પ્રાચીન ભારતીય પરંપરા સામાન્ય રીતે સ્ત્રીત્વનો આદર કરે છે. વૈદિક કાળમાં પણ મૈત્રેયી અને ગાર્ગી જેવી મહાન બ્રહ્મવાદિનીઓ હતી. તેઓ પોતાની પ્રતિભાથી સર્વોત્તમ પુરુષોની બૌદ્ધિક પ્રતિભાને પણ પડકારી શકતી. એ યુગમાં સ્ત્રીઓ શિક્ષણ અને કાર્યમાં સમાન તકો ભોગવતી. સ્ત્રીઓ ઉપનયન ધારણ કરી શકતી, મંત્રદીક્ષા લઈ શકતી, બ્રહ્મચર્યવ્રત ધારણ કરીને દ્વિજપુરુષોની જેમ જ્ઞાનાભ્યાસ પણ કરી શકતી. બુદ્ધના પછીના કાળમાં પણ સંઘમિત્રા જેવી સ્ત્રી સાધ્વીઓ ભગવાન બુદ્ધનો સંદેશ સિરિયા અને મેસેડોનિયા જેવા દેશો સુધી લઈ ગઈ હતી. પૌરાણિક કાળમાં પણ સ્ત્રી કેળવણીને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. મહાનિર્વાણ તંત્રમાં આમ કહ્યું છે: ‘છોકરીને પણ સારી રીતે ઉછેરવી જોઈએ અને સારા પ્રયત્નો તેમજ પૂરી કાળજી સાથે એને ભણાવવી પણ જોઈએ.’ (૮.૪૭) દેવી માહાત્મ્યમાં આવા ઉદ્‌ગારો આવે છે: ‘જ્ઞાનનાં બધાં સ્વરૂપો તારાં જ પાસાં છે અને સમગ્ર વિશ્વની બધી નારીઓ તારાં જ વિવિધ રૂપ છે.’ (૧૧.૬) મનુ પણ આમ કહે છે : ‘એક આચાર્ય દશ ઉપાધ્યાય કરતાં પણ વધુ જ્ઞાનમહિમા ધરાવે છે; એક પિતા સો આચાર્ય જેટલો મહાન છે; પણ એક માતા તો એક હજાર પિતા કરતાં પણ વધુ જ્ઞાનમહિમા ધરાવે છે.’ (મનુ સંહિતા – ૨.૧૪૫)

૧૦૦૦ વર્ષની વિદેશી શાસકોની ગુલામી અને અત્યંત સંકુચિત મનના પુરોહિતોના શોષણને લીધે ક્રમશ: ભારતની સ્ત્રીઓ પડદા પાછળ ધકેલાઈ ગઈ. અરે! સ્ત્રીઓને વેદો-ગીતાનું વાંચન અને ગાયત્રીમંત્રોચ્ચારણના અધિકારથી પણ વંચિત રાખવામાં આવી! ૧૯મી સદીના મધ્યભાગમાં સ્વામી વિવેકાનંદે જોયું હતું તેમ આ મહાશક્તિ નારીને જાણે કે હાથેપગે બેડીઓ બાંધી દેવામાં આવી અને તેમને સાવ નિમ્નકક્ષાએ ઊતારી મૂકી, નારીઓ જાણે કે ‘માત્ર બાળકો પેદાં કરનારાં યંત્રો’ બની ગઈ. એ કાળમાં યુવાન પુરુષો જે પશ્ચિમનું અંગ્રેજી અને આધુનિક શિક્ષણ મેળવતા હતા એવું પાયાના શિક્ષણથી નારીઓને વંચિત રાખવામાં આવતી. સ્વામીજી વારંવાર કહેતા કે સાર્વત્રિક રીતે અને વિશેષ કરીને શિક્ષણના ક્ષેત્રમાં નારીઓની અવગણના એ ભારતના પતનનું મૂળ કારણ છે. તેમણે સ્પષ્ટપણે દર્શાવ્યું હતું કે એક પાંખે ઊડવા ઇચ્છતું પંખી જમીન પર આવી પડે છે. ભારતે પણ આવું જ કમનસીબ નોતર્યું. હવે ભારતનું નવોત્થાન કરવા માટે સર્વોત્તમ માનવ પ્રયાસોની સાથે દિવ્યભાવના સ્પર્શની પણ આવશ્યકતા છે.

