આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા છીએ કે મન પરનું નિયંત્રણ કેટલું આવશ્યક છે અને એ માટે આપણે મનને સૌ પ્રથમ તો પોતાની તરફ વાળવું જોઈએ, મનની તમામ શક્તિઓને એકાગ્ર કરીને આપણે જ્યાં ઇચ્છીએ ત્યાં લગાડતાં શીખવું જોઈએ; અને આ દુનિયામાં બધા પ્રકારનું જ્ઞાન એકાગ્રતાની શક્તિથી જ મેળવી શકાય છે. સામાન્ય રીતે બહારની વસ્તુઓ પર મનને એકાગ્ર કરવું વધુ સહેલું છે, પણ મનના આ વિજ્ઞાનની બાબતમાં એવું નથી. ત્યાં જ્ઞાનનો વિષય કોઈ બાહ્ય વસ્તુ નથી, પરંતુ મન પોતે જ છે. એટલે કે મનનો એક ભાગ પોતે જ મનના બીજા બધા ભાગોનો અને તેની પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે.

આપણે જાણીએ છીએ કે મનની અંદર એક એવી શક્તિ છે કે જેને ભારતીય મનોવિજ્ઞાનમાં ‘ચિંતન’ કહે છે. જ્યારે મનની શક્તિઓને એકાગ્ર કરીને તેના પોતાના પર આપણે વાળીએ છીએ ત્યારે મન પોતાનાં જ ઊંડાં રહસ્યોનો ભેદ ઉકેલે છે. પોતાના સંચિત સંસ્કારો અને એનું ઉદ્‌ભવ સ્થાન, સંવેદનાઓ અને તેનું ઉદ્‌ભવ સ્થાન વગેરેની જાણકારી આપણને થશે અને મનને નિયંત્રિત રાખવામાં એ મદદરૂપ બનશે. દરેક માણસમાં ઓછાવત્તા પ્રમાણમાં આ આંતરિક જગત કે પોતાના મન પર એકાગ્રતાની શક્તિ કેન્દ્રિત કરવાની શક્તિ હોય છે. આ સ્વનિરીક્ષણની પ્રક્રિયામાં મનનો એકભાગ જાણે કે પોતાને અલગ કરીને બાકીના ભાગોની પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરવાનું કાર્ય કરે છે.

ભારતીય માનસશાસ્ત્ર પ્રમાણે બહારના પદાર્થોની સંવેદનાઓને કાન-આંખ-નાક (બાહ્ય ઇન્દ્રિયો) વગેરે દ્વારા જ્ઞાનતંતુઓની મદદથી તેમની સાથે જોડાયેલ મગજની અંદરના કેન્દ્રો (ઇન્દ્રિયો) પાસે લઈ જવામાં આવે છે. એ ઇન્દ્રિયો તે સંવેદનાઓને મન પાસે મોકલે છે અને મન એને બુદ્ધિને સોંપે છે; બુદ્ધિ તેને આાત્મા પાસે રજૂ કરે છે; ત્યારે જ માણસને જ્ઞાન થાય છે. ત્યાર પછી એ આત્મા કે પુરુષ યોગ્ય અમલ કરવા માટે ઇન્દ્રિયોને પાછો હુકમ મોકલે છે.

સંવેદના કેવી રીતે જાય છે, મન તેને કેવી રીતે ગ્રહણ કરે છે, તે બુદ્ધિ પાસે કેવી રીતે પહોંચે છે, અને બુદ્ધિ એને આત્મા કે પુરુષ પાસે કેવી રીતે રજૂ કરે છે, એ બધું એક કેળવાયેલા મનથી જ અનુભવી શકાય. એક સામાન્ય બીનકેળવાયેલું મન એક વિષયથી બીજા વિષય પર ઝડપથી ઠેકડો મારે છે. કોઈ એક વિષય પર વધારે સમય સ્થિર રહી શકતું નથી. અને જ્યારે કોઈ પણ એક વસ્તુ પર મન પોતાની કોઈ એક ચોક્કસ ઇન્દ્રિયોના માધ્યમથી એકાગ્ર થઈ પણ જાય તો એકીસાથે બીજી ઇન્દ્રિયો દ્વારા આવતી સંવેદનાઓ તરફ પોતાનું ધ્યાન વાળી શકતા નથી. દા.ત. જ્યારે કોઈ માણસ ખૂબ એકાગ્રતાથી મધુર સંગીત સાંભળતો હોય તો તેની આંખ ખૂલી હોવા છતાંય એની સામે રહેલા કોઈ પણ સુંદર દૃશ્યની નોંધ એ લઈ શકતો નથી. એ બીન કેળવાયેલું મન એકીસાથે અલગ અલગ ઇન્દ્રિયો દ્વારા આવતી સંવેદનાઓની નોંધ લેવાની ક્ષમતા ધરાવતો નથી. પરંતુ આપણું મન અભ્યાસ દ્વારા ધીરે ધીરે આવી ક્ષમતા કેળવી શકે છે અને ત્યારે જ પોતાના મનનું નિરીક્ષણ કરવા માટે સક્ષમ બને છે.

