પાઠક : તો પછી નશો જાય કેવી રીતે?

ભક્ત : રામકૃષ્ણદેવે ઉત્તમ દવા બતાવી છે. અને એમની કૃપાથી આજકાલ એ દવા બહુ સહેલાઈથી મળી જાય છે. એ દવા છે – સાધુસંગ. ઠાકુર ઉપમા આપે છે. – જો કોઈ, ભાંગ કે ગાંજાના નશામાં બેહોશ થઈ જાય તો તેને ચોખાનું ઓસામણ પીવાથી જેમ તેનો નશો દૂર થઈ જાય છે, એવી જ રીતે જેઓ અવિદ્યાના નશામાં ડૂબેલા છે, એમના માટે સાધુસંગ એકદમ રામબાણ ઔષધ છે.

પાઠક : કામ-કાંચનનો નશો દૂર કરવા માટે જેમને સ્ત્રી-બાળકો છે, નોકરી – ધંધા છે, તેઓએ શું આ બધાંનો ત્યાગ કરવો પડે?

ભક્ત : એમ શા માટે? રામકૃષ્ણદેવે સંસારી લોકોને કામ-કાંચન છોડવાનું નથી કહ્યું. પણ કામ-કાંચનની આસક્તિ છોડવાનું કહ્યું છે. એમણે કહ્યું છે, કામ-કાંચનને હૃદયમાં સ્થાન ન આપો. કામ-કાંચનના ઉપર તમે સવાર થઈને રહો. જાણો છો, કેવી રીતે? જેમકે નાવ જો પાણીની ઉપર રહે તો કોઈ નુકસાન નથી પણ જો નાવની અંદર પાણી ઘૂસી જાય તો તેનો સર્વનાશ થઈ જશે, તે ડૂબી જશે. ધર્મપત્નીને ભગવત્પ્રાપ્તિમાં સહાયક માનો. એક કે બે સંતાન પછી સંસારમાં ભાઈ-બહેન સમાન રહો અને બંને હંમેશા ભગવાનની સેવા કરો. કાંચનને (ધનને) દાળ-રોટી પ્રાપ્ત કરવાનું સાધન માનો. આ સંસાર તો ભગવદ્‌-પ્રાપ્તિના માર્ગ પર ખૂબ સુરક્ષિત સ્થળ છે. રામકૃષ્ણદેવ સંસારને કિલ્લા સાથે સરખાવે છે. જે રીતે કિલ્લાની અંદર રહીને લડાઈ કરવાથી દુશ્મનોની ગોળીઓ અને શસ્ત્રોથી શરીરનું રક્ષણ થાય છે, ભૂખ-તરસ લાગે તો ખાવા-પીવાની વ્યવસ્થા હોય છે. અને વળી દુશ્મનોની સામે યુદ્ધ પણ થઈ શકે છે. એ રીતે સંસારમાં દાળ-રોટીની વ્યવસ્થા હોવાથી સમયસર ભોજન મળી જાય છે. ધર્મપત્નીની સાથે રહેવાથી પણ કોઈ દોષ નથી અને વળી પરિવારના આત્મીય સ્વજનોની સેવા પણ દુ:ખના સમયે મળતી રહે છે. બધું છોડી કરીને નીકળી જવાથી આ બધી સગવડ નથી મળતી, પણ બધી જરૂરિયાતો તો એની એ જ રહે છે.

તો પણ એમાં એક વાત છે – પહેલા સંસારને જાણી લેવો જોઈએ, પછી એમાં પ્રવેશ કરવો જોઈએ. નહીંતર ખૂબ મુશ્કેલી થાય છે. એક અજ્ઞાન વ્યક્તિનો સંસારમાં પ્રવેશ કરવો અને હાથમાં તેલ લગાવ્યા વિના ફણસ કાપવું – આ બંને એક જ વાત છે. હાથમાં તેલ લગાવીને ફણસ કાપવાથી જેમ તેનું દૂધ હાથમાં ચોંટતું નથી એ રીતે મનમાં જ્ઞાન-ભક્તિનો લેપ કરીને સંસારમાં પ્રવેશ કરવાથી કામ-કાંચનની આસક્તિની લપેટમાં આવવું પડતું નથી. પહેલાં જ્ઞાન-ભક્તિ મેળવવા જોઈએ. પછી સંસારમાં પ્રવેશ.

