(ગતાંકથી આગળ)

જામનગરના શંકરજી શેઠ (માંકડ) પવિત્ર સ્વભાવના હતા અને નિયમિત રીતે શાસ્ત્રનું અધ્યયન કરતા. તેઓ હંમેશાં જપમાળા કરતા, મંદિરે જતા અને અતિથિઓનો આદર-સત્કાર કરતા. એમનું ઘર ભિક્ષુકો, બ્રાહ્મણો, સાધુ-સંન્યાસીઓ માટે હંમેશાં ખૂલું રહેતું અને એમની સાથે તેઓ ભોજન પણ લેતા. પોતાના રોકાણ દરમિયાન સ્વામી અખંડાનંદજી અવારનવાર મોડીરાત સુધી શાસ્ત્રગ્રંથો વાંચતા રહેતા અને શેઠજી એમને સૂઈ જવા માટે વિનંતી પણ કરતા. સમય જતાં શેઠ શંકરજી સ્વામી અખંડાનંદજી પ્રત્યે આકર્ષાતા ગયા. એમણે અખંડાનંદજીને ભજન-સંગીત સંભળાવવા માટે ધ્રુપદ ગાયકીના સુપ્રસિદ્ધ પંડિત આદિત્યરામજીના શિષ્ય અને ગાયક શ્રી મુળજી વ્યાસને નિમંત્ર્યા હતા. એમનું સંગીત સ્વામી વિવેકાનંદે પણ સાંભળેલું અને એનાથી ખૂબ પ્રભાવિત થયા હતા. આ બધાને લીધે શેઠજીના ભત્રીજાઓના હૃદયમાં ઈર્ષ્યાની આગ સળગી ઊઠી. એ ઈર્ષ્યા એટલી બધી વધી ગઈ કે એક દિવસ અખંડાનંદજીએ પોતાના પ્રેમાળ યજમાનની વિદાય લેવાનું ઉત્તમ ગણ્યું. પરંતુ શેઠજી એમનાં ચરણોમાં પડ્યા અને આંખમાં આંસું સાથે કહ્યું: 

‘હું સ્વામી બ્રહ્માનંદજી (તત્કાલીન રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ)ને લખીશ કે જેથી તમને લાંબો સમય સુધી અહીં રહેવા દે. હું અહીં એક રામકૃષ્ણદેવનું મંદિર બંધાવીશ અને એમની સેવાપૂજા કરવાની વ્યવસ્થા પણ કરીશ.’ 

આ દરખાસ્ત સાંભળીને અખંડાનંદજી ચિંતિત બન્યા અને તેઓ જ્યારે શેઠજીનું ઘર છોડવાની તૈયારીમાં હતા ત્યાં જ એમણે શેઠજીને તાવમાં કણસતા સાંભળ્યા. એમનું હૃદય પીગળી ગયું અને એમની સારસંભાળ માટે તેઓ થોડો વખત ત્યાં રોકાઈ ગયા. શેઠજી જ્યારે સાજા થયા ત્યારે તેમના સગાંવ્હાલાઓ દ્વારા અખંડાનંદજીને કોફીમાં ધતૂરાના બીજનો ભૂક્કો નાખીને એમને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. આને લીધે અખંડાનંદજી ચાર દિવસ સુધી પથારીવશ રહ્યા. એમની માંદગીમાં ઝંડુભટ્ટજીએ એમનો જીવ બચાવ્યો અને સારી સારવાર આપી એટલું જ નહિ એમને આ બાબતે સાવધાન પણ કરી દીધા. સ્વામી વિવેકાનંદને પણ ઝંડુભટ્ટનો સંપર્ક જૂનાગઢમાં થયો હતો. એમના વિશે સ્વામીજીએ આવી નોંધ કરી છે :

‘મેં ઘણા પરોપકારી માણસો જોયા છે પણ ઝંડુભટ્ટ વિઠ્ઠલજી સાથે એમાંના કોઈની તુલના ન થઈ શકે.’

