(ગતાંકથી ચાલું)

પ્રબોધ : આ જે તમે કહ્યું કે તમને કોઈએ કંઈક કરી દીધું છે. તેનો અર્થ શો છે? તમને શું કર્યું છે? તમને થયું છે શું? – સ્પષ્ટતા કરીને કહો.

પાઠક : મેં જે કહ્યું તેનાથી વધારે હું કંઈ કહી શકીશ નહીં. તો પણ એવું માની લો કે હું ઘેરી નિદ્રામાં હતો, હવે જાણે મારી એ નિદ્રા ચાલી ગઈ છે.

પ્રબોધ : હું તમારી વાત કંઈ સમજી શકતો નથી. પણ ભાઈ, તમારા જેવું હું ક્યારે સમજી શકીશ?

પાઠક : ચાલો. આપણે તો એ ઠાકુર પાસે જ જઈ રહ્યા છીએ. હું પણ બીજું વધારે માંગી લઈશ. તમે પણ કંઈ માંગી લેજો.

પ્રબોધ : મને કંઈ ખબર પડતી નથી કે હું શું માંગું? તમે જ મને બતાવો.

પાઠક : જેમની પાસે આપણે જઈ રહ્યા છીએ તેઓ જ જણાવી દેશે. મંગાવડાવી લેશે.

એવો છે, રામકૃષ્ણદેવનો મહિમા – એમના ચરિત્રનો મહિમા. પ્રબોધ અને પાઠક ઠાકુરની જેટલી વાતો કરે છે, એટલો જ એમનામાં ચૈતન્યનો ઉદય થાય છે. અને ઠાકુરની લીલામાં એમની બુદ્ધિનો પ્રવેશ થાય છે : રામકૃષ્ણનું નામ જ મહામંત્ર છે – રામકૃષ્ણની વાણીની વાત જ સાધનભજન છે. એમનાં લીલાચરિત્રનું કીર્તન કરતાં કરતાં જ જીવનું ચૈતન્ય જાગી ઊઠે છે; લાકડાંને લાકડાંથી ઘસતાં જેમ સર્વવ્યાપ્ત અગ્નિ પ્રગટે છે, બરાબર એ જ રીતે રામકૃષ્ણ-વાણીનું મંથન કરતા રહેવાથી તમસનો નાશ કરનારા ચૈતન્યનો ઉદય થાય છે.

પ્રબોધ : તમે જે કહ્યું કે પરમહંસદેવના સંપર્કમાં આવીને કેશવબાબુની દિશા બદલી ગઈ, એ કેવી હકીકત છે! હું સમજી શક્યો નહીં, તેને જરા સ્પષ્ટ રીતે સમજાવોને!

પાઠક : જે માણસે મને આ વાત કરી હતી, તેને મેં પણ તમારી જેમ જ સમજી ન શકવાને લઈને પ્રશ્ન કર્યો હતો. તેણે જે કહ્યું, એ મને પણ સારી રીતે સમજાયું નહોતું. તેણે કહ્યું : ‘કેશવબાબુ પહેલાં નિરાકાર – નિરાકાર કરતા હતા, હવે મા, મા કહે છે.’ એનો અર્થ કદાચ એ છે કે કેશવબાબુ પોતે પોતાની ઇચ્છા પ્રમાણે એક રસ્તો પકડીને ચાલતા હતા. પરમહંસદેવે જોયું કે લક્ષ્યાંકે પહોંચવા માટેનો આ સાચો રસ્તો નથી. બસ, એમણે કેશવબાબુને સાચા રસ્તા પર મૂકી દીધા.

પ્રબોધ : જરા વધારે સ્પષ્ટતાથી આ સમજાવોને!