ઠાકુરનો ઉપદેશ છે, શરીર પર હળદર લગાવેલી હોય તો જેમ પાણીમાં મગરનો ભય રહેતો નથી. એ જ રીતે મનમાં જ્ઞાન-ભક્તિ રાખવાથી સંસારનાં કામ-કાંચન કંઈ જ બગાડી શકતાં નથી.

એક બીજું ઉદાહરણ : આંધળા-પાટાની એક રમતમાં જે ડોશીને અડી જાય તેને પછી ચોર થવાનો ભય રહેતો નથી. એ જ રીતે ભગવાનને મેળવીને પછી સંસારમાં રહેવાથી ચોર બનવું પડતું નથી.

એક હજુ વધારે ઉદાહરણ : હાથથી ખૂંટાને પકડીને પછી એની ચારે બાજુ ચક્કર ફરવાથી, જેમ પડવાનો ભય રહેતો નથી, એ જ રીતે ભગવાનને પકડીને જો કોઈ સંસારમાં રહે તો તેના પતનનો કોઈ ભય રહેતો નથી.

આ સંદર્ભમાં દૃષ્ટાંત છે: ‘એક ગામડિયો કોલકાતા જોવા માટે આવ્યો છે. હાથમાં એક થેલો અને છત્રી છે. થેલામાં કપડાં-લત્તાં અને રસ્તામાં વાપરવા માટે થોડી રકમ રહેલાં છે. ઘણું અદ્‌ભુત શહેર છે આ કોલકાતા. ગામડાં-ગામનો આ માણસ, પહેલી જ વાર અહીં આવ્યો છે, તે જે કંઈ જુએ છે, તે તેના માટે આશ્ચર્યજનક છે. આમ તેમ નજર કરીને જોતાં જોતાં તો સાંજ પડી ગઈ. હવે ક્યાં જવું ને ક્યાં રહેવું તેનો વિચાર કરતાં કરતાં તે એક દુકાનની પાસે બેસી ગયો. એક તો રસ્તાનો થાક હતો અને પાછો ક્યાં રહેવું તેના વિચારમાં હતો, એટલે થોડીક વારમાં તો તેને ઊંઘ આવી ગઈ. એવામાં એક મવાલીની તેના ઉપર નજર પડી. તેને લાગ્યું કે આ તો સાવ ગમાર માણસ છે, બસ તરત જ તેનો થેલો અને છત્રી ઊઠાવીને તેણે ચાલતી પકડી. જ્યારે એ ગામડિયો જાગ્યો ને જોયું તો સર્વનાશ. બરાબર એ જ રીતે જેઓ બધાં આ સંસાર રૂપી શહેરમાં આવ્યાં છે, તેઓ પહેલેથી જ પોતાના ઊતારાની વ્યવસ્થા કર્યા વગર આમ તેમ રખડ્યા કરે તો એમની પણ એવી જ દશા થાય છે.

બીજી એક સુંદર દૃષ્ટાંત કથા છે: માછીમારો વરસાદમાં માછલી પકડવા માટે તળાવમાં એક ફાંસલો ગોઠવી દે છે. ફાંસલાની વચ્ચે પાણીનો ચળકાટ જોઈને નાની નાની માછલીઓ તેની અંદર ઘૂસી જાય છે. પણ પછી એમાંથી પાછી નીકળી શકતી નથી. એ રીતે સંસારનાં કામ-કાંચનના ચળકાટમાં મુગ્ધ થઈને જેઓ બહાર નીકળવાનો રસ્તો જાણ્યા વગર ફાંસલામાં ઘૂસે છે, એમની દશા નાની માછલીઓ જેવી થાય છે.