મન સંબંધનું જ્ઞાન, મનુષ્યની આંતરપ્રકૃતિનું જ્ઞાન, વિચારનું જ્ઞાન, એનાં ઉદ્‌ભવ સ્થાનો તેમજ એમને પ્રેરણા આપનારી શક્તિનું જ્ઞાન, વગેરે – એ બધું આપણે આપણા મનની અંદર ચાલી રહેલી હકીકતોનું નિરીક્ષણ કરવાની શક્તિ ન મેળવીએ ત્યાં સુધી એ કદી સંભવ નથી. એક વૈજ્ઞાનિક જ્યારે બાહ્ય જગતની ઘટનાઓનું નિરીક્ષણ કરે છે ત્યારે એની પાસે ઘણાંય સાધનો હોય છે. એની મદદથી એ સહેલાઈથી એ પદાર્થનું નિરીક્ષણ કરે છે પણ પોતાના મનના નિરીક્ષણના બાબતમાં આવાં સાધન ઉપલબ્ધ નથી અને એકમાત્ર સાધન મન પોતે જ છે. આપણા મનની શક્તિઓ વિખરાઈ ગયેલા પ્રકાશનાં કિરણો જેવી છે. જ્યારે એ વિખરાયેલ કિરણોને એકત્ર કરવામાં આવે ત્યારે એ પ્રકાશ આપે છે. બાળપણથી જ આપણને બાહ્ય વસ્તુઓ પર જ ધ્યાન દેતાં શીખવવામાં આવ્યું છે પણ અંદરની બાબતો – મનના નિરીક્ષણની કળા શીખવવામાં આવી નથી. પરિણામે આપણામાંના ઘણા લોકો અંદરની યંત્ર રચનાનું નિરીક્ષણ કરવાની શક્તિ લગભગ ખોઈ બેઠા છીએ. મનને કેવી રીતે અંદરની બાજુએ વાળવું, તેને બહાર જતું કેવી રીતે અટકાવવું અને ખાસ તો તેની સઘળી શક્તિઓને એકાગ્ર કરીને પોતાના પર કેવી રીતે લગાડવી – એ આપણને શીખવવામાં આવ્યું નથી. આ કર્યા વિના આપણે આપણા પોતાના સ્વભાવ વિશે કંઈ પણ જાણી શકવાના નથી અને પરિણામે એને નિયંત્રણમાં રાખી પણ શકવાના નથી.

ભારતીય મનોવિજ્ઞાન કહે છે કે બાહ્ય જગત એ આપણા આંતર જગતનું સ્થૂળ સ્વરૂપ છે, એટલે કે સૂક્ષ્મ એ હંમેશાં કારણ રૂપ હોય છે, જ્યારે સ્થૂળ એનું કાર્ય. જ્યારે માણસ મનનાં પરિબળોને નિયંત્રિત કરવાની ક્ષમતા કેળવે છે ત્યારે તે પોતાની બાહ્ય પ્રકૃતિને નિયંત્રણમાં રાખવાની ક્ષમતા મેળવે છે. રાજયોગનો ઉદ્દેશ એ છે કે પ્રથમ પોતાની આંતરિક પ્રકૃતિ પર નિયંત્રણ કરીને ધીરે ધીરે સમગ્ર પ્રકૃતિને પોતાને અધીન કરવી; ત્યારે જ ખરા અર્થમાં આપણે મુક્ત થઈ શકીએ; કોઈના પણ ગુલામ બનીને નહિ પરંતુ સમસ્ત પ્રકૃતિ પર વિજય મેળવીને એના માલિક બનીએ છીએ. મનની આ ગુલામી કેટલી ભયંકર છે, એ વિશે સ્વામીજી કહે છે :

