(ગતાંકથી આગળ)

પાઠક : આપે હમણાં જ તો કહ્યું કે ભગવાનનો ખેલ અને હવે કહો છો માયાનો ખેલ? સાંભળ્યું છે, માયા મિથ્યા છે, અનિત્ય અને ભ્રમજાળ માત્ર છે.

ભક્ત : મન વગેરેથી પર અત્યંત સૂક્ષ્મતમ ચૈતન્ય – સ્વરૂપ ભગવાન જે શક્તિ દ્વારા આ રીતે સ્થૂલ બનીને જીવ – જગત રૂપે પ્રકટ થયા, એ શક્તિનું નામ છે માયા. જેમ ભગવાન નિત્ય અને સત્ય છે, તેમજ તેમની માયા પણ નિત્ય અને સત્ય છે. નિત્ય અને સત્ય દ્વારા જેનો જન્મ થયો છે, એ શું ક્યારેય અનિત્ય અને અસત્ય હોઈ શકે? આ માયાશક્તિ જ લીલાશક્તિ છે. આ શક્તિના જોરે તેઓ લીલા કરે છે. આમ તો માયાશક્તિ છે તો ઈશ્વરને આધીન, છતાં પણ તેનો મહિમા ઈશ્વરથી પણ વધારે છે. જો માયાશક્તિ કાર્ય કરતી ન હોય તો ઈશ્વર સિવાય બીજા કોઈ માટે ઈશ્વરની પ્રાપ્તિનો ઉપાય રહેતો નથી. લીલાશક્તિનાં કાર્ય વગર સૃષ્ટિનું અસ્તિત્વ જ નહીં રહે, એટલે કે આ જીવ-જગત જ રહેશે નહીં અને જો જીવ જ ન હોય તો ઈશ્વર હોય તો પણ નથી. જેવી રીતે જન્માન્ધ વ્યક્તિ માટે પૂર્ણિમાનો પ્રકાશ હોવા છતાં પણ નથી. માયાશક્તિ સર્જન કરીને, જીવની જન્મદાત્રી બનીને પહેલાં તે જીવને પોતાનું સ્વરૂપ બતાવે છે અને પછી તેને ઈશ્વરનાં દર્શન કરાવી દે છે. જેવી રીતે અરિસાના માધ્યમ દ્વારા પોતાનું પ્રતિબિંબ જોઈ શકાય છે, એ જ રીતે જીવ માયામાંથી ઉત્પન્ન થઈને માયાના જ માધ્યમ દ્વારા ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે. જો માયા માર્ગ છોડી ન દે તો જીવને ઈશ્વર-દર્શન થઈ શકતું નથી.

માયાશક્તિ ઇચ્છામયી છે, લીલામયી છે. એક હોવા છતાં બે રૂપ ક્રીડા કરે છે. – એક છે, વિદ્યાશક્તિ અને બીજી છે, અવિદ્યાશક્તિ. એક જ શક્તિમાં આ બંને પ્રકારના ભાવો કેવી રીતે છે, એ તમે જાણો છો? આ સંદર્ભમાં રામકૃષ્ણદેવની એક દૃષ્ટાંત કથા છે; બિલાડીના દાંત તો એ જ છે, એ દાંતથી જ્યારે તે પોતાનાં બચ્ચાંને પકડીને સુરક્ષિત જગ્યાએ લઈ જાય છે, ત્યારે એ દાંત બચ્ચાંના ગળામાં જરા પણ લાગતા નથી. પણ પછી જ્યારે એ જ દાંતથી તે ઉંદરને પકડે છે ત્યારે ઉંદર તરફડિયાં મારવા લાગે છે. એ જ રીતે જ્યારે માયા વિદ્યાશક્તિના માધ્યમથી જીવને પકડે છે, તો જીવને તે ઈશ્વરના માર્ગ પર લઈ જાય છે અને જ્યારે અવિદ્યાશક્તિ દ્વારા પકડે છે, ત્યારે જીવને એકદમ મોહ પમાડીને, હાથ-પગમાં દોરડું બાંધીને સંસારમાં ફેંકી દે છે.

