અહીં હું એક વાત કહેવા ઇચ્છું છું. તે એ કે દરેક વિષયનું એકે એક ચિત્ર હોય છે. જે ઘટના તમે સાંભળી, તેનું ચિત્ર તમે એકવાર આંખો બંધ કરીને જુઓ તો ખરા! જો તમે એ ચિત્ર જોઈ શકો તો તમને ખબર પડશે કે ઠાકુરની કૃપાથી મહાવિરોધિની ભયાનક અવિદ્યામાયાના અંધકારનું આવરણ ક્ષણમાત્રમાં કઈ રીતે દૂર થઈ જતું હતું. જન્મોજન્મની કઠોર તપશ્ચર્યાથી પણ જેની પ્રાપ્તિ જીવનમાં થઈ શકતી નથી, એ કરતાં પણ દુર્લભ વસ્તુ ઠાકુરનાં દર્શન અને સ્પર્શથી પ્રાપ્ત થઈ જતી હતી. ઠાકુરની કરુણાની કોઈ સીમા નહોતી. સંશયરૂપી અંધકારને લઈને જ થોડા સમય પહેલાં જે પંડિતો અહંકારને લઈને વિદ્યાભિમાનથી જે મસ્તકો ઊંચુ કરીને બેઠા હતા, તે મસ્તકો પ્રભુના સ્પર્શથી ભૂમિ સુધી ઝૂકી ગયાં! એનો અર્થ એ કે તર્ક કરતી વખતે જે તત્ત્વ તર્ક કરનારાઓની આંખો સમક્ષ દેખાતું નહોતું તે હવે ઠાકુરના સ્પર્શથી, પ્રકાશમાં જેમ વસ્તુઓ સ્પષ્ટ રૂપે દેખાય તે રીતે દેખાવા લાગ્યું. દયાના સાગર કલ્પતરુ ભગવાને તેમને ચૈતન્ય પ્રદાન કરીને અંધકારને દૂર કરી દીધો અને સત્ય તત્ત્વની પ્રત્યક્ષ અનુભૂતિ કરવાની શક્તિ આપી.

હજુ એક વાત છે, આ સંશય જ જગતના સઘળા મનુષ્યોની આંખો પર પાટા બાંધીને ઘાણીના બળદની જેમ સંસારરૂપી કર્મક્ષેત્રમાં તેમને ગોળ ગોળ ઘૂમાવી રહ્યો છે. સાધના દ્વારા આ અંધકાર દૂર જરૂર થાય છે, પણ જન્મોજન્મની કઠોર સાધના પછી એ સ્થિતિ પ્રાપ્ત થાય છે. પણ રામકૃષ્ણદેવની શક્તિ તો જુઓ! સાધના દ્વારા અંધકારનો નાશ અને પ્રભુની કૃપાથી થતો અંધકારનો નાશ – આ બંનેમાં કેટલો તફાવત છે, એ તમે જાણો છો? જેમકે ભિક્ષા માગીને નિર્વાહ કરતાં કરતાં પગે ચાલીને વૃંદાવન જવું અને ભોજન, વાટખર્ચીની વ્યવસ્થા કરીને ટિકિટ મેળવીને રેલગાડીમાં વૃંદાવન જવું! એક બીજી ઉપમા છે – કૂવો ખોદીને પાણી પીવું અને સ્વચ્છ તળાવડીમાંથી પાણી પીવું. જેમના સ્પર્શ માત્રથી મનુષ્યને ચૈતન્યની પ્રાપ્તિ થાય છે, તેઓ કોણ છે, એ વાત શું માનવબુદ્ધિ જાણી શકે? ભાઈ, એકવાર મન-પ્રાણ ભરીને બોલો ‘જય રામકૃષ્ણ’. મનુષ્ય ભલે શાસ્ત્રજ્ઞ હોય પણ ચૈતન્યની પ્રાપ્તિ વગર તે પશુ કરતાં જરાક જ ઊંચો છે. અચૈતન્યમાં ચૈતન્યનો સંચાર કરવો અને પથ્થરમાં પ્રાણનો સંચાર કરવો – આ બંનેમાં કોઈ તફાવત નથી. રામના રૂપમાં ભગવાને એક જ પાષાણ પ્રતિમાને માનવીનું રૂપ પુન: આપ્યું હતું. આ વખતે તેમણે રામકૃષ્ણરૂપમાં દયાર્દ્ર બનીને સેંકડો પાષાણ હૃદયવાળાઓને ચૈતન્યમય બનાવીને અપાર મહિમા પ્રગટ કર્યો. ચૈતન્યની પ્રાપ્તિ થતાં મનુષ્યની ચેતનામાં કેવું પરિવર્તન આવે છે, તે શબ્દોમાં કહી શકાતું નથી. એટલા માટે જ તો હું તમને વારંવાર કહું છું કે રામકૃષ્ણની લીલા, કહેવાની કે સાંભળવાની વાત નથી, એ તો પ્રત્યક્ષ જોવાની વાત છે, અનુભૂતિની વાત છે.