સંસારમાં ખૂબ સાવધ રહેવું પડે છે. કામ-કાંચનથી રમવું અને સાપની સાથે રમત કરવી બંને એક જ છે. ગુરુદેવની પાસેથી મહામંત્ર કે મહાઔષધ લીધા વગર કામ-કાંચન સાથે રમત કરવાથી જીવનમાં બચવાની પછી કોઈ આશા રહેતી નથી.

પાઠક : શું ગુરુ આ બધું બતાવી દે છે? પણ અમારા ગુરુદેવે તો એક મંત્ર સિવાય કશું જ બતાવ્યું નથી. અને વળી મહાશય, ગુરુ પણ શું કેટલાય પ્રકારના હોય છે?

ભક્ત : તમે શું કહેવા માગો છો, એ હું સમજી ગયો છું. તમે જે ગુરુ અને શિષ્યની વાત કરી તે કેવી છે, તે જાણો છો? જેવી કે આંધળો આંધળાને દોરે તેમ. એનું પરિણામ એ આવશે કે બંને પડશે. પણ જો શિષ્યને ભગવાન પ્રત્યે પ્રેમ હોય તો તે પોતાની પ્રેમની શક્તિથી તે ગુરુની અંદર જ સાચા ગુરુને પ્રગટ કરી શકે છે. અહીંનો મત છે કે ગુરુ જુદા છે, અને સાચા ગુરુ તો વળી એક બીજા જ છે. સાચા ગુરુ કોણ છે તે જાણો છો? – તે છે ઈષ્ટમૂર્તિ. ધારો કે એક પક્ષીએ એક ઈંડું મૂક્યું. થોડો સમય એ ઈંડાને સેવ્યું અને તેમાંથી એક બચ્ચું નીકળ્યું. અહીં પણ બરાબર એમ જ છે. ગુરુએ કાનમાં મંત્ર આપ્યો. એ મંત્રની અંદર એક ઈષ્ટદેવ છે. હવે એ મંત્ર પર સાધન-ભજન, જપધ્યાન વગેરે કરવાથી એમાંથી બચ્ચા રૂપી ઈષ્ટમૂર્તિ પ્રગટ થાય છે. ઈષ્ટ પ્રગટ થયા પછી ગુરુ રહેતા નથી. બચ્ચું નીકળ્યા પછી ઈંડું નથી રહેતું.

પાઠક : જો ગુરુ અને ઈષ્ટ જુદા જુદા છે, તો પછી તમે બધા પરમહંસદેવને શું માનો છો?

ભક્ત : અહીં ગુરુ અને ઈષ્ટ બંને એક જ આધારમાં છે. જ્યાં સુધી પકડમાં આવ્યા નથી અને ખેલ કરે છે, ત્યાં સુધી ગુરુ છે અને જ્યારે તેઓ પકડમાં આવી જાય છે, ત્યારે ઈષ્ટ છે. ત્યાં આગળ જેમ ઈષ્ટને પ્રાપ્ત કરવાથી ગુરુનું સ્વરૂપ પછી રહેતું નથી, તેવું અહીં નથી. અહીં ઈષ્ટની પ્રાપ્તિ થવા છતાં પણ રામકૃષ્ણરૂપ રહે છે.

પાઠક : ગુરુ કોને કહે છે?

ભક્ત : ગુરુ એક જ છે અને તે છે ભગવાન.