ભારતની નારીઓનો ઉત્કર્ષ સાધવા તેમજ તેમને આ દુર્ગતિમાંથી બચાવી લેવા માટે સાચો માર્ગ કયો? ‘કેળવણી’, એક માત્ર ‘કેળવણી’ એ છે એનો જવાબ. પરંતુ સ્વામીજીના મને આ કેળવણી કેવી હતી? એમણે કેળવણીની એવી સંકલ્પના કરી હતી કે સમય જતાં તે જગતની નારીઓમાં સૌથી વધારે પવિત્ર અને પ્રબળ એવી નારીઓ આપી શકે. સ્વામી વિવેકાનંદના પશ્ચિમનાં શિષ્યા સિસ્ટર ક્રિસ્ટીને લખ્યું છે કે ભારતીય નારીના ભાવિની અદ્‌ભુત પ્રતિભાનું સર્જન કરવા અને વળી પાછું એનું પુન: નિર્ધારણ કરવા સ્વામીજી સપ્તાહોના સપ્તાહો અને મહિનાઓ સુધી વિચારોમાં ડૂબ્યા રહેતા. અમેરિકાનાં ઘણાં સંન્નારીઓનાં સ્વાતંત્ર્ય, ક્રિયાશીલતા, કાર્યશક્તિ અને નિષ્ઠા તેમજ એમની પવિત્રતા જોઈને તેઓ અભિભૂત થઈ ગયા હતા. સાથે ને સાથે સીતા, સાવિત્રી, ગાર્ગી, મૈત્રેયી, દમયંતી, અહલ્યાબાઈ, પદ્મિની અને બીજી મહાન સંન્નારીઓની કદીયે વિસ્મૃત ન થનારી ઐતિહાસિક પ્રતિભાઓએ એમને વધારે આકર્ષ્યા હતા. શું પશ્ચિમની નારીઓનાં સ્વાતંત્ર્ય, મુક્ત વ્યવહાર અને કાર્યનિષ્ઠાનું ભારતીય નારીઓનાં તપોમય જીવન, પવિત્રતા અને ચારિત્ર્યશીલતા એ બંનેનો સુભગ સમન્વય નારીના જીવનમાં થઈ શકે ખરો? સ્વામીજી જાણતા હતા કે એ વાત શક્ય છે જ. પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણના જીવન અને સંદેશ દ્વારા તેમણે માત્ર ભારતની જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની નારીઓનું ઉજ્જ્વળ ભાવિ જોયું હતું.

૧૮૩૬માં શ્રીરામકૃષ્ણના આવિર્ભાવ પછી ભારતમાં માતૃત્વશક્તિ અને નારીશક્તિના જાગરણ અને મહા પરિવર્તન થયાં; ઇતિહાસની વક્રોક્તિ જેવી લોર્ડ મેકોલેની ભારત માટેની શિક્ષણનીતિની ઉદ્‌ઘોષણા પણ આ જ વર્ષોમાં ઘટી હતી. આધુનિક ભૌતિકવાદના ઘડાકાથી પોતાના દીવાની વાટ હોલવાઈ જાય તે પહેલાં યુગ જૂનો ભારતીય નારીત્વનો આધ્યાત્મિક આદર્શ વધારે ને વધારે પ્રોજ્જ્વળ બનવા લાગ્યો. શ્રીરામકૃષ્ણે જગન્માતા કાલીની પૂજા કરી અને એનો સાક્ષાત્કાર પણ કર્યો. કદાચ એટલા માટે એમણે ભારતીય પરંપરામાં સર્વપ્રથમવાર ઉચ્ચ અધ્યાત્મ ગુણસંપત્તિવાળાં અને ધર્મનિષ્ઠ નારીને ગુરુરૂપે સ્વીકાર્યાં. એટલું જ નહિ પણ એમને તો પોતાનાં પત્ની શ્રીશારદાદેવીનાં શ્રીચરણકમળમાં પૂજાદ્રવ્યો અને નૈવેદ્ય પણ અર્પણ કર્યાં. તેઓ બધી નારીઓને પછી ભલે એ ઉચ્ચ હોય કે નીચ, જગન્માતાના રૂપે જોતા. શ્રી શ્રીમાએ આ આદર્શને અપ્રત્યાશિત રૂપે મહિમાની ટોચે પહોંચાડ્યો. બધી નારીઓને ઉન્નત સ્થાને મૂકવા તેમજ પોતાના આ અનન્ય આદર્શને નજરે નિહાળવા, ભક્તજનોમાં હોલીમધરના નામે જાણીતાં શ્રીમા શારદાદેવીને પોતાનાં અત્યંત પવિત્ર આધ્યાત્મિક જીવનના સહધર્મચારિણી રૂપે નારીત્વના એક પૂર્ણ પ્રતિક રૂપે સમગ્ર વિશ્વ સમક્ષ મૂક્યાં. શ્રીમા શારદાદેવી ભારતના અને વિશ્વના પ્રાચીન અને અર્વાચીન નારીત્વના આદર્શને જોડનારાં એક સેતુ હતાં અને આજે પણ છે. 

વાસ્તવિક રીતે શ્રીમા શારદાદેવી સ્વામી વિવેકાનંદે પ્રારંભેલ ભાવ-આંદોલન પાછળના એક મુખ્ય માર્ગદર્શક અને શક્તિ રૂપે દેખાયાં. સ્વામીજીએ એમનામાં ઉપનિષદ યુગની ઈશ્વરને જાણનારી, બ્રહ્મવાદિનીની કક્ષાએ લઈ જનાર, પ્રેરણા આપનારી અને સમાજને પવિત્ર બનાવનારી માતૃત્વ શક્તિનાં દર્શન કર્યાં હતાં.