પાઠક : સાંભળો, એક ઉપમા આપીને સમજાવું છું. જેમકે એક નૌકા છે, પણ એનો નાવિક નથી. વળી જોરથી પવન ફૂંકાઈ રહ્યો છે. નૌકાને કોઈ ચોક્કસ દિશા નથી. એ તો જે દિશામાં તેને પવન ઘસડી જાય છે, એ દિશામાં ભાગી રહી છે એટલે એ તો નક્કી જ છે કે કાં તો રેતીમાં ઘસડાઈને અથવા તો કઠણ ખડકો સાથે અફળાઈને તૂટી જશે ને ડૂબી જશે. આવા વખતે જો કોઈ કુશળ નાવિક નૌકા ઉપર જલ્દીથી ચઢી જાય તો એ શું કરશે? તે સઢને પકડીને નૌકાને સાચી દિશામાં હંકારીને લઈ જશે. કેશવબાબુ ઘણા બુદ્ધિશાળી છે, પણ અહીં તહીં ભટકતા હતા. ઠાકુરે તેમને રસ્તો બતાવી દીધો અને એ રસ્તે ચાલતા કરી દીધા.

શ્રીરામકૃષ્ણ ગળાનાં દર્દને લઈને લગભગ દશ મહિનાથી અનાજ ખાતા નથી. સેવકો પાણી જેવી પાતળી રાબ ખાવા માટે આપે છે. હવે તો તે પણ નથી ખાઈ શકતા. જે કંઈ મોઢામાં મૂકવામાં આવે છે, તેમાંથી મોટાભાગનું ખાવાનું તો બહાર જ પડી જાય છે. બહુ જ ઓછી માત્રામાં પેટમાં જાય છે. આથી સેવકો વધારે પ્રમાણમાં પથ્ય બનાવીને રાખે છે. આજે પીડા વધી ગઈ છે. નામનું જ ખાવાનું મોઢામાં ગયું છે. વાસણમાં બધું જ પડી રહ્યું છે.

બીજા માળે જે ઓરડામાં ઠાકુર છે, એમનાં બારી દરવાજા બંધ છે. જ્યાં તેમની પથારી છે, તે ખૂબ જ એકાંત જગ્યા છે. બગીચામાં કોની અવર-જવર થાય છે, તેની ત્યાં બિલકુલ ખબર પડતી નથી. પરંતુ ભક્તવત્સલ ઠાકુર એ જાણી ગયા છે કે પ્રબોધ અને પાઠક બંને દર્શન માટે આવ્યા છે અને તેમને ખૂબ ભૂખ લાગી છે. ઠાકુરે એક સેવકને કહ્યું : જુઓ, જે બે માણસો હમણાં જ નીચે આવ્યા છે, એમને અત્યારે જ ઉપર બોલાવી લાવો.’ તે સેવક આજ્ઞા પ્રમાણે બંને ભાગ્યવાનોને લઈને ઠાકુરના ઓરડાના દરવાજા પર હજુ પહોંચ્યા જ હતા, ત્યાં ઠાકુરે વારંવાર હાથ લંબાવીને એમને બોલાવતાં કહ્યું : ‘અરે, આવો, આવો, હું તમારા માટે જ ખાવાનું લઈને બેઠો છું. તમને ખૂબ ભૂખ લાગી છે ને! લ્યો, ખાઓ, ખાઓ.’ બંનેએ ઠાકુરને પ્રણામ કરીને તેમની ચરણરજ લીધી અને પછી આનંદવિભોર બનીને પેટ ભરીને મહાપ્રસાદ લીધો.