જરા વિચાર તો કરો! આપણે શું કરવું જોઈએ તે જાણ્યા છતાં બહુ થોડા સમય માટે પણ આપણે તે પ્રમાણે કરી શકતા નથી. કોઈક ઇન્દ્રિયસુખનો વિચાર જાગે છે અને તુરત આપણે તેને તાબે થઈ જઈએ છીએ. આપણી વિવેકબુદ્ધિ આવી નિર્બળતા માટે આપણને થપ્પડ મારે છે, છતાં આપણે ફરી ફરીને એમ કરીએ છીએ, રોજ રોજ એમ કરીએ છીએ. ગમે તેટલો યત્ન કરીએ તો પણ આપણે ઉચ્ચ પ્રકારનું જીવન જીવી શકતા નથી. ભૂતકાળના વિચારોનાં અને ગતજન્મોનાં ભૂતડાં આપણને નીચે દબાવી રાખે છે. ઇન્દ્રિયોની  આ ગુલામીમાંથી જ દુનિયાનું સઘળું દુ:ખ પેદા થયું છે. ઇન્દ્રિયપરાયણ જીવનથી ઊંચા જવાની આપણી અશક્તિ, શારીરિક ભોગો માટેનાં વલખાં જ જગતની બધી ભયંકરતા અને દુ:ખોનું કારણ છે. (સ્વા.વિ.ગ્રં.સં. – પૃ.૧૪૧)

મનની આવી ચંચળતાને કાબૂમાં રાખવાનું, તેને ઇચ્છાશક્તિના નિયંત્રણ હેઠળ મૂકવાનું અને મનને પ્રકૃતિના જુલમી હુકમોમાંથી મુક્ત કરવાનું શાસ્ત્ર એ જ ખરું મનોવિજ્ઞાન છે. આપણે મન વિશે કેટલું થોડું જાણીએ છીએ; મન તો શું આપણા શરીર વિશે પણ આપણે બહુ ઓછું જાણીએ છીએ. શા માટે? કારણ કે આપણું ધ્યાન શરીરની અંદર ચાલી રહેલી સૂક્ષ્મ ક્રિયાઓને પકડી શકે એટલું એકાગ્ર નથી. જેમ જેમ મન વધારે ને વધારે સૂક્ષ્મ અને એકાગ્ર બને ત્યારે શરીરની ક્રિયાઓ વિશે પણ આપણે જાણી શકીએ છીએ. આ સૂક્ષ્મ ક્રિયાઓને પકડી શકવા માટે આપણે આપણાં શરીર કે મનમાં ચાલતા સ્થૂળ અનુભવોથી શરૂઆત કરવી પડે.

