મૂળ હિન્દી પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ મહિમા’નો શ્રી જ્યોતિબહેન થાનકીએ કરેલ ગુજરાતી અનુવાદના અંશો વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

શ્રીરામકૃષ્ણ લીલા મધુર, સુણી શીતલ થાય જીવન;
પાષાણથી ફૂટે ઝરણ, શુષ્ક તરુમાં જાગે સ્પંદન

પાઠક અને પ્રબોધ એ બંને થિયેટરના અભિનેતા છે. તેઓ ગિરીશ ઘોષને પોતાના ગુરુ માને છે. જે દિવસે થિયેટરમાં ચૈતન્યલીલા નાટક ભજવાયું હતું, ત્યારથી તેમણે થિયેટરમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન કર્યા છે. તેઓએ એમની ચરણરજ લીધી છે, અને મહાપ્રસાદ પણ લીધો છે.

પાઠક : ‘જો પ્રબોધ, મેં બધી રીતનો નશો કર્યો છે. જ્યારે એક નવો નશો કરું છું ત્યારે થોડા દિવસ તો ભારે આનંદ થાય છે, પણ પછી નશાનું જોર ચાલ્યું જાય છે અને પછી વળી પાછા એક નવા નશાની શોધ શરૂ થઈ જાય છે.’ આ રીતે ધૂમ્ર્રપાનની સાથે સાથે વાતો પણ થતી રહી અને આ વાતચીત દરમિયાન પરમહંસદેવનો પ્રસંગ નીકળ્યો.

પાઠક : ‘જો ભાઈ, આ જો પરમહંસદેવ છે ને, જેમને ગિરીશબાબુ પોતાના ગુરુ માને છે, તેઓ ખૂબ સારા માણસ છે, સારા સાધુ છે. જેવા બીજા સાધુ હોય છે, જટાધારી, ભગવા વસ્ત્રો પહેરેલાં, શરીરે ભભૂતો ચોળી હોય, આવું કંઈ જ એમનામાં નથી. એક બાબત તમે જોઈ હશે, સાધુમાં કોઈ જ અહંકાર નથી. તેઓ લોકોને સામેથી જ નમસ્કાર કરે છે અને એમનું મુખ પણ કેવું!

રક્તવર્ણા અધરો, કોમળ આંખો, લાવણ્યમય ચહેરો, વળી આ બધાની સુંદરતા પણ કેવી અદ્‌ભુત છે! દર્શન માત્રથી મનુષ્યનું મન એમના ચરણોમાં આળોટવા ઉત્સુક બની જાય છે. વળી એમની વાતો કેવી મધુર છે! તેમના કંઠમાં કેવું માધુર્ય છલકે છે! આવું મધુર ગાન તો ભાઈ, મેં ક્યાંય સાંભળ્યું નથી. આપણા થિયેટરમાં કેવા સારા સારા ગાયકો છે અને અગાઉ પણ હતા. બધાંના ગીતો સાંભળ્યા છે, પણ આવું તો કોઈ જ ગાઈ શક્યું નથી. હવે તો બધા પરમહંસદેવની પ્રશંસા કરે છે.

પ્રબોધ : પરમહંસદેવમાં એક બીજો પણ ગુણ છે, તે જાણો છો? મેં સાંભળ્યું છે કે તેઓ રાણી રાસમણિના દક્ષિણેશ્વરના મંદિરના પૂજારી હતા. મા કાલીની પૂજા કરતાં કરતાં માએ કૃપા કરીને તેમને દર્શન દીધાં હતાં. પછી તો તેઓ જ્યારે ઇચ્છા કરે અને માને પોકારે ત્યારે તેમને માના દર્શન થાય છે, મા સાથે વાતચીત પણ થાય છે. તે થિયેટરમાં એક દિવસ અભિનેત્રીઓને જોઈને તેઓ મા આનંદમયી! મા આનંદમયી કહેતા કહેતા બેહોશ થઈ ગયા હતા. પછી થોડા સમય બાદ તેઓ અસ્પષ્ટપણે કંઈક બોલવા લાગ્યા હતા.