ભક્તિમાન અને સહૃદયી વાચકો, આ દૃશ્ય એકવાર તમારા હૃદયપટ પર અંકિત કરીને જુઓ. મારી એવી કઈ હેસિયત કે હું આ અપૂર્વ લીલાચિત્રને કલમ અને શાહી દ્વારા અંક્તિ કરી શકું? કેવી અદ્‌ભુત લીલા છે! નિત્યની તુલનામાં લીલા ખૂબ સુંદર છે. જે મન-વાણીથી પર છે, પુરુષોત્તમ છે, સર્વજ્ઞ છે. સર્વની અંદર રહેલા પૂર્ણબ્રહ્મસનાતન, અનાદિ, અનંત, અખંડ સચ્ચિદાનંદ છે, તેઓ જ આપણા મર્ત્યલોકના રંગમંચ પર, કાશીપુરના બગીચામાં કેટલાક ભક્તોની સાથે આજે જગતની આંખોમાં પરદા નાખીને રામકૃષ્ણ લીલાના અંતિમ અધ્યાયનો અભિનય કરી રહ્યા છે. દીનતા, હીનતા તથા જીવોના કલ્યાણ માટેની અપાર કરુણા જ એમના અંગોની સજાવટ છે. શરીર ર્જીણ-શીર્ણ છે, નર્યું હાડપિંજર જ રહ્યું છે. મન અને વાણીથી પર હોવા છતાં પણ જીવોને શિક્ષણ આપવા માટે કે તેઓ શું છે, એને અનુરૂપ જ તેઓ સમજાવી રહ્યા છે. કેવળ વેષ જ દીન દુ:ખીઓનો ધારણ કર્યો છે, પરંતુ જે રત્નભંડાર ઈંદ્રને પણ દુર્લભ છે, તેને સહજપણે ઢગલા મોઢે જેને તેને આપી રહ્યા છે. પ્રબોધ અને પાઠકને લઈને જે ખેલ આજે તેમણે કર્યો એ સાંભળીને એવું કોણ પથ્થર દિલનું હશે કે જે પીગળી ન જાય! જરા વિચારી જુઓ કે આ કરુણાની કોઈ તુલના થઈ શકે કે આનો કોઈ માપદંડ હોઈ શકે? જોઈ લેજો કે તેઓ સાચેસાચ પતિતપાવન છે કે નહીં? જગદીશ્વરને સર્વશક્તિમાન માનીને પણ મનુષ્ય કઈ બુદ્ધિથી અવતારવાદનો વિરોધ કરે છે? એ હું મારી આ બુદ્ધિથી તો સમજી શક્યો નથી – આવી બુદ્ધિને નમસ્કાર.

રામકૃષ્ણદેવ આનંદની મૂર્તિ છે. ભલે, ગમે તેવો બદ્ધ જીવ કેમ ન હોય, પણ જેટલો વખત એમની સમીપ રહે તેટલો સમય તે આનંદના સાગરમાં તરતો રહે છે અને ક્યારેક તો એમાં ડૂબી જાય છે. રામકૃષ્ણદેવની તાપ-નિવારણશક્તિ અમે હંમેશા જોઈ છે.

પાઠક અને પ્રબોધે ખૂબ આનંદથી ભરપેટ પ્રસાદ લીધો. પછી ઠાકુર પાસેથી વિદાય લેતી વખતે એમની આંખો ભરાઈ આવી. હાથ જોડીને બોલ્યા : ‘ઠાકુર આપનાં ચરણોમાં પ્રેમભક્તિ બની રહે.’ ઠાકુર કંઈ બોલ્યા નહીં પણ થોડું હસ્યા. એમનો સમસ્ત વિશ્વને મોહિત કરનારો હસમુખ ચહેરો હતો, જેને જોયા પછી મનુષ્ય કોઈપણ જન્મમાં ભૂલી શકે નહીં, એ અલૌકિક સ્મિતસભર મુખનાં એમણે અમને બંનેને દર્શન આપ્યાં. આખે રસ્તે બંને જણા ઠાકુરની વાતો કરતાં કરતાં ઘરે પહોંચ્યા. એ પછી થોડા દિવસો બાદ આ બંનેએ સાંભળ્યું કે ઠાકુર હવે લીલાધામમાં નથી રહ્યા. આ સાંભળીને કેટલાય દિવસો સુધી તેઓ શોકમગ્ન રહ્યા. પછી શાંત બની ગયા.