ઝંડુભટ્ટજી નિયમિત રીતે શેઠજીના ઘરે બંગાળના સુખ્યાત મનીષી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું જીવન અખંડાનંદજીના મુખે સાંભળવા જતા. જ્યારે વિદ્યાસાગરની પરોપકાર અને કરુણાદૃષ્ટિવાળા પ્રસંગો વંચાતા હતા ત્યારે ભટ્ટજીનું હૃદય હચમચી ઊઠતું અને એમની આંખમાંથી આસું સરવા લાગતાં. ભટ્ટજીના જીવનમાં ‘માનવમાં રહેલા ઈશ્વરસેવાની ભાવના’ને અખંડાનંદજીએ પોતાની નજરે જોઈ હતી અને એનાથી એમને સેવાભાવનાની પ્રેરણા પણ મળી હતી. એમનું ઘર જાણે કે એક હોસ્પિટલ બની જતું. જુદાં જુદાં દર્દોથી પીડાતા દર્દીઓને તેઓ સારવાર આપતા અને પોષક આહાર પણ આપતા. તેઓ દરરોજ સવારે ચાર વાગ્યે ઊઠી જતા. પૂજાસેવા પતાવ્યા પછી બહાર આવતા અને લોકો એમના ઘરે આવવા માંડતા. એમને ચા-પાણી પાતા અને દવાની ચીઠ્ઠી પણ કરી આપતા. ગરીબ-તવંગરને ભેદભાવ વગર દવાઓ મફત અપાતી. મકરધ્વજવટી જેવી કિંમતી દવાઓ પણ તેઓ વિનામૂલ્યે આપતા. આવી રીતે દવા વગેરે આપ્યા પછી તેઓ પોતાની ઘોડાગાડીમાં બેસીને પોતાના દર્દીઓને વિનામૂલ્યે તપાસવા જતા. ઝંડુભટ્ટજીના જીવનના અંતકાળ સુધી એમનું આ ઉદાર સેવાકાર્ય ચાલુ રહ્યું. એને લીધે એમના પર મોટું દેવું પણ થઈ ગયું. એમના મૃત્યુ પછી તેમના ભાઈઓ અને સગાં-સંબંધીઓએ કરજ ચૂકવવા ઘણી જહેમત ઉઠાવવી પડી હતી. 

આમ પરમ કૃપાળુ પ્રભુની કૃપાથી અખંડાનંદજીએ જામનગરમાં એક વર્ષ જેટલો સમય વીતાવ્યો. લોકો માટેની અસીમ કરુણાથી સીત્તેર વર્ષના વૃદ્ધ ભટ્ટજીની સેવાભાવનાથી અખંડાનંદજી ખૂબ પ્રભાવિત થયા હતા. તેઓ અંતરના ઉમળકાથી જે સંસ્કૃત શ્લોક વારંવાર ઉચ્ચારતા તેનો ગુજરાતી ભાવ: 

‘કોઈ પણ રીતે હું દુ:ખી દર્દીના દેહમાં પ્રવેશીને એમનાં દુ:ખકષ્ટને મારાં બનાવી દઉં, એવો કોઈ માર્ગ છે ખરો?’ 

સ્વામી અખંડાનંદજી પણ આ સંસ્કૃત પંક્તિઓ વારંવાર ઉચ્ચારતા. રંતીદેવની આ ઉક્તિથી એમના હૃદયમાં પીડિતજનો માટે કરુણાનું ઝરણું જાગી ઊઠ્યું અને તેઓ સેવાના આ આદર્શ પ્રત્યે વધુ અને વધુ આકર્ષાતા ગયા. દુ:ખીપીડિત પ્રત્યેના આ કરુણાભાવે એમને એ લોકોનાં દુ:ખકષ્ટને દૂર કરવા માટેના ઉપાયો શોધતા કરી દીધા. ઝંડુભટ્ટજી શ્રીમદ્‌ ભાગવતનો આ શ્લોક પણ વારંવાર ઉચ્ચારતા અને એ શ્લોક એમના હૃદયને સ્પર્શી ગયો હતો:

न कामयेऽहं गतिमीश्वरात् परा-
मष्टर्द्धियुक्तामपुनर्भवं वा ।
आर्तिं प्रपद्येऽखिलदेहभाजा-
मन्तः स्थितो येन भवन्त्यदुःखाः॥
९.२१.१२॥

‘હું ભગવાન પાસે આઠ સિદ્ધિઓ યુક્ત પરમ ગતિ નથી ઇચ્છતો; હું મોક્ષની કામના કરતો નથી?, હું તો એટલું જ ઇચ્છું છું કે હું બધા પ્રાણીઓના હૃદયમાં રહું અને એમનાં બધાં દુ:ખકષ્ટ હું જ સહન કરું, જેથી બીજા કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારનું દુ:ખકષ્ટ ન રહે.’

અખંડાનંદજીને પોતાના ગુરુદેવના આ શબ્દો યાદ આવ્યા: ‘જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી શીખતો રહીશ’ અને અખંડાનંદજી ભટ્ટજી જેવા ઉચ્ચાત્માના જીવનમાંથી સેવાનો બોધપાઠ શીખ્યા. તેમણે એકવાર કહેલું : 

‘માનવની સેવા કરવી અને એને ચાહવો એ જ સર્વશ્રેષ્ઠ કલ્યાણ છે. આ બધું હું વિશેષ કરીને ઝંડુભટ્ટજીના જીવનનું આચરણ જોઈને શીખ્યો છું.’