પાઠક : ના તે બેહોશી નહોતી. તેને સમાધિ કહે છે અને તમે જે અસ્પષ્ટ શબ્દોમાં બોલવાનું કહ્યું, એ તો મા સાથેની વાતચીત હતી. એવું સાંભળ્યું છે કે તેઓ બધું જાણી જાય છે. મા તેમને બધું જ કહી દે છે, તેઓ વાંચવા-લખવાનું નથી જાણતા, પણ મોટા મોટા પંડિતો પણ તેમની સામે હારી જાય છે.

પ્રબોધ : અરે, જો તેઓ વાંચવા-લખવાનું જાણતા નથી તો પછી પંડિતોને તેઓ કેવી રીતે હરાવી દે છે?

પાઠક : મા સાથે જે વાતો કરે છે. એ શું કોઈ સામાન્ય મનુષ્ય છે? એમને પંડિતો પાસે વધારે કંઈ બોલવું નથી પડતું. શું થાય છે, તે સાંભળો. – પંડિતો દૂર દૂરથી જુસ્સાભેર આવે છે. પહેલાં તો તેઓ જોશમાં ખૂબ તર્ક-વિતર્ક કરવા લાગે છે. જ્યારે વાતચીત ખૂબ જોર પકડે છે, તો પરમહંસદેવ તેને સ્પર્શ કરી દે છે અને બસ, પછી તો પંડિત લોકો આશ્ચર્યમૂઢ બની જાય છે.

પ્રબોધ : પછી?

પાઠક : પછી બીજું શું? એમનું ગરજવું તો બાજુએ રહ્યું, પણ કોઈ હાથ જોડીને સ્તુતિ કરવા લાગે છે, કોઈ ચરણોમાં આળોટવા લાગે છે, તો કોઈ કહેવા લાગે છે, ‘મને ચૈતન્ય આપો.’ તો કોઈ રડવા લાગે છે – આ બધું થવા લાગે છે.

પ્રબોધ : અરે, ભાઈ કંઈ જોઈને તો તેઓ એવું કરતા હશેને? એમના સ્પર્શથી તે લોકોને શું દેખાય છે, એ વિશે કંઈ સાંભળ્યું છે?

પાઠક : હા સાંભળ્યું છે. – કોઈને શિવ દેખાય છે, તો કોઈને કાલી, તો કોઈને રામ તો કોઈને કૃષ્ણ દેખાવા લાગે છે. વળી કોઈ એવું કંઈક પણ જુએ છે કે જેને શબ્દોમાં કહી શકાતું નથી. કેટલાય લોકો આ વ્યક્તિથી વશીભૂત થઈ ગયા છે. આ જુઓને! આપણા ગિરીશબાબુ જ! કેવા બની ગયા! ગિરીશબાબુ કંઈ સીધા માણસ તો હતા જ નહીં. તેઓ તો કોઈને ય માથું નમાવતા નહીં. મામા, માસા, ફૂઆ વગેરે વડીલોને નમસ્કાર કરવા પડે એટલે તેઓ આ સગાંઓના ઘરે જતા નહીં. એકદમ નાસ્તિક હતા. જો સિંહ એમને પકડીને ખાઈ જાય તો પણ એમના મોઢામાંથી ભગવાનનું નામ નીકળતું નહીં, સાધુ-સંન્યાસીઓને જોતાવેંત જ તેમના મગજનો પારો ઊંચે ચઢી જતો. એમની પાસે સતત ડંડો રહેતો. દેવી-દેવતાઓની મૂર્તિઓના તો કટારીથી ટૂકડે ટૂકડા કરી નાખતા હતા. તેમણે પરમહંસદેવને થિયેટરમાં કેટલી બધી ગાળો આપી હતી! આ બધું તો તમે જાણો છો. એ પછી પરમહંસદેવે પોતાનો મંત્ર ફૂંકીને બસ એમને સ્પર્શ કરી દીધો ને થઈ રહ્યું, પછી તો ગિરીશબાબુ વશમાં આવી ગયા. હવે તો ગિરીશબાબુ જ એમને ભગવાન માને છે.