ભારતીય મનોવિજ્ઞાનમાં પ્રાણની સંકલ્પના

ભારતીય મનોવિજ્ઞાન કહે છે કે આપણા શરીરયંત્રને જે ગતિમાં મૂકે છે તે પ્રાણ-શક્તિને આપણે સૌ પ્રથમ પકડવાની છે, તેને નિયંત્રણમાં રાખવાની છે. એ પ્રાણ-શક્તિનું સૌથી સ્થૂળ અને પ્રગટ સ્વરૂપ છે આપણી શ્વસન પ્રક્રિયા. આ શ્વાસના નિયંત્રણને પ્રાણાયામ કહેવામાં આવે છે. આ શ્વાસની સાથે સાથે આપણે ધીમે ધીમે આપણા સ્થૂળ શરીરમાં પ્રવેશ કરીશું અને આપણે સમગ્ર શરીરમાં ચાલી રહેલા જ્ઞાનતંતુ પ્રવાહો વિશે અને એનાં સૂક્ષ્મ બળો વિશે થોડુંઘણું જાણી શકીશું. આ બધી વસ્તુઓને જાણીને આપણને શો ફાયદો? આ પ્રવાહને જાણવાથી અને તેને કાબૂમાં રાખવાથી આપણે ફક્ત આપણા શરીરનું જ નહિ પણ મનનું પણ નિયંત્રણ કેળવી શકીએ. જેમ આપણું શરીર આપણાં જ્ઞાનતંતુ કે નાડી પ્રવાહો દ્વારા ગતિમાન થાય છે તેમ આપણું મન સુધ્ધાં આ જુદા જુદા નાડીપ્રવાહો દ્વારા ગતિમાન થાય છે. પ્રાણાયામ વિશે વિગતવાર જાણકારી મેળવતા પહેલાં સૌ પ્રથમ પ્રાણ શું છે એ જાણી લેવું જરૂરી છે. ઘણા લોકો માને છે તેમ પ્રાણાયામ એટલે આપણી શ્વસન પ્રક્રિયા પર નિયંત્રણ મેળવવું. પણ વાસ્તવિક રીતે એનો અર્થ છે પ્રાણ પરનો કાબૂ. ભારતીય દાર્શનિકોના મત પ્રમાણે આ સમગ્ર વિશ્વ બે તત્ત્વોનું બનેલું છે. એમાંનું એક છે આકાશ અને તે સર્વવ્યાપી તેમજ સર્વમાં ઓતપ્રોત થઈને રહેલું છે. જગતની ઘન, પ્રવાહી કે વાયુ રૂપ વસ્તુઓનો જે આકાર જોવા મળે છે તે આકાશ તત્ત્વમાંથી ઉત્પન્ન થયેલ છે. જો કે આકાશ તત્ત્વ અત્યંત સૂક્ષ્મ છે અને ઇન્દ્રિયોથી અગોચર છે પણ તે જ્યારે સ્થૂળ આકાર લે છે ત્યારે આપણે એને જોઈ શકીએ છીએ કે ઇન્દ્રિયો દ્વારા જાણી શકીએ છીએ. કઈ શક્તિ દ્વારા આ આકાશતત્ત્વ વિશ્વરૂપ ધારણ કરે છે? એ શક્તિ છે પ્રાણ. આ પ્રાણ જ વિશ્વની અનંત અને સર્વવ્યાપી સર્જકશક્તિ છે. ગુરુત્વાકર્ષણથી માંડીને શરીર સંચાલન, જ્ઞાનતંતુપ્રવાહ અને વિચારશક્તિ પ્રવાહ સુધીની બધી પ્રક્રિયાઓની શક્તિ આ પ્રાણની શક્તિના પ્રકારો છે. આપણી શારીરિક, માનસિક કે સાંવેગિક પ્રક્રિયાઓ આ પ્રાણની શક્તિથી જ ચલાયમાન થાય છે. એટલે જ માણસ મૃત્યુ પામે ત્યારે આપણે એ વ્યક્તિનો પ્રાણ ચાલ્યો ગયો છે એમ કહીએ છીએ.

આ પ્રાણ પર કેવી રીતે સંયમ કેળવવો કે કાબૂ મેળવવો એ પ્રાણાયામનો મૂળ ઉદ્દેશ છે. આપણે પહેલાં પણ જોઈ ગયા છીએ કે સૂક્ષ્મને પકડવા માટે સ્થૂળનો આશરો લેવો પડે. પોતાની સમીપ રહેલી સ્થૂળ વસ્તુઓમાં નજીકમાં નજીક આપણું શરીર છે. શરીરની બધી પ્રક્રિયાઓમાં શ્વસન પ્રક્રિયાને સહેજમાં નિયંત્રણમાં લાવી શકાય તેવી છે. એના દ્વારા આપણાં જ્ઞાનતંતુઓના પ્રવાહને પણ નિયમનમાં રાખી શકીએ છીએ, વિચારોને પણ કાબૂમાં રાખી શકીએ છીએ અને અંતે મનને એ બધા દ્વારા નિયંત્રણમાં લાવી શકાય છે. સ્વામીજી કહે છે:

‘વિશ્વની અંદરના સમસ્ત પ્રાણ કરતાં જે પ્રાણ આ મન અને શરીરને ચલાવે છે, તે આપણી સૌથી વધુ નજીક છે. આપણી પોતાની માનસિક અને શારીરિક શક્તિઓના પ્રતિક રૂપ જે આ પ્રાણશક્તિનો નાનકડો તરંગ છે તે પ્રાણશક્તિના અનંત સાગરના સર્વતરંગો કરતાં આપણી વધુ નજીક છે. જો આપણે એ નાનકડા તરંગ પર કાબૂ મેળવવામાં સફળ થઈએ તો જ આપણે સમગ્ર પ્રાણ પર કાબૂ મેળવવાની આશા રાખી શકીએ.’