૧૮૯૪માં સ્વામીજીએ પોતાના એક ગુરુબંધુ સંન્યાસીને પત્રમાં આમ લખ્યું હતું:

‘તમે તમારામાંનું કોઈપણ હજુ માતાજીના (શ્રીમા શારદામણિદેવીના) જીવનનું અદ્‌ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો દેશ બધા દેશોથી વધારે નબળો અને પાછળ શા માટે હોય છે? કારણ કે અહીં શક્તિનું અપમાન થાય છે. ભારતમાં તે અદ્‌ભુત શક્તિને પુનર્જીવિત કરવા માતાજીએ જન્મ ધારણ કર્યો છે; અને તેમને કેન્દ્ર બનાવવાથી જગતમાં ગાર્ગીઓ અને મૈત્રેયીઓ ફરી એક વખત જન્મશે.’ (સ્વા.વિ.ગ્રં.સં., પૃ.૪૨૪)

આજથી સો કરતાં પણ વધુ વર્ષો પહેલાં જ્યારે ભારતીય સમાજ અને મહદંશે પશ્ચિમનો સમાજ પણ રૂઢિચુસ્ત અને સંકુચિત દૃષ્ટિકોણ ધરાવતો હતો ત્યારે શ્રીમા શારદાદેવીએ સમાજના બધા માનવોને પોતાનાં સંતાનો તરીકે સ્વીકાર્યાં. એમનું જીવન એવું જીવન હતું કે જેમણે મૂક રહીને જ્ઞાતિજાતિ, સંપ્રદાય, રાષ્ટ્રના ભેદભાવો ભૂંસીને પ્રભુનાં બધાં સંતાનોને એક તંતુએ જોડ્યાં. મુસ્લિમ હોય કે ખ્રિસ્તી, હિંદુ હોય કે બીજા કોઈ પણ સંપ્રદાય સર્વને પોતાનાં પ્રેમ, ખેવના અને શુભાષિશો સમાનભાવે મળતી રહેતી. આજે ૨૧મી સદીમાં શ્રીમા શારદાદેવીના મહાન જીવનના વિચારો અને ઉદ્‌ગારો સમગ્ર વિશ્વમાં પડઘાઈ રહ્યા છે. ભારતની અધ્યાત્મનિષ્ઠાનાં ઉત્કટતા અને ગહનતા તેમજ પશ્ચિમના સ્વંત્રતાના શ્વાસોચ્છ્‌વાસના સુભગ સંમિશ્રણવાળી કેળવણી ભારતની નારીઓ માટે સ્વામીજી ઝંખતા હતા. ઉચ્ચ આધ્યાત્મિકતા અને અદ્‌ભુત સિદ્ધિઓવાળી સુશિક્ષિત નારીઓ પ્રાચીનના અને અર્વાચીનના સૌથી વધુ સુંદર અને શ્રેષ્ઠ તેમજ ઉમદા વિચાર-આદર્શોનો સુભગ સમન્વય કરશે. આ હતો એમનો સ્ત્રીકેળવણીનો ધ્યેય-આદર્શ. સ્વામી વિવેકાનંદનાં પશ્ચિમનાં શિષ્યા, ભગિની નિવેદિતાને ભારતની નારીઓના કેળવણીના મહાન જીવનકાર્યમાં મદદ કરનાર સિસ્ટર ક્રિસ્ટીને આમ લખ્યું છે: 

‘અમારામાંથી કેટલાંક માનીએ છીએ કે સ્ત્રી કેળવણીને લગતા સ્વામી વિવેકાનંદના વિચારોનો સાચો અમલ થશે તો જગતના ઇતિહાસમાં અજોડ એવી નારી અસ્તિત્વમાં આવશે. પ્રાચીન ગ્રીસની નારી શારીરિક દૃષ્ટિએ પૂર્ણ હતી, એવી જ રીતે બૌદ્ધિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ આ નારી એની પૂરક બનશે. છટાદાર, પ્રેમાળ, મૃદુ, અત્યંત સહિષ્ણુ હૃદય બુદ્ધિથી વિશાળ અને ઉદાત્ત, પણ આધ્યાત્મિકતામાં સૌથી મહાન એવી એ નારીઓ હશે.’ (રેમિનન્સીસ ઑફ સ્વામી વિવેકાનંદ, (૧૯૬૪), પૃ.૨૨૭)

એ સમયે સુધરેલા ભારતીય સમાજે નારીની કરેલી ઉપેક્ષા માટે સ્વામી વિવેકાનંદે તેને અત્યંત તીખી ભાષામાં ઠપકાર્યો છે. સાથે ને સાથે ભૂતકાળમાં જીવનના વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ પૂરું પાડનાર ભારતીય નારીઓની સિદ્ધિઓની પ્રશંસા કરતાં તેઓ ક્યારેય થાકતા નહિ. પશ્ચિમમાં એક વખત એક મોટા સમૂહને સંબોધતા એમણે કહ્યું હતું:

‘મત્સદીગીરીમાં, દેશના વહીવટ અને સંચાલનમાં, રાજ્ય-અમલમાં, અરે! યુદ્ધ ખેલવામાં પણ સ્ત્રીરત્નો પુરુષો કરતાં ચડિયાતી નહિ તો પુરુષ સમોવડી તો પુરવાર થઈ જ છે. એ વિશે હિંદમાં મને શંકા નથી. એમને તક મળી છે ત્યારે બતાવી આપ્યું છે કે એમનામાં પુરુષો જેટલી જ શક્તિ છે. વિશેષમાં લાભ એ છે કે તેઓ ભાગ્યે જ અધ:પતનમાં સરી પડે છે. એમના જન્મજાત નૈતિક ધોરણને વળગી પડે છે અને શાસનકર્તા તરીકે ઓછામાં ઓછું ભારતમાં તો સ્ત્રીઓ પુરુષો કરતાં ચડિયાતી પુરવાર થઈ છે, જ્હોન સ્ટુઅર્ટ મિલ આ હકીકત જણાવે છે.’ (સી. ડબલ્યુ. વૉ. ૯, પૃ.૨૦૧)