પ્રબોધ : બીજા કોઈને તેમણે આવી રીતે સ્પર્શ કર્યો હોય એ વિશે કંઈ જાણો છો?

પાઠક : હા, તે દિવસની જ વાત છે. ત્યારે શશધર તર્કચૂડામણિએ પોતાના ભાષણોથી આખા શહેરને મુગ્ધ કરી દીધું હતું. જેમણે જેમણે એમના ભાષણો સાંભળ્યા, તે બધાંએ એમની પ્રશંસા કરી. આજે અહીં ભાષણ તો કાલે ત્યાં; તેમણે તો એક ધૂમ મચાવી દીધી. એ પછી આ પરમહંસદેવ એમના ઘરે જઈને એમને મળ્યા અને એમને સ્પર્શ કરીને કંઈક કહ્યું.

પ્રબોધ : એ પછી?

પાઠક : એ પછી બીજું શું? જેવો તેમણે સ્પર્શ કર્યો કે બસ એમની બોલતી જ બંધ થઈ ગઈ! પછી તો એ જ શશધર પંડિત કેટલાય દિવસો સુધી એમની પાછળ પાછળ ફરતા રહ્યા. ખબર નથી એમનામાં એમણે શું જોયું? પણ હવે એમનો કોઈ શબ્દ સંભળાતો નથી!

પ્રબોધ : બીજા કોઈની વાત સાંભળી છે?

પાઠક : અરે, ઘણાંબધાંની – પછી ક્યારેક કહીશ.

પ્રબોધ : તમે આટલી બધી વાતો ક્યાંથી સાંભળી?

પાઠક : અરે ભાઈ, આજકાલ જ્યાં જાઉં છું ત્યાં એ જ પરમહંસદેવની વાતો સાંભળવા મળે છે.

પ્રબોધ : અત્યારે તેઓ ક્યાં છે?

પાઠક : સાંભળ્યું છે કે હમણાં તેઓ કાશીપુરના એક ઉદ્યાનગૃહમાં છે. એમના ગળામાં દર્દ છે, એટલે એમના ભક્તોએ તેમની સારવાર માટે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી છે. બહુ જટિલ રોગ છે. સાંભળ્યું છે કે શહેરના ડોકટર, વૈદ્ય બધાએ હાથ ધોઈ નાખ્યા છે. ડોકટર મહેન્દ્ર સરકાર પણ કંઈ કરી શક્યા નથી.

પ્રબોધ : તો ચાલોને, આપણે પણ એમના દર્શન કરી આવીએ. આવો અસાધ્ય રોગ છે, એ સાંભળીને મારા હૃદયમાં ન જાણે કંઈનું કંઈ થવા લાગ્યું છે.

પાઠક : ભાઈ મારી પણ એ જ દશા છે. ચાલો, જઈએ.

બંને રસ્તા પર ચાલતા નીકળી પડ્યા. બપોરનો સમય પસાર થવા લાગ્યો હતો. થોડે દૂર જતાં બંનેને ભૂખ લાગી.

પ્રબોધ : ભાઈ, ભૂખના માર્યા હવે તો ચાલી શકાશે નહીં, દોઢ કોષથી પણ વધારે રસ્તો બાકી છે. આપણી પાસે એક પૈસો પણ નથી. ચાલો હવે નીકળ્યા જ છીએ તો પછી જેમતેમ કરીને જઈ આવીશું. તમે થોડીવાર પહેલાં કહ્યું હતું કે પરમહંસદેવે ઘણાંબધાંને સ્પર્શ કરીને શાંત કરી દીધાં છે તેની વાતો ક્યારેક કરીશ, તો પછી હમણાં જ કહોને! તેઓ ભગવાન જેવા સુંદર છે, અને એમના વિશેની વાતો પણ તેવી જ સુંદર છે!