વિચાર એ પ્રાણની સર્વોત્કૃષ્ટ અભિવ્યક્તિ છે. ભારતીય દર્શન શાસ્ત્ર પ્રમાણે આ પ્રાણ જ પ્રત્યેક પ્રાણીની જીવનશક્તિ છે અને વિચાર એ પ્રાણીની સૂક્ષ્માતિ સૂક્ષ્મ અને ઉચ્ચાતિ ઉચ્ચ ક્રિયા છે. આપણી સભાન અવસ્થામાં આવતા વિચારો એ જ સઘળું નથી, એનું કારણ એ છે કે આપણા મનનું બીજું સ્તર પણ છે; જેને આપણે સહજવૃત્તિ કે અજ્ઞાનવૃત્તિ કહીએ છીએ. આ બધું પ્રાણીઓમાં પણ જોવા મળે છે. દા.ત. જ્યારે આપણને મચ્છર કરડે કે તરત જ સ્વયંભૂ રીતે આપણો હાથ એને ઝાપટ મારવાનો પ્રયત્ન કરે છે. આ સહજવૃત્તિની સ્વયંભૂ ક્રિયાઓનો એક પ્રકાર છે. વિચારનું બીજું સ્તર છે સભાનપૂર્વક થતી ક્રિયાઓ. જ્ઞાનતંતુઓ મન પાસે જ્યારે વિવિધ સંવેદનાઓ મૂકે ત્યારે આપણે બુદ્ધિ ચલાવીએ છીએ, યોગ્યાયોગ્યનો નિર્ણય કરીએ છીએ, વગેરે. આને મનની ચિંતન પ્રક્રિયા કહેવાય.

અજ્ઞાત સ્તરમાં રહેલા વિચારો જાણે કે ધૂમકેતુઓની જેમ આપણા સભાન અવસ્થાના સ્તરે આવે છે અને વિચાર રૂપે પ્રગટ થાય છે તેમજ પાછા ચાલ્યા જાય છે. સહજવૃત્તિ અને સભાન વૃત્તિથી પણ ઊંચી મનની ત્રીજી ભૂમિકા છે, આ ભૂમિકાને અતીન્દ્રિય ભૂમિકા કહી શકાય. મન બુદ્ધિની મર્યાદાઓને ઓળંગીને એ ભૂમિકાએ જાય છે, એ ભૂમિકાને સમાધિ અવસ્થા કહે છે. એટલે જ સ્વામીજીએ કહ્યું છે:

‘શરીરનાં સૂક્ષ્મ બળોની બધી ક્રિયાઓ, પ્રાણશક્તિના વિવિધ પ્રકારો એમણે જો કેળવ્યાં હોય તો તેઓ મનને ઊંચે ધક્કો મારે છે. તેને વધુ ઊંચે જવામાં અને ઇન્દ્રિયાતીત થવામાં સહાયભૂત થાય છે કે જે ભૂમિકાએથી તે મન કાર્ય કરે છે.’

આ બધી વાત તો થઈ જીવનના અંતિમ સર્વોત્કૃષ્ટ લક્ષ્યની. પણ વ્યાવહારિક દૃષ્ટિએ જોઈએ તો આ પ્રાણાયામની પ્રક્રિયા આપણા દૈનંદિન જીવનમાં આપણાં મનદેહને, આપણાં જ્ઞાનતંતુઓના પ્રવાહને, આપણા ચંચળ વિચારપ્રવાહને શાંત અને સ્થિર કરવામાં મોટો ભાગ ભજવે છે. એ જ એની સાચી અને વ્યાવહારિક ઉપયોગિતા છે. પ્રાણાયામની કેટલીક પ્રક્રિયાઓની માહિતી અને એનું જ્ઞાન મેળવવું આપણાં મનદેહની સ્થિરતા અને શાંતિ તેમજ નિયંત્રિત જીવન માટે આવશ્યક છે.