૧૮૯૫માં સ્વામી વિવેકાનંદથી પ્રેરાઈને લંડનના આઈરીશ શિક્ષિકા કુમારી માર્ગારેટ નોબલે સ્વામીજીના ભારતની નારીઓ માટેના કેળવણીના કાર્યના આહ્‌વાનને ઝીલ્યું; ભારતીય નારીની કેળવણીની દશા દયનીય હતી. સ્વામી વિવેકાનંદે માર્ગારેટ નોબલને પોતાની કાર્યયોજના માટે ભાવિ ભારતીય નારીઓને કાર્યાન્વિત કરવા માટે સર્વથા સુયોગ્ય અને સિંહનારી રૂપે ઓળખ્યાં હતાં. ભારતનું વિષમ હવામાન, જ્ઞાતિનાં બંધનો અને અત્યંત રૂઢિચુસ્ત લોકોનો વિરોધ જેવી અત્યંત કઠિન મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, એ વિશે સ્વામીજીએ ભગિની નિવેદિતાને ચેતવ્યા હતા. પરંતુ જ્યારે તેમણે એ કાર્ય કરવાનો આગ્રહ સેવ્યો ત્યારે સ્વામીજીએ એમની વિનંતીને સ્વીકારી અને એ કાર્યમાં પોતાનાં નિ:સંકોચ સહાય અને ઉત્તેજન સતત સાંપડતાં રહેશે, એવી હૈયાધારણ પણ આપી હતી. ભગિની નિવેદિતા ૨૮ જાન્યુઆરી, ૧૮૯૮ના રોજ કોલકાતા આવી પહોંચ્યાં અને ત્યાર પછી તરત ભારતની નારી-કેળવણી કલ્યાણના કાર્યની માર્ગારેટને સ્વામીજીએ તાલીમ આપવા માંડી. પોતાની આ આધ્યાત્મિક પુત્રીને તેમણે સંપૂર્ણપણે ભારતીય રંગે રંગવા પ્રયત્નો આરંભ્યા. ઉત્તર ભારતના પ્રવાસ દરમિયાન તેમણે પોતાના પશ્ચિમના શિષ્યોને આ પ્રાચીન ભૂમિના ઇતિહાસ અને પરંપરાઓની વાત કરી. ૧૮૯૮ની ૨૫ મી માર્ચ, શુક્રવારે માર્ગરેટ નોબલને સ્વામી વિવેકાનંદે બ્રહ્મચર્ય દીક્ષા આપી અને એમને ‘નિવેદિતા’ એવું નામ આપ્યું. ૧૮૯૮ની ૧૨મી નવેમ્બરે ભગિની નિવેદિતાએ રાષ્ટ્રિય આદર્શોને ધ્યાનમાં રાખીને બહેનો માટેની એક શાળા શરૂ કરવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી. સાથે ને સાથે કોલકાતાના લોકોને એમની પુત્રીઓને આ શાળામાં મોકલવા માટે હાર્દિક વિનંતી પણ કરી. નારી કલ્યાણની આ યોજના માટે સ્વામી વિવેકાનંદના સક્રિય રસ અને સહકાર હોવા છતાં પણ ભગિની નિવેદિતાને પોતાની શાળામાં વિદ્યાર્થિનીઓ મેળવવામાં મુશ્કેલી પડવા માંડી. આપણે એ વાત યાદ રાખવા જેવી છે કે તત્કાલીન હિંદુઓની રૂઢિચુસ્તતાની વચ્ચે સ્ત્રી-કેળવણીનું પોતાનું ભગીરથ કાર્ય પાર પાડવા ભગિની નિવેદિતા અને એમના સહસાથીઓએ અનેક સામાજિક અવરોધોનો સામનો કરવો પડે તેમ હતો.

૧૮૯૮ની ૧૩મી નવેમ્બરનો દિવસ ભારતમાં નારી-કેળવણીના આંદોલનમાં એક મહત્ત્વનો દિવસ છે. કાલીપૂજાનો પવિત્ર દિવસ હતો. શ્રીમા શારદાદેવીએ કોલકાતાના ૧૬, બોઝપાડા લેઈનમાં નિવેદિતાની શાળાનો ઉદ્‌ઘાટન વિધિ કર્યો. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુભાઈઓ સ્વામી બ્રહ્માનંદ, સ્વામી શારદાનંદ તેમજ શ્રીરામકૃષ્ણદેવનાં સ્ત્રી ભક્તો ગોલાપ મા અને યોગીન મા સાથે આવ્યા હતા. ઉદ્‌ઘાટન પ્રસંગની પૂજાવિધિ પછી શ્રીમા શારદાદેવીએ પોતાનાં આશીવર્ચનો આપ્યાં હતાં: 

‘આ શાળા પર શ્રી જગદંબાની શુભાશિષ સદા વરસતી રહે અને ત્યાં કેળવણી અને તાલીમ પામેલી બધી બાળાઓ આદર્શ કન્યાઓ બને.’ (ભગિની નિવેદિતા, પૃ.૧૮)