પાઠક : ચૈતન્ય જ્યારે થાય છે તો તે કેવા પ્રકારનું હોય છે! આપ એ વિષે જેટલું જણાવી શકો તે કહો.

ભક્ત : ચૈતન્યની પ્રાપ્તિ કરવી કે મહામાયાની કૃપા પ્રાપ્ત કરવી બંને એક જ વસ્તુ છે. જુઓ, જેણે કોઈ દિવસ થિયેટર જોયું નથી, એવો ગામડા ગામનો સાદો-સીધો ખેડૂત જો તમને પૂછે કે ‘ભાઈ, થિયેટરમાં શું બતાવવામાં આવે છે? ત્યાં શું હોય છે?’ તો તમે તેને શું બતાવશો અને કેવી રીતે સમજાવશો? અહીં પણ એવી જ વાત છે.’ આ સૃષ્ટિ માનું નાટ્યગૃહ છે. આ જગતની અંદર એક બીજું જગત પણ રહેલું છે. તેનું નામ છે, અન્તર્જગત. બાહ્યજગત જાણે અંતર્જગતની યાદી જેવું છે. મા લીલામયી છે – આ બે જગતમાં તે જે લીલા કરે છે, એનું નામ છે : ‘અવાક્‌-લીલા’. જેવી રીતે તમારા થિયેટરમાં અંદર આવવા માટે ટિકિટ કે ફ્રી પાસની જરૂર પડે છે, એ રીતે બાહ્યજગતમાંથી અંતર્જગતમાં જવા માટેનો એકમાત્ર ઉપાય છે, માની પ્રસન્નતા અથવા તો ચૈતન્યની પ્રાપ્તિ. ચૈતન્યની પ્રાપ્તિ પછી આ બાહ્યજગતને જોવાની દૃષ્ટિ જ બદલાઈ જાય છે. ભલે અચૈતન્ય અવસ્થાનું બાહ્યજગત અને ચૈતન્ય અવસ્થાનું બાહ્યજગત એક જ છે, તો પણ ચૈતન્ય અવસ્થામાં તમે જોશો કે જગતનું પહેલાનું સ્વરૂપ રંગ-રૂપ બધું જ એકદમ જુદું જ થઈ ગયું છે. ચૈતન્યાવસ્થામાં આંખો ખોલીને નહીં, પણ આંખો બંધ કરીને જોવાનું હોય છે. ત્યારે પ્રકાશ અને અંધકાર એક જેવાં લાગે છે. ત્યારે આ દેખાતાં ચર્મચક્ષુઓ માત્ર નામનાં જ બની જાય છે. ત્યારે જોવા માટે એક બીજી જ આંખની જરૂર પડે છે. તે આંખથી અવાક્‌-લીલાને જોઈ શકાય છે. અવાક્‌-લીલાના એક-બે ખેલ કહું છું, સાંભળો – તમે તો સાડાત્રણ ગજના હાડ-માંસના બનેલા મનુષ્ય જ છો. તમે એમ માનો છો કે આ શરીર એ જ ‘હું’ છું. પણ હકીકત એવી નથી – તમે શરીરથી જુદા છો. એટલે કે તમે અને શરીર બંને અલગ અલગ છે. આ શરીરની અંદર એક મન છે. આ મન દિવસ-રાત સંકલ્પ-વિકલ્પ કર્યા કરે છે. તે મન ક્યારેક તો બે બનીને અંદરોઅંદર ઝગડો પણ કરે છે. આ ઝગડાને શમાવવા માટે કોઈ બીજું આ વિવાદના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. એ ઉપરાંત પણ આ શરીરમાં બુદ્ધિ, અહંકાર, જીવાત્મા, પરમાત્મા, કામ-ક્રોધ વગેરે ષડ્‌રિપુ પણ રહેલાં છે, જેઓ કાર્યરત છે. આ બધી બાબતો અંગે ઘણા સમય પહેલાં મેં તમને વાત કરી હતી. આ બધી ‘અવાક્‌-લીલા’ શરીરમાં રાતદિવસ થતી રહે છે. તેના કેટલાય ખેલ થતા રહે છે, પણ મનુષ્યને એની કશી જ ખબર હોતી નથી.

