બાળપણથી જ આ હું, હું નું જે રટણ કરે છે; એ રટણ જ સર્વનાશનું કારણ છે. બાળકોને જુ-જુ કહીને ડરાવવાથી તેઓ ડરી જાય છે. પરંતુ હકીકતમાં જુ-જુ નામની કોઈ વસ્તુ છે જ નહીં, એવી જ રીતે માણસ હું-હું કરીને રાડો પાડતો ફરે છે, પણ ખરેખર હું જેવી કોઈ વસ્તુ જ નથી. જેમ બાળક મોટું થતાં જાણી જાય છે કે જુ-જુ એ ફક્ત ભય ઉપજાવવા માટેનો જ શબ્દ છે, એવી રીતે જ્ઞાન થતાં માણસ જાણી જાય છે કે ‘હું’ ફક્ત અહંકારવાચક છે. જુ-જુની સમાન કલ્પિત અને જુઠ્ઠો.

શ્રીરામકૃષ્ણ કહેતા, ‘આ ‘હું’ કેવો છે, તે જાણો છો ? જેમ કે ડુંગળી. ડુંગળીનાં ફોતરાં દૂર કરતાં કરતાં પછી ડુંગળી રહેતી જ નથી. એવી જ રીતે શરીરને લઈને વિચાર કરવાથી પછી ‘હું’ની ખબર પણ પડતી નથી.

મનુષ્ય કે જે આટલા ઊંડા પાણીમાં ડૂબેલો છે, સીધા માર્ગને છોડીને ગોરખધંધામાં ફસાયેલો છે, સૂકી જગ્યામાં રહેવા છતાં ઊંડા જળમાં ગોથાં ખાઈ રહ્યો છે, તેનું મૂળ કારણ એ છે કે તેણે ખોટા ‘હું’ને સાચો ‘હું’ માની લીધો છે. જ્યારે તેને એ જ્ઞાન થાય છે કે હુંપણાનું જ્ઞાન એ નર્યું અજ્ઞાન છે અને અવિદ્યાનું બંધન છે, ત્યારે તેની સઘળી શંકાઓ નિર્મૂળ થઈ જાય છે. એનાં ધર્મ-અધર્મ, પાપ-પુણ્યની માન્યતાઓ દૂર થઈ જાય છે અને પવિત્રતા અને અપવિત્રતા બંને સમાન થઈ જાય છે. તે જોઈ શકે છે કે તેના ગળાનો હાર ગળામાં જ રહેલો છે. તેનાં પૂજા-પાઠ, જપ-તપ, સઘળા ક્રિયાકાંડો બધું જ સમાપ્ત થઈ જાય છે. સમગ્ર વિશ્વમાં તેને ઈશ્વરનાં દર્શન થાય છે અને બીજું વધારે જે કંઈ તેને થાય છે, તે એ સ્થિતિએ પહોંચ્યા વગર કોઈ જાણી શકતું નથી.

