. ભગવદ્‌ભાવ અને ભગવદ્‌ વિષયમાં જીવની બુદ્ધિ એવી જ હોય છે.

જીવ પોતાનું સુખ ને મંગલ શેમાં રહેલું છે, તે જાણી શકતો નથી. જ્યારે તે સુખના ઝરાને જાણી લે છે ત્યારે તે સંસારની સઘળી વસ્તુઓને છોડીને ભગવાનની સાથે રહેવાનો પ્રયત્ન કરે છે. સંસારની કોઈપણ વસ્તુથી ક્યારેય કોઈનેય જરાસરખું પણ સુખ મળતું નથી. સઘળાં પુરાણો એની સાક્ષી પુરે છે. સંસારને સુખની ખાણ માનીને જેમણે જેમણે તેનો સહારો લીધો છે, એમને અંતમાં ભારે કષ્ટ ભોગવવું પડ્યું છે. સંસાર કેવો છે તે જાણો છો? જાણે લોટ દળવાની ઘંટી. ઘંટીની વચ્ચે લાકડાનો ખીલડો હોય છે. જે દાણા એ ખીલડાની પાસે હોય છે, તે પીસાતા નથી, બાકી બધા જ દાણા પીસાય છે. ઘંટીમાં જેમ વચ્ચે ખીલડો રહે છે, એમ સંસારમાં ભગવાન છે. જો તમે ભગવાનની સમીપ પહોંચી જાઓ તો પીસાવું પડતું નથી. જેમ ઘંટીના ખીલડાની પાસે રહેલા દાણા બચી જાય છે, તેમ તમે પણ ભગવાનની પાસે રહેવાથી સંસારથી સુરક્ષિત રહેશો. ખીલડાને છોડીને દાણા ઘંટીમાં કોઈપણ જગ્યાએ જાય તો ઘંટી તો પોતાનું દળવાનું કાર્ય કરશે જ, એ રીતે ભગવાનને છોડીને સંસારમાં રહેવાથી ત્રિવિધ તાપો, અશાંતિ મળવાનાં જ. એમાંથી છૂટી શકાતું નથી. ભગવાને જીવને કચરાનો અને સોનાનો એમ બંનેના ઢગલા બતાવીને સંસારમાં મોકલ્યો છે. જો તમે કચરાના ઢગલામાં જ પડ્યા રહેવા ઇચ્છો તો પછી તેઓ શું કરી શકે? ભગવાન તો કલ્પતરુ છે. તમે તેમની પાસે જે માંગશો તે આપશે. ચોર જ્યારે મા કાલીની પૂજા કરીને વરદાન માંગે છે, ત્યારે શું તે એમ કહે છે કે હું વરદાન નહીં આપું? તે તો માનસપૂજાના ફળસ્વરૂપે ચોર હોય કે સાધુ બન્નેને વરદાન આપે છે. એમણે કર્મની સાથે તેનું ફળ બાંધી રાખેલું છે. ચોર ચોરીનું ફળ મેળવે છે અને સાધુ પોતાની તપસ્યાનું ફળ. હવે તમને સમજાયું ને કે જીવ પોતે પોતાના જ દોષોને લઈને દુ:ખ ભોગવે છે. ભગવાન તો દયામય, કરુણામય ને મંગલમય છે.

પાઠક : સાંભળીએ છીએ કે જીવ માતાના ગર્ભમાં યોગાવસ્થા માં, ભગવાનમાં ચિત્તને એકાગ્ર કરીને રહે છે, શું આ સાચું છે?