આ સિવાય પણ બીજી કેટલીયે એવી વસ્તુઓ શરીરમાં રહેલી છે, જેના વિષે વાણીથી કહી શકાતું નથી. એને શું તમે જોઈ શકો કે સમજી શકો? કઠપૂતળીવાળો પોતાની કુશળતાથી જે રીતે કઠપૂતળીઓને નચાવે છે, એ જ રીતે મા રંગમયી મનુષ્યોના શરીરમાં જુદી જુદી વસ્તુઓ મૂકીને બધા જ દેહધારીઓને પોતાની ઇચ્છા અનુસાર નચાવી રહે છે. દેહધારીઓની અંદર રહીને તે સૃષ્ટિનો સઘળો ખેલ ખેલી રહી છે, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે તે પોતાની અભિનયની કુશળતાથી મનુષ્યોને પોતાના વિષે કંઈ જ જાણવા દેતી નથી. પરંતુ મા, જેના ઉપર પ્રસન્ન થઈને ચૈતન્ય આપે તે આ સઘળો ખેલ જોઈ શકે છે.

‘અવાક્‌-લીલા’ એ છે કે આ સૃષ્ટિના પ્રત્યેક શરીરમાં એક-એક ‘હું’ રહેલો છે અને અહંકારને લઈને પ્રત્યેકમાં થતાં ‘હું-હું’ના અવાજથી આકાશ ફાટી રહ્યું છે. પરંતુ ખરેખર તો આટલા લાખો-કરોડો ‘હું’ છે જ નહીં. આ બધા ‘હું’ની જગ્યાએ જે છે, તે માની કૃપા વગર જોઈ શકાતું નથી.

મનુષ્ય કહે છે કે તે ઘણાં બધાં લોકોને ઓળખે છે એટલે કે તે તેઓને જાણે છે. પણ ખરેખર તો તે નથી કોઈને જાણતો કે નથી કોઈને ઓળખતો. ત્યાં સુધી કે તે પોતાની માતા, સ્ત્રી, પરિવાર વગેરેને પણ ઓળખતો નથી. અરે તે પોતે પોતાને પણ જાણતો નથી. તે એ પણ જાણતો નથી કે તે કોણ છે, ક્યાંથી આવ્યો છે, ક્યાં રહે છે, ક્યાં જશે અને શું કરશે? મા લીલામયીની કૃપાને પરિણામે જો તેને ચૈતન્ય પ્રાપ્ત થાય તો જ તે આ જાણી શકે, એ સિવાય તેના માટે જાણવાનો બીજો કોઈ ઉપાય જ નથી.

આ જીવ-જગતમાં તમે જ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ વગેરેના લાખો-કરોડો પ્રકારો જુઓ છો, તે બધા જાણે રસોઈ માટેની એક જ ભઠ્ઠીમાં બનેલા છે. એમની વચ્ચે કોઈ નાનું-મોટું કે સારું-ખરાબ નથી. આ વિશાળ સૃષ્ટિની અંદર જે છે, તે જ એક એક શરીરમાં પણ રહેલા છે. રૂપ અને ગુણના પરિવર્તન સિવાય કોઈનો ય નાશ નથી. બધું જ એ ચૈતન્યમય છે એ સિવાય બીજું કંઈ જ જણાતું નથી.

હવે જાણી લો કે ચૈતન્ય શું છે, આ દેવ-દુર્લભ ચૈતન્ય રામકૃષ્ણદેવની કરુણામય દૃષ્ટિથી મનુષ્યના શરીરમાં પ્રગટતું હતું. આ ચૈતન્ય જ છે ભવસાગરને પાર કરવાની એક માત્ર નૌકા અને તેના એકમાત્ર નાવિક છે શ્રીરામકૃષ્ણદેવ.