તો એ જ એકમેવ રામકૃષ્ણદેવ લીલાશક્તિની સહાયતાથી કઈ રીતે જીવ-જગત બનીને વિરાટ્‌રૂપે થયા, એની વાત મેં તમને કહી. હવે તેમનું જે નિરાકાર સ્વરૂપ છે, એ વિષે તેઓ કહે છે : તે કેવું છે, તે મોઢેથી બોલી શકાતું નથી. એ સ્થિતિમાં જીવ-જગત નથી, સૃષ્ટિ પણ નથી. સાંભળ્યું કે માયા મિથ્યા છે, ભ્રમજાળ છે, એ વાત સાચી છે.

માયા મિથ્યા હોવા છતાં પણ સત્ય છે અને સત્ય હોવા છતાં પણ મિથ્યા છે. આ સંદર્ભમાં પરમહંસદેવે સુંદર રીતે સમજાવ્યું છે. તેઓ કહેતા : ‘જ્યારે હું જીવ-જગતને સ્પષ્ટ રૂપે જોઉં છું તો તેને મિથ્યા કેવી રીતે કહું? વળી શંકરાચાર્યના મત પ્રમાણે જીવ-જગત છે જ નહીં તો સમાધાનની જે વાત છે, તે એ છે કે આ પણ સાચું અને પેલું પણ સાચું. ભગવાનનાં રૂપોનો કોઈ અંત જ નથી. ભગવાન જ બધું છે, એના સિવાય બીજું કંઈ જ નથી અને હોઈ શકે પણ નહીં, આવું કહેવાથી તો તેમને સાન્ત બનાવી દેવા પડશે, સીમિત કરી દેવા પડશે.

ઠાકુરનું સમાધાન એ છે કે તેઓ બધું જ બની શકે છે. એમના માટે સર્વ કંઈ સંભવ છે. 

પાઠક : તો એવા છે, ઠાકુર પરમહંસદેવ.

પણ આપે તો કહ્યું કે જે રામ, જે કૃષ્ણ એ જ છે શ્રીરામકૃષ્ણ. પરંતુ તેઓ તો કંઈ એમના જેવા દેખાતા નથી કે નથી જણાતા એમના એવાં કોઈ અલૌકિક કાર્યો અને વળી લોકો પણ કંઈ એવું કહેતા નથી; પણ હા, એટલું જરૂર છે કે આજકાલ અનેક સ્થળે એમની વાતો થઈ રહી છે.

ભક્ત : આ વાત તમને પહેલાં પણ કરી હતી અને હવે ફરીથી પણ કહી રહ્યો છું. એવું લાગે છે કે રામકૃષ્ણદેવ વિષેની તમારી શંકા હજુ નિર્મૂળ થઈ નથી. તમે એમને પ્રાર્થના કરો. તેઓ જ તમને સમજાવી દેશે. બતાવી દેશે.

વિશેષ રૂપે એક વાત કહું છું – સાંભળો. અવતાર વિશેષમાં રૂપ વિશેષ હોય છે. જેમકે રામ અવતારમાં રામ રૂપ. કૃષ્ણ અવતારમાં કૃષ્ણ રૂપ. આ વખતે રામકૃષ્ણ અવતારમાં રામકૃષ્ણ રૂપ છે. બધા જ અવતારોમાં એક જ પ્રકારનો દેખાવ કે પરિવેષ હોતો નથી અને બધા અવતારોના કાર્યોમાં પણ સમાનતા હોતી નથી. અવતાર બે પ્રકારના છે; એક તો ધરતીનો ભાર દૂર કરવા માટે, સાધુઓની રક્ષા કરવા માટે અને દુષ્ટોનો વિનાશ કરવા માટે. જ્યારે બીજા અવતારને આદર્શ અવતાર કહેવામાં આવે છે. આ અવતારનું કાર્ય છે, – ધર્મની સ્થાપના કરવાનું, મનુષ્યોને જ્ઞાન આપવાનું અને પતિતોનો ઉદ્ધાર કરવાનું. આદર્શ અવતારમાં ઐશ્વર્ય તો હોય છે જ, પણ તે વ્યક્ત હોતું નથી. વેષભૂષાનો દેખાવ હોવા છતાં પણ જણાતો નથી, હોય છે, ફક્ત માધુર્ય! આદર્શ અવતાર ઐશ્વર્ય ન હોવા છતાં ઐશ્વર્યથી ભરપૂર અને રૂપ ન હોવા છતાં રૂપયુક્ત હોય છે. શ્રીશ્રીરામકૃષ્ણ પૂંથિમાં આ વિષે જે જણાવવામાં આવ્યું છે. તે તમને કહું છું સાંભળો :