ભગિની નિવેદિતા અત્યંત ખુશ થયા અને પછીથી પોતાની ભાવ-લાગણીઓને આ શબ્દોમાં નોંધી છે: 

‘ભવિષ્યના સુશિક્ષિત હિંદુ નારીત્વને માટે શ્રી શ્રીમાનાં આશીર્વચનો કરતાં વધુ ચડિયાતા શુકનની હું કલ્પના નથી કરી શકતી.’ (ભગિની નિવેદિતા, પૃ.૧૮)

આમ છતાં પણ શાળાએ પ્રારંભિક વિરોધ અને પોતાની દીકરીઓને આવી શાળાએ મોકલવા માટેનો હૃદયનો ખચકાટ જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. બંગાળી, અંગ્રેજીમાં લેખન-વાચન સાથે ગણિત અને પાયાના વિજ્ઞાનનો અભ્યાસ કરાવવામાં આવતો. એની સાથે ચિત્રકામ અને હસ્તકળા જેવા કલાવિષયોનું શિક્ષણ પણ અપાતું. સ્વામીજીના ચિંતન પ્રમાણે શ્રીમા શારદાદેવીના માર્ગદર્શન હેઠળ ચાલતો આ પ્રકલ્પ સુદીર્ઘકાળનો બનવાનો હતો. એમનું સ્વપ્ન હતું કે બહેનોનો એક મઠ બને અને એ મઠની કુમારિકાઓ અને બ્રહ્મચારિણીઓને ‘શૈક્ષણિક મિશનરી’ના રૂપે તાલીમબદ્ધ કરવામાં આવે. તેઓ ભારતની નારીઓમાં ભારતની રાષ્ટ્રિય કેળવણીનો પ્રચાર કરે. સ્વામી વિવેકાનંદનો આદર્શ આવો હતો: 

‘..શિક્ષણ આપનાર નારી વૃંદ (પુરુષો નહિ જ).. નારી વૃંદે નારીઓની સમસ્યાઓનો ઉકેલ શોધવો જોઈએ. ગૃહત્યાગ કરીને આવેલ, પોતાનાં કર્તવ્ય સિવાય બીજું કંઈ નહિ; બંધનવિહોણી, પણ ધર્મ સિવાય બીજો કોઈ સાંસારિક સંબંધ નહિ; કોઈ સાંસારિક આસક્તિ નહિ પણ પોતાના ગુરુદેવ, માતૃભૂમિ અને લોકો માટેની જ અનન્ય ચાહના (એમનામાં હોવી જોઈએ).’

આ કાર્યને ગૃહ ઉદ્યોગના ઉત્પાદનોના વેંચાણ દ્વારા આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવું જોઈએ. આના માટે નારીઓને સુયોગ્ય તાલીમ પણ આપવામાં આવશે. અનેક પ્રયત્નો છતાં નિવેદિતાની શાળા યોજના આર્થિક સંકળામણને કારણે સ્થગિત થઈ ગઈ. આમ છતાં પણ ભગિની નિવેદિતાને એવી બાંહેધરી મળી કે એમના આ નારી-કેળવણીકાર્યના વિકાસને અવકાશ છે. તેમને થોડા સમય માટે પોતાની શાળાને બંધ કરવી પડી અને ૧૮૯૯ના જૂનમાં શાળા-સંચાલન માટે સારું ફંડ એકઠું કરવાના વિચારથી તેઓ પશ્ચિમમાં ગયાં. ૧૯૦૦માં એમણે અમેરિકનો સમક્ષ ‘રામકૃષ્ણ કન્યાશાળાના પ્રકલ્પ’ને મૂક્યો. આના પરિણામે ‘રામકૃષ્ણ ગિલ્ડ ફોર હેલ્પ – રામકૃષ્ણ સહાય સંસ્થા’ની રચના થઈ, અને અમેરિકન સ્ત્રીઓએ નિવેદિતાની શાળા માટે ફંડ એકઠું કરવા માટેની વ્યવસ્થા ગોઠવી.

ભગિની નિવેદિતા પશ્ચિમમાં ફંડ એકઠું કરવાના તેમજ ત્યાંના લોકસમુદાયને ભારતીય નારી વિશે સાચી સમજણ આપી રહ્યાં. એ જ સમયે – ૧૯૦૧માં સ્વામી વિવેકાનંદ પોતાના શિષ્ય શરત્‌ચંદ્ર ચક્રવર્તી સાથે નારીઓ માટેના એક મઠની આવશ્યકતા વિશે ગંભીરતાપૂર્વક ચર્ચા કરી રહ્યા હતા : 

‘શ્રીમા શારદાદેવીને પ્રેરણાના કેન્દ્ર તરીકે રાખીને ગંગાના પૂર્વ કિનારે એક મઠની સ્થાપના કરવી છે. જેમ અહીં બ્રહ્મચારીઓ અને સાધુઓને કેળવવામાં આવે છે, તેમ આ બીજા મઠમાં બ્રહ્મચારિણીઓ અને સાધ્વીઓને કેળવવામાં આવશે. આ પવિત્ર સાધ્વીઓ મઠના ભાવિ પ્રચારકો અને શિક્ષકો બનશે. ગામડાંમાં અને કસબામાં તેઓ કેન્દ્રો ખોલશે. નારી કેળવણીના પ્રસાર-પ્રચાર માટે તેઓ સતત પ્રયત્ન કરતાં રહેશે.’