જ્યારે ઝંડુભટ્ટજી બીમાર પડ્યા ત્યારે તેમની સેવા કરીને માંદગીમાંથી બહાર લાવવા પ્રયત્ન કર્યો હતો. માંદગીમાંથી સાજા થયા પછી ભટ્ટજી ખંભાળિયા ગયા અને અખંડાનંદજી એમની સાથે ગયા. પછી ભટ્ટજી સાથે તેઓ બરોડા રાજ્યના કુંડલા ગામે થોડા સમય માટે ગયા. ભટ્ટજી ઘરે પાછા ફર્યા અને અખંડાનંદજી ભાવનગર જવા ઉપડ્યા. એ પહેલાં તેઓ પ્રખ્યાત તીર્થસ્થાન પાલિતાણાનાં જૈન મંદિરોની યાત્રાએ ગયા હતા. ભાવનગરમાં એમને જાણવા મળ્યું કે સ્વામીજી અમેરિકામાં છે. તેઓ ભાવનગરમાં એક પખવાડિયા સુધી રોકાયા અને પછી રેલગાડીમાં મુંબઈ જવા ઉપડ્યા. રસ્તામાં તેઓ નડિયાદમાં ઊતર્યા અને દીવાન હરિદાસ દેસાઈના પૈતૃક નિવાસસ્થાનમાં રહ્યા. અહીં થોડા દિવસ સુધી એમણે કૃષ્ણાનંદ ભીક્ષુ સાથે વેદોની ચર્ચા કરી હતી. (‘સ્વામી અખંડાનંદ’ સ્વામી અન્નદાનંદ, ૧૯૯૩, પૃ.૮૦-૯૫)

રામકૃષ્ણદેવના બીજા કેટલાક સાક્ષાત્‌ સંન્યાસી શિષ્યો ગુજરાતની મુલાકાતે

રામકૃષ્ણ મઠની સ્થાપના પછી સ્વામીજીએ શ્રીરામકૃષ્ણદેવના સંદેશનો ઉપદેશ અને પ્રચાર-પ્રસાર કરવા માટે સમગ્ર ભારતભરમાં પોતાના ગુરુબંધુ સંન્યાસીઓને મોકલવાની યોજના ઘડી. આ યોજના પ્રમાણે સ્વામી સારદાનંદજી અને સ્વામી તુરીયાનંદજી મહારાજને ગુજરાત અને કાઠિયાવાડમાં ૧૮૯૯ના ફેબ્રુઆરીમાં મોકલવામાં આવ્યા. જો કે સ્વામી તુરીયાનંદજી મહારાજની ગુજરાતની આ બીજી મુલાકાત હતી. ૧૮૯૬માં સ્વામી તુરીયાનંદજી મહારાજ આલમબજાર મઠમાંથી યાત્રાએ નીકળ્યા અને સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર પહોંચ્યા. જો કે એમના આ પ્રવાસની વિગતો સાંપડતી નથી. તેઓ જુનાગઢમાં ગિરનાર પર્વત પર આવ્યા. તેમને સમજાયું કે અહીંનું વાતાવરણ ધ્યાન માટે સુયોગ્ય છે. એટલે જ તેઓ ત્યાંની એક ગુફામાં રહેવા લાગ્યા અને થોડા મહિનાઓની તપશ્ચર્યા પછી તેઓ ગુજરાત છોડીને ગંગા તરફ આગળ વધ્યા.

૭ ફેબ્રુઆરી, ૧૮૯૯ના રોજ શ્રીમા સારદાદેવીના આશીર્વાદ લઈને સ્વામી તુરીયાનંદજી પોતાની ગુજરાતની બીજી યાત્રાએ સ્વામી સારદાનંદજી સાથે નીકળ્યા. સ્વામીજીએ પણ એમને મઠ માટે થોડું ધન એકત્ર કરવાની સૂચના આપી હતી. આ યોજના પ્રમાણે તેઓ કાનપુર, આગ્રા, થઈને પશ્ચિમ ભારતની પોતાની યાત્રામાં જયપુર પહોંચ્યા. જયપુરથી તેઓ રેલવે માર્ગે અમદાવાદ આવ્યા. અમદાવાદથી તેઓ લીંબડી ૧૫ ફેબ્રુઆરીની સાંજે પહોંચ્યા. ૪ માર્ચ સુધી તેઓ લીંબડીના મહારાજા યશવંતસિંહજીના મહેમાન રૂપે તેમને ત્યાં રહ્યા હતા. તેઓ ૨૦મી ફેબ્રુઆરીએ લીંબડીના મહારાજાશ્રીને મળ્યા અને તેમણે તેમને કેટલાક અગ્રણી લોકોને સંબોધીને પરિચય પત્રો આપ્યા. પછી લીંબડીના દીવાનના સૂચન પ્રમાણે લીંબડીમાં એક જાહેર સભાનું આયોજન થયું હતું, પરંતુ લોકોનો નબળો પ્રતિસાદ મળતાં ત્યાંના ગ્રંથપાલે ૨૬મી ફેબ્રુઆરીના રોજ સાંજના ૪ વાગ્યે બીજી સભા ગોઠવવાનું સૂચન કર્યું. આ જાહેરસભામાં સ્વામી સારદાનંદજીએ પોતાનું વક્તવ્ય હિંદીભાષામાં આપ્યું હતું. એમનું હિંદીમાં અપાયેલું આ સર્વપ્રથમ વ્યાખ્યાન હતું. ૧લી માર્ચના રોજ લીંબડીના દીવાન સાહેબે બંને સ્વામીજીઓને કહ્યું કે મહારાજા સ્વામીજીના કાર્ય માટે એક હજાર રૂપિયા આપવા રાજી થયા છે. જુનાગઢના દીવાને પણ ૨૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. 