ભક્ત : આ વિષયમાં મેં શ્રીરામકૃષ્ણદેવના શ્રીમુખે કંઈ સાંભળ્યું નથી અને આ વિષયમાં એમણે કોઈને ય કંઈ કહ્યું હોય, એવું પણ સાંભળ્યું નથી. તો પણ એમણે મને જ્યાં સુધી સમજ આપી છે, એનાથી હું માનું છું કે આ વાત સાચી છે. એક બીજા મહાત્મા પાસેથી સાંભળ્યું છે, – ‘ગર્ભમાં હતો જ્યારે, ત્યારે હતો યોગી, ધરતીમાં આવ્યો જ્યારે, ત્યારે ખાધી માટી.’ મહાપુરુષોની વાતો વિશ્વાસ મૂકવા જેવી જરૂર હોય છે. જીવ જ્યારે શિશુ અવસ્થામાં હોય છે, ત્યારે તેનામાં યોગ્ય સાધકનાં લક્ષણો જોવા મળે છે. ઘણીવાર બાળકોનાં મુખે જાણે સાક્ષાત્‌ ભગવાનની વાણી ઉચ્ચારાતી હોય છે. ઠાકુર રામકૃષ્ણદેવ પણ કહેતા હતા કે સિદ્ધાવસ્થામાં જીવનો સ્વભાવ બાળક જેવો થઈ જાય છે. સાધુ-ભક્તોની જેમ બાળકના સ્વભાવમાં પણ ખૂબ સરળતા જોવા મળે છે. બાળક સત્ત્વ-રજ અને તમ, આ ત્રણેય ગુણોમાંથી કોઈને ય આધીન રહેતું નથી. બાળકના સ્વભાવમાં આ રીતની સરળતા હોવી એ માતાના ગર્ભમાં તેની યોગીની અવસ્થામાં રહેવાની નિશાની ગણાવી શકાય.

પાઠક : હમણાં આ બધી વાતો રહેવા દો. આપે મારા મનની એક વાત કહી દીધી. હું સાચ્ચે જ શ્રીકૃષ્ણને પ્રેમ કરું છું. એમને ખવડાવવું મને ખૂબ જ ગમે છે. મનોમન જાણું છું કે કૃષ્ણ મારા પોતાના છે. જો તેઓ ક્યારેય મને મળશે તો તેમની પાસે હું મારા મનની જાત જાતની ઇચ્છા પૂરી કરીશ. અત્યાર સુધી મેં એ ભાવને દબાવીને રાખ્યો હતો, પણ આજે એવું કરી શક્યો નહીં. કૃષ્ણ પ્રત્યે પ્રબળ આકર્ષણ છે. મનની ઇચ્છા મનમાં ને મનમાં જ ચુપચાપ પૂરી કરું છું. શું એમને કેવી રીતે પ્રાપ્ત કરવા એ તમે બતાવી શકો છો? આપ કહો છો, રામકૃષ્ણ ભગવાન છે. પણ મને તો રામકૃષ્ણ રૂપ કરતાં કૃષ્ણ રૂપમાં વિશેષ આકર્ષણ છે. હું જાણું છું કે આપને મારી વાત બહુ નહીં ગમે, કેમકે આપ બધા રામકૃષ્ણ પર મુગ્ધ છો, એમને જ સર્વેસર્વા માનો છો. એમની જ લીલાઓ ગાઓ છો, એમનાં જ પૂજા-ઉત્સવો વગેરેમાં મગ્ન રહો છો.

ભક્ત : અરે, અરે, તમે કેવી વાત કરી રહ્યા છો, જાણે અમને કૃષ્ણ-કથા, કૃષ્ણ-રૂપ, કૃષ્ણ-ભક્ત ગમતા ન હોય? તમે કૃષ્ણને પ્રેમ કરો છો, તેના ભક્ત છો, એ તો મારા માટે ખૂબ જ આનંદની વાત છે. તમે કૃષ્ણના પ્રેમી છો એટલે જ તો તમે રામકૃષ્ણનાં દર્શન કરી શક્યા છો. કૃષ્ણ જ છે રામકૃષ્ણ. એમાં ફેર એટલો જ છે કે આ વખતે ખેલનો રંગ બદલી ગયો છે અને તેની સજાવટ પણ એકદમ બદલી ગઈ છે. પરંતુ વાત શું છે, તે તમે જાણો છો? તેઓ જેને જણાવી દે કે બતાવી દે, એ જ જોઈ શકે છે કે એક જ દૂધ ક્યારેક માખણ રૂપે તો ક્યારેક દહીં રૂપે તો ક્યારેક મલાઈ તો ક્યારેક રબડી તો ક્યારેક ઘી એમ જુદાં જુદાં રૂપે દેખાય છે. આ દહીં, માખણ, ઘી, આ બધી દૂધની જ જુદી જુદી સ્થિતિ છે. તફાવત છે તેના રૂપ અને સ્વાદનો. બસ એ જ રીતે ભગવાન કોઈપણ રૂપમાં કોઈપણ રીતે આવે તો પણ તેઓ એ જ એક પરબ્રહ્મ છે.