અરે અવિશ્વાસી મન! કહું શું હું હવે;
તારે સદાકાળ રે’વું સંદેહ કાદવે!
બેસે ન વિશ્વાસ તને મને શી છે ક્ષતિ?
હું તો જાણું પ્રભુ મારા અખિલના પતિ.
રક્ષિતા ને નેતા પથે, હૃદયવિહારી;
સંસાર જલધિ જળ થકી પારકારી.
રતન માણેક હીરા મારાં બુદ્ધિ બળ;
સંપદે વિપદે સખા સહાય કેવળ.
ઐશ્વર્ય દેખી તત્ત્વનો કરતાં નિર્ણય;
તારી પેઠે હું ન બનું શંક્તિ એ ભય.
ભલે ને હો પ્રભુદેવ પુજારી બ્રાહ્મણ;
પરગૃહવાસી કિંવા પરાન્ને પાલન.
ભલે કો’કવાર એ છે નિરક્ષર વેશ;
અરૂપ અગુણ કિંવા પાગલ વિશેષ.
ક્યારેય એ ભલે પંચભૂત દેહ ધારી;
દીન હીન દુ:ખાતુર તથા ગંદાચારી.
બાળક સમાન નહિ પહેરવા પણ;
ર્જીણ શીર્ણ કલેવર ગળે વળી વ્રણ.
ગમે તે તેનામાં હોય ભલે એ બિચારા;
ભજીશ પૂજીશ એ ઠાકુરને હું મારા.
ઇચ્છો તમે વેશભૂષા ઐશ્વર્ય દર્શન;
અંગે કાંતિ નવ દુર્વાદલનો વરણ.
રતન કુંડલ કાને લંબમાન, વેણી;
ખચિત એ મુકુટમાં મોતી રત્નો મણિ.
પદે પદે હાથી ઘોડા રથથી સન્માન;
પીઠ પર ભારો હાથે ધાર્યાં ધનુર્બાણ.
કનકવરણી ડાબે સીતા મહારાણી;
જનક સુતા જે હર ધનુ ભાંગી આણી.
અરે મન નિરૈશ્વર્ય તેથી શંકા લાવ્યા?
એ જ રામ છે આ રામકૃષ્ણ રૂપે આવ્યા.
ચાહો તમે દેખવાને શિરે મોરપિચ્છ;
શોભે ભાલે તિલક ને કેશ તણું ગુચ્છ.
નાકે ગજમોતી નથ હાલુડુલુ થાય;
કૌસ્તુભમણિની માળા ઝૂલે ગળામાંય.
નયનો બંકિમ કાન સુધી ખેંચાયેલ;
નીલ તનુ સુગંધી ચંદને ચર્ચાયેલ.
મનોહર પીતાંબર સમાન વીજળી;
ભુવન મોહન વેણુ હાથમાં પકડી.
રાધાના પ્રેમે બંકિમ ત્રિભંગી લલામ;
જન મન નિરંજન નટવર શ્યામ.
હાલે ગળે વનમાળા આપદલંબિત;
બંસીવાળા ગળે ગુંજામાળા સુશોભિત.
કનકનૂપુર પાયે ઝણ ઝણ રવ;
રક્તિમ કમલ પદ મૂર્ત જે પ્રણવ.
ડગે ડગે જાણે ખીલે કમલ આવલિ;
મકરંદ ગંધે દોડે મધમાખ ટોળી.
અરે મન નિરૈશ્વર્ય દેખી શંકા લાવ્યાં;
એ જ કૃષ્ણ છે આ રામકૃષ્ણ રૂપે આવ્યા.
એ જ રામ એ જ કૃષ્ણ રામકૃષ્ણ સ્વાંગે;
લીલા ભેદે રૂપ ભેદ નિજ કાર્ય અંગે.
રૂપાંતર માત્ર કિંતુ ગુણાન્તર ન્હોય;
રામકૃષ્ણ મહાલીલા આપે પરિચય.
જ્યારે થાય જરૂરી જે રૂપનો પ્રકાર;
તે રૂપે એ થાય આવિર્ભાવ અવતાર.
એ જ શક્તિ સમભાવે બિરાજતી કાર્યે;
ઐશ્વર્યવાનમાં જેમ તેમ નિરૈશ્વર્યે.