૧૪મી માર્ચે તેઓ રાજકોટના ઠાકોર સાહેબ શ્રી લાખાજીરાજને મળ્યા હતા. એમણે આર્થિક સહાય આપવાનું વચન આપ્યું હતું. ૧૭મી માર્ચે બંને સ્વામીજીઓ મોરબી થઈને ગોંડલ જવા ઉપડ્યા. મોરબીમાં પોતાના રોકાણ દરમિયાન એમને ભગિની નિવેદિતાનો ૬ઠ્ઠી એપ્રિલનો પત્ર મળ્યો. એ પત્રમાં પોતાના ગુરુબંધુ સ્વામી યોગાનંદજીની મહાસમાધિના દુ:ખદ સમાચાર હતા. એ જ રાતે સ્વામી સારદાનંદજી મહારાજે મોરબીના ટાઉનહોલમાં હિંદીભાષામાં પોતાનું વ્યાખ્યાન આપ્યું. ૧૪ એપ્રિલે એમણે ભાવનગરની શામળદાસ કોલજમાં ‘વેદોનું સારભૂત તત્ત્વ’ એ વિશે પોતાનું વ્યાખ્યાન આપ્યું હતું. બ્રહ્મવાદિન સામયિકના અહેવાલ પ્રમાણે સમાજના વિવિધ ક્ષેત્રના લોકો પર આ સંભાષણનો જબરો પ્રભાવ પડ્યો હતો. પોતાના થોડા સમયના મુકામ દરમિયાન એમણે કાઠિયાવાડમાં એક કાયમી કેન્દ્ર સ્થાપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કાઠિયાવાડ ઘણા નાનાં નાનાં રાજ્યોનો પ્રદેશ હતો અને એમાં કેટલાંક સ્થળો જૈનો અને હિંદુઓ માટે યાત્રાનાં પવિત્ર તીર્થસ્થાનો હતાં. પશ્ચિમ ભારતમાં આ પ્રદેશનું એક મહત્ત્વનું સ્થાન હતું. એ વખતે આ પ્રદેશમાં જૈનધર્મનું પ્રબળ વર્ચસ્વ હતું. વૈષ્ણવ ધર્મના પણ કેટલાક સંપ્રદાયો હતા અને સ્વામીનારાયણ સંપ્રદાયના સહજાનંદ સ્વામીએ સામાજિક અને ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. ગુજરાતમાં તુરીયાનંદજી અને સારદાનંદજીનું વેદાંતના પ્રચાર-પ્રસારનું કાર્ય વધુ આગળ ધપી ન શક્યું કારણ કે સ્વામી વિવેકાનંદે એમને સત્ત્વરે બેલૂર મઠ પાછા ફરવાનો તાર પાઠવ્યો હતો. બીજે જ દિવસે તેઓ બેલૂર મઠ જવા નીકળ્યા અને ૩ મે, ૧૮૯૯ના રોજ, બે મહિનાથી પણ વધુ સમયગાળો ગુજરાતમાં ગાળીને મઠમાં પહોંચ્યા. 

સ્વામીજીના બીજા કેટલાક સંન્યાસી ગુરુભાઈઓએ પણ ગુજરાતની મુલાકાત લીધી હતી. સ્વામી વિવેકાનંદ પશ્ચિમમાંથી ભારતમાં ફર્યા ત્યાર પછીના થોડા દિવસો પછી ૧૯૦૦માં સ્વામી અદ્વૈતાનંદજી પોતાના થોડાક ગુજરાતી ભક્તો સાથે દ્વારકા જવા નીકળ્યા અને ૭ ફેબ્રુઆરી, ૧૯૦૧ના રોજ મઠમાં પાછા ફર્યા. અદ્વૈતાનંદજી પછી ૧૯૦૧ના વર્ષમાં સ્વામી શિવાનંદજી મહારાજ પણ આવ્યા હતા. આ વિશે આપણે હવે પછીથી જોઈશું. ૧૯૩૨માં સ્વામી વિજ્ઞાનાનંદજી પણ દ્વારકાની યાત્રાએ આવ્યા હતા અને એમણે રાજકોટના આશ્રમની અને મુંબઈના આશ્રમની મુલાકાત પણ લીધી હતી.