રામકૃષ્ણદેવની કૃપાથી એમનો પૂર્વસ્વભાવ બદલાવા લાગ્યો. સંસાર-ધર્મ પ્રત્યે જાગૃતિ આવી. સ્ત્રી-પુત્ર પ્રત્યે જવાબદારીની ભાવના જાગી. નશાખોરી ઓછી થઈ. રામકૃષ્ણદેવ વિષે સાંભળવાની તક મળતાં તેઓ મન દઈને સાંભળે છે. ઠાકુરના ભક્તો પ્રત્યે શ્રદ્ધાભક્તિ પ્રગટ કરે છે. ઠાકુરના ઉત્સવોમાં સમ્મિલિત થાય છે. કેટલાક લોકો સાથે મળીને વાદ્યો સાથે એક સૂરે ગીતો અને છંદોમાં શ્રીરામકૃષ્ણદેવની લીલાનું ગુણસંકીર્તન કરે છે. થિયેટરના ‘ગ્રીન રૂમમાં તેમણે રામકૃષ્ણદેવનો ફોટો રાખ્યો છે. નાટકના દિવસે તેને પુષ્પહારથી સજાવવામાં આવે છે; જેટલીવાર તેઓ ‘ગ્રીનરૂમ’માંથી રંગમંચ પર આવે છે, તેટલીવાર ઠાકુરને પ્રણામ કરે છે. અભિનેત્રીઓને ઠાકુરની ભક્તિ કરવા કહે છે. વચ્ચે વચ્ચે સાથે મળીને તેઓ ઠાકુરના ગુણોની વાતો કરે છે. ધીમે ધીમે તેમનામાં ઠાકુર પ્રત્યે પ્રેમનો ઉદય થયો.

આ રીતે ૧૨-૧૩ વર્ષ પસાર થઈ ગયાં હવે તેમને જણાયું કે જે ઠાકુરને એમણે જોયા છે, જેમની તેઓ ભક્તિ કરી રહ્યા છે, તે કોઈ સામાન્ય ઠાકુર નથી, તે કોઈ એવા-તેવા મનુષ્ય નથી. એમના પ્રભાવે તો દેશ-વિદેશના લોકોને સ્તબ્ધ કરી દીધા છે. ઈંગ્લેન્ડ – અમેરિકાના મોટાં મોટાં શહેરોમાં એમના નામની પતાકા લહેરાઈ રહી છે. ગોરાસાહેબો અને મેમસાહેબોનાં ટોળે ટોળાં એમનાં લીલાસ્થળોનાં દર્શન માટે આવવા લાગ્યાં છે. ઈંગ્લેન્ડના વિદ્વાન એમની જીવનકથા લખી રહ્યા છે અને એમના વિષે અર્થપૂર્ણ વાર્તાલાપો કરી રહ્યા છે. ઠાકુરના શિષ્યો તો વિશ્વવિજયી બની ગયા છે અને મનુષ્યથી જે કાર્યો ન થઈ શકે, એવાં કાર્યો તેઓ કરી રહ્યા છે. આ બધું જોઈ – સાંભળીને ઠાકુરનું લીલાચરિત્ર સાંભળવાની એમને તીવ્ર ઇચ્છા થઈ. એક દિવસ ઠાકુરના શરણાગત એક ભક્તની સાથે એમની મુલાકાત થઈ. ત્યારે તેમણે તેમને કહ્યું : ‘મહાશય, ઠાકુર વિષે આપ અમને કંઈક કહો. એમના વિષે સાંભળવાની અમારી તીવ્ર ઇચ્છા છે.’ 

થિયેટરના લોકોમાં રામકૃષ્ણદેવ પ્રત્યે ભક્તિધારા વહેતી જોઈને તે ગૃહસ્થભક્ત એમની સામે રડવા લાગ્યા અને પછી બોલ્યા : ‘જુઓ ભાઈ, હું તો મૂર્ખ છું. હું રામકૃષ્ણદેવની મહાન લીલાનું વર્ણન ભલા કેવી રીતે કરી શકું? તેમ છતાં પણ એમણે કૃપા કરીને જે બતાવ્યું છે, જે સંભળાવ્યું છે, અથવા તો જે જણાવ્યું છે, તે કહીશ. તમે પૂછો.’

પાઠક : તમે બધા રામકૃષ્ણને ભગવાન કહો છો, તો શું તેઓ ખરેખર ભગવાન છે?