પ્રાણ અને શ્વાસોચ્છ્‌વાસનો પારસ્પરિક સંબંધ

એક રીતે તો પ્રાણાયામ એ પ્રાણ પરનો અંકુશ કેળવવાનો કે સ્થાપવાનો એક અભ્યાસ છે. આ વાત આપણે જોઈ ગયા છીએ. આ શ્વાસોચ્છ્‌વાસનું તાલબદ્ધ કંપન ઉચ્ચતર કક્ષાની અંતર્દૃષ્ટિ અને સમજણ કે જ્ઞાન કેળવવામાં સહાયરૂપ નીવડે છે. એનાથી આપણી વિચારશક્તિ કે બુદ્ધિ સૂક્ષ્મતર બને છે. આપણા દેહમાં શ્વાસોચ્છ્‌વાસની પ્રક્રિયા વખતે ફેફસાઓનું ફૂલાવું અને સંકોચાવું એ દેખાતી પ્રક્રિયાઓમાંની એક છે. આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે તે શ્વાસ ફેફસાઓને ગતિમાન કરતું નથી, પરંતુ વાસ્તવિક રીતે તો ફેફસાઓનું સંકોચાવું કે ફૂલાવું એ જ આપણા શ્વાસને અંદર લેવાની કે બહાર કાઢવાની ક્રિયાઓ માટે કારણભૂત છે. પ્રાણાયામ એટલે ફેફસાઓની ફૂલાવા અને સંકોચાવાની શક્તિ આપતાં સ્નાયુઓ પર નિયંત્રણ. ફેફસાનાં સ્નાયુઓને ચલાયમાન થવા ઉત્તેજતી જ્ઞાનતંતુઓની પ્રવાહશક્તિ એ જ પ્રાણશક્તિની એક અભિવ્યક્તિ છે. આ શક્તિનું નિયમન પ્રાણાયામ દ્વારા થઈ શકે છે. કોઈ પણ જિજ્ઞાસુ પ્રાણની આ અભિવ્યક્તિને શ્વાસોચ્છ્‌વાસની ક્રિયા દ્વારા નિયંત્રણમાં લાવી શકે તો આ દેહમાં થતી પ્રાણનાં બીજાં બધાં કાર્યોને પણ ધીમે ધીમે અને ક્રમશ: સંયમમાં લાવી શકે.

આજનું મેડિકલ સાયન્સ પણ એમ માને છે કે પ્રાણાયામની આ નિયમિત થતી પ્રક્રિયાઓ દ્વારા આપણા શ્વાસોચ્છ્‌વાસની સાથે શરીરની બીજી બધી પ્રક્રિયાઓ (રક્તચાપ, ચયાપચય, અંત:સ્રાવી ગ્રંથિઓનું સ્રવણ) નું પણ નિયંત્રણ થાય છે અને માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. આપણા શરીરનો એકેએક ભાગ પ્રાણથી, આ જીવનશક્તિથી ભરી દઈ શકાય અને જ્યારે આપણે એમ કરી શકીશું ત્યારે આપણે આખા શરીર પર કાબૂ મેળવી શકીશું. ફક્ત એટલું જ નહિ, શરીરની અંદર જણાતી સઘળી માંદગી અને દુ:ખ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી જાય છે. એથીયે અદ્‌ભુત કાર્ય આ પ્રાણશક્તિ કરી શકે છે. સ્વામીજી કહે છે કે આપણે બીજાના મનશરીર પર પણ આ પ્રાણશક્તિ અસર પાડી શકે છે. તેઓ કહે છે:

‘આ દુનિયામાં સારું કે નરસું સર્વ કંઈ સંક્રામક છે. જો તમારું શરીર અમુક પ્રકારની તીવ્રતાની સ્થિતિમાં હશે તો તેવી જ તીવ્રતા બીજામાં પણ પેદા કરવા જેવું તે થઈ જશે. જો તમે સશક્ત અને નીરોગી હશો તો જેઓ તમારી નજીક રહે તેઓમાં પણ સશક્ત અને નીરોગી રહેવાની વૃત્તિ થઈ આવશે, પણ જો તમે માંદલા અને નબળા હશો તો તમારી આજુબાજુના લોકોમાં પણ તેવા રહેવાનું વલણ થઈ જશે… એક ખૂબ બળવાન માણસ નબળા માણસની સાથે રહે તો તે નબળા માણસને જરા વધુ સબળ બનાવશે જ. પછી તે જાણે કે ન જાણે. પણ જ્યારે તે સમજપૂર્વક કરવામાં આવે ત્યારે તેનું પરિણામ ઝડપથી અને વધુ સારું આવે.’ (સ્વા.વિ.ગ્રં.મા., ૩.૧૨૦)

આ પ્રાણશક્તિ જે આપણી વિચારશક્તિ તરીકે અભિવ્યક્ત થાય છે. તેની અસર બીજાઓ ઉપર કેવી પડે છે એ વિશે સ્વામીજી કહે છે :

‘જેણે પ્રાણશક્તિ પર કાબૂ મેળવેલો છે તેવા પરિત્ર માણસમાં જ પ્રાણને કંપનની અમુક સ્થિતિમાં લાવવાની શક્તિ આવે છે અને તેનો બીજાઓમાં સંચાર કરીને તે દ્વારા તેમનામાં તેના જેવું જ પ્રાણકંપન જગાવી શકાય. એ વસ્તુ તમે રોજિંદા કાર્યોમાં જોઈ શકો છો. આ હું તમારી સમક્ષ બોલી રહ્યો છું તેમાં હું શું કરવાનો પ્રયાસ કરી રહ્યો છું? એમ કહેવાય કે હું તેમાં મારા મનને કંપનની અમુક સ્થિતિએ લઈ જાઉં છું. અને તે સ્થિતિએ પહોંચાડવામાં હું જેટલો વધારે સફળ થાઉં તેટલી મારા કહેવાની અસર તમારા પર વધારે પડશે. તમે સૌ જાણો છો કે જે દિવસે હું વધારે ઉત્સાહમાં હોઉં છું, તે દિવસે તમને વ્યાખ્યાનમાં વધુ રસ પડે છે; અને જ્યારે હું ઓછા ઉત્સાહમાં હોઉં છું ત્યારે તમને રસ નથી પડતો.’ (સ્વા.વિ.ગ્રં.મા., ૩.૧૨૧)

આ જગતમાં જન્મેલ પયગંબરો કે મહાપુરુષોની સુષુપ્ત શક્તિ વિશે સ્વામીજી કહે છે:

‘જગતની વિરાટ ઇચ્છાશક્તિવાળી વિભૂતિઓ, દુનિયાને હલાવી નાખનારા મહાન પુરુષો પોતાની પ્રાણશક્તિને કંપનની એક ઉચ્ચ સ્થિતિએ લાવી શકે છે. અને તે એટલી મહાન અને પ્રબળ હોય છે કે તે બીજાઓને એક ક્ષણની અંદર ઝડપી લે છે અને હજારો મનુષ્યો તેમના તરફ આકર્ષાય છે, અને અરધી દુનિયા તેમના વિચારો પ્રમાણે વિચાર કરતી થઈ જાય છે. દુનિયાના મહાન પેગંબરોની અંદર પ્રાણશક્તિ પર ઘણો અદ્‌ભુત કાબૂ હતો; તેને લઈને તેમનામાં પ્રચંડ ઇચ્છાશક્તિ પેદા થયેલી; તેઓ પોતાની પ્રાણશક્તિને ગતિની સર્વોચ્ચ સ્થિતિએ લઈ ગયા હતા અને જગત પર હકૂમત ફેલાવવાની તાકાત તેમનામાં આમાંથી આવી હતી. શક્તિના સઘળા પ્રકારોની ઉત્પત્તિ આ પ્રાણશક્તિ પરના કાબૂમાંથી જ થાય છે. મનુષ્યો તેનું રહસ્ય ભલે જાણતા ન હોય, પણ તેનો ખુલાસો આ એક જ છે.’ (સ્વા.વિ.ગ્રં.મા., ૩.૧૨૧)

(ક્રમશ:)

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.