ગુજરાતી ભાષામાં શ્રીરામકૃષ્ણદેવનો જીવનસંદેશ

સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુબંધુઓની ગુજરાતની ભિન્ન ભિન્ન સમયની મુલાકાત પછી ભારતના પશ્ચિમ ભાગમાં શ્રીરામકૃષ્ણદેવનો જીવનસંદેશ પ્રસરાવવા માટે શ્રીકાલીપદ ઘોષ પર પસંદગી ઊતરી. કાલીપદ ઘોષ પણ સુખ્યાત ગિરીશઘોષ જેવા લહેરીલાલ હતા. એમનું જીવન શ્રીઠાકુરના એક સંસ્પર્શથી પરિવર્તિત થઈ ગયું. શ્રીરામકૃષ્ણના શુભાશીર્વાદ અને અવિરત પ્રેમને લીધે આવા દારૂડિયા અને સ્વછંદી વ્યક્તિ મહાન ભક્ત બની ગઈ. જો કે કાલીપદ ઘોષ ગિરીશ ઘોષની જેમ કોઈ મોટા લેખક કે નાટ્યકાર ન હતા. આમ છતાં પણ એમણે ઘણાં ગીતો રચ્યાં હતાં અને ૧૮૯૩માં ‘રામકૃષ્ણ સંગીત’ના નામે પ્રસિદ્ધ કર્યાં હતાં.

આ કાલીપદ ઘોષે જ ગુજરાતના સુખ્યાત સામયિક ‘પ્રજાબંધુ’ના સ્થાપક તંત્રી શ્રી ભગુભાઈ ફતેહચંદ કારભારીને ગુજરાતી ભાષામાં સ્વામીજીનાં પુસ્તકો પ્રસિદ્ધ કરવા માટે પ્રેર્યા હતા અને એમને સહાય પણ કરી હતી. આ રીતે રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનું ઝરણું ગુજરાતી ભાષામાં વહેવા લાગ્યું. આ સાપ્તાહિક ‘પ્રજાબંધુ’ પછીથી દૈનિક ‘ગુજરાત સમાચાર’ બન્યું. આજે પણ એ ગુજરાતના સુપ્રસિદ્ધ દૈનિકોમાંનું એક દૈનિક પત્ર છે. તેઓ રામકૃષ્ણ વિવેકાનંદના સાહિત્યથી પ્રેરાયા હતા અને વિશેષ કરીને ‘બ્રહ્મવાદિન’ અને ‘પ્રબુદ્ધભારત’ જેવા સામયિકોથી પણ એમને ઘણી પ્રેરણા મળી હતી. આનું પ્રમાણ આપણને એમના ‘પ્રજાબંધુ’ના પ્રથમ સંપાદકીય લેખના વિષય વસ્તુ પરથી મળે છે. ‘પ્રજાબંધુ’માં ૯ જુલાઈ, ૧૮૯૯ના અંકથી ક્રમશ: શ્રીરામકૃષ્ણદેવનું જીવન ધારાવાહિક રૂપે પ્રસિદ્ધ થયું હતું. ૧૯૦૧ના ‘પ્રજાબંધુ’ના બે અંકમાં શાંતિભુવન થિયેટર હોલમાં સ્વામી શિવાનંદજી મહારાજે આપેલાં ત્રણ સાંધ્ય વ્યાખ્યાનોનો સંદર્ભ જોવા મળે છે. સતત બે રવિવારે સ્વામી શિવાનંદજીએ ‘લાઈફ એન્ડ મિશન ઓફ શ્રીરામકૃષ્ણ પરમહંસ’ (રામકૃષ્ણ પરમહંસદેવનાં જીવન અને કાર્ય) વિશે પ્રચવનો આપ્યાં હતાં. શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં એક ઉત્તજના ઊભી કરનાર સ્વામી વિવેકાનંદે અમેરિકામાં કરેલા વેદાંતના પ્રચાર-પ્રસારના કાર્યની પણ વિગતે ચર્ચા કરી હતી. મૂર્તિપૂજા પાછળના રહસ્યને પણ એમણે સમજાવ્યું હતું. પછીના એક (સોમ)વારે તેમણે ‘ભક્તિ’ પર વ્યાખ્યાન આપ્યું. સાથે ને સાથે સદીઓથી આપણા મહિમામય સનાતન ધર્મ પર અજ્ઞાનને લીધે જામેલા પોપડાના થરને ઉખેડી નાખવાની આવશ્યકતા પર ભાર દીધો હતો. રામકૃષ્ણનું આગમન આ હેતુની પરિપૂર્તિ માટે થયું હતું. એ રીતે નવી દૃષ્ટિએ એમણે પ્રાચીન સનાતન વૈદિક ધર્મને પુન:સ્થાપિત કર્યો હતો.