ભક્ત : પહેલાં તમે મને એક વાતનો જવાબ આપો. એ પછી હું તમને કહીશ. તમે ભગવાન કોને કહો છો? તમારા ભગવાનનું સ્વરૂપ કેવું છે?

પાઠક : ભગવાન વિરાટ્‌ છે. સર્વશક્તિમાન છે. તેઓ ઇચ્છામાત્રથી બધું જ કરી શકે છે. તેઓ આ સૃષ્ટિ અને સમગ્ર વિશ્વના સ્વામી છે. જેમકે – રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, ભગવાન વિષે હું આવું સમજું છું.

ભક્ત : રામકૃષ્ણદેવ પણ એ જ છે.

પાઠક : કેવી રીતે? અમારી સમજમાં તો કંઈ આવતું નથી. શું આપ સમજાવી શકશો? રામકૃષ્ણ ભગવાન છે, એનું પ્રમાણ શું?

ભક્ત : પ્રમાણ છે, રામકૃષ્ણ – લીલાનું દર્શન અને એમની કૃપા. જ્યારે ભગવાન અવતાર ધારણ કરીને આવે છે, તો એમનું એક લક્ષણ છે. તે શું છે? તે જાણો છો? જે દેહમાં કોઈ લક્ષણ ન જણાય એ દેહધારી જ ભગવાનનો અવતાર છે. અવતારમાં કોઈપણ લક્ષણ જણાતું નથી. અવતાર ઉપલબ્ધિ અને પ્રત્યક્ષનો વિષય છે. એમના પ્રત્યક્ષ થવાથી જ જાણી શકાય છે કે તેઓ લક્ષણથી પરે છે. એ જ એમનું લક્ષણ છે, એવું મારું માનવું છે.

પરમહંસદેવ અવતારનું એક લક્ષણ બતાવતા હતા. તે એ કે જે દેહમાં પ્રેમ-ભક્તિનું પૂર આવે, જે દિવસ-રાત ઈશ્વરના પ્રેમમાં પાગલ હોય, તે દેહધારી ઈશ્વરના અવતાર છે. જ્યાં સુધી ઈશ્વરનું દર્શન નથી થતું, ત્યાં સુધી કોઈ આ લક્ષણ સમજી શકતું નથી.