એક દિવસ હું દત્તબાબુના પીઠામાં ગયો હતો. ત્યાં કેટલાક લોકો પરમહંસદેવ વિશે વાતો કરી રહ્યા હતા. વાતો સાંભળવી ગમે તેવી હતી. એકે કહ્યું : ‘કેશવસેને કેટલાય શિષ્યો બનાવ્યા. વિલાયત જઈને પોતાના ભાષણોથી મોટા મોટા સાહેબોને આંજી દીધા. અહીં ભારતમાં પણ કેટલાંય બ્રાહ્મમંદિરોની સ્થાપના કરી. એમના વક્તવ્યમાં એવું જાદુ છે કે સાંભળનારાઓ વશીભૂત થઈ જાય છે. તમને બધાંને યાદ છે, – બીડન ગાર્ડનમાં જે દિવસે એમનું ભાષણ હતું ત્યારે આટલા મોટા બગીચામાં અંદર કે બહાર પગ મૂકવાની જગ્યા નહોતી રહી! જાણે આખું શહેર ઉમટી પડ્યું હતું! એ પછી કેશવબાબુની રામકૃષ્ણદેવ સાથે મુલાકાત થઈ.

પ્રબોધ : મુલાકાત પછી શું થયું?

પાઠક : એ માણસે કહ્યું કે થોડા દિવસ સુધી પરમહંસદેવનો સત્સંગ કરવાથી કેશવબાબુની દિશા જ બદલી ગઈ. એ કેશવ જાણે કે બદલાઈને એક જુદા જ કેશવ બની ગયા! પોતાના શિષ્યો સાથે તેઓ દક્ષિણેશ્વર આવવા લાગ્યા. તેઓ ક્યારેક ક્યારેક પરમહંસદેવને પોતાના ઘરે પણ લઈ જતા. આવી રીતે થતાં થતાં કેશવસેનના ભાષણનું એ જોર કોણ જાણે ક્યાં અદૃશ્ય થઈ ગયું! તેઓ પરમહંસદેવના ચરણોમાં મસ્તક નમાવીને બેસતા અને તેઓ શું કહે છે, તે બધું સાંભળતા. એક દિવસ પરમહંસદેવે કેશવબાબુને કહ્યું: ‘કેશવ તમે કેવું ભાષણ આપો છો, જરા બોલોને!’ ત્યારે ઉત્તરમાં કેશવબાબુએ કહ્યું : ‘મહાશય લુહારના ઘરે શું સોઈ વેચવી પડશે?’

પ્રબોધ : આ તે કેવું આશ્ચર્ય! કાલીના એક પૂજારી બ્રાહ્મણ જે જરા પણ વાંચવા-લખવાનું જાણતા નથી. તેમની પાસે કેશવસેન જેવા આટલા મોટા માણસ આવા બની ગયા! અહીં શહેરમાં તો હજારો પૂજારી બ્રાહ્મણો છે, ભટ્ટાચાર્યો છે, સંસ્કૃત પાઠશાળાના અધ્યાપકો છે, જેઓ સંસ્કૃત ભાષા ગોખી ગોખીને રાતદિવસ એક કરે છે. પણ ક્યાંય કોઈ એમના જેવું નથી, અને બીજે ક્યાંય કોઈ એવું છે, એવું પણ સાંભળવામાં નથી આવ્યું.

પાઠક : થોડા વખત પહેલાં તો તમે પોતે જ કહ્યું હતું કે તમને કોઈએ કહ્યું હતું : પરમહંસદેવ કાલીના પૂજારી હતા. તેમની પૂજાથી પ્રસન્ન થઈને માએ તેમને દર્શન આપ્યાં હતાં અને હવે તેમના પોકારવાથી જ મા આવે છે અને તેમની સાથે વાત કરે છે, એમની સાથે શું કોઈની તુલના થઈ શકે ખરી? તેઓ તો ભાગવત્‌-પુરુષ છે.