મેસર્સ જ્હોન ડિકિન્સન એન્ડ કંપની લી., લંડન દ્વારા ઉત્પાદિત થયેલ કાગળના શ્રી ભગુભાઈ મુખ્ય વેપારી હતા અને એમની ઓફિસ અમદાવાદમાં હતી. મુખ્યત્વે તો શ્રીકાલીપદ ઘોષ કે જેઓ એ સમયે મેસર્સ જ્હોન ડિકિન્સન એન્ડ કંપની લી., લંડનની મુંબઈના ઓફિસના કાર્યવાહક હતા અને એમના પ્રયત્નોથી ભારતના ઘણાં મુખ્ય શહેરોમાં બીજી ઘણી શાખા-કચેરીઓ ખૂલી હતી. એમની ઘણી બધી સિદ્ધિઓમાંથી સૌથી વધારે ઉલ્લેખનીય સિદ્ધિઓ એટલે ૧૯૦૮માં અમદાવાદમાં રામકૃષ્ણ મિલની અને ૧૯૧૯માં સ્વામી વિવેકાનંદ કાપડમિલની સ્થાપના. સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મ પરિષદમાં આપેલાં સંભાષણોનો ગુજરાતી અનુવાદ કાલીપદ ઘોષની પ્રેરણાથી શ્રી ભગુભાઈએ ‘સનાતન હિંદુધર્મ’, (પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી ૧૮૯૭, પૃ.૩૬, વિજય પ્રવર્તક પ્રેસ, અમદાવાદ) નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું હતું. આ પુસ્તકના પરિશિષ્ટમાં એમણે સ્વામી વિવેકાનંદનું સંક્ષિપ્ત જીવનચરિત્ર આપ્યું છે. એમાં એમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ દ્વારા જૂન, ૧૮૯૩માં પ્રસિદ્ધ થયેલ ‘ધાર્મિક પુરુષો’નામના પુસ્તકનો ઉલ્લેખ પણ કર્યો છે. ૧૦૦ પાનાની આ પુસ્તિકાના લેખક ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષર નારાયણ હેમચંદ્ર (૧૮૫૫-૧૯૦૪) હતા. આ પુસ્તકમાં શ્રી ચૈતન્ય, નાનક, કબીર, શ્રીરામકૃષ્ણ જેવા ૧૨ મહાન પયગંબરો અને સંતોનાં સંક્ષિપ્ત જીવનનો સમાવેશ થાય છે. જેમાં શ્રીરામકૃષ્ણદેવનું જીવન ૧૩ પાનામાં લખાયેલું છે. આ સંક્ષિપ્ત જીવનચરિત્ર બંગાળી સિવાય કોઈ પણ પ્રાદેશિક ભાષાઓમાંનું પ્રથમ પ્રકાશન હોઈ શકે. રામચંદ્ર દત્તે આ પહેલાં બંગાળીમાં ૧૮૯૦માં તેમનું જીવનચરિત્ર લખ્યું હતું. જો કે નારાયણ હેમચંદ્રે ‘ઈંડિયન મિરર’ અને ‘ધર્મતત્ત્વ’ તેમજ ‘પરમહંસેર્‌ ઉક્તિ’ (૧૮૮૯)નો જ ઉલ્લેખ આ જીવનચરિત્રમાં કર્યો છે.

‘સનાતન હિંદુધર્મ’ના પાછળના મુખ્ય પૃષ્ઠ પર ભગુભાઈએ સ્વામીજીનાં ૧૧ પુસ્તકોની યાદી છાપી છે. આ પુસ્તકો તૈયાર થયાં હતાં. એમાંનું ‘કર્મયોગ’ અમદાવાદના સરસ્વતી ભવન દ્વારા ૧૮૯૭માં પ્રસિદ્ધ થયું. અહીં એમણે શ્યામજીકૃષ્ણ વર્મા પાસેથી પ્રિન્ટીંગ મશીનરી ખરીદીને એક પ્રિન્ટીંગ પ્રેસ શરૂ કર્યો. ‘કર્મયોગ’ (પ્રથમ આવૃત્તિ, સપ્ટેમ્બર, ૧૮૯૭, પૃ.૯૬) અને ‘વિવેકાનંદના પત્રો’ (પ્રથમ આવૃત્તિ, જાન્યુઆરી, ૧૯૧૨, પૃ.૨૮૪, એન.એમ. ત્રિપાઠી એન્ડ કંપની, મુંબઈ) ના પુરોવચનમાં શ્રી ભગુભાઈ કેટલીક રસપ્રદ હકીકતો રજૂ કરે છે. ૧૮૯૨માં મુંબઈમાં સ્વામીજી સાથે એમનો પરિચય એમના મિત્ર પરેશચંદ્ર ઘોષે (પછીથી સ્વામી શ્યામાનંદ) કરાવ્યો હતો. તેમણે એ પણ વર્ણવ્યું છે કે તેમને સ્વામીજી તરફથી નિયમિત રીતે પત્રો મળતા રહેતા. આવો એક પત્ર ૮ ઓગસ્ટ, ૧૮૯૬ના રોજ સ્વીટ્‌ઝરલેન્ડથી સ્વામીજીએ લખ્યો હતો. આ પત્રમાં સ્વામીજીએ લખ્યું હતું: ‘કર્મયોગનો અનુવાદ તમારે અંગ્રેજીને બદલે અમેરિકન આવૃત્તિમાંથી કરવાની જરૂર છે.’ સ્વામીજીના બીજાં કેટલાંક પુસ્તકો જેવા કે ‘રાજયોગ’ (પ્રથમ આવૃત્તિ, ૧૮૯૯, પૃ.૧૧૨) ‘પતંજલિ યોગદર્શન’ (પ્રથમ આવૃત્તિ, ૧૯૦૩, પૃ.૨૪૦) નો અનુવાદ શ્રીભગુભાઈએ કર્યો હતો અને એનું પ્રકાશન અમદાવાદના મહાદેવ રામચંદ્ર જાગુષ્ટેએ કર્યું હતું. ‘સ્વામી શિષ્ય સંવાદ’ (બીજી આવૃત્તિ, ૧૯૧૪, પૃ.૬૦, મેઘજી હીરજી એન્ડ કાું., મુંબઈ)નો અનુવાદ પણ એમણે કર્યો છે. આ ત્રણેય પુસ્તકો ભોજે વિદ્યાભવન ગ્રંથાલય, અમદાવાદમાં હજી સુધી જાળવી રાખવામાં આવ્યા છે.