ઠાકુર અજ્ઞાની મનુષ્યોને પોતાની આ અપાર કરુણા અને મહાશક્તિનો પરિચય કરાવવા માટે ઘણીવાર ભાવાવેશમાં કહેતા, ઝેરી નાગ ડંખ મારે તો પછી માણસ ઝાઝી ચીસ પાડી શકતો નથી. એક કે બે, બહુ બહુ તો ત્રીજી રાડમાં જ ખતમ થઈ જાય છે. એનો અર્થ શું છે, તે જાણો છો? કેટલાક સાપના મોઢામાં કાતિલ ઝેર હોય છે જેવા કે કોબ્રા, ફણીધર, ડોમી વગેરે. કેટલાક સાપ એવા હોય છે કે જેમાં ઝેર નથી હોતું. જેવા કે અસઢિયા, મટિયા વગેરે. જે સાપોમાં ઝેર નથી હતું તેઓ જો દેડકાંને પણ પકડે તો દેડકો પણ લાંબા સમય સુધી ડ્રાઉં ડ્રાઉં કરતો રહે છે. પણ જો ઝેરી નાગ દેડકાને પકડે તો તે વધારે વાર ડ્રાઉં ડ્રાઉં નથી કરતો કેમકે ઝેરને લઈને તે તુરત જ મરી જાય છે ને સાપ તેને ગળી જાય છે.

આ ઉપમા આપીને ઠાકુર પોતાનો પરિચય આપતાં કહે છે : હું એવી જાતિનો છું કે હું જેને સ્પર્શું તેને વધારે તર્ક-વિતર્ક કરવો નહીં પડે. એનું કામ તુરત જ સમાપ્ત થઈ જશે.

ઠાકુર ક્યારેક ક્યારેક વળી કહેતા કે જ્યારે લીલા રંગનું મોટું પતંગિયું કાબરચીતરા નાના જીવડાંને પકડે છે, ત્યારે એનો રંગ પણ લીલો થઈ જાય છે, એનો અર્થ એ કે હું (ઠાકુર) જેને પકડીશ, તેનો રંગ મારા જેવો થઈ જશે. એમણે ગિરીશબાબુને કહ્યું હતું : હમણાં ખાઈ-પીને મોજ કરી લે. પછી પાછી એ નહીં થાય.’

ભક્ત : ઠાકુરના કેટલાય શ્રીમંત, સન્માનનીય, ગુણવાન ભક્તોએ પણ પહેલાં એટલે કે ઠાકુરનાં દર્શન કર્યાં પહેલાં, ફક્ત એમનું નામ સાંભળીને કહ્યું હતું, આ જિંદગીમાં અમે કેટલાય હંસો જોઈ લીધા! જો ક્યારેય પણ દક્ષિણેશ્વર જવાનું થયું તો એમના કાન ખેંચીશ. તો બીજાએ વળી કહ્યું હતું કે બે વાત કહીશને તો તેઓ મૂંગા બની જશે. ગિરીશબાબુએ પણ ઠાકુરનાં પ્રથમ દર્શન વખતે કહ્યું હતું; આ ઓગણીસમી સદીમાં કેટલાય મોટાંઓને જોઈ લીધા. પરંતુ ઠાકુરની મોહિનીશક્તિ કેવી છે! એમના સરળ, શિશુવત્‌, સ્વભાવ અને પરમ આનંદમય સ્વરૂપનું એકાદ-બેવાર દર્શન કરવાથી જ ગમે તેવો અભિમાની ભક્ત હોય તો તે પણ આ જનમમાં તો એમનાં ચરણોમાં વેચાઈ જ જાય છે. એમની પહેલાંની તર્કશક્તિ, વિચારકબુદ્ધિ અને અભિમાન રામકૃષ્ણ રૂપી સાગરમાં ક્યાંય ડૂબી જાય છે કે પછી તેનું નામ નિશાન રહેતું નથી. ઠાકુર તો છે રૂપ-સૌંદર્યનું મૂર્તિમંત સ્વરૂપ. એકવાર તેમને જોયા પછી બચવાનો કોઈ રસ્તો નથી. અરૂપ દ્વારા રૂપની આવી અનુપમ સૃષ્ટિ કોઈએ ક્યારેય જોઈ જ નથી. ફક્ત એમના રૂપમાં જ આવી મોહિનીશક્તિ છે, એવું નથી એમના ગુણોમાં પણ એવી જ મોહિનીશક્તિ છે. એમનું રૂપ જુઓ તો કાન સુધી ખેંચાયેલાં બે સુંદર નયનો! અને એ નયનોમાં કેવું જબરદસ્ત આકર્ષણ કે તે જેમના તરફ ફરે તેમને બચવાનો કોઈ ઉપાય નથી.