પ્રબોધ : પરમહંસદેવે તો મા કાલીની પૂજા કરતાં કરતાં મા કાલીનો સાક્ષાત્કાર કર્યો. પરંતુ આ શહેરમાં તો કેટલીયે કાલીની મૂર્તિઓ છે, દરેક સ્થળે પૂજારી બ્રાહ્મણ પણ હોય છે, તેઓ માને સુંદર રીતે સજાવે છે. ઉત્તમ ભોગ ધરાવે છે, પરંતુ તેઓ બધા એમના જેવા ન બનતાં જુદી જાતના કેમ બની જાય છે? કહો તો ખરા? કાલીઘાટ પણ એક શક્તિપીઠનું સ્થાન છે. ત્યાં મા જાગ્રત છે. ત્યાંની પણ મને ખબર છે.

પાઠક : જે જેવું ઇચ્છે, તેવું તે મેળવે છે. પરમહંસદેવ માની પૂજા કરવા માટે પૂજારી બન્યા હતા, માનાં દર્શન કરવાની આશાથી પૂજારી બન્યા હતા, માની સાથે વાતો કરવા માટે પૂજારી બન્યા હતા એટલે જ તો મા કાલીએ એમની પૂજા સ્વીકારી એમને દર્શન આપ્યાં, એમની સાથે વાતો કરી અને હવે એમના બોલાવવાની સાથે જ મા આવીને તેમની સાથે વાતો કરે છે. અને આ લોકો બહારથી ભક્તિ દેખાડે તેનાથી શું વળે? તે લોકો તો પૂજારી નથી. પૂજાના અરિ છે! એટલા માટે મા પણ તે મુજબની જ પૂજા ગ્રહણ કરે છે. તેઓ બધા માના ચરણોને ક્યાં ઇચ્છે છે? મા સાથેની વાતચીતના બદલે તેઓ તો ઇચ્છે છે, ચોખા-કેળાં-વગેરે વસ્તુઓ ઇચ્છે છે. અને જેઓ પૂજા કરાવવા આવે છે, એમની સાથે (દક્ષિણા મેળવવા) વાતચીત કરીને, એ લોકોની પૂજાવિધિ પૂરી થઈ જાય છે.

પ્રબોધ : ભાઈ, આ બધું તને કેવી રીતે સમજાયું?

આપણે બંને આટલા સમયથી સાથે જ છીએ, પણ હું તો કંઈ સમજી શક્યો નહીં.

પાઠક : હું પણ કંઈ જાણતો નહોતો. પણ જે દિવસે થિયેટરમાં પરમહંસદેવ પોતાનો જમણો પગ આગળ કરીને સમાધિસ્થ થઈ ગયા અને ગિરીશબાબુએ જોરશોરથી બૂમો પાડી કહ્યું : ‘અરે જેઓ જ્યાં ક્યાંય પણ હોય ત્યાંથી જલ્દી આવો અને ચરણરજ લઈ લો.’ ત્યારે જલ્દી જલ્દી આવીને મેં એમની ચરણરજ લઈ લીધી હતી અને કહ્યું હતું (એ વખતે આંખોમાંથી એ અશ્રુબિંદુ પણ નીકળ્યું હતું) ‘ઠાકુર કૃપા કરો’, બસ એ દિવસથી ખબર નથી કે હું થોડું થોડું કેવી રીતે સમજી શકું છું! જાણે કોઈએ મને કંઈક કરી દીધું છે! મેં જોયું કે ઠાકુરની જ આ કૃપાને લઈને હું જાણી શક્યો છું અને એક આશ્ચર્યની વાત એ છે કે ઠાકુરની જેટલી વાતો સાંભળું છું કે કહું છું, જે હું ક્યારેય જાણતો ન હતો, તે પણ હવે હું સમજી શકું છું.

(ક્રમશ:)

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.