ઉપર્યુક્ત ત્રણ પુસ્તકોને રિવ્યુ માટે ‘પ્રબુદ્ધ ભારત’માં મોકલવામાં આવ્યાં હતાં. ૧૯૦૧ના જુલાઈની નોંધમાં ‘પ્રબુદ્ધ ભારત’માં આમ જણાવવામાં આવ્યું છે :

‘પ્રજાબંધુ સમાચારપત્રના સ્થાપક અને પ્રથમ તંત્રી શ્રીમાન્‌ ભગુ એફ. કારભારીએ ગુજરાતીમાં અનુવાદ કરેલ ‘કર્મયોગ’, ‘રાજયોગ’ અને ‘હિંદુઈઝમ’ સ્વામી વિવેકાનંદનાં આ ત્રણ પુસ્તકોની એક એક નકલ સાભાર મળી છે. આપણા દેશનો દરેકેદરેક સક્ષમ માનવ જે સ્વામીજીનાં લખાણોનો પોતાની માતૃભાષામાં અનુવાદ કાર્ય કરવાની જવાબદારી લે છે તે પોતાના દેશબાંધવોની સેવા કરે છે. એનું કારણ એ છે કે આપણા દેશના અલ્પસંખ્યક લોકો જ એમનાં મૂળ લખાણોને અંગ્રેજીમાં વાંચી શકે છે.’

૧૮૯૩માં વિશ્વમંચ પર સ્વામીજીનો પ્રવેશ અને ૧૮૯૭માં પશ્ચિમમાંથી પાછા ફર્યા પછી એમનું થયેલું ભવ્ય અને ઐતિહાસિક સ્વાગત સન્માન; આ બંને સેંકડો વર્ષના વિદેશી આધિપત્યના પરિણામે ગાઢ ગ્લાનિમાં મૃત:પ્રાય બનેલા ભારતની નવજાગૃતિના પ્રથમ સંકેત હતા. પરિણામે સમગ્ર દેશ ધર્મ અને ભાષાના ભેદભાવો ભૂલીને એમનામાં પોતાનો મહાન અને સર્વમાન્ય નેતા જોવા લાગ્યા. આ મહાન નેતાએ પ્રજાજનોનાં આદર્શો અને આકાંક્ષાઓને અભિવ્યક્ત કર્યાં હતાં. ‘ધ સ્ટેટ્‌સ મેન’ અને ‘ધ ઈંડિયન મિરર’ જેવા અંગ્રેજી સમાચાર પત્રો ઉપરાંત સ્વામી વિવેકાનંદે શરૂ કરેલા સામયિકો ‘બ્રહ્મવાદિન’ (૧૮૯૫), ‘પ્રબુદ્ધભારત’ (૧૮૯૬) અને ‘ઉદ્‌બોધન’ (૧૮૯૯) તેમજ કેટલાય પ્રાદેશિક ભાષાનાં સમાચાર પત્રોએ અને સામયિકોએ સમગ્ર દેશભરમાં સ્વામીજીનાં સંભાષણો, લખાણો, પત્રોના નીચોડ તેમજ અહેવાલો હૃદયના ઉત્સાહ સાથે ૧૯મી સદીના છેલ્લા દાયકામાં પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું. જેનો પ્રારંભ ૧૮૮૨માં એક સાપ્તાહિક પત્ર રૂપે થયો હતો, એવા ગુજરાતના સુપ્રસિદ્ધ દૈનિક ‘મુંબઈ સમાચારે’ એવા કેટલાય અહેવાલો પ્રસિદ્ધ કર્યા. એમાંનો સૌથી વધારે આકર્ષક અહેવાલ ૨૦ ફેબ્રુઆરી, ૧૮૯૭ના રોજ સ્વામી વિવેકાનંદના કોલકાતામાં થયેલ અભિવાદનનો હતો. ત્યાર પછી સ્વામીજીની મહાસમાધિ બાદ ૮ જુલાઈ, ૧૯૦૨ના રોજ એમનું સંક્ષિપ્ત જીવન પણ એ દૈનિક પત્રમાં પ્રસિદ્ધ થયું હતું.