ભગવાન સિવાય બીજું કોઈ ગુરુપદનું સમાનાર્થી નથી. પરંતુ આ ગુરુપદ પ્રાપ્ત કરવા માટે માર્ગમાં જે બધા ઉપદેશકો મળે છે, તેમને ઉપગુરુ કહેવામાં આવે છે. આ ઉપગુરુઓમાં બધા જ મનુષ્યો હોય એવું પણ નથી, એમાં પશુઓ પણ હોઈ શકે છે, પક્ષીઓ પણ હોઈ શકે છે. વૃક્ષો-વેલીઓ પણ હોઈ શકે છે અને દેવી-દેવતાઓ પણ હોઈ શકે છે. એમનાથી માર્ગનો સંપર્ક થાય છે, અને જ્યારે ગુરુની પ્રાપ્તિ થઈ જાય છે, પછી એમનો સંપર્ક રહેતો નથી. પછી ફક્ત ગુરુ અને શિષ્ય જ રહે છે. ઉપગુરુનો સંપર્ક ક્યાં સુધી અને કેટલો રહે છે, તે તમને એક ઉદાહરણ દ્વારા જણાવું છું:

જ્યારે કોઈ છોકરાની સગાઈનું નક્કી થાય છે, ત્યારે જે ગામમાં એની સગાઈ થવાની છે, એ ગામના કોઈ સ્ત્રી કે પુરુષ આવીને પહેલાં તો વાત ચલાવે છે. છોકરો એમને જોઈને મનોમન વિચારે છે કે આ લોકો પણ એ જ ગામના છે, જ્યાં મારી સગાઈ થવાની છે, એટલે તે તેમનો આદર સત્કાર કરે છે. એ પછી એને જોવા માટે બીજા પડોશીઓ આવે છે, ત્યારે તે છોકરો અગાઉના લોકોને છોડીને આ પડોશીઓને આદર આપે છે, એમ વિચારીને કે જ્યાં એની સગાઈ થવાની છે, એમના આ પડોશીઓ છે. એ પછી વાત પાકી કરવા માટે કન્યાના પિતા કે કાકા કે મામા કે ભાઈ વગેરે આવે છે, ત્યારે તે પડોશીઓને છોડીને કન્યાના પિતા, મામા, કાકા, કે ભાઈ વગેરેનો આદર સત્કાર કરે છે. અને લગ્ન પછી તો બધું જ છૂટી જાય છે અને રહી જાય છે, ફક્ત વર અને વધૂ! અહીં પણ બરાબર એમ જ છે. ગુરુ મળી જતાં પછી બીજું કોઈ મોટું નથી રહી જતું. પછી રહે છે ફક્ત ગુરુ અને શિષ્ય.

રામકૃષ્ણદેવ કહે છે કે ગુરુ મધ્યસ્થી છે. જેવી રીતે નાયક-નાયિકાનું મિલન કરાવવા માટે મધ્યસ્થીની જરૂર હોય છે, એ રીતે ભગવાન અને જીવના મિલન માટે એક ગુરુની આવશ્યકતા હોય છે. રામકૃષ્ણદેવ એ ગુરુ છે. તમે તો સાંભળ્યું છે કે જ્યારે તેઓ કૃપા કરીને એકવાર સ્પર્શ કરી દેતા તો એમના સ્પર્શ માત્રથી લોકો પોતાના ગુરુને એમની અંદર જોઈ શકતા હતા. ભગવાન બન્યા વગર ભલા એટલું સામર્થ્ય કોનામાં હોય કે જે ભગવાન સાથે મેળાપ કરાવી દે! તેઓ પોતે સ્પર્શ કરીને, શક્તિનો સંચાર કરીને પોતાને ઓળખાવી દેતા હતા.

રામકૃષ્ણદેવ કેવા ગુરુ છે, એ હું તમને સંક્ષેપમાં કહું છું, સાંભળો. રામકૃષ્ણદેવને જો કોઈ એકવાર સ્વીકારીને પછી તેમને છોડી દે તો પણ તેઓ તેને છોડતા નહીં. તે ભલે ભૂલી જાય પણ તેઓ તેને ભૂલતા નહીં. તે ભલે ડગી જાય પણ તેઓ ડગતા નથી.