હું ફલાણાનો પુત્ર છું, હું ફલાણો છું, શું તમે મને ઓળખતા નથી ? જે ‘હું’ આ બધી વાતો કરે છે, તે જો કે મિથ્યા તો નથી. તો પછી તે શું છે, તે તમે જાણો છો? તે ઈશ્વર જ છે. આ તત્ત્વ બુદ્ધિ કે વિચારથી જાણી શકાતું નથી. હજાર વાર સાંભળવા છતાં પણ સમજાતું નથી. પરંતુ જ્યારે ભગવાન પોતે જ સમજાવી દે છે, બતાવી દે છે ત્યારે મનુષ્ય સમજી શકે છે અને ‘હું’ માંથી મુક્ત થઈ જાય છે. સૃષ્ટિમાં એક સિવાય બીજું કંઈ જ નથી. આ જીવ-જગતમાં તમે જે કંઈ જુઓ છો તે તે જ છે. માયાને લઈને જીવ બંધનમાં પડીને ‘હું, હું’ કરે છે. માયાનો ખેલ એવો મોહક છે, કે આ ‘હું’ તે જ છે, એ જાણવા જ નથી દેતો. માયાના આ ખેલથી જીવ મોહિત થયેલો છે, એટલે છેલ્લા શ્વાસ સુધી પણ તે માયાના આ ખેલને જાણી શકતો નથી. આ માયાનાં બે રૂપ છે. એક વિદ્યામાયા અને બીજું અવિદ્યામાયા. જે બધા જીવો અવિદ્યામાયાના રાજ્યમાં છે, તેઓ કામ-કાંચનમાં ડૂબીને, બધું જ ભૂલી જઈને બેસુધ બની ખેલી રહ્યા છે, તેઓ માયાનો કોઈ જ ખેલ જોઈ શકતા નથી. દિવસ-રાત તેઓ એક જ નશામાં ડૂબેલા છે અને જેઓ ભગવાનની કૃપાથી વિદ્યામાયામાં રહેલા છે, તેમને માયા પોતાનો ખેલ બતાવીને રમતાં રમતાં પોતાના ધામે પહોંચાડી દે છે. આવો મનુષ્ય કરોડોમાં એકાદ પણ ભાગ્યે જ જોવા મળે છે. જો એક એવો હોય છે તો તે પણ જગત્માતાનો લાડકો પુત્ર હોય છે. પણ યાદ રાખો કે આ લાડકો પુત્ર પણ હસવા-રડવાના ખેલથી મુક્ત નથી. જ્યાં સુધી ખેલ છે ત્યાં સુધી માયાનું આધિપત્ય છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશથી માંડીને જીવ-જંતુ બધાં જ માયાના ચક્રાવામાં ફરી રહ્યાં છે. માયાનું બંધન કેવું છે, તે તમે જાણો છો ? એ ‘રબ્બર બેન્ડ’ જેવું છે. વસ્તુ જે પ્રકારની હોય તે પ્રમાણે ‘રબ્બર બેન્ડ’ લાંબું ટૂંકું થાય છે. જો બાંધવાની વસ્તુ મોટી હોય તો તે લાંબું બની જાય છે, અને જો વસ્તુ નાની હોય તો તે તે પ્રમાણે ટૂંકું થઈ જાય છે. વસ્તુ પછી ભલેને ગમે તેટલી સૂક્ષ્મ હોય, પણ તેણે આ બંધનની વચ્ચે જ રહેવું પડે છે. આ બંધનથી પર શું છે, તે હું જાણતો નથી અને તેનો કોઈ આભાસ પણ મને નથી. ભલે ગમે તેટલો માનીતો પુત્ર કેમ ન હોય, પણ બંધનમાંથી તેને મુક્તિ નથી. પણ આવું બંધન સ્તુત્ય છે અને દેવતાઓ પણ તેની ઇચ્છા કરે છે. કેમ કે આ બંધનમાં કેવળ સુખ જ છે, દુ:ખ છે જ નહીં. આમાં બંધાયેલા મનુષ્યો માયાનો ખેલ જોતા જોતા જાય છે. અહીં પણ અવિદ્યાના બંધનની જેમ જ હાસ્ય-રુદન છે, પણ આ હાસ્ય-રુદન જુદા જ પ્રકારનું છે. એનું લક્ષણ એ છે કે એ બેહોશ નથી કરતું. માયાની કૃપાથી એનો આ ખેલ જોઈ શકાય છે. પણ એ સાંભળવાની કે કહેવાની વસ્તુ જ નથી.

‘હું’ની વાત ચાલતી હતી. માયા આ ‘હું’ને જાણવા નથી દેતી અને ‘હું’ પણ પૂરેપૂરો જતો નથી. મનુષ્યોને આ બધું જ બતાવવા માટે શ્રીરામકૃષ્ણદેવે ઘણી બધી સાધનાઓ કરી હતી. તેઓ વારે-વારે કહેતા, ‘નાહં નાહં, તુંહું તુંહું’ અર્થાત્ હું નહીં, હું નહીં, તું, તું. જીવ ‘હું’ને છોડીને ક્યારે ‘તું તું’ કરવા લાગે છે, એ સમજાવવા શ્રીરામકૃષ્ણદેવે આપેલા દૃષ્ટાંતને કહું છું તે સાંભળો.