મન પંખેરું ચકમા દેકર નહીં ભાગ સકતા હૈ
જબ કોઈ સાધે તીર, જો બીંધે બિના ન રહ સકતા હૈ

ધનુ શરસે તો મારે, કિન્તુ કૃપામયી નયનતીર કહે પ્રાણકા દાન
નહીં હૈ આકા જાએ બાંકે નયનોંકા સન્ધાન.

તેજસ્વી લલાટ, થોડી લાલાશવાળા, પાકેલાં બિંબફળ જેવા ઓષ્ટદ્વય, અનુપમ મુખમંડળ કે જેના પર જાણે કાિંલદીના સ્વચ્છ જલ પર મંદ પવનની લહેરોથી ઊઠતા તરંગોની જેમ મૃદુ હાસ્ય રમી રહ્યું છે, જાણે કે તેના ઉપર ચંદ્રનાં શીતળ કિરણો જડી દીધા હોય એવું એ સુંદર હાસ્ય છે. સુગઠિત ગ્રીવા, મુરલીના નાદ જેવો મધુર સ્વર, વિશાળ વક્ષસ્થળ, આજાનબાહુ, સુંદર ચરણો, કમળથી પણ કોમળ ચરણતલ અને પારસમણિ સમો સ્પર્શ – આ સર્વગુણો એમનાં શ્રીઅંગોમાં પૂરેપૂરા ભરેલા છે. તેમનામાં દયાનો ગુણ તો રૂપિયામાં વીસ આના છે! પાછા તેઓ છુટ્ટે હાથે દયાનું દાન કરતા જ રહે છે. તલની જગ્યાએ તાડનું દાન કરે છે. આથી દર્શકો આનંદિત બની જાય છે. એટલા માટે કોઈનેય એ જોવાનો સમય જ નથી મળતો કે શ્રીઆધારમાં કેટલું શું છે. એમની લીલા ખૂબ જ ગહન છે. પાતાળ પણ પોતાનું તળિયું શોધી શકતું નથી. બહારનું ઐશ્વર્ય તો રજમાત્ર નથી. પરંતુ એમનું આંતરિક ઐશ્વર્ય એ એવું છે કે તેમાં કોટિ-કોટિ વિશ્વો સમાઈ જાય છે. એટલા માટે રામકૃષ્ણ-લીલા મુખથી કહી શકાતી નથી. આ લીલા સાંભળવાની નથી, પણ જોવાની છે. જે દેખાય છે, તેને કંઈ શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. ઠાકુર જે રીતે ગુપ્ત અવતાર છે, તેમ તેમની લીલા પણ એવી જ છે. અદ્‌ભુત ખેલ છે, તેઓ પૂરેપૂરા વ્યક્ત હોવા છતાં સંપૂર્ણપણે ગુપ્ત. જેઓ અત્યંત સરળ હોય છે, એમને સમજવા એટલા જ મુશ્કેલ હોય છે. અતિ સરલતામાં અત્યંત જટિલતા હોય છે. એ જ રીતે વ્યક્ત-અવતારમાં ગુપ્ત-અવતારનો ભાવ છૂપાયેલો હોય છે. જ્યાં સુધી તે તત્ત્વ પ્રગટ થતું નથી, ત્યાં સુધી એક જ વસ્તુના વિપરિત ભાવોનો ખેલ સમજી શકાતો નથી.

પાઠક : બરાબર છે. મહાશય, આ વાતો સાંભળવામાં ખૂબ સારી લાગે છે. પરંતુ કંઈ સમજાતું નથી. બહારનું ઐશ્વર્ય અને અંદરનું ઐશ્વર્ય શું છે? વ્યક્ત હોવા છતાંય ગુપ્ત, સરલ અને સીધા હોવા છતાં પણ જટિલ – આ તે કેવી વિચિત્રતા છે!