ભગિની નિવેદિતા ભારતમાં પાછાં આવ્યાં અને ૧૯૦૨ના ફેબ્રુઆરીમાં, સરસ્વતીપૂજાના પાવનકારી દિવસે પોતાની શાળા પુન: શરૂ કરી. ૪ જુલાઈ, ૧૯૦૨ના રોજ સ્વામી વિવેકાનંદની મહાસમાધિ પછી ભગિની નિવેદિતાએ પોતાની જાતને વધુ શક્તિ સાથે આ કાર્યમાં જોડી દીધી. જર્મનીમાં જન્મેલ અને સ્વામી વિવેકાનંદનાં અત્યંત ઉત્સાહી અમેરિકન શિષ્યા સિસ્ટર ક્રિસ્ટીન (ક્રિસ્ટીના ગ્રીનસ્ટિડેલ) ભગિની નિવેદિતાના કાર્યમાં ૧૯૦૩માં જોડાયા. ભગિની નિવેદિતા આ શાળાના સ્થાપક હતાં તો સિસ્ટર ક્રિસ્ટીને આ શાળાને પોતાના પ્રેમ અને ખેવનાથી ઊછેરી હતી. ભગિની નિવેદિતા અને સિસ્ટર ક્રિસ્ટીન બંને કેળવણીની અદ્યતન પદ્ધતિઓથી સુમાહિતગાર હતાં. અને થોડા જ વખતમાં તેમને પોતાના પ્રયોગમાં સફળતા સાંપડી. ભગિની નિવેદિતા શાળાએ આવતી દરેકેદરેક બાલિકામાં અત્યંત રસરુચિ રાખતાં અને એમના વિકાસની વિગતવાર નોંધ પણ રાખતાં.

આ બંને બહેનોને ઘણી મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. મા-બાપ તો પોતાની નાની દીકરીઓને શાળાએ મોકલતા પરંતુ દસ-બાર વર્ષની કોમળ વયે એમને પરણાવી પણ દેતા. પરિણામે એમની શિક્ષણયાત્રામાં પૂર્ણવિરામ મુકાઈ જતો. એમને ખ્યાલ આવ્યો કે વિધવાઓ અને પરિણિત સ્ત્રીઓના શિક્ષણમાં કંઈક આશાનું કિરણ છે. એટલે એવી સ્ત્રીઓને પણ શાળામાં દાખલ કરવા માંડ્યાં. શાળાનો સમય બપોરના ૧૨ થી સાંજના ૪ સુધીનો નક્કી થયો. એ સમયે ઘરની ગૃહિણીઓ પોતાના ગૃહકાર્યમાં મુક્ત રહેતી અને એમને શાળાએ જવાની ફુરસદ મળી રહેતી. પ્રથમ દિવસે જ એટલે કે ૩ નવેમ્બર, ૧૯૦૨ના રોજ ૬૦ બહેનો આવ્યાં. આ સંખ્યા એમની અપેક્ષા કરતાં ઘણી મોટી હતી. વર્ગો તો ગૂંથણકામ અને સીવણ કામથી શરૂ કરાયાં. એની સાથે લેખન-વાંચન તેમજ શાસ્ત્રીય ગ્રંથોનું વાચન પણ થતું. બહેનો જ્યારે પોતાના અભ્યાસ વિષયો શીખતી ત્યારે ભગિની નિવેદિતાએ એમનામાં રાષ્ટ્રિય ભાવનાને જગાડવાનો પ્રયત્ન પણ કર્યો. ભગિની નિવેદિતાએ અત્યંત ચોક્કસાઈપૂર્વક અને નિપૂણતાથી પોતાની વિદ્યાર્થિનીઓમાં ભારતની સંસ્કૃતિ અને કળા વિશેની સક્રિય કદરદાનીની ભાવના જગાડી. આ બધાંની સાથે આ વિદ્યાર્થિનીઓ પોતાના સામાજિક બંધનોના વાડામાં ન રહીને કૌશલ્યની કેળવણી દ્વારા આત્મનિર્ભર બની શકે, એવી એમની અપેક્ષા હતી. આનો પ્રભાવ સુદીર્ઘકાળનો અને ક્રાંતિકારી હતો. ફી લેવાની કોઈ વાત ન હતી. તદુપરાંત પુસ્તકો, નોકબૂકો, પેન્સિલ અને સીવવાના સંચા સાથેના સાધનો પણ નિ:શૂલ્ક મળી રહેતા. પ્રારંભમાં નિવેદિતાએ પોતાની શાળાનું નામ ‘રામકૃષ્ણ સ્કૂલ ફોર ગર્લ્સ – રામકૃષ્ણ કન્યાશાળા’ રાખ્યું. કેટલાક પશ્ચિમના શિષ્યો એને ‘વિવેકાનંદ સ્કૂલ’ના નામે ઓળખતા. સ્થાનિક લોકો તો પોતાની સાદી સરળ ભાષામાં એને ‘નિવેદિતા સ્કૂલ’ કહેતા. નિવેદિતાના દેહાવસાન પછી ૧૯૧૮માં રામકૃષ્ણ મિશને આ શાળાનો કાર્યભાર સંભાળ્યો ત્યારે એને ‘રામકૃષ્ણ મિશન, સિસ્ટર નિવેદિતા ગર્લ્સ સ્કૂલ – રામકૃષ્ણ મિશન, ભગિની નિવેદિતા કન્યા શાળા’ એવું નામ આપ્યું. ૯ ઓગસ્ટ, ૧૯૬૩ના રોજ આ શાળા રામકૃષ્ણ શારદા મિશનને સોંપી દીધી. શારદા મઠની સંન્યાસિનીઓ દ્વારા ચલાવાતી રામકૃષ્ણ મિશન જેવી જ આ એક સંસ્થા છે. ત્યારથી માંડીને આ સંસ્થા ‘રામકૃષ્ણ શારદા મિશન સિસ્ટર નિવેદિતા ગર્લ્સ સ્કૂલ’ના નામે જાણીતી બની.