તેઓ એક બીજી વાત કહેતા હતા. અવતાર જાણે અજ્ઞાત વૃક્ષ જેવો હોય છે. જેને કોઈ ઓળખી શકતું નથી કે આ ક્યું વૃક્ષ છે. વળી તેઓ અંધારામાં હાથમાં ફાનસ લઈને આવી રહેલા ચોકીદારની ઉપમા આપીને કહે છે કે ઈશ્વરને ઓળખી પણ શકાય છે, અને જોઈ પણ શકાય છે. ચોકીદાર રાતના અંધારામાં ગલીગૂંચીઓમાં પહેરો ભરતી વખતે હાથમાં એક ફાનસ રાખે છે. આ ફાનસને અંધારાનું ફાનસ કહે છે. તેની વિશેષતા એ છે કે તે જેના હાથમાં હોય છે, તે આ ફાનસથી બધાંને જોઈ શકે છે. પણ એને કોઈ જોઈ શકતું નથી. પણ જો ચોકીદાર એ ફાનસને પોતાના ચહેરા ઉપર ધરે તો એને જોઈ પણ શકાય છે, અને ઓળખી પણ શકાય છે. એ જ રીતે મનુષ્યધારી એ ચૈતન્યમય ભગવાન જે શક્તિથી પોતાને છૂપાવીને સમગ્ર સૃષ્ટિને આ જીવ-જગતને જુએ છે, એ જ ચૈતન્ય પ્રકાશથી જો તેઓ પોતે જ પોતાને બતાવી દે તો મનુષ્યો એમને જોઈ શકશે અને જાણી શકશે. અહીં આગળ તમને એક વાત કહું છું. સાંભળો-બીજા અવતારોની જેમ રામકૃષ્ણદેવને ઓળખવા બહુ જ મુશ્કેલ છે. એમનામાં રજોગુણનું ઐશ્વર્ય લેશમાત્ર પણ નથી. એમનામાં આદિથી અંત સુધી શુદ્ધ સત્ત્વનું ઐશ્વર્ય છે. દીન ભક્તના સ્વરૂપે સત્ત્વના ઐશ્વર્યને ઓળખવું અને પકડવું અતિ મુશ્કેલ છે. અહીં તો રાક્ષસોનો વધ કે નાશ કરવાનું કાર્ય પણ નથી. અઘાસુર, બકાસુર, તાડકા, પૂતના વગેરેનો સંહાર પણ નથી. આ બધું તો આંખોથી જોઈને અને કાનોથી સાંભળીને કંઈ સમજી શકાય છે. પણ અહીં તો સત્ત્વનું ઐશ્વર્ય છે, એને આ આંખો અને કાનો દ્વારા જોઈ કે સાંભળી શકાતું નથી. – એના માટે અલગ પ્રકારનાં આંખ-કાન જોઈએ. આ વખતે શું થયું એ જાણો છો? આ વખતે તો ભગવાનના ખજાનાનાં રત્નો-મણિઓ જે અતલ અને અપાર મહાસાગરના જળની નીચે છૂપાવીને રાખ્યાં હતાં, એ બધાં જ લૂંટાવી દેવામાં આવ્યાં. રામકૃષ્ણદેવે પોતે પોતાના શરીરના માધ્યમ દ્વારા દુ:સાધ્ય સાધનોનું મંથન કરીને (અનેક પ્રકારની કઠોર સાધનાઓ સિદ્ધ કરીને) આ બધા રત્ન-મણિઓને બહાર કાઢ્યાં અને ચણા-મમરાની જેમ જગતમાં વહેંચી દીધાં. રામકૃષ્ણદેવે અત્યાર સુધી મને જે કંઈ બતાવ્યું અને સમજાવ્યું એથી હું સારી રીતે જોઈ શક્યો છું અને સમજી શક્યો છું કે તેઓ જ ભગવાન છે. ભગવાનના અવતાર છે. જગતના સ્વામી અને સર્વશક્તિમાન છે. તેઓ જ રામ, તેઓ જ કૃષ્ણ, તેઓ જ કાલી તથા તેઓ જ અખંડ સચ્ચિદાનંદ છે, જે મન બુદ્ધિથી પર અને પાછા મન બુદ્ધિથી જાણી શકાય છે. મારા-તમારા માટે એમને જાણવાનો સહજ – ઉપાય છે – એમની લીલાનું દર્શન કરવું.

પાઠક : લીલાનું શ્રવણ કરી શકાય, પણ ભલા દર્શન કેવી રીતે કરી શકાય?

ભક્ત : જ્યારે તમે એ માર્ગ ઉપર એકાગ્રચિત્તે આગળ વધશો ત્યારે તમે પોતે જ એ સમજી શકશો. એનો અર્થ શો થાય છે, તે જાણો છો? જેમકે એક સુંદર સ્ત્રીના રૂપનું વર્ણન સાંભળતાં સાંભળતાં એક ભાવ જાગે છે અને પછી એ ભાવથી હૃદયમાં એ સુંદર સ્ત્રીની આકૃતિ અંકિત થાય છે. એ જ રીતે લીલાચરિત્ર સાંભળતાં સાંભળતાં લીલાનો ભાવ જાગે છે, અને પછી એ ભાવથી હૃદયમાં લીલાનું ચિત્ર અંકિત થાય છે, એ ચિત્ર જોતાં જ તમે સમજી શકશો કે જેમની આ લીલા છે, તેઓ કોણ છે.

પાઠક : રામાવતાર અને કૃષ્ણાવતારમાં કેટકેટલી આશ્ચર્યજનક ઘટનાઓ છે. જેવી કે – ભારે ધનુષ્ય હલકું થઈ ગયું, શિલા નારી બની ગઈ. ગોવર્ધન પર્વત ઊંચકાયો. કૃષ્ણ કાલી બન્યા. પૂતના મરી ગઈ. કંસનો વધ થયો, ગીતાનું ગાન થયું. પણ અહીં શું થયું છે?