ભક્ત : ઈશ્વરની લીલાનાં તત્ત્વોને એટલી બધી ખુલ્લી રીતે બતાવી શકાતાં નથી. ઈંગિતો દ્વારા જ સમજવાનું રહે છે. આંખ, નાક અને શરીરની ચેષ્ટાઓથી જે રીતે બતાવી શકાય છે, તેવું વાણીથી શક્ય નથી. હું બધો જ વખત તમને કહેતો રહ્યો છું કે હું મૂર્ખ છું. મારી પાસે નથી ભાષા જ્ઞાન, નથી શાસ્ત્ર અધ્યયન, નથી તીર્થ પર્યટનની અનુભૂતિઓ. અરે, સાધન-ભજન પણ મેં કર્યાં નથી. મારાં બળ-બુદ્ધિ, આશા-વિશ્વાસ બધું જ શ્રીરામકૃષ્ણ જ છે. તેઓ જેવું બતાવે છે, જે આપે છે, તેને હું કોઈપણ રીતે પ્રયત્ન કરીને તમને બતાવી રહ્યો છું. તમને આપી રહ્યો છું. બાહ્ય ઐશ્વર્ય કોને કહે છે, તે તમે જાણો છો? જે ઐશ્વર્યની શક્તિથી પથ્થર મનુષ્ય બની ગયો. લાકડાની નૌકા સોનાની બની ગઈ, વિરાટ શિવધનુષ્ય બાળકના હાથે તૂટી ગયું. ભયાનક રાક્ષસી તાડકાનો વધ થયો. ભારે પથ્થરો પાણી ઉપર તરવા લાગ્યા. ટચલી આંગળીથી પર્વત ઉપાડાઈ ગયો, દૂધ પીતા બાળકે રાક્ષસીના પ્રાણ હરી લીધા. બંસીનો નાદ સાંભળીને યમુના ઊલટી વહેવા લાગી. જોતાં જોતાં જ કૃષ્ણ તો કાલી બની ગયા. ચતુર્મુખ બ્રહ્મા ભ્રમમાં પડી ગયા, હાથેથી મસ્તક કપાઈ ગયું. ત્રણ ડગલાંમાં ત્રણેય ભુવનો માપી લીધાં. દાંતો પર પૃથ્વીને ઊંચકી લેવામાં આવી. વગેરે વગેરે. આ બધાં જ ખેલ છે, બાહ્યઐશ્વર્યનો. આ ખેલ રામકૃષ્ણ-લીલાનો વિષય હોવા છતાં પણ તેનો વિષય નથી. અહીં તો શુદ્ધ સત્ત્વનો ખેલ છે. જેની શક્તિથી એક શબ્દમાં જ અંતરમાં ચિરકાળથી સૂતેલી કુંડલિની જાગી ઊઠી. ભીતરનું અકથ્ય દ્વાર ખુલી ગયું. વસ્તુઓમાં સદાય રહેલી આસક્તિ, નિર્મૂલ થઈ ગઈ. જેઓ પોતાના હતા, તેઓ પારકા થઈ ગયા અને પારકા પોતાના થઈ ગયા. મનની ગતિ બદલાઈ ગઈ. કોટિ કોટિ જન્મો જેને પાર કરતાં લાગે એ રસ્તો એક ક્ષણમાં પાર થઈ ગયો. ઈંદ્રિયોને પણ એક નવો આહાર મળી ગયો. જગત નવીન બની ગયું. દેહ આત્માથી અલગ થઈ ગયો. હાડપિંજરમાં પ્રાણ પૂરાયો. વેદ-પુરાણોનું જ્ઞાન પોતાની અંદરથી સહજપણે વહેતું થયું. અનંત અનંત વસ્તુઓ એકત્વમાં મળીને વિલીન થઈ ગઈ. એક જ તત્ત્વ અનંત રૂપોમાં, વર્ણોમાં, ગંધો, રસો અને શબ્દોમાં વિભાજિત થઈ ગયું. સારુને ખરાબ બંને એક જ બિછાના પર સૂઈ ગયાં. જે ભગવાનના દ્વારની અંદર જતાં ઈંદ્ર, ચંદ્ર, પવન, વરુણ, યમ વગેરે ભયથી ધ્રૂજતા હતા, તે જ ભગવાન હવે પોતાનાથી પણ વધુ પોતાના થઈ ગયા – આ બધું શ્રીરામકૃષ્ણદેવના ખેલને પરિણામે છે. બાહ્ય ઐશ્વર્યનું કાર્ય ઈંદ્રિયો સમજી શકે છે, એટલે તેની પ્રશંસા થઈ શકે છે. પરંતુ આંતરિક ઐશ્વર્યનું કાર્ય ઈંદ્રિયોનો વિષય હોવા છતાં પણ તેની સમજની બહાર છે, એટલે કહું છું કે રામકૃષ્ણલીલા એ કહેવાની વસ્તુ નથી એ ફક્ત જોવાની છે. જે રામકૃષ્ણ લીલાને એક-એક કરીને જુએ છે, એના મુખમાંથી ભલા શબ્દો કેવી રીતે નીકળે? જરા વિચારો તો ખરા કે જેને વાણીથી વ્યક્ત કરી શકાય નહીં, એને શું બોલીને બતાવી શકાય? કે કોઈને સમજાવી શકાય?