નિવેદિતાની શાળાએ ધીમે ધીમે નાની બાલિકાઓ તેમજ આજુબાજુના વિસ્તારની મોટી બહેનો માટે અભ્યાસનું એક સંયુક્ત કેન્દ્ર વિકસાવ્યું. સર જગદીશ ચંદ્ર બોઝના બહેન લાવણ્યા પ્રભા બસુ, બિપીનચંદ્ર પાલનાં પુત્રી અમીયાદેવી, અબાલા બોઝ, સરલાબાલા સરકાર અને સ્વાતંત્ર્ય સેનાની દેવવ્રત બસુના બહેન સુધીરા બસુ જેવી કેટલીક સુખ્યાત મહિલાઓ ભગિની નિવેદિતાને શિક્ષક બનીને સહાય રૂપ બન્યાં. પછીથી શાળામાં ભણેલી કેટલીક બહેનો પણ બાલિકાઓના શિક્ષણ કાર્યમાં જોડાઈ ગઈ. ભગિની નિવેદિતાએ પોતાની શાળા માટે ધનોપાર્જન કરવા કેટલાંક પુસ્તકો લખ્યાં અને પ્રસિદ્ધ પણ કરાવ્યાં. આ પુસ્તકોમાં ‘ધ વેબ ઑફ ઈંડિયન લાઈફ’, ‘ક્રેડલ ટેય્‌લ્સ ઑફ હિંદુઈઝમ’, ‘ધ માસ્ટર એઝ આઈ સો હીમ’, ‘ફૂટ ફોલ્સ ઑફ ઈંડિયન હિસ્ટ્રી’નો સમાવેશ થાય છે. 

આટલી બધી મથામણ પછી પણ ભગિની નિવેદિતાને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો ત્યારે સૌ પ્રથમ તો તેઓ પોતાના વ્યક્તિગત ખર્ચમાં કાપ મૂકતાં અને જરૂર પડે તો પોતાની પ્રાથમિક જરૂરિયાતોને પણ ઓછી કરતાં. રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે : 

‘કોઈ દાનથી નહિ અને કોઈ વધતી રકમની સહાયથી ભગિની નિવેદિતાએ શાળાનો ખર્ચ ઉપાડ્યો ન હતો; એ ખર્ચ તો એમણે પોતાના ભોજનખર્ચમાં મોટો કાપ મૂકીને પૂરો પાડ્યો. અરે! શાળાને ચલાવવા માટે તેઓ ક્યારેક ભૂખમરો પણ વેઠી લેતાં! આ જ સત્ય છે.’

નિવેદિતા વાસ્તવિક રીતે તો પોતાની વિદ્યાર્થિનીઓનાં માતા હતાં. ઘણીવાર ગરીબ ઘરની બાલિકાઓ શાળાએ ભોજન-નાસ્તો લીધા વગર આવતી. બધી બાલિકાઓમાંથી કોણે કોણે આજનું ભોજન લીધું નથી તે ભગિની નિવેદિતા એમના ચહેરાઓ જોઈને કહી દેતાં; સાથે ને સાથે એમને ખાવાનું મળી રહે તે માટે આતુર પણ રહેતાં. આજ્ઞાંકિતતા, સુયોગ્ય રીતે પોતાની ફરજો ચોક્કસ શિસ્તબદ્ધ રીતે પાર પાડવાની નિષ્ઠા, આરોગ્ય અને સ્વચ્છતાના પાયાના નિયમોનું અનુસરણ – આ બધી બાબતો પર તેઓ ઘણો ભાર દેતાં.

એક દિવસ ભગિની નિવેદિતાએ પોતાની વિદ્યાર્થિનીઓને પૂછ્યું: ‘ભારતની રાણી કોણ છે?’ બાલિકાઓએ જવાબ આપ્યો: ‘મહારાણી વિક્ટોરિયા ભારતની રાણી છે.’ આ શબ્દો સાંભળીને તેઓ ઉદ્વિગ્ન બની ગયાં અને મોટેથી બોલી ઊઠ્યાં: ‘મહારાણી વિક્ટોરિયા ભારતની રાણી ક્યારેય ન બની શકે! ભારતની રાણી છે સીતા. સીતા એ ભારતની શાશ્વત રાણી છે.’ ભગિની નિવેદિતાને સ્વામીજીએ એવી સલાહ આપી હતી કે નારી કેળવણીના કાર્યમાં ત્યાગ અને સેવાના આધ્યાત્મિક આદર્શો કે પરંપરાઓથી જરાય પથભ્રષ્ટ ન થવું જોઈએ. ભારતની નારીઓની કેળવણીની આવશ્યકતા છે એ વાત નિ:શંક અગત્યની છે. સાથે ને સાથે ત્યાગ અને સેવાના આધ્યાત્મિકતાના આદર્શને હંમેશાં બીજી બધી બાબતો કરતાં ઉચ્ચ સ્થાન મળવું જોઈએ. સ્વામીજીના આ સૂચનોને અનુસરવા માટે ભગિની નિવેદિતાએ પોતાનાં હૃદયપ્રાણથી પ્રયત્નો કર્યાં.