ભક્ત : આનાથી પણ ઘણું વધારે થયું છે. આજ સુધી જેટલા અવતાર થયા છે, એ બધાંએ મળીને જે કર્યું છે, રામકૃષ્ણદેવે એ બધું જ કરીને, ઉપરાંત પણ ઘણી નવી વસ્તુઓ કરી છે, ઘણું જ વધારે કર્યું છે. તમે જે અવતારોની વાત કરી, એમનું લીલાચરિત્ર તમે સાંભળ્યું છે એટલા માટે તમે એમને ભગવાન માનીને વિશ્વાસ કરો છો. રામકૃષ્ણની લીલા સાંભળો. ત્યારે સમજી શકશો કે રામકૃષ્ણદેવ શું છે. જ્યારે તમને રામ અને કૃષ્ણ પ્રત્યે વિશ્વાસ છે. ત્યારે તો તમે રામકૃષ્ણની લીલા સહજ રીતે જ સમજી શકશો. જેઓ એક અવતારને સમજી શકે છે, તેઓ બધા અવતારોને પણ સમજી શકે છે. જેનો એકમાં પણ વિશ્વાસ ન હોય તેને કોઈમાં પણ વિશ્વાસ આવી શકતો નથી.

જેવી રીતે સાગરની રત્નસમૃદ્ધિ જળની ઉપર નહીં પણ જળની નીચે રહે છે અને ઊંડી ડૂબકી લગાવવાથી જ આ રત્નો મેળવી શકાય છે. એ જ રીતે રામકૃષ્ણ લીલા-સમુદ્રમાં ડૂબકી લગાવો તો અનેક પ્રકારનાં રત્નો મેળવશો અને તેમને રત્નાકરના સ્વરૂપે ઓળખી શકશો.

પાઠક : આપે જે કહ્યું કે બધા અવતારોએ જે કર્યું તે બધું તો રામકૃષ્ણદેવે કર્યું જ છે, પણ એ સિવાય તેનાથી પણ વધારે કર્યું છે. તો શું આપ એ કહેવા ઇચ્છો છો કે રામકૃષ્ણદેવ બીજા અવતારોથી શ્રેષ્ઠ છે?

ભક્ત : બધા જ અવતારો એ એ જ એકમેવ ઈશ્વર છે. ફક્ત એમનાં નામ અને રૂપ જુદાં જુદાં છે અને તેમની લીલાઓ પણ જુદી જુદી છે. જ્યારે જે લીલાની કે કાર્યની જરૂરિયાત ઊભી થાય ત્યારે એક અવતાર આવીને તે કાર્ય કરી જાય છે. એમના પ્રત્યેક અવતારોમાં બધાં જ કાર્યો કરવાનું સામર્થ્ય હોય છે, પણ બધાં કાર્યો કરવાની જરૂર હોતી નથી.

તમે તમારા થિયેટરના ઉદાહરણથી આ સમજી શકો છો. જેમકે તમારા નાટકમાં જુદા જુદા પ્રકારના ચરિત્રોનો અભિનય છે. પણ તમે ફક્ત વિદૂષકના પાત્રનો જ અભિનય કરો છો. પણ જો તમારે રાજા કે શિવ કે ભગીરથ કે અર્જુનના પાત્રનો અભિનય કરવો પડે તો શું તે તમે નહીં કરી શકો? જરૂર કરી શકો. પણ એવું કરવાની જરૂર નથી. એ રીતે સર્વશક્તિમાન પરમેશ્વર જે અવતારમાં જે કરવાનું આવશ્યક છે, તે અવતારમાં તે જ કરે છે. આ રામકૃષ્ણ અવતારમાં સમગ્ર આદર્શ અવતારોનો ખેલ બતાવવો આવશ્યક હતો, એટલે એ બધું બતાવ્યું. શું એમના અવતારોમાં ભલા કોઈ નાનો કે મોટો હોઈ શકે ખરો?