રામકૃષ્ણદેવને જો કોઈ એક વાર બંધુ કહીને બાંધી લે અને પછી તે બંધન ખોલવા ધારે તો પણ તેઓ ખોલનારા નથી. રામકૃષ્ણદેવની સાથે જેનો એકવાર સ્પર્શ થઈ ગયો છે તે શું ફરી કામ-કાંચનમાં આસક્ત થઈ શકે ખરો? એના માટે તો હવે એ કામ-કાંચનનો માર્ગ કાંટાથી ભરેલો છે.

ભાવસમાધિમાં રામકૃષ્ણદેવે કહેલી આશાની વાણી છે – ‘હું જેને પકડીશ. તેને મારું સ્વરૂપ આપીને જ છોડીશ.’

ભાવાવેશમાં કહેલી એમની બીજી એક વાત છે – ‘હું નાગ-સાપ છું, જેને એકવાર દંશ દઈશ, તે ત્રણ ફુત્કારમાં જ ખતમ થઈ જશે.’

રામકૃષ્ણદેવ જેના ગુરુ છે, તેને બીજું કંઈ કરવાનું નથી રહેતું. બસ, છાતી ફુલાવીને બે હાથ ઊંચા કરીને હૃદયમાં ભરપૂર આનંદ માણવો એ જ એનું કામ છે. એના માટે હોડી ઘાટે બંધાઈ ગયેલી છે. તે હંમેશાં ઘાટને પોતાની નજર સામે જોઈ શકે છે. હોડીને પણ જુએ છે અને પાછો તેને પાર ઉતારનારને પણ જોઈ શકે છે. તે પોતાની મનની મોજમાં જેવું ઇચ્છે છે, તેવું હરે-ફરે છે. તે મનમાં જાણે છે કે જ્યારે ઇચ્છા થશે ત્યારે પેલે પાર જતા રહીશું. તે સંસારની રમતથી ડરતો નથી. પહેલાં તે આંખો બંધ કરીને રમતો હતો અને ત્યારે કેટલીય વાર પડ્યો હતો. હવે આંખો ખુલ્લી રાખીને રમતાં શીખ્યો છે. પહેલાં સંસાર એના માટે ‘ધોખાની ટટ્ટી’ જેવો હતો હવે સંસાર તેના માટે મોજની કુટિયા બની ગયો છે.

તમે લોકોએ પણ આવું જ કંઈ કંઈ જાણ્યું છે. આંખો ખોલીને જુઓ, રામકૃષ્ણદેવ શું છે? તેઓ ફક્ત મારા-તમારા ગુરુ નથી, જગદ્‌ગુરુ છે. રામકૃષ્ણદેવ ચાંદામામા છે, બધા જ માટે સમાન છે.

પાઠક : રામકૃષ્ણદેવ સાક્ષાત્‌ ઈશ્વર છે? ઈશ્વર-દર્શનનું ફળ શું છે?

ભક્ત : પરમહંસદેવના પરમવિશ્વાસુ ભક્ત, તમારા લોકોના ગિરીશબાબુ, કે તેના જેવા કવિ કે નાટ્યકાર આજકાલ મળવા મુશ્કેલ છે, તેમણે એક પુસ્તકમાં લખ્યું છે, ‘કૃષ્ણ-દર્શનનું ફળ છે, કૃષ્ણદર્શન.’ મારું પણ આ જ માનવું છે.

પાઠક : આ તો ઘણી જ આશા અને વિશ્વાસ આપનારી વાત છે. શું આપણે ફરીથી ભગવાનને રામકૃષ્ણના રૂપમાં જોઈ શકશું?

ભક્ત : હા, જરૂર જોઈ શકશો. એમને જોવાની તીવ્ર વ્યાકુળતા થવાથી જ તમે જોઈ શકશો. એમની મૂર્તિને પણ જોઈ શકશો, એ સિવાય એમનાં બીજાં રૂપો પણ છે એને પણ જોઈ શકશો. તેઓ તો રૂપના સાગર છે, એમનાં અનેક રૂપ છે.

(ક્રમશ:)

Total Views: 51

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.