ભગિની નિવેદિતાને એ સ્પષ્ટપણે સમજાયું હતું કે કેળવણીમાં વાંચવું અને લખવું એ જ માત્ર શીખવાનું નથી. કોઈ પણ પ્રકારનાં કાર્યો કરવાં એના કરતાં બાળકોમાં રહેલી શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરવો એ વધારે મહત્ત્વનું છે. એક સ્ત્રી કે જેમાં સમસંવેદના જાગ્રત થઈ છે; એક નારી કે જે રાષ્ટ્રના ઇતિહાસને બરાબર સમજે છે; એક મહિલા કે જે કેટલાંક મહાન તીર્થસ્થાનોની યાત્રાએ જઈને પોતાનો દેશ ખરેખર કેવો છે, એનો સ્પષ્ટ ખયાલ ધરાવે છે; આવી નારી માત્ર લખી-વાંચી જાણતી એટલે કે આધુનિક રીતે શિક્ષિત ગણાતી નારી કરતાં વધુ સુશિક્ષિત છે. 

‘હું મારા દેશની કેવી રીતે સેવા કરું?’ આ હોવો જોઈએ દરેકેદરેક શિક્ષિત નર-નારીના હૃદયનો કોલ; અને એ જ હોવી જોઈએ એમની મુખ્ય ચિંતા. ભગિની નિવેદિતાના અમીટ શબ્દોમાં કહીએ તો :

‘ભારત શબ્દનો મર્મ, એ ભૂમિ અને એના લોકો વિશ્વમાં એનું સ્થાન અને પ્રદાન, અને એની સેવા કરવાની ઉત્કટ ભાવના, આ બધાંને નારી કેળવણીના રૂપે ઓળખવાં જોઈએ. આ જ બાબતો કેન્દ્રમાં રહેવી જોઈએ.’

આ શબ્દો ભગિની નિવેદિતાના શિક્ષણ વિશેના આદર્શો અને વિચારોનો નિચોડ છે. આ આદર્શોને એમણે કોલકાતાના બાગબજાર વિસ્તારમાં બાલિકાઓ અને મોટી બહેનો માટેની શાળા ખોલીને આચરણમાં મૂક્યા છે.

૧૯૧૧માં દુર્ગાપૂજાના રજાના દિવસો દરમિયાન ભગિની નિવેદિતા સર જગદીશ ચંદ્ર બોઝ અને એમનાં પત્ની અબાલા બોઝની સાથે દાર્જિલિંગની મુલાકાતે ગયાં. ત્યાં જ તેઓ બીમાર પડ્યાં. ૧૯૧૧ની ૧૩ ઓક્ટોબરના પ્રભાતે એમના મુખેથી આ છેલ્લા શબ્દો નીકળ્યા: ‘નાવડું ડૂબી રહ્યું છે, પણ હું સૂર્યોદયનાં દર્શન તો કરીશ જ.’ ક્ષિતિજ પરથી સૂર્યનું પહેલું કિરણ નીકળવાની સાથે સ્વામી વિવેકાનંદના અધ્યાત્મપુત્રી શાશ્વતિમાં સમાઈ ગયાં. 

આ જગતની અંતિમ વિદાય લેતા પહેલાં ભારતની આ પ્રેમાળ પુત્રીએ પોતાનું અંતિમ વસિયતનામુ અને ટેસ્ટામેન્ટ પણ કરી લીધું. સ્વ. શ્રીમતી ઓલેબુલની સ્થાવર મિલકતમાંથી તેમજ પોતાનાં પુસ્તકોનાં વેંચાણમાંથી ઊભી થયેલ ૩૦૦ પાઉન્ડની રકમ ભાવિ નારીઓના કલ્યાણ માટે બેલૂર મઠના સંવાહકોને નેશનલ એજ્યુકેશન ઑફ ઈંડિયન વિમેન એકોર્ડિંગ ટુ નેશનલ મેથડ – રાષ્ટ્રિય પદ્ધતિ પ્રમાણે ભારતીય નારીઓની રાષ્ટ્રિય કેળવણી માટે કાયમી ફંડ રૂપે અર્પિત કરી દીધી. દાર્જિલિંગમાંની એમની સમાધિ પર એક સ્મૃતિપટ પર આ શબ્દો જોવા મળે છે: ‘અહીં વિસામો છે, પોતાનું સર્વસ્વ ભારતને સમર્પણ કરનાર, શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદની નિવેદિતાના અવશેષોનો.’

સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રેરણા જળ પામેલ આ એક મહાન જીવન છે. એમણે ભારતમાં સર્વ પ્રથમ કેળવણીનું આંદોલન શરૂ કરવા માટે પોતાના હૃદયનાં રક્ત રેડ્યાં છે.

Total Views: 78

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.