પાઠક : આપની વાતો તો ઘણી મજાની છે. આપ તો રામકૃષ્ણને ભગવાન સ્વરૂપે ગણાવો છો. પણ અમે તો તેમને બાર-તેર વર્ષ પહેલાં જોયા હતા, એમનો સ્પર્શ કર્યો હતો, પરંતુ એનાથી તો ક્યાં કંઈ થયું?

ભક્ત : એમનાં દર્શન કરવાથી કંઈ નથી થયું, એવી વાત મનમાં ક્યારેય લાવવી જોઈએ નહીં. તમારું ઘણું બધું થયું છે, પણ વાત એમ છે કે તમે તે જાણી શકતા નથી. દુર્લભ વસ્તુ જો સહેલાઈથી મળી જાય તો તેનું મૂલ્ય આંકી શકાતું નથી. મનુષ્ય તો જાણી પણ શકતો નથી. તમારું શું થયું છે, તે સાંભળવા ઇચ્છો છો? તમે સંસારના બંધનમાંથી મુક્ત થઈ ગયા છો. વળી તમારા ઉપર એમની કૃપા થઈ છે. રામકૃષ્ણદેવની મહાન લીલા સાંભળવા માટે તમે આતુર બન્યા છો. અને સહુથી મૂળ વાત તો એ છે કે એમના સ્વરૂપને જાણવા માટે તમે બેચેન બની ગયા છો. આનાથી વધારે સારું મનુષ્યનું ભાગ્ય બીજું ક્યું હોઈ શકે? માનવજીવનનો મુખ્ય ઉદ્દેશ છે – ભગવત્કથાનું શ્રવણ અને ભગવત્‌દર્શન. મનુષ્ય કામિની-કાંચનનો ગુલામ છે. કામ-કાંચન માટે તડપે છે. તમે લોકો પણ બરાબર એવા જ હતા. આજે જે કર્મનાં ફળ સ્વરૂપે ભગવાનનાં ચરણકમળમાં ભાવ જાગ્યો છે, એ કર્મ જ તો છે, રામકૃષ્ણનું દર્શન.

પાઠક : અમે બાર – તેર વર્ષ પહેલાં રામકૃષ્ણદેવનાં દર્શન કર્યાં હતાં પણ અત્યારે એમના વિષે સાંભળવાની, એમની મૂર્તિને ફૂલોથી સજાવવાની જેવી ઇચ્છા થાય છે, તેવી આટલા દિવસો સુધી કેમ ન થઈ?

ભક્ત : એના ઉત્તરમાં રામકૃષ્ણદેવ કહેતા હતા – એક ઘરની છત ઉપર એક બીજ પડ્યું હતું. અનેક વર્ષો પછી ઘર પડી ગયું ત્યારે એ બીજ જમીનમાં જઈને હવા-પાણીથી અંકુરિત થયું. તમારી પણ એ જ વાત છે. હવે સમય થયો. ફળ તો સમય આવ્યે જ આવે.

પાઠક : આપની વાત સાંભળીને અમને ઘણાં જ આશા અને વિશ્વાસ સાંપડ્યાં છે. અને મન-પ્રાણ શીતળ થઈ રહ્યાં છે.

ભક્ત : આ કંઈ મારી વાત નથી. હું જે કંઈ કહી રહ્યો છું તે સઘળી જગદ્‌ગુરુ રામકૃષ્ણદેવની વાણી છે. માત્ર મારા મુખેથી એ નીકળી રહી છે. છત ઉપર સિંહનું મોઢું રાખેલું હોય છે, તેમાંથી પાણી પડતું હોય છે, તેથી લોકો એમ કહે છે કે સિંહના મોઢામાંથી પાણી આવે છે. પણ એ પાણી કંઈ સિંહના મોઢાનું પાણી નથી. એ પાણી તો આકાશનું છે. એ જ રીતે આ નથી મારી વાણી કે નથી મારી કોઈ શક્તિ કે નથી કે મારી કોઈ બુદ્ધિ – બધું જ એમનું છે.

(ક્રમશ:)

Total Views: 67

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.