આપણે અગાઉ જોયું તે પ્રમાણે શ્રીરામકૃષ્ણદેવ અને તેમના સંદેશ પરનાં કેટલાંક પુસ્તકો ૧૮૮૦ના પ્રારંભમાં બંગાળીમાં પ્રસિદ્ધ થયાં હતાં. ૧૮૯૦ના દાયકાના છેલ્લાં વર્ષોમાં મોડે મોડેથી અંગ્રેજી ભાષામાં સ્વામીજીનાં પુસ્તકોનાં પ્રથમ પ્રકાશનો બહાર પડવા લાગ્યાં. ૨૩ ફેબ્રુઆરી, ૧૮૯૬ના રોજ સ્વામીજીનું પ્રથમ પુસ્તક ‘કર્મયોગ’ ન્યૂયોર્કમાં પ્રસિદ્ધ થયું હતું. ત્યાર પછી જુલાઈ, ૧૮૯૬માં ‘રાજયોગ’ લંડનમાંથી બહાર પડ્યું. કેટલાંક વધુ પુસ્તકો અને અસંખ્ય નાની નાની પત્રિકાઓ પણ પ્રકાશિત થઈ હતી. પરંતુ રામકૃષ્ણ ભાવ-આંદોલનનું સૌ પ્રથમ બંગાળી સામયિક ‘ઉદ્‌બોધન’ જાન્યુઆરી, ૧૮૯૯માં બહાર પડ્યું. આ સામયિકે બંગાળી ભાષામાં અનૂદિત અને પ્રકાશિત પુસ્તકો નિયમિત રીતે બહાર પાડવાના સઘન પ્રયત્નો કર્યા હતા. ગુજરાતની કેટલાક સાક્ષરરત્નોના પાયાના પ્રયત્નોને કારણે રામકૃષ્ણ-વિવેકાનંદના વિચારો બીજી કોઈ પણ પ્રાદેશિક ભાષા કરતાં સૌ પ્રથમ પ્રકાશિત થયા એવું આપણે કહી શકીએ. એટલે જ રામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદની કોઈ પણ બીજી પ્રાદેશિક ભાષાઓ કરતાં સર્વ પ્રથમ અને સૌથી વહેલાં સંક્ષિપ્ત જીવનકથા ૧૮૯૬માં ગુજરાતી ભાષામાં બહાર પડી હતી.

વિશ્વકોષ જેવા મહાજન મંડળ નામના ૧૩૨૫ પાનાનાં મહાગ્રંથના રચનાર વડોદરા રાજ્યના મગનલાલ એન. પટેલે એ પુસ્તકમાં રામકૃષ્ણ અને સ્વામીજીનો સર્વગ્રાહી સંક્ષિપ્ત જીવન પરિચય દસેક પાનામાં આપ્યો છે. આ મહાગ્રંથમાં મોટી સંખ્યામાં સંતો, સુશાસકો, દીવાનો, સાક્ષરરત્નો તેમજ મીરાંબાઈ, નરસિંહ મહેતા, તુકારામ, જેવા ભક્ત કવિઓ, કેશવચંદ્ર સેન, મેક્સમૂલર, સયાજીરાવ ગાયકવાડ, હરિદાસ વિહારીદાસ દેસાઈ, જેવી મહાન વ્યક્તિઓના સંક્ષિપ્ત જીવન અપાયાં છે. એમાંથી સ્વામીજી જેવી કેટલીક વિભૂતિઓ તો ત્યારે પણ જીવીત હતી. જ્યારે આ ગ્રંથ ૧૮૯૬માં પ્રસિદ્ધ થયો હતો. ત્યારે સ્વામીજીની ઉંમર ૩૩ વર્ષની હતી અને ભારતના પયગંબર તરીકે ભારતમાં પાછા ફર્યા તેના એક વર્ષ પહેલાં તેઓ ઈંગ્લેન્ડમાં વેદાંતનો ઉપદેશ આપતા હતા. આપણને એ પુસ્તકમાં જોવા મળે છે કે લેખકે સ્વામીજીને એક ત્રાતા અને વેદાંતનાં સનાતન સત્યોનું પુન:સ્થાપન કરનાર અવતારી પુરુષ રૂપે ઉદ્‌ઘોષિત કર્યા હતા. આ પુસ્તકના પુરોવચનમાં લેખક શ્રી મગનલાલ પટેલે પુસ્તકની તૈયારી વખતે અગત્યની સાહિત્યિક સામગ્રી પૂરી પાડવા માટે શ્રી ભગુભાઈ કારભારીની સહાયનો ઋણ સ્વીકાર કર્યો છે. એટલે આપણે આટલી ધારણા ચોક્કસપણે કરી શકીએ કે ભગુભાઈ કારભારીએ પૂરી પાડેલી રામકૃષ્ણ-વિવેકાનંદ વિશેની સાહિત્ય સામગ્રી કે માહિતી શ્રી કાલીપદ ઘોષની સહાયથી જ મળી હશે.

(ક્રમશ:)

Total Views: 50

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.