ભગવાન ચાહે કોઈપણ રૂપ ધારણ કેમ ન કરે. તેમના એ રૂપમાં જ એમનાં સમસ્ત રૂપો પણ સમાયેલાં હોય છે. દાનવીર કર્ણને ત્યાં તેઓ વૃદ્ધ જર્જરિત દેહવાળા બ્રાહ્મણરૂપે આવ્યા હતા, તો શું તે વખતે તેમની અંદર કૃષ્ણ-રૂપ ન હતું? હનુમાનજીને તો કૃષ્ણ અવતારમાં પણ રામ-રૂપનાં દર્શન કરાવવા પડ્યાં હતાં. રામકૃષ્ણદેવે પણ અનેક ભક્તોને વિવિધ રૂપે દર્શન કરાવ્યાં છે. શ્રીશ્રી રામકૃષ્ણ-પૂંથિમાં એનું સવિસ્તર વર્ણન આપેલું છે. રામકૃષ્ણના ભક્તો રામકૃષ્ણ – રૂપ સિવાય બીજું રૂપ જોવા ઇચ્છતા નથી. એકવાર ઠાકુરે ગિરીશબાબુને પૂછ્યું : ‘તું કોઈ દર્શન કરવા ઇચ્છે છે?’ ત્યારે ગિરીશે પૂછ્યું : ‘જો તમે એમાં રહેલા હો તો?’ ઠાકુરે કહ્યું ‘હું તેની અંદર શા માટે રહેવા જાઉં?’ ત્યારે ગિરીશે કહ્યું : ‘તો પછી હું એવું કંઈ જોવા ઇચ્છતો નથી.’ ભગવાનના બીજા રૂપને જોઈને ભગવાનની પરીક્ષા કરવાની ઇચ્છા કરતાં ભગવાન પ્રત્યે મનનો અવિશ્વાસ સર્જાય છે તે બીજી કોઈ રીતે પ્રગટ કરી શકાતો નથી. તો પણ રામકૃષ્ણદેવે શંકા ધરાવનાર ભક્તોના સંશયને દૂર કરવા માટે કેટલીયે પરીક્ષાઓ આપી છે અને કેટલાંય રૂપ બતાવ્યા છે.

રામકૃષ્ણદેવનું દર્શન કરવાથી બધા જ અવતારોનું દર્શન થઈ જાય છે. તથા એમને સમજી લેવાથી જેટલાં પણ વેદ વેદાંત પુરાણ વગેરે છે તે બધાંનો તેમજ વિશ્વના જેટલા ધર્મો છે તે બધાનો મર્મ જાણી શકાય છે. રામકૃષ્ણદેવના શરીરમાં સમગ્ર વિશ્વ – સમગ્ર સૃષ્ટિ બધું જ રહેલું છે.