બીજી વાત; રામકૃષ્ણદેવ વ્યક્ત હોવા છતાં પણ ગુપ્ત અને અત્યંત સરળ હોવા છતાં પણ અત્યંત જટિલ પણ છે. – આ કેવી રીતે તે ધીર-સ્થિર થઈને સાંભળો. રામકૃષ્ણદેવનું જન્મસ્થાન એવું હતું કે, તેમના જન્મ પહેલાં સામાન્ય મનુષ્યોને એની કોઈ જ જાણકારી નહોતી. એમના પિતા જ્યાં રહેતા હતા, એ પુણ્યભૂમિ પર જ્યાં ઠાકુરનો જન્મ થયો તે સ્થળ ગામના ભદ્ર લોકોનાં આવાસોની મધ્યમાં હતું. ગામના છેવાડાના ભાગે ચમાર, વણકર, ભંગી વગેરે રહેતા હતા, જેને હિંદુઓ અછૂત માનતા હતા. હલકી જાતિના માનતા હતા.

બાજુમાં જ હતું સ્મશાન ને જાતજાતનાં વૃક્ષોવાળું ભેંકાર મેદાન, જ્યાં મડદાનાં માંસ ખાનારાં ગીધ, કૂતરાં અને શિયાળવાં રહેતાં હતાં. તેની પાસે જ હતી એક ઊંડી ખાઈ કે જ્યાં સાંજ પડ્યે એકલાં જવાની કોઈની હિંમત થતી નહીં. એમના પિતા કંઈ શ્રીમંત નહોતા. સંપત્તિમાં હતી માત્ર સાત વીઘા જમીન. ગરીબીની સીમા સુધી હોવા છતાં તેઓ કંઈ ગરીબ નહોતા. ઓસરીની અંદરની બાજુએ રહેવાનો એક ઓરડો હતો. પૈસા તો હતા નહીં, એટલે લાકડાંની જગ્યાએ વાંસનો ઉપયોગ કર્યો હતો. નાનકડી ઝૂંપડી જેવી એક પૂજાની ઓરડી ને એક રસોડું અને એક ધાન ખાંડવા માટેની કોઢ, જગ્યાના અભાવે આ ધાન ખાંડવા માટેનું જે નાનકડું છાપરું હતું, ત્યાં જ પ્રભુનો જન્મ થયો. જન્મ પછીની સંભાળ લુહાર પરિવારની દુ:ખી વિધવા ધનીએ લીધી. બાજુમાં જ પૈસાદાર લોકોનું ઘર હતું. એનો પરિવાર ઘણો મોટો હતો. ઘરમાં ઘણાં છોકરા-છોકરીઓ હતાં, તો પણ થોડા મોટા થતાં શ્રીરામકૃષ્ણ એ લોકોનાં બાળકો સાથે એટલાં હળ્યા-ભળ્યાં નહીં જેટલાં ગરીબ, દુ:ખી એવાં નાના લોકોનાં બાળકોની સાથે ભળ્યા હતા. આવાં બાળકોની સાથે તેઓ મોટાભાગનો સમય ગાળતા, તેમની સાથે રમતા, તેમની સાથે ગાયો ચરાવતા, લખવા-વાંચવાનું તો નામ નહીં. થોડા મોટા થતાં સગા-સંબંધીઓના દબાણથી તેઓ પાઠશાળામાં ગયા ખરા, પણ લખવા-વાંચવામાં જરાય મન લાગતું નહોતું. ઘણી મુશ્કેલીથી બારાખડીનો પરિચય થયો. તાડપત્રી પર ભગવાનનું નામ લખતાં શીખ્યા. પણ અહીં જ ભણતર પૂરું કરી દીધું! યૌવનના પ્રારંભમાં મંદિરના પૂજારી પદે નીમાયા. આ મંદિર શુદ્રનું હતું. આ મંદિરમાં કોઈ ઉચ્ચજાતિના લોકો પ્રસાદ લેતા નહીં. મંદિરના માલિક સુવિખ્યાત રાણી રાસમણિ હતી. મા-ભવતારિણી અને રાધાકાન્તનાં મંદિરો તેણે બંધાવ્યા હતાં. આ મંદિરમાં નિત્ય ભોગ-રાગની વ્યવસ્થા માટે તેમણે વિપુલ ધન રાશીનો પ્રબંધ કર્યો હતો. એવું સાંભળ્યું છે કે પ્રસાદ લેનારા લોકો ન હોવાથી પ્રસાદ ગંગામાં પધરાવી દેવામાં આવતો હતો. શુદ્ર દ્વારા નિર્મિત ભગવાનનો પ્રસાદ એમ કહીને ભલે લોકો તેનો સ્વીકાર કરતા નહોતા, એવા મંદિરના પૂજારી તરીકે શ્રીરામકૃષ્ણદેવની નિમણૂંક થઈ. તેઓ બીજા પૂજારીઓની જેમ વિધિપૂર્વક પૂજા કરી શકતા નહીં. તેઓ તો ઉત્કટ પ્રેમભાવે દેવી-દેવતાઓની સેવા-પૂજા કરતા અને તેમને વસ્ત્રાભૂષણો પહેરાવતા. સામાન્ય મનુષ્યોની પ્રકૃતિ કરતાં રામકૃષ્ણની પ્રકૃતિ તદ્દન જુદી જ હતી, તેથી નિયમ પ્રમાણે વર્તતા લોકોની નજરે તેઓ પાગલ ગણાવા લાગ્યા. તેથી તેમના મોટાભાઈ રામેશ્વર તેમને પોતાને વતન કામારપુકુર લઈ ગયા અને તેમના લગ્ન કરી દીધાં. જેમની કન્યા સાથે તેમનાં લગ્ન થયાં, તેઓ પણ પૂજા-અનુષ્ઠાન, કરનારા બ્રાહ્મણ હતા. તેઓ પણ ઘણાં ગરીબ હતા. તેમને પાંચ-છ માણસોનું ભરણ પોષણ કરવાનું હતું. મુશ્કેલીથી દિવસો પસાર કરતા હતા. દેશના રિવાજ પ્રમાણે તેમને લગ્નમાં દહેજ આપવું પડ્યું, અને તે પણ થોડું ઘણું નહીં પૂરા ત્રણસો રૂપિયા. ઠાકુરનો સ્વભાવ નાના બાળક જેવો હતો. સત્ત્વ, રજસ અને તમસ – આ ત્રણેયની કોઈ ગંધ સરખી પણ તેમનામાં નહોતી. પોતાના કે પારકાં એવો કોઈ ભાવ જ નહોતો. છૂતાછૂતનો પણ ભાવ નહોતો. કામિની-કાંચન પર લેશમાત્ર મન નહોતું. જ્યાં ક્યાંય પણ કામ-કાંચનનો સંબંધ હોય ત્યાં તેમને ભારે ઘૃણા થતી. આ બધામાં વળી ઉપરથી ભાવાવેશ આવી જતો. પહેરેલું વસ્ત્ર ક્યારેક ખભા ઉપર હોય તો ક્યારેક બગલમાં. એમના મધુર કંઠમાંથી હંમેશા ભગવાનની લીલાના ગુણોનાં ગીતો ગવાતાં રહેતાં. તેઓ આચાર-વિચારનાં મનુષ્યો કરતાં તદ્દન જુદા જ હતા. આથી સાસરા પક્ષના લોકો પણ તેમને પાગલ માનતા.

Total Views: 50

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.