રામકૃષ્ણદેવ અંતર્યામી છે, તેઓ પ્રત્યેક જીવના હૃદયમાં રહેલા છે. જેમણે એકવાર પણ સરળ હૃદયથી ભગવાનનાં કોઈપણ રૂપ કે ભાવનું ધ્યાન કર્યું છે, એમને રામકૃષ્ણદેવ પાસે આવવું પડ્યું છે. અને આવવું પડશે. રામકૃષ્ણદેવે પણ એકવાર ભાવાવેશમાં કહ્યું હતું : ‘જેમણે એકવાર પણ સરળ હૃદયથી ઈશ્વરનું ધ્યાન કર્યું છે, તેમને અહીં આવવું પડશે.’

પાઠક : જે મનુષ્ય રામકૃષ્ણ-રૂપને છોડીને અન્ય રૂપને ચાહે છે, તેને પોતાની પાસે ખેંચીને રામકૃષ્ણદેવ શું કરશે?

ભક્ત : પહેલાં તો તેઓ ભક્તને તેના ઇચ્છિત રૂપ, ગુણ અને લીલાની વાતો સમૂહમાં કે તેને એકલાને સંભળાવશે. એનાથી શું થાય છે, તે જાણો છો? તેનાથી એ થશે કે તે ભક્તની તેના ઈષ્ટરૂપ પ્રત્યેની વ્યાકુળતા વધી જશે. પછી ઠાકુર જ્યારે જુએ કે ઈશ્વર પ્રત્યેનું તેનું ખેંચાણ ખૂબ વધી ગયું છે, ત્યારે ભક્ત જ્યાં જવા ઇચ્છતો હોય, જે રૂપને જોવા ઇચ્છતો હોય, તેને સાથે રાખીને તેની ઇચ્છા પ્રમાણે તેને તે રૂપનાં દર્શન કરાવી દે છે. તે દરમિયાન તેઓ ભક્તને કોઈપણ રીતે એ જણાવા દેતા નથી કે ભક્તનું જે ઈષ્ટરૂપ છે તે રામકૃષ્ણદેવનું જ પોતાનું એક બીજું રૂપ છે. એવો ખેલ તેઓ શા માટે કરે છે તે જાણો છો? એટલા માટે કે તેઓ કોઈનો ભાવ નષ્ટ કરતા નથી. જે કૃષ્ણને ચાહે છે, તેની પાસે તેઓ ફક્ત કૃષ્ણ-કથા, કૃષ્ણ-ગીતો અને કૃષ્ણલીલાનું માધુર્યનું જ વર્ણન કરે છે. જે કાલીરૂપને ચાહે છે. તેની પાસે તેઓ ફક્ત કાલી-કથા અને શ્યામા સંગીતને જ વર્ણવે છે.

જેઓ નિરાકારવાદી છે, એમની પાસે તેઓ વેદાંતની – બ્રહ્મની વાતો કહે છે. તેઓ સગુણવાદીઓ પાસે સગુણની વાત તો, નિર્ગુણવાદીઓ પાસે નિર્ગુણની વાત કરતા. શ્રીરામકૃષ્ણદેવની ભાવના એ હતી કે ભલે ભગવાનના કોઈપણ રૂપ કે ભાવ પ્રત્યે વ્યક્તિનું ખેંચાણ હોય, એ મહત્ત્વનું નથી, પણ ભગવાન પ્રત્યેનો પ્રેમ જ મુખ્ય વાત છે. મનુષ્ય કોઈપણ ભાવે, કોઈપણ માર્ગે કેમ ન જાય, પણ પહોંચશે તો તે તેમની એકની જ પાસે. ઠાકુર રામકૃષ્ણના સર્વસંમત, બિનસાંપ્રદાયિક, સાર્વભૌમ અને વૈશ્વિક દર્શનના પરિણામે જ એમની પાસે સાકારવાદીઓ, યોગમાર્ગના અનુયાયીઓ, વેદાંતીઓ, દરવેશો, ખ્ર્રિસ્તીઓ, બધા પ્રકારના લોકો આવતા હતા. રસથી છલકતી આ ધરતી જેમ સમસ્ત ફૂલો-ફળોના સર્જક વૃક્ષો-વેલીઓનું પોષણ પોતાના હૃદયમાં ધારણ કરે છે, બરાબર એમ જ આપણા શ્રીરામકૃષ્ણદેવનો દેહ પણ બધા જ પ્રકારના મતો અને પથો પર ચાલનારા લોકો માટે પોષક શક્તિરસ ધારણ કરે છે. એટલા માટે જ શ્રીરામકૃષ્ણનું નામ છે ‘વિવાદભંજન જગદ્‌ગુરુ’. જે કોઈ એમના શરણમાં આવ્યા છે, તેમણે સિદ્ધિ મેળવી છે, એટલું જ નહીં પણ તેમને ઈષ્ટલાભ પણ પ્રાપ્ત થયો છે. જેઓ અન્ય સ્વરૂપનાં દર્શન માટે શ્રીરામકૃષ્ણદેવે બતાવેલા માર્ગે એમની સાથે જાય છે, તેમને તે સમયે આ બધાંની કંઈ જ ખબર પડતી નથી. પણ પાછળથી શ્રીરામકૃષ્ણની કૃપાથી જ્યારે તેની ઇચ્છા પૂરી થાય છે ત્યારે તે આ બધું સમજી શકે છે, અને તેમને ઓળખી જાય છે.

પાઠક : શું સમજી જાય છે ને શું ઓળખી જાય છે?

ભક્ત : તે એ સમજે છે અને એ નજરે જુએ છે કે રામકૃષ્ણદેવે એને જેની પાસે પહોંચાડી દીધો છે, તેઓ જે છે, રામકૃષ્ણદેવ પણ તે જ છે. પણ હા, આકારમાં, ભાવમાં, તફાવત છે. ભાવમાં તફાવત કેવો તે તમે જાણો છો? ક્યાંક ઈશ્વર તત્ત્વની જાગૃતિ હોય, ક્યાંક એ ન પણ હોય. જેમકે તમારો કૃષ્ણ પ્રત્યે સખાભાવ છે. શું કનૈયો તમને મળે તો તમે તેને પ્રણામ કરશો? શું તમે તેનાં ચરણ પાસે હાથ જોડીને બેસી રહેશો? ના. તમે તો તમારા મિત્ર સાથે જેવો વ્યવહાર કરો છો, તેની સાથે ખાઓ છો, તેની સાથે બેસો છો, બરાબર કૃષ્ણ સાથે પણ તમે એવું જ કરશો. પરંતુ રામકૃષ્ણદેવ પ્રત્યે ગુરુભાવ કે ભગવાનનો ભાવ પ્રબળ રહેશે. જોકે અહીં તમે બરાબર જાણી લો છો કે બંને એક જ તત્ત્વ છે. તો પણ આકાર, રૂપ અને ભાવની ભિન્નતાને કારણે આ તફાવત છે.

પાઠક : બધાં રૂપોમાં શું એ જ એક તત્ત્વ છે, તે જ ભગવાન છે? કાલી, કૃષ્ણ, રામ, શિવ, રાધા, સીતા વગેરે જેટલાં આકાર અને સ્વરૂપો છે તે બધાં શું તે એક જ ભગવાનનાં છે? પછી સાકારમાં જે તત્ત્વ છે શું એ જ નિરાકારમાં પણ છે?

ભક્ત : નહીં તો બીજું શું?