હાય કેવું મનોહર, સમાધિસ્થ કલેવર,
નિશાકર વદનમંડળ;
અનુપમ શોભા મુખે, કિરણ હિલ્લોળ પેખે,
ખેલે ત્યારે થાય ઝળહળ.
જોઉં હું શ્રીમુખ-ઇન્દુ, અંતરમાં પ્રેમસિંધુ,
દેહ પાળ છોડી વહી જાય;
એ જળ પ્રવાહ વેગે, તરે લોકો દૂર દૂરે,
બંને કાંઠે રહે જે બધાય.
ઘણે માર્ગે વહે સ્રોત, ન જાણે કો એને અંત,
વિધિના વિધાનનીય પાર.
માયા ઈશ્વરની શક્તિ, અપાર તેમની કીર્તિ,
છુપાઈ છે લીલાની ભીતર.
ક્યાહાં સૂર્ય દૂર અતિ, લઈ જાય કઈ રીતિ,
લવણાંબુ સિંધુનું ઉપરે?
કઈ એ વિમાને કળ? સ્ફટિક નિર્મળ જળ,
ચાતકની તૃષા જાય દૂરે.
ધરાની જલધિમાળા, શૂન્ય માર્ગે કરે ખેલા,
ધર્યું વાદળનું નામાંતર;
આ વડ વિચિત્ર ભાર, કશું ન જાણી શકાય,
કોનું ક્યાંહા કેવું કેવું ઘર.
એક શક્તિ જ છે મૂળે, કાર્યથી કારણ મળે,
લક્ષકોટિ સૃષ્ટિ થાય ભારી;
બંને જળ સમરૂપ, વિશ્વમધ્યે છે અરૂપ,
માયાતણી શક્તિ બલિહારી.
એકમાં ન મળે અન્ય, બધુંય છે ભિન્ન ભિન્ન,
ભારે ગુણે ગઠને વરણે;
અવિનાશી જે કંઈય, વિશ્વે નથી હેયશ્રેય,
વિના રૂપાંતરે ગુણાંતરે.
ચતુર્મુખ હરિહર, જે શક્તિની આજ્ઞા પર,
સૃષ્ટિ-લય જેમની ભીતરે;
તે જ શકિ દિવા નિશિ, શ્રી પ્રભુદેવની દાસી,
કરજોડી લીલામાંય પરે.
એવા પ્રભુ વિશ્વપતિ, તેમની લીલાની ગતિ,
શક્તિ કોની? કરે નિરૂપણ?
વ્યોમધા મળે જ્યાંહાં, ક્ષિતિજ જણાય ત્યાંહાં,
એ જ નથી લીલા-આયતન.
શ્રી પ્રભુનું લીલારાજ્ય, મોટું રહસ્ય આશ્ચર્ય,
આદિઅંત-વિહીન પ્રકાશ;
અવિરત હાથજોડી, બધા અવતાર મહીં,
નિરાપદે બધા કરે વાસ.
રાજરાજ રામકૃષ્ણ, બધા સંપ્રદાયે તુષ્ટ,
વાદવિવાદોના વિભંજન;
જેનો જ્યહાં અધિકાર, નાશ નહિ તલભાર,
સમભાવે સકલપાલન.
પુરાણ વેદાંત આદિ, જે સ્થાને જેવો છે વિધિ,
જેવા માર્ગો વ્યક્ત ચિરકાલ;
બધાને ધરિયા વક્ષે, સમાન પ્રયત્ને રક્ષે,
કર્યું એવું પ્રભુ ધર્મપાલ.

રામકૃષ્ણદેવનું સર્વ કંઈ અલૌકિક છે. એમનું સમગ્ર જીવન અલૌકિકતાથી પરિપૂર્ણ છે. તેમનામાં દુન્યવીપણાનો અંશ માત્ર નથી. એ વિષે અત્યાર સુધી તો કંઈપણ કહ્યું નથી પણ જ્યારે હું એમની લીલાનું વર્ણન કરીશ ત્યારે તમને બતાવતો જઈશ કે અત્યાર સુધીમાં એટલે કે રામકૃષ્ણદેવનાં આગમન પહેલાં જે બધા અવતાર થયા અને તેમણે જે કંઈ કર્યું તે બધું રામકૃષ્ણદેવે એકલાએ જ કર્યું છે. એટલું જ નહીં પણ તેઓએ બધાં કરતાં ઘણું વધારે કર્યું છે. હમણાં હું તમને રામકૃષ્ણદેવનાં ફક્ત બે ચાર વાક્યો જ કહું છું.

આ વાક્યો એ રામકૃષ્ણદેવના મહામંત્રો સમા વાક્યો છે. આ વાક્યોમાં રામકૃષ્ણદેવે સનાતન ધર્મના સાર તત્ત્વને આપેલું છે. મહા મહિનામાં જે હિમ પડે છે તે દેખાતું નથી પણ એમાં એટલી બધી શક્તિ હોય છે કે તે પથ્થરને પણ તોડી નાંખે છે. એવી જ રીતે રામકૃષ્ણદેવની ખૂબ જ સરળ વાતોમાં, સહજ ઉપદેશોમાં એટલી પ્રચંડ શક્તિ રહેલી છે કે જો પાષાણ હૃદયી બદ્ધજીવો એ વાણી સાંભળે તો તેમની અંદર, તેમનાં મજ્જાતંતુઓમાં, તેમની સમસ્ત નાડીઓમાં, અરે તેમનાં હાડકાઓ સુધી પણ તે પહોંચી જાય છે.