ગાય એક પ્રાણી છે. એનું વાછરડું જન્મતાંની સાથે જ હમ્બા હમ્બા કહીને ભાંભરવા લાગે છે. હમ્બા હમ્બા એટલે કે ‘હું, હું’ પછી એ જ્યારે મોટું થાય છે ત્યારે ખેડૂત એને હળમાં જોડે છે કે ગાડામાં જોડે છે અને તેની પાસેથી દિવસ-રાત કામ લે છે. તોપણ તે હમ્-હમ્ કહીને ભાંભરવાનું છોડતો નથી. પછી તે વૃદ્ધ થઈ જાય છે. શરીરમાં માત્ર હાડકાં ને ચામડાં જ રહે છે. અને તેના કામનો કોઈ અંત મળતો નથી તોપણ તે હમ્-હમ્નું જ રટણ કરતો રહે છે. પછી અંતે તે મરી જાય છે, ત્યારે તેના ચામડાંને ઊતરડીને, સાફ-સુથરું કરીને, બરાબર સરખું કરીને, તેનો ઢોલ બનાવવામાં આવે છે. તો આ સ્થિતિમાં પણ ચામડું તેના પર પીટવાથી હમ્-હમ્ જ બોલતું રહે છે. તેનું આ બોલવાનું બંધ થતું નથી. સૌથી છેલ્લે નસ, આંતરડાને પકાવીને એમાંથી તાંત તૈયાર કરવામાં આવે છે. તે સ્થિતિમાં પણ તેની અંદરમાં ‘હમ્’ તો રહેલું જ હોય છે. પછી જ્યારે પિંજારો એ તાંતને પોતાની પિંજણમાં લગાવે છે અને તેને ખેંચે છે ત્યારે પણ તે ધીમા અવાજે હમ્ હમ્ બોલે છે. પણ પછી જ્યારે પિંજારો આખરે ઘૂંટણભેર બેસીને જમણા હાથમાં હથોડી લઈને પિંજણને પકડીને તેના ઉપર વારંવાર હથોડી ઠોકે છે, ત્યાર પછી એ હંમેશ માટે તે ‘હમ્’ ને છોડીને ‘તુંહું તુંહું’ કરવા લાગે છે. જીવને આવી જ રીતે મહેનત કરાવીને, નચાવીને, મોઢામાંથી લોહી કાઢીને, ઊઠ-બેસ કરાવીને, ધન-સંપત્તિનો નાશ કરાવીને જો તેને સતત શોક-સંતાપથી જર્જરિત કરી દેવામાં આવે તો પછી તે ‘હમ્-હમ્’ નથી કરતો, ત્યારે તે કહે છે – ‘હે ભગવાન તું જ, તું.’ જીવની આવી દુર્દશા થાય તો જે દુષ્ટ ‘હું’ તેની અંદર ઘૂસી ગયેલો છે, તે જતો નથી. આ ‘હું’ જ માયા છે.

માયાનો ખેલ ભયંકર છે. જ્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી પાપ-પુણ્ય, સારું-ખરાબ, સત્-અસત્ આ બધું દ્વન્દ્વ જણાય છે. ઈશ્વરની પ્રાપ્તિ થયા પછી ખરાબ કે દુષ્ટ એવું કંઈ જ બાકી રહેતું નથી. ‘દુષ્ટ – હું’ ક્યાં સુધી રહે છે, તે તમે જાણો છો ? જ્યાં સુધી એ પાકો ‘હું’ જોવામાં આવતો નથી ત્યાં સુધી જ. એને જોઈ લીધા પછી દુષ્ટ-હું રહેતો જ નથી. દુષ્ટાવસ્થામાં ‘હું’ અહંકારથી ભરેલો હોય છે. આ અહંકાર જ માયા છે. આ અહંકાર નષ્ટ થવાથી ‘હું’ ‘તું’ બની જાય છે. જ્યારે ‘હું’ ‘તું’ બની જાય છે પછી તે માયાનો અહંકાર રહેતો નથી. ‘હું’ ને જાણી લેવાથી પછી અહંકાર એવો ગાયબ થઈ જાય છે, કે ત્રણેય લોકમાં એને શોધવામાં આવે તો પણ તેનો ક્યાંય પત્તો મળતો નથી.

Total Views: 419

One Comment

  1. Online Library June 20, 2022 at 11:07 am - Reply

    I have read your writings and I have read articles on this topic in several articles from other sources. I got a lot of information from your writing, is there any other suggestions you can convey regarding the theme of your writing? so that I can get more and more complete information.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.