પાઠક : જો એમ છે તો પછી આ બધાં આકારો અને સ્વરૂપોમાં તે જ એક ભગવાન જુદા જુદા ભક્તોની કામના પૂરી કરવા માટે હંમેશા આ જુદાં જુદાં સ્વરૂપોમાં કેવી રીતે રહેલા છે? ધારો કે, અમારા થિયેટરમાં દરેક અભિનેતા બે-બે, ત્રણ-ત્રણ, પાત્રો ભજવે છે. એક પાત્ર ભજવવા માટે તેણે રાજાનો વેષ ધારણ કરવો પડે છે. પછી બીજા પાત્ર માટે તેણે કોટવાળ બનવું પડે છે, અને ત્રીજા પાત્રમાં તે કેદી બને છે. પણ જો એક જ જગ્યાએ રાજા, નગરનો કોટવાળ અને કેદીની હાજરી જરૂરી હોય તો એ સ્થિતિમાં શું એક જ વ્યક્તિ માટે આ ત્રણ રૂપ ધારણ કરવાનું શક્ય બને ખરું? એક જ વ્યક્તિ વારંવાર જુદાં જુદાં પાત્રોનો અલગ અલગ વેષ ધારણ કરી શકે છે. પણ એક જ સમયે તે પોતાનું એક પાત્ર છોડીને બીજું પાત્ર તાત્કાલિક બની શકતો નથી.

ભક્ત : તમારો કહેવાનો અર્થ હું સમજી ગયો. પણ જો એક જ ભગવાન વિવિધ સ્વરૂપો અને વિવિધ આકારોમાં બધી જગ્યાએ હંમેશા સમાન રૂપે હાજર રહેવા સમર્થ ન હોય તો પછી એ ભગવાન શાના? ભગવાનને માટે અનંત વિશેષણ વાપરવામાં આવે છે, એનો અર્થ શું છે તે જાણો છો? – તેઓ અનંત રૂપે – એક પ્રકારથી નહીં પણ અનંત પ્રકારથી અનંત છે. ભગવાન માટે બધું જ શક્ય છે. ખરેખર ભગવાન શું છે, તેની ભગવાન સિવાય બીજા કોને ખબર છે? અથવા તો બીજું કોણ એમને જાણી શકે? તમે તો તેમનાં માત્ર આઠ-દશ સ્વરૂપોની જ વાત કરો છો, મેં તો રામકૃષ્ણદેવની પાસેથી તે એક ભગવાનના એક એક સ્વરૂપમાં અનંતની કથા સાંભળી છે.

એક દિવસ રામકૃષ્ણદેવે અનંત શું છે, તેની ઝાંખી કરાવવા ભક્તોની વચ્ચે કહ્યું : ‘ત્યાં જવાના રસ્તાની બંને બાજુએ પુષ્પોનાં ગુચ્છો ઝૂલી રહ્યા છે. એક બાજુ એક એક ગુચ્છામાં રામ ઝૂલી રહ્યા છે. બીજી બાજુ એક એક ગુચ્છામાં કૃષ્ણ ઝૂલી રહ્યા છે. વળી કૃષ્ણના અને રામના એકેક ગુચ્છામાં એટલા કૃષ્ણ ને રામ છે કે જેની ગણતરી જ થઈ ન શકે. આ ગુચ્છાઓ પણ પાછા અગણિત એક ગુચ્છાના એક કૃષ્ણે વૃંદાવનમાં આવીને લીલા કરી હતી. એક ગુચ્છાના એક રામે અયોધ્યામાં જન્મ લીધો હતો. એકેક સ્વરૂપ અલગ અલગ હોવા છતાં પણ અનંત હોઈને તેમનામાં દરેકમાં પૂર્ણ બ્રહ્મ વિરાજમાન છે. જે રીતે ભગવાન એકાધારમાં અનંત છે, એમ જ તેઓ અનંત આધારમાં પણ અનંત છે. આપણે તો શૂદ્ર જીવ છીએ, એટલે આપણો આધાર પણ તે પ્રમાણે શૂદ્ર છે. આથી એ અનંતના ભાવને હું કેવી રીતે સમજાવી શકું? એટલા માટે જ શ્રીરામકૃષ્ણદેવ કહેતા હતા, ‘એક શેરના લોટામાં શું પાંચ શેર દૂધ સમાય?’

(ક્રમશ:)

Total Views: 78

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.