કોઈપણ વિષયને ઊંડો વિચાર કર્યા વગર સમજી શકાતો નથી. પરમહંસદેવનો મહિમા આજ સુધી પણ આ દેશના લોકો સમજી શક્યા નથી. તેનું કારણ એ છે કે કોઈએ તેમને જોયા નથી. કોઈ હિમાલયના સર્વોચ્ચ શિખર ઉપર ઊભીને એમ કહે કે મને ઠંડી લાગતી નથી એવું જ શ્રીરામકૃષ્ણદેવના મૂર્તિમંત જ્વલંત મહિમાની વચ્ચે ઊભા રહીને એમ કહેવું કે એ મહિમાને હું જાણી શક્યો નથી. જેમ હિમાલયના ઉચ્ચ શિખરોએ ઠંડી ન લાગે તો જાણવું કે એના શરીરમાં કોઈ રોગ છે. એવું જ અહીં પણ છે. જો એ મહિમાની વચ્ચે પણ તેને જાણી ન શકે તો તેણે સમજવું જોઈએ કે તેનું મન રોગથી ઘેરાયેલું છે.

એક દીન દુ:ખી બ્રાહ્મણના પુત્ર, દક્ષિણેશ્વરના કાલીમંદિરના એક પૂજારી બ્રાહ્મણ, એવી બધી વાતો કહી ગયા, એક એવું જીવન જીવીને બતાવી ગયા કે એ વાતો અને એ જીવનની ઝલક મેળવીને આજે સમગ્ર વિશ્વનાં પ્રગતિશીલ રાષ્ટ્રોના મોટા મોટા પંડિતો, વૈજ્ઞાનિકો, ધર્મતત્ત્વવિદો વગેરે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ મુગ્ધ થઈ રહ્યા છે. ઘણાં લોકો તો ખૂબ જ ભક્તિભાવપૂર્વક એમનાં લીલા સ્થળોનું દર્શન કરવા માટે સાત સમુદ્ર પાર કરીને આવે છે. અને તેઓ ક્યાં રહેતા હતા, ક્યાં બેસતા હતા, ક્યાં સૂતા હતા. એમની સાથે કોણ કોણ રહેતું હતું તથા અહીં એમના વિષે કોણ શું જાણે છે? આ બધું જાણવા માટે ભક્તિભાવથી અહીં આવે છે. રામકૃષ્ણદેવ જે વૃક્ષની નીચે બેસીને અનેક પ્રકારની સાધનાઓ કરતા હતા, જ્યાં તેમણે ધર્મનાં ગહન રહસ્યોને જાણ્યા હતા એ પવિત્ર સ્થળની માટી હજારો લોકો લઈ ગયા છે. અને એ માટીને પોતાનાં ઘરોમાં કાચના કબાટમાં રાખવાથી તેમણે પવિત્રતાનો અનુભવ પણ કર્યો છે. જે દેશોના લોકો હિંદુઓને નિર્બળ માનતા આવ્યા છે, પશુઓ કરતાં પણ હીન માની રહ્યા છે અને હિંદુઓને મૂર્તિની પૂજા કરનારા માનીને જેઓ તેમની ઘૃણા કરે છે, તેમજ જે દેશના લોકોએ ઘણાં સમયથી આ દેશમાં પાદરીઓને મોકલીને હિંદુઓને જ્ઞાનના પ્રકાશ પ્રત્યે લઈ જવાની વ્યવસ્થા કરી છે, એવા એ દેશમાં તત્ત્વને જાણવાની ઇચ્છાવાળા વિદ્વાનો આજે રામકૃષ્ણદેવની જે પ્રકારે ભક્તિભાવપૂર્વક પૂજા કરી રહ્યા છે એ શું એક ખૂબ જ અલૌકિક ઘટના નથી?

(ક્રમશ:)

Total Views: 45

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.